- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વિચારબિંદુઓ – મૃગેશ શાહ

[ એમ કહેવાય છે કે પશ્ચિમના દેશો પાસેથી સાધન મેળવવું અને પૂર્વના દેશો તરફથી વિચાર મેળવવો જોઈએ. આજના સમયમાં એવું એક સાધન છે ‘ફેસબુક’. તેનો સદઉપયોગ કરવાના ઉદ્દેશથી રોજ એક સારો વિચાર તેમાં લખવાનું શરૂ કર્યું અને એ રીતે આસપાસ જોતાં જે કંઈ સહજ સ્ફૂર્યું તે તેમાં લખાતું ગયું અને સંગ્રહિત થતું રહ્યું. આજે એ સંગ્રહિત થયેલા વિચારબિંદુઓને અહીં પ્રકાશિત કરવામાં આવે છે.]

[1] અગાઉ વાંચન અને કેળવણીથી માણસો બદલાતાં, ઘર-પોળ-શેરી-સોસાયટી જેમનાં તેમ રહેતાં. આજે ફ્રીજ, ટીવી, મોબાઈલ, ઘર, શહેર તથા દુનિયા સતત બદલાતી રહે છે, જ્યારે માણસ વાંચન અને પોતાના આંતરિક વિકાસના અભાવે એવો ને એવો દેખાય છે ! આને વિકાસ કહી શકાય ખરો ?

[2] એ.ટી.એમ કે બેન્કની બહાર સિક્યોરીટી હોય એ તો સમજી શકાય, પરંતુ બોર્ડની પરીક્ષા વખતે પોલીસ મૂકવી પડે એ તો કેવું હાસ્યાસ્પદ દ્રશ્ય છે ! એવી કેવી કેળવણી આપી કે પોતાના જ વિદ્યાર્થીઓ પર વિશ્વાસ નહીં ? પોલીસ અને સુપરવાઈઝરને રાખવા પડે એ શિક્ષણજગતની ઉઘાડી નિષ્ફળતા નહીં તો બીજું શું છે ?

[3] દુનિયા ગજબ છે ! બાળપણમાં ઘડીકમાં બધુ ભૂલી જવાય છે તો દુનિયા કહે છે કે યાદ રાખતા શીખો. ઘડપણમાં બધું યાદ આવ્યા કરે છે ત્યારે લોકો કહે છે કે ભૂલતા શીખો તો સુખી થશો ! ખરું કહેવાય !!

[4] ‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’ આ વાક્ય સાંભળી જમનાલાલ બજાજે વિનોબાજીને પૂછ્યું કે ‘આ “કુછ બાત હૈ” એટલે એવી કઈ વાત છે જે ભારતની તાકાત છે ?’
‘એ છે ભારતની શબ્દ અને સાહિત્ય શક્તિ’ વિનોબાજીએ કહ્યું. ભારતની ઓળખ સ્કાયવોક, ફલાયઑવર, મૉલ કે મલ્ટીપ્લેસ નથી. ભારતની ઓળખ છે છેવાડાના માણસનું ‘આજે અમારે ત્યાં રોકાઈ જાઓ ને…….’ એમ કહેતું લાગણીભીનું હૈયું. ભારતને સમજવું હોય તો આમ આદમીના હૃદય સુધી યાત્રા કરવી પડે.

[5] વીમા કંપનીઓ આપણને સતત યાદ દેવડાવે છે કે આપણું અસ્તિત્વ જોખમમાં છે કારણ કે જો તેઓ એમ ન કરે તો એમનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેમ છે ! કોઈકે સાચુ જ કહ્યું છે કે હેતુ વગર આ દુનિયામાં કોઈ હેત કરતું નથી.

[6] કેટલાક પુસ્તકો ખરા અર્થમાં ‘પુસ્તકો’ હોતાં જ નથી, એ તો ‘પ્રોડક્ટ’ હોય છે. તે હૃદયના શાંત ઉપવનમાં નહીં પરંતુ મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે. સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે. સાહિત્યની શોભા તો એ છે કે તે પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને. જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે, એ જ સાચા પુસ્તકો છે.

[7] મનોરંજન માટે ગમે તેટલા અદ્યતન ઉપકરણો શોધાય, પરંતુ માણસને માણસની જરૂરત રહેવાની જ. ઓટલા પર આસપાસના બાળકો રમતા હોય, પડોશીઓ સૌ સાથે બેસીને તુવેરશીંગ ફોલતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી હીંચકતી હોય – આવો આનંદ દુનિયાનું કોઈ સાધન આપી શકે નહીં. ઘડપણમાં વડીલોને ‘વેબકૅમ’ની નહીં પરંતુ વ્હાલભર્યા સ્પર્શની જરૂરત હોય છે, એટલું જો સમજીએ તો વિકાસના નામે થતી ઘણી ભાગદોડ ઓછી થઈ જાય !

[8] મામાને ત્યાં વેકેશન માણી પરત ફરેલા બાળકને પિતાએ કહ્યું: ‘જો સોસાયટીમાં સિમેન્ટના રસ્તા બની ગયા છે અને દરવાજો પણ મુકાઈ ગયો છે. હવે તમે આરામથી અહીં રમી શકશો.’ આ વાત સાંભળી બાળકે વેધક પ્રશ્નો પૂછ્યાં :
‘પપ્પા, હવે પાણી નહીં ભરાય તો હું કાગળની હોડી ક્યાં મુકીશ ?…. શું પેલી બકુડી ગાય હવે ઘાસ ખાવા નહીં આવે ?….. કહો ને પપ્પા, પેલા કરીમચાચા શાકભાજી લઈને મને ટામેટું આપવા નહીં આવે ? અને માટીની ભીની ભીની સુગંધનું શું, પપ્પા ?’

[9] ‎60 વર્ષ સુધી સૌ એમ કહે છે ‘સમય મળતો નથી !’ અને 60 પછી સૌ એમ કહેતા સંભળાય છે કે ‘સમય જતો નથી !’ સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી ‘ઈન્ડસ્ટ્રિયલ બૅલ્ટ’ પરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય છે, એમ વીતી જાય છે. ભાગ્યે જ કોઈક ‘મનુષ્ય’ બનવાની દિશામાં પ્રયાસ કરે છે. સૌથી અઘરું કામ પોતાની ઓળખ મેળવવાનું છે ને !

[10] પૃથ્વીનો ગુણ ગંધ કહેવાય છે તેમ આકાશનો ગુણ શબ્દ કહેવાયો છે. એ તો વિજ્ઞાન સિદ્ધ વાત છે કે આકાશ વગર બોલાયેલા શબ્દો ગતિ કરતા નથી અને સાંભળી શકાતા નથી. પરંતુ અહીં આકાશનો એક અર્થ ‘અવકાશ’ એમ કરવાનું મન થાય છે. અવકાશ એટલે મોકળાશ. જ્યારે આપણે નવરાશની પળોમાં એકલાં બેઠાં હોઈએ ત્યારે શબ્દો અને વિચારો સ્ફૂરે છે. જેટલો અવકાશ વધારે એટલા નવા વિચારોનું સ્ફૂરણ વધારે. નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.

[11] અત્યંત કાળી મજૂરી કરનાર મજૂર જેમ થાક ઉતારવા માટે વ્યસનનો સહારો લે છે તેમ ક્યારેક અત્યંત બૌદ્ધિક શ્રમ કરનાર શિક્ષિત વર્ગને મનોરંજનની જરૂર પડતી હોય છે. મનોરંજનના સાધનોની સૌથી વધુ જરૂર એને પડે છે જેને પોતાનું કામ નથી ગમતું અથવા તો જે પોતાની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ ચાલે છે. જેટલો મગજનો થાક વધુ એટલું મનોરંજનનું સ્તર નીચું. બિભત્સ દ્રશ્યો, અશ્લીલ સંવાદો પર હસતો સમાજ માનસિક રીતે થાકેલો કે અસ્વસ્થ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

[12] એક સત્સંગી પરિવારમાંના પતિ અને પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું પરંતુ એમનાં પત્ની બચી ગયાં. એ બેન સારવાર લઈ રહ્યા હતા ત્યારે કોઈકે તેમને પૂછ્યું : ‘તમે આટલો સત્સંગ કર્યો તોય તમારું દુઃખ દૂર કેમ ન થયું ? આવું દુઃખ પડે તો પછી સત્સંગનો શો અર્થ ?’
બેને સુંદર જવાબ આપ્યો : ‘સત્સંગનો અર્થ દુઃખને ભગાડવાનો નથી પરંતુ તેને સમજવાનો છે. સત્સંગથી દુઃખ દુર નથી થતાં પરંતુ તેને સહન કરવાની કે સમજવાની બુદ્ધિ કેળવાય છે. નરસિંહ મહેતા જેવા અનેકોને પાર વિનાના દુઃખ પડ્યા છે જ ને !’

[13] કોઈ અનુભવીએ સાચું જ કહ્યું છે કે, ‘જો તમારા સંતાનો મૂરખ હોય તો એને માટે તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી કારણ કે તેઓ તમારી સંપત્તિનો દુર્વ્યય જ કરશે. જો તમારા સંતાનો બુદ્ધિશાળી હોય તો તો તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર જ નથી કારણ કે તેઓ પોતાની બુદ્ધિથી પોતાના નસીબનું કમાઈ જ લેવાના છે.’ ક્યારેક કમાવવાનો મોહ આપણે બીજાના નામે ચઢાવી દેતા હોઈએ છીએ !

[14] માણસની મૂળ પ્રકૃતિ એવી છે કે એની પાસે જે કંઈ હોય તે અન્યને બતાવ્યા વગર રહી શકતો નથી. તે ઈચ્છે છે કે દુનિયા તેની નાનામાં નાની વાતની નોંધ લે. દુનિયા તેને સાંભળે, તેને જુએ. આ વૃત્તિ કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થતી રહે છે, એ પછી ઘરનો ઓટલો હોય કે ફેસબુક !

[15] જો ઈશ્વર આપણને જીવનભર કંઈ જ દુઃખ ન આપે તો મનુષ્ય તરીકેની આપણી સહનશક્તિનું એ સૌથી મોટું અપમાન છે.

[16] ઘણીવાર માહિતીને જ્ઞાન તરીકે ખપાવવામાં આવે છે અને આપણે બિનજરૂરી માહિતીથી મગજને ભરતા હોઈએ છીએ. પેસિફિક મહાસાગરના પેટાળમાં ફલાણી ફલાણી માછલી ક્યા પ્રકારની છે એ જાણીને આપણે શું કામ ? આપણને આપણા ઘરના માળિયામાં શું પડ્યું છે એનોય ખ્યાલ હોતો નથી ! જ્ઞાન એ છે જે આપણને યોગ્ય સમજણ આપે અને આપણા ઉપયોગમાં આવી શકે.

[17] જેણે જીવનમાં કંઈક કરવું છે તેણે પૈસા કમાવવાની બાબતમાં પેટ્રોલ ભરાવવા જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. ‘રિઝર્વ’માં આવે ત્યારે પેટ્રોલપંપ પર જવું ! એ રીતે જરૂર પૂરતું કમાઈને બાકીના સમયે પોતાના મુખ્ય કાર્યમાં લાગી જવું. આ રીત અપનાવાય તો જ કંઈક જીવનકાર્ય કરી શકાય. બાકી તો દુનિયા આપણા ગળે વ્યર્થ કામો લગાડવાની એક પણ તક જતી નહીં કરે ! નિરંતર જાગૃતિ એ જ માત્ર એક ઉપાય.

[18] માતાપિતા જ્યારે બાળકને એમ કહે કે ‘સોસાયટીમાં તું અમુક મિત્ર જોડે ન રમીશ કારણ કે એ તો ગુજરાતી મિડિયમમાં છે’, તો એવા માતાપિતાને શું કહેવું ? અભણોની અસ્પૃશ્યતા કરતા ભણેલાઓની અસ્પૃશ્યતા વધારે ભયંકર હોય છે કારણ કે તેમને સમજાવવું પણ શક્ય નથી હોતું. આપણને એમ લાગે કે અમુક દુર્ગુણો સમાજમાંથી જતાં રહ્યાં પરંતુ એ તો નવું રૂપ ધારણ કરીને આ રીતે ઊભા જ હોય છે !

[19] ‎’સહન’ અને ‘શોષણ’ એ બે શબ્દ વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. એકમાં સ્વેચ્છાએ સહજ સ્વીકાર છે જ્યારે બીજામાં ખુલ્લું દમન છે. માતા બાળક માટે કે પરિવાર માટે પોતાનું કંઈક જતું કરીને સહી લે છે, તો એ ‘શોષણ’ ન કહેવાય. સહન શક્તિ માણસને ગૌરવ બક્ષે છે. આ બંને શબ્દો વચ્ચેનો તફાવત સમજ્યા વગર જ કેટલાક નારીવાદી સંગઠનો સમાજસેવા માટે તૂટી પડતા હોય છે !

[20] વિવિધ પ્રકારની ઉપજાતિઓમાં એક પ્રકાર છે ‘વિચરતી જાતિ’. તેઓ પોતાના રોજગાર અર્થે અલગ અલગ ગામ-શહેરમાં વિચરણ કરતાં રહે છે. આજની વ્યસ્ત દુનિયામાં ક્યારેક શિક્ષિતવર્ગની હાલત પણ આ ‘વિચરતી જાતિ’ જેવી થઈ જતી જોવા મળે છે ! વધુમાં વધુ પગાર માટે ક્યાંક તો નોકરી બદલતા રહેવું પડે છે અથવા નોકરીમાં બદલી થતી રહે છે. પરિણામે તેઓએ છતાં ઘરે, બેઘર બનીને માત્ર ‘ઈનવેસ્ટમેન્ટ’ કરીને સંતોષ માનવો પડે છે. પરંતુ દુનિયા આને જ વિકાસ કહે છે !

[21] ખંભાતી તાળું નહીં, નીતિ જ માણસની રક્ષા કરે છે. નીતિવાન મનુષ્યના દરવાજે ‘વોચમેન’ની જરૂર પડતી નથી. શાકભાજીનો જે વેપારી તોલમાં ઓછું જોખીને ગ્રાહકને છેતરે છે, હરતીફરતી ગાય એને ત્યાંથી બે કોબીજના દડા મોંમા મૂકીને બધુ સરભર કરી દે છે ! દુનિયામાં કશું એમનેમ બનતું નથી. મોબાઈલ ખોવાઈ જાય, ચીજવસ્તુઓ ચોરાઈ જાય, કિંમતી વસ્તુઓ જતી રહે ત્યારે માણસે પોતાની નીતિ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.

[22] જે વસ્તુ જીવનમાંથી વિદાય લે છે તે ‘મહાન’ લાગવા માંડે છે. સૌથી પહેલાં બાળપણ પૂરું થાય છે, તેથી મોટા થયા બાદ લાગે છે કે બાળપણમાં શું મજા હતી ! એ પછી માતાપિતા વિદાય લે છે ત્યારે તેમની મહાનતાનો ખ્યાલ આવે છે. ત્યારબાદ ક્રમશઃ મિત્રો, પોતાનું પ્રિય સ્વજન વગેરે સૌ ધીમે ધીમે વિદાય લે છે. ત્યારે એ સૌનો આપણા જીવન સાથેનો સંબંધ ખ્યાલ આવે છે. છેલ્લે જીવન વિદાય લે છે ત્યારે ભાન થાય છે કે ઓહ! આ મનુષ્ય જીવન તો કેટલું અદ્દભુત હતું !

[23] સવાલ જીવનમાં આનંદ અને પ્રસન્નતા મેળવવાનો છે. મોંઘીદાટ ચીજવસ્તુઓથી ઘર ભરવા છતાં જો અજંપો રહેતો હોય તો માણસે એ યાદ કરી લેવું જોઈએ કે બાળપણમાં લાકડાની ગાડી, શીશીઓના ઢાંકણા અને તૂટેલી પેનો સાથે કેટલો બધો આનંદ આવતો હતો ! બીજું બધું ઠીક, જીવનમાં પ્રસન્નતાનો પારો નીચે જાય એ ન પોસાય.

[24] વિચારો નહીં, સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ. કારણ કે વિચારો પરિવર્તનશીલ છે. સ્વભાવ એ ઘણા સમય બાદ જામેલું દહીં છે. સ્વભાવ એ ઘૂંટાયેલા વિચારોનું સૂક્ષ્મ સ્વરૂપ છે. સ્વભાવ બદલવો મુશ્કેલ છે. આથી, જેને સ્વભાવ ઓળખતાં આવડી જાય એ દુનિયાના કોઈ પણ સંબંધોને યથાયોગ્ય રીતે નિભાવી શકે.

[25] જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ સરસ કહે છે કે ‘તાંબાનો લોટો પચાસ વર્ષ પછી વેચો તો પણ એક સ્ટીલથી થાળી જેટલી કિંમત તો મળી જ જાય. પરંતુ પાંચ-દસ વર્ષ જૂનું કોમ્પ્યુટર વેચવાથી એની પા ભાગની કિંમત મળે કે કેમ તે શંકા છે !’

[26] આ બહારનું જે પ્રગટ વિશ્વ છે એનાં કરતાં અનેકગણું વિશાળ આપણી અંદરનું જગત છે. વાચન દ્વારા બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા પાછળનો ઉદ્દેશ એ જ છે કે તેઓ પોતાની અંદરના જગતને ઓળખી શકે. એ જો વ્યવસ્થિત રીતે કેળવાય તો બહારના જગતની કોઈ પણ સમસ્યા મનુષ્યને હતાશ કરી શકે નહિ. દિવસ દરમ્યાન થોડોક સમય એ અંદરના જગત સાથે ગાળવાની જેણે ટેવ પાડી હોય તે કદી એકલો નથી પડતો.