અમદાવાદ બતાવું ચાલો – સં. દિનેશ-જયશ્રી દેસાઈ

[અમદાવાદ શહેર વિશેના ગીત-કાવ્ય અને ગઝલના સુંદર સંગ્રહ ‘અમદાવાદ બતાવું ચાલો’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] અમદાવાદ – અર્પણ ક્રિસ્ટી

[અહીં શહેર પ્રત્યેની ચાહત ગઝલરૂપે અવતરી છે. શહેરની એ બધી જ ઝીણી-ઝીણી વાતો ને ખાસિયતોને અહીં ઉપસાવી આપવામાં આવી છે.]

આમ સીધું, આમ સારું, આમ વ્હાલું અમદાવાદ
ક્યાંક છે ગળ્યું મજાનું, ક્યાંક ખારું અમદાવાદ.

કેટલી ઘટનાઓમાં રહે છે ચમકતું રોજેરોજ,
પોતાનામાં એક જાણે આખું છાપું અમદાવાદ.

કોઈને કો’ લૂંટતું ’ને ક્યાંક મળતું દરિયાદિલ,
ક્યાંક ખોટી વારતાઓ ક્યાંક સાચું અમદાવાદ.

કૂતરા સામે થયું સસલું ’ને બન્યું આ શહેર,
હર મુસીબતમાંથી ઊભું થાય પાછું અમદાવાદ.

રાત આખી ધમધમે છે ખાણી-પીણીનાં બજાર,
હો દિવસ કે રાત, લાગે સાવ તાજું અમદાવાદ.

ક્યાંક બંગલામાં વસે ’ને ક્યાંક સૂતું રસ્તા પર,
એક બાજુ કેવું ઝળઝળ, ક્યાંક ઝાંખું અમદાવાદ.

જે અહીં આવે બધાંને વ્હાલથી સમાવી લઈ,
સૌને કાજે જીવતું જાણે કે મારું અમદાવાદ.

[2] મજાનું અમદાવાદ !

[ગીતની ઢબ-છબ લઈને આવતી આ કૃતિ નગરજીવનના પરાપૂર્વ અને પ્રવર્તમાન એમ બેઉ સમગ્રતાને નિરાળી બાનીમાં રજૂ કરી આપે છે. કોમી એકતા અને સત્ય-અહિંસાના સંદેશને પણ અહીં પૂરતી જગા મળી રહે છે.]

મલકાતું છલકાતું ચાલે
કેવું મજાનું અમદાવાદ !
સાબરને સંગે લઈ મ્હાલે
કેવું મજાનું અમદાવાદ !

હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ,
હળે મળે, જાણે સહુ ભાઈ,
હસી રમી સૌ હેતે હાલે,
કેવું મજાનું અમદાવાદ !

મંદિર મસ્જિદ ને ગુરુદ્વારા,
ઝળહળ દીપ કરે ઝબકારા,
હૈયાં હેત થકી છલકાવે,
કેવું મજાનું અમદાવાદ !

સત્ય અહિંસા પ્રેમની ધારા,
ગાંધી વલ્લભના એ નારા,
યાદ હજી અંતરથી આવે,
કેવું મજાનું અમદાવાદ !

નાગું ભૂખ્યું કોઈ મળે ના,
કામ વિનાનું કોઈ રહે ના,
હસતાં મુખ સૌને મલકાવે,
કેવું મજાનું અમદાવાદ !

સિદી સૈયદની એ જાળી,
શિલ્પ છે એનું : વાત છે ન્યારી,
દરવાજા શોભા છલકાવે,
કેવું મજાનું અમદાવાદ !

ઘંટ બજે મંદિર એકધારા,
હળવે ઢળતા ઝૂલે મિનારા,
ભદ્ર તણું મંદિર, સૌ જાવે,
કેવું મજાનું અમદાવાદ !

અહીં વસનારા સૌ ગુજરાતી,
કોણ કહે એને પરપ્રાંતી,
ભાઈ ગણી હેતે હરખાવે,
કેવું મજાનું અમદાવાદ !

[3] હું અમદાવાદનો રિક્ષાવાળો – અવિનાશ વ્યાસ

[ગુજરાતી સિનેમાના આ અતિલોકપ્રિય ગીત વિના કાવ્યમાં ધબકતા અમદાવાદની વાત અધૂરી જ ગણાય. ‘મા-બાપ’ ફિલ્મનું આ ગીત જ્યારે માણવા મળે ત્યારે અમદાવાદ તાદશ્ય ન થઈ ઊઠે તો જ નવાઈ.]

હે….હે…. અલ્યા…. હે બાજુ બાજુ…. એ ભઈલા…

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો
અમદાવાદ….. અમદાવાદ બતાવું ચાલો…. એવી રિક્ષા હાંકું હેરત પામે ઉપરવાળો,
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાનાં-મોટાં ખાય….
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

ભદ્ર મહીં બિરાજે રુડાં માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌનાં દુઃખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવાવાળો,
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જ્યાફત ઊડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજિયાં, શેઠ-મજૂર સૌ ઝૂડે.
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો.
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

લૉ-ગાર્ડન કે લવ-ગાર્ડન એ હજુ એ ના સમજાય,
પણ સાંજ પડે ત્યાં છોરા-છોરી ફરવા બહાને જાય.
લૉ ને લવની અંદર થોડો થઈ ગયો ગોટાળો.
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

કોઈ રિસાયેલાં પ્રેમી-પંખીડાં રિક્ષા કરતાં ભાડે,
એકબીજાથી રુસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે…. કેવો કરીએ મેળ રૂપાળો,
…………………. અમદાવાદ બતાવું ચાલો…..
…………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….
અમદાવાદ….અમદાવાદ…..અમદાવાદ…..અમદાવાદ…

[કુલ પાન : 186. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમતાં રમતાં (બાળકાવ્યસંગ્રહ) – લતાબેન ભટ્ટ
ગાઢ નીંદર – ચન્દ્રવદન મહેતા Next »   

7 પ્રતિભાવો : અમદાવાદ બતાવું ચાલો – સં. દિનેશ-જયશ્રી દેસાઈ

 1. Chintan says:

  અમદાવાદ પરની કવિતા ખુબજ મજાની છે. આભાર.

 2. mahesh bagda says:

  અમદાવાદ પરની કવિતા ખુબજ મજાની તેથિ વિશેશ ગુજ્જુ સાહિત્ય વેબ પર વાચવા મલ્યુ તેનો વધુ આન્દ

 3. harshad patel says:

  Ek break na fatake karie kevo mel rupalo…

 4. Veena Dave. USA says:

  અમદાવાદનો રીક્ષાવાળો વાંચી ખુબ મઝા આવી .

 5. manisha says:

  મને પન મારુ આ અમદાવાદ બહુ જ વહલુ લાગે ….દિલ મા વસે…..એ તો…..

 6. દોસ્તો,

  યુ-ટ્યુબ પરથી ‘મા-બાપ’ ફિલ્મનું “અમદાવાદનો રીક્ષાવાળો” સોંગ જોવા પણ મળી શકે છે: આ રહી એની લીંક:

  http://www.youtube.com/watch?v=KUigbwMglrU

  ફરી આવો તમ-તમારે! મજ્જાની લાઈફ!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.