- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ભેટનું મૂલ્ય… – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

બાળકનું નામ, પુસ્તકનું નામ, વાર્તાનું શીર્ષક અને આપવાની ભેટ પસંદ કરતાં હંમેશાં મૂંઝવણ થવાની જ અને તે પણ કેવી ? લગ્ન માટે કોઈ રૂપસુંદરીના હાથની માગણી કરવા જેવી…. મીઠી મધુર, હૈયે હોય પણ હોઠે ન આવે એવી. ભાવ હોય, પણ વ્યક્ત કરવાની વાણી ન સૂઝે એવી !

‘શું ભેટ આપવી એ ખરેખર સમસ્યા છે. જે ચીજ ગમે એ ઘણી વાર આપણા બજેટની બહારની હોય અને ગમે તેવી વસ્તુ ભેટમાં આપવાની મને ગમતું નથી, પરંતુ દુકાનમાં જઈ શું લેવું એ સમજ નથી પડતી !’ અપર્ણાએ સવારે ગાર્ડનમાં ચાલતાં ચાલતાં કહ્યું.
‘મેં તો હવે નક્કી જ કર્યું છે કે એ બધી ભાંજગડમાં પડવાને બદલે કવર જ આપી દેવું.’ વ્યવહારદક્ષ દીપ્તિએ ઉપાય સૂચવ્યો.
‘લગ્નની સિઝન પુરબહારમાં હોય ત્યારે ભેટમાં શું આપવું એ સમસ્યા બની રહે છે. સાચું કહું તો મને કોઈ ભેટ આપે એ ગમે છે અને કોઈને પ્રસંગોપાત ભેટ આપવાનું પણ બહુ ગમે, પરંતુ દરેક વખત ભેટમાં શું પસંદ કરવું એની થોડીક વિમાસણ તો થાય જ.’ મેં એમની વાતમાં સૂર પુરાવતાં કહ્યું.

આ મૂંઝવણ આપણને બધાને જ થવાની, કારણ કે જન્મ, જન્મદિવસ, લગ્ન, લગ્નતિથિ, દિવાળી, નવું વર્ષ – આ પ્રસંગો આવ્યા જ કરવાના. ષષ્ટિપૂર્તિ, લગ્નની રજતજયંતી, નોકરીમાં બદલી કે બઢતી, મકાનનું ખાતમૂહુર્ત કે ઑફિસનું ઉદ્દઘાટન – આવા પ્રસંગો મિત્રો, સ્નેહીઓ અને સગાંસંબંધીઓ માટે આવવાના જ. બાળકોના મિત્રોની વર્ષગાંઠની પાર્ટીઓ પણ હવે ખૂબ વધી ગઈ છે. આ ઉપરાંત હવે યાદગીરી માટે કંઈક પ્રતીક આપવાની પ્રથા પણ વધતી જાય છે. કેટલીક કંકોત્રીઓમાં નીચે લખ્યું હોય છે, ચાંલ્લો સ્વીકારવામાં આવશે નહીં, પણ કોઈક ચીજવસ્તુની ભેટ આપણા આગ્રહને વશ થઈને સ્વીકારતા હોય છે. રોકડ રૂપિયા આપવાનું બહુ પારંપરિક અને જુનવાણી મનાય છે, જ્યારે ભેટમાં કોઈક અવનવી વસ્તુ આપવાનું આધુનિક ગણાય છે. બીજી પણ એક વાત છે કે જો રોકડા રૂપિયા આપ્યા હોત તો તે યાદ ન રહે, પણ વસ્તુ કદાચ યાદગીરીરૂપે થોડો સમય પણ રહે !

ભેટ આપવાનો હેતુ એ વ્યક્તિ માટેનો આપણો સ્નેહ અને સંબંધ વ્યક્ત કરવાનો છે. એના આનંદ અને સુખમાં સહભાગી થવાનો છે. એ દિવસનું મધુર સ્મરણ જાળવી રાખવાનો છે. આ ઉપરાંત ભેટ પ્રાપ્ત કરનાર વ્યક્તિને એ ભેટ કોઈ રીતે ઉપયોગી થઈ શકે એવું પણ આપણે ઈચ્છતા હોઈએ છીએ. અમેરિકામાં પરણનાર યુગલ ભેટ માટે કોઈક મોટા સ્ટોરમાં પોતાનું નામ રજિસ્ટર કરાવી દે છે અને એ સાથે પોતાને જોઈતી અને ઉપયોગી વસ્તુઓની યાદી અને એની કિંમત લખેલી હોય છે. કુટુંબીજનો-સ્નેહીઓ અને મિત્રો-યુગલને ભેટ અંગે પૂછી લે છે અને પછી ભેટ આપનારાઓ સ્ટોરમાં જઈને એ યાદીમાં જોઈને જે વસ્તુ આપવા માગતા હોય છે તેની સામે પોતાની સહી કરી કિંમત ચૂકવી દે છે ! ભેટ લેનાર અને આપનાર બન્ને માટે સુગમ થઈ પડે છે. ઘણી વખત ભેટની પસંદગીમાં વિચાર, કલ્પના, સામી વ્યક્તિની રુચિ કે વયનો ખ્યાલ વર્તાઈ આવતાં નથી, પરંતુ કલ્પનાનો અભાવ અને નછૂટકે આચરવો પડતો વ્યવહાર જ હોય છે અને જ્યારે આવું થાય છે ત્યારે ભેટનું મૂલ્ય એકદમ ઘટી જાય છે. સ્નેહ અને શુભ લાગણીના પ્રતીકને બદલે એ સાંસારિક રિવાજનું જડ પ્રતીક બની જાય છે. એટલે જ મોટા ભાગની ભેટો નકામી થઈ પડે છે અને ઘરમાં કોઈક ખૂણે ધૂળ ખાતી થઈ જાય છે. આવી મળેલી ભેટોનો ઉપયોગ મોટે ભાગે બીજાને ભેટ તરીકે પધરાવી દેવા માટે જ થતો હોય છે !

ભેટની પસંદગીમાં એની કિંમત જ એકલી અગત્યની હોતી નથી. નાની સુંદર કલ્પનાશીલ ભેટ પણ મનગમતી હોઈ શકે, જ્યારે મોંઘી ભેટ પણ એ વાપરનાર વ્યક્તિની રુચિ કે સંજોગાનુસાર ન હોય તો નકામી થઈ પડે. જેને ભેટ આપવાની હોય એ વ્યક્તિનાં ઉંમર, શોખ, સ્વભાવ અને જરૂરિયાત – એ બધું પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ. આ ઉપરાંત એમાં કોઈ નાવીન્ય હોય તો એ વિશેષ આનંદપ્રદ થઈ પડવાની. લગભગ ચાળીસેક વર્ષ પહેલાં આવી જ એક સુંદર અને અનોખી ભેટ મારી પુત્રી અસ્મિતાને મળેલી. દિવાળીનો દિવસ હતો. અસ્મિતા અમારાથી હજારો માઈલ દૂર અમેરિકામાં અભ્યાસ માટે ગઈ હતી. પહેલી જ વખત દિવાળીના તહેવારના દિવસોમાં એ અમારી પાસે નહોતી. દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતાં ઘણાં કાર્ડો આવ્યાં હતાં, પણ આ હતો અમેરિકાથી ટ્રંકકૉલ. અમેરિકાનો ટ્રંકકૉલ સાંભળી શરૂઆતમાં તો હું સહેજ ગભરાઈ ગઈ. તે વખતે STD અને ISD ની સુવિધા નહોતી. ત્યાં તો અસ્મિતાનો ઉત્તેજનાભર્યો અવાજ સંભળાયો.
‘મમ્મી ! કેમ છો ?’
‘આમ અચાનક ટેલિફોન કેમ કર્યો ? તું સારી તો છે ને ?’ ખાસ કારણ વગર ફોન કરવા જેટલા પૈસા અસ્મિતા પાસે તે વખતે નહોતા. અમે જ એને ફોન કરતાં હતાં.
‘મમ્મી ! હું તદ્દન મજામાં છું. આ ટ્રંકકૉલ તો દિવાળી પ્રસંગે મિત્રોએ મને આપેલી ભેટ છે. એમણે ભેટમાં મને ટ્રંકકૉલ જોડી આપ્યો કે જેથી હું આજે તમારા બધાની સાથે વાતચીત કરી શકું.’
‘હાય ! કેટલી સરસ ભેટ ! આવી તો મેં કલ્પના જ નહોતી કરી.’
‘ખરેખર !’ અસ્મિતાએ સામેથી કહ્યું. અમે બધાંએ એની સાથે વાત કરી. અસ્મિતાના મિત્રોની એ અનોખી સ્નેહસભર ભેટ દીપમાળ સમી બની ગઈ. આટલાં વર્ષો પછી પણ અમે એ સંવેદનશીલ ભેટને વીસરી શક્યાં નથી.

નીલિમા અને નિરજને એમની દસમી લગ્નતિથિ પ્રસંગે એમનાં બાળકો તરફથી અદ્દભુત ભેટ મળેલી. નીલિમાએ મને કહ્યું હતું :
‘સુજુ ! આજે અમને સારામાં સારી ભેટ નમિતા અને નીરવ તરફથી મળી છે. જો આ રહી’ એમ કહી એણે ટેબલ પર મૂકેલાં બે ફૂલ બતાવ્યાં. એની નીચે એક કાગળ પર લખેલું હતું : ‘આખી દુનિયામાં સારાંમાં સારાં અમારાં મમ્મીપપ્પાને – નમિતા અને નીરવ તરફથી ભેટ…’ કેટકેટલો વિચાર કરીને એ ભૂલકાંઓએ ભેટ પસંદ કરી હશે ! યુવાન પુત્ર નિવૃત્ત પિતાના જન્મદિને એને પ્રેમથી ભેટીને એટલું જ કહે છે, ‘પપ્પા, આઈ લવ યુ.’ આ સાંભળતાં જ પિતાનો જાણે કે આખાય આયખાનો થાક ઊતરી જાય છે. એને માટે જન્મદિન નવા જ ઉત્સાહનું પર્વ બની જાય છે.

આ લખતી વખતે મને કેટલીક અવિસ્મરણીય ભેટ આપનારા મારા કેટલાક મિત્રો અને સ્વજનોની મધુર સ્મૃતિ તાજી થાય છે – આકાશવાણીમાંથી હું નિવૃત્ત થઈ તેને બીજે જ દિવસે મારા એક ગાઢ મિત્ર તરફથી મને સુંદર કાગળો-પેનનો સેટ અને લેધર બાઉન્ડ ફાઈલ અને રંગીન રાઈટિંગ બોર્ડ ભેટ મળ્યાં હતાં ! સાથે એક નાનકડી નૉટ હતી. ‘લખવા માંડો !’ અમારી લગ્નતિથિએ ખાસ અમદાવાદથી આવીને અમારી સાથે એ દિવસ ઊજવવા આવીને ખૂબ સુંદર ‘સરપ્રાઈઝ ગિફટ’ આપનાર અમારાં મિત્રો પ્રફુલ્લભાઈ અને પદ્માબહેનને કેમ ભૂલું ?

સામાન્ય રીતે વર્ષગાંઠ નિમિત્તે બાળકોને રમકડાં-ગૅમ્સ કે સારાં કપડાં-લત્તાં-મનગમતું ખાવાનું કે એમના મિત્રોની પાર્ટીની ભેટ મા-બાપ આપતાં હોય છે. એક પિતાએ બાળકને એક અવનવી છતાં ખૂબ જ પ્રેમસભર ભેટ આપી હતી. એ ભેટ પોતાના સમયની અને સોબતની હતી ! એ બાળક અપંગ હતું. એણે સ્વાભાવિકતાથી એના પિતાને પૂછ્યું :
‘આ વખતે વર્ષગાંઠમાં મને શું આપશો ?’
‘બેટા, આ વખતે મેં ઑફિસમાંથી રજા લીધી છે. આખો દિવસ તારી સાથે ગાળીશ. તું-તારી મમ્મી અને હું ! આપણે ખૂબ ખૂબ મજા કરીશું.’ બાળકના મોં પર અવર્ણનીય આનંદ છવાઈ ગયો. પોતાનાં બાળકોને કે તરુણ સંતાનોને આપવા જેવી મૂલ્યવાન ભેટ હોય તો તે માતા-પિતાનો સમય અને સહવાસ છે. રમતગમત, પિકનિક, પર્યટન કે પછી સાથે વાંચેલી વાર્તા કે કવિતા – માતાપિતા અને સંતાનોને જોડતી સુવર્ણ કડી છે. જે સમયમાં સંતાનોને બોધ કે સલાહ ન અપાતાં હોય, પણ એમની સાથે સહજ મૈત્રીભાવે વાત થતી રહે, મજાક-મસ્તી થતાં રહે, મા-બાપ દિલથી એમની વાતો-એમની આશા-અપેક્ષાઓ સાંભળતાં હોય, માતાપિતાનો એવો સમય સંતાનો માટે મૂલ્યવાન ભેટ બની રહે છે. એમને માટે જીવન પાથેય બની રહે છે.

મારાં મા અને પિતાજીને એમના જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષો એમની જન્મતિથિએ હું કંઈક ને કંઈક ભેટ મોકલતી. ભેટ મળ્યા પછી મને મારી માનો પત્ર આવ્યો હતો, ‘તેં મોકલેલી ભેટ મળી. ખુશી થઈ, પરંતુ બહેન ! હવે ચીજવસ્તુઓનો અમારે માટે ખાસ કોઈ અર્થ નથી. અમને તારી કંપની, તારી સોબત જોઈએ છે. એ દિવસે તું અમારી સાથે હોય એનાથી બીજો કયો વધુ આનંદ હોય ?’ એ પત્ર વાંચી મારી આંખમાં પાણી આવી ગયાં. એમને માટે શ્રેષ્ઠ ભેટ મારી પોતાની હાજરી, મારો સહવાસ જ હોઈ શકે. એમને મારા સમયની ભેટ જ જોઈતી હતી. બસ ! ત્યાર પછી એમની વર્ષગાંઠને દિવસે હું મુંબઈથી એમની પાસે પહોંચી જતી. અમે આખો દિવસ સાથે આનંદમાં વિતાવતાં ! મા કે પિતાજી આજે રહ્યાં નથી, પરંતુ હું એમની પાસેથી ભેટનું મૂલ્ય સમજી છું. પૈસા કે મોંઘી ચીજવસ્તુ નહીં, પણ અંતરની ઊર્મિ જ ભેટને મૂલ્યવાન કરે છે. સંતાનોનો સ્નેહ અને લાગણીસભર સમય એ જ માતા-પિતા માટે અને વયસ્ક સ્વજનો માટે સરસ ભેટ હોઈ શકે.

ભેટ વ્યક્તિને મહત્વ પ્રદાન કરે છે. આત્મીયતા દર્શાવતી કલ્પનાયુક્ત અભિરુચિને પોષક સ્નેહસભર ભેટ આપનાર અને લેનાર બન્નેને આનંદવિભોર કરે છે. ગાઢ વાદળથી છવાયેલા જીવનાકાશમાં એ ઉષાની લાલિમા પાથરે છે. બીજું કંઈ નહીં તો આપણા મોં પરનું સ્મિત કે બે મીઠા બોલની લહાણી તો આપણે બહુ જ સહેલાઈથી થાકેલી, હારેલી, જીવનથી ત્રસ્ત વ્યક્તિઓને કરી શકીએ. એ વ્યક્તિઓ ભલેને અજાણી-અપરિચિત કેમ ન હોય !