મનોજ દાસની વાર્તાઓ – અનુ. રેણુકા શ્રીરામ સોની

[ઓડિયા ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મનોજ દાસની કેટલીક વાર્તાઓનો શ્રી રમણલાલ સોનીના પુત્રવધૂ ડૉ. રેણુકાબેન સોનીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, જે પુસ્તક રૂપે ‘મનોજ દાસની વાર્તાઓ’ નામે ઉપલબ્ધ છે. આ પુસ્તકને ‘દિલ્હી સાહિત્ય એકાદમી’ દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયો છે અને ‘નેશનલ બુક ટ્રસ્ટે’ તેનું પ્રકાશન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિયા ભાષાના સર્જક શ્રી મનોજ દાસને સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નું સન્માન પ્રાપ્ત થયેલું છે. તેમના આ સંગ્રહમાંથી આજે બે વાર્તાઓ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26460225 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તલવાર

પલ્ટુની ઉંમર આમ જુઓ તો પૂરાં ચાર વર્ષની પણ નહોતી, તો પણ ઘણી અઘરી વાતો તે સમજી શકતો હતો. તે સમજી ગયો કે આજે સાંજે કંઈક નવું બનવાનું છે. અને તે ચોક્કસ રોમાંચક હશે તથા તેની સાથે તેના પપ્પાને ગાઢ સંબંધ હશે. શહેરમાંથી એક મહિનાની રજા લઈને આવેલા તેના પપ્પા રોજ તેની સાથે ગાળવા માટે ફાળવેલ વખતમાં ક્યાંક ગાયબ થઈ જતા હતા. તે વાતને પણ પેલી આવનારી અદ્દભુત સાંજની સાથે કંઈ સંબંધ છે એવો આછો અણસાર પણ પલ્ટુને આવ્યો હતો.

તેની મમ્મીની દેખાદેખી તેણે પણ રોમાંચિત થવાનું શરૂ કર્યું હતું. સાંજે ચાર વાગે સુકુમાર જ્યારે બહાર જવા નીકળ્યા ત્યારે હસતાં હસતાં પલ્ટુની મમ્મીને ચેતવણી આપી હતી કે જો ત્યાં આવવામાં મોડું કરશે તો તારા માટે બાલ્કનીમાં રાખેલી ખુરશી પર કોઈ બીજું બેસી જશે. પલ્ટુએ પપ્પા સાથે જવાની જીદ કરી ત્યારે મમ્મી પપ્પા એક બીજાની સામે જોઈ રહ્યા હતા અને મમ્મીએ તેને કહ્યું હતું : ‘અરે, પપ્પા હવે તને માત્ર રાતે જ મળશે ! ત્યારે એમને ઓળખશે તો ખરો ને ?’
‘મારો બેટો હશે તો જરૂર ઓળખશે.’ કહી સુકુમાર પત્નીને શરમાવીને અને પલ્ટુને વિચારમાં મૂકી જતા રહ્યા હતા.

તે પછી મમ્મીએ પલ્ટુને ઘણી બધી રમતો રમવા આપી, અરે બાળપોથી ફાડી નાખવાની સ્વતંત્રતા સુદ્ધાં આપી. પણ પલ્ટુનો જીવ રમતમાં ચોંટ્યો નહિ. તેને થયું કે એક વખત જો પપ્પા સાથે રમવાનું મળે તો મજા આવી જાય ! તે સમજણો થયો ત્યારથી પપ્પા તેના એક અદ્દભુત મિત્ર બન્યા હતા. પલ્ટુને હંમેશાં પપ્પા સાથે રમવાની ઈચ્છા થતી ત્યારે પપ્પા તેની જોડે રમતા અને ચૉકલેટ પણ આપતા. પલ્ટુ તેમને મારે તો પણ કુમકુમ, પોટ, જેક વગેરે બીજાં બાળકોના પપ્પાઓની પેઠે તેને થપ્પડ મારવાને બદલે તેના પપ્પા પોતાનો વાંક હોય તેમ હસી પડતા. આજે પલ્ટુને પપ્પાનો સાથ છોડવાની જરા પણ ઈચ્છા નહોતી કારણ કે તેઓ કાલે શહેરમાં જતા રહેવાના છે તે પલ્ટુ જાણતો હતો. તો પણ તે દિવસે પલ્ટુને વધારે વખત એકલા કંટાળાજનક પરિસ્થિતિમાં રહેવું પડ્યું નહિ. એક કલાક પછી મમ્મીએ તેનું મોં સાબુથી સાફ કર્યું અને પાવડર છાંટ્યો. અને પછી પોતે પણ પાવડર લગાવ્યો. પછી તેણે તેને નવું પેન્ટ અને સસલું બેડમિન્ટન રમતું હોય તેવા ચિત્રવાળું નવું શર્ટ પહેરાવ્યું અને પોતે ઝગારા મારતી નવી સાડી પહેરી.

બંને વખતસર હોલ પર પહોંચ્યા.
‘આવ દીકરી, આવ, આવ !’ કહી કલબના વૃદ્ધ સભાપતિએ પલ્ટુ અને તેની મમ્મીનું સ્વાગત કર્યું અને બોલ્યા : ‘આપણા સુકુમારે તો નાટકમાં ગજબનું કામ કર્યું છે. તું જાતે જ જોજે ને ! મેં તો સુકુમારને કહ્યું પણ ખરું કે દીકરા, તું સિનેમામાં ગયો હોત તો એક બે સ્ટાર ઉલ્કા બની ખરી પડ્યા હોત ! જાઓ દીકરી, ઉપર બાલ્કનીમાં જઈ તમારી ખુરશી પર બેસો…’ બાલ્કનીમાં પહોંચતાની સાથે પલ્ટુએ પૂછ્યું :
‘મમ્મી, મારા પપ્પા ક્યાં છે ?’
મમ્મી ધીમેથી હસી. બાજુની ખુરશીમાં એક સન્નારી મમ્મીને અભિવાદન કરી બેસવા ગયાં. તેમના મોં પર હાસ્ય રમતું હતું, તો પણ પલ્ટુએ ખુરશી પર બે હાથ મૂકી તેમને હટાવવાની કોશિશ કરી, અને ‘અહીં મારા પપ્પા બેસશે !’ કહી ચીસ પાડી. મમ્મીએ બહુ મુશ્કેલીથી તેના હાથ ખસેડ્યા અને પડદા તરફ આંગળી ચીંધી કહ્યું : ‘પણે જો, તારા પપ્પા ત્યાંથી નીકળશે.’

પલ્ટુએ નવાઈ પામી તે બાજુ જોયું. મોટા પડદા પર ભૂરો પર્વત અને રક્તવર્ણા સૂર્યોદય તથા સૂર્યાસ્તનું દશ્ય જોઈ તે મુગ્ધ થઈ ગયો. પડદાની બન્ને બાજુએ સ્ત્રીઓ હાથમાં દીવા પકડીને ઊભી હતી. પડદાની અંદરથી વાજિંત્રોના સૂર સંભળાઈ રહ્યા હતા અને રોશનીનો પ્રકાશ દેખાતો હતો. તે પડદા પર તેના પ્રિય પપ્પા દેખાશે, એ વાત પર પલ્ટુ રોમાંચિત થયો.
‘પપ્પા દેખાશે ત્યારે હું તેમને બૂમ પાડી બોલાવીશ.’
‘છી ! મોં નહિ ખોલવાનું !’ મમ્મીએ કહ્યું, પણ પલ્ટુને મમ્મીની આ સૂચના ગમી નહિ.

પડદો ઊંચકાયો. મેવાડની રાણી પદમાવતી તેના નાના રાજકુમાર, ભવિષ્યના મહારાણા ઉદયસિંહને ધાઈ પન્નાના હાથમાં સોંપી સતી થવા જતી હતી. પન્ના ધાઈ રડી પડી.
‘પપ્પા ક્યાં છે ? આ રડતી બાઈ કોણ છે ?’ પલ્ટુએ પૂછ્યું.
‘ચૂપ, ચૂપ ! આ તો રેવા બહેન છે ! તારા બાળમંદિરના બહેન ! તને પેલા દિવસે રમકડું આપેલું ને એ !’ પલ્ટુ નવાઈ પામ્યો કે જે રેવાબહેન કોઈ છોકરાને રડતો જુએ તો તેડી લે તેમને વળી બધાના દેખતાં શા સારું રડવું પડે ? તેમનું મોં આવું શી રીતે બદલાઈ ગયું ? પપ્પાની રાહ જોવામાં તેણે એક પછી એક કેટલાય અણગમતાં દશ્યો સહન કર્યાં. હવે નાની સરખી દાઢીવાળા એક પુરુષે પ્રવેશ કર્યો. એક પ્યાલામાં કંઈ પીણું પીતાં પીતાં પોતાનો અવાજ ગંભીર કરી એ બોલ્યો : ‘આજે રાત્રે મને નડતો કાંટો ઉખાડી હું મારો રસ્તો સાફ કરી દઈશ.’ તેણે પાઘડી પહેરેલી હતી અને કમરે તલવાર લટકતી હતી. બોલતાં બોલતાં તેણે અટ્ટહાસ્ય કર્યું.
‘બદમાશ !’ પલ્ટુએ પોતાનો અભિપ્રાય આપ્યો.
મમ્મી ધીમું હસી, ‘આગળ જો !’ કંઈ છુપાવતી હોય તેવી રીતે તેણે પલ્ટુને કહ્યું.
‘ના, મારે નથી જોવું…. પપ્પા ક્યાં છે ? તું શા માટે ખોટું બોલી હતી કે પપ્પા પડદા પાછળથી આવશે ?’

એ વખતે પેલો નિષ્ઠુર દાઢીવાળો વનવીર મ્યાનમાંથી તલવાર કાઢી ઓરડામાં પ્રવેશ્યો. થોડી વાર પહેલાં જ નિદ્રાધીન રાજકુમારને છૂપી રીતે બહાર મોકલી દઈ પન્ના ધાઈએ દૂધ જેવી સફેદ પથારીમાં પોતાના જ પુત્રને સુવાડ્યો હતો. પ્રેક્ષકોમાં અપૂર્વ શાંતિ છવાયેલી હતી. કોઈ જરા પણ અવાજ સહન કરી શકે તેવી સ્થિતિ નહોતી. બડબડ કરતા પલ્ટુ તરફ ઘણા પ્રેક્ષકોએ વિચિત્ર નજરે જોયું અને તેની મમ્મી સમક્ષ પોતાનો અણગમો વ્યક્ત કર્યો.
‘જો, જો !’ મમ્મી જાતે પણ ઉત્સુક દેખાતી હતી. મમ્મી કંઈક વધારે બોલશે એવું પલ્ટુને હતું પણ મમ્મીની આંખો તો રંગમંચ પર ખોવાયેલી હતી. વનવીરે ધારદાર અવાજે પન્ના ધાઈને પૂછ્યું, ‘ઉદય ક્યાં છે ?’ તેના હાથમાંની તલવાર રોશનીમાં ચમકતી હતી.
‘મમ્મી ! આ બદમાશ શા માટે પેલા છોકરાનું પૂછે છે ?’ પલ્ટુએ ગંભીર ઉત્કંઠાથી મમ્મીને પૂછ્યું.
‘તું આવું કેમ પૂછે છે ? કેમ, ઓળખી નથી શકતો ?’ મમ્મીએ પ્રેમથી પલ્ટુને ધબ્બો મારીને કહ્યું. વનવીરે તલવાર ઉગામી. પન્ના ધાઈ બાળકને બચાવવા નીચી નમે તે પહેલાં વનવીરે અટ્ટહાસ્ય કર્યું. તે જ ક્ષણે પલ્ટુ પપ્પાના આ કુરૂપને ઓળખી ધ્રૂજી ઊઠ્યો. પરિચિત વ્યક્તિને આ રૂપમાં જોઈ તેની બન્ને આંખો બીકથી વિસ્ફારિત થઈ ગઈ. તેણે ચીસ પાડવા ખોલેલું મોં જોતાંની સાથે જ મમ્મીને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. પલ્ટુને એકદમ તેડી લઈ એ બાલ્કનીમાંથી બહાર આવી ગઈ. પલ્ટુ બીકનો માર્યો જોરથી રડવા લાગ્યો અને મમ્મીને બાઝી પડ્યો. આ બાજુ, સુકુમારે ઊંઘતા બાળક પર તલવાર ઉગામી હતી. પ્રેક્ષકોની સંપૂર્ણ શાંતિનો ભંગ કરતા પલ્ટુના રુદનનો અવાજ તેણે ઓળખ્યો. પણ અત્યારે તો તે અવાજ તેને તલવારની ધાર નીચે સૂતેલા બાળકનો જ ભાસ્યો. એક ક્ષણ વાર તે ભૂલી ગયો કે જેને તેણે તલવાર વડે વીંધી નાખ્યો છે તે ગાભાનું પૂતળું છે. તે વ્યાકુળ બની ગયો.

રાત્રીના છેલ્લા પહોરે ઘેર આવી સુકુમારે જોયું તો નિદ્રાધીન પલ્ટુનું મોં રડી રડીને સૂજી ગયું હતું. બપોર સુધી ધીરજ ન રહી. પલ્ટુ જાગે તે પહેલાં જ સવારની ટ્રેન પકડી શહેર છોડી જતા રહેવું સારું તેવું તેને લાગ્યું. નાટકમાં તેણે ગમે તેટલો અદ્દભુત અભિનય કર્યો હોય પણ પલ્ટુના હૃદયમાંનો ખોવાયેલો પ્રેમ તે કદી પાછો મેળવી શકશે તેવો વિશ્વાસ તેને રહ્યો નહિ.
.

[2] પૌત્રી

ગુલમહોર અને આસોપાલવથી ઘેરાયેલી લોન વચ્ચે જનરલે તેમના હાથ નીચેના અફસરોની તાકીદની મીટિંગ બોલાવી હતી. પાછળ રાખેલા ટેબલનો ટેકો દઈ ઊભેલા જનરલ પોતાના ડાબા હાથ પર લાકડી પછાડતા પછાડતા વાત કરતા હતા ત્યારે તેમની કાળી મૂછો પર પરસેવાના ટીપાં હીરા-કણની જેમ ચમકતાં હતાં. ટેબલ પર ગુપચુપ ચઢી જઈ પલાંઠી વાળીને બેઠેલી તેમની નાની પૌત્રી હીરાની ઢીંગલી જેવી ચમકતી હતી. તેણે રૂપેરી રંગનું જ્યોર્જેટનું ફ્રોક પહેરેલું હતું અને માથે નારંગી રંગની રીબીન બાંધેલી હતી.

અચાનક તેણે જનરલ સાહેબની નકલ કરવાનું શરૂ કર્યું. જનરલને તે દેખાતું નહોતું પણ સામે બેઠેલા અફસરો તે જોઈ શકતા હતા. એક બાજુ જનરલનું ગંભીર ભાષણ નિષ્ઠાપૂર્વક સાંભળવાનું અને બીજી બાજુ જનરલની પૌત્રીના તોફાની ચાળા જોઈ હસવું આવે તો ખાળવાનું – આ તેમના માટે ઘણું અઘરું હતું. આવી દ્વિધા ભરી પરિસ્થિતિમાં આવી પડેલા એ અફસરોનાં મોં જોવા જેવાં બન્યાં હતાં. પણ અફસરોનાં નસીબ સારાં કે જનરલે વાતવાતમાં એક જોક કહી. આ મોકો મળતાં અફસરોનું હાસ્ય જ્વાળામુખીની જેમ ફાટી પડ્યું. જોકે સાવ સાધારણ જોકનું આવું મોટું પરિણામ જોઈ જનરલને પોતાના અફસરોની નિષ્ઠા વિષે અને પોતાની નેતાગીરી વિશે ઊંચો અભિપ્રાય બંધાયો. અફસરોનું હસવાનું બંધ થયું ત્યારે પણ પૌત્રી તો ખિલખિલાટ હસતી જ રહી.

‘અરે ગુડ્ડી ! તું અહીં ક્યારે આવી ?’ જનરલે પાછળ ફરી પૌત્રીને જોઈ પૂછ્યું.
‘તું અહીં ક્યારે આવી ?’ પૌત્રીએ ભારેખમ અવાજે જનરલના ચાળા પાડ્યા. એટલામાં એક સંદેશવાહકે આવી સલામ ઠોકી જનરલ સાહેબને ધીમેથી કંઈ સમાચાર આપ્યા.
‘ઓહ !’ જનરલની ભ્રમરો સંકોચાઈ અને મૂછ પરના પરસેવાનાં ટીપાં લૂછી કાઢી તેમણે અફસરોને કહ્યું : ‘તમે સૌ અહીં મારી રાહ જોજો. મને જરૂરી કામસર બોલાવવામાં આવ્યો છે. હું પાછો ફરીશ ત્યારે કદાચ તમને ઘણાં મહત્વનાં સમાચાર સાંભળવા મળશે.’ આમ કહી જનરલે લાકડી બગલમાં દાબી એબાઉટ ટર્ન કર્યું.
‘દાદા, મારે તમારી સાથે આવવું છે.’ ગુડ્ડીએ બે હાથ ઊંચા કરી પોતાને તેડી લેવાની જીદ કરી.
‘અરે, તને ક્યાં લઈ જાઉં !’
‘તને ક્યાં લઈ જાઉ !’ ગુડ્ડીએ ફરી જનરલના ચાળા પાડી ટેબલ પર લેફટ-રાઈટ શરૂ કર્યું.
જનરલ સાહેબે તેને નજીક ખેંચી બચ્ચી કરી કહ્યું : ‘છી ! જો, તું અને હું બેય જણ અહીંથી જતા રહીએ તો આ આપણા બધા મહેમાનોને કેવું ખરાબ લાગે ! મારી વતી તું અહીં એમની જોડે રહે, એમને ખુશ રાખ. હું નહિ, તું નહિ, તો આ લોકો બિચારા અહીં કરશે શું ? હું તારા માટે ચોકલેટ લાવીશ હોં !’
તે પછી જનરલ ચાલી ગયા.

ગુડ્ડીનું કમળની કળી જેવું મોં ફૂલી ગયું. દાદાની કાર ઝાંપાની બહારથી દેખાતી બંધ થતાંની સાથે જ તેણે ડબલ વેગથી લેફટ રાઈટ શરૂ કર્યું અને આંખો મીંચી ચીસ પાડી, ‘મારે, દાદા જોડે જવું છે.’ પછી તે રડવા લાગી.
‘અરે દીકરી, રડ મા ! હાથી જોવો છે તારે હાથી ?’ મેજર જનરલ જોસેફે ગુડ્ડીને ફોસલાવવા પૂછ્યું. ગુડ્ડીએ ડૂસકું દબાવ્યું અને માથું હલાવી હા કહી.
‘આ જો, હાથી !’ કહી જોસેફે તેમના સૌથી જાડા સહકર્મી અરોરાને ઊભો કરી ગુડ્ડીની સામે ખડો કરી દીધો. ગુડ્ડીએ ફરી આંખો લૂછી નાક ફુલાવ્યું, અને જીદ કરી : ‘મારે તો વાઘ જોવો છે.’
‘વાહ દીકરી, વાઘ જોવો છે તારે ? અચ્છા જો ! વાઘ આમ ત્રાડ નાખે….’ હબીબ ઉલ્લાએ આગળ આવી કહ્યું અને વાઘની પેઠે ત્રાડ નાખી.
‘આવો વાઘ નહિ, આ વાઘ તો બે પગે ઊભો રહી ચિરૂટ પીતાં પીતાં ત્રાડ નાખે છે’ અને પછી તરત બોલી, ‘મારે દાદા પાસે જવું છે…..’
હબીબ ઉલ્લાએ ચિરૂટ ફેંકી દીધી અને કબૂલ કર્યું કે વાઘ કદી તમાકુનું સેવન કરતો નથી અને ચાર પગે જ ચાલે છે ! પછી તેણે લોન પર વાઘની પેઠે ચાર પગે ચાલી બતાવ્યું. હબીબ ઉલ્લાની આ હરકતો જોઈ બધા અફસરો ખુશ થઈ હસી પડ્યા.

‘જો દીકરી, વાઘને આવી રીતે મરાય….’ હવે રહીમે આગળ આવી કહ્યું. તે ઘૂંટણો પર બેસી ગયો અને લાકડીથી ફટકારતો હોય તેમ તેણે ધડામ ધડામ અવાજ કર્યો. હબીબ ઉલ્લાએ માર ખાઈ ચત્તા પડી જવાનો અભિનય કર્યો. અફસરોએ તાળીઓ પાડી પણ ગુડ્ડીએ તો મોટું ડૂસકું ભરી કહ્યું :
‘ઓચિંતાનું રીંછ આવી જાય તો શું થાય ?’
‘તો રીંછની જોડે આમ લડાઈ થાય….’ એમ કહી જસવીર સિંહે રહીમ ઉપર કૂદકો માર્યો. ફરી હાસ્યનો ફુવારો આખી લોન પર ફરી વળ્યો. આટલું છતાં, ગુડ્ડી બહુ ખુશ થઈ હોય તેવું જણાયું નહિ. ગમે તેમ પણ જનરલ સાહેબ પાછા આવે નહિ ત્યાં સુધી તેમની પૌત્રીનું ધ્યાન તો રાખવું જ જોઈએ – એવું અફસરોને લાગતું હતું, તેથી કોઈ ઊંટ બન્યો, તો કોઈ ગોરીલો બન્યો… અને એવા તો કંઈ કંઈ વેશ લઈ બધા ગુડ્ડીને ખુશ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. ગુડ્ડી એક ક્ષણ ખુશ દેખાતી તો બીજી ક્ષણે રડતી હતી.

એટલામાં જનરલ સાહેબ પાછા આવી ગયા.
‘દાદા, તમે કેટલું બધું મોડું કર્યું ?’ હવે ગુડ્ડીનું મોં પહેલાં જેવું સ્વાભાવિક થયું. દાદાની છાતીમાં મોં છૂપાવી તેણે ધીમેથી કહ્યું : ‘તમે તો મારા માથા પર ભાર નાખીને જતા રહ્યા, પણ તમારા આ બધા છોકરાઓને ખુશ રાખવા માટે મારે કેટલી વાર સુધી રડવું પડ્યું, તેની તમને ખબર છે ? ચાલો, લાવો મારું ઈનામ ! ચોકલેટ !’

[કુલ પાન : 193. કિંમત રૂ. 55. પ્રાપ્તિસ્થાન : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા. એ-5, ગ્રીનપાર્ક નવી દિલ્હી-110016.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારબિંદુઓ – મૃગેશ શાહ
જીવનામૃત – સંકલિત Next »   

15 પ્રતિભાવો : મનોજ દાસની વાર્તાઓ – અનુ. રેણુકા શ્રીરામ સોની

 1. Mital Parmara says:

  બહુ જ સરસ …”તમે તો મારા માથા પર ભાર નાખીને જતા રહ્યા, પણ તમારા આ બધા છોકરાઓને ખુશ રાખવા માટે મારે કેટલી વાર સુધી રડવું પડ્યું, તેની તમને ખબર છે ? “

 2. MEGHA says:

  really good………..what a amazing child…i thing now a days all children are growing fast…..

 3. બંને વાર્તાઓ મસ્ત છે. એમાં પણ બીજી વાર્તા તો ખુબ જ સરસ લાગી.

 4. nayan panchal says:

  ગુડ્ડી તો બહુ મોટી નીકળી. મજા આવી ગઈ.

  બાળકોની ગ્રહણશક્તિ અને નિર્દોષતા ખૂબ જ સંવેદનશીલ કોમ્બિનેશન છે, ખૂબ ધ્યાન રાખવુ પડે.

  આભાર,
  નયન

 5. ajay says:

  એકે એક વસ્તુ આંખ સામે ભજવાતી હોય એવું લાગ્યું. બહુ જ સરસ વર્ણન.

 6. Veena dave. USA says:

  સરસ વાતો. બોધપાઠ લેવા જેવી….

 7. Anila Amin says:

  ખૂબજ સરસવાર્તા. બાળકોની નિર્દોષતા , નિખાલસતા અને વાસ્તવિકતા નો આગ્રહ હ્રદયસ્પર્શી રહ્યા સાથે સાથે આનન્દ પણ

  એટ્લોજ આવ્યો. વાચવાની મઝા પડી ગઈ.

 8. Vaishali Maheshwari says:

  Very nice stories. Kids are not just innocent now, they have become very smart and their level of understanding has also gone up. Thank you Ms. Renuka Soni for translating this in Gujarati, which made it possible for us to read it.

 9. jay says:

  ખતરનાક …….. મારે રોવુ પડ્યુ…….

 10. Pravin V. Patel [USA] says:

  કેટલાક ચબરાક બાળકો મોટાઓને પોતાની ટચલી આંગળી પર નચાવે છે તેનો ખ્યાલ સુધ્ધાં આવતો નથી.
  સરસ વાતો.

 11. dhiraj says:

  ગુડ્ડી તો જોરદાર નીકળી

 12. khushbu says:

  jai shree krishna

  ghar ma bole dokara
  ane bahar bole chokara

  kathiwad ma aa kahevat khub j janati che

  maza aavi gayi

 13. shachi says:

  સરસ. મજા આવિ.

 14. Vaishali Gandhi says:

  Tamari Kruti Khubaj Saras che. I like your Strory

 15. Gunjan says:

  2nd story is amazing… i thought that there is a bad news at last…. but interesting one… thnx

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.