ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદિત

[ શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનભાઈ ત્રિવેદી, શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા તાજેતરમાં સંપાદિત થયેલ ‘ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] ફૂલ હું તો ભૂલી

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય કેમ એમ ? અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

ઊગી આષાઢ કેરી વાદળી આકાશ;
દીઠો મહીં ભર્યો પ્રેમ, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં વીજળીની વેલડી ઝબૂકે,
દીઠી મહીં રસઆંખ, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

મીઠું શું આભનીયે પાર કાંઈ ગાજ્યું;
સુણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

[2] પૂછશો મા

પૂછશો મા, કોઈ પૂછશો મા,
……….. મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

દિલના દરિયાવ મહીં કાંઈ કાંઈ મોતીઃ
ગોતી-ગોતીને ત્હેને ચૂંથશો મા :
……….. મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

ટહુકે છે કોકિલા, પુકારે છે પપૈયો :
કારણોના કામીને સૂઝશો મા :
……….. મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

આસુનાં નીરના કો આશાના અક્ષરો
આછા-આછા ત્હો ય લૂછશો મા :
……….. મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

જગના જોદ્ધા ! એક આટલું સુણી જજો :
પ્રારબ્ધનાં પૂર સ્હામે ઝૂઝશો મા :
……….. મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

[3] ઊગે છે પ્રભાત

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…

……… રજનીની ચૂંદડીના
……… છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…

……… પરમ પ્રકાશ ખીલે,
……… અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે….

[કુલ પાન : 134. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંવેદન – ચંદ્રકાન્ત નિર્મલ
જરાકમાં – રવીન્દ્ર પારેખ Next »   

1 પ્રતિભાવ : ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદિત

 1. Ramesh Patel says:

  મજાનું અને રસપ્રદ કવિતાઓનું નજરાણું..આભાર

  રમેશ પટેલ(આકાશદીપ)

  ચક્રવાત.. રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.