તમને ગમી ને ? – ઈવા ડેવ

[ઝાયડસ કેડિલાના સૌજન્યથી આદરણીય સાહિત્યકાર શ્રી સુરેશ દલાલ દ્વારા 2003 થી 2009 સુધીમાં સાત જેટલા વિશાળ સંપાદન-ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા, જે ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ ગણાય છે. એ શ્રેણીમાં, તાજેતરમાં ઑગસ્ટ-2010માં ‘વાર્તાવિશ્વ’ સંપાદિત કરવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્ય તેમજ વિશ્વની ચુનંદા વાર્તાઓનો આ વિશાળ સંગ્રહ છે. આશરે 85 વાર્તાઓનો તેમાં સમાવેશ થાય છે. આજે તેમાંથી માણીએ એક વાર્તા. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઈલા આવતી હતી એ સવારની ટ્રેનમાં. આ બીજી જ વખત હું એને મળવાનો હતો. કેવું અજબ ! પ્રથમ વાર મળી ત્યારે તે કુંવારી હતી; આ બીજી વખત તે વિવાહિત છે; અને સંભવ છે કે ત્રીજી વાર મળીશું ત્યારે તે હશે પરિણીતા ! ચપલ મન ઉડ્ડયનો કરી રહ્યું હતું – કદાચ જીવનમાં પહેલી જ વાર; જ્યારે ઉત્સુક હૃદય અનુભવી રહ્યું હતું અનેરો કંપઃ રોમાંચક, આહલાદક, પણ કંઈક અંદેશાભર્યો.

ઈલા અને હું ! ગયે રવિવારે અમે એકબીજાને ઓળખતાં નહોતાં એટલું જ નહીં, પરસ્પરનું નામ પણ અમે સાંભળ્યું નહોતું. અત્યારે ! જાણે જન્મોજન્મથી પિછાનતાં ન હોઈએ તેમ ઉભયને મળવા ઉત્કંઠ બની રહ્યાં છીએ. ઈલાને લઈને તેઓ આવ્યાં હતાં, ગયા રવિવારની સવારેઃ એની બા, માશી ને કોઈ ત્રીજું. એને લાવવામાં આવી હતી મને બતાવવા. ઈલાને જોતાં જ પડી ગયો હું એના પ્રેમમાં. મને એ બહુ ગમી. મારા ઉરમાં જાણે કવિતા સ્ફુરી, ઈલાના સૌંદર્યને અર્ઘ્ય આપવા. મને થયું કે જાણે અજંતાની દીવાલો પરની કો’ મુખાકૃતિ શું એનું નમણું વદન હતું. તીણી, દીર્ઘ ને સુરેખ કાળી ભ્રમરો, એની નીચે ઊઘડતાં મોટાં લોચનો – આકર્ષક છતાંય હરણીના ખોવાયેલ ભૂલકાંની આંખો જેવાં માસૂમ મારા પર જાદુ કરી ગયાં હતાં. દૂધ-શા સફેદ દાંત, એને કવચિત્ છતા કરતી વળી ઢાંકતી ઓષ્ઠની મૃદુ રેખાઓ, અને તે ઉપર શોભતી નાજુક નાસિકા, એ સહુ તે દિવસથી મારા હૈયામાં લાદીની ફરસબંધીની જેમ જડાઈ ગયાં હતાં, ટૂંકમાં, હું ખોવાઈ ગયો હતો ઈલામાં.

પાંચ ટકોરા પડ્યા. રહેલું એક સ્ટેશન વટાવી ગાડી દસેક મિનિટમાં આવી પહોંચશે ઈલાને લઈ. કેવી લાગશે એ ? તે દિવસે ઈલા ગઈ કે તરત જ અમે ઘરનાં સહુ ચર્ચા કરવા મંડી પડ્યા. બાપુજી-બા પૂછે કે ‘કેમ ભાઈ ?’ મેં કહ્યું કે, ‘છોકરી સારી છે, મને ગમી છે.’ પછી ના રહેવાતાં મર્યાદા મૂકીને હું બોલ્યો :
‘મને બહુ જ ગમી છે.’
એકાએક સહુ ભયંકર શાંત બની ગયાં. અદષ્ટ રીતે મેં એ ભયંકરતાનો અનુભવ કર્યો. સહુના સામું મેં એક પછી એક એમ નજર નાખવા માંડી. આશંકિત મનમાં થડકારા સાથે સવાલ થયો : ‘શું આ સહુને ઈલા નથી પસંદ પડી ?’ હું સ્તબ્ધ બની તેમની સામે જોઈ રહ્યો. કોઈ સીધું મારી સામે જોતું નહોતું. જાણે મારી નજર ટાળવા એ પ્રયાસ ના કરતાં હોય ! એમના મનની વાત જાણવી કેમ કરી ને ? મારું મન જાણ્યા પછી કદાચ તેઓ સાચી વાત મને ના પણ કહે. ખૂબ જ બીક લાગવા માંડી કે ના ગમે તેવું સાંભળવું પડશે મારે ! મેં ફરી એમના તરફ નજર ફેરવી. બાપુજી કાંઈ કહેવા કરતાં હોય એમ લાગ્યું. મને થોડી હિંમત આવી. હું સપ્રશ્ન એમના તરફ તાકી રહ્યો ને એ બોલ્યા : ‘વર્થ કન્સિડરિંગ.’ બા અંગ્રેજી સમજી શકતી નહોતી. પોતાનો ઘટતો અર્થ ઘટાવી લઈ તેણે કહ્યું : ‘ભૈ, તને ગમી ને એટલે બસ.’ બાપુજીએ વળી એમાં ટહુકો પૂર્યો :
‘હા, સૌથી મહત્વની વાત એ જ છે. તને ગમી ને ?’
હું સમજી ગયો કે તેઓ પણ મારા મનને આઘાત ન પહોંચે તે માટે સાવચેતીથી વાત ઉકેલવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ હું એમને હવે પામી ગયો હતો. આથી જ કરીને મને અચાનક જ ના સમજાય એવી પીડા થવા માંડી. ‘મને ગમી છે, ગમી છે; એક નહીં એક હજાર વાર, પણ તમારું શું ?’ જે કહેવાના છે તે કડવું છે, દુઃખ પમાડે એવું છે, એમ પ્રતીતિ હતી, છતાંય તેને સાંભળવાની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી જતી હતી.

ક્રોધ, તિરસ્કાર ને વેદના પરાણે દબાવતાં મેં પૂછ્યું : ‘મને તો ગમી, કહ્યું તો ખરું એક વાર. સાંભળ્યું નહીં ? પણ તમારું શું ? શું તમને નથી ગમી ?’
મારી વચલી બહેન બોલી ઊઠી : ‘ના બા, આપણને તો લગારે નથી ગમી. છોકરી નરી કાળી છે.’ સીધું, સોંસરું ઊતરી જાય એવું ટૂંકું વાક્ય ! જાણે બંદૂકમાંથી ગોળી છૂટી, વીંધીને સળંગ ચાલી ગઈ છાતીમાંથી, પણ અકસ્માત હું જીવતો રહી ગયો. હવે બાને પણ હૂંફ મળી હોય તેમ તેણે કહ્યું : ‘હા, ભૈશાબ, છોકરી કાળી તો છે જ. ખાસ કરીને લમણાં આગળ. જો માત્ર રંગનો સવાલ તને ન હોય તો છોકરીનો શખ્ખો સારો છે. બળ્યું, પણ એનો રંગ ફક્ત મોઢે જ છે એમ નહીં, આખા શરીરે સરખો છે. પણ એ બધી કૈં મોટી વાત નથી. તને ગમી છે ને, એટલે અમે રાજી.’

એક વિચિત્ર પ્રકારની મૂંઝવણ હૈયામાં ભાર વધારી રહી હતી. રોષનાં આંસુને આવતાં અટકાવવાનું મુશ્કેલ બનતું હતું. જાણે આ સહુ પરાયાં થઈ ગયાં ને ઈલા એકલી મારી આત્મીય બની ગઈ. એની પાસે દોડી જઈ સાંત્વન મેળવવાની વૃત્તિ થઈ આવી. ત્યાં બાપુજીએ ફરી પલીતો ચાંપ્યો : ‘હા, એક કલરનો તને વાંધો ન હોય તો હું એને 100 ટકા માર્ક આપું.’ મને રાડ પાડી બોલવાનું મન થયું : ‘આંધળા છો તમે બધાં જ ? કે પછી આંખો જ નથી તમને ? આટલી સરસ છોકરી છે – !’ મારી નાની બહેન જાણે મારા હૃદયના ભાવને ઝીલી ગઈ હોય તેમ બોલી : ‘ભઈ, મને તો છોકરી ખૂબ ગમી છે. કાળી કરીને શું ? આપણે વળી એવાં શું ગોરાં છીએ તે બિચારીને આમ વગોવીએ ! ને વળી એવી કાળી છે જ ક્યાં ? છોકરી ઊંચી અને સુઘટ છે. આંખો કેવી સુંદર છે ! બોલવામાં પણ કેટલી શિષ્ટ ને એજ્યુકેટેડ લાગતી હતી ! મને તો સારી એવી ગમી છે.’ જાણે હૈયાનો ભાર ઓછો થઈ ગયો. મેં એના મોં સામે જોયું. એના શ્યામ રંગ સાથે ઈલાના રંગને સરખાવવા પ્રયત્ન કર્યો.

એક ટકોરો પડ્યો. જાણે હું તંદ્રામાંથી ઝબકીને જાગ્યો. ‘ઈલા કેવી લાગતી હશે ?’… ‘નરી કાળી છે’ બહેનના શબ્દો કાનમાં ગાજ્યા, ત્યાં ગાડીએ ધસમસ પ્લૅટફૉર્મમાં પ્રવેશ કર્યો. બારીમાંથી ડોકિયું કરતી ઈલાને મેં જોઈને એ ડબાનો પીછો પકડ્યો – જલદી ચાલતાં, લગભગ દોડતાં. ગાડી અટકી. બારણામાં ઊભેલી ઈલાને મેં જોઈ. હું મુગ્ધ બની ગયો. નાની બહેનની વાત સાચી હતી. ઈલાનું સૌષ્ઠવ ખૂબ જ પ્રમાણસર હતું. બંગાળી સાડીમાં સજ્જ એની સુષ્ઠુ દેહલતા અત્યંત કમનીય લાગતી હતી. અમારી આંખ મળી, ચમકી, ને એકસાથે હસી ઊઠી : અંતરતમ ઊર્મિઓનો પડઘો પાડતી. અમે બેઉ પાસે આવ્યાં. એ ફરી હસી: મીઠું, આંખોનું બધું જ લાવણ્ય છલકાવતી, દાંતની બધી જ શોભા પ્રદર્શતી. કેશમાં ગૂંથેલી વેણીએ એને ગયા વખત કરતાં પણ વધુ આકર્ષક બનાવી હતી.
‘આ મારી ઈલા !’ હું ગર્વિત બની ગયો.

અમે ઘર તરફ ચાલ્યાં. ઘેર પહોંચતાં જ એ તો રસોડામાં પેસી ગઈ. અવારનવાર બહાનાં કાઢી અમારાં નવોદિત હૈયાં એકબીજાની ખબર કાઢી લેતાં હતાં. બપોરે અમે જમ્યાં: ગળ્યું સ્તો; દિવસની મહત્તા ઊજજવા. પછી ચાલ્યું પાયલાગણ. કાકા, મામા, મામાના મામા ને એમ ના મળેલાં, ના જોયેલાં સગાંઓને વખતસર પગે લાગી અમે સાંજે ઘેર પાછાં ફર્યાં. ઘર આવ્યું. ઈલાએ પહેલો દાદરો ચડવાની શરૂઆત કરી. આખા દિવસ દરમિયાન આ પહેલું એકાંત અમને મળ્યું હતું. પ્રેમની અવળચંડાઈ મારામાં સળવળી હતી. મેં એના સાલ્લાની કિનારને પકડી રાખી. તે ઉપર ચડતી અટકી ગઈ. ઉપરથી કોલાહલનો અવાજ આવતો હતો. દાદીમાનો અવાજ સૌથી વધારે સંભળાતો હતો. તે બાજુ સંકેત કરી, આજીજીભર્યા મુખે તે મને કિનાર છોડવા વીનવી રહી હતી. છોડવાને બદલે મેં એને ખેંચવા માંડી. એ કંઈક બોલે તે પહેલાં ઘાંટો પાડીને બોલતાં દાદીમાનો સાદ અમારે કાને પડ્યો : ‘મારો દેવ જેવો રૂપાળો છોકરો આપી આ કાળી રાત જેવી છોડીને લઈ આયા. કાગડો દહીંથરું લઈ ગયો ! આ બધુંય અબાપ વિના. એક પણ પૈસો લીધા વિના. ના, ના, એવું તે શું રહી જતું હતું ?!’

મારા હાથમાંથી કિનાર છૂટી ગઈ. ને પેલું ઈલાનું મોં ! એક ઘડીભર મને થયું કે ઈલા બેભાન થઈ મારા હાથમાં ઢળી પડશે. એનું કરમાઈ ગયેલું મુખ મેં જીવનમાં કદાચ પહેલી વાર જ જોયું હશે. એક મિનિટ તે આંખો બંધ કરી એમ સ્તબ્ધ ત્યાં ઊભી રહી. પછી મારા મોટા આશ્ચર્ય વચ્ચે સાવ ધીરા સાદે બોલી : ‘આવું ના કરશો ને ભલા થઈ ને; કોઈ જોશે તો મારી શરમનો પાર નહીં રહે !’ જાણે દાદીમાનાં વાક્યો એણે સાંભળ્યાં જ ના હોય ! કશું જ ના બન્યું હોય એમ પગથિયાં પર પગ પછાડતાં અમે ઉપર ચડ્યાં. કશું જ ના બન્યું હોય તેમ સહુએ અમને આવકાર્યા. કશું જ ના બન્યું હોય એમ દાદીમાએ પગે લાગતી ઈલાને આશિષ આપી વિદાય કરી.

અમે સ્ટેશન તરફ જઈ રહ્યાં હતાં. શું બોલવું એની સૂઝ મને પડતી નહોતી. મર્મસ્થાને વધુ આઘાત ના પહોંચે તેમ પેલી વાતને કેમ ઉખેળવી ? મારી હિંમત ચાલતી નહોતી, પરંતુ કંઈ પણ આશ્વાસન આપ્યા વિના ઈલાને જવા દેવા દિલ માનતું નહોતું. સ્ટેશન આવ્યું. ટિકિટ લઈ અમે પ્લૅટફૉર્મ પર આવ્યાં ને એક જગાએ ઊભાં.
‘ઈલા….!’
મને ત્યાં જ અટકાવી તે મધુર અવાજે બોલી : ‘હું જાણું છું. તમે ક્યારનાય મને દિલાસો આપવા કંઈ કહેવા કરી રહ્યા છો, પણ મને બાના શબ્દોથી ખોટું નથી લાગ્યું.’
‘ખોટું નથી લાગ્યું ?’
‘ના, જેવી છું તેવી છું; તમને ગમી છું ને ? પછી આખી દુનિયા જખ મારે !’
‘હેં ?’ હું અવાક બની, એના ફરી હસી ઊઠેલા, શ્વેત દંતાવલિને ચમકાવતા, સુકુમાર મુખને ચકિત બની નીરખી રહ્યો.

[કુલ પાન : 599. (મોટી સાઈઝ). કિંમત રૂ. 500. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : imageabad@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્પાઈડરમેન – અજય ઓઝા
માતૃસ્તવનો – સંકલિત Next »   

34 પ્રતિભાવો : તમને ગમી ને ? – ઈવા ડેવ

 1. harshad patel says:

  same things happened with me when i was engaged.but ‘tamne gami ne?to dunia jakh mare!’.

 2. Vipul Panchal says:

  Superb story !!!!

  જબ મિયા બિવી રાજી તો ક્યા કરેગા કાજી…

 3. zeel says:

  બરોબર કહ્યુ. કોઇ કઈ પન કહે, પન અમે એક દુજે કે લિયે… 😉

 4. વિરે નાઇસ સ્ટોરી. ગણી વખત આપણે ને ગમતી હોય તો બીજાને ન પણ ગમે કયાક મારી સાથે પણ આવુજ થયુ છે પણ કહેવાય છે ને કે રાજા ને ગમી તે રાણી.

 5. હ્મ્મ્મ્મ્મ્
  ખોટુ ના લાગ્યુ તે સારુ કહેવાય…બાકી આજે તો નાની-નાની વાતમાં મોઢું ચઢી જાય છે

 6. Mihir Shah says:

  હુ આ વાર્તા થિ ઘનો પ્રભાવિત થયો ચ્હુ. ભગ્વન કરે મારા ઘરે પન લોકો માનિ જાય અને કહે કે મને ગમિ અએ સાચિ ઃ)

 7. સરસ વાર્તા છે. જબ છોરા-છોરી રાજી તો ક્યા કરેગા કાજી?

  ઘણી વાર એવું બને છે કે જે છોકરી છોકરાને પસંદ પડે છે તે તેના કુંટુંબીજનોને નથી ગમતી અને ઘણી જગ્યાએ આનું ઉંધુ પણ થતું હોય છે.

 8. Geeta says:

  Guess no one has fully understood the message writer wants to convey through the story. It is not about deference of opinion, but about silent racism. Indian society is a kind of hypocritical when it comes to issues such as racism. The family members of the groom expected to have a fair (gori) girl for the boy – which is the mentality of 90% Indians if you go through matrimonial ads.

 9. મને આ વાર્તા તો હજુયે યાદ છે…જ્યારે પાંચમાં ધોરણમાં હું ભણતો હતો ત્યારે ગુજરાતીના પુસ્તકમાં આ આવતી હતી…અમારા મીનાક્ષીબેનના કેહવાની ઢબ પણ કેમ ભુલાય!

 10. ખુબ સુંદર.

  માત્ર શારિરિક સૌંદર્ય જરુ રી નથી, વ્યકતિ તરીકે તમે કેવા છો તે મહત્વ નું છે. એક દિવસ શરીરને કરચલીઓ પડી જશે..પણ લાગની ને કદી સળ નથી પડતા….આફસોસ કે આ વાત અ બહુ ઓછા લોકો સમજે છે.

 11. Jagruti Vaghela USA says:

  સરસ વાર્તા. રુપનુ નહીં ગુણનું મહત્વ હોવુ જોઇએ.

 12. Dipti Trivedi says:

  સૂક્ષ્મ સંવેદનાઓનું સુંદર નિરુપણ કર્યું છે. જ્યાં આવા દાદી હોય ત્યાં ઈલા(ઓ)એ આવો જ અભિગમ અપનાવવો જોઈએ જેથી સમસ્યા કે મનદુઃખ રહે નહિ.

 13. Hetal says:

  sundar- like Geetaben said – guys want to marry good looking gori girl and girls wants to marry rich guy- it does not matter how he looks, what he does etc- he must have money- This is changing slowly in cities but rural areas have this mentality everywhere.

 14. navin shah says:

  very nice story. this is just happens in the society. presentation is very good. i liked it very much

 15. Falguni says:

  This story is not about racism, atleast I didn’t feel that the girl’s skin color was the highlight of the story. It conveys the age old case of differences in expectations of parents and their kids. I guess a number of people would’ve experienced this in one form or other. Expectation could be about skin color, education, figure, religion, caste, nature, beliefs, future plan, even the country where people would like to settle down. Eventually, everything fades away if there’s love and mutual understanding.
  The take away from this story is definitely to just not care too much about what others think as long as your significant other loves you whole heartedly.

 16. Ramesh Desai. USA says:

  મને ઇલા અને વારતા બ્ન્ને ગમયા!!!!!!!!

 17. Mital Parmara says:

  સરસ લેખ ..શરીરના રંગ કરતા મન જોવું જોઈએ…

 18. જય પટેલ says:

  સૌદર્ય કુદરતનું વરદાન છે અને દરેકને પ્રાપ્ત થતું નથી.

  ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ ગોરી ચામડી અને કાળિયા કૃષ્ણ પાછળ ઘેલા…અને બોલતા જાય
  જેશીકષ્ન જેશીકષ્ન..!! શિક્ષણના પ્રભાવે સમાજની માનસિકતા હવે તો ઘણી બદલાઈ છે.
  સદીઓથી હાહાકાર અને આતંક મચાવતી ડોશીઓના ત્રાસથી ઘણે અંશે મુક્તિ મળી છે.

  પ્રસ્તુત વાર્તામાં નાયક સમજુ અને તેમાંય નાયિકા તો વધારે સમજદાર અને સાહસિક નિકળી.
  વિવાહીત દિવસો દરમ્યાન જ મેણાં ટોણાં સાંભળી રૂંવાડુંય ફરક્યું નહિ…!!
  સમાજમાં જે દિકરીઓ શ્યામવર્ણી હોય તેની સહનશીલતા તો આભને આંબે.

  દિકરીઓ ભણશે તો શ્યામ રંગ સમીપે નહિ આવું…જેવી કવિતાઓ કવિરાજો ગાતાં બંધ થાશે.

 19. Pravin V. Patel [USA] says:

  સૌંદર્યની વ્યાખ્યા ગોરી ચામડીથી આંકવામાં કેટલાયે નવયુવાનોએ ધોબી પછાડ ખાધી છે.
  આંતરિક ગુણભંડાર અને પારકાં પોતાનાં કરવાની ક્ષમતા સાચું સૌંદર્ય છે.
  આવી દિકરીઓ જે ઘરમાં ગઈ તેમનાં ધન ભાગ્ય ઉઘડ્યાં.
  ઈલાનું સાચું સૌંદર્ય એની વાણીમાંથી પ્રસરે છે.
  હાર્દિક અભિનંદન.
  આભાર.

 20. Divyesh says:

  આ વાર્તાનુ હાર્દ વાક્ય,

  ‘ના, જેવી છું તેવી છું; તમને ગમી છું ને ? પછી આખી દુનિયા જખ મારે !’

 21. ‘હું જાણું છું. તમે ક્યારનાય મને દિલાસો આપવા કંઈ કહેવા કરી રહ્યા છો, પણ મને બાના શબ્દોથી ખોટું નથી લાગ્યું.’
  ‘ખોટું નથી લાગ્યું ?’
  ‘ના, જેવી છું તેવી છું; તમને ગમી છું ને ? પછી આખી દુનિયા જખ મારે !’

 22. જગત દવે says:

  સૌંદર્ય જોનારની આંખમાં હોય છે અને પારખનારનાં હદયમાં હોય છે.

  અને પછી…..????પછી આખી દુનિયા જખ મારે છે!

 23. maitri vayeda says:

  મને તો વાર્તા બહુ જ ગમી…

 24. nayan panchal says:

  સરસ વાર્તા. રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી.

  આભાર,
  નયન

 25. ઈન્દ્રેશ વદન says:

  ભારતીયો ને ગોરી ચામડીની આટલી ઘેલછા કેમ હશે?!!
  ફૈર ઍન્ડ લવલી ની ઍડસ માં છેલ્લા વીસ-પચીસ વર્ષોથી એક જ વાત છે, દો હફ્તો મેં ગોરાપન.

  • Viren Shah says:

   ભાઈ એ તમે મને પુછો, જેની જોડે જે ના હોય ને એને જ એ વસ્તુની કદર હોય..આ મારા કદરુપા ચેહરાને લીધે આજે કેટકેટલીયે છોકરીઆએ રિજેક્ટ કર્યો..૩૩ વરસ થયા અને હજી બેરું નથી મલતું.ભુખ્યાને અન્નની કિંમત હોય, તરસ્યાને પાણીની કિંમત હોય્ અને મારા જેવા કાળિયાઓને રુપની કદર હોય. એમાં નવાઈ શું?

 26. Rajni Gohil says:

  સુંદર મઝાની વાર્તા આત્મા અમર છે અને દેહ નશ્વર છે તેની યાદ અપાવી ગઇ. રૂપ રંગ પણ કાયમ રહેવાના નથી પણ સામાજીક વલણને લીધે ગોરા રંગને ખોટું વધારે મહત્વ અપાઇ રહ્યું છે. આશા રાખીએ કે અ વાર્તા વાંચનાર ચામડીના રંગને નહીં પણ હૃદયના રંગને પારખતા શીખશે.

 27. payal says:

  nice story. reminded me of the varta ‘selvi pankajam’. it used to be part of 12th std ciriculum.

 28. Vaishali Maheshwari says:

  Good one!!!

 29. Alpesh Kala says:

  This is a nice story. Eva Dev ( Prafull Dave) was a very good story-writer. just read his beautifull novel called ”MISHRLOHI.”

 30. himaxi vyas says:

  very nice story,in my life i also faced the same experience,

 31. Bihag says:

  @ Geeta

  Racism is different from Discrimination. Racism is discriminating on the bases of different ethnicity. In US so called “white” Americans discriminate “white” Europeans for being different and not knowing English. So Racism has least to do with colour. The message around here is quite clear- રાજાને ગમી તે રાણી. The tug war between family and the Groom is also highlighted. So may be you selected wrong word by mistake.

 32. Amee says:

  Superb !!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.