બે ઘડીની જિંદગી – ‘બેજાન’ બહાદરપુરી

[‘બેજાન’ બહાદરપુરી ઉપનામથી લખતા શ્રી વ્રજેશ આર. વાળંદ (વડોદરા)નો આ પ્રથમ ગઝલ સંગ્રહ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9723333423 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલોના અંતે આપવામાં આવી છે.]

[1]
સંબંધમાં અચાનક એવીય તડ પડે છે,
લાગે ભલે નજીવી છેવટ લગી નડે છે.

ઓજાર ને પ્રહારો બંને રહે અદીઠાં,
સંજોગ માનવીને એની રીતે ઘડે છે.

ટોક્યા સતત કરે છે આ માહ્યલો, નહિતર
અમને તમારી પેઠે છળતાંય આવડે છે

કૂવો અવાવરું છે ને પીપળો ફૂટ્યો છે,
અસ્તિત્વ જ્યાં ચહે છે આધાર ત્યાં જડે છે.

જડવત્ શિલાય ત્યારે થઈ જાય છે સજીવન,
જ્યારે પુનિત જનના એને ચરણ અડે છે.

સીમા દીવાનગીની આંકી શકો તો આંકો,
રહેંસાઈ જાય મસ્તક ‘બેજાન’ ધડ લડે છે.

[2]
મિસાલમાં મિસાલ બેમિસાલ એ તમે,
ખુદા જ બસ કરી શકે કમાલ એ તમે.

કળી શકે ન કોઈ આપની અકળ છટા,
સુરમ્ય એ તમે જ ને કરાલ એ તમે.

જુબાન બેજુબાન, હર કલામ બેઅસર,
ન થઈ શકે બયાન જે ખયાલ એ તમે.

હથેળીમાં ય ક્યાં શિકસ્તની લકીર છે,
કદી ન દઈ શકાય માત ચાલ એ તમે.

મથ્યા કરે ‘બેજાન’ બાપડો ય ક્યાં લગી !
મળી શકે જવાબ ના સવાલ એ તમે.

[3]
ક્યાં-ક્યાં બળાપો કાઢવો આ એમના વ્યવહાર પર,
કહેવાય મારા દોસ્ત ને હરખાય મારી હાર પર.

આવ્યું હતું એ ચોર પગલે કોણ તંદ્રામાં નિકટ,
ચાલ્યું ગયું ચુપચાપ દૈ દસ્તક હૃદયના દ્વાર પર.

એમાંય એ ખુશ્બુ ભરે જે હાથ મસળે ફૂલને,
એવો જ કંઈ ઉપકાર કરશું એમના અપકાર પર.

સૂંઘી ગયો છે સાપ નહિતર છેક આવું ના બને,
ક્યાં એક પણ તાળી પડી છે શેર આ દમદાર પર !

આવી ગયા છે પ્રાણ કંઠે તોય અજમાવ્યા કરે,
એ અવનવા નુસખા હજી ‘બેજાન’ શા બીમાર પર.

[4]
પલકના મુલાયમ સહારે સહારે,
ચલો, વાત કરીએ ઈશારે ઈશારે

પ્રણયની કળી પાંગરે છે અચાનક,
નથી ખીલતી એ બહારે બહારે.

વલોવાય સાગર મળે તો જ મોતી,
તલાશ્યા કરો ના કિનારે કિનારે.

નનૈયો ભણે છે ઝુકાવી નજર એ,
ટપકતા હકારો નકારે નકારે

સહજમાં જ ક્યાંથી મળી જાય મંજિલ,
ખડી હોય ના એ ઉતારે ઉતારે.

કબરમાંય ‘બેજાન’ને જંપ ક્યાં છે,
હવા થૈ ફરે છે મજારે મજારે.

[કુલ પાન : 168. કિંમત રૂ. 115. પ્રાપ્તિસ્થાન : આદર્શ પ્રકાશન. સારસ્વત સદન, ગાંધીમાર્ગ, બાલાહનુમાન સામે, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાઢ નીંદર – ચન્દ્રવદન મહેતા
વિચારોનાં ઝરણાં – રમેશ સંડેરી Next »   

11 પ્રતિભાવો : બે ઘડીની જિંદગી – ‘બેજાન’ બહાદરપુરી

 1. Ramesh Patel says:

  ક્યાં-ક્યાં બળાપો કાઢવો આ એમના વ્યવહાર પર,
  કહેવાય મારા દોસ્ત ને હરખાય મારી હાર પર.
  આપની ગઝલ …..આપનો પોતાનો અંદાજ દરેક શેરમાં ખીલી ઊઠ્યો છે.
  નવા ગઝલ સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પતેલ(આકાશદીપ)

 2. Naresh Machhi says:

  સરસ. સમ્બન્ધો ની વાત બહુ જ ગમી. ખરેખર નજીવી લાગતી તડ ખુબ જ નડે છે.

 3. ખુબ સરસ ગઝલ Keep it up

 4. dhruti says:

  ખુબ જ સરસ.

 5. Anila Amin says:

  તમેય વડોદરાના ને હુય વડોદરાની બેજાન્

  તમારી ગઝલો ખૂબ ગમે આ દિલોજાનને ( U. S. A..)

 6. nayan panchal says:

  સુંદર રચનાઓ. પ્રથમ રચના સવિશેષ ગમી.

  આભાર,
  નયન

 7. Jagruti Vaghela USA says:

  ટોક્યા સતત કરે છે આ માહ્યલો, નહિતર
  અમને તમારી પેઠે છળતાંય આવડે છે

  ખૂબ જ સુંદર ગઝલ. ૧ ને ૩ બહુ ગમી.

 8. maitri vayeda says:

  વાહ! ખુબ સુંદર ગઝલો…

 9. Bharti Jani says:

  Very good gazal l liked it very much I liked to read more

 10. bhavesh says:

  સરસ ગજલ……………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.