જીવનામૃત – સંકલિત

[1] સુટેવો – રવિશંકર મહારાજ

[‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ માંથી સાભાર.]

સુટેવો એ આપણા જીવનની સાચી મૂડી છે. માળી ખૂબ કાળજીપૂર્વક છોડવા ઉછેરે છે. તે અવારનવાર ગોડ કરે છે, જરૂરી ખાતરપાણી આપે છે, વાડ કરે છે ને નકામાં જાળાંઝાંખરાં કાઢી નાખી તેમને યોગ્ય રીતે પોષે છે. આપણે આવી કાળજી આપણા જીવનની લેવી જોઈએ. છોડવાના યોગ્ય વિકાસ માટે જેમ ગોડ, ખાતર, પાણી, વાડ અને સાફસૂફી જરૂરી છે તેમ જીવનવિકાસ માટે સુટેવો જરૂરી છે. વિદ્યાર્થી અવસ્થામાં સુટેવો પાડી હશે તો તમારું જીવન આનંદથી મઘમઘી ઊઠશે. તમને જોઈ બીજા લોકોને આનંદ થશે ને બીજા લોકોને જોઈ તમને આનંદ થશે. તમે બધા એક કુટુંબના છો એવી ભાવનાથી એકરૂપ થઈને રહી શકો તો તમારું અહીંનું જીવ્યું સફળ થયું સમજવું. કોઈ માણસ એકલો ને અતડો રહેતો હોય અને કહે કે મારે કોઈની સાથે લડાઈ ઝઘડો થતો નથી, તો એનો કંઈ અર્થ નથી. સમુદાયમાં રહીએ અને સંપથી રહી શકીએ તો જીવતાં આવડ્યું કહેવાય. ઉપરાંત તમારે એકબીજાને મદદ કરતાં શીખવું. વિના કારણ નકામી કોઈની ખુશામત ન કરવી. પડોશી ઉપર આફત આવી પડે ત્યારે મદદ માટે દોડી જવું. આપદધર્મ આવે ત્યારે નિયમિતતાને વળગી રહેવાનો આગ્રહ ન રાખવો. એવે વખતે આપણે વિવેક કરવો જોઈએ.

[2] રમતના મેદાન પર જ ? – ચેરીઅન થોમસ

[‘અરધી સદીની વાચનયાત્રા’ (ભાગ-4)માંથી સાભાર.]

રમતગમતની હરીફાઈમાં સૌથી વધુ વજન ઊંચકનારને ઈનામ મળે છે. પણ પેલો મજૂર દરરોજ પાંચ-પાંચ મણની ગુણો ઊંચકીને જાય છે, તેની કદર કરવાની આપણી તૈયારી છે ? માત્ર રમતના મેદાન પર વજન ઉંચકનારને જ ઈનામ આપવાનું છે ? અઢી મણનું વજન ઊંચકવા બદલ ઈનામ જીતનાર ભાઈને સ્ટેશનેથી ઘેર આવતાં દસ શેરની બૅગ ઉપાડવા તો પેલા મજૂરને જ બોલાવવો પડે છે ! તો પછી રમતગમતના શિક્ષણને જીવન સાથે શો સંબંધ રહ્યો ? આજનું આખું શિક્ષણ જીવન જેવું નહીં પણ નાટક જેવું લાગે છે. પણ નાટક તો બેચાર દા’ડા હોય; વરસો સુધી એ ન કરાય.

[3] ઈતિહાસનું પુનરાવર્તન ? – પ્રા. છાયા પી. શાહ

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર. લેખિકા છાયાબેનનો (સાવરકુંડલા) આપ આ નંબર પર +91 2845 224582 પર સંપર્ક કરી શકો છો.]

એક વાર્તામાં ચોરને દેહાંત દંડની સજા વખતે આખરી ઈચ્છા પૂછવામાં આવે છે. ત્યારે તે પોતાની માતાને મળવાની ઈચ્છા પ્રગટ કરે છે. દેહાંત દંડની સજા જોવા ચોમેર મેદની ઊમટી પડી હોય છે. બધા લોકોની હાજરીમાં ફાંસીના માચડે ચડતા પહેલાં તે ચોર પોતાની માતાનું નાક કરડી ખાય છે અને લોકોને કહે છે : ‘આ એ જ મારી મા છે, જેને લીધે હું ફાસીના માંચડે પહોંચ્યો છું. જો તેણે મને ચોરી કરતા અટકાવ્યો હોત તો મારી આ દશા ન થઈ હોત.’

ટી.વી.ના રીયાલિટી શોમાં એક કલાકારને તેના જીવનનો યાદગાર પ્રસંગ વર્ણવવાનું કહેવામાં આવે છે, ત્યારે તે નાનો હતો ત્યારે પોતાના પિતાના પાકીટમાંથી પૈસા ચોરતો હતો, તેવો પ્રસંગ કહે છે. આખું ઓડિયન્સ આ સાંભળીને તાળીઓનો ગડગડાટ કરે છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત અભિનેતા સંજય દત્ત પણ તાળી પાડે છે. તથા પોતે પણ બાળપણમાં આવું પરાક્રમ કરતો હતો તેમ કહીને બાળકને શાબાશી આપે છે ! પહેલી ઘટનાનું માનું સ્થાન બીજી ઘટનામાં અભિનેતા તથા લોકો લે છે તથા તેમની વરવી માનસિકતા અને મૂલ્યહ્રાસનું વરવું પ્રદર્શન કરે છે ! તો આવી રીતે કોઈના પણ અવગુણો અને ખરાબ આદતોને આ રીતે સચ્ચાઈનું પ્રમાણપત્ર મળી જશે. રીયાલિટી શો જોનારા સેંકડો કાચી બુદ્ધિનાં બાળકો ચોરી કરવી તેને બહાદુરી કે પરાક્રમ સમજવા લાગશે અને પોતે પણ આવું કરવા પ્રેરાશે.

ટીવી એક જવાબદાર માધ્યમ છે. તેમાં રજૂ થતાં કાર્યક્રમો ખોટો સંદેશ ન આપે તે જોવાની જવાબદારી જે તે પ્રોગ્રામ નિર્માતાની છે. જે રીતે જાહેર હિતને સ્પર્શતી બાબતો વિશે અવાજ ઉઠાવવા વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્નો થાય છે, તેમ આ બાબત પણ જાહેર હિતને સ્પર્શતી નથી ? શું આવા કાર્યક્રમોને સેન્સર કરવાની જરૂર લાગતી નથી ? ઘરમાં બાળકો સમક્ષ જે જાગરૂકતાથી માતાપિતા વર્તે છે, બોલે છે, તે જાગરૂકતા તેઓ પોતાનાં બાળકો ટી.વી.માં શું જુએ છે, ઈન્ટરનેટમાં શું જુએ છે, તે વિશે રાખે છે ખરાં ? આપણે સૌએ જાગવાનો સમય આવી ગયો છે. જો મૂલ્યોને ટકાવવાં હશે તો પહેલાં માતાપિતા અને શિક્ષકોએ સાચાં મૂલ્યોને આત્મસાત કરવાં પડશે તથા બાળકો સમક્ષ ખોટાં મૂલ્યો રજૂ ન થાય તેની તકેદારી રાખવી પડશે. નહિતર ઉત્તરોત્તર મૂલ્યોની બદતર સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.

[4] મને ટીવી બનાવી દો ! – અનુ. રાજેશ્વરી શુક્લ

[ એક પ્રચલિત ઈ-મેઈલ પરથી અનુવાદીત કરેલ આ કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે રાજેશ્વરીબેનનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825761202 સંપર્ક કરી શકો છો.]

એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું :
‘ચાલો બાળકો, આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે : જો ભગવાન તમને કાંઈ માંગવાનું કહે તો તેમની પાસે તમે શું માંગશો ?’ બાળકોએ ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘરે તપાસવા લઈ ગયા.

સાંજે જ્યારે તેઓ નિબંધો તપાસી રહ્યા હતા, ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યાં. તેમણે જોયું તો તેમનાં પત્ની રડી રહ્યાં હતાં. તેમણે પૂછ્યું : ‘કેમ શું થયું ? કેમ રડો છો ?’
શિક્ષિકાબેને કહ્યું, ‘હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું.’ તેમના પતિને એક કાગળ આપતાં તેમણે ઉમેર્યું, ‘આ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ….’
તેમના પતિએ નિબંધ વાંચવાનું શરૂ કર્યું. તેમાં બાળકે લખ્યું હતું કે :
‘હે ઈશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટી.વી. બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું કે જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું ધ્યાન હું મારા તરફ જ ખેંચી શકું. તેઓ કોઈ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઈ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં, હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. મારી સાથે રહેવા માટે મારા ભાઈબહેનો લડાલડી કરે. હું એવું અનુભવવા માગું છું કે બધી જ વસ્તુઓ એકબાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે. છેલ્લે, મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું. હે ભગવાન, હું બીજું કાંઈ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને જલ્દીથી ટી.વી. બનાવી દો.’

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
તેમના પતિ બોલ્યા : ‘હે ભગવાન ! બિચારું બાળક…કેવા ભયાનક માતા-પિતા છે !’
શિક્ષિકાએ ચોધાર આંસુ સારતાં પોતાનાં પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ‘આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનોજ દાસની વાર્તાઓ – અનુ. રેણુકા શ્રીરામ સોની
ગરીબ, પણ છૈયે કેટલાં બધાં ! – ઈલા ર. ભટ્ટ Next »   

17 પ્રતિભાવો : જીવનામૃત – સંકલિત

 1. dhruti says:

  સરસ લેખ.

 2. nayan panchal says:

  જીવનને અમૃત બનાવી શકે એવા વિચારો.

  આભાર, મૃગેશભાઈ.

  નયન

 3. સુંદર સંકલન.

  ૨ અને ૪ સૌથી સુંદર…

 4. Nitu says:

  It’s 2-4 amaizing i like it shows reality

 5. Tamanna shah says:

  ખુબ સુન્દર્,

  especially tv vado lekh..
  its thered signal for all the parents

 6. જગત દવે says:

  [1] સુટેવો – રવિશંકર મહારાજ
  “કોઈ માણસ એકલો ને અતડો રહેતો હોય અને કહે કે મારે કોઈની સાથે લડાઈ ઝઘડો થતો નથી, તો એનો કંઈ અર્થ નથી. સમુદાયમાં રહીએ અને સંપથી રહી શકીએ તો જીવતાં આવડ્યું કહેવાય.”
  ——> એક જ બાળક ધરાવતા માતા-પિતા એ સમજવા જેવી વાત. એવા બાળકોમાં “મારાપણું” વધારે હોય છે. જતું કરવાની ભાવના કે વ્હેંચીને ખુશ થવાની ભાવના નથી કેળવાતી.

  [2] રમતના મેદાન પર જ ? – ચેરીઅન થોમસ

  રમતનું સન્માન અને શ્રમનું સન્માન પણ થવું જ જોઈએ પણ આ ઊદાહરણમાં થોડી ભેળસેળ થઈ ગઈ છે. તો શું દોડવીરે બધે દોડીને જ જવું જોઈએ? શ્રમનું વળતર અર્થશાસ્ત્રનાં નિયમો મુજબ ઘડાય છે અને રમતનું વળતર તેનાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન પર આધારીત છે. કોઈ રમતવીર ૧૦૦ કિલો ઊંચકે અને તેનાં પ્રતિસ્પર્ધી ૧૧૦ કિલો ઊંચકે તો ૧૦૦ કિલો ઊચકનારને કદાચ કોઈ જ વળતર ન મળે.

  [3] ઈતિહાસનું પુનરાવર્તન ? – પ્રા. છાયા પી. શાહ

  જે આદર્શોનો અભાવ છે એટલે ખોટા આદર્શોને તાળીઓ મળે છે.

  શું લતા મંગેશકર તેનાં એ જ પરીવેશ સાથે અને ગાતી વખતે પગમાં જુતા ન પહેરવાની પ્રતિજ્ઞા સાથે આજની કોઈ પણ ટેલેન્ટ હંટ જીતી શકે? અને જે જીત્યા છે તેમાંથી શું કોઈ ‘ભારત રત્ન’ બની શકે?

  [4] મને ટીવી બનાવી દો ! – અનુ. રાજેશ્વરી શુક્લ

  ખુબ જ પ્રેરણાત્મક…..મારા બાળકો માટે હું હજુ પણ વધારે સમય ફાળવીશ.

 7. શ્વેતલ says:

  ખુબ સરસ સંકલન……… જીવનમા ઉતારવા લાયક

 8. સરસ લેખો છે. એમાં પણ 4 નંબરનો લેખ તો એકદમ જોરદાર છે.

 9. Navin N Modi says:

  પ્રસંગ નંબર (૩) માં ટી.વી. એક જવાબદાર માધ્યમ છે એમ જણાવ્યું છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે ટી.વી. એથી પણ આગળ નીકળી ગયું છે – હવે એ એક-જવાબદાર નથી રહ્યું, એ તો હવે બે-જવાબદાર માધ્યમ બની ગયું છે.

 10. Anila Amin says:

  આપના આ સન્કલનમા “ભગવાન મને ટી. વી બનાવી દે ” વાચીને મને મોહનલાલ પન્ચાલનુ પુસ્તક ” સાહેબ મને સામ્ભળો

  તો ખરા ” – યાદ આવી ગયુ. ખરેખર ખૂબજ સરસ સન્કલન.

 11. dhiraj says:

  [3] ઈતિહાસનું પુનરાવર્તન ?

  પર થોડી ટીપ્પણી

  ઘણી વખત જયારે કોઈ વિદ્યાર્થી ને પુચાવામાં આવે છે કે “ભાઈ, તું કેમ કોલેજ લેટ આવ્યો? ” તો સાવ બિન્દાસ થઇ ને કહે છે “સર, લેટ ઉઠ્યો હતો ”

  જયારે કહીયએ કે “ભાઈ, આ તો કઈ જવાબ છે? લેટ ઉઠે અને પછી લેટ આવે એવું થોડી ચાલે?” તો શું કહેશે “સર, હું સાચ્ચું તો બોલ્યો ને ”

  સાચ્ચું બોલવાથી આપણા અપરાધ માફ નથી થઇ શકતા આપણે આપણી ટેવ સુધારવી પડે

 12. Mayur Mehta says:

  આપણે ટીવી ના ગુલામ થઈ ગયા છિએ. હકિકત મા ટીવી આપણુ ગુલામ હોવુ જોઇએ.

 13. Rajni Gohil says:

  સુટેવો એ આપણા જીવનની સાચી મૂડી છે. સુટેવો વગરના જીવનને, જીવન કહી શકાય ખરું? માનવ જીવન તો ન જ કહી શકાય. તેને બે પગ વાળા પશુનું જીવન કહેવું વધારે યોગ્ય કહેવાય.

  આજનું આખું શિક્ષણ જીવન જેવું નહીં પણ નાટક જેવું લાગે છે. જે શિક્ષણ સુટેવો ન કેળવે તે શિક્ષણનો અર્થ શો?

  માએ પણ પ્રમાણિક રહેવાની સુટેવ પોતાના માટે અને દિકરામાટે પણ પાડી હોત તો દિકરાને ફાંસીને માંચડે જવાનો વારો ન આવત.

  TV પર પણ ફક્ત “સુટેવો’ – સુસંસ્કારો આપે તેવા જ પ્રોગ્રમ જોવા જોઈએ.
  ભગવાનની મારા પર મહેરબાની છે હું અમેરિકામા આખો દિવસ ઘરે રહીને પણ કોઇ દિવસ TV જોતો નથી.

  બોધદાયક સંકલન બદલ આભાર.

 14. PREM PANDEY says:

  સારુ લાગ્યઓ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.