ચામડીનો રંગ – વલ્લભ નાંઢા

[યુ.કે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલ ડાયસ્પોરિક વાર્તા-કવિતા-નિબંધના પુસ્તક ‘આચમન’માંથી પ્રસ્તુત કૃતિ સાભાર લેવામાં આવી છે. પુસ્તકનું સંપાદન શ્રી અનિલ વ્યાસ અને શ્રી રમણભાઈ પટેલે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે સંપાદકોનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

જોકે આ સમાચાર સંપૂર્ણ અધિકૃત નહોતા, પણ વૅમ્બલીની કૉપલૅન્ડ શાળાના વિદ્યાર્થીઓમાં જોરશોરથી કાનાફૂસી ચાલી રહી હતી કે, આ વર્ષની આંતર-શાળાકીય હરીફાઈનું સર્વશ્રેષ્ઠ પારિતોષિક આલ્મા જીતી જવાની ! શાળાના વર્ગો અને લોબીમાં ઊઠેલો ચર્ચાનો જુવાળ એ જ સૂચવતો હતો કે આ હરીફાઈની વિજયમાળા આલ્માના ગળામાં જ આરોપાશે.

પણ આલ્માનું તો શાળામાં ચાલી રહેલી એ ગૉસિપ તરફ જાણે ધ્યાન જ નહોતું ! એ તો બધી ચર્ચાઓથી પર રહીને બસ, પોતાના અભ્યાસમાં પોતાની સાધનામાં, મસ્ત હતી, એ ચર્ચાઓ તરફ કાન માંડવાની તેને ફુરસદ જ ક્યાં હતી ? ચિત્રકળા સાથે તેને લગાવ હતો. તેનો પ્રિય વિષય હતો. તે જ્યારે કેન્વાસ પર પીંછીના લસરકા મારવા બેસતી ત્યારે એવું લાગતું કે એ કૃતિની એક એક રેખામાંથી જાણે તેનો આત્મવિશ્વાસ ટપકી રહ્યો છે ! અને અવનવા રંગોનું મિશ્રણ એટલું તો મૌલિક, એટલું તો મનમોહક બની ઊઠતું કે એ ચિત્રની રંગપૂરણી નિહાળનારાનું મન પ્રસન્નતાથી ઝૂમી ઊઠતું. આલ્માનું તૈલચિત્ર ‘વસંત’ આ વર્ષે નિર્ણાયક સમિતિએ આંતરશાળાકીય સ્પર્ધા માટે પસંદ કર્યું હતું. તે પાછળ પણ તેની કલાદષ્ટિ જ કારણભૂત બની હતી. જ્યારે એ ચિત્ર તૈયાર કરતી હતી ત્યારે બધાને લાગતું હતું કે આલ્માનું આ ચિત્ર આ વર્ષે ઈનામી ચિત્ર બનવાનું !

આવી વિચક્ષણ મેઘા, આવું નિરનિરાળું વ્યક્તિત્વ અને આવી અસાધારણ કલાસૂઝ ધરાવતી એ છોકરી કોણ હતી ? આલ્મા જોની વિલિયમ્સ જમૈકન મા-બાપનું સંતાન હતી. પરંતુ એના આનંદી સ્વભાવ અને શાલીન વર્તણૂકના લીધે તે ગોરા વિદ્યાર્થીઓ સાથે એવી તો હળી ગઈ હતી કે કોઈને એમ લાગતું જ નહોતું કે તે એક અશ્વેત છોકરી છે ! અમારા કરતાં તે જુદી છે – તેની જાતિ અને વર્ણ પણ જુદા છે ! તેના વારસાગત સંસ્કાર પણ ભિન્ન છે…. એ અભ્યાસમાં તો મોખરે હતી જ, પણ શાળાની રમતોમાં પણ તેનો શારીરિક તરવરાટ અનન્ય હતો. એકવાર શાળાના વાર્ષિકોત્સવમાં તેણે રાષ્ટ્રગીત ગાયેલું. ત્યારે પોતાના કંઠના જાદુથી આલ્માએ બધાને ચકિત કરી દીધેલા ! શાળાના શિક્ષક સમુદાયે તેના કંઠમાધુર્યની ખૂબ પ્રશંસા કરેલી. આ છોકરી શાળાના વિદ્યાર્થીઓમાં, ગુરુજનોમાં આટલી પ્રિય થઈ ગઈ હોય કે પછી કોઈના મનમાં એવો તુચ્છ વિચાર પણ ક્યાંથી આવે કે તે એક જમૈકન બાળા છે. ખુદ આલ્મા પણ ક્યારેક ભૂલી જતી કે તે એકાદ સદી પહેલાં જમૈકાથી અહીં આવીને વસેલાં મા-બાપનું સંતાન છે ! તેની ત્વચાનો રંગ શ્યામ છે. એના સંસ્કારો ભિન્ન છે. અને તેની રહેણીકરણી પણ બ્રિટિશ સમાજ કરતાં અલગ છે. કૉપલૅન્ડ શાળા માટે તે ભરપૂર અહોભાવ ધરાવે ! શાળાના શિક્ષકોને પણ આદર આપે, પણ આર્ટ્સનો વર્ગ લેતાં મિસિસ એન્ડરસન માટે પ્રેમ અને લાગણી છલોછલ !

મિસિસ એન્ડરસન એટલે વિનમ્રતા અને મીઠાશનું મૂર્તિમંત સ્વરૂપ. મિસિસ એન્ડરસન એટલે આલ્માના પ્રેરણામૂર્તિ ! ચિત્રકળાની દીક્ષા પણ આલ્માએ એમની પાસેથી જ લીધી હતી. આલ્માના હાથમાં પીંછી પકડાવી દીક્ષામંત્ર આપતી વખતે એમણે આલ્માને કહેલું : ‘તારી તમામ શક્તિઓને તારે કળાકૃતિઓમાં કેન્દ્રિત કરવાની છે. તારી પીંછીમાં તારે પ્રાણ રેડી દેવાનો છે. સર્જન દરમિયાન તારા મનપ્રદેશને પવિત્ર મનમંદિર કલ્પી દેવાનું છે અને તારી સમગ્ર કળાસૂઝ એમાં ભેળવી દેવાની છે. પછી, જો જે, તારું એ સર્જન સમગ્ર રીતે આપણું જ હોય, એમાં કેવળ તેના સર્જકની જ છાપ હોય અને તેમાં અન્ય કોઈની છાયા ન હોવી જોઈએ !’ આલ્મા માનતી હતી કે, મારી અંદર સુક્ષ્મરૂપે છૂપાયેલી શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાનું શ્રેય, બીજા કોઈને નહીં, કેવળ મિસિસ ઍન્ડરસનને જ આપવું જોઈએ.

આલ્માને પોતે જમૈકન છે તે બાબતનું પણ ખૂબ ગૌરવ હતું. કુળ જમૈકન હોવાને કારણે તેનો નાભિનાળ સંબંધ આફ્રિકા સાથે હતો પણ તેના પૂર્વજો સદીઓ પહેલા અમેરિકામાં, અને પછી, વર્ષોથી બ્રિટનમાં આવી વસ્યા હતા. અત્યારે તેનામાં આફ્રિકીપણાનો એકાદ અંશ પણ નહોતો રહ્યો. નાનપણમાં તેની દાદી પાસેથી, આફ્રિકા ખંડના ખૂણેખાંચરેથી અબુધ આફ્રિકનોને ગુલામ તરીકે પકડીને, અમેરિકા અને બીજા દેશોમાં વેચવામાં આવતા હતા, તેની અમાનુષી વાર્તા આલ્માએ સાંભળી હતી. આફ્રિકા ખંડની વિશાળતા, પર્વતોના શિરમોર જેવો પર્વતરાજ કિલિમાન્જારો, જગતની સૌથી લાંબી નદી નાઈલ, મીઠાં મેરામણ જેવા સરોવરો, મહાકાય પિરામિડો, આફ્રિકન પ્રજાની નિખાલસતા અને શૂરવીરતા તેના હૈયામાં સ્ત્રોત બની સતત વહ્યા કરતાં. એ બધું તેની કળાકૃતિઓમાં એક યા બીજી રીતે પ્રગટ થઈ જતું. આલ્માના માબાપ નોટિંગહિલની એક ચર્ચ શાળામાં ભણેલાં હતાં. આલ્માના પિતા સેમ ઓકલી લંડન ટ્રાન્સપોર્ટ કંપનીની બસો ચલાવતા હતા, અને એની માતા માર્થા ઓકલી હાર્લ્સડન લાઈબ્રેરીમાં પાર્ટટાઈમ લાઈબ્રેરિયન તરીકે સેવા આપતી હતી. માર્થાએ તો સાંજની શાળામાં અભ્યાસ કરીને સોશિયોલોજીની ડિગ્રી પણ મેળવી હતી. વીકઍન્ડમાં માર્થા કમ્યુનિટી સેન્ટરમાં પ્રૌઢોને અંગ્રેજી શીખવવા જતી. આલ્માના મા-બાપ સાદું-સીધું જીવન જીવતાં હતાં. અભ્યાસ કરવા માટે બંનેએ ઘણી મુશ્કેલીઓ વેઠેલી. એમને જે કષ્ટો વેઠેવા પડ્યા હતા, તેવાં કષ્ટો પોતાની દીકરીને ઉઠાવવા ન પડે, એટલે તેઓ આલ્માને ખૂબ ભણાવવા માગતાં હતાં.

હવે ઈનામની ચર્ચા જોરદાર બનવા લાગી હતી.
અને એક દિવસ આચાર્યા મિસિસ ઑસ્ટિને આલ્માને મળવા માટે પોતાની ઑફિસમાં બોલાવી. એમણે ત્યારે હેતથી કહેલું : ‘આલ્મા, ધેર ઈઝ ગુડ ન્યુઝ ફોર યુ. બટ આઈ કેન ઓન્લી ટેલ યુ વિથ વન કન્ડિશન. યુ ડોન્ટ ટેલ એનિબડી. ગોટ ઈટ ?’
આલ્માએ વચન તો આપી દીધું પણ મૂંઝાઈ કે એવી તે કઈ વાત હોઈ શકે જે મારે કોઈને પણ કહેવાની નહીં ! અને તેણે મનની મૂંઝવણ ઉપર ધૈર્યની ચાદર ઢાંકી રાખી.
‘યુ આર એ બ્રાઈટ સ્ટુડન્ટ ઍન્ડ ધિસ ઈઝ યોર ફાઈનલ ઈયર, વી આર ગોઈંગ ટુ મિસ યુ.’ ત્યાં તો બારણે હળવો ટકોરો થયો અને મિસિસ એન્ડરસન અંદર પ્રવેશ્યાં ને બોલ્યાં : ‘શાની વાતો ચાલે છે, આ ક્યૂટ છોકરી સાથે ?’
‘હું આને કહેતી હતી કે તેના ગયા પછી અમે બધાં સૂનાં સૂનાં થઈ જઈશું.’ મિસિસ ઑસ્ટિન બોલ્યાં, પણ મૂળ વાત કેવી રીતે કહેવી તે એમને સમજાતું નહોતું. એથી આ જવાબદારી મિસિસ એન્ડરસનને સોંપતા એ બોલ્યાં : ‘એમ કરો, તમે જ કહો ને.’
મિસિસ એન્ડરસન તરત બોલ્યાં : ‘અરે એમાં શું ?’ પછી આલ્મા તરફ મંદ સ્મિત વેરી દેતાં એમણે કહ્યું : ‘કમોન, સ્માઈલ ગર્લ ! અમારા સાંભળવામાં આવ્યું છે કે તારા ચિત્રને શ્રેષ્ઠ પારિતોષિક મળશે.’ આલ્માના ધબકારા એકદમ વધી ગયા. એની આંખો એકદમ પહોળી થઈ ગઈ. એની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ઊઠી.

મારા ‘વસંત’ ચિત્રને સૌથી મોટું ઈનામ ? આમ તો એ એક તદ્દન સાધારણ ચિત્ર હતું. પણ એ ચિત્ર જોઈને મિસિસ એન્ડરસન અતિ પ્રસન્ન થયા હતાં. વસંત ઋતુમાં મહોરતા બગીચાનું એ સુંદર ચિત્ર હતું ! એમાં લીલા વૃક્ષો અને લીલી લીલી કૂંજો ! વનરાઈઓ અને વેલીઓ, નીલા આકાશની પશ્ચાદભૂમાં જાણે ભાતીગળ ચંદરવો બની ગયા હતા ! કુમળા લીલા ઘાસવાળી એ બિછાતમાંથી એક પ્રકારની જાણે ફોરમ ઊઠતી હતી. વચમાં એક કાઠી ઉપર ધ્વજ લહેરાતો હતો. આસપાસ ખેલકૂદ કરતાં નાનકડાં ભૂલકાં ને પાસે વૃક્ષના એક થડિયા પર એક વૃદ્ધા બેઠી હતી. એનો ચહેરો એક તરફ ઝૂકેલો હતો. ચિત્ર જુઓ તો તમને લાગે કે પેલી વૃદ્ધાની નજર ધ્વજ ઉપર મંડાયેલી છે અને વસંતની એ મધુર હવામાં ફરફરતા ધ્વજમાં તમને સંભળાય છે ઋતુરમણાનું અદ્દભુત ગાણું અને પેલા નાગડાંપૂંગડાં ભૂલકાંઓની ખેલકૂદમાં તમને દેખાય નરી નિર્દોષતા ! એ ચિત્રમાં વૃદ્ધા, ધ્વજ અને વસંત એ ત્રણેએ રચેલો એક અદ્દભુત ત્રિકોણ હતો, જેની વચમાં રમતું હતું એનું સપનું. આ ચિત્ર નિર્ણાયક સમિતિને મોકલતી વખતે એ વિચારતી હતી, કલા વિવેચકોની બનેલી નિર્ણાયક સમિતિના સભ્યોને આ ચિત્ર ગમશે ? પણ એ જ ચિત્ર ઉપર નિર્ણાયક મંડળની પસંદગી ઊતરે અને એ ચિત્ર આલ્મા માટે પારિતોષિક જીતી લાવશે એવી કલ્પના તેણે ક્યાં કરી હતી ?

‘આજે અમે તારે માટે કેટલું ગૌરવ અનુભવીએ છીએ, તેની તને ખબર છે, દીકરી ? અરે ઈનામ સ્વીકારતી વખતે સમારંભમાં તારે તારો પ્રતિભાવ પાડવો પડશે, તેની તને ખબર છે ને ?’
‘યસ, મેડમ.’ માત્ર એટલું જ બોલીને એ આચાર્યાની ઑફિસમાંથી બહાર નીકળી આવી હતી, ઘેર જવા માટે કદાચ ઘેર જતી વખતે સારાય માર્ગ પર એ દોડતી જ રહી. એના પગમાં ત્યારે વીજળી સંચરતી હતી. આછું આછું સ્પંદન અનુભવતી તેની આંખોમાં એક અનોખા સ્વપ્નનું નર્તન ચાલતું હતું. દોડતી એ ઘેર આવી ત્યારે તેનું મન બોલી ઊઠ્યું – ઘેર હજી મા ના આવી હોય તો સારું. થોડો સમય તે એકાંતમાં ગાળવા માગતી હતી જેથી ભીતરમાં ઊઠતા રોમહર્ષક તરંગોને જરા શાંત કરી શકે અને પોતાની દિનચર્યામાં થોડુંક સાહજિકપણું લાવી શકે. કેટલું મુશ્કેલ કામ હતું એક નાનકડી બાળકી માટે ? આચાર્યાએ હમણાં આ ઉત્સાહજનક સમાચાર કોઈને પણ કહેવાની મનાઈ કરી હતી. પોતાની માતાને પણ કહેવાની ના પાડી હતી ! પણ કંઈ નહીં, મા માટે આવતા શિયાળાની મોસમમાં પહેરવા સારુ એક ગરમ કોટ લઈ શકાશે. બાપુ માટે પણ એક નવો સૂટ ખરીદાશે, વળી ઈનામના પૈસાને મારે શું કરવાના ? એમાંથી થોડા પૈસા અમારા જમૈકન સમાજને આપીશ. મારા બાંધવોના ઉત્કર્ષ માટે !

એ સુખદ કલ્પનાઓમાં રાચવા લાગી હતી…. શાળાના સેંકડો વિદ્યાર્થીઓની વચમાં મારું સન્માન થશે. મારા ચિત્રને વર્ષના સર્વોત્તમ ચિત્ર તરીકે બિરદાવવામાં આવશે. અને એ વખતે પોતાનો પ્રતિભાવ કેવા શબ્દોમાં પાડવો તેની મૂંઝવણમાં તે ખોવાઈ જવા લાગતી. એ પછી એક નાનકડું સંભાષણ તેણે પોતાના મનમાં ગોઠવી કાઢ્યું હતું.
‘આપે મારું ગૌરવ કર્યું છે તે બદલ આપ સૌની હું આભારી છું પણ આ સન્માન મારે માટે કેટલી મોટી બાબત છે તે બતાવવા શબ્દો ઓછા પડશે. આ બહુમાન કેવળ મારું નથી, પણ મારા સારાય સમાજનું છે, મારાં શ્યામ ભાંડુઓનું છે. અમારો સમાજ વગોવાયેલો સમાજ છે, પણ તમે એક શ્યામ બાળકનું કરેલું બહુમાન મારા સમાજને ગૌરવ આપશે અને એમનામાં આત્મબળ પેદા કરશે મારે મન આ બહુ મોટી સિદ્ધિ છે.’ – કેવી ધન્ય જશે એ ક્ષણો ! કેવું ગૌરવ અનુભવશે મારો સમાજ ! કેટલા ખુશ થશે મારાં શ્યામ ભાંડુડા ! અને એની માતા ? એ તો હરખમાં ને હરખમાં રડ્યા જ કરશે. આવા વિચાર-તરંગોમાં એ રાચવા લાગી. હવે બસ, સત્તાવાર પરિણામ આવવાની રાહ જોવાતી હતી….

નવના ટકોરે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં ગોઠવાઈ ગયા. વર્ગશિક્ષકે હાજરીપત્રક ખોલ્યું અને નજર વર્ગમાં ચારે તરફ ફરી વળી અને પછી આલ્મા પર અટકી.
‘આલ્મા, મિસિસ ઑસ્ટિન તને મળવા માગે છે, એમની ઑફિસમાં જઈ આવ તો !’ વર્ગશિક્ષકે જણાવ્યું.
‘શું હશે ? નિર્ણાયકોએ લિખિત કશુંક જણાવ્યું હશે ? છાપાના ખબરપત્રીઓને જાણ થતાં એ લોકો મારો ઈન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હશે ? મારો ફોટો છાપવા માગતા હશે ? ગયે વર્ષે પણ એમ જ બનેલું. જેવું વિજેતાનું નામ જાહેર થયેલું કે તરત જ તે દિવસના સાંજના ‘ઈવનિંગ સ્ટાન્ડર્ડ’માં એનો ફોટો આવી ગયેલો.’ એ મિસિસ ઑસ્ટિનને મળવા તેમની ઑફિસમાં પહોંચી ગઈ. દ્વાર પર એક હળવો ટકોરો કરી અંદર દાખલ થઈ ત્યારે આલ્માના નાનકડા હૈયામાં ઉત્સાહ સમાતો નહોતો ! મિસિસ ઑસ્ટિન અંદર એકલાં જ હતાં અને ઑફિસમાં નિષ્કંપ શાંતિ હતી.
‘કમ, આલ્મા.’ એ બોલ્યાં પણ સદા પ્રફુલ્લિત રહેતો મિસિસ ઑસ્ટિનનો ચહેરો અત્યારે થોડો ગમગીન જણાતો હતો. કશુંક કહેવા માટે આચાર્યના હોઠ જરા ખૂલીને પાછા બંધ થઈ જતા. એમના ચહેરા પર એક પ્રકારના બોઝીલપણાનો ભાર વર્તાતો હતો. કેટલીક ક્ષણો મૌનના પ્રવાહમાં તણાયા પછી આચાર્યાની મૂંઝવણ તૂટક તૂટક શબ્દોમાં વ્યક્ત થઈ :
‘આઈ એમ પઝલ્ડ, વેર ટુ સ્ટાર્ટ ફ્રોમ……’ આચાર્યા માંડ માંડ આટલું બોલીને પાછાં ચૂપ થઈ ગયાં. એમની આંખો ટેબલ પર પડેલા કાગળ પર મંડાયેલી હતી.

એ કાગળ પર આલ્માનું ધ્યાન પડતાં તેની આંખોમાં એક ચમક આવી ગઈ ! હા, એ જ ઈનામની જાણ કરતો અધિકૃત પત્ર ! પણ મિસિસ ઑસ્ટિનની મુખમુદ્રા ગંભીર કેમ જણાય છે ? લાગતું હતું કે આચાર્યા કઈ ગંભીર વાત કરવા માગે છે, પારિતોષિકના સંદર્ભમાં. પણ હર્ષના અતિરેકને કારણે એ કહી શકતાં નથી.
‘આઈ હેટ ધિઝ જજીસ !’ બોલતાં એમની નજર આલ્મા પર મંડાઈ ‘એવોર્ડ વેન્ટ ટુ સમવન એલ્સ.’ બોલીને શાંત બની ગયાં. થોડીક ક્ષણો પહેલાં, સ્વપ્નોની દુનિયામાં વિહાર કરતી નાનકડી આલ્માના માથામાં ધોમધખતો અંગારો પ્રવેશીને અચાનક આખા દેહમાં પ્રસરી ગયો હોય, એવું થયું. તેને લાગ્યું કે, આચાર્યાની આ નાનકડી ઑફિસની ચાર દીવાલો સાંકડી બનીને તેને ભીંસી રહી છે. આલ્માના માસૂમ ચહેરા પર ઉપસી આવેલા નિરાશાના ભાવો પારખી જતાં મિસિસ ઑસ્ટિન બોલ્યાં : ‘નિર્ણાયક સમિતિને પહેલાં લાગેલું કે તારા જ ચિત્રને પ્રથમ ઈનામ મળવું જોઈએ, પરંતુ એ ઈનામ હવે એક સ્થાનિક ગોરા કિશોરને મળે છે. છેલ્લી ઘડીએ નિર્ણાયકોએ એમનો નિર્ણય ફેરવી નાખ્યો લાગે છે.’

આલ્મા કશું બોલી નહીં. બોલે પણ ક્યાંથી ? એ તો મૂઢ બની ચૂકી હતી.
‘આ રહ્યો પત્ર. જજીસની પેનલે મોકલ્યો છે.’ ને એમણે એ પત્ર ઉપાડતાં ભીના કંઠે એ પત્ર વાંચવા માંડ્યો. પણ આલ્માને જાણે કશું સંભળાતું નહોતું. એના કાનમાં જાણે સીસું રેડાયું હતું ! કશું પણ કહ્યા વિના, એ ઝડપભેર ઑફિસમાંથી બહાર નીકળી આવી. ઘેર આવી ને સીધી પથારીમાં પડી. ક્યાંય સુધી ઓશીકામાં મોઢું દબાવી એ, બસ રડતી જ રહી. એને ઊંઘી જવું હતું. જે કાંઈ સાંભળ્યું, સમજાયું તે સઘળું ભૂલી જવું હતું. મોડી રાત સુધી પેલા શબ્દોના પડઘા તેની આંખોમાંથી આંસુ બનીને ઝરતા રહ્યા. એકાએક નિર્ણાયકોએ એમનો નિર્ણય કેમ બદલ્યો હતો. તેનું કારણ તેને સમજાતું નહોતું. નિર્ણાયકોને પેલા ગોરા છોકરાનું ચિત્ર ખરેખર મારાં ચિત્ર કરતાં ચડિયાતું જણાયું હશે…. ? કે પછી વર્ણભેદને કારણે કે પછી મારી ચામડીનો રંગ…..???!

[કુલ પાન : 259. કિંમત રૂ. 175. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, શામળદાસ ગાંધી માર્ગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002. ઈ-મેઈલ : nsmmum@yahoo.co.in]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિક્ષણ અને જીવનઘડતર – ગીતા પટેલ
સમયની ફ્રેમમાં – સંકલિત Next »   

19 પ્રતિભાવો : ચામડીનો રંગ – વલ્લભ નાંઢા

 1. trupti says:

  સંવેદનશીલ કથા. કહેવાતા મોર્ડન સમાજ મા અને દુનિયા મા પોતાના મોર્ડનપણા ના બણગા ફુંકતા લોકો હજી પણ વર્ણભેદના શિકાર છે તે જાણી ઘણુ દુખ થયુ. આલ્માને જ્યારે તેને ઈનામ નથી મળતુ એમ કહેવા મા આવ્યુ ત્યારે કેવુ લાગ્યુ હશે તે વિચારજ કંપારી છુટાવિ દે તેવો છે. એ બિચારીએ તો ઈનામ ના પૈસા કેમ અને ક્યાં વાપરવા તે પણ વિચારી લીધુ હતુ. તેના સપના મહેલ ને તુટતો તેને કેવિ રીતે જોયો હશે? અને ઈનામ ન મળવાનુ કારણ પણ કેવુ? તેનો રંગ?

  • Ashish Dave, Sunnyvale, California says:

   ત્રુપ્તિબહેન,

   કાળા અને ધોળા વચ્ચેતો દેખીતો ફ્રરક છે. હુ એમ નથી કહેતો કે આ કારણે કોઈ કોઈને અન્યાય કરે. પરંતુ આપણેતો આપણા જેવા દેખાતા, આપણી જ વચ્ચે રહેતા,આપણા જ દેશવાસીઓને ડગલે ને પગલે ભેદ રાખીયે છે.

   આલ્મા જેવો અનુભવ જ તેને એક ચીંગારી આપશે ભવિશ્યમા આગળ વધવા… ગાંધીજીને ટ્રેઈનમાથી ધક્કો ન મરાયો હોત તો?

   Ashish Dave

 2. Amrutlal Hingrajia says:

  એક સંવેદનશીલ કથા.આપણે જ વાલિયાને વાલિયો જ રહેવાદેવા માંગીએ છીંયે અને પછી વલિયાની અસ્મિતાની વાતો કરીએં છીએં.આ સમાજિક દંભ જ છે.
  ખરેખર હૃદયસ્પર્શી આલેખન્

 3. reema says:

  khub j sundar varata, kahevata modern samaj par ek jor dar lapdak jevi.
  haji pan apne varnbhed mathi bahar nikli shakya nathi
  girl child ne ghani vakhat jati bhed no pan samno karvo pade chhe.

 4. dhiraj says:

  “વળી ઈનામના પૈસાને મારે શું કરવાના ? એમાંથી થોડા પૈસા અમારા જમૈકન સમાજને આપીશ. મારા બાંધવોના ઉત્કર્ષ માટે ”

  નાના બાળક ની મોટી વાત સ્પર્શી ગઈ

  કાશ આપણે મોટો પણ આ નાની બાળકી ની વાત સમજી શકીએ અને આપણા બાંધવો ના ઉત્કર્ષ માટે કૈક કરી શકવાનું વિચારીએ

  • Nami Anami says:

   Sorry Dhirajbhai,

   I see this a little differently. We are teaching our children to help others (which is very good) based on ethanisity or religion (I don’t think a good idea). I hope you can understand this.

 5. કલ્પેશ says:

  રંગભેદ વિશે નાના છોકરા/છોકરીને કેમ સમજાવશો?

  એક અમેરિકન શિક્ષિકાએ એક પ્રયોગ કર્યો જેમા એક ક્લાસમા લોકોને આંખના રંગ પ્રમાણે બે ભાગ પાડ્યા.

  પહેલા ભાગને કહેવામા આવ્યુ કે એ લોકો બીજા લોકો કરતા ચઢિયાતા છે, હોશિયાર છે વગેરે વગેરે.
  અને બીજા ભાગને, પહેલા ભાગ દ્વારા અપમાનિત કરવામા આવતા

  ૭/૧૦ દિવસ પછી એ વાતને ફેરવી નાખવામા આવી અને કહેવામા આવ્યુ કે શિક્ષિકાની ભૂલ થઇ ગઇ અને બીજો ભાગ વધારે હોશિયાર અને ચઢિયાતો છે અને હવે પહેલા ભાગને અપમાન સહન કરવામા આવ્યુ.

  છેલ્લે બન્ને ભાગને હકીક્ત કહેવામા આવી અને એમને પોતાએ સહન કરેલા અપમાનનુ જ્ઞાન થયુ. અને એમને પોતાનુ દંભીપણુ સમજાયુ. નાનપણમા આ જાણવાથી એમને જલ્દી સમજણ આવી કે આવા ભેદભાવમા પોતે બીજાની સ્થિતિ સમજવી.

  http://www.pbs.org/wgbh/pages/frontline/shows/divided/

 6. ખુબ જ સારી વાર્તા. રંગભેદ આજે પણ ઘણી જગ્યાએ અનુભવાય છે. રંગભેદને કારણે જ એક નિર્દોષ અને માસુમ બાળકીએ કરેલી મહેનતને ભુલી જવામાં આવી. તેના અરમાનોનો ભુક્કો થઈ ગયો.

 7. સંવેદનાસભર. બાળમાનસમાં આવા ભાવો કેટલી નિરાશા જન્માવે છે તે કદાચ બહુ ઓછા લોકો જાણે છે.

  રંગભેદ, જાતિભેદ, આર્થિકભેદભાવ બાળકના મનમાં એક ચોક્કસ સીમા બનાવે છે.

  મેં નજરે જોયેલી એક વાત….

  મારી મમ્મી ટ્યુશન કરતી…તેમાં એક બાળક આવતો…તેના પિતા લારી ચલાવી ગુજરાન ચલાવતા. માટે મમ્મી એને મફત ભણાવતી. ટ્યુશનમાં બીજા બાળકો જન્મદિવસ પર ચોકલેટ વહેંચતા, નવા કપડા પહેરી આવતા. ટ્યુશનમાં આવતા એક છોકરા એ એ ગરીબ વિધ્યાર્થિને પુછ્યું કે કેમ તું કદી તારા જન્મદિવસ પર ચોકલેટ નથી વહેંચતો???

  બાળકનો જવાબ – અમે બહુ ગરીબ છીએ, અમારી પાસે એટલા બધા પૌસા નથી.

  હું સાંભળી ને છક જ થઇ ગઇ….આવી ભેદ રેખા એનામાં આવી ક્યાંથી??

  • Viral says:

   સમય અને સંજોગ બધુ શીખવાડે. આ ભેદરેખા નંહી પણ Maturity છે.

  • કલ્પેશ says:

   તમને એમ લાગશે કે આ ભેદરેખા છે. એને માટે આ જ વાત રોજની હકીક્ત છે.

   પોતે ગરીબ છે અને બીજા પૈસેટ્કે સુખી છે છે એમ વિચારીને દુઃખી થવા કરતા વાતનો સ્વીકાર છે (જે નાનપણમા કદાચ ન સમજાય પણ દેખાય તો છે જ. દા.ત. હું કેમ ચોકલેટ નથી વહેંચતો?).

 8. Nami Anami says:

  એમાંથી થોડા પૈસા અમારા જમૈકન સમાજને આપીશ. મારા બાંધવોના ઉત્કર્ષ માટે !

  Isn’t the sentence above full of discrimination in itself? A Jamaikan living in UK still wants to help someone based on ethanisity and not based on the need. And worst thing is that it is a child that is thinking that way.

  • કલ્પેશ says:

   No. It is not discrimination.

   If I am poor, I will think of meeting the needs of my family first.
   Going ahead, I will try and meet the needs of people who are part of extended family.

   Going further, I will help people who are not related to me but have been good to me.
   Eventually, if I contemplate enough, I will cross the barriers of everything and will be able to help anyone.

   How many kids there are who think in this fashion?
   At an age where kids think about their needs first, I will call it maturity (at an age of a kid) to think of helping the Jamaican community.

   It is easy to point finger at others than to check what one has done so far?
   Note: The example is not directed at you.

 9. Parag says:

  ખુબ જ સરસ વાર્તા. પેલા જ્જ લોકો જ ઇનામ દેવાને લાયક નહોતા.એ લોકો એ પોતાના દેશ નુ જ નુક્સાન કર્યુ.

 10. Dipti Trivedi says:

  વાર્તામાં શરુઆતમાં કહ્યું છે કે —-તે ગોરા વિદ્યાર્થીઓ સાથે એવી તો હળી ગઈ હતી કે કોઈને એમ લાગતું જ નહોતું કે તે એક અશ્વેત છોકરી છે —અને તેની કલામાં તેના સમાજના પાસાઓ પ્રગટ થયા કરે તેમજ પોતાના સમાજને મદદ કરે એતો ઠીક,(બધાં મોટે ભાગે એમ જ કરતા હોય છે) પણ આલ્મા જ્યારે મનમાં પ્રતિભાવનુ સંભાષણ વિચારે ત્યારે લેખક સતત એમાં શ્યામ હોવાની બાબતને જ સાંકળ્યા કરે છે. વળી શાળાના આચાર્ય કે અન્ય સ્ટાફ તરફથી કોઈને કહેતી નહી એમ સૂચના સાથે નાની વિદ્યાર્થિનીને સત્તાવાર પરિણામ જાહેર થતાં પહેલાં કહી દેવુ તે પણ બરાબર નથી.. તેથી જ તેને વધારે દુઃખ થયું. જવાબદાર આચાર્ય કહીદે અને આલ્માએ ખાનગી રાખવાનુ!!!!!!!
  વાર્તા આમ સારી છે પણ રંગ વિશે શરુથી જ એટલી બધી ચર્ચા છે અને પાછું શિર્ષક એટલે અંત વીશે અનુમાન સરળ થઈ જાય છે.

 11. Hetal says:

  Very heart touching story – and mr. Nami anmi’s view is also different- He does not comment on discrimination that happened to the little girl in the story but he does sees her dreams to be unethical that she desire to help her community which is also poor and left behind like she is- very nice view MR. If you like to help everyone regardless of Nat-jat- dharm- samaj etc etc then why don’t you feed everyone you see that is hungry and not just your family member? Karvu kai nahi ne bijane salah apavi?!
  Hiralben there is nothing shocking in poor student’s statement that “અમે બહુ ગરીબ છીએ, અમારી પાસે એટલા બધા પૌસા નથી. “ because when those kids ask for their desired things like new clothes, chocolates, books, good food to their parent and when parents don’t have money for suhc things then they have to make their kids understand that they are poor- why they can not pay for their demands- that they don’t have money and why they don’t have money is because they are poor.

 12. nayan panchal says:

  વાર્તા આપણા કહેવાતા સુધરેલા સમાજની કડવી વાસ્તવિકતા દર્શાવે છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા હુમલા, અમેરિકામાં કાળા-ગોરાનો ભેદભાવ અને આવુ ઘણુ બધુ દુનિયામાં ફેલાયેલુ છે જ.

  બીજા કોઈ દેશ કરતા ભારત દેશ સૌથી વધારે જાતિવાદી લાગે છે. આપણા દેશમાં ભાષાને લઈને, ધર્મને લઈને રોજ જ ધમાલ થાય છે. પ્રાંતવાદ, જાતિવાદ આપણા ભારતીય સમાજના સૌથી મોટા દૂષણ છે.

  આલ્માનુ આ તૂટેલુ સપનુ પહેલા જેવી આલ્મા રહેવા દેશે ખરું ? આલ્માના હ્રદય પર આ બનાવની છાપ પડવાની જ અને તે નકારાત્મક જ રહેવાની. આપણે કોઈના આવા નિર્મળ મનને મલિન ન કરીએ તેવી જ પ્રભુ પ્રાર્થના.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.