માતૃસ્તવનો – સંકલિત

[1] કવિ ન્હાનાલાલ

નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ,
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કૂલ !

[2] ત્રિભુવન વ્યાસ

જુગ જુગ જીવો જનની !
એને દુઃખે ધરણી કંપે, નિઃશ્વાસે દાઝે ત્રણ લોક,
ટપકે એનું આંસડું તો – ઊભરાતો બ્રહ્માંડે શોક !
તોય અખંડ ક્ષમા કરણી
જગમાં જુગ જુગ જીવો જનની !

[3] કૃષ્ણલાલ શ્રીધરાણી

ખણી ખણી કોતર કાળજાનાં
આ દેહનું મંદિર તેં ચણી દીધું,
કરી દઈ દાન બધી પ્રભાનાં
આ કોડિયું એક પ્રકાશતું કર્યું !
દયા ઝરે માતની ચંદ્રિકામાં
વસુધરામાં બલિદાન બાનાં !
આરાધનામાં સ્મરું રૂપ બાનું,
ને બા સ્મરીને પ્રભુરૂપ પામું !

[4] પ્રિયકાન્ત મણિયાર

હાથનું ઘોડિયું !
ધરતીથી અદ્ધર અને આભલાની નીચે,
હાથના ઘોડિયામાં બાળ કેવું હીંચે !

[5] રવીન્દ્રનાથ ટાગોર (અનુ. કવિશ્રી નાથાલાલ દવે)

મધુમય દ્યુલોક આ,
છે મધુમય ધૂલિ ધરાની.
એ ચિરંતન મંત્રને મેં હૃદયથી લીધો છે જાણી.
સત્યના આનંદ રૂપે ધર્યો જે મહીંથી આકાર,
એવી પુરાતન વસુંધરાને હું કરું છું નમસ્કાર !
અને,
મધુમય આ ધરાની ધૂળ હું માથે ધરું છું,
વિદાયની અંતિમ પળે હું ધરતીને પ્રણામ કરું છું.

[6] મહાકવિ પ્રેમાનંદ

માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર !
જે બાળકની માતા ગઈ મરી, બાપની સગાઈ તે સાથે ઊતરી;
જેવું આથમતા રવિનું તેજ, મા વિના એવું બાપનું હેત.
સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેવું તલસે મચ્છ;
ટોળાવછોઈ જેવી મૃગલી, મા વિના દીકરી એકલી.
લવણ વિના જેવું ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, મા વિના તેનું બાપનું મન.
ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમને ગમી ને ? – ઈવા ડેવ
ગાંધીડો મારો – દુલા ભાયા કાગ Next »   

3 પ્રતિભાવો : માતૃસ્તવનો – સંકલિત

 1. Mrs. Gurjar says:

  પ્રથમ પુણ્યતિથિએ આપના માતાને કોટિ પ્રણામ!

 2. nayan panchal says:

  મૃગેશભાઈ, આપના સ્વ. માતાશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ.

  નયન

 3. Rajni Gohil says:

  આપના માતૃશ્રીને અંજલી આપવાનો નવિન પ્રયાસ આવકારવાદાયક છે.
  માનું પૂરેપુરૂં ઋણ તો દુનિયામાં કોઇ જ ચુકવી શકે તેવું નથી. આપણે તો ફક્ત યથા શક્તિ નમ્ર પ્રયાસ જ કરવાનો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.