- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

જરાકમાં – રવીન્દ્ર પારેખ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

જીવન તો ભેદ રાખશે રાજા કે રાંકમાં,
પણ, મોત ભેદ ના કરે બંનેની ખાકમાં.

આકાર ક્યાં છે માટીમાં કે ચાકમાં કશે,
એ હોય છે તો બેઉની વચ્ચે કશાકમાં.

દેખાઉં ના ને હું જ મને જોઈ પણ શકું,
ઊભો રહી ગયો છું હું મારા વળાંકમાં.

જ્યાં લગ શરૂ થયું ન’તું ત્યાં લગ વધ્યો વિલંબ,
જીવન શરૂ થયું કે હું જીવ્યો જરાકમાં.

સમજાય કે આ પળની પ્રતીક્ષા શું ચીજ છે ?
આવું છું એમ કહીને હું આવ્યો કલાકમાં.

એવું કરીને હું જ મને ચાળું ચાળણે,
જમતી વખત ન કાંકરી આવે કશાકમાં.

ટીપે ટીપે મરણનું સરોવર ભરે છતાં,
આવ્યું નથી સ્મરણ હજી ક્યારેય વાંકમાં.