વિચારોનાં ઝરણાં – રમેશ સંડેરી

[ મહાપુરુષોના સુવાક્યો પર જીવનનું આગવું ચિંતન રજૂ કરતાં ‘વિચારોનાં ઝરણાં’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે – સ્વામી રામતીર્થ

આખર નસીબ કે ભાગ્ય શું હશે ? નસીબ ઈશ્વરદત્ત હશે કે પછી આપણાથી જ ઘડાતું હશે ? નસીબમાં કોઈ માને છે તો કોઈ નથી માનતું, ખરું ને ! સૌપ્રથમ તો નસીબનો અર્થ સમજીએ તો સ્વામી રામતીર્થના ઉપરોક્ત વિધાનને સમજવું વધુ અનુકૂળ રહેશે. ઓછી મહેનતે વધુ ફાયદો થાય તે નસીબદાર કહેવાય છે અને ખૂબ મહેનત કરવા છતાં ઓછો ફાયદો કે નુકશાન થાય તો કમનસીબ કે ફૂટેલા નસીબવાળો કહેવાય છે. આખી જિંદગી પરિશ્રમયુક્ત અને નીતિમય કમાણી કરી હોય છતાંય દુર્ભાગ્ય આડે ને આડે આવતું હોય એવાં અનેક દષ્ટાંત જોવા મળતાં હોય છે. તો વળી સાવ ઓછી મહેનત કે અનીતિયુક્ત, સખત પણ પરસેવો પાડ્યા સિવાયની મહેનતની કમાણી હોય, તોપણ સાત નહિ, સિત્તેર પેઢીઓ ચાલે એટલો પૈસો હોય એવા માણસોય આ દુનિયામાં જોવા મળતા હોય છે. એમ ક્યારેક વગર મહેનતે અણધાર્યો લાભ થતો હોય એવાં દષ્ટાંત પણ જોવા મળતાં હોય છે. એટલે નસીબ હોવું જોઈએ એમ માન્યા વિના ન ચાલે – પછી ભલે એ સદભાગ્ય હોય, મધ્યમ ભાગ્ય હોય કે કમભાગ્ય જ કેમ ન હોય !

આમ છતાં ‘નસીબ હશે તો મળશે’ એમ માનીને બેસી તો ન જ રહેવાય. સદભાગ્ય વધુ ફાયદો અપાવી શકે અને દુર્ભાગ્ય ઓછો ફાયદો કે નુકશાન અપાવી શકે તો પણ પરિશ્રમી અને સંતોષી માણસને દુર્ભાગ્યનો વરવસો રહેતો નથી. વળી ‘પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે’ એ વાત ભૂલવા જેવી નથી, કેમ કે પુરુષાર્થ જ નસીબને ઘડે છે. પાલશિરર તો કહેતા કે ‘આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે.’ એનો અર્થ એ કે પુરુષાર્થ ભાગ્યને ઘડે છે. અહીં કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. અગાઉના જન્મમાં બાવળ વાવ્યા હોય તો આ જન્મે કાંટા જ મળે અને આંબા વાવ્યા હોય તો કેરીઓ જ મળે. જેવો પુરુષાર્થ-જેવું કર્મ, એવું કર્મફળ. એટલા માટે સારા પ્રકારના પુરુષાર્થનું અહીં મહત્વ છે. એનો અર્થ એ કે પુરુષાર્થ સાથે સદાચરણ પણ હોવું જોઈએ. નહિતર આપણો હવે પછી આવનાર અવતાર બગડવાનો એમાં શંકા શી ? નસીબદારનું નસીબ પણ કંઈ દરેક બાબતમાં સારું નથી હોતું. ક્યારેક પૈસાની રેલમછેલ હોય પણ સંતાન ન હોય, ક્યારેક વિપુલ ધન હોય પણ સંતાનો જ દારૂડિયા અને વ્યભિચારી હોય, ક્યારેક ધન-વૈભવ હોય પણ શારીરિક સ્વાસ્થ્ય કથળેલું રહેતું હોય, ક્યારેક સંતાનો માટે ઘણુંબધું કર્યું હોય છતાં એ જ સંતાનો આપણી સાથે દુશ્મનથી પણ ભૂંડો વર્તાવ કરતાં હોય એવું પણ જોવા મળતું હોય છે. તો વળી ક્યારેક આપણે ભૂંડા-નાલાયક-કપટી હોઈએ છતાં આપણાં સંતાનો સારાં હોય એ પણ સંભવિત છે. આ બધો કુદરતનો ખેલ છે એમ કહીએ તોપણ એ કુદરત અન્ય કોઈ નહિ, આપણા ઈરાદાઓ, આપણો પરિશ્રમ, આપણી નીતિ-અનીતિ, આપણી ભાવનાઓ, આપણી અધૂરી ઈચ્છાઓ ઈત્યાદિ વડે આપણાથી જ ઘડાયેલાં કર્મોના પરિપાકરૂપે રચાયેલા ‘કર્મકોષ’ (કારણશરીર) સ્વરૂપે, જે આપણી અંદર સુક્ષ્મરૂપે રહેલ છે એ કુદરત આપણાથી જુદી નથી. આપણે જ એ કુદરત કે ઈશ્વર છીએ. આમ નસીબને ઈશ્વરાધીન કહીને આપણે ઈશ્વરને દોષ દઈએ કે ઈશ્વરની પ્રશંસા કરીએ તોપણ એ ઈશ્વર ખુદ આપણે જ છીએ. આમ નસીબ ઘડનાર ઘડવૈયો તો આપણે પોતે જ છીએ એ ભૂલવા જેવું નથી. એટલે જ સ્વામી રામતીર્થ કહેતા કે ‘મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.’

નસીબ વિશે આટલી ચર્ચા કર્યા પછી એમ નથી લાગતું કે નસીબ તો પરિશ્રમ (સારા કે ખરાબ)ની પાછળ ને પાછળ આવતું હોય છે, પણ દેખાતું નથી ? વળી જ્યારે ખરાબ કે સારું નસીબ અનુભવાય છે ત્યારે એ કેવી રીતે આવ્યું એ દેખાતું નથી. માટે સદવિચાર, સદાચરણ તથા પરિશ્રમને મહત્વ આપીને આપણી આવતી કાલને સુધારવી જ રહી. તુલસીદાસ તો કહેતા કે ‘ભાગ્યમાં હોય એને કોઈ મિટાવી શકતું નથી.’ વાત તો સાચી છે. કર્મનું સારું કે ખરાબ ફળ ભોગવવું જ રહ્યું. આમ છતાં સારું ફળ ભોગવતાં-ભોગવતાં છકી ન જવાય અને ખરાબ ફળ ભોગવતાં ભોગવતાં હિંમત હારી ન જવાય એ પણ એટલું જ અગત્યનું છે. મહદંશે તો સારું ફળ ભોગવનારા છકી જતા જોવા મળે છે. અતિશય ધન-વૈભવ, સત્તા ઈત્યાદિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. એટલે અતિસારું ફળ મેળવનારા ભાગ્યે જ સજ્જન રહી શકે છે. વળી જે લોકો ગરીબ છે અને અન્ય બાબતમાં પણ કમનસીબ છે તેઓ જો હિંમત ન હારે અને સત્કાર્યો-સહ પરિશ્રમ જાળવી રાખી સંતોષને જીવનમાં સ્થાન આપે, તો આવતો ભવ સુધરી જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. અહીં કર્મની બલિહારી છે. આમ છતાં કર્મનાં બંધન ઘણુંખરું ભાવનાથી બંધાતાં હોય છે. માટે કર્મ કરતાં-કરતાં સારો-ઊંચો ભાવ રાખવો. બીજી રીતે કહીએ તો પૉઝિટિવ વિચારસરણીયુક્ત ભાવ આ ભવમાં પણ સંતોષ-સહ શાંતિ સ્થાપશે અને આવનારા ભવમાં પણ સુખ-શાંતિસહ સંતોષ પ્રદાન કરશે.

શીલનાથે સરસ મજાની એક વાત કરી છે. તેઓ કહેતા કે, ‘પુરુષાર્થી તે, જે ભાગ્યની રેખા બદલી શકે.’ તો વળી તુલસીદાસ કહેતા કે ‘ભાગ્યને કોઈ મિટાવી શકતું નથી.’ વિરોધી લાગતાં આ બંને વિધાનો વાસ્તવમાં વિરોધી નથી. સાચા પુરુષાર્થીને દુર્ભાગ્યનો વસવસો હોતો નથી, કેમ કે તે પરિશ્રમ સિવાય અન્યને મહત્વ આપતો નથી. પરસેવાની નીતિયુક્ત કમાણી સાથે શારીરિક સ્વાસ્થ્ય, મનની તંદુરસ્તી, સારી ઊંઘ, નિંદાનો અભાવ, સાદગી અને શાંતિ જાણ્યે-અજાણ્યે આવી વસતાં હોઈ દુર્ભાગ્ય એને શું કરી શકે ? રોગી જો યોગ્ય દવા અને સાત્વિક ખોરાક લે તથા ચરી પાળે તો રોગ હળવો થાય કે ભાગી જાય એના જેવી આ વાત છે. એટલે જ શીલનાથે કહેલું કે : ‘પુરુષાર્થી તે, જે ભાગ્યની રેખા બદલી શકે.’ અલબત્ત ‘ભાગ્ય મિટાવી શકાતું નથી’ તો-પણ પુરુષાર્થીને દુર્ભાગ્યની હેરાનગતિની અસર થતી ન હોવાથી અને પછી આવનારા અવતારનાં ઉત્તમોત્તમ કર્મફળ આ ભવમાં બંધાતાં હોવાથી ભાગ્યની રેખા દુર્ભાગ્યને બદલે સદભાગ્યમાં પરિવર્તિત થતી ન ગણાય ? એટલે જ ગોલ્ડસ્મિથે કહ્યું હતું કે ‘સદભાગ્ય હંમેશાં પરિશ્રમની સાથે જ ચાલે છે.’

અહીં સુધી નસીબના સંદર્ભે આપણે જે ચર્ચા કરી તે મહદંશે સારા પછી ખરાબ અને ખરાબ પછી સારા કર્મફળની હેરાફેરી પૂરતી મર્યાદિત છે. અહીં સંસારચક્રમાં બાંધી રાખનાર નસીબની વાત છે, પછી ભલે એ સારું બંધન હોય કે ખરાબ. નસીબના સંદર્ભે થોડી ઊંચી વાત કરીએ તો પૂજ્ય મોટાના એક વિધાનને સમજવું જ રહ્યું. તેઓ કહેતા કે ‘બીજાના દિલને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો નસીબદાર બીજો કોઈ નથી.’ દિલથી જ દિલને જીતી શકાય. દિલથી દિલને સમજી શકાય. અન્યનું દિલ જીતી લઈએ એ તો ઉત્તમ છે જ. એમાં તો બંને તરફ ખુશી જ ખુશી. પરંતુ પોતાની જાતને જીતી લઈએ ત્યારે તમામ સમસ્યાઓ હલ થઈ જાય છે, તમામ મથામણો વિખેરાઈ જાય છે અને સાર્વત્રિક ખુશી લહેરાય છે. પોતાનામાં અને અન્યમાં કોઈ ભેદ રહેતો નથી. સદા શાંતિ, સદા પ્રેમ, સદા પ્રસન્નતા તથા સદા સંતોષથી ભર્યા ભર્યા દિલની સ્થિતિ તો ‘પોતાની જાતને જીતી’ લીધા વિના શી રીતે ઉદ્દભવે ! જ્ઞાનીઓ કે આત્મજ્ઞાનીઓ આ જ બાબતને ‘પોતાની જાત જાણી’ લેનાર તરીકે ઓળખે છે અને એમને સર્વશ્રેષ્ઠ નસીબદાર ગણે છે. આમ, ‘પોતાની જાતને જીતી લેનાર’ અર્થાત ‘પોતાની જાતને જાણનાર’ જેવો બીજો કોઈ નસીબદાર હોઈ શકે નહિ. શું મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો નથી ?
.

[2] ખરેખર મહાન માણસ તે છે, જે કોઈના પર સવાર થતો નથી અને જેના પર કોઈ સવાર થઈ શકતું નથી. – ખલિલ જિબ્રાન

મહાન માણસ કોને કહેવો એ બાબત ખલિલ જિબ્રાનના આ એક જ વિધાન પરથી સારરૂપે સમજાઈ જાય છે. મહાન એટલે મોટું, ભવ્ય કે મહત્તાવાળું કહી શકાય. મહાન માણસ એટલે ગૌરવશાળી પુરુષ, મોટા મનવાળો કે મહત્વનો પ્રતિષ્ઠિત પુરુષ કહેવાય. મહાનતામાં પણ વૈવિધ્ય તો હોવાનું. વીર, શહીદ કે મહાત્મા એ બધા મહાન માણસો છે. સદા પ્રસન્ન રહેતો પ્રેમાળ માણસ પણ મહાન જ છે. અત્યંત ગુણવાન પુરુષો પણ મહાન જ ગણાય. કોઈ એક ક્ષેત્રમાં ઉત્તમોત્તમ હોવું એ જે-તે ક્ષેત્રમાં ઊભરી આવેલી મહાનતા છે. તો શું નિરભિમાની કે નમ્રતાનો અવતાર એ પણ મહાન પુરુષ ન કહેવાય ? જેનામાં કોઈ ખાસ પ્રકારની સાત્વિક વિશેષતા ચરમસીમાએ પહોંચેલી હોય, છતાં અન્ય કોઈપણ પ્રકારની નબળાઈ પણ ન હોય ત્યારે એ મહાન માણસ કહેવાય. ભક્તિ, જ્ઞાન કે કર્મનાં ક્ષેત્રે, સાહિત્ય, કલા, સમાજસેવા, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજનીતિ, રાષ્ટ્રપ્રેમ ઈત્યાદિ ક્ષેત્રોમાં પેદા થયેલા મહાન માણસોને આપણે જાણીએ જ છીએ. સંતો, પયગંબરો, દિવ્ય પુરુષો અને અવતારો એવા મહાન માણસો આ સૃષ્ટિમાં પેદા થયેલા છે અને થતા પણ રહેવાના.

મહાન માણસ માટે આપણા ખ્યાલ કંઈક ભિન્નભિન્ન હોવા છતાં એમાંનું સારતત્વ તો એક જ છે. યુગપુરુષો અવારનવાર પેદા થતા રહે છે અને જે તે સમયે સમયના વહેણ અનુસાર ઉત્તમોત્તમ આચરણ કરીને દિશાસૂચન કરી જતા હોય છે. સમય સાથેનું એ નોખું, નિરાળું અને સૌંદર્યસભર અતિ-તેજસ્વી વ્યક્તિત્વ લાખો-કરોડોનાં દિલ જીતી લે છે. સૌ કોઈ સાથેનું એમનું પ્રેમભર્યું વર્તન, એમની નમ્રતા, એમના ઉચ્ચ વિચારો સહજતાથી ફેલાઈ જવામાં એમનામાં રહેલી કોઈ એવી દિવ્યતા મોટા-વિશાળ સમુદાયના માણસોને સ્પર્શી જઈ મહેકી ઊઠે છે ત્યારે એ મહાન માણસ નહિ તો બીજું શું વળી ? નરસિંહ મહેતા, મીરાંબાઈ અને કબીર જેવી ભક્તિપ્રધાન મહાન વ્યક્તિઓ હતી; તો સૉક્રેટિસ, ઍરિસ્ટોટલ, શેક્સપિયર, બર્નાર્ડ શૉ કે જે. કૃષ્ણમૂર્તિ જેવી અતિ ઉચ્ચ ચિંતક પ્રતિભાઓ પણ મહાન ન હતી ? રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે ઈશુ જેવી દિવ્ય મહામાનવ અવતારી વ્યક્તિઓએ પણ આ જગતને મહેકતું રાખવામાં જબરજસ્ત ફાળો આપ્યો જ છે ને ! આર્કીમિડિઝ, ગેલેલિયો, ન્યુટન, ફેરેડે, ફોર્ડ અને આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોએ આપણી ભૌતિક સુખાકારી વધારવા શું ઓછો ફાળો આપ્યો છે ? રાજા જનકથી માંડીને વિક્રમ, અશોક, અકબર, શિવાજી, સયાજીરાવ ગાયકવાડ અને ગોંડલનરેશ સુધીના નાનામોટા રાજાઓ પણ પોતાની સુવાસ મૂકતા જ ગયા છે. મહાન સંગીતસમ્રાટો, ગીતકારો અને ગાયકો, મહાકવિઓ, લેખકો, કથાકારો, નાટ્યકારો, ચિત્રકારો, સંતો, ભક્તો, કર્મવીરો, શહીદો, વીરપુરુષો, મહાત્માઓ, વૈજ્ઞાનિકો, સમાજસેવકો અને પ્રબુદ્ધોની મહાનતાથી આપણે અજાણ નથી જ. સૃષ્ટિની સુંદરતાને અખંડ રાખનારાં આવાં નિઃસ્વાર્થી, નમ્ર, કાર્યદક્ષ, પ્રેમાળ, સદા ઉપયોગી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વો મહાન નહિ તો બીજું શું કહેવાય ?

ગૌરવશાળી, મોટા મનવાળો અને મહત્વનો માણસ મહાન કહેવાય છે. આવા માણસને માણસાઈથી છલકાતો કહીએ તોપણ અધૂરપ ગણાશે. માણસાઈથી પણ એક ડગલું આગળ હોય એવી દિવ્યતાથી એ શોભી ઊઠતો હોય છે. આવો માણસ સૌ-કોઈને પ્રિય હોય છે, કેમ કે એ સૌ-કોઈનું ભલું કરતો અને ભલું ઈચ્છતો હોય છે. વળી એ કોઈના પર સવારી કરનાર હોતો નથી, અર્થાત એ કોઈનું ભૂડું કરતો નથી, અપમાન કરતો નથી કે નિંદા કરતો નથી. લડાઈ-ઝઘડો એના સ્વભાવમાં જ હોતો નથી. એનામાં અહંકાર ન હોવાને કારણે નમ્રતા સહજપણે ખીલેલી હોય છે. એ સદા ખુશ, સદા કાર્યદક્ષ, સદા ગુણવાન, સદા નિઃસ્વાર્થી અને સેવા-પરાયણ હોવા છતાં એનામાં પોતાનું કોઈ એક કે વધુ ક્ષેત્રોમાં આગવું ઉચ્ચતમ વ્યક્તિત્વ, આગવી ભવ્યતા, આગવી મહત્તા છલકાતાં હોય છે. વળી એનું વ્યક્તિત્વ સ્વાભિમાની પણ ખરું જ. એના પર કોઈ ચડી બેસે (સવારી કરે) એવો એ નામર્દ પણ હોતો નથી, કેમ કે એ નિઃસ્વાર્થી હોય છે. ગમે તેવો કહેવાતો મોટો માણસ પણ એના પર સવાર થઈ શકતો નથી, કેમ કે એ ડરપોક હોતો નથી. તે પોતાની સચ્ચાઈને નિખાલસપણે તથા નમ્રતાથી અભિવ્યક્ત કરે છે, પરંતુ એની નમ્રતા સાચા અર્થમાં હોઈ એ નમાલાપણું નથી. નમ્રતાની સાથે એનામાં પ્રેમાળ ખુમારી પણ ભારોભાર હોય છે. આવી મહાન વ્યક્તિઓ લખીને, બોલીને, દોરીને, ગાઈને, ભજવીને કે બીજી કોઈ રીતે પોતાને જે સાચું લાગે છે તે ગમે તેવા સંજોગોમાં રજૂ કરીને સમાજજીવનમાં આગવી ક્રાંતિ સર્જે છે, આગવું સૌંદર્ય ખીલવે છે.

આમ એ પોતાના પર કોઈને નથી તો સવાર થવા દેતો, નથી તો કોઈના પર સવાર થતો. જો એ સવાર થાય તો કૃત્રિમ મોટાઈ પેદા કરી કહેવાય અને સવાર થવા દે તો માયકાંગલો (ભીરુ) કહેવાય. સાચી મોટાઈ એ સંતનું લક્ષણ છે અને નિર્ભયતા એ વીરનું લક્ષણ છે. આ બંનેનું સુંદર મિલન થયું હોય ત્યારે એ મહાન પુરુષ બને છે. સંત પણ નિર્ભય હોય તો જ સાચો સંત અને વીર પણ સંતના ગુણોથી સુશોભિત હોય તો જ એ સાચો વીર. રાજા જનક સિવાય ભાગ્યે જ કોઈ રાજા થયો હશે જે યોગી (સંત) અને વીર સમાનપણે એકસાથે હોય. મહાન પુરુષોમાં સંત અને વીરનાં એમ બંને પ્રકારનાં લક્ષણો તો હોવાનાં, પરંતુ એઓમાં આ પ્રમાણ ઓછું-વત્તું હોવાનું. એથી તો મહાન પુરુષો વૈવિધ્યસભર હોય છે. ગેલેલિયો અને સૉક્રેટિસે મોતની પરવા કર્યા સિવાય પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં જ હતાં, જેણે એ સમયે ક્રાંતિ સર્જી હતી. ગાંધી-બાપુએ અંગ્રેજો સામે અહિંસા અને સત્યના હથિયાર વડે પ્રેમાળ લડાઈ કરીને આઝાદી અપાવી હતી. ભગતસિંહે હસતે મુખે ફાંસી ગ્રહણ કરીને વીરત્વની મહાનતા બતાવી હતી. આવી વિવિધ ક્ષેત્રોમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ કોઈના પર સવાર થઈ ન હતી અને કોઈ એમના પર પણ સવાર થઈ શક્યું ન હતું.

[કુલ પાન : 214. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ઘડીની જિંદગી – ‘બેજાન’ બહાદરપુરી
પાડોશીઓ – જ્યોતીન્દ્ર દવે Next »   

7 પ્રતિભાવો : વિચારોનાં ઝરણાં – રમેશ સંડેરી

 1. વિચારો ના ઝરના નહિ પન વિચારો નો દરિયો નસિબ ને દોશ ના આપો પુરુશાર્થ કરો

 2. dhruva says:

  My friend Binita Brahmbhatt told me once about fate
  “whaterever good/bad we do to others is reflecting at later time as good/bad fate for us”

  I believe she is right..!

  • Binita says:

   First of I really do like this article..suggested by u dhruva…

   One more comment here, If u know Param Pujya Pramukh swami maharaj and more you know about him, I realize that he is the Yugpurush on the earth.

   As author said..” યુગપુરુષો અવારનવાર પેદા થતા રહે છે અને જે તે સમયે સમયના વહેણ અનુસાર ઉત્તમોત્તમ આચરણ કરીને દિશાસૂચન કરી જતા હોય છે. સમય સાથેનું એ નોખું, નિરાળું અને સૌંદર્યસભર અતિ-તેજસ્વી વ્યક્તિત્વ લાખો-કરોડોનાં દિલ જીતી લે છે. સૌ કોઈ સાથેનું એમનું પ્રેમભર્યું વર્તન, એમની નમ્રતા, એમના ઉચ્ચ વિચારો સહજતાથી ફેલાઈ જવામાં એમનામાં રહેલી કોઈ એવી “દિવ્યતા મોટા-વિશાળ સમુદાયના માણસોને સ્પર્શી જઈ મહેકી ઊઠે છે

 3. Chintan says:

  ખુબજ સરળ શબ્દોમાં રજુઆત ગમી ગઈ. બંને વિચારો ખુબજ ઉમદા છે.

 4. nayan panchal says:

  સારા લેખ છે. પરંતુ ગાંધીજીએ અંગ્રેજો સાથે પ્રેમાળ લડાઈ કેવી રીતે લડી હતી તેની સમજણ ન પડી.

  આભાર,
  નયન

 5. Anurag says:

  We cant compare Mr.Gandhi and sahid bhagat sinh. We gives sacrifice of real coconut in temple and coconut without water, we decorate it as a show piece.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.