શિક્ષણ અને જીવનઘડતર – ગીતા પટેલ

[આજના યુગમાં બાળકનો સર્વાંગી વિકાસ ખૂબ અગત્યનો બની જાય છે. તેમાં માતાની ભૂમિકા ખૂબ અગત્યની છે. આથી જ કહેવાયું છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ આધુનિક યુગમાં માતાની આ ભૂમિકા સમજાવતું ‘100 શિક્ષક’ નામનું પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેના લેખિકા શ્રીમતી ગીતાબેન બાળઉછેર અને શિક્ષણ સંવર્ધનકાર્ય સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્રમાં તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે. માતા-પિતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે 200થી વધુ સેમિનારોનું તેઓ સંચાલન કરી ચૂક્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘કોચ પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે, એ નિઃસંદેહ છે, પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખશાંતિ અને સફળતા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણ છે. અણઘડ પત્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમા પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે, પરંતુ આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી અને એટલે બાળકનાં જીવનઘડતરનો પ્રશ્ન માતા માટે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે. આ જ પ્રશ્ન એક માતાએ મને આ રીતે વ્યક્ત કર્યો હતો : ‘અમે પતિ-પત્ની બંને અમારા બાળકોને રોજ સાંજે ત્રીસ મિનિટ અમારી સાથે બેસાડીએ છીએ અને જીવનલક્ષી વિકાસ વિશે અમારા બાળકને વાતો કહીએ છીએ, છતાં જ્યારે અમે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સમજે પણ છે, પરંતુ પછી ગમે ત્યારે મારી સાથે તે ગમે તેમ વર્તે છે, કહ્યું માનતો નથી, બૂમ બરાડા પાડે છે અને પોતાને જે કરવું હોય તે જ કરે છે.’

આવી જ મુશ્કેલીઓ લગભગ ઘણીબધી માતાઓ અનુભવે છે. પોતાના બાળકો પોતાના કહ્યા મુજબ ચાલતા નથી હોતા તેનું એક કારણ માતા-પિતાની પોતાની પરિપક્વતાનો અભાવ પણ હોઈ શકે. જ્યાં સુધી આપણે પોતે જ આપણા ચારિત્ર્યને ઉન્નત ન બનાવી શકીએ ત્યાં સુધી આપણે આપણા બાળકોને ચારિત્ર્ય કે એવું કશું આપી શકીએ નહિ. મારા અગાઉના પુસ્તકોમાં મેં લખેલું, બાળકને ઉપદેશોથી, શિખામણોથી કે સુચનાઓથી કશું શીખવી શકાય નહિ, એ માત્રને માત્ર જે કંઈપણ શીખે તે આપણા ચારિત્ર્યથી શીખે છે. મને યાદ છે એક દિવસ અમારી સામે રહેતા એક બહેન પોતાના બાળકને શાળાએ લઈ જતા હોય ત્યારે એ બાળક હંમેશા જોર-જોરથી રડે. એવામાં એક દિવસ એ ખૂબ ધમપછાડા કરવા માંડ્યો અને પોતાની માતાના કાબૂ બહાર જઈ રસ્તા પર આળોટવા માંડ્યું ત્યારે માતાને ખૂબ શરમ આવી, તેથી માતાએ બાળકને કહ્યું : ‘ચાલ, આજે ચોપાટી જઈએ, શાળાએ નથી જવું.’ ત્યારે બાળક જલદીથી ઊભું થયું અને આનંદથી ચોપાટી જવા માટે તરવરવા લાગ્યું. મમ્મી ચોપાટી જવાનું કહી બાળકને ચૂપ તો કરી શક્યાં અને બાળકને લઈ પણ ગયાં, પરંતુ જ્યારે શાળા આવી ત્યારે ચોપાટીને બદલે મમ્મી બાળકને ઘસડીને શાળામાં મૂકી આવ્યાં. આ પરથી મને લાગ્યું કે જો માતા બાળકને ચોપાટી જવાનું કહી શાળા મૂકી આવતી હોય તો બાળક માતાને શાળાનું કહી ચોપાટી ન જાય ?!

ખરા અર્થમાં કહું તો આ આપણું ચારિત્ર્ય છે અને પછી આપણે આપણા બાળકોને મહાપુરુષો બનાવવા ઈચ્છતા હોઈએ છીએ. પણ શું એ શક્ય છે ખરું ? ઉમદા ચારિત્ર્ય અને પરિપક્વતા પ્રથમ માતાએ કેળવવા આવશ્યક છે, પછી એ આપણે આપણા બાળકોને શીખવવું નહિ પડે, આપોઆપ વારસો બાળકમાં આવી જશે. તો આ ચારિત્ર્યનિર્માણ જ બાળકના જીવનઘડતરનો મુખ્ય પાયો છે, આધારશિલા છે. આ આધારશિલા તૈયાર થયા પછી બાળકને જીવનનું વિજ્ઞાન શીખવવું એ માતાની મુખ્ય જવાબદારી બની રહે છે. પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનાં મૂલ્યોનું બાળકમાં ઘડતર કરવું અતિ આવશ્યક છે. બાળક વિશ્વમાનવ બની ને જીવે છતાં પણ તેના જીવનમાં મૂળ તો પોતાના સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે સતત સંકળાયેલાં રહેવાં જોઈએ, ઉપરાંત આજનું શિક્ષણ બાળકને જીવન જીવવાની અને પોતાના જીવનનો હેતુ પાર પાડવાની ક્ષમતા નથી આપી શકતું. એ ક્ષમતા આપવાની જવાબદારી હવે માતાની છે.

એક જાણીતી ઘટના છે, ભારતના રાષ્ટ્રપતિસ્થાને રહી ચૂકેલા અને મહાન વૈજ્ઞાનિક તથા ઉત્તમ ભારતના ઘડવૈયા એવા ડૉ. અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા શ્રેષ્ઠતમ જીવન-ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો ? ત્યારે ડૉ. કલામે જવાબ આપ્યો ‘મારી માતાને’ પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું કે તમારી માતા અભણ હતાં તો પછી તમારા જીવન ઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શકે ? ત્યારે ડૉ. અબ્દુલ કલામે જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતા એ વાત સાચી, પણ જીવનનું ખરું નીતિ મૂલ્યોનું શિક્ષણ મને તેની પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન એ હું તેની પાસેથી શીખ્યો છું. તેમણે મને ગણિતના કે વિજ્ઞાનના સિદ્ધાંતો નથી શીખવ્યા, કારણ કે તેઓ નિરક્ષર હતાં, અભણ હતાં પણ જીવન-વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં છે. તેમણે મને હંમેશા શીખવ્યું છે કે, બેટા ! મુશ્કેલીઓથી ન ડરતો, હિંમતથી કામ કરજે, નિઃસ્વાર્થ કર્મ કરજે, પુરુષાર્થથી કદી થાકીશ નહીં, નિષ્ફળતાથી કદી ન ડરીશ, ખંતથી મહેનત કરજે અને હંમેશા પ્રામાણિક રહેજે. જીવનના આ સિદ્ધાંતો એ મને સફળતાનાં શિખરો પાર કરાવ્યાં છે.’

ખરા અર્થમાં આ બે બાબતો બાળકને જીવનનું વિજ્ઞાન સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને એ થકી બાળકનાં જીવનઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે. બાળકના જીવનઘડતરના આ યજ્ઞકાર્યમાં સૌ પ્રથમ માતા અને પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને પછી વિશ્વ જ્યારે સક્રિય હોય ત્યારે જ બાળકને આ શિક્ષણ અપાવી શકાય. બાળકમાં આવું જીવનઘડતર ઉપયોગી શિક્ષણ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા થઈ શકે તેમ નથી તેથી માતાએ બાળકને આ શિક્ષણ આપવા માટેનું સૌ પ્રથમ માધ્યમ બનવાનું છે. જાગૃત માતા જ પોતાના બાળક સાથેના સહવાસથી તેનામાં જીવન માટેનો સાચો અભિગમ કેળવી શકે છે. પોતાના કૌટુંબિક, સામાજિક મૂલ્યો, પોતાના વારસાનું ગૌરવ, વિવેક, વિનમ્રતા અને શ્રદ્ધા જેવા સદગુણો ખરેખર તો પોતાના ચારિત્ર્યમાંથી જ ઉપજાવી બાળકમાં તે રોપી શકાય છે. બાળકના જીવનઘડતરમાં ઉપયોગી એવાં મુખ્ય બે પરિબળો (ઉમદા ચારિત્ર્યનિર્માણ તથા શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ) પછી પણ ઘણી એવી ઉપયોગી બાબતો છે જે બાળકના જીવનઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે માતાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે.

નિયમિત રીતે બાળક સાથે સમય પસાર કરી, વાતચીત તથા તેના મનોભાવો જાણી બાળકમાં ઘડાતાં વિચારો, માન્યતાઓ અને ગ્રંથિઓથી પરિચિત રહી જરૂર પડ્યે યોગ્ય માર્ગદર્શનથી તેને ખોટાં વિચારો અને માન્યતાઓથી બચાવી શકાય છે, કારણ કે બાળકમાં શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણના પાયામાં તેનાં વિચારો તથા માન્યતાઓ મુખ્ય હોય છે, જે તેના આખાયે જીવનનો આધાર છે. કહેવાય છે ને કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જે વિચારો અને માન્યતાઓ બાલ્યકાળમાં રોપાય છે તે જ વિચારો અને માન્યતાઓના પાયા પર તેનું આખુંયે જીવન ઘડાય છે અને તે પ્રમાણે જ માણસ જીવન જીવવા કટિબદ્ધ થાય છે, કારણ કે કોઈપણ કાર્યના મૂળમાં વિચાર રહેલો છે. માણસનું કોઈપણ કાર્ય બે વખત આકાર લે છે, પ્રથમ તેના મનમાં અને પછી બાહ્ય કાર્ય સ્વરૂપે, તેથી સ્વસ્થ અથવા મજબૂત માનસિકતામાંથી એ વિચાર ઉદ્દભવ્યો નહીં હોય તો તેણે કરેલું કાર્ય પૂર્ણરૂપે ખીલી ઊઠશે નહીં, તેથી સૌ પ્રથમ માતાની જવાબદારી બને છે કે બાળકનાં વિચારો, માન્યતાઓ તથા ગ્રંથિઓને ધ્યાનમાં લઈ તેને સ્વસ્થ માનસ ઘડવામાં મદદરૂપ થવું જોઈએ.

બાળકના જીવનઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરવું તે છે. આ વિશ્વમાં ઘણી બધી બુદ્ધિપ્રતિભાઓ થઈ ગઈ, તે દરેકે કંઈક સર્જન કર્યું છે અને આ વિશ્વને પોતાના મહાન સર્જનથી શણગાર્યું છે. દરેક બાળકમાં પણ આ સર્જનતાના કોઈક ને કોઈક અંશો રહેલા જ છે. દરેક બાળકમાં આવી કંઈક ને કંઈક આગવી વિશિષ્ટતાઓ રહેલી છે. માતા બાળકની ખૂબ જ નજીક હોય છે તેથી ખૂબ કાળજીપૂર્વક તથા ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માતા પોતાના બાળકમાં રહેલી આ વિશેષતાને ઓળખી તેને બહાર લાવવામાં કે ખિલવવામાં મદદરૂપ થઈ શકે છે. જેમ કવિ કોઈ સારી કવિતા લખે ત્યારે, લેખક કોઈ સારું પુસ્તક લખે ત્યારે, વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે ત્યારે અથવા તો કોઈપણ સર્જક પોતાનું મહાન સર્જન આ વિશ્વને આપે ત્યારે આપણને અનહદ આનંદ થાય છે, તેવી જ રીતે એક માતાનું બાળક કંઈક વિશિષ્ટતા ધરાવતું હશે તો માતાને ખૂબ આનંદ થશે. તેથી, દરેક માતાને પોતાના બાળકની આ સર્જનાત્મકતાને યોગ્યતમ રીતે ઓળખી અને તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ અને આ શક્તિને વિકસાવવા માટે તેને પૂરતું પ્રોત્સાહન, તક અને તાલીમ મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. બાળકનાં ઉછેર કે કેળવણી ખામી ભરેલાં હોય તો તેની સર્જનશક્તિ મૂરઝાઈ જાય છે, મંદ પડી જાય છે, તેથી આ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.

[કુલ પાન : 102. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : કોચ પબ્લિકેશન. બી-89/90 આમ્રકુંજ સોસાયટી, પુણા-સીમાડા રોડ, સુરત-6. ફોન : +91 9879217429. ઈ-મેઈલ : cochpublication@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૃદયરેખા – રાજુ રાવલ
ચામડીનો રંગ – વલ્લભ નાંઢા Next »   

12 પ્રતિભાવો : શિક્ષણ અને જીવનઘડતર – ગીતા પટેલ

 1. જગત દવે says:

  સરસ લેખ…..પણ ભારતમાં વ્યવહારિક વિરોધાભાસ જોવા મળે છે. જાહેર જીવનમાં ભારતમાં “મારે તેની ભેંસ” તેવો માહોલ જામતો જાય છે. આપણે ધાર્મિક-સામાજીક દંભની આડમાં વિદેશીઓ કરતાં પણ વધારે ઝડપથી નૈતિક મૂલ્યોને ત્યજતાં જઈએ છીએ. (અથવા કહો કે ત્યજી જ દીધા છે)

  ભારતમાં દોઢ મહિનો રહ્યો…..વરસાદને કારણે લગભગ રોજ બે થી ત્રણ વાર રીક્ષામાં ફરવાનું થતું…….આ દરમ્યાન એક જ રિક્ષાવાળાએ પ્રમાણિકતાથી મીટરનું કાર્ડ જોઈને ૪૨ રૂપિયા ને ૨૦ પૈસા એવું ભાડું કહ્યું. બાકીનાઓ એ મોટાભાગે વરસાદનો લાભ લઈને લૂંટવાની કોશિશ કરી અને દુઃખની વાતતો એ છે કે લગભગ બધી જ રીક્ષાઓમાં કોઈને કોઈ દેવ-દેવીઓનાં ધાર્મિક ફોટાઓ લગાવેલા હતાં.

  • hardik says:

   હું ૨ દિવસ ગયૉ અને ખાલી ૧ જ વાર રીક્ષા માં જવું પડયું અને રીક્ષા વાળા એ એટલી પ્રામાણીકતા બતાવી કે મેં બક્ષિસ આપી તો પણ ના લીધી.

 2. dhiraj says:

  વિચારો અને આચરણ માં એકતા આવે તો જ પરિવર્તન શક્ય છે

  ૧. મારા એક મિત્ર ની ઈચ્છા એવી છે કે એમનો દીકરો મોટો થઇ ને ડોક્ટર બને
  તે મિત્ર પોતે મસાલો ખાય છે અને પોતાનાજ દીકરાને પાન ગલ્લે મસાલો લેવા મોકલે છે

  ૨. અમારી પડોસ માં રહેતા એક બહેન પોતાની દીકરી ને એટલી મારે છે કે દયા આવી જાય
  તેને ગણિત ઓછું ફાવે છે પણ એ છોકરી કલર ખુબજ સુંદર પૂરે છે

  મને ઘણું ઘણું ચિંતન કરાયા પછી એવું લાગે છે કે જો આવતી પેઢી ને સુધારવી હોય તો માતા પિતા એ જાગૃત થવું પડશે

 3. Hetal says:

  I totally understand what Geetaben is trying to say here, but It is very very hard to follow. I have son who is does not want to listen to me all the time- anything you ask him not to do-
  He start doing it again and again- any time you ask him to drink, eat, change clothes, shower, go to bathroom for pee – his reply is NO and then it is like you spend at least 15-20 minutes to convince him to do that one task and then you have your work at home, job, other things in every day life that needs attention too and I don’t know how can one keep the balance? I loose my patience then I have to feed him and put him to bed using other measures- which may not be good for him- like our typical Indian husband – his dad is only there for play time with him- He doesn’t take any responsibility of taking care of him- according to him- his mother- my mother-in-law is there for all that- and to me- grand parents can only spoil them because for them anything that little one does is cute and all they do is encourage them and that’s why son is does not want to behave ever and if he does- it takes forever for me to get into my tune very patiently. So, I really don’t like the blaming only MOM for child’s growth- when it comes to produce one- you need man and woman both but when it comes to taking care of them- Indian man are never there( there might be very very few exceptions but at then end only mother is blamed) Only thing I want to teach my son is be responsible human being- when you take action then be ready for reaction too- if you get married then make sure you understand your wife- and then if you have kids then make sure you can handle them and not just leave to your wife- also have responsibility towards not only your parents- siblings but also your wife’s parents and siblings and also Society that you live in.

  • Navin N Modi says:

   હેતલબેન,
   આપની ફરિયાદ સાવ સાચી છે. આપણો સમાજ એટલો બધો પુરુષ પ્રધાન છે કે એની અસરમાંથી સારા સારા વિચારકો પણ મુક્ત રહી શક્યા નથી એમ મને લાગે છે. આ લેખમાં જો ‘માતા’ના સ્થાને ‘માતા-પિતા’ શબ્દ વપરાયો હોત તો એ ન્યાયપૂર્ણ રહેત. આ બાબતમાં લેખના લેખિકાશ્રી તેમજ અન્ય વાંચકોના અભિપ્રાય જાણવા મને ગમશે. મારો સંપર્ક navinnmodi@yahoo.com પર સાધી શકાશે.

  • Ami says:

   Hetal,
   If your child’s age is about 2-5 yr old, then that is a phase. It eventually will go. its very typical to start your day with struggle and ends with struggle. Sometimes, too much attention will cause that issue as well. I experienced also that multiple family member taking care of kid is also becomes issue, specially when each one has different method of child care.

   • Ashish Dave, Sunnyvale, California says:

    Amibahen,

    I totally agree with you. Kids go through several phases and things change with time.

    આપણા માબાપે આપણને કેવી રિતે ઊછેર્યા હશે તે તો માબાપ બન્યા પછી જ ખબર પડે છે…

  • Hiral says:

   તમારી વાત સાચી છે હેતલ.
   પુરુષોનો સ્વભાવ, પુરુષપ્રધાન સમાજમાં બદલી તો નથી જ શકાતો અને વળી પાછું આપણે પોતે પણ વધારે જવાબદારીથી કળથી કામ લેવું પડે છે.

   તમને યાદ હોય તો “રત્ના નો કેસ” વાતમાં પણ એક રીતે ચાઇલ્ડ કેરની જ વાત છે. જેમાં એનાં પપ્પાનું યોગદાન નહિવત્ત છે. ઉલ્ટું એમને મન બીજાં છોકરાં જ ડાહ્યા હોય છે. અને એ વારે વારે રત્નાને ટોકે પણ છે. એવાં કપરા સંજોગોમાં પણ, એકલે હાથે માતાએ જ બાળકના ઉછેર માટે વધુ ભોગ અને વધુ કાળજી રાખવી પડે છે. બાળક જ્યારે હતાશ હોય છે ત્યારે ઘરમાં સાસુ-સસરા કે પતિનો સાથ મળતો નથી. અને છતાંય કોઇને દોષ દીધા વગર માતાએ પોતાની ફરજો પર ધ્યાન કેન્દ્રીત કરવું જ પડે છે. અને માતાનું ઉંચું ચારિત્ત્ર્ય (નૈતિક મુલ્યો) જ રત્ના માટે હિંમતની , જીવનકળાની જીવતી જાગતી શાળા બને છે.

   તમને મારી વાર્તા ગમી નથી. પણ સત્ય ઘટનાઓ મારા-તમારા અનુભવો જેવી જ હોય છે. બસ, ખાલી ઉંમર, સંજોગો અને સ્વભાવ અલગ પડે, એટલું જ.

 4. Anila Amin says:

  દરેક માતાપિતાની ઈછ્છા પોતાનુ બાળક શ્રેસ્ઠ બને એવી હોયઘે અને સારા સન્સ્કાર પડે તેનુ ધ્યાન રાખતા હોયછે .

  છતા કેટલીક્વાર એવુ બનતુ હોયછે કે આજુબાજુનુ વાતાવરણ અને બાહ્ય પરિબળો બાળકના ઘડતરમા ભાગ ભજવી જતા

  હોયછે આવાસન્જોગોમા માતાપિત્તાની સમયસૂચકતા અને કુનેહ બુદ્ધિ ખાસ કામ કરી જાયછે.

 5. Jagruti Vaghela USA says:

  સાવ સાચી વાત કે આજના યુગનુ શિક્ષણ માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટનું પ્રશિક્ષણ આપી શકતું નથી.
  ખૂબ સરસ લેખ. દરેક માતાપિતાએ વાંચવા જેવો લેખ.

 6. manish says:

  હું ૨ દિવસ ગયૉ અને ખાલી ૧ જ વાર રીક્ષા માં જવું પડયું અને રીક્ષા વાળા એ એટલી પ્રામાણીકતા બતાવી કે મેં બક્ષિસ આપી તો પણ ના લીધી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.