કોઈક સ્મિત – વીનેશ અંતાણી

[‘ડૂબકી શ્રેણી’ના તાજેતરમાં પ્રકાશિત થયેલ આ ત્રીજા પુસ્તક ‘કોઈક સ્મિત’ના લેખોમાં માનવ મનના અંદર-બહારના જગતને વિચારો, સંવેદનો અને વિવિધ દષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે. જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને ઉજાગર કરવામાં મદદ કરે છે તેમ સિદ્ધહસ્ત કલમે લખાયેલા આ લેખો પણ જીવનને વધારે ઉજ્જવળ બનાવવામાં મદદ કરે છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સર્જનની લીલા અટપટી છે

એક વાર અમે હૈદરાબાદમાં શૉપિંગ મૉલ તરફ જતાં હતાં. મારી સાત વર્ષની પૌત્રી રાશિ અમારી સાથે હતી. એણે અચાનક કાગળની ચબરખી કાઢી, બોલપેન ઉઘાડી અને કશુંક લખવા લાગી. થોડી વાર પછી કહે : ‘મેં એક વાર્તા લખી.’ વાંચી સંભળાવી. વાર્તા અંગ્રેજીમાં લખી હતી. સાવ ટચૂકડી. નામ હતું : ‘ધ ગર્લ – આયેશા.’ વાર્તા આ રીતે લખાઈ છે : ‘એક છોકરી હતી એનું નામ આયેશા હતું. એ એક દિવસ ફળ-શાકભાજી ખરીદવા દુકાનમાં ગઈ. ત્યાંથી પાછી આવીને ડાન્સ-કલાસમાં ગઈ. ત્યાંથી ચિત્રકામના કલાસમાં ગઈ. ત્યાં એણે બતક-હંસ અને બીજાં પક્ષીઓનાં ચિત્રો દોર્યાં. એને મોડું થઈ ગયું હતું. ઘેર પહોંચીને એણે કપડાં બદલ્યાં. ત્યાંથી સ્ટેશને પહોંચી. પછી એણે એનાં દાદા-દાદીને બાય કહ્યું અને ટ્રેન ઊપડી.’

આ વાર્તામાં જે કંઈ બને છે તે રાશિ સાથે પણ જુદાજુદા સમયે બને છે. તેમ છતાં તે બધું જ ચાલતી કારમાં, અચાનક, એના મનમાં શા માટે ઊઘડ્યું અને ‘વાર્તા’ રૂપે બહાર આવ્યું તે પ્રશ્નનો જવાબ મળતો નથી. જે કંઈ લખાયું તે તદ્દન સ્વાભાવિક રીતે અને સરળતાથી બન્યું. ઘણી વાર મોટા લેખક-કળાકારોને પણ પ્રશ્ન થાય છે કે એમણે જે સર્જ્યું એ એમને કેવી રીતે સૂઝ્યું.

ઘણા સાહિત્યકારો-કળાકારો માટે પોતાની સર્જનપ્રક્રિયાને સમજવી અઘરી બની જાય છે. સર્જનપ્રક્રિયા-સર્જન માટે ‘લીલા’ શબ્દ પ્રયોજાય છે. આપણી બહારનું જગત અને અંદરનું જગત ક્યાં અને ક્યારે સેળભેળ થઈ જાય છે તેની ખબર જ પડતી નથી. સ્વ. સુરેશ જોષીએ એમના નિબંધ ‘માયાની લુબ્ધતા’માં લખ્યું છે : ‘આ અંદર બહારનો મામલો ભારે અટપટો છે એમ આપણે માનીએ છીએ, વાસ્તવમાં એ ભેદ કૃત્રિમ છે. જે બહાર છે તેને નર્યું બહાર રહેવા દેવાનું આપણને પરવડતું નથી. જે અંદર છે તેને જો અંદર જ પૂરી રાખીએ તો એના ભારથી કચડાઈ મરીએ. આથી અંદર અને બહારના સામસામેના બે અંતિમો જ્યાં મળી જતા હોય એવી ભૂમિકાની આપણે શોધ કરવાની રહે છે.’ તે શોધના ભાગરૂપે પણ જે કંઈ જેવી રીતે રચાતું આવે એ પ્રક્રિયાને સમજવી ‘અટપટી’ તો છે જ. મને યાદ આવે છે, મેં વર્ષો પહેલાં ‘સ્મશાન’ નામની વાર્તા લખી હતી. એ વાર્તા પૂરી કરીને હું રાતે અઢી-ત્રણ વાગે સૂઈ ગયો. સવારે છ-સાડા છએ કોઈ મારા ઘરનો દરવાજો ઠોકતું હોય તેવો અવાજ સંભળાયો. હું જાગી ગયો. કાચી ઊંઘમાં જ મને સંભળાયું કે કોઈ વ્યક્તિ મારા બનેવીના અવસાનના સમાચાર આપી રહી હતી. મેં આગલી રાતે જ સ્મશાનનું જે વાતાવરણ વાર્તામાં કાલ્પનિક રીતે નિરૂપ્યું હતું તે જ વાતાવરણનો વાસ્તવિક અનુભવ મને બીજા દિવસે થયો. આમ, મારી અંદર રહેલું હતું તે પહેલાં પ્રગટ્યું, બહારનું પછી બન્યું.

એક રાતે મારા પિતાજીને રાતે અગિયાર વાગ્યા પછી લકવાનો હુમલો થયો. ડૉક્ટરે પિતાજી જે જગ્યાએ સૂતા હતા ત્યાંથી એમને ખસેડવાની ના પાડી હતી. તે રાતે અમારે જાગવાનું હતું. બધાંએ સાથે જાગવાની જરૂર ન હતી. મેં બીજા લોકોને થોડી-થોડી વાર આરામ લેવા કહ્યું. હું મારા બેભાન પિતાજી પાસે એકલો બેઠો હતો. તે વખતે મારી માનસિક હાલત કોઈ વાર્તા લખવા જેવી ન જ હોય, છતાં કોણ-જાણે શું થયું, હું સમય પસાર કરવાના ઈરાદાથી કાગળો લઈને બેઠો. કશી જ પૂર્વયોજના વિના જે મનમાં આવ્યું તે લખવા લાગ્યો. મને ખબર પણ ન હતી ને હું મારી ‘શ્વાસનળીમાં ટ્રેન’ નામની વાર્તા લખવા માંડ્યો હતો. નવાઈની વાત એ છે કે વાર્તામાં બનતી ઘટના અને હું વાર્તા લખી રહ્યો હતો તે વખતની મારી બાહ્ય વાસ્તવિકતાને કશો જ સંબંધ નથી. મારી બહાર જે હતું તે અને મારી અંદર જે વાર્તારૂપે રચાઈ રહ્યું હતું તે બેની વચ્ચેના અંતિમોની સમાન ભૂમિકા કઈ રીતે જોડાઈ તે મને કદી સમજાયું નથી. તે સમજાવાનું પણ નથી, ન મને – ન તો કોઈ બીજા સર્જક-કલાકારને. સર્જનપ્રક્રિયા જેટલી અસ્પષ્ટ અને અટપટી રહે એટલું સારું. એ જે ક્ષણે સમજાઈ જશે – કદાચ – તે ક્ષણથી જ સર્જન સાથે સંકળાયેલા વિસ્મયલોકની મજા મરી જશે. ઘણી વાર તો આપણી સાથે બનેલું કેટલુંક વર્ષો સુધી આપણે વીસરી ગયા હોઈએ છીએ, પછી ઘણાં વર્ષો પછી તે બધું જ અચાનક મનમાં તરી આવે છે અને તે વર્ષો જૂના અનુભવ પરથી વાર્તા-કવિતા કે બીજું કશુંક સર્જાઈ ઊઠે છે. મારી આઠ-નવ વર્ષની વય વખતના બાળદોસ્તો લગભગ બાવનેક વર્ષો પછી મારા મનનો કબજો લઈ બેઠા અને એવા કિશોરો વિશે એક લાંબી વાર્તા લખાઈ.

સર્જનની લીલા ખરેખર અટપટી છે. તેને સમજવાનો પ્રયત્ન ન કરવામાં જ સાર છે.

[2] રસ્તો આગળ વધતો રહે છે

ગુજરાતીઓ ફરવાના શોખીન છે. તમે ગમે ત્યાં જાઓ ગુજરાતી પર્યટકો જોવા મળશે. મારા થોડા મિત્રો કશ્મીરના પ્રવાસે જઈ આવ્યા હતા. તેની સ્મૃતિ હજી ઓસરી ન હતી. કશ્મીરની વાતો પછી એમણે ઉતારેલો વીડિયો જોવાનો ઉપક્રમ પણ ચાલ્યો. એ મિત્રોની સ્મૃતિમાંથી પ્રવાસનો ઉન્માદ ઓસર્યો ન હતો. સમયાંતરે ઘર છોડીને પર્યટન માટે નીકળી પડવું બહુ મોટી વાત છે.

અંગ્રેજીમાં આનંદપર્યટન, થોડા દિવસો માટેની મોજમજા, માટે પ્રવાસે જતા લોકો માટે ‘ટૂરિસ્ટ’ શબ્દ છે. બીજો એક શબ્દ પણ છે – ‘ટ્રાવેલર’. ટ્રાવેલર જુદા અર્થમાં નિત્ય પ્રવાસીઓ હોય છે. એમના માટે પ્રવાસનો અર્થ થોડા દિવસોના વૅકેશનમાં માત્ર મોજમજા ખાતર બહાર નીકળી પડવું એવો થતો નથી. એ લોકો વ્યાપક રીતે દુનિયાને ‘જોવા’ અને ‘જાણવા’ માટે અજાણી ભોમકાને ખૂંદી વળે છે. કોઈએ સરસ વાત કહી છે કે ટૂરિસ્ટને તે લોકો ક્યાં ગયા હતા તેની ખબર રહેતી નથી અને ટ્રાવેલરને પોતે ક્યાં જઈ રહ્યા છે તેના વિશે ખબર હોતી નથી. રૉબર્ટ લ્યૂસ સ્ટીવન્સને કહ્યું છે : ‘મારે માટે પ્રવાસનો અર્થ કોઈ ચોક્કસ-નિશ્ચિત જગ્યાએ જવું તેવો થતો નથી, પણ માત્ર ‘જવું’ – ઘર છોડીને આ દુનિયામાં ક્યાંક ને ક્યાંક જતા રહેવું – તેવો અર્થ થાય છે.’ સાચા યાત્રી માટે સતત ચાલતા રહેવાની પ્રક્રિયા જ પ્રથમ મહત્વ ધરાવે છે. લિયોત્ઝુએ કહ્યું છે તેમ સાચો પ્રવાસી કોઈ જગ્યાએ પહોંચવા માટે પ્રવાસમાં નીકળતો નથી.

પત્રકાર-લેખક મિત્ર બકુલ ટેલર એમના એક લેખ માટે મેં કરેલા પ્રવાસો વિશે મારી સાથે વાતો કરી રહ્યા હતા. તેમણે મને મેં મારા બાળપણમાં કરેલા પ્રવાસ અંગે પૂછ્યું. મેં લગભગ મારી સાત વર્ષની વયે કચ્છમાં ભુજથી ભચાઉ સુધી કરેલા પ્રથમ ટ્રેનપ્રવાસનો અનુભવ મને તાજો જ બનેલો બનાવ હોય એટલો સ્પષ્ટ યાદ આવી ગયો હતો. ટ્રેન માટેનું બાળસહજ આશ્ચર્ય, વચ્ચે આવતાં નાનાંનાનાં સ્ટેશનોનાં ઉજ્જડ કાચાં પ્લૅટફૉર્મ, ગરમી, પાણી વેચવા દોડતી આવતી કન્યાઓ, બારીમાંથી ભાગતી દેખાતી ધરતી, મારી આંખમાં પડેલી કોલસાની કણી અને પેસેન્જર ટ્રેનનો મધ્યમ ગતિનો લય. એ ટ્રેનપ્રવાસ દરમિયાન મેં પ્રથમ વખતે પાછળ છોડી દીધેલું મારું ઘર મને યાદ આવતું રહ્યું હતું અને હું વારંવાર ઉદાસ થઈ જતો હતો. મને બરાબર યાદ છે કે હું હવે કદી પણ મારા ઘરે પાછો ફરી શકીશ નહીં તેવો અકારણ ભય પણ મને લાગ્યો હતો.

જાણીતી ભૂમિમાંથી અજાણી ભૂમિ તરફ જવાનો પણ જુદો જ થડકો હોય છે. અમે પ્રથમ વાર ઈંગ્લૅન્ડ જતાં હતાં ત્યારે લંડન પહોંચતાં પહેલાં ગલ્ફના એક અજાણ્યા હવાઈમથક પર થોડા કલાક રોકાવાનું બન્યું હતું. તે વખતે મોટી ઉંમરે થયેલો થડકાર મને યાદ છે. હું પ્રથમ વાર મારા પોતાના દેશની જમીન ઉપર ન હતો, પણ કોઈ વિદેશી ધરતી પર ઊભો હતો અને મારે જ્યાં પહોંચવાનું હતું તે બીજા પરદેશના શહેર લંડનથી હજી ઘણો દૂર હતો. એક પ્રકારે કોઈ પણ સ્થળમાં ન હોવાની વિચિત્ર સભાનતાનો અનુભવ મને થવા લાગ્યો હતો. ત્યારે મેં ક્યાંક વાંચેલું વાક્ય મને યાદ આવી ગયું હતું : ‘ધરતીનો કોઈ પણ વિસ્તાર ‘પરદેશ’ હોતો નથી. ખરેખર તો પ્રવાસીઓ જ ‘પરદેશી’ હોય છે.’ ગલ્ફની એ ધરતી કે ઈંગ્લૅન્ડની ધરતી તો એની મૂળ જગ્યાએ જ વસેલી હોય છે, આપણે એ ભૂમિના નથી તે વાત આપણને આગંતુક – વિદેશી બનાવે છે.

સાચા પ્રવાસ માટે ઉત્કટ તરસ અનુભવતા લોકો એમના ઘરમાં પણ પરદેશી જેમ વસે છે. એવા લોકો બધા જ પ્રકારનો બોજ ઘરમાં છોડીને ભારવિહીન થઈ જવા માટે ઉપર આકાશ અને નીચે ધરતીની મોકળાશ અનુભવવા માટે રખડવા નીકળી પડે છે. એમને પ્રવાસમાં પડતી કોઈ તકલીફો અકળાવતી નથી. એ લોકો અગાઉથી હોટલનું બુકિંગ કરાવીને નીકળતા નથી. સાચા પ્રવાસીઓ રાત પડે ત્યાં રોકાઈ જાય છે. એમને ઘેર પાછા ફરવાનો અનુભવ વિચિત્ર લાગે છે. નિત્ય પ્રવાસ જ એમની નિયતિ હોય છે અને આવનારી ક્ષણો એમના માટે શું નવું ઉઘાડશે તેની એમને કલ્પના પણ હોતી નથી. જે. આર. ટૉલ્કિનની એક નાનકડી કવિતા છે. એમાં એમણે પ્રવાસના સ્થૂળ અર્થને જિંદગીના પ્રવાસ સાથે જોડી આપ્યો છે. એનો ભાવાર્થ કંઈક આવો છો :
‘રસ્તો જ્યાંથી શરૂ થયો છે ત્યાંથી આગળ ને આગળ ચાલતો રહ્યો છે. એ રસ્તા પર જિંદગીભર ચાલ્યા પછી હવે મને થાક લાગવા માંડ્યો છે. હું દૂર-દૂર લંબાતા રસ્તાને તાકી રહ્યો છું. હવે એ આગળના માર્ગ પર બીજાં પ્રવાસીઓને ચાલવા દો અને એમને એમની યાત્રાનો આરંભ કરવા દો. હું તો મારા થાકેલા પગોને કોઈ અજાણી ધર્મશાળા તરફ વાળીશ અને ત્યાં બેસીને મારી લાંબી ઊંઘની પ્રતીક્ષા કરીશ.’

[ કુલ પાન : 144. (નાની સાઈઝ). કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમને નાખો જિંદગીની આગમાં ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
બુઢાપો અને બાળપણ – દિનકર જોષી Next »   

9 પ્રતિભાવો : કોઈક સ્મિત – વીનેશ અંતાણી

 1. ખુબ સુંદર…

  સર્જનની લીલા નો અનુભવ અને અનુભૂતિ બન્ન્ને છે. ક્યારેક જાણબાર જ લખાઇ જાય અને ખબર પણ ના પડે કે ક્યારે લખાયું. એના માટે કોઇ પ્રયત્ન નહિ માત્ર સર્જન નો આનંદ

 2. tilumati says:

  ખુબ જ સરસ.

 3. Dipti Trivedi says:

  કોઈએ સરસ વાત કહી છે કે ટૂરિસ્ટને તે લોકો ક્યાં ગયા હતા તેની ખબર રહેતી નથી અને ટ્રાવેલરને પોતે ક્યાં જઈ રહ્યા છે તેના વિશે ખબર હોતી નથી— ‘ધરતીનો કોઈ પણ વિસ્તાર ‘પરદેશ’ હોતો નથી. ખરેખર તો પ્રવાસીઓ જ ‘પરદેશી’ હોય છે.—-આ બે મુદ્દા ખૂબ ગમ્યા.
  વાર્તામાં વાર્તા છે આયેશાની તે પણ સરસ છે.

 4. nayan panchal says:

  સર્જનનો અનુભવ ખરેખર અટપટો છે. જેઓ નિયમિ રીતે ડાયરી લખતા હશે તેમને આનો અનુભવ હશે જ. પોતે લખેલી ડાયરી અમુક સમય પછી વાંચીએ તો આ વાત સમજાઈ જશે.

  પ્રવાસને વધુ વિસ્તૃત રીતે વિચારીએ તો ઓશોએ કહ્યુ તેમ આપણે બધા જ આ ધરતી રૂપી સ્થળ પર પ્રવાસી જ છે.

  સરસ લેખો. આભાર.
  નયન

 5. Anila Amin says:

  સર્જ્નનો અનુભવ તમારામાટે અટ્પટો છે એબાબતતો આપન લેખપરથી સમજાઈ પણ મને ઘણીવાર લખવન વિચારો

  આવે ,મનમા કલ્પનાઓ દોડે, એકાદ દિવસ આખો વિચરો અને કલ્પનાઓમાખોવાયેલી રહુ અને પછી બધુ અદ્ર્શ્ય થઈ જાય

  આને શુ કહેવાય?

  બીજો લેખ વાચીને રખડવાનો આનન્દ યાદ આવી ગયો. બન્નેલેખો ખૂબ જ સરસ.

 6. Sandhya Bhatt says:

  આપણી અંદરના જગતમાં નિરંતર કશુંક જીવાયા કરે છે, તેને કાગળ પર ઉતારવાનો અને એ રીતે આ જગતને અવતારવાના આનંદની વાત ગમી ગઈ.વીનેશભાઈને હું કોલેજમાં ભણતી, ત્યારે વાંચતી. અને મને પણ લખવાનું મન થયું. બીજાને લખતાં કરે તે લેખક, એવી વ્યાખ્યા કરી શકાય?

 7. માત્ર લખતી વખતે જ નહિ કંઈક વાંચતી વખતે પણ અંદર અને બહારના બે અંતિમો જ્યાં મળી જતા હોય છે.
  આવી અનુભુતિ મે પણ અંતાણી સાહેબની નવલકથા ‘પ્રિયજન’ વાંચતી વખતે અનુભવેલી.

 8. mayuri says:

  બહુજ સરસ લેખ દેસ તો એ જ હોય છે,પ્રવાસિ પરદેષિ હોય છે…………………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.