- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

હૃદયરેખા – રાજુ રાવલ

[ અમરેલી ખાતે નાયબ કલેકટર તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના હોદ્દા પર ફરજ બજાવતા શ્રી રાજુભાઈ રાવલ (ગોધરા)ના પુસ્તક ‘જીવન એ જ ઉત્સવ’માંથી ચૂંટેલા સુવિચારોનું એક નાનકડું પુસ્તક ‘હૃદયરેખા’ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાંથી આજે માણીએ કેટલાક વિચારપુષ્પો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825043083 અથવા આ સરનામે rrraval6060@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જિંદગીનું મહાન સત્ય મારા મત મુજબ એ છે કે જિંદગી એક દીર્ધતમ પ્રલંબ પ્રહસન છે. પ્રત્યેક અંકમાં આપણું પાત્ર બદલાતું રહેવાનું છે. પ્રત્યેક અંકમાં આપણી વેશભુષા પાત્રને અનુરૂપ બદલાતા રહેવાનાં, પ્રત્યેક અંકમાં આપણા સંવાદો બદલાતા રહેવાના, પ્રત્યેક અંકમાં આપણી અદાઓ બદલાતી રહેવાની, પ્રત્યેક અંકમાં આપણા હાવભાવ બદલાતા રહેવાના, પ્રત્યેક અંકમાં છાયા-પડછાયા અને સાઉન્ડ ઈફેકટ અલગ અલગ રહેવાના. બેકગ્રાઉન્ડ બદલાતા રહેવાના અને એટલું જ નહિ, પ્રત્યેક પ્રસંગે, પ્રત્યેક સ્થળે પ્રેક્ષકો પણ બદલાતા રહેવાનાં. ક્યાંક તાળી મળે, ક્યાંક ટીકા-ટીપ્પણ અને ટીખળ સાંભળવાની તૈયારી રાખવી પડે.

[2] પ્રત્યેક જિંદગી ભાવ અને અભાવ વચ્ચે હલેસા ખાતી રહે છે. જિંદગીનું આ પણ એક સત્ય છે. જિંદગીની એક વ્યાખ્યા મુજબ જિંદગી એટલે, ‘અપેક્ષિત વસ્તુઓનો અભાવ અને અનઅપેક્ષિત વસ્તુ માટે મુકાબલો.’ માંગ્યુ મળી જાય તો ચમત્કાર અને ધાર્યું ન થાય તો સહન કરવાનો વારો. માણસની જિંદગીમાં અપેક્ષાઓનો અંત નથી. ઈચ્છા, આશા, અપેક્ષાઓની લાંબી વણઝાર પડી છે. તમે એકને ન્યાય આપો ત્યાં બીજી ઊભી. બીજી માંડ પૂરી થાય ત્યાં વળી ત્રીજા આગળ. ઈચ્છાઓ જિંદગીને અજગરની જેમ ભરડો લે છે અને પછી આખી જિંદગી માણસ તેની ઈચ્છાઓની તૃપ્તિ માટે તડપે છે અને તે માટે તુટતો જાય છે, ખતમ થતો જાય છે. આમ જોવા જઈએ તો ભાવ અને અભાવ વચ્ચેનું શીતયુદ્ધ આખી જિંદગી ચાલતું રહે છે. ક્યારેક વિજયની પળનો આસ્વાદ તો ક્યારેક પરાજય પામ્યાનો હતાશાભાવ.

[3] પ્રશ્ન છે કે જિંદગી એટલે શું ? જિંદગીના અર્થ છે તો જિંદગીના અર્થ ન સમજવામાં અનેક અનર્થ પણ છે. જિંદગી અર્થ, ધર્મ, કામ અને મોક્ષના ચાર પાયા પર રચાયેલી સજીવ કલાકૃતિ જ છે. જન્મથી કંડારાતી આ કૃતિમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના વિધવિધ અંગ આકાર હોય છે. સહુ કોઈ અહીં જીવે છે, જિંદગી પોતપોતાના પોતીકા ખ્યાલો સાથે, પોતપોતાના ખ્વાબો સાથે, પોતપોતાની ખૂબીઓ સાથે, પોતપોતાની ખામીઓ સાથે, ખાલીપા સાથે, ખાસીયતો સાથે, પોતપોતાની રૂઢીઓ, રીવાજ સાથે, પોતપોતાની પરંપરા સાથે. કોઈ રીતિ નીતિને ખંડીત કરીને તો કોઈક નવા રૂપે સ્વરૂપે મંડીત કરીને. કોઈનો જિંદગી માટેનો મતલબ છે માત્ર જીવવું તે જ. કોઈ જિંદગીમાં ધર્મનો ધોળો ધાબળો ઓઢીને ફરે છે તો કોઈ જિંદગીમાં કામની કાળા કરતુતોની કાળી કાળી કામળી ઓઢીને ફરે છે. કોઈને મર્યા પછી પણ મોક્ષનો મોહ જતો નથી કરવો તો કોઈ અર્થ માટે થઈને જિંદગીમાં તમામ અનર્થ આચરતો ફરે છે, દોડતો રહે છે.

[4] આપણે હંમેશા જિંદગીમાં સુખી થવાના, સફળ થવાનાં સ્વપ્નાઓ સેવીએ છીએ. સ્વપ્ના સાથે લઈને જીવીએ છીએ પણ સરવાળે તમામ સ્વપ્નો સફળ નથી થવાનાં. કોઈક સાકાર થશે તો કોઈક સ્વપ્નું મરણને શરણ થશે. અરે યુવાનો, કંઈ વાંધો નહિ. એમ થાય તો થવા દો, જિંદગી આપણી છે. જિંદગીની મંઝિલ હજુ ઘણી લાંબી છે. એક સ્વપ્ન રોળાઈ ગયું તો કંઈ નહિ, બીજુ સાકાર કરીશું એવી શ્રદ્ધા ને વિશ્વાસ સાથે ઊઠો અને ઊઠાવો નવા સ્વપ્ના. આપની આંખોમાં બિછાવો નવા સ્વપ્ના…. બસ, આ જ તો મસ્તીભરી જિંદગી જીવવાની રીત છે, તરકીબ છે, કળા છે.

[5] માની કૂખથી માંડી ડાઘુઓની કાંધ સુધીની શ્વાસભરી સફર એટલે જિંદગી. જીવી લો આજ, માણી લો આજ. બસ, મુઠી ઉંચેરા માનવી થઈને, કોઈકના માટે જીવનમંત્ર થઈને. આખરે જિંદગી ધગધગે છે લાવારસ થઈને. આખરે જિંદગી લબકારા મારે છે આગ થઈને. આખરે જિંદગી ઝબકારા મારે છે તેજ લીસોટા થઈને. જિંદગી ઉછાળા મારે છે દરિયાના મોજાની જેમ. જિંદગી જાજરમાન છે વિદ્વાનોની વિદ્વતાથી. જિંદગી શણગાર છે સજ્જનોની સજ્જનતાથી, ધર્મપરાયણતાના આભૂષણોથી. આ એટલા માટે કહું છું કે, હે મારા યુવા દોસ્તો, અંગત રીતે મારો અભિપ્રાય છે કે આખરે જિંદગીમાં જીવવાની અને જીરવવાની તાકાત હોય તો જિંદગી જીવવા જેવી છે. જીવો તો જવામર્દની જિંદગી. જીવો મસ્ત હાથીની જેમ કે હણહણતા અશ્વની તાકાતથી જીવો. બાકી મરતા જતા, મરવા પડેલા, મરેલા, માંયકાંગલાઓ અને માંદલાઓની જિંદગી હાથી, ઘોડા જેવી તાકાતવર નહિ પણ બિચારા ખચ્ચર-ટટ્ટુ જેવી જાણવી. હવે નક્કી આપે કરવાનું છે કે જિંદગી માણસાઈના પવિત્ર મંત્રની શ્રદ્ધાના સહારે જીવવી કે અંધશ્રદ્ધાના આધારે ? અરે યારો, બસ જિંદગીમાં આપણી જિંદગી જીવવાના માણસાઈના શ્રેષ્ઠ જ નહિ બલ્કે શ્રેષ્ઠતમ મંત્રને સ્વીકારીને જિંદગીની રાહો પર આગળ વધીએ. સ્વામી વિવેકાનંદજીના ઊઠો, જાગો…. અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો – તે મંત્રને જીવનમંત્ર બનાવીએ. હા, મારી દષ્ટિએ જો કોઈ જોરદાર, જાનદાર અને ધમાકેદાર જીવનમંત્ર હોય તો તે એક એક ને એક જ – માણસાઈ, માનવતાનો જીવનમંત્ર. માણસ છો ભાઈ, બસ માણસ થઈને જીવો.

[6] જિંદગી સમયના વ્હીલ પર સંજોગોના સ્ટેશને થોભતી થોભતી અને સુખની સીસોટી મારતી કે દુઃખના ધુમાડા ઓકતી સંબંધોના સહયાત્રીઓ સાથે ડબ્બામાં જીવન પ્રવાસ કરાવતી એક લાંબી આગગાડી છે.

[7] ખરેખર, દરેક વ્યક્તિનું જીવન ખુદ એક જીવનસંદેશ છે, ચાહે હકારાત્મક હોય કે નકારાત્મક, પણ પ્રત્યેક સજીવની જિંદગીમાંથી કંઈક સંદેશ તો પ્રગટ થાય જ છે. દારૂડીયો ભલે દારૂ પી ને લવારો કરતો હોય પણ તેની દશા જોઈને કોઈક તો સંદેશ ગ્રહણ કરશે કે દારૂ દૈત્ય જ છે. સટ્ટા-જુગારમાં કરોડપતિમાંથી રોડપતિ થનારની જિંદગી જોઈ કોઈક તો સમજશે કે જુગારની બદી બહુ બુરી ચીજ છે. ક્યારેક આબાદ જિંદગી બરબાદ થઈ જાય તેની કોઈ જ કલ્પના નહિ. પ્રત્યેક સારી જિંદગી કે નઠારી જિંદગીમાંથી એક પ્રકારનો હકારાત્મક કે નકારાત્મક સંદેશ માણસ પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે માણસની જિંદગીમાંથી જ માત્ર સંદેશ મળી રહે. પરંતુ તમામ પ્રકારના પશુ-પક્ષી-પ્રાણી-વૃક્ષ-વનસ્પતિ અને પ્રત્યેક કુદરતી રચનાઓમાં પણ એક પ્રકારનો ગર્ભિત સંદેશ હંમેશા અભિપ્રેત રહે છે.

[8] યાદ રાખો દોસ્તો, જિંદગી એ જવાબવહી છે. જિંદગીના પ્રત્યેક પન્ના પર પળ-પળ પુછાતા પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે. જવાબ આપતા રહેવાનું છે. આખરે જિંદગી એક જવાબદારી છે. આપણે એક જવાબદેહી નાગરિક છીએ. આપણે આપણી જાતને પણ નહિ છેતરી શકીએ. આપે આપની જાતના પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા પડશે. આપે આપના મા-બાપના પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. આપ આપની પત્ની-સંતાનો અને આપના કુટુંબને જવાબદાર છો. આપ આપના સમાજ-સગા-સંબંધીને પણ જવાબદાર છો. આપ આપણા રાષ્ટ્રને પણ આખરે જવાબદાર છો ત્યારે, આપણે જવાબદારીમાંથી હરગિજ છટકી શકીએ તેમ નથી.

[9] જિંદગીમાં હંમેશા સુખ અને દુઃખની ભરતી-ઓટ આવવાની. લાગણી અને સંજોગોના હુમલા હંમેશા થવાના. ક્યાંક ખુવાર થવાનું છે, તો ક્યાંક ખુમારીથી લડવાનું છે. તો જ ક્યાંક ખ્વાબને વાસ્તવિકતામાં બદલી શકાશે. જિંદગીમાં થતા આવા તમામ પ્રકારના સારા-નરસા અનુભવો અંતે તો મૂલ્યવાન જ ગણાય. આ બધી બાબતોમાંથી બોધ ગ્રહણ કરી, તે સંદેશ મેળવીને આપણે આપણી જિંદગીને નવો માર્ગ આપી શકીએ, નવી દિશા પ્રાપ્ત કરી શકીએ. આ જ તો સંજોગોમાંથી અને અનુભવોમાંથી સ્ફુટ થતો જીવનસંદેશ છે.

[10] જિંદગીનો મતલબ જ એ છે કે – તમે સાચું કરો, તમે સારું કરો, તમે સાચી દિશા પકડો, તમે સારી દિશામાં દોડો… તમે સાચા જ છો તો કોઈની ફિકર ન કરો. તમે ખોટી દિશામાં ન દોડો. તમે ખોટું ન કરો અને જો તમે સાચા હશો તો તમને સહુ યાદ કરી તમારી જિંદગીને આદર્શ તરીકે સ્વીકારી તેમાંથી જીવનસંદેશ મેળવશે. જો તમે ખોટા હશો તો કોઈ તમને માફ નહિ કરે અને ખોટા ઉદાહરણ તરીકે તમને હંમેશા યાદ રાખશે.

[કુલ પાન : 72. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : દર્શિતા પ્રકાશન. F-6 પ્રથમ માળે, શ્રદ્ધા કોમ્પ્લેક્સ, નગરપાલિકા સામે, મહેસાણા-384001. ફોન : +91 2762 258548.]