હું કોનું બાળક છું ? – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

બપોરે દોઢ વાગ્યે સિસ્ટર મનોરમાબહેને કાર્તિકભાઈને એની ઑફિસમાં ફોન કર્યો :
‘સાંજે ફ્રી છો ?’
‘કેમ, શું કામ હતું ?’
‘મળવું છે, મળવું પડે એવું છે.’
‘એટલું બધું ?’
‘હા’
‘કેટલા વાગે ?’
‘તમને સમય મળે ત્યારે… આજે જીવ ઠેકાણે નથી. સવારે ડોલી ખૂબ ખૂબ બોલી ગઈ. રાત્રે પાર્ટીમાંથી પાછી ફરશે ત્યારે ફરી મારો જીવ ખાશે… તમે મળી જાઓ તો મને સારું લાગશે.’
‘તું ચિંતા ન કર. બરાબર પોણા પાંચે મૅડિકલ કૉલેજની કૅન્ટીનમાં બેઠો હોઈશ….’

સિસ્ટર મનોરમાબહેને ફોન મૂક્યો. કાર્તિકભાઈ જોડે વાતચીત કર્યા પછી એને સારું લાગ્યું. આમેય જિંદગીનાં પચ્ચીસ પચ્ચીસ વર્ષના સંઘર્ષમાં કાર્તિકભાઈની હિંમત અને હૂંફ જ એને કામ લાગ્યાં છે ને ! જીવનનું યુદ્ધ લડતાં ક્યારેક એ થાકી જાય ત્યારે સદાય એની પડખે કાર્તિકભાઈ જ ઊભા રહ્યા હતા ને ! અને એ પણ બદનામી વહોરીને ! એમના બંને વચ્ચેના સંબંધોને દુનિયાના લોકોએ કેવા કેવા વાઘા પહેરાવ્યા હતા ! કેવી કેવી રંગીન, ગલીચ, ગંદી વાતો વહેતી કરી હતી ! એ તો ઠીક હતું કે ડોલી એ વખતે ખૂબ નાની એટલે કાનમાંથી કીડા ખરે એવી વાતો એના સુધી પહોંચતી નહોતી, પણ જેમ જેમ ડોલી મોટી થતી ગઈ, સમજણી બનતી ચાલી એમ એમ એ પણ ‘મમ્મી’ પ્રત્યે શંકાની નજરે જોતી થઈ ગઈ ને ! કેટલાય વખતથી એણે કાર્તિકભાઈને નામથી બોલાવવાનું છોડી દીધું હતું. એ હવે એને ‘મમ્મીના ફ્રેન્ડ’નું જ સંબોધન કરતી. ઠીક છે, સંબોધન ગમે તે કરે, પણ હવે કાર્તિકભાઈ પ્રત્યે એનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો !

ફોન મૂક્યા પછી કાર્તિકભાઈ પણ વિચારમાં પડી ગયા કે હવે આ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવવો ? એને ખબર હતી કે ગમે ત્યારે કોઈ ને કોઈ વખતે આ પ્રશ્ન આવી જ પડવાનો. ખુદ ડોલી જ આ પ્રશ્ન ઉઠાવશે ત્યારે પોતે તો ઠીક, મનોરમા કયો જવાબ આપશે ? ડોલી હવે નાની નહોતી. ખુદ ડોલી જ એની મમ્મી સામે આંગળી ચીંધીને બોલશે કે બોલ મમ્મી, પેલા કાર્તિક અંકલ સાથેના તારા શા શા સંબંધો ? હું કોની છોકરી છું ? સુખડનો હાર પહેરાવી દીવાલ પર લટકાવેલી પેલી છબીવાળા પુરુષની હું પુત્રી છું કે તારા ફ્રેન્ડની ?

કાર્તિકભાઈને અઢી વરસ પહેલાં બની ગયેલો પ્રસંગ યાદ આવી ગયો. કાર્તિકભાઈનો એક નિયમ. દરરોજ સાંજે ઑફિસ બંધ કરી એ મનોરમાને ત્યાં આવતા. કાર્તિકભાઈ આવે એટલે એને માટે ગરમાગરમ ચાનો કપ તૈયાર જ હોય. રસોઈ તૈયાર થઈ જાય એટલે કાર્તિકભાઈ ત્યાંથી જમીને જ જાય. એ આજીવન કુંવારા હતા. એ વખતે ડોલી કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. દરરોજના સમય મુજબ કાર્તિકભાઈ મનોરમાબહેનને ઘેર આવ્યા ત્યારે મનોરમાબહેન હૉસ્પિટલમાંથી પાછાં આવ્યાં નહોતા. માત્ર ડોલી જ ઘરમાં હતી. એ આવીને બેઠા. ડોલીએ ન એને પાણીનો ગ્લાસ ધર્યો કે ન ચાનું પૂછ્યું. એ કંઈક ધૂંધવાયેલી હોય એમ એને લાગ્યું. સારો એવો સમય વીતી ગયો છતાંય ડોલી કશું ન બોલી એટલે હસીને બોલવા ખાતર કાર્તિકભાઈએ બોલી દીધું :
‘મમ્મી આજે મોડી આવવાની છે !’
બસ, ડોલીને શબ્દોની ડાળી મળી ગઈ. એણે સંભળાવી દીધું : ‘એ તો તમને મારા કરતાં વધુ ખબર હશે ને ! દરરોજ ટેલિફોન પર તો વાતો કરો છો છતાંય પૂછો છો ?…. અને આમ દરરોજ સાંજે ઘેર આવી, જમીને તમારે ઘેર જતા રહો ને બીજે દિવસે સાંજે ફરી આવી ચડો છો એના કરતાં તમારા ઘરને તાળું મારીને, બૅગ લઈને અહીં જ રહી જતા હો તો શું ખોટું છે ? તમારે રાત્રે ઘેર જવાનો ધક્કો બચે ને આજુબાજુવાળાઓને પછી વાતો કરવાનું ટળે…..’ બસ, તે દિવસથી કાર્તિકભાઈએ મનોરમાબહેનના ઘેર જવાનું બંધ કરી દીધું. એ એને ટેલિફોન પર, હોસ્પિટલ પર, પોતાની ઑફિસ પર કે બહાર ક્યાંક મળી લેતા. ડોલી એના અને મનોરમાના સંબંધો વિશે શંકા કરવા લાગી ગઈ હતી !

આજે સાંજે પોણા પાંચે એ મૅડિકલ કૉલેજની બે નંબરની કેન્ટિનમાં પ્રવેશ્યા ત્યારે ખૂણાના એક ટેબલ પર ચાનો કપ પીતી મનોરમા બેઠી હતી. કાર્તિકભાઈએ ટોસ્ટ-બટર અને ચાની ટ્રેનો ઑર્ડર આપ્યો અને પછી બંને વાતો કરતાં બેઠાં.
‘શું થયું ગઈકાલે રાત્રે ?’ કાર્તિકભાઈએ પૂછ્યું.
‘એ ખૂબ જ અપસેટ હતી.’
‘શા કારણે ?’
‘એના ફીઆન્સને કાને આપણા સંબંધોની વાત આવી હશે તે વાતવાતમાં એણે ડોલીને ઈશારો કરી લીધો કે તમારે આ ઘર જોડે શું સંબંધ.’
‘ડોલીએ શું કહ્યું ?’
‘ડોલીએ એને શું કહ્યું એની તો મને ખબર ન પડી, પણ મારા પર ખૂબ ખૂબ વરસી. એક દીકરી માના ચારિત્ર્ય અંગે કશું કહેતાં અચકાય એવું બધું પણ કહી દીધું… હૉસ્પિટલે આવવા હું તૈયાર થતી હતી ત્યારે એણે મને શું કહ્યું ખબર છે ?’
‘શું ?’
‘કે આ સફેદ સાડીનો અંચળો ઓઢ્યા વિના ચોખ્ખેચોખ્ખું કહી કેમ નથી દેતી કે હું તારા પેલા બૉય-ફ્રેન્ડનું ઈલેજીટીમેટ ચાઈલ્ડ છું ! મારા ફીઆન્સને પણ હું કહી શકું કે ભવિષ્યમાં મારા પર શંકા ઉઠાવે એના કરતાં પરણતાં પહેલાં જ હું તેને કહી દઉં છું કે હું એક અનવેડ વુમનનું ચાઈલ્ડ છું. તારે મને પરણવું હોય તો પરણ, નહિતર છૂટા થઈ જઈએ…. બોલ કાર્તિક, હવે મારે શું કરવું ?’
કાર્તિકભાઈએ મનોરમાબહેનનો હાથ દાબ્યો અને બોલ્યા : ‘મનોરમા, આઈ થિંક, હવે આપણે ડોલીને આપણા સંબંધો કહી દેવા જોઈએ. આપણે આપણી છાતી પરથી ભાર ઉતારી દેવો જોઈએ.’
‘કઈ રીતે ઉતારશો ?’
‘તમારે ઘેર આવી, ડોલીની હાજરીમાં એને કહીશ.’
‘તમે…? તમે મારે ત્યાં આવશો ?’
‘આવીશ.’

સાંજે ડોલી ઘેર આવી ત્યારે કમ્પાઉન્ડમાં પડેલી કાર જોઈ સમજી ગઈ કે ‘મમ્મીના ફ્રેન્ડ’ આવ્યા લાગે છે. એક તો સવારના એ ધૂંધવાયેલી હતી જ ને અત્યારે એણે આ કાર જોઈ એટલે વધુ ગિન્નાઈ. ઘરમાં એ દાખલ થઈ ત્યારે મનોરમાબહેને હસીને કહ્યું :
‘બેટી, આજે તું બહુ નારાજ છે એટલે તારે માટે મેં તને ભાવતી વાનગી બનાવી છે….’
‘મારા સિવાય કોઈ બીજાને ભાવતી હોય તો એને ખવરાવજે. આઈ કાન્ટ રેલીશ એની મોર ટેસ્ટ…’
‘જો બહેન,’ મનોરમાબહેને બધાં અપમાન ગળી, એને ખુશ રાખતાં કહ્યું : ‘તારું મન નારાજ થાય એમ હું નથી ઈચ્છતી. તું હવે મોટી થઈ. તારા ભાવિનો સ્વતંત્રપણે તારે પણ વિચાર કરવાનો રહ્યો એટલે અંકલને મેં આજે બોલાવી લીધા છે. યુ વીલ હેવ ઑલ યોર ડાઉટ્સ કલીઅર….’
‘કોઈ સરસ મજાની સ્ટોરી બનાવી કાઢી હશે તમે બંનેએ…’ છાસિયું કરતાં ડોલી બોલી.
‘એ સાંભળ્યા પછી તારે નિર્ણય કરવાનો છે, પણ આઈ વીશ કે તું શાંતિથી એ સાંભળે તો સારું. સ્વસ્થ મન સ્વસ્થ નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે.’

રાત્રે જમીને ત્રણ જણા દીવાનખંડમાં બેઠા. કાર્તિકભાઈએ વાત શરૂ કરી :
‘ડોલી, તું ખૂબ જ સમજદાર છે એટલે કેટલીક વાતો હું અધ્યાહાર રાખું તો સમજી જજે. વેલ, વાતની શરૂઆત ક્યાંથી કરવી એની મને બહુ ખબર નથી પડતી એટલે જે વાસ્તવિકતા છે એને જ સ્પષ્ટ કરી દઉં.. હું અને તારા મમ્મી ખૂબ જ અંગત મિત્રો છીએ, ખૂબ જ ગાઢ કહીએ એવી અમારી મિત્રતા છે.’
‘આઈ નો ધેટ’ ડોલીએ કટાક્ષમાં કહ્યું.
‘અમે જ્યારે કૉલેજમાં ભણતાં હતાં ત્યારે હું એને ખૂબ ખૂબ ચાહતો હતો. આઈ વૉઝ સિમ્પલી મેડ આફટર હર.’
‘અને હજુ પણ ચાહો જ છો ને ?’
‘આઈ ડુ. હજુ પણ એને ચાહું છું.
‘તો પછી તમે બન્નેએ શા માટે લગ્ન ન કર્યાં ?’
‘ન કરી શક્યાં’ કાર્તિકભાઈએ કહ્યું, ‘એ વખતે મારો કે મારા કુટુંબનો ઈતિહાસ ઉજ્જવળ નહોતો. અમે લગભગ હેન્ડ-ટુ-માઉથ જેવી સ્થિતિમાં. એ સંજોગોમાં તારી મમ્મી સાથે મારે માત્ર લગ્નનાં સપનાં જ સેવવાનાં હતાં. પરણી શકું એવી સ્થિતિમાં તો નહોતો જ…. અને એટલે હું એને પરણી ન શક્યો…. તારી મમ્મી પછી પરણીને બીજે ગામ જતી રહી. લગભગ પાંચેક વર્ષ જેટલો એ સમયગાળો હતો કે જે દરમિયાન હું તારી મમ્મીને મળી શક્યો જ નહોતો. મેં મુંબઈ આવી દવાબજારમાં નોકરી લીધી અને એ નોકરી દરમિયાન જ હું હૉસ્પિટલમાં માલ સપ્લાય કરવા ગયો ત્યારે તારી મમ્મીની સાથે મારી ફરી મુલાકાત થઈ. એ દરમિયાન તારી મમ્મી વિધવા થઈ ચૂકી હતી અને જીવનમાં નિરાશ થઈ, નર્સિંગનો કોર્સ કરી, હૉસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી.’

‘અને હું ?’ ડોલીએ કુતૂહલથી પૂછ્યું.
‘એ વખતે હજુ તારો જન્મ નહોતો થયો, બહેન’ કાર્તિકભાઈએ હસીને કહ્યું.
‘એટલે કે તમે અને મમ્મી ફરી હૉસ્પિટલમાં મળ્યાં પછી જ મારો જન્મ…..’
‘આપણને મનફાવતાં અનુમાન કરવાનું ખૂબ જ ગમતું હોય છે, પણ એમાં અજાણપણે અન્યને અન્યાય કરી બેસતાં હોઈએ છીએ.’ કાર્તિકભાઈએ કહ્યું.
‘પણ, તો પછી હું….?’
‘એની જ આ કથા છે, બહેન…. વિધવા થયા પછી તારી મમ્મી ધાર્મિકવૃત્તિવાળી થઈ ગઈ હતી. એ ફરી પરણવા માગતી નહોતી. જોકે, હુંય ક્યાં પરણી શકું એવી સ્થિતિમાં હતો ? દવાબજારની મામૂલી નોકરી, ત્યાં અન્યને ક્યાં સુખી કરી શકું ?’
‘પણ તો પછી હું…. ?’ ફરી ડોલીનો સળવળતો પ્રશ્ન દોહરાયો.
‘તું નથી તારા પિતાનું ફરજંદ કે નથી મારું ફરજંદ. તારી મમ્મીએ હજુ સુધી ગર્ભાધાન કર્યું જ નથી. એટલે એની પણ તું પુત્રી નથી…. ધીસ ઈઝ ધ નેકેડ ટ્રુથ. તારી જન્મ આપનારી માતા તો કોઈ બીજી જ હતી જે તને જન્મ આપી, થોડા કલાકોમાં મૃત્યુ પામી. મનોરમા તો તારી પાલક-માતા છે…. તારી માતાને મેં પ્રેમ કર્યો છે, કરતો રહ્યો છું એટલે તમારાં મા-દીકરીના કુટુંબમાં એક પુરુષ તરીકે તમને ઓથ આપતો રહ્યો છું. એમાં કોઈ ગમે તેવા અર્થ-અનુમાન તારવે તો એમનો વાંક છે, અમારો નહિ…. તારાં સાચાં માતા-પિતાનું નામ તારે જાણવું હોય તો એ તને હૉસ્પિટલના ચોપડે કે રજિસ્ટ્રારના દફતરમાંથી મળી રહેશે…..’ કાર્તિકભાઈ વાત પૂરી કરી ચૂપ રહ્યા.

ડોલી બન્ને સામે વારાફરતી જોતી રહી. કાર્તિકભાઈ ઊઠ્યા અને ડોલી પાસે બેસીને બોલ્યા : ‘પણ બહેન, આટલું જાણ્યા પછી એમ ન માની બેસતી કે તું અનાથ છે ! મનોરમા તારી માતા જ છે ને રહેશે. ને હું ? મને તું તારી મમ્મીનો ફ્રેન્ડ કહે, અંકલ કહે કે ગમે તે કહે, એથી મને ફરક પડતો નથી. કોઈ વિધવા સ્ત્રીને કોઈ પુરુષ મદદરૂપ થાય એટલે અનુમાનોના આટાપાટા ખેલાવા શરૂ થઈ જાય એ સ્વાભાવિક છે. સમાજની એ પ્રકૃતિ છે. માનવમન જેટલો જ સમાજ નબળો છે. એટલે એનો શો વાંક કાઢવો ?….. હવે બહેન, ક્યારેય કોઈ તારી માતાના ચારિત્ર્ય સામે આંગળી ચીંધે તો એનો કેટલો પ્રતિકાર કરવો એ તારા પર છોડું છું, કારણ કે એક દિવસ ક્યારેક તું પણ માતા બનીશ…. તારા ફીઆન્સને કોઈ ચોખવટની જરૂર લાગે તો મારી પાસે લઈ આવજે. હું માનું છું કે હું એને સમજાવી શકીશ અને હા, અમે જીવશું ત્યાં સુધી અમે બન્ને તો તને માતા-પિતાની હૂંફ અવશ્ય આપીશું….’ આટલું કહી ડોલીના માથે હાથ મૂકી કાર્તિકભાઈ ઝડપથી ઘરની બહાર નીકળી ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંયુક્ત કુટુંબનો મૂલ્યસભર આનંદ – કલ્લોલિની હઝરત
કેટલીક સત્યઘટનાઓ – સંકલિત Next »   

25 પ્રતિભાવો : હું કોનું બાળક છું ? – ગિરીશ ગણાત્રા

 1. Nikunj says:

  ખુબ સરસ લેખ,

  ખરેખર, સાચા પ્રેમની વ્યાખ્યા દર્શાવી છે.

  ઘના દિવસ થી લખુ લખુ કરુ છુ,

  આભાર
  નિકુંજ

 2. સુંદર ભાવવાહી વાર્તા.

 3. Mital Parmara says:

  ખુબ સરસ લેખ ..

 4. haresh patel says:

  ખુબ સરસ લેખ

  આભાર

 5. જગત દવે says:

  બાળકનાં (ડોલીનાં) મન અને સમાજ પર અવળી છાપ પડે તેવું વર્તન મનોરમાબહેન અને કાર્તિકભાઈ ટાળી શક્યા હોત તેવું મને લાગે છે. વાર્તામાં સમાજ અને ડોલીનો વાંક કાઢ્વાનો પ્રયત્ન અયોગ્ય લાગે છે.

  જોકે ગિરીશભાઈની વાર્તાનું તત્વ હંમેશ મુજબ પ્રસંશનીય રહ્યું છે.

 6. સરસ વાર્તા છે. ગીરીશભાઈની વાર્તાઓ કાયમ સરસ હોય છે.

  ડોલી ખરેખર કોની પુત્રી છે એ સવાલ છેક સુધી ઉત્કંઠા જન્માવે છે. અને જે સત્ય બહાર આવે છે તે તો વિચારમાં ના આવે તેવું છે.

 7. zeel says:

  SUNDAR ATI SUNDAR.

 8. સરસ વાર્તા.
  દરેક પાત્ર એમની જ્ગ્યાએ બરાબર મનો દશા સાથે દર્શાવ્યા છે.
  ખૂબ સરસ ગિરિશભાઈ
  કીર્તિદા

 9. Dipti Trivedi says:

  સંબંધો વિશે અંત સુધી જીજ્ઞાસા જગાવે એવી વાર્તા, પણ લગ્ન ન કરવાનુ કારણ દવા બજારની નોકરીની ટૂંકી આવક હોય પણ મનોરમાબહેન એકલા ઘર ચલાવી શકતા હોય તો બંને સંયુક્ત રીતે પરણીને સહજીવન માણી શક્યા હોત . વળી જ્યારે ડોલીને પહેલી જ વાર શંકા ગઈ ત્યારે અને કાર્તિક ભાઈ પર ધૂંધવાઈ ત્યારે એને સાચી વાત ન કહેતાં બહાર મળવા લાગ્યા . સાચી રીત એ જ કહેવાય જ્યારે બાળક સમજણું થાય અને પ્રશ્ન કરતું થાય ત્યારે એને હકીકતથી વાકેફ કરી દેવું જોઈએ.

  • Jagruti Vaghela USA says:

   Diptiben, વાર્તા વાંચીને મને પણ આવો જ વિચાર આવ્યો હતો.

   • Jigna Bhavasr says:

    “વિધવા થયા પછી તારી મમ્મી ધાર્મિકવૃત્તિવાળી થઈ ગઈ હતી. એ ફરી પરણવા માગતી નહોતી.”

    સામાન્ય રીતે જેણે જિવનમાં કોઈ એવા આઘાત કે વંટોંળ જોયા હોય તેને આ આસાની થી સમજ માં આવી જાય. એક એવા આઘાત ના કારણે ક્યારેક કોઈ જણ પાછા લગ્ન ના કરી શકે કે ઘર બનાવવાનો કે સંસાર પ્રત્યે મોહ ઓછો થઈ જાય છે. અને એમનો જે સંબ્ંધ છે એ માત્ર મદદ નો જ છે. મારા પોતાની સખત બીમારી માં મારી મમ્મી- પપ્પા અને ભાઈ-બહેનો જોવા પણ ના આવ્યા ત્યારે એક મીત્ર એ મારા ખાવાની ,દવાની, કપડાં ધોવાની, હોસ્પિટ્લે લાવવા લઈ જવાની, જેવી દરેક બાબત નો ધ્યાન રાખી અને તેથી જ મારૂ જિવન છે. દરેક ઈન્સાન ને કોઈ ની જરુર પડે છે પણ સમાજ માં એવા પણ છે જે ને સેકસ સિવાય બીજુ કઈ નજર જ ના આવતુ હોય. પણ એક્લી વિધવા ની મદદ કરવા કોઈ આવ્યા ના હોય્.

 10. Anila Amin says:

  સમાજ ક્યારે બદલાશે? વ્યક્તિના સમ્બ્ન્ધોને મોટા ભાગના લોકો એક તરફના વિચારથી જોતા હોયછે. લોકોના હાથમા

  ગુલાલ અને ધૂળ બન્ને હોયછે સમ્બ્ન્ધિત વ્યક્તિ પર ક્યારે શુ ફેકવુ એ પોતેજ નક્કિ કરી લેતા હોયછે. સત્ય સમજાય છે

  ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોયછે. ખૂબજ સરસ વાર્તા.

 11. nayan panchal says:

  ગિરીશભાઈની વાર્તા હોય એટલે સારી જ હોવાની. વાર્તાનો અંત તો એકદમ અણધાર્યો.

  ગિરીશભાઈની વાર્તાઓ સામાન્ય રીતે સત્યઘટના હોય છે. જો આ પણ સત્યઘટના હોય તો મનોરમાજી અને કાર્તિકભાઈએ લગ્ન કેમ ન કર્યા તે સવાલ મનમાં ઊઠે છે.

  ખૂબ આભાર મૃગેશભાઈ,
  નયન

 12. ketan shah says:

  Every children should know that and remember that: for every parents their kids is priority, they always do right thing in behalf of their kids. it may looks like negative at present but in future is always in their kid’s fevor and good for them.every kids should know that before you pick on your parents think about it twice. some time realiaty is / truth is totally diffrent than what you think/what other people says.

 13. Vaishali Maheshwari says:

  Like few other readers, I also feel that Kartik and Manorama could have got married and lived together happily, as both were earning their living and were so close to each other. The story is very good though. Thank your Mr. Girish Ganatra for this beautiful, heart-touching story!

 14. Hetal says:

  good one- Its really hard to understand orphan child’s mentality- what he goes through and all when he finds out that he/she is adopted . their reaction depends on how, when and from they find that out and if they react negatively then some times its very hard for the child and parents to come out of mental shock. I have seen a child being blamed by neighbors and other parents for stealing something or fighting with other kids- saying “ no wonder he acts like that- who knows how his parents were? “ Isn’t your child fights or takes away someone else’s stuff (pencil or toy or something because they like it so much or they want it) as a parent you just make the understand that they are not supposed to take other persons belonging and if they want to use it then must ask for it. But if orphan does it then its his blood?!! What a shame at our society’s mentality for a child that does not know about his parents. In this story, I hope Dolly understood her parents and should have asked them to marry and live together now, as once she is married, he mom will be alone again.

 15. Vipul Panchal says:

  ખુબસરસ લેખ

 16. nayan panchal says:

  મૃગેશભાઈ અને અન્ય વાંચકો,

  ગિરિશભાઈ હવે માત્ર શબ્દ દેહે જ આપણી વચ્ચે વસે છે. જો કે તેમનો લેખન વારસો ખૂબ સમૃધ્ધ છે અને આપણને તે ખજાનામાંથી આવા મોતી મળ્યા કરશે. માત્ર જેઓ નથી જાણતા એમની જાણ ખાતર.

  નયન

 17. meeta says:

  ખુબ ભાવવાહિ વારતા

 18. Harish S. Joshi-Australia says:

  ગિરિશ્ ભાઈ નેી કલમ એટ્લે માણસ ને વિચાર્તા કરિ મુકે.કોઇ ના વિશે એક્દમ કોઇ અભિપ્રાય નહિ બાન્ધ્વાનો.
  પ્રેમ ને ફક્ત એક જ નજર થિ નહિ નિહાર્વાનો.

 19. Sonali says:

  very touchy
  Thanks for the post

 20. Khushi says:

  Hmmm, Really such a nice topic and such a nice moral for the story. We are not allowed to say anything about any one without knowing anything about the situation and sometimes because of those kind of rubbish talk we force someone to think on that direction. For me really a good lesson for those who always think something else and when they realise the truth, it’s always late, Anyways according this could be a real story of anyone, So kids need to understand the reason and then they should have asked to get them marry and live togather happily till the end of day….Really very nice and touchy too.. 🙂

 21. Pratiksha says:

  મને ખુબ જ ગમ્યો. I liked it but still wanted to know the action / reaction after hearing the truth.

 22. uma chavada says:

  મ્રુગેશભાઈને સુચન-
  ક્રુતિ વાંચી લીધા પછી એજ લેખકનીં અન્ય ક્રુતિ વાંચવાની ઇચ્છા સ્વાભાવિક પણે થાય. ક્રુતિનાં અંતે એજ લેખકની અન્ય ક્રુતિની લિંક આપવા જેવી ખરી કે નહિં ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.