બે દષ્ટાંતકથા – રઘુવીર ચૌધરી

[ ‘વાડમાં વસંત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ધારાશાસ્ત્રી શ્રી ગિરીશ બી. પટેલે એક ‘સત્ય ઘટના’ કહી. એને જરા બહેલાવીને રજૂ કરું. એક દંપતીના પાંત્રીસ વર્ષના સુખી લગ્નજીવનથી આશ્ચર્યચકિત થઈને એક પત્રકારે પ્રશ્ન કર્યો :
‘તમે પાંત્રીસ પાંત્રીસ વર્ષ સાથે જીવ્યાં. એ પછી આજે પણ છૂટાછેડા લેવાનો વિચાર નથી કરતાં. તો શું આ વર્ષો દરમ્યાન તમારે એકેય વાર ગંભીર ઝઘડો થયો નહોતો ? તમે રિસાઈને પિયર ચાલ્યાં ગયાં હો એવું તો બન્યું હશે ને ?’
‘ના. ઝઘડા તો શું, અમારી વચ્ચે મતભેદ પણ પડ્યા નથી. અમારું જીવન સંપૂર્ણ સંવાદિતાભર્યું રહ્યું છે.’
‘એનું રહસ્ય કહી શકશો ? આ માત્ર સુખદ અકસ્માત છે કે પછી એની પાછળ કોઈ સમજવા જેવું ગંભીર કારણ રહેલું છે ? જાહેર જનતાના લાભાર્થે જો તમે કહી શકો તો….’
‘જરૂર. એમાં છુપાવવા જેવું કશું નથી. અમે સાડા ત્રણ દાયકા સુધી પ્રસન્ન દામ્પત્ય ભોગવ્યું એનું એક જ કારણ છે શ્રમ-વિભાજન અને જવાબદારીઓ વહેંચી લીધી હતી.’
‘એટલે કે એક જણ રસોઈ કરે, બીજું વાસણકૂસણ.’
‘ના. એ માટે અમારે ત્યાં નોકર છે. અમે વૈચારિક શ્રમનું વિભાજન કર્યું હતું. જીવનના નાના નાના પ્રશ્નો અંગેના નિર્ણયો હું લઉં, મોટા મોટા પ્રશ્નો અંગેના નિર્ણયો મારા પતિ લે.’
‘વિચારીને કે સહજ સ્ફૂરણાથી ?’
‘હું તો વિચારીને નિર્ણય લઉં છું, મારા પતિ વિશે કહી ન શકું.’

‘મોટા પ્રશ્નો વિશે તો વધુ વિચારવું પડે. જરા કૃપા કરીને દષ્ટાંત આપશો કે તમે ક્યા નાના પ્રશ્નોની માવજત કરો છો અને એ કયા મોટા પ્રશ્નોની ?’
‘જેમ કે ઘરની ખરીદી, કઈ ફિલ્મ જોવી, નાટક જોવું કે નહીં, ક્યાં ક્યારે પ્રવાસે જવું, દરરોજ શી શી રસોઈ બનાવરાવવી વગેરે. જ્યારે મારા પતિ લોકસભાની ચૂંટણીઓ વિશે વિચારે, રાષ્ટ્રીય જાગૃતિ અને ત્રીજી શક્તિ વિશે વિચારે. આંતરાષ્ટ્રીય રાજકારણમાં ભારતે કેવું વલણ લેવું એ વિશે વિચારે. પરમાણુશક્તિના સર્જનાત્મક ઉપયોગ વિશે વિચારે. ટૂંકમાં બધા જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા પ્રશ્નો એ સંભાળે. એ મારા કાર્યમાં હસ્તક્ષેપ ન કરે, હું એમના કાર્યમાં હસ્તક્ષેપ ન કરું. આ કારણે અમારી વચ્ચે કદી મતભેદ પડ્યો જ નથી અને અમે ભાવિ સમાજ માટે ગૃહજીવનનો આદર્શ રજૂ કરી શક્યાં છીએ.’

આ દષ્ટાંત આપણા સમાજના ભૂતકાળની ઝાંખી કરાવે છે. આજે તો સ્ત્રીઓ મુખ્યત્વે મોટા પ્રશ્નોમાં વધુ રસ લે છે. ઈચ્છે છે કે નાના પ્રશ્નોમાં પુરુષો વધુ ધ્યાન આપતા થાય. ઘણાં વર્ષ પહેલાં ચરણસિંહે સરકારી નોકરીમાં સ્ત્રીઓને અમુક હોદ્દા સોંપવા અંગે યોગ્યતાનો પ્રશ્ન ઊભો કર્યો હતો. ત્યારે એ ઉત્તરપ્રદેશના પ્રધાનમંડળમાં હતા અને ઈન્દિરાજી વડાપ્રધાન થાય એ દૂરના ભવિષ્યમાં પણ દેખાતું ન હતું. ઈન્દિરાજી નાના પ્રશ્નોમાં કદાચ પૂરતો રસ લઈ ન શક્યાં પણ મોટા પ્રશ્નોમાં એમના પ્રદાન વિશે આખા જગતે જાણ્યું. વિકાસશીલ દેશોના ગૌરવ માટે એમણે ભારે જહેમત ઉઠાવી. મહાસત્તાઓને પણ અસરકારક ઉત્તર આપ્યા અને રાષ્ટ્રીય ઐક્ય તથા બિનસાંપ્રદાયિકતાના આદર્શ માટે શહાદત સ્વીકારી. આવું જ બીજું નામ છે ઈંગ્લેન્ડના વડાપ્રધાન શ્રીમતી થેચર. ઈંગ્લેન્ડને આર્થિક રીતે સદ્ધર રાખવાનું કપરું કામ એમણે ઉપાડેલું. કોઈ પણ પ્રશ્નનો ઉત્તર વીગતો સાથે આપી શકે એવી સજ્જતા, વાણી પર પ્રભુત્વ. આ બે મહાન મહિલાઓએ પુરુષશાસિત સમાજ પર એવું શાસન કરી બતાવ્યું છે કે ઈતિહાસ યાદ રાખશે. સ્ત્રીને પુરુષ સમોવડી આલેખવી એ આદર્શ ગણાતો હતો. આપણે હકીકતના સાક્ષી બન્યા છીએ.
**********

સ્મૃતિકાર યાજ્ઞવલ્ક્યનું નામ ભારતમાં જાણીતું છે. એ મહાન તપસ્વી હતા, વિદ્વાન હતા, ચિંતક હતા, એમણે એવી યોગ્યતા સિદ્ધ કરી હતી કે એમના માટે જીવનમાં કશું દુર્લભ નહોતું રહ્યું. ભૌતિક સુખસંપત્તિ પણ સામે ચાલીને આવી મળી હતી. એમને બે પત્નીઓ હતી. કાત્યાયની અને મૈત્રેયી. બંનેનાં નામ શિક્ષિત હિંદુ સન્નારીઓ જાણે છે. કન્યાઓ કાત્યાયની નામે વ્રત કરે છે. એ વ્રત કરવાથી મનવાંછિત પતિ પ્રાપ્ત થાય છે. નિર્મળ અને પ્રસન્ન દામ્પત્યસુખ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે ત્યાં કાત્યાયનીનો પણ ભારે મહિમા છે. પરંતુ પેલો જાણીતો પ્રશ્ન તો પૂછેલો મૈત્રેયીએ.

તે યુગમાં જાગ્રત ગૃહસ્થો છેવટે સંસાર છોડી દેતા. યાજ્ઞવલ્ક્યના હૃદયમાં વૈરાગ્ય દઢ થયો. એમણે પોતાની સંપત્તિના બે સરખા ભાગ કર્યા. એક કાત્યાયની માટે, બીજો મૈત્રેયી માટે. ઈચ્છાવર પામેલી કાત્યાયનીએ પતિએ વહેંચી આપેલો ભાગ સ્વીકારી લીધો. મૈત્રેયી વિચારમાં પડી ગઈ. આ સંપત્તિ લઈને હું શું કરું ? એ મારી સાથે હશે તેથી મને શો ફાયદો થશે ? શું મારા મનને શાંતિ મળશે ? મારો ચૈતસિક વિકાસ થશે ? મને મુક્તિનો અનુભવ થશે ? હું મૃત્યુના ભયને તરી જઈશ ખરી ? એણે મનીષી પતિને પૂછ્યું :
‘આ સંપત્તિ મળવાથી હું ‘અમૃતા’ બનીશ ?’
યાજ્ઞવલ્ક્યે કહ્યું : ‘ના, આ સંપત્તિથી તારાં સુખસગવડ સચવાશે, ભરણપોષણની તને ચિંતા નહીં રહે પણ એથી કંઈ તું અમૃતા નહીં થઈ શકે.’ આટલું જાણ્યા પછી મૈત્રેયીને પેલો જાણીતો પ્રશ્ન ઉદ્દભવ્યો છે :
‘યેન અહં ન અમૃતા સ્યામ, કિમઈવ અહં તેન ફર્યામ ? – જેનાથી હું અમૃતા ન થાઉં એને મેળવીને હું શું કરું ?’ આ મારો એક પ્રિય ઉદ્દગાર છે. મારી ‘અમૃતા’ નવલકથાના ત્રણ સર્ગમાં ત્રણ ઉદ્દગાર મૂક્યા છે. નિત્શેનું વાક્ય છે : ‘લાઈફ ઈઝ ગુડ બિકોઝ ઈટ ઈઝ પેઈનફુલ.’ બીજું વાક્ય મૈત્રયીનું છે, જે ઉપર નોંધ્યું છે અને ત્રીજું કદાચ ઉત્તર રૂપે છે એ મહાત્મા ગાંધીનું છે, ‘માણસ જ્યાં સુધી પોતાની જાતને સહુથી છેલ્લે ન મૂકે ત્યાં સુધી એની મુક્તિ નથી.’ આ ત્રણેય વાક્યોનો મર્મ સમજવા જતાં નિબંધોના નિબંધો થઈ શકે. આપણે મૈત્રીયીનું વાક્ય આજના સંદર્ભમાં સમજીએ.

આજકાલ સ્ત્રીવાદી કાર્યકરોનું વૈચારિક આંદોલન ચાલે છે. ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા વિશે ‘સંદેશ’માં મેં બે લેખ લખ્યા હતા. શ્રીમતી કુન્દનિકા કાપડીઆ એ કથામાં સ્ત્રીને રસોડાની બહાર લઈ આવે છે. શું સ્ત્રીએ કાયમ માટે ધરતીના કાદવમાં જ ખરડાયેલા રહેવાનું છે ? શું પુરુષ સાથેનું લગ્ન દૈહિક જરૂરિયાતો સંતોષવા માટે જ છે ? સપ્તપદીનો સંબંધ આકાશ સાથે નથી ? યંત્રસંસ્કૃતિની ભીંસમાં નર્યા ભૌતિકવાદી થઈ ગયેલા પુરુષનો સાથ છોડીને હિમાલયની ઊંચાઈએ જીવતા મિત્રનો સાથ એ કથામાં સૂચવ્યો છે. પણ એની ચર્ચા સીધી કથામાં થઈ નથી. જાણ કે એમાં સ્ત્રીની ભૌતિક જરૂરિયાતોની વકીલાત હોય એવી હવા ઊભી કરવામાં આવી છે. જાણે કે કાત્યાયનીનો આદર્શ પૂરતો માનવામાં આવી રહ્યો છે. પણ એવું નથી.

સન્નારીનું શોષણ, એનું નાની નાની વસ્તુઓમાં થતું અપમાન, એની યોગ્યતાની ઉપેક્ષા બરાબર નથી. ધંધાદારી ફિલ્મનિર્માતાઓ અને દિગ્દર્શકો સ્ત્રીને જાહેરખબરની વસ્તુ બનાવી રહ્યા છે એનો પ્રતિકાર થવો જોઈએ. ક્યાંક ક્યાંક થાય છે. ભૂખે ભજન ન થાય એ ખરું પણ શારીરિક ભૂખ ઉઘાડવા માટે સ્ત્રી સૌંદર્યનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ અંગે સાવધ થઈ જવાની જરૂર છે. ભૌતિક સુખ, સસ્તું મનોરંજન, મોંઘી સાડીઓ અને નકલી ઘરેણાં પ્રત્યે વધુ ને વધુ ખેંચાઈ રહેલી મધ્યમ વર્ગની સ્ત્રીએ એને નવા નવા પ્રાપ્ત થયેલા શિક્ષણનો સદુપયોગ શરૂ કરવો જોઈએ. સદગત પેટલીકર કહેતા કે આપણે આપણી જરૂરિયાતો જેટલી વધારીએ એટલા આપણે બંધનમાં મુકાઈએ. આપણી સ્વતંત્રતા પર કાપ મૂકીએ. ભૌતિક સગવડોનો અતિરેક સુખના આપણા ખ્યાલને પણ એકાંગી કરી દે છે. પ્રેમ, નિર્ભયતા અને સ્વતંત્રતા એ કેવાં મોટાં માનવમૂલ્યો છે એની વિલાસી માણસને ભાગ્યે જ ખબર પડશે.

જે મુક્તિ મૃત્યુ પછી મળે એમ હોય એમાં ગૌતમ બુદ્ધને રસ ન હતો. જીવનના બે છેડા વચ્ચે જ તમારે આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાની હોય છે, સ્વસ્થ થવાનું હોય છે. પ્રેમ અને વાત્સલ્ય એ સ્ત્રીને મળેલાં એવાં મોટાં વરદાન છે કે એ બાબતે પુરુષ એની બરાબરી કરી શકવાનો નથી. સમર્પણ પુરુષ કરશે તો એ મોટે ભાગે અધૂરું હશે. પૂર્ણ સમર્પણની પરિસીમા સુધી સ્ત્રીનું હૃદય વિકસી શકે એની શક્યતા વધુ હોય છે. આજના આ સંદર્ભમાં પ્રેમ, વાત્સલ્ય અને માનવમૂલ્યો પ્રત્યેનું સમર્પણ એ માયા નથી. બલ્કે આ ‘અભૌતિક માયા’ એ જ મુક્તિની પૂર્વશરત છે. ‘અમૃતા’ થવું એટલે ‘અભયા’ થવું. ‘સ્વસ્થ’ થવું, આત્મસ્વરૂપ થવું, સંપૂર્ણ જાગૃતિની દિશામાં આગળ વધવું. આત્મવિજ્ઞાનની પ્રાપ્તિ એ જ મુક્તિની પૂર્વભૂમિકા.

[કુલ પાન : 208. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : સુનીતા ચૌધરી, રંગદ્વાર પ્રકાશન. 15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા. અમદાવાદ-380009. ફોન નં : +91 79 27913344. ઈ-મેઈલ : rangdwar.prakashan@gmail.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્રણ કાવ્યો – શરદ કે. ત્રિવેદી
સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

6 પ્રતિભાવો : બે દષ્ટાંતકથા – રઘુવીર ચૌધરી

 1. zeel says:

  saachu kidhu k prem ane vatsalya stri ne madelo vardan che, jeni barobari purush nathi kari sake. nice

 2. Sonali says:

  Very nice ..loved it

 3. Dipti Trivedi says:

  પહેલી વાતમાં સામાન્ય પતિ પત્ની વચ્ચે જવાબદારી ની વહેંચણી બતાવે છે કે જે ખરેખર જરુરી છે તે પત્ની કરે છે અને પતિ કદાચ નોકરી ધંધો કરતા હશે પણ બાકી વાતોના વડાં કારણ એમના મોટા પ્રષ્નો અંગેના મંતવ્યો અમલમાં મૂકાતા હશે કે એમના સુધી જ ?
  પેટલીકર કહેતા કે આપણે આપણી જરૂરિયાતો જેટલી વધારીએ એટલા આપણે બંધનમાં મુકાઈએ.—-જીવનમાં ઉતારી લેવા જેવી વાત.

 4. nayan panchal says:

  બંને દ્રષ્ટાંતો સુંદર. મૈત્રેયીને આપણી સંસ્કૃતિની એક મહાન વિદૂષી ગણવામાં આવે છે. મૈત્રેયીના મનમાં જે સવાલ ઉદભવ્યો તે આપણા મનમાં ઉદભવે તો કલ્યાણ થઈ જાય.

  લેખકશ્રીનો આભાર.
  નયન

 5. જય પટેલ says:

  શ્રી રઘુવીર ચૌધરીનું લેખનમાં કોઠાસુઝ આંખે ઉડ્ફીને વળગે.

  સંદેશના દિગ્ગજ લેખકોમાંના એક..તેમની કટાર અચુક વાંચતો.
  શ્રી ઈશ્વર પેટલીકર તેમના સમકાલીન….તેમની પણ કોઠાસુઝ વાત.
  જરૂરીયાતો જેટલી વધારીયે એટલા આપણે બંધનમાં મુકાઈએ અને સ્વતંત્રતા ગુમાવીએ.

  આધુનિક સમાજનાં વળગણો…મોબાઈલ..મોપેડ..ડિસ..કિસ વગર શેં રહેવાય ?
  ગુલામીનાં નવાં પ્રતિકો..!!

 6. Anila Amin says:

  લેખકશ્રીનો છેલ્લો પેરેગ્રાફ ખૂબજ સરસ અને વિચાર કરવાયોગ્ય છે. જતુકરવ્વાની ભાવના અને અસીમ સહનશક્તિ

  ઈશ્વરે સહજ રીતે આપેલીજ છેપણ જોપુરૂષ તથા કુટુમ્બીજનો જલ્દી સ્વિકારે એટલુ વ્યક્તિનુ જિવન સહજ બની શકે.

  આમતો પચાસ વર્ષના સહજિવન વાળા દ્મ્પતિઓ પણ જોયાછે. બન્ને લેખો ખૂબજ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.