જીવવું એટલે ચાહવું એટલે શીખવું ! – સંજીવ શાહ

[પ્રેમ વિશે મનનીય લખાણોના પુસ્તક ‘જીવવું એટલે ચાહવું એટલે શીખવું !’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા માટે ‘OASIS’ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી સંજીવભાઈનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sanjivoasis@yahoo.co.in ]

[1] આપણે જે માનીએ છીએ તે જ આપણે છીએ

ઘણા લોકો હંમેશાં સમસ્યાઓની આ તરફ જીવતા હોય છે – જ્યાં તેમને એમ લાગે છે કે આ વિશ્વ એક અતિ નિર્દય અને ક્રૂરતાભરી જગ્યા છે; જિંદગીમાં આગળ કોઈને કોઈ કરુણ ઘટના તેમની રાહ જોઈને જ બેઠી છે અને જો તેમનું ધ્યાન સહેજ પણ વિચલિત થશે કે આ ઘટના ઘટ્યા વગર રહેવાની નથી. આવા મનુષ્યોને એમ જ લાગે છે કે કાંઈક આનંદપ્રમોદ માટે જો તેઓ બહાર જવાનું આયોજન કરશે તો વરસાદ પડશે, મોસમ ખરાબ થઈ જશે અને તેમના આયોજન પર ખરેખર ‘પાણી’ ફરી જશે. જો તેમના ફોનની ઘંટડી રણકશે તો ચોક્કસ કોઈ ખરાબ સમાચાર જ હશે. આવા મનુષ્યોને બધા લોકો પ્રપંચી અને દંભી જ લાગતા હોય છે, અને અગર કોઈ હકારાત્મક વિચારધારાવાળા કે આશાસ્પદ હોય તો તેઓ ‘મૂરખ’ કે ‘અબૂધ’ હોય છે.

હેરતની વાત એ છે કે જીવન વિશે આવો નિરાશાત્મક અભિગમ, લોકો વિશેનો બદતર અભિપ્રાય અને કરુણ ઘટનાઓની અપેક્ષાઓ – આ સઘળું છેવટે સાચું જ ઠરે તેવી ઘટનાઓ આવા મનુષ્યોના જીવનમાં ઘટે છે ! વ્યક્તિઓ ઘટનાઓને આકર્ષે છે કે ઘટનાઓ વ્યક્તિને ? પ્રેમ શીખનારી વ્યક્તિઓ એવી તો મૂર્ખ નથી હોતી કે તે જીવનની કાળી બાજુને સદંતર અવગણે અને તે તરફ શાહમૃગવૃત્તિ સેવે, પણ પ્રેમ શીખનારા જાણે છે કે પોતાના મનમાં નકારાત્મકતાને કાયમી નિવાસ બનાવવા દેવાનો કોઈ જ અર્થ નથી. આપણે જેમ વિચારીએ છીએ અને માનીએ છીએ, અને તેવું જ આપણું જીવન બને છે – આ રહસ્યને જીવનમાં આપણે જેટલું જલદી સમજી લઈએ તેટલું તે આપણા માટે શ્રેયકર છે.

[2] પ્રામાણિકતા પ્રેમની પૂર્વશરત છે

આપણામાંના મોટા ભાગના ખુદની સાથે પ્રામાણિક હોતા નથી. આપણે ખુદની અને અન્યોની સામે પણ જૂઠ્ઠું બોલીએ છીએ. કદાચ આપણે એમ માનતા હોઈશું કે આમ જૂઠ્ઠું બોલવાથી આપણી જિંદગી થોડી વધુ સરળ અને આરામદાયક રહેતી હોય તો શા માટે પ્રામાણિકતાની પંચાતમાં પડવું ? જો કે, છેવટે તો જુઠાણાંથી પ્રશ્નો સુલઝવાની જગ્યાએ વધુ ને વધુ જ ઊલઝે છે. કદાચ પ્રેમમાં જુઠાણાં અને અપ્રામાણિકતા પછવાડે એક એવી ખોટી માન્યતા રહેલી હોય છે કે આપણે ત્રુટિરહિત હોઈશું તો જ આપણને પ્રેમ મળશે. આપણને એવી ભીતિ લાગે છે કે સત્ય આપણી મર્યાદાઓને છતી કરી દેશે. તેથી અપ્રામાણિકતાના આંચળા હેઠળ આપણે સૌને હર સમયે ખુશ રાખવાની કોશિશ કરીએ છીએ.

વળી આપણને આપણી કડવી વાસ્તવિકતાઓ ગમતી નથી. તેથી આપણે તેમને પણ જાત સાથે છેતરપિંડી કરીને દૂર રાખીએ છીએ. આપણને કોઈ સમસ્યા હોય તો તેનો પણ આપણે સ્વીકાર કરતા નથી. પરંતુ સમસ્યાઓથી ભાગવાથી તે વધુ વકરે છે, કદી હલ થઈ જતી નથી. વાસ્તવિકતાઓથી દૂર ભાગવાથી વાસ્તવિકતાઓ બદલાઈ જતી નથી. જુઠાણાં અને અપ્રામાણિકતા કદી કામ કરતાં નથી. જે સંબંધો નિષ્ફળ જાય છે કે ફસડાઈ પડે છે, તેમની પાછળનાં મુખ્ય કારણોમાં આ અપ્રામાણિકતા હોય છે. જેમના પર આપણે વિશ્વાસ મૂક્યો હોય તેમના તરફથી જ આપણને દગાનો અનુભવ થાય તેનાથી વધુ આઘાતજનક ઘટના બીજી કઈ હોઈ શકે ? પ્રામાણિકતા એ માત્ર શ્રેષ્ઠ નીતિ જ નહીં, આવશ્યક અને અનિવાર્ય સિદ્ધાન્ત છે. આમાં કોઈ અપવાદ નથી. આપણે પહેલાં ખુદની સાથે પ્રામાણિક થવું જોઈએ અને પછી જેમને આપણે ચાહતા હોઈએ તેમની સાથે પણ પ્રામાણિક થવું ઘટે.

[3] ધીરજ શીખવી એટલે

આજના યુગમાં આપણે કેટલા અધીરા થઈ ગયા છીએ તેનો આપણને કોઈ અંદાજ છે ખરો ? કદાચ આપણે ‘ધીરજ’ શબ્દનો અર્થ અને અનુભવ જ વિસરી તો નથી ગયા ? આપણે હમણાં જ કંઈક કરીએ અને પરિણામ પણ આપણને હમણાં જ જોઈએ. આપણે આપણી જિંદગી હમણાં ને હમણાં જ બદલી નાખવી છે. આપણે નામના ને ખ્યાતિ હમણાં જ મેળવવી છે. આપણે એ ભૂલી ગયા છીએ કે સાચા ઉત્તરો, કાયમી પરિવર્તન વગેરે જોઈતાં હોય તો આપણે રાહ જોતાં, ધીરજ ધરતાં શીખવું રહે છે. કાળજીપૂર્વકનું વિશ્લેષણ, વિચાર-ચિંતન-મનન અને શાંતિપૂર્વકનું અધ્યયન સમય માગી લેતી પ્રવૃત્તિઓ છે.

પ્રેમ વિશે પણ આ બાબત એટલી જ પ્રસ્તુત અને સાચી છે. આપણે ‘આદર્શ સંબંધો’ અને ‘સર્વાંગ સંપૂર્ણ પ્રેમીઓ’ જોઈએ છે અને તે પણ હમણાં જ, ફટાફટ ! કોઈ સંબંધમાં આપણને આમ મળવાની આશા હોય અને જો તત્ક્ષણ એવું પરિણામ ન મળે તો તરત જ આપણે તે સંબંધને તોડી, તેમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લઈએ છીએ. આપણે એ બાબતની સદંતર અવગણના કરીએ છીએ કે સફળ સંબંધોનું ઘડતર સમય, પ્રતિબદ્ધતા અને ધીરજ માગી લે છે. ધીરજનો અર્થ એમ જ થાય છે કે રાહ જોવી, તપવું, સહન કરવું અને કઠિન સંજોગોમાં ટકી રહેવું. આવી ધીરજના ફળરૂપે સામેથી પણ આપણને ધીરજ અને પ્રતિબદ્ધતા મળે છે. જીવનમાં આપણને જેટલા પણ ખુશાલીભર્યા સંબંધો વિશે જોવા-જાણવા મળે છે તે સૌની પાછળ અસીમ ધીરજની સાધના જરૂર છુપાયેલી હોય છે જ.

[4] જતું કરવાનું શાણપણ

જો આપણે કોઈ સંબંધમાં પ્રવેશવા માગતા હોઈએ તો પહેલાં આપણી જાતને આપણે પૂછી લેવું જોઈએ કે આપણે સમાધાન કરવા માટે કેટલા તૈયાર છીએ ? જો આપણે એમ માનતા હોઈએ કે આપણી બધી જ માન્યતાઓ સત્ય છે અને આપણે જરા પણ બાંધછોડ કરવા તૈયાર નથી, તો પછી બહેતર છે કે આપણે જીવન એકલા જ વ્યતીત કરીએ; સંબંધોની પળોજણમાં ન પડીએ અને ખૂબ બધી પીડા અને દુઃખને નિવારીએ, કારણ કે સંબંધો જિદ્દથી વિકસી શકતા નથી. જો આપણે ખરેખર પ્રેમ કરતા હોઈએ તો હંમેશાં જીતવું કેમ જરૂરી હોય છે ? જે સંબંધો આપણા માટે અતિ મૂલ્યવાન છે તેમને જોખમમાં મૂકી, આપણે શા માટે આપણી માન્યતાઓને જડની જેમ વળગી રહીએ છીએ ? આપણે સતત તિરસ્કાર અને બીજી નકારાત્મક લાગણીઓ પ્રેરતા હોઈએ તો આપણે હંમેશાં સાચા જ સાબિત થવું ખરેખર જરૂરી છે ?

હા, આનો અર્થ એમ નથી થતો કે આપણે આપણી બધી જ બાબતોનો ત્યાગ કરવો, બધી જગ્યાએ આપણે સમાધાન કરવું અને આપણા અનન્ય વ્યક્તિત્વને ટૂંપવું. સમાધાન કરવાની પણ હદ જરૂર હોય છે. આપણા જીવનને લગતી બુનિયાદી બાબતોને ત્યજી દેવાની અહીં વાત નથી. અહીં એવી જગ્યાએ લચીલા થવાની વાત છે જ્યાં આપણે કેવળ જિદ્દને કારણે જ કશું છોડતા નથી. અન્ય લોકોને પણ થોડી રાહત, થોડા ધ્યાનની જરૂર હોય છે. આપણને એવો વિવેક હોવો જોઈએ કે ક્યારે બોલવું ને ક્યારે મૌન રહેવું, ક્યારે કશુંક કરવું અને ક્યારે ન કરવું, ક્યારે મક્કમ રહેવું ને ક્યારે છોડી દેવું, ક્યારે આપણી સીમાઓને વળગી રહેવું અને ક્યારે તેમને વિસ્તારવી, ક્યારે આપણો દષ્ટિકોણ કહેવો ને ક્યારે ગમ ખાઈ જવો. આપણે પ્રેમમાં ખરેખર શાણા અને પરિપક્વ થયા ત્યારે કહેવાઈએ, જ્યારે આપણે આવો વિવેક કેળવી શકીએ. સંબંધોમાં ક્યાં જતું કરવું અને કેટલી હદ સુધી જતું કરવું તથા ક્યાં મક્કમ રહેવું તે જાણવામાં સફળતાનું રહસ્ય છે, અને આપણે ખુદને ને અન્યોને હાનિ પહોંચાડીએ તે પહેલાં આ રહસ્ય શીખી લેવું અત્યન્ત આવશ્યક છે.

[5] સરળ કર્મોનાં સંકુલ પરિણામો

દરેક કર્મનું કોઈ પરિણામ હોય છે – જેમ દરેક કારણની અસર હોય છે અને દરેક અસરની પાછળ કારણ હોય છે. આપણે જ્યારે સરળ લાગતાં કર્મો કરતાં હોઈએ ત્યારે આપણે કદાચ તેમનાં મહત્વથી સભાન ન હોઈએ તેમ બને, પરંતુ આ કર્મોની સરવાળે ખૂબ મોટી અસર ઊભી થતી હોય છે. દરેક નાની ચેષ્ટા, આપણાં તમામ વ્યવહાર-વાણી-વર્તન, કોઈ મોટાં પરિણામની તરફ આપણને લઈ જતાં હોય છે. સામાન્ય રીતે આવું પરિણામ આવી ગયા પછી પુનરાવલોકન કરીએ ત્યારે જ આપણને આપણાં પેલાં વ્યવહાર-વાણી-વર્તનની શૃંખલાનું મહત્વ સમજાય છે.

જો આપણે આ બાબત સમજીએ તો પછી આપણને એ પણ સમજાશે કે વગરવિચાર્યે આપણે જે કરી બેસીએ છીએ, સમજ્યા વિના આપણે બેફામ બોલી નાખીએ છીએ કે આમ જ કોઈની આશાનો ચૂરો કરી નાખીએ છીએ – તે બધી બાબતો અત્યન્ત મહત્વની છે. આવી સઘળી બાબતો, આવાં બધાં કર્મો જ એક-એક કરીને, ઉમેરાઈને છેવટે આપણી સમક્ષ એવું પરિણામ હાજર કરી દે છે જેની ક્રમશઃ પસંદગી આપણે જ કરી હોય છે.

[કુલ પાન : 270. (મોટી સાઈઝ). કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : ધ ઑએસિસ શૉપ, જીએફ-11, હાર્મની કૉમ્પલેક્સ, 28 નૂતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા-390005. ફોન : +91 265 2351862. ઈ-મેઈલ : theoasisshop@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બુઢાપો અને બાળપણ – દિનકર જોષી
ભેટનું મૂલ્ય… – જયવતી કાજી Next »   

8 પ્રતિભાવો : જીવવું એટલે ચાહવું એટલે શીખવું ! – સંજીવ શાહ

 1. heeral says:

  બહુ જ સુન્દેર્ બહુ ગમ્યુ.

 2. Anila Amin says:

  જિવન જીવવાની સાચી કળા અને જીવનમા ઉતારવા જેવા અગત્યના મુદ્દા આપના લેખમાથી સરસરીતે વ્યક્ત થાયછે,

  પણજતુ કરવાની ભાવના બહુ ઓછા લોકોમા હોયછે. મૂર્ધન્ય લેખક શ્રી ધૂમકેતૂનુ એક વાક્ય યાદ આવી ગયુ ,કે-

  ” મનુશ્ય પોતાની દ્રશ્ટી છોડી બીજાની દ્રશ્ટી થી જુએ તો અર્ધુ જગત શાન્ત થઈ જાય.”

 3. sneha(USA) says:

  Really a very beautiful article. Much needed messages for me on personal level. #2 and #3 are very inspiring.

  Can somebody pls guide me how to type in Gujarati ? I tried but I am not able to type in correct Gujarati language.

  • Jagruti Vaghela USA says:

   ગુજરાતી keyboard આપેલુ છે.તેમા જોઈને ટઈપ કરશો તો આવડશે જ્.
   શરુઆતમા થોડી ભૂલો પડશે પણ પ્રેક્ટીસ કરવાથી ફાવી જશે.

 4. maitri vayeda says:

  બહુ જ સુંદર!!!

 5. Jagruti Vaghela USA says:

  સરસ. જીવનમાં ઉતારવા જેવા મુદ્દા છે.

 6. Ajay Doliya says:

  Bahu saras lakhan che. Jivan ma jaruri em. Apne khud ni sathe pramnik thavu joi e ane pachi apne bija mate pramanik hovanu ghate……..

  Many Thanks
  Ajay

 7. anju says:

  ખુબ સરસ લાગિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.