રમતાં રમતાં (બાળકાવ્યસંગ્રહ) – લતાબેન ભટ્ટ

[‘રમતાં રમતાં’ બાળકાવ્યસંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ લતાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2386034 અથવા આ સરનામે meera148@gmail.com સંપર્ક કરી શકો છો.]

[1] બહેના મારી

મમ્મી, જોને બહેના કેવી ચાલતાં શીખી ગઈ,
નાની નાની પગલી, જગ મહાલતાં શીખી ગઈ.

બહેના ચાલે ત્યારે પાયલ બોલે છમ છમ છમ
હાથમાં પકડેલ ઘૂઘરો સાથે વાગે ઘમ ઘમ ઘમ

નાની પગલી ધરતી ઉપર, પાડે સુંદર ભાત,
બહેના હસે ખિલખિલ, દેખાય સુંદર બે દાંત.

મારી બહેનીનો જગમાં જડે નહીં કોઈ જોટો,
મમ્મી લાવ કૅમેરો, એનો પાડી દઉં ફોટો.

મમ્મી, જોને બહેના કેવી ચાલતાં શીખી ગઈ,
નાની નાની પગલી, જગ મહાલતાં શીખી ગઈ.

[2] મુન્નીની શાલ

જુઓ રે થઈ આ તો કેવી બબાલ,
વર્ગખંડમાં ખોવાઈ ગઈ મુન્નીની શાલ.

મુન્ની રડતાં રડતાં કહે, ‘મમ્મી મને લડશે.
બે-ચાર લપાટ આજે નક્કી મને પડશે.’

વર્ગખંડમાં ત્યાં આવ્યા મણિમાસ્તર,
તપાસ્યા સૌનાં એક પછી એક દફતર.

મુન્નીની નજર ગઈ બારીની બહાર,
વાંદરાભાઈ શાલ ઓઢીને બેઠા હતા તૈયાર…

વાંદરાભાઈને શાલ ઓઢવામાં મજા એવી આવી,
પણ મુન્નીને રડતી જોઈ શાલ બારીએ લટકાવી.

શાલ જોઈ રડતી મુન્ની થઈ ગઈ ચૂપ,
વાંદરાભાઈ ખુશ થઈ કરવા લાગ્યા હૂપાહૂપ.

[3] ઊંટભાઈનો હોઠ

જુઓ કેવી ગમ્મત થઈ, આ તો આ…..લ્લે,
ઊંટભાઈનો હોઠ જોઈ, રીંછભાઈ પાછળ પાછળ ચાલે.

ઊંટભાઈનો હોઠ એવો લબલબ લબડે,
‘હમણાં પડશે, હમણાં પડશે’ રીંછભાઈ બબડે.

રીંછભાઈના મોઢામાં રોજ આવે પાણી,
‘ક્યારે હોઠ પડે, ક્યારે કરું ઉજાણી.’

વાંદરાભાઈ રોજ જુએ આ તમાશો,
ઝાડ પર બેઠા બેઠા, લે આનંદ ખાસ્સો.

[4] આપણો વટ

આપણો તો વટ આપણા ઘરમાં આજ,
સૌના દિલ પર કરે બંદા રાજ.

ગણિતમાં લાવે બંદા સોમાંથી નવ્વાણું,
દાદાજી ખુશ થઈ લાવે બરફી ચવાણું,
‘મૂડી કરતાં’ કહે ‘મને વહાલું લાગે વ્યાજ’,
આપણો તો પડે વટ, આપણા ઘરમાં આજ.

જમવા બેસું, દાદીમા, પાથરે બિછાનું નરમ,
મમ્મી આપણને પીરસે, રોટલી ગરમ ગરમ,
બહેના ઉઠાવે, આપણા સૌ નખરાં-નાઝ,
આપણો તો પડે વટ, આપણા ઘરમાં આજ.

ઘરમાં તો બંદા સૌથી નાના,
લાડમાં કહે સૌ ‘નટખટ કહાના’
કરું મહેનત સૌના સપનાં, સાકાર કરવા કાજ.
આપણો તો પડે વટ, આપણા ઘરમાં આજ.

[કુલ પાન : 100. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : લતા હર્ષદકુમાર ભટ્ટ, એ-1, નર્મદાનગરી સોસાયટી, વિભાગ-2 સહયોગ, વડોદરા-390016. ફોન : +91 265 2386034. ઈ-મેઈલ : meera148@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક થપાટ, એક પાઠ – અવંતિકા ગુણવંત
અમદાવાદ બતાવું ચાલો – સં. દિનેશ-જયશ્રી દેસાઈ Next »   

4 પ્રતિભાવો : રમતાં રમતાં (બાળકાવ્યસંગ્રહ) – લતાબેન ભટ્ટ

 1. payal says:

  mane 4 kavya khub j sara lagya…..

 2. Kaumudi Pandya says:

  બધા જ ગીતો સરસ છે – પણ મને મુન્નિની શાલ ખુબ ગંમી

 3. nayan panchal says:

  ખૂબ જ સરસ મજાના બાળગીતો વાંચીને ખૂબ આનંદ થયો.

  આભાર લતાબેન.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.