એક થપાટ, એક પાઠ – અવંતિકા ગુણવંત

[‘આપણી પ્રસન્નતા, આપણા હાથમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી અવંતિકાબેન ગુણવંતનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો સંપર્ક આ નંબર પર +91 79 26612505 કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

‘તારે મારી આશા નહીં રાખવાની, જરાય આશા નહીં રાખવાની. હવે આજથી મારી હયાતી નથી એમ જ માની લેજે….’ દીકરો માલકૌંસ ઊછળી ઊછળીને કંઈ કેટલુંય બોલી ગયો. આગળ તો વિભાબહેને કંઈ સાંભળ્યું જ નહિ. દીકરાના આ બેફામ શબ્દોએ એમના સમગ્ર હૃદય-મનને લોહીલુહાણ કરી નાખ્યાં. સખત આઘાતથી એ જડ થઈ ગયાં. એમનાં આંખ, કાન, મગજ જાણે બહેરાં થઈ ગયાં.

વિભાબહેન ભૂતકાળની ખાઈમાં પટકાઈ પડ્યાં. આજથી લગભગ વીસ વરસ પહેલાં એમના પતિએ એમને આવો જ આઘાત આપ્યો’તો. આવી જ અણધારી રીતે પતિએ દગો દીધો હતો. એક સવારે એમને તાર મળ્યો હતો, ‘અમે લગ્ન કરી લીધાં છે. બે દિવસમાં ત્યાં આવીએ છીએ…’ નીચે એમના પતિ બિપિનભાઈ અને નાનીબહેન રિક્તાનાં નામ હતાં. એ ડઘાઈ ગયાં. તારના અક્ષરોએ સમગ્ર અસ્તિત્વને ચકરાવે ચડાવ્યું. ચારે બાજુનું જગત ચક્કર ચક્કર ભમવા લાગ્યું. નીચેની ધરતીય ધૂજવા લાગી. એ ભોંય પર ઢળી પડ્યાં હતાં.

રિકતા એમની નાનીબહેન હતી, પણ હૃદયથી એમણે એને પોતાની દીકરી જેવી જ માની હતી. બેઉ બહેનો વચ્ચે બાર વરસનો ફરક હતો. પિયરમાં ઓરમાન મા હતી ને એ માનેય ત્રણ બાળકો હતાં. પિતાની આવક ટૂંકી હતી તેથી ઘરમાં વારંવાર કલેશ થતો. ઓરમાન મા દિવસરાત કકળાટ કરતી. ત્યારે વિભાબહેન રિક્તાને ખૂબ સાચવી લેતાં, માના કોપથી બચાવી લેતાં. બિપિનભાઈ સાથે લગ્ન થયા પછી નાનકડી બહેનને સાવકી માને હવાલે સોંપીને જતા વિભાબહેનનો જીવ ન ચાલ્યો. તેઓ રિક્તાને પોતાની સાથે જ પતિગૃહે લઈ આવ્યાં. પતિનું ઘર નાનકડું હતું, આવક પણ ટૂંકી હતી. પરંતુ પતિને નિકટનું કોઈ સગું, મા, બાપ, ભાઈ કે બહેન ન હતાં. તેથી રિક્તા એમના ઘરમાં સમાઈ શકી. રિક્તા ભણવામાં ઘણી હોશિયાર હતી, મહેનતુ પણ હતી. વિભાબહેને ખૂબ હેતથી અને હોંશથી એને મેડિકલ કૉલેજમાં મોકલી. એમનું એક સ્વપ્ન હતું : બહેન ડૉક્ટર થાય. વિભાબહેને પોતે સારું ખાધું નહિ, પહેર્યું નહિ, હર્યાંફર્યાં નહિ, પાઈ પાઈ કરીને બચત કરી. બહેનને ભણાવવામાં જ પોતાનો બધો પૈસો ખરચવા માંડ્યો.

રિક્તા આ જ વરસે ડૉક્ટર થઈ હતી. વિભાબહેનના આનંદનો પાર ન હતો. એમનું સ્વપ્નું સફળ થયું. પુરુષાર્થ ફળ્યો. ગરીબ, નમાયી બહેનને સુખ અને સંપત્તિના રાજમાર્ગ પર લાવીને એમણે મૂકી દીધી હતી. વિભાબહેનનું જીવન સુખથી છલકાવા માંડ્યું. હવે તેઓ દીકરા માલકૌંસને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવાનાં સ્વપ્નાં સેવવાં માંડ્યાં. એમના પગ ધરતી પર ઠરતા જ ન હતા, ત્યાં જ આ ધડાકો થયો. આ લોકોને આ શું સૂઝ્યું ? આવું ગાંડપણ, આવી નાદાની ! આવું હલકું કામ તેઓ શી રીતે કરી શક્યા ? કલંકની કેવી વાત બની ગઈ ! દીકરી જેવી સાળી અને પિતા સમાન બનેવીનાં લગ્ન ? આવી ઘૃણાજનક વાત તો કહેવાય પણ કોને ? વિભાબહેન રડતાં જ રહ્યાં. ઘરનું બારણું બંધ કરીને રડતાં જ રહ્યાં. કલાકો સુધી હીબકાં ભરીભરીને રડ્યાં કર્યું. છેવટે આંસુ ખૂટ્યાં. એ વિચારે ચડ્યાં, ‘હવે આ ઘર મારું ના કહેવાય. હું એક પળ પણ અહીં ના રહી શકું. હું ને મારો દીકરો ક્યાંક ચાલ્યા જઈશું. પણ ક્યાં જઈશું ? પતિને ઘેર રહેવાય એવું નથી તો પિતાને ઘેર પણ જગ્યા નથી. ‘પોતાનું’ કહેવાય, બે દિવસ રહી શકાય એવું કોઈ સ્થાન નથી. શું કરું ? ક્યાં જાઉં ? કોની પાસે જાઉં ? નાખી નજર પહોંચતી નથી. ઉપર આભ ને નીચે ધરતી સિવાય કંઈ દેખાતું નથી.’

વિભાબહેન પડી ભાંગ્યાં હતાં પણ એમણે એમની સૂધબૂધ ગુમાવી ન હતી. ખૂબ વિચારીને અંતે એમણે કોઈ સંસ્થામાં, કોઈ આશ્રમમાં જવાનું નક્કી કર્યું. મનને તૈયાર કર્યું. આજુબાજુમાંથી સ્નેહી પાડોશીઓને બોલાવ્યા. કહ્યું : ‘હું ઘર છોડીને જાઉં છું. ઘરમાંથી કંઈ લઈ જતી નથી. જે જ્યાં છે એમ જ છોડી જાઉં છું. ઘરની ચાવીઓ આપી જાઉં છું. ઘરના માલિક આવે ત્યારે એમને સોંપી દેજો.’
પાડોશીઓ વિભાબહેનનું બોલેલું કંઈ સમજી શક્યાં નહિ. અવાક બનીને જોઈ જ રહ્યાં. છેવટે એકે પૂછ્યું, ‘વિભાબહેન, ઘર છોડવું, ઘરનો માલિક, આ બધું શું બોલો છો ? ક્યાં જવાની વાત કરો છો ?’ ફરી એક વાર વિભાબહેનને હૈયે ડૂમો ભરાઈ આવ્યો. હૃદયનો બંધ તૂટી ગયો. રડતાં રડતાં તેમણે વાત કરી. સાંભળીને પાડોશીઓ રડી ઊઠ્યાં. સાળી-બનેવી પર ફિટકાર વરસાવી ઊઠ્યાં.
તેઓ બોલ્યાં : ‘પણ તમે શું કામ ઘર છોડીને જાઓ છો ?’
‘અને જશો પણ ક્યાં ?’
‘આ મોંઘવારીના જમાનામાં બાઈ માણસે એકલા રહેવું ને આ નખ જેવડા છોકરાને ઉછેરીને મોટો કરવો બહુ કપરું છે, બહેન !’
‘ક્યાં જશો ? શું ખાશો ? શું પીશો ? તમારી પાસે કઈ મૂડી છે ? આવકનું શું સાધન છે ? તમે ક્યાં કમાવા જશો ?’
‘તમારું દૂબળું-પાતળું શરીર તો જુઓ. તમે શું કામ કરી શકશો ?’
‘આજ સુધી ઘરનો ઉંબર છોડીને ક્યાંય બહાર ગયાં નથી. એકલાં આ નાના છોકરાને લઈને ક્યાં આથડશો ?’
‘ભલભલા ભણેલાને નોકરી મળતી નથી તો તમારું શું ગજું ? તમને કોઈ અનુભવ નથી. ખાસ કોઈ તાલીમ નથી. ભલભલા મરદો જ્યાં હાંફી જાય છે ત્યાં તમે બાઈ માણસ શી રીતે ઝઝૂમશો ?’ આવા જ બધા પ્રશ્નો વિભાબહેનના મગજમાં આવ્યા હતા. પણ આજે એમને આ કોઈ પ્રશ્નોના જવાબ જોઈતા ન હતા. આ બધા પ્રશ્નોનું એમને મન કોઈ મહત્વ ન હતું. તેઓ તો આ અપમાનભરી, શરમજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માગતાં હતાં. વિભાબહેન ચૂપ જ રહ્યાં.

બાજુવાળા માલતીબહેન એમને હૈયા સરસાં ચાંપીને બોલ્યા : ‘વિભુ, શું કરવા તું તારો હક છોડી દે છે ? આ ઘરની તું માલિકણ છે. બિપિનભાઈના દીકરાની મા છે. તું અહીં જ રહે.’ વિભાબહેન ડૂસકાં ભરીને રડતાં ગયાં ને ડોકું ધુણાવીને ના ના કહેતાં ગયાં.
પાડોશી કૈલાસભાઈ બોલ્યા : ‘બહેન, તમે સમજો. આવેશમાં આવીને ઘર ના છોડો.’
વિભાબહેન કહે : ‘હવે એક ક્ષણ હું અહીં ના રહી શકું.’
‘કેમ ?’
‘મને અહીં ના ગોઠે. હવે મારું અહીં કંઈ જ નથી. કોઈ જ નથી.’
‘કેમ, અમે બધાં તો છીએ.’ પાડોશીઓએ ઘણું સમજાવ્યાં પણ વિભાબહેન ના પાડતાં જ રહ્યાં.’
‘એક વાર ઘર છોડશો પછી પાછાં નહીં આવી શકો. તમને કોઈ હાથ નહિ મૂકવા દે.’ પાડોશીઓએ ચેતવ્યા.
મુકુન્દભાઈએ કહ્યું : ‘છેવટે આ છોકરાનું ભવિષ્ય તો જુઓ.’
‘છોકરાનું ભવિષ્ય ? મારાં તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન, આખું જીવન હોમાઈ ગયું. ત્યાં હું શું પકડી રાખું ને શું જોઉં ?’ વિભાબહેન કકળી ઊઠ્યાં.
‘બસ, આ ઘર પકડી રાખો. જે મૂડી-સંપત્તિ હોય એ પકડી રાખો. તમે વ્યાવહારિક થાઓ.’ કૈલાસભાઈએ કહ્યું. પરંતુ વિભાબહેનને એવી ભયંકર ચોટ લાગી હતી કે એ કશું જ પકડી રાખી શક્યાં નહિ. એમણે મન મક્કમ કર્યું ને દીકરાને આંગળીએ વળગાડી ઘર છોડી દીધું.

નસીબે એવા જોરથી થપાટ મારી કે વિભાબહેન રસ્તામાં રઝળતાં થઈ ગયાં, પણ એમણે એમનું જીવન રઝળતું ના થવા દીધું. જીવનમાંથી સલામતી ને સગવડો છીનવાઈ ગઈ પરંતુ એમણે જીવનને નમાલું ના થવા દીધું. કોઈની સામે જઈને હાથ લાંબો ના કર્યો. કોઈની દયા ના માંગી. અરે, કોઈની છાતી કે ખભા પર માથું ઢાળીને રડ્યાંય નહિ. કોને ખબર, એમનામાં ક્યાંથી શક્તિ પ્રગટી ? ક્યાંથી હિંમત આવી ? એમના હાથમાં એકે પાઈ ન હતી. વિસામો લેવાય એવું એક છાપરુંય ન હતું. છતાં અખૂટ સંપત્તિ હોય એમ દીકરાને છાતીએ વળગાડી એ વેડછી આશ્રમમાં જઈ પહોંચ્યાં. આવડત મુજબ ત્યાં કામ કરવા લાગ્યાં ને સ્વમાન જાળવીને જીવવા લાગ્યાં. પળપળ ઈશ્વરનું સ્મરણ કરતાં રહ્યાં. ઈશ્વર પરની શ્રદ્ધાએ એમને એવું બળ આપ્યું કે પતિએ સર્જેલો ખાલીપોય એમને ઓગાળી ના શક્યો. દીકરામાં જ એમણે એમનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ ને આમ જીવનપંથ કપાતો રહ્યો.

દીકરો માલકૌંસ એન્જિનિયર થયો. વિભાબહેનને થયું, હાશ સંઘર્ષના દિવસ પૂરા થયા. હવે દીકરાનો નવો સુખી સંસાર રચાશે. ત્યાં તો સામાન્ય મતભેદમાં માલકૌંસે માની સાથે છેડો ફાડી નાખ્યો. ઘર છોડી દીધું. માને છોડી દીધી. વિભાબહેનની જિંદગીમાં પચીસ વરસ પહેલાં જે બનાવ બન્યો હતો તે જ ફરી વાર બન્યો. ત્યારે પતિએ દગો કર્યો હતો, આઘાત આપ્યો હતો, આજે દીકરાએ. ત્યારે તો યુવાની હતી. પગમાં તાકાત હતી. બાવડામાં બળ હતું. સામે લાંબી જિંદગી પડી હતી. જ્યારે આજે તો યુવાની વીતી ગઈ છે. શરીરનું કૌવત ઓછું થઈ ગયું છે. પતિ ગયા ત્યારે એ નિરાધાર બની ગયાં હતાં, પણ એકલાં ન હતાં. દીકરો ગોદમાં હતો. એને સહારે વિભાબહેને જિંદગી પાર કરી પણ આજે જીવતરને છેડે પહોંચ્યા છે. આંગળીએ કે હૈયે કોઈ વળગેલું નથી. ભર્યા સંસારમાં એ સાવ એકલાં, સાવ અટૂલાં બની ગયાં. જીવતર જ ઊજડી ગયું. એમણે દીકરાને આજીજી કરી :
‘બેટા, મને છોડીને ના જા.’
પણ દીકરો નિષ્ઠુર નીકળ્યો. નગુણા બાપનું વિશ્વાસઘાતી લોહી જ એનામાં વહેતું હતું. એણે માનું કહેવું ના સાંભળ્યું. એ ઘરમાં પાછો ના આવ્યો. ગામમાં પાછો ના આવ્યો.

વિભાબહેનને માથે આભ તૂટી પડ્યું. ફરી એક વાર પગ નીચેની ધરતી ધ્રૂજી ઊઠી, પણ એમણે કોઈની આગળ ફરિયાદ ના કરી. નિસાસો ના નાખ્યો. કોઈનાં દેખતાં રડ્યાં નહિ. અરે, ભગવાનનેય હચમચાવીને પૂછ્યું નહિ કે, ‘મારા માલિક, મારી કેટલી કસોટી કરીશ ?’ ઓળખીતાં સૌ આંચકો ખાઈ ગયાં, પણ એ તો સ્વસ્થ જ રહ્યાં. જીવનમાં અસ્થિરતાનો આવો જબરો ભયંકર અનુભવ થયો, પણ એ તો સ્થિર જ રહ્યાં, અડગ રહ્યાં. જીવન સૂનુંસૂનું, ભાગ્યું તૂટ્યું ખંડેર જેવું થઈ ગયું છે, પણ એમના પોતાનામાં એવું કોઈ ગૌરવ હતું કે કોઈ એમને ‘બિચારા’ કે ‘બાપડા’ કહી શકતું નહિ. જીવનમાં વ્યાપેલા દુઃખે એમને એક આગવું તેજ આપ્યું હતું. જે સંજોગો સામાન્ય માણસને કચડી નાખે, ઉઝેડી નાખે, પામર બનાવી દે એ સંજોગો એમને બે આંગળ ઊંચા લઈ જતા હતા. કોઈ પૂછતું : ‘અરેરે, તમને તો જીવનમાં દગો, દગો ને દગો જ મળ્યો. હવે ઘડપણમાં તમારો સહારો કોણ ? સાજેમાંદે કોણ જોશે ?’ આ સાંભળીને વિભાબહેન સહેજ હસી લેતાં. જાણે કહેતા હોય કે મને દગો મળ્યાનો કોઈ અફસોસ નથી, ઘડપણનો ભય નથી, બીમારીનો ડર નથી.

સામું માણસ આદરથી પૂછતું : ‘કયું બળ તમને ટકાવી રાખે છે ?’
એ કહેતાં : ‘શ્રદ્ધા. ભગવાન પરની શ્રદ્ધા. ભગવાને આપણને કશું શીખવા જ આ સંસારમાં મોકલ્યા છે. શીખવાને બદલે આપણે આ સંસારને, આ સગાંવહાલાં, માલમિલકત, પતિ, પુત્ર, ઘરબાર, બધાંને વળગી જ પડીએ છીએ, બધાંની સાથે હેતપ્રીતના હિસાબ માંડીએ છીએ. જ્યાં સરવાળા ને ગુણાકાર કરવા જઈએ છીએ ત્યાં બાદબાકી ને ભાગાકાર થઈ જાય છે. ‘આપણું’ માનતા હતાં તે હાથમાંથી સરી જાય છે ને આપણે છાતી-માથું કૂટવા માંડીએ છીએ. પણ મન શાંત રાખીને વિચારીએ કે એક દિવસ આ બધું છોડવાનું છે, તો એને શું કામ વળગી રહેવું ? આજે જ મોહ છોડી દો, પછી કંઈ જ દુઃખ નહીં થાય. ઈશ્વર થપાટ મારીમારીને કહે છે, મોહ છોડો અને આપણને પાઠ ભણાવે છે કે માણસ એકલો જ છે; એકલો આવ્યો છે, એકલો જવાનો છે. બસ, આ આટલો પાઠ ભણી રહીએ એટલે આપણું જીવ્યું લેખે લાગે. પછી જીવનમાં કોઈ વલોપાત નહીં રહે.’

વિભાબહેન એટલી સ્વાભાવિકતાભરી સચ્ચાઈથી કહેતાં કે સામા માણસનાં હૈયામાં આ બોલ જડાઈ જતા. એ બોલ એ વાગોળ્યા જ કરતા.

[કુલ પાન : 232. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ
રમતાં રમતાં (બાળકાવ્યસંગ્રહ) – લતાબેન ભટ્ટ Next »   

28 પ્રતિભાવો : એક થપાટ, એક પાઠ – અવંતિકા ગુણવંત

 1. raj says:

  Very good story,
  Vibhaben advice is right one,
  we came alone and we have to leave alone.
  Avantikaben tought us the principle of Veda in very simple way
  thanks
  raj

 2. Ajay Raval says:

  Really good massage for every one.

 3. સુંદર વાર્તા. આપણે સુખી થવું કે દુઃખી એ આપણા જ હાથમાં છે….બીજા પર એનો આધાર ન રાખીએ તો દુઃખ રહેતુ જ નથી.

 4. trupti says:

  ખુબજ સંવેદનસીલ કથા.

 5. maitri vayeda says:

  ખરેખર ભગવાને આપણને કંઈ ને કંઈ શીખવા માટે જ ધરતી પર મોકલ્યા છે એટલું સમજીશું તો ખરાબ સમય માં પણ પોઝિટિવ રહી શકીશું. ખુબ સરસ વાર્તા…

 6. Dr. Milap Bhavsar says:

  AVANTIKA BEN TAME TO AMNE RADAVI DIDHA;

  KAIK YAAD AVE CHHE ETLE LAKHU CHHU:

  MARNAR NI CHITA PAR, CHAHNARU KAI CHADHTU NATHI;
  ARE CHADVANU TO BAHU DUR RAHYU, PAN KOI RAKHNE BI ADTU NATHI.

  • Navin N Modi says:

   વાંચનની સરળતા માટે આપે લખેલ કાવ્ય ગુજરાતી લિપીમાં ફરી લખું છું.

   મરનારની ચિતા પર ચાહનાર કંઇ ચઢતું નથી,
   અરે, ચઢવાનું તો બહુ દૂર રહ્યું, પણ કોઇ રાખને બી અડતું નથી..

 7. dhiraj says:

  જયારે બધું સમું સુતરું પદ પડતું હોય તો આવી વાતો સાચી લાગે પણ ખરા તને મિયા ફસ્કું થઇ જવાય છે

  “શાંતિ ના સમયે કરેલા નિર્ણયો વાવાઝોડા ના સમયમાં ટકાવી રાખવાનું કામ તો મીણના દાંતે લોખંડના ચણા ચાવવા કરતાય વધુ કપરું છે ” _ આચાર્ય વિજય રત્નસુંદરસૂરી

 8. Vipul says:

  Very Emotional story, such a nice message from vibhabahen.

  Thank you avantika bahen for writing such a nice story.

 9. આમ તો અપેક્ષાઓ જ દુઃખનું મૂળ છે. લેખીકાએ સાચું જ કહ્યું છે કે, “આપણે આ સંસારને, આ સગાંવહાલાં, માલમિલકત, પતિ, પુત્ર, ઘરબાર, બધાંને વળગી જ પડીએ છીએ, બધાંની સાથે હેતપ્રીતના હિસાબ માંડીએ છીએ. જ્યાં સરવાળા ને ગુણાકાર કરવા જઈએ છીએ ત્યાં બાદબાકી ને ભાગાકાર થઈ જાય છે”
  દરેક વ્યક્તિ જાણ્યે અજાણ્યે પોતાના માની લીધેલા ઉપર કબજા વૃતિ ધરાવતો બની જતા અનેક અપેક્ષાઓ જન્મતી રહે છે જો તેથી ઉપર ઉઠીશકાય તો જીવન ક્યારે ય બોજો નહિ લાગતા પ્રભુની અદભુત અને અણમોલ ભેટ લાગશે ! ટૂકમાં અપેક્ષાઓ છોડો !

 10. અશોક જાની 'આનંદ' says:

  વિભાબેનની હિંમતને દાદ દેવી પડે, આવા મક્કમ મનોબળ વાળા વ્યક્તિ હકિકતમાં જવલ્લે જ જોવા મળે..

 11. ખુબ જ સુંદર લાગણીશીલ વાર્તા છે. ગમે એટલા દુ:ખો આવે પણ તેની સામે ખુમારીથી ઝઝુમવું એનું નામ જ જીવન છે. ઈશ્વર પરની અડગ શ્રધ્ધા આ બધું સહન કરવાની તાકાત આપે છે.

 12. Veena Dave. USA says:

  નારી તુ નારાયણી.

  મા શક્તિના નવ નોરતાની શરુઆતે એક શક્તિની ઓળખાણ બીજી શક્તિ દ્વારા….

 13. Rajni Gohil says:

  પ્રેરણાદાયક વાર્તા હિંમતે મર્દા તો મદદે ખુદાનું પ્રતિપાદન કરે છે. ભગવાન પરની અડગ શ્રધ્ધા જ આપણી જીવનનૌકાને ડૂબવા નથી દેતી અને હેમખેમ મંઝિલ પર પહોંચવામાં સહયભૂત થાય છે.

  એમને તો જીવનને સુખમય બનાવવાની ચાવી અપણા હાથમાં અપી દીધી છે.
  સુંદર બોધદાયક વાર્તા બદલ અવંતિકાબેનને અભિનંદન આપીએ એટલા ઓછા.

 14. Vaishali Maheshwari says:

  “આજે જ મોહ છોડી દો, પછી કંઈ જ દુઃખ નહીં થાય. ઈશ્વર થપાટ મારીમારીને કહે છે, મોહ છોડો અને આપણને પાઠ ભણાવે છે કે માણસ એકલો જ છે; એકલો આવ્યો છે, એકલો જવાનો છે. બસ, આ આટલો પાઠ ભણી રહીએ એટલે આપણું જીવ્યું લેખે લાગે. પછી જીવનમાં કોઈ વલોપાત નહીં રહે.”

  This story has a very good moral. We, human beings, always keep expectations at all points of our lives and when our expectations are not fulfilled we feel sad about it and sometimes think to such an extreme that all the struggle and hardwork in our life was waste and life gave us nothing at the end.

  Thank you Mrs. Avantika Gunvant for writing such a beautiful story that has a very deep meaning, which is very important for all of us (humans) to understand.

 15. Mayur Mehta says:

  પ્રાત સ્મરણીય પરમ પૂજ્ય તુલસીદાસજી મહારાજ રામચરીતમાનસ મા લખે છે “પરાધિન સપનેહુ સુખ ના હિ.”વીષય વસ્તુ વ્યક્તિ આધારિત સુખ ને દુખ મા પરિવરતન થતા વાર લાગતી નથી..

 16. khushbu says:

  jai shri krishna

  khub j saras
  badha ne khoto lagato ninyan
  kyarek sacho nikali jay che
  manas ni jaat j eevi che
  pal vaar ma badalai jay che

 17. payal says:

  ‘શ્રદ્ધા. ભગવાન પરની શ્રદ્ધા….. આ ૧ વાક્ય મા જ શકત્તિ સમાયેલિ ચે..

 18. shachi says:

  ખરેખર સરસ.

 19. Very nice story kharekhar jidagi kyare kaya mod par lai ave tenu kai khevay nahi.such a very hert toucing story

 20. હોય જો શ્રદ્રા તો પુરાવાની જરુર નથી.thanks keep it up

 21. ખુબજ સુન્દર વાત

 22. parita says:

  ખુબજ સરસ લેખ છે

 23. sanat says:

  ખુબ સરસ લેખ્ ઘણી વખત જીવન સાથે બનતા બનાવૉનુ કૉઇ દૅખીતુ કારણ્ નથી હૉતુ છતા પણ થતુ હૉય છે. વિભાબેન પાસે થી શીખવા જેવુ છે.

 24. amrish mehta says:

  Really Heart Touching Story

 25. Khushi Choksi says:

  I think such an inspirational story which has nacked truth of the life..This story has really nice & strong moral. Being a human, we always expect something from others and we change the priorities in our lives and when our expections can not fulfilled we feel hurted and feel like whatever hard ships and struggles we faced was such a waste of time…Em vicharava karta kyarek em vicharta nathi ke apne hathe koik nu kaink saru thavanu lakhelu hashe jo em vicharie to kyarey pan regret feel na thay….Really very nice one.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.