- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

શીલવંત નારી ગંગાસતી – પોપટલાલ મંડલી

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2010માંથી સાભાર.]

શીલ એટલે ચારિત્ર. ચારિત્ર એટલે મર્યાદા. મર્યાદા એટલે ધર્મ. આ ત્રણેનો સંગમ જેમાં મળે છે તે સ્ત્રી છે. પુત્રી, પત્ની અને માતાનો મેળાપ જેમાં થાય છે તે સ્ત્રી છે. સંઘર્ષશક્તિ, સહનશક્તિ અને વિવેકશક્તિ. આ ત્રણેનો જેમાં સમન્વય થાય છે તે સ્ત્રી છે. સુખ, શાંતિ અને સંતોષ આ ત્રણ જગતને જ્યાંથી મળે છે તે સ્ત્રી છે. પ્રેમ, કરુણા અને ત્યાગ આ ત્રણ ગુણો જેમાં પાંગર્યા તે સ્ત્રી છે. સ્ત્રી અવતાર ધારણ કરી અનેક પ્રકારે પોતાની ફરજ બજાવે છે. તે કેડી છે. તે દર્શક છે. તે મંજિલ છે. સ્ત્રી ભજનો રચે છે, ભજનો ગાય છે. તે સંસારને ભજનનો ભાવ પીરસે છે. તે રૂડી છે. તેનાથી ઘર રૂડું છે. કુટુંબ રૂડું છે. કુટુંબ રૂડું છે તો તે સંસાર રૂડો છે. આવો, આવી એક શીલવંત નારી સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર થઈ ગઈ એનો પરિચય આપને કરાવું.

નામ એમનું ગંગાસતી. ગોહિલવાડમાં આવેલું રાજપરા એમનું ગામ. એમનો જન્મ સંવત 1781માં થયો હતો. એમની માતાનું નામ રૂપાળીબા. એમના પિતાનું નામ ભાઈજીભાઈ સરવૈયા. ગંગાસતીને નાનપણથી જ ભક્તિની લેહ લાગેલી. એ સવારે ને સાંજે મંદિરમાં અચૂક જાય. ત્યાં આવેલા સાધુ-સંતોનાં ટાંપાટૈયાં કરે, એમનો સત્સંગ સાંભળે. એમના આચાર-વિચારો જુએ. આ રીતે નિરંતર ઘડાઈને ગંગા મટી ગંગાસતી બની. એ સંસ્કારી ને શીલવંતી બની. હવે એના દેહ પર વસંતી વાયરા વાયા. પિતાએ એનો સંબંધ સમઢિયાળાના ઠાકોરસંગ સાથે કર્યો. કહળસંગ સંવત 1820માં જાન લઈ રાજપરા આવ્યા. ગંગાસતી અને ધ્રુવસંગનાં લગ્ન થયાં. બંને એક જ પંથના પંથી હતાં. બંને સત્સંગી, વિવેકી અને મર્યાદી હતાં. જાણે સોનામાં સુગંધ આવીને ભળી. ઘઉં ને કોથળાનો સહારો મળ્યો ને કોથળાને ઘઉંનો સહારો મળ્યો.

જોતજોતામાં આ સત્સંગી બેલડી આખા સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બની ગઈ. ગંગાસતીને રાજબા અને હરિબા નામની બે પુત્રીઓ થઈ. અજિતસંગ નામનો પુત્ર થયો. બંને પુત્રીઓ ગુણિયલ અને સંસ્કારી હતી, પણ પુત્ર વંઠેલ અને કુટિલ નીકળ્યો. અજિતસિંહનો સંબંધ ગંગાસતીએ નજીકના ગામે માનબાઈ સાથે ગોઠવ્યો. માનબાઈ પૂરી સંસ્કારી અને સત્સંગી હતી. ઉંમરલાયક થતાં માનબાઈનાં લગ્ન લેવાયાં. સમઢિયાળાથી જાન લઈ ગંગાસતી નીકળ્યાં.

આ બાજુ માનબાઈએ લગ્ન કરવાની સાફ ના પાડી. પિતાએ આંખમાં આંસુ સાથે માનબાઈને વિનવણી કરી. માનબાઈએ ઘર, કુટુંબ અને પિતાની આબરૂની પરવા કર્યા વગર કહી દીધું, ‘એ વંઠેલ સાથે હું લગ્ન નહિ કરું. ભગવાને આ ભવસાગર તરવા માટે રૂપગુણથી ભરી આ કાયા આપી છે. એને આ ચરિત્રહીન સાથે લગ્ન કરી અભડાવવા માગતી નથી. હું વખ ઘોળીને પીશ પણ એની સાથે ફેરા ફરવાની નથી. હજી મોડું થયું નથી. ગંગાસતીને કહેવડાવી દો કે જાન લઈ અહીં ના આવે. એ સત્સંગી છે તો હું પણ ગતમાં બેસનારી છું. મારી વાતને તેઓ સમજી જશે. એક શીલવંત નારીનું ભલું ઈચ્છી તેઓ સમઢિયાળા ચાલ્યાં જશે.’ આમ કહી માનબાઈ ચાલી ગઈ. આ બનાવે પિતા ઉપર જબરો વજ્રઘાત થયો. એમની આંખોમાં આંસુ શ્રાવણ-ભાદરવો બની વહેવા લાગ્યાં. આખરે થાકીહારી પિતાએ માનબાઈને સમજાવવા પાનબાઈને મોકલી. પાનબાઈ કહેવા લાગી, ‘મોટી બહેન, તેં અજિતસંગની ચૂંદડી ઓઢી છે. માટે તારે એની સાથે લગ્ન કરવા જોઈએ. તું લગ્ન નહીં કરે તો બાપ સમાજને મોં બતાવી શકશે નહીં. તેઓ જરૂર પરલોકને પ્યારું કરશે.’
જવાબમાં માનબાઈ બોલી, ‘તને ઘર, કુટુંબ, સમાજ અને પિતાની આટલી બધી લાગણી અને પ્રેમ હોય તો મારા બદલે તું જ અજિતસંગ સાથે ફેરા ફરી લે ને !’
પાનબાઈ કહેવા લાગી, ‘એવું તે કેમ બને ? અજિતસંગની ચૂંદડી તારા માનેથી લઈ મારા માથે ના ઓઢાય.’

આ સાંભળી પાનબાઈ ઘરમાં ગઈ. એમણે પટારામાંથી પ્રથમ વખ કાઢ્યું ને ત્યારબાદ ચૂંદડી કાઢી. વખનો વાટકો બતાવ્યો ને પછી પાનબાઈ પાસે ઊભી રહી. વખનો વાટકો ગટગટાવી ગઈ. ત્યારબાદ લાવેલી ચૂંદડી પાનબાઈને ઓઢાડતાં બોલી : ‘આ અજિતસંગની ચૂંદડી ઓઢી તું એની સાથે લગ્ન કરી લેજે. હું તો આ ચાલી.’ આમ કહી માનબાઈ ત્યાં જ ઢળી પડી. માનબાઈના મડદાને પાસેના ખંડમાં ઢબૂરી રાખી બાપે પાનબાઈનાં લગ્ન અજિતસંગ સાથે કરી નાખ્યાં.

ઝાંપે જાનની વિદાય વેળાએ બાપે રડતાં રડતાં ગંગાસતીને બનેલી બીના કહી સંભળાવી.
ગંગાસતી બોલ્યાં : ‘વેવાઈ, કાળો ગજબ થયો કહેવાય. તમે સતને જાળવનારા ખરા મનેખ છો. હવે પાનબાઈ મારી દીકરી છે. તમે જરાયે ચિંતા ના કરશો.’ સામે અજિતસિંહ હરખાતો હરખાતો સૂવાના ઓરડે આવ્યો. એણે ઘૂંઘટ હટાવી જોયું તો તે બે ડગલાં પાછો હટી ગયો. એ ઊંચા અવાજે બોલ્યો : ‘તું કોણ છે ? માનબાઈ તો રૂપરૂપનો અંબાર હતી. હું તો એની સાથે પરણ્યો હતો.’
‘હું પાનબાઈ છું. માનબાઈની નાની બહેન. માનબાઈને તમારાં કાળાં કર્મોની જાણકારી હતી. આથી પોતાની કાયાને તમારી સાથે લગ્ન કરી અભડાવવા માગતી નહોતી. આ કારણે એમણે વખ ઘોળ્યું. મેં પિતાની આબરૂ સાચવવા તમારી સાથે લગ્ન કર્યાં છે.’ પાનબાઈએ કહ્યું.
અજિતસંગે પાનબાઈને અડબોથ મારી બહાર કાઢી કહ્યું : ‘આ ઘરમાં તારું સ્થાન નથી માટે ચાલી જા.’
ગંગાસતી આવીને આડાં ઊભા રહ્યાં, કહેવા લાગ્યા, ‘બેટા, સ્ત્રી જાતિને જાકારો ના દેવાય. તેં એની સાથે લગ્ન કર્યાં છે, એ વિશ્વાસે પોતાનું કુટુંબ ત્યજી આપણા કુટુંબને પોતાનું કરવા આવી છે. સ્ત્રી છે ત્યાં સુધી આ જગત છે. લાજ અને મર્યાદા છે.’
અજિતસંગ કહેવા લાગ્યો : ‘મા, આના બાપે આપણી સાથે દગો કર્યો છે. માનબાઈ તો રૂપરૂપનાં અવતાર હતી. આ તો કુબજાનો અવતાર છે. મારી જિંદગી આની સાથે કેમ જાય ? આ ઘરમાં એ નહિ કાં હું નહિ.’
ગંગાસતીએ મક્ક્મ અવાજે કહ્યું : ‘બેટા, પાનબાઈ આ ઘરનો ઉંબર નહિ છોડે.’
‘તો હું આ ઘરનો ઉંબર છોડી દઉં છું, મા..’ કહેતો અજિતસંગ ઘર છોડીને ચાલી નીકળ્યો.

આ વખતે એક વરસ થઈ ગયું. અજિતસંગ પાછો ન આવ્યો. ગંગાસતી અને પાનબાઈ ઘરની થોડી જમીન ખેડી પેટગુજારો કરવા લાગ્યાં. બંને સત્સંગી અને ભજનિક છે. રાત્રે દરરોજ ભજનો ગવાય છે. ગંગાસતીમાં ઊર્મિઓના ઓઘ ઊભરાય છે. તેઓ પાનબાઈને ઉદ્દેશીને ભજનો રચે છે. પોતાની એ રચનાઓ પાનબાઈને સામે બેસાડી સુંદર રાગ અને ભાવથી સંભળાવે છે. પછી એ ભજનોની ટીકા-ટિપ્પણ કરે છે. એક રાત્રે ગંગાસતીએ આ ભજન ગાયું :
‘મેરુ રે ડગે ને જેના મન નો ડગે રે પાનબાઈ,
મરને ભાંગી પડે બ્રહ્માંડ રે !
વિપત પડે પણ વણસે નહિ રે,
એ તો હરિજનના પરમાણ રે !

આવું સરસ મજાનું ભજન સાંભળી પાનબાઈ વિચારમાં પડી ગયાં. કહેવા લાગ્યાં : ‘સાસુમા, મારું મન અસ્થિર છે. સંસાર સાચો કે સત્સંગ ? એનો નિર્ણય હું કરી શકતી નથી. ડેલીનું બારણું ખખડે છે ત્યારે એ આવ્યા માની મન હરખી ઊઠે છે. એમને ન જોતાં મન નિરાશાથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં મને કેવળ તમારાં ભજનોનો સહારો મળે છે. માટે મને ભજનો સંભળાવો ને એનો મર્મ સમજાવો.’
‘પાનબાઈ, એક ફેરામાં એક ભવ શોભે. વારંવાર ફેરા ફરતા રહીએ તો સાચો ફેરો ભૂલી જવાય. હવે તો મેં મારા મનને ધોઈને ચોખ્ખું કરી નાખ્યું છે…’

ગંગાસતીએ બીજું ભજન પાનબાઈને સંભળાવ્યું :
‘ચિત્તની વૃત્તિ જેની સદાયે નિરમળી રે,
જેને મહારાજ થયેલા મેરબાન રે !’
ઉપરવાળાની મરજી હોય તો જ મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે. સ્થિર મન થાય ત્યારે જ સત્સંગનો મહિમા સમજાય છે. તમારું મન સત્સંગના પ્રતાપે ઘડાતું સ્થિર થતું જાય છે. હવે હું તમને બીજું એક ભજન સંભળાવું છું. જેનાથી મારી વાત તમને વધારે સમજાશે. આમ કહી ગંગાસતીએ પાનબાઈને બીજું ભજન સંભળાવ્યું :
‘મનને સ્થિર કરી આવ રે મેદાનમાં પાનબાઈ,
તો તો મટાડું સર્વે કલેષ રે !
હરિનો દેશ તમને દેખાડું રે પાનબાઈ,
જ્યાં નહિ પરણ ને વેશ રે !’
આમ ગંગાસતી પાનબાઈને મન સ્થિર કરી જીવવાની વાત કરે છે, પરંતુ પાનબાઈનો જીવ તો અત્યારે અભરખાના કૂવામાં છે. એમાંથી એને બહાર કાઢી લેવો જોઈએ. નહિ તો એ તરફડિયાં મારી મારીને મરી જશે. ગંગાસતી પાનબાઈને ત્રીજું ભજન સંભળાવી જીવન જીવવાની રીત સમજાવે છે.
‘એકમાં એક થઈ જાવ, બજામાં ન જીવો પાનબાઈ,
બીજામાં જીવીને જીવ ન ખોવો પાનબાઈ !’

ગંગાસતીના વચનોના બાણે બાણે પાનબાઈ વીંધાતાં જાય છે. એમણે કપાળમાં ચાંદલો કરવાનો છોડી દીધો. ચૂંદડી ઓઢવાનું બંધ કરી દીધું. સાધ્વી જેવાં સફેદ કપડાં પહેરી સાદાઈ ગ્રહણ કરી લીધી. ગંગાસતીનાં ભજનોના જવાબો હવે પાનબાઈ ભજનોમાં આપે છે તે જોઈએ :
‘ભલી ભાતની ચૂંદડી ઓઢી કોને દેખાડીશ બાઈજી !’
પાનબાઈને હવે ગળપણ પણ નથી ભાવતાં. તેઓ હવે એકદમ સાદું અને સરળ જીવન જીવી રહ્યાં છે. પ્રભુભક્તિમાં મત્ત બની સુખના સાગરમાં લહેરાઈ રહ્યાં છે. આ જોઈને ગંગાસતીને ઘણો આનંદ આવે છે. એમણે ગૃહસ્થાધર્મનો મહિમા સમજાવતું એક ભજન ગાયું :
‘કોઈક અભ્યાગતને ખવડાવ્યા વિના,
પેટ ન ભરીએ પાનબાઈ !
ધરતી તો પેટનું પેટ છે, પાનબાઈ !
કોડિયું તો ધૂળનું પેટ પાનબાઈ !
પાનબાઈ, જીવવા સારુ કોઈનો ટેકો જોઈએ. ભક્તિનો ટેકો હોય તો એ ભાંગી ન જાય. એ ટેકાથી બીજો ફેરો ન થાય. માટે ટેકો ભક્તિનો લે.
‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ,
જેના બદલે નહિ વ્રત માન રે !’

સાધુ એટલે જીવ. જીવ એટલે શિવ. આ વાતના સમર્થનમાં ગંગાસતી પાનબાઈને કહે છે : ‘જીવને સાધુ માની વારેવારે નમો. શીલથી જીવને શીલવંત બનાવી દો. પરંતુ ભગવાંધારીને નમશો નહિ. જેના વર્તમાન બદલે નહિ તે જ સાચા સાધુ છે.’

ગંગાસતીને દીકરો ગયાનું દુઃખ નથી પણ પતિ વગરની નારી પાનબાઈને જિવાડવાનું દુઃખ છે. આથી ગંગાસતી પાનબાઈને સત્સંગ અને આત્માના ઓજસનો મહિમા સમજાવે છે. નીચેના ભજનમાં તેઓ વધુ અસરકારક રીતે સમજાવી શક્યાં છે :
‘વીજળીના ચમકારે મોતી રે પરોવવું પાનબાઈ,
અચાનક અંધારાં આવશે…’

જીવતરમાં વીજળી જેવો ચમકારો વારેવારે આવતો નથી. આત્મામાં ઓજસ આવે ત્યારે જ સારાં કામ કરી લેવાં જોઈએ. પછી તો આંખે અંધારાં આવશે.

ગંગાસતી અને પુત્રવધૂ પાનબાઈનો ભજનો દ્વારા થતો સત્સંગ અપરંપાર છે. એ સત્સંગ દ્વારા લોકોને સુખશાંતિ મળે છે. એમના ભજનો અતિ લોકપ્રિય છે. તેથી ઘરે ઘરે ગવાય છે. એમના ભજનો મનનું ઘડતર કરી મનને સ્થિરતા આપે છે. ધન્ય છે આવી સત્સંગી સાસુ-વહુની બેલડીને !!!