પાડોશીઓ – જ્યોતીન્દ્ર દવે

પાડોશીઓ બહુ જ ઉપયોગી પ્રાણી છે. વતનમાં તો પાડોશી સાથે ઘણા લાંબા વખતનો પરિચય હોવાથી તેમની સાથે આપણે સહેલાઈથી હળી જઈએ છીએ તેમ જ પાડોશી સાથે ન બનતું હોય તો તેના વગર ચાલી પણ શકે છે. પણ પરદેશમાં તો પાડોશી આપણને અણીના વખતે કામ લાગે છે તેથી એને ખુશ રાખવા પ્રયત્નશીલ રહેવું પડે છે. દેવ સર્વત્ર છે, છતાં તીર્થસ્થાનમાં એનો પ્રભાવ વિશેષ ગણાય છે, તેમ પાડોશીની મહત્તા સાર્વત્રિક હોવા છતાં મુંબઈમાં એની મહત્તા બહુ વધારે પ્રમાણમાં છે.

ચાલી બંધાવનારાઓએ ભાડૂતના જીવનમાં કંઈ યે ખાનગી રહેવું જોઈએ નહિ એવા મન્તવ્યથી પ્રેરાઈને બાજુમાં રહેનારા પાડોશીની જોડે વસનારની દિનચર્યા (અને ઘણીવાર તો રાત્રિચર્યા પણ) જોવાની બધી સગવડ કરી આપેલી હોય છે. કોર્ટમાં સાક્ષીને ‘ઈશ્વરને હાજર જાણીને’ સાચું બોલવાના સોગન ખવડાવવામાં આવે છે અને તેમ તે સોગન ખાય છે પણ ખરો, છતાં ઈશ્વરને હાજર જાણીને જ જવાબ દેતો હશે કે નહિ તે કોણ જાણે; પરંતુ મુંબઈમાં રહેનારને તો ‘પાડોશીને હાજર જાણીને જ’ હંમેશાં વર્તવાનું હોય છે. ‘ભોંયમાં પેસી ભોંયરે કરીએ કાંઈ કામ’ વગેરે પંક્તિઓ ઈશ્વરને ઉદ્દેશીને લખાયેલી છે, તેમાં સહેજ ફેરફાર કરી પાડોશીને ઉદ્દેશી કહી શકાય કે :

રસોડામાં પેસી ખૂબીથી કરીએ કાંઈ કામ
પાડોશીથી તોય એ છાનું રહે ન તમામ

આમ પાડોશી ધારે તો બાજુના વસનારના જીવનનો પ્રમાણભૂત સાક્ષી બની શકે. પરંતુ ઘણી વાર, ઈશ્વરની માફક એ પણ પોતાની આસપાસ વસનારાં માટે કેવળ ઉદાસીન વૃત્તિ સેવે છે. પડોશમાં કોણ રહે છે, એ શું કરે છે તે જાણવાની એને જરા પરવા હોતી નથી.

વીસ વીસ વર્ષ થયાં બાજુમાં રહેલા હોવા છતાં પરસ્પર એક શબ્દ પણ બોલ્યા ન હોય એવા પાડોશીઓ મુંબઈમાં અનેક વસે છે. મારે એક વખત ચોપાટી આગળ આવેલી એક નાનકડી ચાલીમાં કોઈકને મળવા જવાનું હતું. હું ચાલી બરાબર જાણતો હતો. કેટલામે માળે એ માણસ રહે છે તે પણ મને ખબર હતી પણ કઈ ઓરડી તે ચોક્કસ જાણતો નહોતો. એ જે માળ પર રહેતો હતો ત્યાં જઈ મેં પહેલી ઓરડીમાં રહેનારને પૂછી જોયું :
‘શું ? કોણ ?’
‘મિ…ની રૂમ ક્યાં છે ?’ મેં પૂછ્યું.
‘ખબર નથી. આગળ પૂછો.’
ત્રણેક ઓરડી વટાવી ચાલીમાં બહાર ઊભેલા એક ગૃહસ્થને મેં પૂછ્યું : ‘મિ…ની રૂમ કઈ ?’
‘મિ…..? એ તો નામના કોઈ માણસ અહીં રહેતા જ નથી.’
‘રહે છે તો અહીં જ.’ મેં જવાબ દીધો.
‘ત્યારે નીચેના માળ પર ખબર કાઢો.’
‘માળ પણ આ જ.’
‘હું વધારે જાણું કે તમે જાણો ? હું વીસ વરસથી અહીં રહું છું.’
‘એ ભાઈ પણ પંદરવીસ વરસથી અહીં રહે છે ને એણે પોતાને હાથે જ સરનામું લખી આપ્યું છે.’ મેં કંઈક નરમ પડી જવાબ દીધો.
‘સરનામામાં ભૂલ થઈ હશે.’ પેલા ગૃહસ્થે ઉત્તર દીધો.

એટલામાં અમે ઊભા હતા તેની બાજુની ઓરડીમાંથી જ હું જેને શોધતો હતો તે ગૃહસ્થ અમારી વાતચીત સાંભળી બહાર આવ્યા.
‘જુઓ આ રહ્યા મિ…. – હું જેના માટે પૂછતો હતો તે. તમે ના કહેતા હતા, પણ અહીં જ રહે છે.’ મેં પેલા ગૃહસ્થને કહ્યું. પણ મારું કહેવું પૂરું સાંભળ્યા વગર એ ત્યાંથી ચાલ્યા ગયા.
મેં આ વાત હું જેમને મળવા ગયો હતો તેમને કહી ત્યારે એમણે ખુલાસો કર્યો : ‘એ મારું નામ નહિ જાણતા હોય એ બનવા જોગ છે. હું પણ એમનું નામ નથી જાણતો. અમે લગભગ વીસ વરસથી સાથે રહીએ છીએ. પણ એકબીજા સાથે બોલ્યા પણ નથી. સાહેબજી સલામનો અમારા વચ્ચે વહેવાર છે. નળ ઉપર કોઈક વાર મળી જઈએ. તે સિવાય એકબીજાને મળતા પણ નથી, તો નામ જાણવાની વાત જ શી ? એ એને રસ્તે ને હું મારે રસ્તે. બીજાની પંચાત કરવાની આપણને શી જરૂર ?’ આવા ‘બીજાંની મારે શી પંચાત ?’ એમ માનનારા પાડોશીઓ મુંબઈમાં છે. પરંતુ મોટે ભાગે તો બીજાની પંચાતમાં જ રસ લેનારા મનુષ્યો, બીજા બધા દેશોમાં હોય છે તેમ, મુંબઈમાં પણ છે. પાડોશી શબ્દ ‘પાડો’ અને ‘ડોશી’ એ બે શબ્દ પરથી બન્યો હોય એમ લાગે છે. કેટલાક પાડોશી પાડા જેવા હોય છે. બીજા ડોશી જેવા હોય છે. અન્ય કોઈ વસ્તુની પરવા કર્યા વિના પોતાનામાં જ મસ્ત થઈ પાડો જેમ પડી રહે છે તેમ આ પ્રકારના પાડોશીઓ આસપાસ કોણ વસે છે, તેઓ કેવા છે ને શું કરે છે વગેરે વસ્તુની પરવા રાખ્યા વગર પોતાના જ તાનમાં મસ્ત રહે છે. બીજા પ્રકારના પાડોશીઓ, પોતાની જીવનલીલા લગભગ સમાપ્ત થવા આવેલી હોવાથી બીજાના જીવનને પોતાનું જીવન માનતી થયેલી ડોશીની પેઠે, બાજુમાં વસનારાંઓની પ્રત્યેક બાબતમાં ઊંડો રસ લે છે.

અતડા રહેનારા પડોશીઓ કરતાં આવા મળતાવડા પાડોશીઓ બહુ ભારે પડે છે. મળતાવડા પાડોશી પણ બે પ્રકારના હોય છે. મિત્રભાવે આવનારા ને શત્રુભાવે આવનારા. પાડોશીઓને એક વાર બરાબર ઓળખી લીધા પછી તેનાથી કેમ ચેતતા રહેવું એ આપણને સહેલાઈથી સમજાય છે. આપણી પાસે આવીને અથવા આઘા રહીને પણ એ આપણી છાની વાતો ભેગી કરે છે, તેમાં પોતાની તરફનો ઉમેરો કરે છે અને પછી દાનવીરની પેઠે જગતને ચરણે એ રસભંડોળ ધરે છે. આપણે ખાવાના શોખીન હોઈએ, અઠવાડિયે એકાદ વાર મિષ્ટાન્ન બનાવી જમતા હોઈએ તો ‘અરે ! એ લોકો તો એવાં ખાઉધરાં છે ! દરરોજ મિષ્ટાન્ન બનાવીને ઉડાવે છે, કેટલીક વાર તો દહાડામાં બે વાર ખાય છે.’ એવી વાત ધીરે ધીરે એ પ્રસારે છે. મુંબઈમાં બહુ ખાવું સારું નહિ એમ માની એક વાર જમીને ચલાવતાં હોઈએ તો ‘અરે ! ભૂખડીબારસ છે ભૂખડીબારસ ! પૂરુંપાધરું બે વાર જમતાં પણ નથી. બાઈસાહેબને રાંધવું ગમતું નથી, ને ભાઈ ચાલો પૈસો બચે છે કહી ચલાવે છે.’ એમ એ લોકોને કહેતા ફરે છે.

આવા સવાઈ સેન્સર જેવા પાડોશીની પાસે નવાં પરણેલાં દંપતીને રહેવાનું આવે છે, ત્યારે તેમની સ્થિતિ દયાજનક થઈ જાય છે. દંપતી રસિક હોય – અને તરતનાં પરણેલાં કોણ રસિક નથી હોતાં ? – તો આવા પાડોશી તેમને લગભગ ખાઈ જાય છે : ‘દુનિયામાં કોઈ પરણ્યાં હશે કે નહિ ? આ તો સાવ બેશરમ લાગે છે. બાઈડીને સાથે લઈને રોજ ફરવા જાય છે ને ઘેર પણ મોટાંનાનાંનો મલાજો રાખ્યા વિના સાથે હિંચોળે હીંચે છે !’ પેલાં નવદંપતીની નિર્લજ્જતાની વાત સાંભળનાર ‘ત્રાહિ ત્રાહિ’ પોકારે એવી રીતે વધારી વધારીને મીઠુંમરચું ભભરાવીને તેઓ કહે છે. ખાસ કરીને સ્ત્રી ભણેલી હોય, બંને નવાં પરણેલાં હોય અને પાડોશમાં કાઠિયાવાડમાંથી તરતની આવેલી વૃદ્ધ કુલાંગના હોય ત્યારે જગતને ઘણું જાણવાનું મળે છે. કાઠિયાવાડનાં રહેવાસીઓ-ખાસ કરીને વૃદ્ધ વયનાં સ્ત્રીપુરુષો-મુંબઈમાં પણ પોતાની જોડે કાઠિયાવાડ લેતાં આવે છે. એમની સાથે ગમે એટલો પરિચય થાય છતાં સ્ત્રીવર્ગ સાથે બોલી શકાય નહિ. સુરતભરૂચના રહેવાસીઓને આ વાતની ખબર હોતી નથી. અને ભૂલ્યેચૂક્યે પાડોશમાં વસતા કાઠિયાવાડી મિત્રની સ્ત્રી અથવા બહેન સાથે એ બોલવા જાય છે તો એના બાર વાગે છે.

એક વખત મુંબઈની પ્રચલિત પ્રથા અનુસાર ઓરડીએ તાળું દઈ પાડોશીને કૂંચી આપવા હું ગયો. પાડોશી બહાર ગયા હતા. એમનાં પત્ની રસોડામાં હતાં !
‘નથી’ અંદરથી જ એમણે જવાબ દીધો.
‘આ કૂંચી’ કહી કૂંચી આપવા મેં ઘરમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો, તો દીવાનખાનામાં બેઠેલી સ્ત્રી તરત દોડીને રસોડામાં ભરાઈ ગઈ ને અંદરથી બારણાં દઈ દીધાં ! મને આ વિચિત્ર વર્તનનો અર્થ ન સમજાયો. પાછળથી ખબર પડી કે સ્ત્રી અને પુરુષે (પતિપત્ની હોય તો દિવસે અને પતિપત્ની ન હોય તો કોઈ પણ વખત) એક ઓરડામાં સાથે રહેવું કે બોલવું એ મહા ભયંકર પાપ છે. પુરુષ ઉંબરાની બહાર હોય અને સ્ત્રી ઓરડાની અંદર હોય, બંને વચ્ચે ગમે એટલો સંબંધ હોય, તોપણ સ્ત્રી તે સ્ત્રી અને પુરુષ તે પુરુષ. એ બંનેની એકબીજા સાથે પ્રત્યક્ષ રીતે વાત થઈ જ ન શકે. રાવણ એ જ પ્રમાણે સીતાને હરી ગયો હતો. પુરુષ માત્ર રાવણ છે, સ્ત્રી માત્ર સીતા છે. પુરુષ એને ઊંચકી જવા માટે અને સ્ત્રી, લક્ષ્મણ સમા વૃદ્ધજનોએ આંકેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવાને, હંમેશા આતુર હોય છે.

વાતચીત તો આઘી રહી પણ પુરુષ સ્ત્રીને જુએ એટલે જ બંનેના પતનનો આરંભ થાય છે. આથી જ સ્ત્રીઓને બુરખામાં રહેવું પડે છે અથવા તો પોતાના એકલ રાજ્ય – રસોડામાં જ રહેવું પડે છે. તેનો સીમાડો ઓળંગતાં લાજ કાઢી ઘૂમટો તાણ્યા પછી પણ સ્ત્રીથી પાડોશી સાથે વાત ન થાય. ફેરિયા પાસે વસ્તુ વેચાતી લેવાની હરકત નથી. કેટલીક ચતુર સ્ત્રીઓ ઘૂંઘટપટની અંદરથી પણ બધી વસ્તુનું દર્શન કરી શકે છે. પણ કોઈક એવી પણ છે, જે બિચારી ઘૂમટાની અંદરથી કશું પણ જોઈ શકતી નથી. આવી એક નવી પરણીને આવેલી સ્ત્રીએ, ‘ફેરિયા પાસે શાક લઈ મૂકજે’ એવી ઑફિસ જતી વેળા પતિએ કરેલી આજ્ઞાનું પાલન કરતાં ઈંડાં વેચનારને ભીંડાં વેચનારો ધારી, તેની પાસેથી ‘પૈસાના દે’ કહી બૂમ પરથી ભીંડાને બદલે ઈંડાં ખરીદ કર્યાં. ઓરડીની અંદર ગયા પછી જોયું તો ઈંડાં માલૂમ પડ્યાં. પણ ફેરિયાને બૂમ પાડીને બોલાવાય શી રીતે ? સાંજે પતિદેવ ઘેર આવ્યા અને તેમને પત્નીની ભૂલ માલૂમ પડી ત્યારે ખીજવાવાને બદલે તેઓ ખુશ થયા ! ‘ગમે તેમ, પણ તેણે ફેરિયાનું મોઢું તો ન જ ભાળ્યું ના ! પરપુરુષને દેખ્યો નહિ ઈ બસ છે.’

પણ આવા પાડોશીઓ કરતાં પણ થોડા વખતમાં ગાઢ મૈત્રી બાંધી દેનારા પાડોશી સાથે રહેવું બહુ કષ્ટરૂપ છે. ત્રણ દિવસમાં તો ત્રણ ભવનો પરિચય હોય એવી રીતે એઓ વર્તવા માંડે છે. દુર્ભાગ્યે એક કચ્છી પાડોશી સાથે મારે એક વરસ ગાળવું પડ્યું હતું. એમને પોતાને ત્યાં રહેવું ગમતું જ નહિ. આખો વખત મારી ઓરડીમાં જ બેસતા. રાતના મને ઊંઘ ઘણી આવતી હોય તોપણ એ જતા નહિ. ત્યારે હું કહેતો : ‘હવે મને બહુ ઊંઘ આવે છે.’ ત્યારે એ જવાબ દેતા ‘ભલે ઊંઘી જાઓ. હું તો આ બેઠો છું.’ છેવટે કંટાળીને હું દીવો હોલવી નાંખતો, ત્યારે એ પાછો સળગાવતા અને સ્મિત કરીને બોલતા, ‘એમ કાઢી કાં મેલો ? હું હમણાં નથી જવાનો. હજી તો કલાક બેસવાનો છું.’ અને કલાક તો શું પણ દોઢબે કલાક બેસતા ! – મારે કહેવું જોઈએ કે એ પાડોશીથી કંટાળીને મારે ઘર ખાલી કરીને બીજે જવું પડ્યું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારોનાં ઝરણાં – રમેશ સંડેરી
કામનાનું સ્વરૂપ કેવું છે ? – ભાણદેવ Next »   

19 પ્રતિભાવો : પાડોશીઓ – જ્યોતીન્દ્ર દવે

 1. Dhiren Shah says:

  Very Nice Article!

 2. Pinky says:

  Jyotindrabhai’s articles are always best.

 3. nayan panchal says:

  પહેલો સગો તે પાડોશી, પણ બધા સગાંય ક્યાં કામના હોય છે?

  સરસ લેખ, આભાર.
  નયન

  • Dipti Trivedi says:

   મન મળે તો ઠીક, નહી તો બસ નામના હોય છે.

   ખાલી પાદપૂર્તિ કરું છું .

   • nayan panchal says:

    દિપ્તીબેન,

    આ તો સરસ જોડકણુ થઈ ગયુ.

    પહેલો સગો તે પાડોશી, પણ બધા સગાંય ક્યાં કામના હોય છે?
    મન મળે તો ઠીક, નહી તો બસ નામના હોય છે.

    આભાર.

 4. સરસ હાસ્યલેખ છે. ખુબ મજા આવી.

  હવે તો અમદાવાદ જેવા શહેરોમાં પણ પાડોશમાં કોણ રહે છે એ લોકોને ખબર હોતી નથી. પણ પાડોશીઓ ગમે એવા હોય જરુર પડે કામમાં ખુબ આવે છે.

 5. Mardav Vaiyata says:

  ખુબ જ સરસ લેખ છે.
  જ્યોતિન્દ્રભાઇ ના બધા લેખો ખુબ સરસ હોય છે.
  આ લેખ બદલ ખુબ આભાર.

 6. zeel says:

  સરસ જ્યોતિન્દ્રદવે ના નેબર. ઃ-)

 7. zeel says:

  સરસ જ્યોતિન્દ્રદવે ના નેબર 😉 અમારા ત્યા પન કઇક આવા જ લોક હે.

 8. જગત દવે says:

  જે તે સમયનાં પાડોશીઓનાં પ્રકાર અને વર્તાવ નું વર્ણન આજનાં ભારતમાં આવેલાં સામાજીક પરિવર્તનનો નિર્દેશ કરે છે.

  કાઠિયાવાડનાં રહેવાસી હોવા છતાં લેખકે વર્ણવેલાં “કાઠિયાવાડનાં રહેવાસીઓ” જેવાં પાડોશી આજ સુધી નથી ભટકાયા. 🙂

  ટેલિવિઝનયુગ ના આગમનની ભારતનાં પાડોશ-જીવન પર બહું મોટી અસર પડી છે.

  લેખકે વર્ણવેલ છે તેવા વિશિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતાં લોકો પણ હવે જવલ્લે જ જોવા મળે છે. ઈન્ટરનેટ યુગનાં આગમન સાથે વૈશ્વિક સમાનતા આવી ગઈ છે પહેલાં “બાર ગાઊ એ બોલી બદલાય જતી” હવે તો બોલી, પહેરવેશ, બાંધકામ બધાં માં સમાનપણું આવતું જાય છે. જે ધણીવાર ‘બોરીંગ’ પણ લાગે છે.

 9. usha says:

  જ્યોતિન્દ્ર દવે ના દરેક લેખ હાસ્યનો ખજાનો અને ઉત્તમ કોટિનું ગણી શકાય એવા સાહિત્ય પ્રકારમાં હાસ્યરસ લઈ આવવાને ક્ષમતા તેઓ ધરાવે છે. તે અંગે કોઈ બેમત ન હોઈ શકે. ઉષા

 10. tejas says:

  પેટ દુખિ ગયુ હસિ હસિ ને…જોડનિ ભુલો માફ કરશો.. એક્દુમ સત્ય વાત લખિ છે.

 11. Vaishali Maheshwari says:

  Ha Ha Ha, good one. Thanks for sharing.

 12. Rachana says:

  પાડોશી શબ્દ ‘પાડો’ અને ‘ડોશી’ એ બે શબ્દ પરથી બન્યો હોય એમ લાગે છે………………ખરેખર ખુબજ ગંભીર વાતો આટલી રસાળ અને રમુજી રીતે ફક્ત અને ફક્ત જ્યોતિન્દ્ર દવે જ વર્ણવી શકે….

 13. Vaishnav Niket R says:

  Best story of neibour

 14. Tanmay says:

  ખુબ જ સુન્દર લેખ છે. મઝા પડી ગઈ.

 15. sejal umrigar says:

  Best story of neibour

 16. sejal umrigar says:

  very good story on neighbour

 17. jayanti patel says:

  intresting artical

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.