- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

તારું ચાલી જવું – સંધ્યા ભટ્ટ

[સ્વજનોની વિદાય અસહ્ય હોય છે. એ ક્ષણોને જીરવવી ખૂબ કઠીન છે. તેમાંય ખાસ કરીને યુવાન દીકરો મૃત્યુ પામે ત્યારે એ માતાની વેદના કેવી હશે ? સંધ્યાબેન આ ઘટનામાંથી પસાર થતાં પોતાની જાતને સંભાળી લે છે. એ પછી એમના મનમાં વિચાર આવે છે કે આ રીતે આઘાત પામનારી હું એકલી નથી. બીજા અનેકો પણ આ રણમાંથી પસાર થયા હશે, થતાં હશે – બસ, આ વિચારબીજમાંથી પ્રગટે છે સંપાદન ‘તારું ચાલી જવું.’ જાણીતા સાહિત્યકારો જેવા કે રજનીકુમાર પંડ્યા, જય વસાવડા, કાજલ ઔઝા-વૈદ્ય, કાન્તિ ભટ્ટ, વર્ષા અડાલજા, હિમાંશી શેલત, રતિલાલ બોરીસાગર વગેરે એ આ વિષયને અનુલક્ષીને પોતાનો અનુભવ અથવા ચિંતન આ પુસ્તકમાં આલેખ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે સંધ્યાબેનનો (બારડોલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825337714 અથવા આ સરનામે sandhyanbhatt@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

મારા જીવનની એ સૌથી દુઃખદ ઘટના બરાબર 11 ઑગસ્ટે બપોરે પોણા-ત્રણ વાગે બની. એક રીતે જોવા જઈએ તો મારા જીવનનો એ મધ્યાહ્નકાળ અને મારી કારકિર્દીનો પણ મધ્યકાળ. તે ક્ષણ સુધી પાણીના ખળખળ વહેતાં ઝરણાની જેમ મારા દિવસો સરળતાપૂર્વક વીતી રહ્યા હતા. 15મી ઑગસ્ટ આવવાની હોઈ છેલ્લા કેટલાક દિવસોથી કૉલેજમાં દેશભક્તિનાં ગીતોની પ્રૅક્ટિસ હું કરાવી રહી હતી. 11 ઑગસ્ટે અમારાં ગીતો બરાબર તૈયાર થઈ ગયાં હતાં. હવેના ત્રણ દિવસો માત્ર તેનો મહાવરો કર્યા કરવાનો હતો. તે દિવસના મારાં વ્યાખ્યાનો પૂરાં થવાની તૈયારીમાં હતાં. પોણા-ત્રણ વાગે મારી ઘડિયાળમાં નજર ગઈ. ત્યાં તો એક પ્રોફેસર-મિત્રે મને વર્ગની બહાર આવવા કહ્યું. હું સ્વાભાવિકપણે જ ગઈ. તેમણે કહ્યું : ‘તમે ગભરાતા નહિ, પણ તમારા દીકરાને અકસ્માત થયો છે.’ રોહનના મિત્રો પણ સાથે જ હતા. તેઓએ કહ્યું કે, ‘ટ્યૂશન જતાં રોહનને વાહન પરથી પડી જતાં ગંભીર ઈજા થઈ છે અને તેને સુરત લઈ જવો પડશે.’

મારા પતિ જયકર પંડ્યા કે જે મારી જ કૉલેજમાં અધ્યાપક છે, તે બીજા માળે પિરિયડ લેતા હતા, તેમની સાથે અમે સરદાર હૉસ્પિટલમાં પહોંચ્યાં. ત્યાં તેના સહપાઠીઓ અને ટ્યૂશનના સર દોડાદોડી કરી રહ્યા હતા. અમારા પહોંચતાં જ ડૉક્ટરે કહ્યું કે, case ખૂબ ગંભીર છે, તેના માથામાં ગંભીર ઈજા થઈ છે અને બધી જ રીતે તેના જીવનને જોખમ છે. મારામાંથી સતત કશુંક ઓછું થઈ રહ્યું હતું. એવી જ સ્થિતિમાં મેં અમારા મિત્ર અને તબીબદંપતિ ડૉ. રાણેને ફોન કર્યો અને મારી મિત્ર અમીને પૈસા લઈને આવવાનું કહ્યું. અમીનો દીકરો વ્યોમ તુરત જ આવી પહોંચ્યો અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં લાગી ગયો. અમારા સ્ટાફ-પરિવાર સહિત બારડોલીના સૌ સ્નેહી મિત્રોને કોણ જાણે કેવી રીતે ખબર પડી, પણ સૌ અમારી પડખે હતાં. મારા હાથમાંથી મારો દીકરો સરી રહ્યો હતો, જે હું ક્ષણેક્ષણ અનુભવતી હતી. ડૉક્ટરો તેની પાટાપિંડી કરી રહ્યા હતા, ત્યારે અંદરથી એટલી તીવ્ર ઈચ્છા થતી હતી કે રોહન તેની બંધ આંખો ખોલે તો કેવું સારું ! તેના હાથ, પગ, પાની, તેના લાંબા આંગળા, તેનો ભોળો ભોળો ચહેરો હું આંખથી સ્પર્શ્યા કરતી હતી, પણ જાણે કે તે રિસાઈ ગયો હતો.

થોડી જ વારમાં એક્સો આઠ આવી. ડૉ. રાણે અને બીજા મિત્રો તેની પાસે બેઠા અને જયકર તથા હું ડ્રાઈવર પાસે બેઠા. એકસો આઠનું સાયરન શરૂ થયું અને સાથે જ મારા હૃદયના ધબકારાની તીવ્ર ગતિ પણ… રસ્તામાં કંઈ થશે તો ? મને બારડોલીથી સુરત જતો એ રસ્તો દેખાતો જ ન હતો; એક અજ્ઞાત ભયે મને જકડી રાખી હતી. જીવનમાં પહેલી જ વાર આટલા અકથ્ય ભયનો સામનો હું કરી રહી હતી. તે ક્ષણોમાં જયકર મારી સાથે હતા, તે મારું સદભાગ્ય. સુરત હેમખેમ ? (હા, હેમખેમ) આવી ગયાં. થોડીક હળવાશ અનુભવાઈ. હવે રોહનને નિષ્ણાત હાથોમાં સોંપી શકાયો હતો. ડૉક્ટરે ઑપરેશન કરવાનો અવકાશ ન હોઈ 48 કલાક નિરીક્ષણ હેઠળ રાખવાનું કહ્યું. અમે બધાં Common Corridorમાં ગોઠવાયાં. ડૉક્ટરને પ્રતીક્ષા હતી, તેના સ્વયંભૂ હલનચલનની. બીજે દિવસે સવારે તેણે હાથ હલાવ્યો અને પગ પણ સહેજ હલાવ્યો, તેથી અમે સૌ ખૂબ ખુશ થઈ ગયાં. ડૉ. રાણેને આ અંગેનો ફોન ઉપર રિપોર્ટ આપતાં હું ભાવાવેશમાં કંઈ કેટલુંય બોલી ગઈ હોઈશ, પરંતુ સાંજ સુધી ફરીથી કોઈ હલનચલન ન જણાતાં વાતે ગંભીર વળાંક લીધો.

અકસ્માત થયો, તે વખતની શરૂઆતની ક્ષણોની ધ્રુજારી ફરી પાછો ભરડો લેવા માંડી. મારી સાથે સતત રહેતી મારી બહેનો અને બહેનપણીઓને વળગીને હું નાના છોકરાની જેમ રડવા માંડી. જીવતું, જાગતું, બોલતું, ચાલતું, ભણતું, રમતું, ગુસ્સો કરતું, વહાલ કરતું, સૌને પ્રેમ કરતું, મિત્રોને અધધધ ચાહતું, પપ્પાને લાડ કરતું, નાના ભાઈ સૌરભને બકીઓ ભરતું, બાર સાયન્સમાં સારા ટકા લાવીને મિકેનિકલ એન્જિનિયરમાં જવા માગતું મારું રમકડું કોઈ મારી પાસેથી ખૂંચવી રહ્યું હતું. આઈ.સી.યુ.માં તેની પાસે બેઠી બેઠી હું તેનો હાથ પસવાર્યા કરતી કરતી તેનું આખું અંગ મન ભરીને જોયા કરતી હતી. આધ્યાત્મિક પ્રવચનો આપતાં ચિન્મય મિશનના અમારા ગુરુજી સ્વામિની સદવિદ્યાનંદજીનાં વચનો મને યાદ આવતાં હતાં. તેઓ કહેતાં કે, એક વાત ગાંઠે બાંધો કે, ‘હું દેહ નથી.’ પણ મારું મન આ દેહને તેનો આત્મા છોડવા દેવા માટે ઈન્કાર કરતું હતું. દર્દનાક દીનતાનો અનુભવ થઈ રહ્યો હતો મને. ડૉક્ટરે રોહનને ‘બ્રેઈન-ડેડ’ જાહેર કરી દીધો હતો. આ વાતને સ્વીકાર્યા વગર છૂટકો નહોતો. જયકર, અતુલભાઈ અને ભાસ્કરભાઈ – ત્રણે ભાઈઓ મનને મનાવતાં હતાં કે, ગમે તે પળે ચમત્કાર થશે.

પણ કોણ જાણે કેમ મારી સમજદારી મને કહેતી હતી કે, હવે રોહન આપણો નથી. આ કઠણ હકીકત કઈ રીતે મેં ગળે ઉતારી તે મને ખબર નથી, પરંતુ મેં મારા હૃદય પર પથ્થર મૂકી દીધો હતો. આ રૂઢિપ્રયોગ મેં ઘણી વાર વાંચ્યો હતો પણ એમ કરવાની ક્ષમતા મારામાં કેળવાઈ હતી, તે વાત સમાન રીતે સુખદ અને દુઃખદ અનુભવાતી હતી. મેં મારા પરિવારના યુવાન સભ્યોને આ હકીકતની જાણ કરી અને બારડોલીના મારા ભરાઈ ગયેલા ઘરમાં સૌને આ જાણ કરવાનું કહ્યું. ત્યાર પછી રોહનના જીવનના છેલ્લા છેલ્લા જુદી જુદી જાતના રિપોર્ટ્સ, ડૉક્ટરની સલાહ મુજબના ઈંજેકશનો, દવાઓ વગેરે અપાતું રહ્યું…. ત્રણ દિવસ પસાર થઈ ગયા હતા. 14 ઑગસ્ટ ને ગોકુળઅષ્ટમીને દિવસે બપોરે બાર વાગ્યાના સુમારે કુદરતી રીતે જ તેની નાડીના ધબકારા ઓછા થવા માંડ્યા. જયકર અને હું તેની પાસે હતાં. રોહનનું હૃદય ધીમા ધીમા ધબકારા સાથે એકદમ થંભી ગયું. કૃષ્ણજન્મના પવિત્ર તહેવારે મારો નટખટ દીકરો કનૈયા સાથે બાળક્રીડા કરવા ચાલી ગયો હતો.

ત્રણ દિવસ દરમિયાન રોહનના મિત્રોએ બારડોલી અને સુરતને એક કરી દીધું હતું. તરુણ વયના આ ચહેરાઓ ઉપર આટલી ગંભીરતા મેં પહેલી જ વાર જોઈ હતી. અકસ્માતથી શું થઈ શકે તેનો ખ્યાલ પહેલી જ વાર તેમને આવ્યો હતો અને મૃત્યુ સાથે ઓળખાણ રોહન દ્વારા તેમને થઈ હતી. એક મોટા દુઃખની સમાંતરે નાની નાની કેટલીય વેદનાજનક બાબતો ગોઠવાઈ જતી હોય છે, તે મેં પહેલી વાર અનુભવ્યું. અચાનક આવેલી આ કઠિનાઈનો સામનો હું કેવી રીતે કરીશ તેની ચિંતા કરતાં મારા સમભાવી અધ્યાપક હિમાંશીબહેન, એસ.એમ.એસ. દ્વારા હૂંફ આપતાં શરીફાબહેન, ડૉ.ઊર્વીબહેન, સુરતમાં વસી ગયેલી મારી વિદ્યાર્થીનીઓ લક્ષ્મી, ખ્યાતિ, ચારુ, વર્ષો સુધી સુરતમાં રહી હોવાને કારણે મને રૂંવેરૂંવે જાણતા અને ચાહતા મારાં સ્નેહીઓ આબાલવૃદ્ધ સૌ, અમને સૌને ટિફિન, નાસ્તો, ચા-કૉફી પહોંચાડવાની ખેવના રાખનારા હેમા, ભાવિન-જિજ્ઞા, રેખા, અરુધંતી અને રાત-દિવસ અમારી સાથે રહેનારાં ભાઈ-બહેનોનું ઋણ ક્યારેય ભરપાઈ ન થઈ શકે. અમારા બારડોલીના ઘરે રોહનને લવાયો, ત્યારે મારું ઘર ધ્રુસકે ધ્રુસકે રડતું હતું. સતત શાંત રહેતો અમારો વિસ્તાર આંસુથી છલકાઈ ગયો હતો. છેવટે તેની નનામી નાકા પરથી ઍમ્બુલન્સમાં ચઢાવાઈ, ત્યારે મારા હૃદયના બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યાં. આ એ જગા હતી, જ્યાંથી તે હોર્ન વગાડતો પ્રવેશતો અને મને કાયમ કહેતો કે, ‘મમ્મી, હું આવું ત્યારે બધાને ખબર પડવી જોઈએ કે, રોહન આવ્યો.’ આજે સૌની વચ્ચેથી એ ચાલી ગયો હતો.

રોહનનું ઘરમાં હરવું-ફરવું, બનેલી બીનાઓનું વિગતવાર બયાન કરવું, પોતાના ગમા-અણગમાને નિખાલસ રીતે પ્રગટ કરવું, સૌને ધોધમાર વહાલ કરવું, તેની આંખોનું ચશ્માં પાછળથી ચળકવું, મુક્તપણે હસવું, જમતાં જમતાં રેડિયો-મીર્ચી સાંભળવું, નવાં, હૃદયસ્પર્શી ગીતોને મને સંભળાવવું – આવી કંઈ કેટલીય ક્રિયાઓ વિના હવે મારું ઘર અધૂરું થઈ ગયું છે. શાંત, ડાહ્યો, ઠરેલ જેવા વિશેષણો તેને માટે નહોતાં. રોહન એટલે કંઈ ને કંઈ કરવાની ગડમથલમાં જ હોય. સતત ક્રિયાશીલતા અને નવીન પ્રવૃત્તિની શોધમાં રહેવાનું તેની પ્રકૃતિમાં હતું. મિત્રોના સાહચર્યમાં તે એકદમ ખુશ રહેતો અને પોતાને કે કોઈ મિત્રને અન્યાય થાય તો સાંખી શકતો નહિ. ભણવામાં તેજસ્વી ન હોય તો ચાલે, પણ દિલના સ્વચ્છ સમવયસ્કો સાથે મૈત્રી રાખવાનું તેને ગમતું. મળતાવડો, પ્રેમાળ, ચપળ, તરત પ્રતિચાર આપનારો અને હોંશિયાર હોવાને કારણે તેના શિક્ષકોનો તે પ્રિય વિદ્યાર્થી બની રહ્યો હતો. ભણવાની સાથે સાથે ક્રિકેટ, સંગીત અને ફિલ્મોનો શોખીન હતો. આજના મોટા ભાગના તરુણોની જેમ તેને પ્રિય હિરો શાહીદ કપૂર અને શાહીદની ‘કમીને’ રિલીઝ થવાની તે રીતસર રાહ જોતો હતો. કમભાગ્યે ‘કમીને’ 14 ઑગસ્ટે રિલીઝ થઈ અને તે એ જ દિવસે આ દુનિયા છોડીને જતો રહ્યો. ઘરમાંથી બહાર જતી વખતે ‘Have a good time’ની શુભેચ્છા કાયમ આપવાની ટેવવાળો આ છોકરો જાણે આ શબ્દો વક્રોક્તિરૂપે મૂકી ગયો.

પૂરાં સોળ વર્ષ અને સાત મહિના એકએક પળ જીવી જનાર આટલા જીવંત છોકરાને મૃત્યુ કેવી રીતે સ્પર્શી પણ શકે ? આ વાત હજી પણ મારે માટે આશ્ચર્ય જ છે. એટલું મોટું આશ્ચર્ય કે દુઃખ પણ તેની આગળ નાનું લાગે છે. થયા કરે છે કે, કોઈ ને કોઈ સ્વરૂપે એ મારી પાસે આવશે. આવશે ને ??

[કુલ પાન : 180. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com]