ગાઢ નીંદર – ચન્દ્રવદન મહેતા

[1970માં સંપાદિત થયેલા ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ પુસ્તકનું તાજેતરમાં પુનર્મુદ્રણ થયું છે. આ પુસ્તકનું સંપાદન ડૉ. ધીરુભાઈ ઠાકરે કર્યું છે. તેમાંથી આજે એક કાવ્ય સાભાર લેવામાં આવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યના અંતે આપવામાં આવી છે.]

ધીમે રે ધીમેથી સહુ જન આવજો,
……. સુખનીંદરમાં સૂતી એ અલબેલ જો;
હળવે રે હળવે તે પગલી માંડજો,
……. આનંદે દેખંતી સોણલખેલ જો.

આકાશે ટમટમતી એકલ તારલી,
……. ધરતી પર ટગમગતી ઘીની દીવડી;
જોજો રે ઝબકીને જાગે ના વળી,
……. ભરનીંદરમાં પોઢી એ મુજ બેનડી.

કૂદી રે એ સાત સમન્દરપાળ જો,
……. સૂરજના નિરંતર એને દીવડા;
દેવ બધાયે એની લે સંભાળ જો,
……. એવાં તે ભાયગ ક્યાં, પામર જીવડા !

ઊના રે નિસાસા અહીં ના લાવતા,
……. આનંદે પામી છે સત અવતાર જો;
જાગે ના, જોજો રે અહીં સહુ આવતાં
……. ધબકે ના હૈયાના તમ ધબકાર જો.

મીંચીને નીંદરમાં મીઠી આંખડી,
……. લાધ્યો છે જીવનનો અભિનવ લ્હાવ જો;
દીસે શી એ તો જ્યોતિકમળની પાંખડી,
……. ચન્દ્રવદન પર ન્યારો પ્રેમળ ભાવ જો.

ધરતી પર પળભર આંહી વિરામવા,
……. વાયુયે થંભ્યા છે દર્શનલોભથી;
અજવાળાંયે અમુલખ જ્યોતિ પામવા
……. થંભીને લેતાં અમરત્વ મથીમથી.

ફૂલનાં રે પરિધાનતણા આ થોક જો,
……. કરમાતાં કંઈ ફૂલ પ્રફુલ્લ જ થાય જો;
કુંકુમના ચીતર્યા છે અહીંઆં ચોક જો,
……. મઘમઘતી આ ધૂપસુગન્ધ સુહાય જો.

ખેલે છે સચરાચરનો એ રાસ જો,
……. શાંતિથી જુઓ ને સહુ જન સાંભળો;
દેવાલય જેવો છે આ આવાસ જો,
……. ન્યાળીને દર્શન કરી સૌ પાછાં વળો.

[કુલ પાન : 174. (પાકું પૂઠું) કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમદાવાદ બતાવું ચાલો – સં. દિનેશ-જયશ્રી દેસાઈ
બે ઘડીની જિંદગી – ‘બેજાન’ બહાદરપુરી Next »   

2 પ્રતિભાવો : ગાઢ નીંદર – ચન્દ્રવદન મહેતા

  1. Anila Amin says:

    સન્સ્કુત કવિ એ કહ્યુ છેને કે ‘ એકો રસઃ કરૂણો બભૂવઃ ” અને ગુજરતી કવિ કાન્તે પણ કહ્યૂ છેનેકે ” આ વાદ્યને

    કરૂણ ગાન વિશેષ ભાવે ” મને પણ કરૂણ કાવ્યો અને કરૂણ ગીતો ખૂબ જ ગમેછે. દીકરીને અન્તિમ વિદાય

    આપવી સહેલીતો નથીજ, આ કાવ્યમા શબ્દો દ્વારા પણ તમે જે સ્વસ્થતા જાળ્વ શક્યા છો એવાચીને તમારી

    માન્સિક પરિસ્થિતિ નો ખ્યાલ આવ્યા વગર રહી શકતો નથી. ખૂબજ સરસ શબ્દન્કન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.