રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ – સં. મધુસુદન પારેખ

[શ્રી મધુસુદન પારેખ દ્વારા સંપાદિત ‘રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રી રમણલાલ સોનીના સુપુત્ર શ્રીરામભાઈ સોની (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

[1] કોની ચતુરાઈ ચડે – ગલબાની કે ગલબીની ?

એક વાર ગલબો શિયાળ એની ગલબી શિયાળવીને કહે : ‘દુનિયામાં મારા જેવો ચતુર કોઈ નથી. સિંહે વાઘને વજીર બનાવ્યો છે, પણ વાઘ સાવ બુડથલ છે.’
ગલબીએ કહ્યું : ‘પાછા ડંફાસે ચડ્યા ? વાઘ બુડથલ ને તમે ડાહ્યા, કાં ?’
ગલબો કહે : ‘હું ડાહ્યો છું જ. કોઈ વાર વાઘ અડફટે ચડશે તો તને મારી અક્કલનો પરચો દેખાડીશ.’

બન્યું એવું કે એક દિવસ ગલબો ને ગલબી વનમાં ખાવાનું શોધતાં હતાં, ત્યાં એકાએક વાઘ તેમની સામે આવી ઊભો. કહે : ‘એ…ઈ ગલબા, તું જેની તેની આગળ મને બુડથલ કહી મારી નિંદા કરે છે, પણ આજે તારી વાત છે. મારી મારીને તારા કૂચા ન કરું તો મારું નામ વાઘ નહિ !’
ગલબો આ સાંભળી ફફડી ગયો. કહે : ‘સરકાર, હું કદી આપને બુડથલ કહેતો નથી. દુનિયામાં જો કોઈ બુડથલ હોય તો માત્ર એક જણ છે, અને તે હું !’
વાઘ હસ્યો. કહે : ‘હું તારા શબ્દોથી છેતરાવાનો નથી !’

હવે ગલબી બોલી : ‘આપ ખરું કહો છો, સરકાર ! ગલબો સજાને લાયક છે જ. જુઓને, કે દિ’ની અમારી વચ્ચે છોકરાંની વહેંચણી બાબત તકરાર ચાલે છે. અમારે ત્રણ બાળકો છે. ગલબો કહે છે કે બે બાપનાં અને એક માનું, હું કહું છું કે બે માનાં અને એક બાપનું. મેં કીધું કે આપણે વાઘજી વજીર પાસે આનો ન્યાય કરાવીએ. પણ એ માને તોને ? પરાણે આજે એને ખેંચીને હું તમારી પાસે લઈ આવતી હતી. મારા સારા નસીબે તમે રસ્તામાં જ મળી ગયા. હવે સરકાર, તમે અમારો ન્યાય કરો !’
વાઘને આ ગમ્યું. તેણે કહ્યું : ‘લાવો, ક્યાં છે છોકરાં ? હમણાં જ વહેંચી આપું.’
ગલબીએ ઉદાસ ભાવે કહ્યું : ‘આમાં છોકરાંની જરૂર પડશે એવી ખબર નહિ, એટલે હું સાથે નથી લાવી. ત્રણે છોકરાં ઘેર છે. આપે જરી તકલીફ લઈ મારે ત્યાં પધારવું પડશે !’
વાઘ ઉત્સાહમાં હતો. તેણે કહ્યું : ‘ઠીક, તો ચાલો ! થાઓ આગળ !’
ગલબીએ કહ્યું : ‘સરકાર, આપ મોટા, આપ વજીર, એટલે આપ આગળ ! અને અમે રૈયત, આપની પાછળ !’ આ પણ વાઘને ગમ્યું. એ દમભેર આગળ ચાલ્યો. ગલબો મનમાં મૂંઝાતો હતો કે આ શું થઈ રહ્યું છે, એટલે ગલબીએ ચાલતાં ચાલતાં એની સાથે કાનમાં કંઈ વાત કરી લીધી.

ત્રણે શિયાળના ઘર આગળ આવી ઊભાં. એટલે ગલબીએ ગલબાને કહ્યું : ‘વજીર સાહેબ ત્રણે છોકરાંને નજરે જોઈ, માપી જોખી તપાસીને આપણી તકરારનો ફેંસલો કરવાના છે, માટે તું ઘરમાં જઈ ત્રણે છોકરાંને અહીં લઈ આવ !’ ગલબો છોકરાંને લઈ આવવા બોડમાં પેઠો. વાઘ અને ગલબી એની રાહ જોતાં બહાર ઊભાં. ગલબી કહે : ‘છોકરાંને માપી જોખીને બરાબર ન્યાય કરજો, સરકાર ! ગલબો આડું બોલે તો….’
વાઘે તરત કહ્યું : ‘આજે હું એને છોડવાનો નથી, પાકી સજા કરવાનો છું…..’
બહુ વખત થયો, પણ બોડમાંથી કોઈ બહાર આવતું દેખાયું નહિ. વાઘે ગલબી સામે જોયું. ગલબી કહે : ‘છોકરાંની જાત હઠીલી હોય છે. વળી બાપની સાથે એમને બનતું નથી. એટલે એમના કહેવાથી ન યે આવે !’
વાઘે કહ્યું : ‘તો તું જા અને ઝટઝટ બધાંને બહાર લઈ આવ ! આજે હું તારી તરફેણમાં જ ચુકાદો આપવાનો છું અને ગલબાને કડી સજા કરવાનો છું.’
ગલબી કહે : ‘વાહ, તમે કેવા શાણા છો ! રાજાનો વજીર આવો જ હોવો જોઈએ !’
વાઘની ખુશીનો પાર ન રહ્યો.

ગલબી દમામ ભેર પોતાના ઘરમાં દાખલ થઈ ગઈ. વાઘ બહાર રાહ જોતો ઊભો.. ઊભો ઊભો તે એટલું ઊભો કે એના ટાંટિયાની કઢી થઈ ગઈ. તેણે બૂમ પાડી : ‘ગલબી, ઓ ગલબી, બધાંને લઈને ઝટ બહાર આવ ! આજે તારી તકરારનો ફેંસલો કરવો એ ખરો !’ બોડમાંથી જરી મોં બહાર કાઢી ગલબીએ કહ્યું : ‘અમારી તકરારનો આપસમાં ફેંસલો થઈ ગયો, સરકાર ! ત્રણે છોકરા ગલબાનાં અને ત્રણે છોકરાં મારાં રહ્યાં. હવે અમારે કોઈ તકરાર નથી. આપ ખુશીથી ઘેર પધારો ! તકલીફ માટે અમે દિલગીર છીએ !’ હવે વાઘને ભાન થયું કે હું બની ગયો ! એણે ગુસ્સે થઈ ખૂબ ધમપછાડા કર્યા, છેવટે વીલે મોઢે પાછો ફર્યો.

વાઘના ગયા પછી ગલબો કહે : ‘ગલબી, જોયું ? મેં વાઘને કેવો બુડથલ બનાવી કાઢ્યો !’
ગલબીએ કહ્યું : ‘વાઘને બુડથલ તો મેં બનાવ્યો, તમે તો એને જોઈ પાંદડું કાંપે તેમ કાંપતા હતા ! ચતુરાઈ તમે નહિ, મેં દેખાડી છે !’
ગલબાએ હસીને કહ્યું : ‘ઠીક, તો તું જ કહે, તારા જેવી ચતુરને હું પરણ્યો એ મારી ચતુરાઈ ખરી કે નહિ ?’ ગલબીએ હવે કબૂલ કરવું પડ્યું કે ગલબો ચતુર છે.

[2] બોબડી બંધ !

એક હતો બ્રાહ્મણ. કહેવાય બ્રાહ્મણ, પણ ભણેલો ગણેલો કાંઈ નહિ. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે. એક દિવસ બ્રાહ્મણી કહે, ‘જાઓ રાજા રઘુરાયના દરબારમાં…. કંઈ પામશો !’
બ્રાહ્મણ કહે : ‘હું અભણ….’
બ્રાહ્મણી કહે : ‘અભણ ખરા, પણ તમે કદી જીભે જૂઠું બોલ્યા છો ?’
‘ના, ભગવાને જૂઠું બોલવા જીભ નથી દીધી એટલું તો હું સમજું !’
‘તો તમે કદી કોઈના કજિયા દલાલ થયા છો ? કોઈને છેતરવાનું કદી કર્યું છે ?’
‘રામ રામ કરો, એવો વિચાર પણ કેમ થાય ?’
‘તો તમે કોઈને કદી ભૂંડાં વેણ કહ્યાં છે ?’
‘ના, સૌ સુખી થાઓ !’ એમ જ કહ્યું છે.
બ્રાહ્મણીએ કહ્યું : ‘બસ તો ! જે ભણવાનું છે તે તમે ભણ્યા છો ! એટલે તમારી જીભે સરસ્વતી, તમને પ્રભુ દેશે સન્મતિ !’
બ્રાહ્મણે આશ્ચર્ય પામી કહ્યું : ‘બ્રાહ્મણી, તું શ્લોક બોલી !’
બ્રાહ્મણીએ કહ્યું : ‘હેં, શું હું શ્લોક બોલી ? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો !’

બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી : ‘કવિજન લાગો છો !’
જવાબમાં બ્રાહ્મણથી બોલાઈ ગયું :

‘ઊનો હશે તો બાળશે, ને ટાઢો હશે તો હાથને કરશે કાળો,
ઊનો હોય કે ટાઢો – પણ અંગારો તે અં….ગા….રો !’

પોતાની જીભે શ્લોક બોલાયો તેથી બ્રાહ્મણને નવાઈ લાગી. તેણે એ શ્લોક મોટેથી બોલતાં બોલતાં ગામમાં ફરવા માંડ્યું. નગરશેઠે એ સાંભળી એને બોલાવી પૂછ્યું :
‘ભૂદેવ, આ શ્લોકનો અર્થ શું ?’
બ્રાહ્મણે કહ્યું : ‘અર્થમાં હું શું જાણું ? હું કંઈ ભણેલો નથી.’
શેઠે રાજાને વાત કરી કે, ‘ગામમાં એક બ્રાહ્મણ આવ્યો છે. એ આખો વખત એક શ્લોક બોલ્યા કરે છે, પણ એ શ્લોકના અર્થની એને ખબર નથી.’ રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું :

‘ઊનો હશે તો બાળશે, ને ટાઢો હશે તો હાથને કરશે કાળો,
ઊનો હોય કે ટાઢો – પણ અંગારો તે અં….ગા….રો !’

રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે : ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું ? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી ? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’ રાજા આ સાંભળી ખુશ થયો. કહે : ‘મારી તિજોરીમાં અર્થ જરૂર છે, અને એ તને મળશે. પણ તારા શ્લોકમાં શું કંઈ જ અર્થ નથી ?’
બ્રાહ્મણે કહ્યું : ‘મહારાજ, હોય તો મને એની ખબર નથી.’
રાજાએ કહ્યું : ‘ઠીક, તો શ્લોકનો અર્થ ન સમજાય ત્યાં લગી તું મારી સાથે રહે. તારે રોજ મને કાનમાં આ શ્લોક સંભળાવવો !’
બ્રાહ્મણને એ વાતનો કંઈ વાંધો નહોતો.

રોજ બ્રાહ્મણ રાજાને શ્લોક સંભળાવે ને રોજ રાજા એને પૂછે કે શ્લોકનો અર્થ જડ્યો ? રોજ બ્રાહ્મણ કહે : ‘ના !’ તે પછી કંઈ પણ બોલ્યા વિના રાજા એને એક ચિઠ્ઠી લખી આપે. એ ચિઠ્ઠી બ્રાહ્મણ દીવાનને બતાવે ને એને રોજ એક સોનામહોર મળે. રાજાનો એક માનીતો હજૂરિયો રોજ આ જુએ. એને બ્રાહ્મણની ઈર્ષ્યા આવી. એક દિવસ એણે બ્રાહ્મણને કહ્યું : ‘મહારાજ, તમે રોજ રાજાને શ્લોક સંભળાવો છો એ બરાબર, પણ તમે રાજાના મોં આગળ મોં લઈ જઈને બોલો છો અને તમારા શ્વાસ રાજાના શ્વાસમાં જાય છે, એ બરાબર નથી. માટે શ્લોક બોલતી વખતે તમારે નાક-મોંએ પાટો રાખવો. રાજ્યની એ રસમ છે !’
બ્રાહ્મણે કહ્યું : ‘હવેથી એમ કરીશ.’
તે પછી હજૂરિયો રાજાને મળ્યો. કહે : ‘મહારાજ, વાત કહેવા જેવી નથી.’
રાજા કહે : ‘હું હુકમ કરું છું કે કહે !’
હજુરિયો કહે : ‘આપનો હુકમ છે તો કહું છું. પેલો બ્રાહ્મણ આપની આગળ શ્લોક બોલે છે ને, તે મને કહે કે હું શ્લોક બોલું છું ત્યારે રાજાનું મોં એવું ગંધાય છે કે મને ઊલટી થવા જેવું થાય છે, તેથી હવે હું ના-મોંએ પાટો બાંધીને જવાનો છું.’ રાજા લોકનો ઉછેર એવો હોય છે કે એમને ખુશ થતાંય વાર નહિ અને નાખુશ થતાંય વાર નહિ. ગુસ્સે થાય ત્યારે વિનય વિવેક ને સૌજન્ય બધું ભૂલી જાય ! અહીં પણ એવું થયું.

બીજે દિવસે બ્રાહ્મણ શ્લોક બોલવા ગયો ત્યારે એના નાક-મોંએ પાટો હતો. એ જોઈ રાજાને હજુરિયાની વાત સાચી લાગી. તેણે તત્કાળ એક ચિઠ્ઠી લખી કાઢી બ્રાહ્મણના હાથમાં મૂકી. બ્રાહ્મણ રોજની જેમ એ ચિઠ્ઠી લઈને નીકળ્યો. ત્યાં રસ્તામાં પેલો હજૂરિયો મળ્યો. બ્રાહ્મણ કહે : ‘તમે મને રાજ્યની રસમ શીખવી મારા પર ઘણો ઉપકાર કર્યો છે, તેથી આજનું મારું ઈનામ હું તમને આપું છું.’ આમ કહી એણે ચિઠ્ઠી હજૂરિયાને આપી. હજૂરિયો ખુશ ખુશ થઈ ગયો. એને ખબર હતી કે આ ચિઠ્ઠી પર રોજ એક સોનામહોર મળે છે. હજૂરિયો સીધો દીવાનની પાસે પહોંચ્યો. દીવાને ચિઠ્ઠી વાંચી કહ્યું : ‘બેસો !’ પછી તેણે કોટવાલને બોલાવી તેને રાજાની ચિઠ્ઠી દેખાડી. કોટવાલ એ જ ઘડીએ હજૂરિયાને બાંધી કોટવાલીમાં લઈ ગયો. હજૂરિયાએ બૂમાબૂમ કરી મૂકી. કોટવાલે કહ્યું : ‘ચૂપ, તારી બોબડી બંધ કર ! રાજાનો એવો હુકમ છે !’ તે જ ઘડીએ હજૂરિયાના હોઠ સીવી લેવામાં આવ્યા; એની બોબડી બંધ થઈ ગઈ.

રોજના નિયમ પ્રમાણે બીજે દિવસે બ્રાહ્મણ શ્લોક ભણવા રાજાની આગળ હાજર થયો ત્યારે એને બોલી શકતો જોઈ રાજાને નવાઈ લાગી. તેણે તરત દીવાનને અને કોટવાલને બોલાવી તેમનો જવાબ માગ્યો કે મારા હુકમનો અમલ કેમ નથી કર્યો ? બંનેએ કહ્યું કે અમે આપના હુકમનો તરત જ અમલ કર્યો છે. આપની ચિઠ્ઠી લઈ આવનાર હજૂરિયાનાં હોઠ સીવી લઈ એની બોબડી બંધ કરી દીધી છે.
રાજાએ કહ્યું : ‘મેં ચિઠ્ઠી આ બ્રાહ્મણને આપી હતી, હજૂરિયાને નહિ !’
ત્યારે દીવાને કહ્યું : ‘બ્રાહ્મણે ઉસ્તાદી કરી એ ચિઠ્ઠી વાંચીને હજૂરિયાના હાથમાં પકડાવી દીધી લાગે છે !’
બ્રાહ્મણે કહ્યું : ‘ના, મહારાજ, મેં ચિઠ્ઠી વાંચી નથી; મને વાંચતાં જ આવડતું નથી. પણ એણે મારા પર એક ઉપકાર કરેલો, મને એણે રાજ્યની રસમ શિખવેલી, એટલે આ વખતનું ઈનામ મેં એને દઈ દીધું હતું. મને થયું કે રોજ મને સોનામહોર મળે છે તો એક દિવસ ભલે એને મળે !’
રાજાએ નવાઈ પામી કહ્યું : ‘એવો એણે તારા પર શો ઉપકાર કરેલો ?’
બ્રાહ્મણે કહ્યું : ‘મને કહે કે તું શ્લોક બોલે છે ત્યારે તારો શ્વાસ રાજાના શ્વાસમાં જાય છે એ સારું નહિ. માટે હવેથી તું નાક-મોંએ પાટો બાંધીને જજે ! રાજ્યની એ રસમ છે.’

રાજા બોલી ઊઠ્યો : ‘રાજ્યની રસમ ? વાહ, ભાઈ ! એટલે તું નાક-મોંએ પાટો બાંધીને આવે છે ? મને હજૂરિયો કહે કે રાજાનું મોં ગંધાય છે એટલે હવે હું નાક-મોંએ પાટો બાંધીને શ્લોક બોલવા જવાનો છું એવું બ્રાહ્મણ મને કહેતો હતો !’
દીવાન બોલી ઊઠ્યો : ‘દુષ્ટ ! નિર્દોષ બ્રાહ્મણ પર રાજાને ગુસ્સે કરવા જતાં એ પોતે જ એ ગુસ્સાનો ભોગ બની ગયો !’
એકદમ રાજા બોલી ઊઠ્યો : ‘હવે મને બ્રાહ્મણના શ્લોકનો અર્થ સમજાય છે. અંગારો ઊનો હોય કે ટાઢો હોય, પણ એ હંમેશાં અપકાર કરે છે. ઊનો હોય તો દઝાડે છે ને ટાઢો હોય તો હાથ કાળા કરે છે. દુર્જન આ અંગારા જેવો છે. એનું રીઝવું ને ખીજવું બેય સરખું !’ થોડી વાર રહી કહે : ‘હું ય આ અંગારા જેવો છું, મારું રીઝવું ને ખીજવું બેય નકામાં ! બ્રાહ્મણના શ્લોકે આજે મારી આંખો ઉઘાડી છે !’

આ સાંભળી બ્રાહ્મણ બોલી ઊઠ્યો : ‘મારી બ્રાહ્મણીની વાત સાચી ! સો ટકા સાચી !’
રાજાએ નવાઈ પામી કહ્યું : ‘તારી બ્રાહ્મણીની શી વાત છે ?’
બ્રાહ્મણે કહ્યું : ‘મહારાજ, મને આપના દરબારમાં એણે મોકલ્યો છે. મેં કહ્યું કે હું કાંઈ ભણ્યો નથી, ત્યાં જઈને શંહ કરીશ ? તો કહે કે ભલે અભણ, પણ તમે કદી જૂઠું બોલ્યા નથી, કોઈના કજિયા-દલાલ થયા નથી, કદી કોઈને છેતરવાનું કર્યું નથી, કદી ભૂંડાં વેણ કાઢ્યાં નથી ને સૌ સુખી થાઓ એમ જ કહ્યું છે, એટલે જે ભણવાનું તે તમે ભણ્યા છો – તમારી જીભે સરસ્વતી, પ્રભુ તમને દેશે સન્મતિ !’ આ સાંભળી રાજા એવો ખુશ થઈ ગયો કે માન મોભો ભૂલી એ બ્રાહ્મણને ભેટી પડ્યો ! પછી કહે : ‘દીવાનજી, આજે હું ખૂબ આનંદમાં છું. હજૂરિયાના હોઠ છૂટા કરી દો – એને હું માફ કરું છું.’ રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું : ‘જય હો ! જય હો ! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો !’

[કુલ પાન : 242. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ડૉ. રેણુકા શ્રીરામ સોની. સુતરીઆ હાઉસ, ત્રીજો માળ, ભાઈકાકાભવન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26460225.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેટલીક સત્યઘટનાઓ – સંકલિત
હવે, તમે સાંભળો ત્યારે…. – મોહમ્મદ માંકડ Next »   

10 પ્રતિભાવો : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ – સં. મધુસુદન પારેખ

 1. harikrishna patel says:

  nice stories. keep publishing children stories.

 2. shah manali says:

  BEAUTIFUL STORY….. :-))

 3. payal says:

  khub saras stories che, vachvani maja aavi…

 4. આ બંને બાળવાર્તાઓ વાંચવાની ખુબ જ મજા આવી.

 5. Dipti Trivedi says:

  નવીન વાર્તાઓ. મજેદાર.

 6. ketan shah says:

  I remember when i was child I used to read ” CHANDA MAMA, BAKOR PATEL, SANI SAKRI BAI ” and I used to love it all. I mean to say we need to encarage the BALVARTA so our kid’s can get better SANSKAR and education easily.Good job RAMANLAL SONI, write more and more stories for our kid’s better future.

 7. ashita says:

  i have told it my all student and my child they liked it. i like to read long stories very much such this.THANK U.

 8. Alpesh Rathod says:

  ખુબ સરસ …..Alp_Star

 9. pranav karia says:

  The story of an illiterate Brahmin is very very good.
  Our heartirest congratulations. Pranav Karia.21-1-11.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.