સ્પાઈડરમેન – અજય ઓઝા

[ ‘જલારામદીપ’ સામાયિક સપ્ટેમ્બર-2010માંથી સાભાર. આપ શ્રી અજયભાઈનો (ભાવનગર) આ નંબર પર +91 9825252811 સંપર્ક કરી શકો છો.]

‘ટી.વી. સિરિયલોની અસર છે બધી.’ મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડૉક્ટર મને સમજાવી રહ્યાં, ‘બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે.’ હું હકારમાં માથું હલાવવા સિવાય કશું કરવાની નહોતી એ ડૉક્ટર બરાબર જાણતા હોય એમ મોન્ટુમાં જ પરોવાયેલા રહી પોતાની વાત ચાલુ રાખે છે, ‘સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ સિરિયલ લાગે છે. આમ તો ચિંતા કરવાનું કોઈ કારણ નથી જણાતું. સમય જતાં આપમેળે આકર્ષણ ઓસરી જશે ને એ નોર્મલ થઈ જશે. તેમ છતાં કેટલાક નિર્દોષ ટોનિક સૂચવીશ…’

ચિંતા તો શી હોય ? મોન્ટુના પપ્પા કેટલાય દિવસથી પાછળ પડી ગયા હતા કે મોન્ટુને તબીબી તપાસ કરાવવી જરૂરી છે. બાકી તો હું પણ મનમાં તો સમજતી જ હતી કે આ કોઈ ગંભીર બીમારી નથી. વળી ડૉક્ટરે બીજી સૂચના આપી, ‘શક્ય હોય તો એને એકલા ટી.વી. જોવા ન દેવું. તમારે પણ તેની સાથે બેસીને એને ગમતા કાર્યક્રમ જોવા. તમારે એટલી કેર લેવી કે એને એકલું ન લાગે અને કોઈ સિરિયલના પાત્રો એના પર આટલો પ્રભાવ ન છોડી જાય કે જેથી બાળકના મનમાં ડર કે આભા છવાઈ જાય.’
‘ઓ.કે. સર’ કહીને હું મોન્ટુને લઈ બહાર નીકળી.

છેલ્લા ઘણાં દિવસથી આવું થતું હતું. અરધી રાત્રે અચાનક સફાળો બેઠો થઈને મોન્ટુ મોટેમોટેથી ચીસો પાડવા માંડતો, ‘સ્પાઈડરમેન…. સ્પાઈડરમેન…..’ ભરઊંઘમાંથી ઊછળીને રાડારાડ કરી મૂકતો. ટી.વી. જોવાની એને ભારે આદત. સ્પાઈડરમેન એને ખૂબ ગમે. સતત એના પર સ્પાઈડરમેનનું ભૂત સવાર થયેલું હોય. નિખિલને તો ફુરસદ જ ન હોય. એટલે મોન્ટુને લઈને દવાખાને જવાનું અને એના ક્લિનીકલી ફોલોઅપ્સ કરવાની કડક સૂચના એ મને આપ્યા કરે, ને પોતે એકલો બસ બીઝનેસ ટૂર પર મહાલ્યા કરે. ટૂર પર ગયો એ દિવસે જ કહેતો ગયો હતો :
‘તું આજે જ મોન્ટુને દવાખાને લઈ જજે. પૂરેપૂરી સારવાર કરાવી લઈએ. અત્યારથી આવું થાય તો ચિંતા કરવી પડે. તું ખાસ ધ્યાન રાખજે. અને ડૉક્ટર કહે એ પ્રમાણે સારવાર કરાવજે.’ મોન્ટુ સાથે રમવાનો પણ નિખિલને ટાઈમ ન હોય. એટલે એ બિચારો ટી.વી.માં પોતાનો સમય પસાર કરે. હું પણ સંયુક્ત પરિવારની જવાબદારીમાંથી પરવારીને એના પર ધ્યાન આપવાનો સમય કાઢી ન શકું. શું થાય ?

પણ હવે મારે ધ્યાન આપવું જ પડશે. હું મોન્ટુ સાથે ટી.વી. જોવા બેસવા લાગી. એને સ્પાઈડરમેન જ ગમે, હું પણ એની સાથે એ જોઉં. સિરિયલ તો ખરેખર મજા પડે એવી જ છે. સ્પાઈડરમેનની ઊછળકૂદ અને એના કરતબો જોવાની મજા પડે. મોન્ટુને તો ગમે જ ને. મને પણ રસ પડે એટલે ચાલે. નિખિલ ટૂરમાં હોય તો બસ ફોનથી સમાચાર પૂછી લે, ‘આજે કેમ છે ? કાલે ઊંઘમાં કેમ રહ્યું ? દવા બરાબર ચાલે છે ને ? થોડો બહાર પણ રમવા જાય એમ કરજે. એની રુચિ પ્રમાણે તું પણ એની સાથે રમજે. તારે તો સમય હોય જ છે ને, એના પર ધ્યાન રાખજે.’ કેવો લુચ્ચો ને સ્વાર્થી છે ? મારે માટે તો બે શબ્દ પણ પૂછતો નથી. તો પણ હું એના આદેશોને અમલમાં મૂકતી રહેતી. મોન્ટુ સાથે રમવાનો સમય કાઢું. એને બહાર રમવા જવા પ્રોત્સાહિત કરું અને બાકીના સમયમાં એની સાથે ટી.વી. તો જોવાનું જ વળી. રાત્રે મોડે સુધી હું પણ એની સાથે સ્પાઈડરમેનના કરતબોને માણું. મને પણ સ્પાઈડરમેન ગમવા માંડેલો.

દિવસો પસાર થતા રહે. વચ્ચે વચ્ચે નિખિલ આવે ત્યારે ટૂરનો થાક ઉતારે અને વળી પાછો ચાલી નીકળે. હું મનોમન ધૂંધવાતી રહું. ક્યારેય કંઈ કહું તો વળી સમજાવે, ‘બીઝનેસ તમારા સૌના માટે જ તો કરું છું ને ? ટકી રહેવા માટે સતત ઝઝૂમવું પડે છે માર્કેટમાં. થોડાં વર્ષો તો આમ જ ભોગ આપવો પડશે. તમારું અને મોન્ટુનું ભવિષ્ય બનાવી દઈશ. બસ, પછી એયને નિરાંત !’ નિખિલનો જવાબ મીઠો હોવા છતાં કેમેય ગળે ઊતરી શકે નહીં. હજુ લગ્નને ક્યાં વરસો વીતી ગયાં છે ! શું તો યે એને મારું લગીરે આકર્ષણ નહીં હોય ? કેમ ? ને હું એના માટે કેવી ઝૂરતી રહેતી હોઉં ? એ કદી કંઈ પૂછે કેમ નહીં ?

હું મારા મનના અણગમતા વિચારોને દૂર ફેંકવા કોશિશ કરું છું અને મોન્ટુમાં ધ્યાન આપવા માંડું છું. હવે એનામાં ઘણો સુધારો જોવા મળે છે. ઊંઘમાં ચીસો પાડવાનું ઓછું થતું જતું હતું. ધીરેધીરે અભ્યાસ અને અન્ય આઉટડોર ગેમ્સમાં પણ રુચિ લેવા માંડ્યો હતો. નિખિલને ફોન પર મોન્ટુના સમાચાર આપતી એટલે એ ખુશ થતો અને હજી વધુ કાળજી લેવાની શિખામણ પણ આપતો. પણ મારા એકલવાયા સંસારની કશી કાળજી એના અવાજમાં પણ ન હોય. થતું કે ફોન પર મળવાનુંય બંધ કરી દઉં, તો ? તો પણ એને મારી કશી ફિકર હોય ખરી ?

મોન્ટુ હવે સ્વસ્થ જણાતો જતો હતો. મને માતૃત્વની ફરજ બજાવ્યાનો સંતોષ થયો. સાંજે નિખિલ આવ્યો. એ ઘેર આવે ત્યારે પણ જાણે નોકરી પર જ આવ્યો હોય એવો ભારેખમ ચહેરો લઈને આવે. ને વળી પાછું ક્યારે ટૂર પર નીકળી જવું પડે એમ છે એ માટેની ‘મીટીંગ’, ‘બીઝનેસ ટૂર’, ‘સ્ટેટસ’, ‘માર્કેટીંગ’, ‘મેનેજમેન્ટ’ જેવા નામના, જુદીજુદી રૂપાળી મજબૂરીના પોટલાં ખોલવા લાગે. મારી પાસે આવ્યાનો હરખ કે મને મળવાનો પરિતોષ એનામાં શોધી ન શકાય. એ આટલો નિર્લેપ હશે શું ?
રાત્રે બેડરૂમમાં નિખિલ મોન્ટુને માથે હાથ ફેરવતો સુવરાવી રહ્યો હતો. હું જઈને એની પાસે બેઠી.
‘ડૉક્ટરે આપેલી સૂચનાનું મેં બરાબર પાલન કર્યું છે, નિખિલ. હવે આપણો મોન્ટુ એકદમ સ્વસ્થ છે, જો ને, કેવો હસતો ચહેરો રાખીને સૂતો છે ? હવે ચિંતાનું કોઈ કારણ નથી.’ મોન્ટુની મેં લીધેલી કાળજી અને આટલા દિવસોની ઘટમાળની વાતો હું નિખિલ સાથે શેર કરવા માંગતી હતી.
‘તું એની મા છો, તો તારે જ તો આ બધું કરવાનું હોય ને ! હું આજે થાકીને આવ્યો છું, સૂઈ જઈએ, કાલે નિરાંતે વાતો કરીશું.’ કહીને એ થાકેલો ચહેરો ફેરવીને સૂઈ ગયો.

હું મનોમન ધૂંધવાઈ ઊઠી. મોન્ટુ તો ક્યારનો સૂઈ ગયો હતો. પણ તેણે શરૂ કરેલું ટી.વી. હજુ ચાલુ હતું. સ્પાઈડરમેન આમથી તેમ ઉડાઉડ કરતો હતો. મુસિબતમાં ફસાયેલાઓને બચાવવા દોડાદોડી કરતો હતો. એના કરતબો નિરાળા હતા. ઊંચા ઊંચા મીનારાઓ પરથી છલાંગ મારતો એ એક બિલ્ડીંગ પરથી બીજા બિલ્ડીંગ પર અને ત્યાંથી વળી પાછી જાળ કોઈ ત્રીજા બિલ્ડીંગ પર. ઘડીમાં બ્રીજ પર ફસાયેલા બાળકોને ઉગારવા દોડી જાય તો વળી ઘડીમાં દુશ્મનના કબ્જામાંથી છોડાવીને પોતાની પ્રેયસીને જાળમાં જ ઝૂલાવતો ઝૂલાવતો એને ચુંબન કરતો જોવા મળે…. સ્પાઈડરમેન ! કેવું અદ્દભુત !

‘સ્પાઈડરમેન….સ્પાઈડરમેન….સ્પાઈડરમેન….’ એ રાત્રે ફરી ચીસો પડી. સૌ હેબતાઈ ગયાં. મને તો કશી ગમ જ ન પડી. જાણે બેભાન અવસ્થામાં હોઉં એમ કશું ન સમજાયું. અચાનક સફાળો જાગી ગયેલો પરિવાર આખોય ભેગો થઈ ગયો. હું તો આંખ જ ન ખોલી શકી. કદાચ હું વિચારતી હતી કે માંડ આ ફોબિયામાંથી છૂટકારો થયો છે ત્યાં ફરી ? આમ કેમ ? આખરે મેં મારી જાત પર કાબુ મેળવ્યો અને આંખો ખોલી. હું મોન્ટુને શોધવા લાગી. એ મારાથી દૂર ઊભેલો દેખાયો. મેં નજીક આવવા ઈશારો કર્યો પણ એ ન આવ્યો. જરા ડરેલો હોય એવું પણ લાગ્યું. મોન્ટુના પપ્પા મારા તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, જાણે એની આંખો મને ઠપકો આપતી હતી. હું કશું સમજી ન શકી. કોઈએ ડૉક્ટરને બોલાવ્યા હશે, તે ડૉક્ટર પણ સામે બેઠેલા જણાયા. હું તરત એમની પાસે ગઈ, પૂરા આક્રોશથી એમને પૂછવા લાગી, ‘આવું કેમ થયું, સર ? તમારી સૂચના પ્રમાણે મોન્ટુની આટલી સંભાળ લેવા છતાં ? મેં સહેજ પણ કચાશ રાખી નથી સાહેબ, તો યે ? સર, પ્લીઝ સર. કહોને સર, આવું ફરી કેમ થયું મારા મોન્ટુને ?’

સૌએ મને શાંત પાડીને એક ખુરશી પર હળવેથી બેસાડી. હું હજુ ડૉક્ટર તરફ પ્રશ્નાર્થ નજરે તાકી રહી હતી.
ડૉક્ટર બોલ્યા : ‘તમે મોન્ટુની બરાબર જ સંભાળ રાખી છે. એ બાબત કશીય ફરિયાદ કે ચિંતા જેવું નથી.’
‘તો…? તો આ ફરી કેમ ઊંઘમાં આમ…. ?’ મેં પૂછ્યું. હું અકળાયેલી હતી.
‘તમે ખોટા ગભરાઓ છો. આ વખતે ઊંઘમાં બૂમાબૂમ મોન્ટુએ નથી કરી.’ ડૉક્ટર બોલ્યા, ને પછી નિખિલ તરફ નજર કરી એમને જણાવ્યું, ‘ક્લિનિક પર આવી જજો. હવે ટ્રીટમેન્ટ જૂદી રીતે કરવાની રહેશે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માંદગી મારી વહાલનો દરિયો – ડૉ. નલિની ગણાત્રા
તમને ગમી ને ? – ઈવા ડેવ Next »   

25 પ્રતિભાવો : સ્પાઈડરમેન – અજય ઓઝા

 1. PAYAL says:

  પરિવાર મા લોકો ને એકબિજા નિ કેતલિ જરુર હોય ચે ઈ આ વાર્તા પર થિ સમજાય ચે…..

 2. જવાબદારી મોટી વસ્તુ છે પણ એ જવાબદારી ની સાથે આપણે પણ બાળકોની સંભાળ લેવી પડે. અને પત્ની ને પણ આપણે સમય આપવો જોઈએ,એ સમજાવા માગે છે અજય ભાઇ એમને?

 3. અશોક જાની 'આનંદ' says:

  વાહ, એક વ્યક્તિ જે આખા પરિવારની કાળજી લેતી હોય પણ તેની જ કાળજી ન લેવાય ત્યારે આવું બને..સુંદર સંવેદનશીલ વાર્તા..

 4. જબરજસ્ત વાર્તા છે. પહેલાં લાગ્યું કે આ બાળકોની ટીવી જોવાની કુટેવ પર આધારિત વાર્તા છે. પણ અંતમાં અચાનક આવેલો વંળાક ખુબ જ મસ્ત છે.

 5. હેમીશા પટેલ says:

  સુંદર

 6. Jagruti Vaghela USA says:

  વાર્તાના નાયકને સમયના અભાવની સાથે સાથે લાગણીની અને કદરની પણ ઉણપ છે. સંયુક્ત કુટુમ્બની જવાબદારી ઉપાડતી પત્નિ માટે સહાનુભૂતિથી કદરના ચાર શબ્દો કહ્યા હોત તો અંતમા આવી પરિસ્થિતિ ન સર્જાત.

 7. Hetal says:

  NIkhil sounded like my husband- only difference is he does not go to any tours but even then he is always busy and never appreciates my work at home, at work and for my son- I feel just like Montu’s mom- very sad and bad Indian man’s mentality that does not care about woman’s feelings or needs

  • AJAY OZA says:

   Any way,
   This is just a story.
   don’t take anything personally….
   There are many stories in everyone’s life, but unfortunately….who cares ?
   So… take it easy, Thanks.
   -AJAY OZA

  • Ravi Mistry says:

   Dear Hetalben do not thinks like this, this story is for bonding family do not take wrong massage. You have to try to understand more about your Hubby…………..all is good. regards.

 8. sneha shah says:

  yes hetalben i agree with u..

 9. sudhir patel says:

  અજયભાઈ, વાર્તા ખૂબ સુંદર મનોવૈજ્ઞાનિક વળાંક લઈ અંત પામે છે! અભિનંદન!!
  સુધીર પટેલ.

 10. સચોટ વાર્તા ! પરિવાર સાથે ગાળવાના સમય કરતાં પૈસાને વધુ અગત્ય આપતાં લોકો પાછળથી પસ્તાય છે.

 11. nilam doshi says:

  ajaybhai…nice story…specially like end part…

 12. ખુબ સુંદર વાર્તા…પણ આ માત્ર વાર્ત જ છે એવું નથી લાગતું….

  દરેક સંબંધ ને સમયની અને પ્રેમ ભરી કાળજીની જરુર હોય છે..પણ આપણી પાસે સમય જ ક્યાં છે.

 13. Ashwin & Meenakshi says:

  સરસ વસ્તુ અને સરસ લઘવ્

 14. Ashwin & Meenakshi says:

  સરસ વસ્તુ અને સરસ લાઘવ

 15. maitri vayeda says:

  ખુબ જ સરસ વાર્તા…

 16. nayan panchal says:

  ખૂબ સુંદર અને અંત તો એકદમ સચોટ. જ્યારે જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ભૂલ કરીએ છીએ ત્યારે આવુ બધુ થવાના ચાન્સ વધી જાય.
  થોડા સમય પછી નિખિલ પણ ઊંઘમાં બુમો ન પાડવા માંડે તો સારું !!

  લેખકશ્રીને અભિનંદન,
  નયન

 17. DIVAKAR says:

  straight to the heart . marvellous. all the best

 18. Vaishnav Niket R says:

  ‘સ્પાઈડરમેન….સ્પાઈડરમેન….સ્પાઈડરમેન… સુન્દર વાર્તા આ સમયે સાચિ વાત છે.

 19. Harshit Pandya says:

  સુન્દર લય સાથે ઉત્તમ નિરુપન.
  (સરલ કથન એવુ કે બધાને જ પોતાનિ વાત લાગે.)

  આભાર.

 20. foramparekh says:

  ખુબ જ સરશ ક્રુતિ છે.

 21. REEMA says:

  varta vanchavani sharuvat kartaj mane aa j prakar na end ni khatri hati

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.