ગુજરાતી બ્લૉગ અને વેબસાઈટનું જગત – મૃગેશ શાહ

[ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર એટલે ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક. આ માસિક દ્વારા પ્રતિવર્ષ દીપોત્સ્વી અંક નિમિત્તે ખાસ વિશેષાંક પ્રકાશિત કરવામાં આવે છે. આજ સુધીમાં એ રીતે કુલ 20 વિશેષાંકો પ્રકાશિત થયા છે જે ઉત્તમ પ્રકારના સંપાદનોમાં ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. જેવા કે ‘બાળ-કિશોરસાહિત્ય વિશેષાંક’, ‘નવલકથા અને હું’, ‘ટૂંકીવાર્તા અને હું’, ‘રજતપર્વ ગદ્ય-પદ્ય વિશેષાંક’, ‘કાવ્યાસ્વાદ વિશેષાંક’ વગેરે… ચાલુ વર્ષે સ્વર્ણિમ ગુજરાતના સુઅવસરે ‘શબ્દસૃષ્ટિ’ દ્વારા ‘પાંચ દાયકાનું પરિદર્શન’ શીર્ષક હેઠળ એક ખાસ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સાહિત્ય જગતના પચાસ વર્ષ દરમિયાન જુદા જુદા સાહિત્યપ્રકારો જેવા કે બાળવાર્તા, પત્રસાહિત્ય, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્રસાહિત્ય, હાસ્યસાહિત્ય, વેબસાહિત્ય વગેરે ક્ષેત્રે કેવા વળાંકો અને સ્થિત્યંતરો આવ્યા, તેના અભ્યાસપૂર્ણ લેખોનો સમાવેશ થાય છે. નવી પેઢીના જે તે વિદ્વાન સાહિત્યકારોએ તેમાં એ વિશે સવિસ્તાર વાત કરી છે. ભવિષ્યમાં આ વિશેષાંક પુસ્તકરૂપે પણ ઉપલબ્ધ બનશે. શબ્દસૃષ્ટિના સંપાદક શ્રી હર્ષદભાઈ ત્રિવેદીનો પ્રેમાગ્રહ રહ્યો કે ‘ઓનલાઈન સાહિત્ય’ના પ્રવાહો વિશે પણ કંઈક લખાય. આ રીતે, ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની શરૂઆતથી લઈને એની ગતિ, દિશા અને ભવિષ્ય વિશે જે કંઈ અભ્યાસપૂર્ણ રીતે જોવાયું અને સમજાયું તે યથામતિ ‘ગુજરાતી બ્લૉગ અને વેબસાઈટનું જગત’ શીર્ષક હેઠળ સમાવવા પ્રયત્ન કર્યો છે. શ્રી હર્ષદભાઈએ આ લેખને સ્વીકારીને ‘શબ્દસૃષ્ટિ’માં સ્થાન આપ્યું એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ વિશેષાંકની છૂટક નકલ (જો ઉપલબ્ધ હશે તો) આપ લેખના અંતે આપેલ સરનામેથી મેળવી શકો છો.]

આજનો માનવી વિશ્વમાનવી બનવા તરફ સતત આગળ વધી રહ્યો છે. વામને ભરેલાં વિરાટ ડગલાંની જેમ તે આભને આંબવા પ્રયત્ન કરી રહ્યો છે. એ વાત જુદી છે કે માનવીના ત્રણ પગલાં કંઈક જુદા પ્રકારનાં છે. ચક્રની શોધને માનવીના પહેલા વિરાટ કદમ તરીકે ઓળખવામાં આવે છે જેણે દુનિયાને બદલી નાખી. કદાચ મુદ્રણકલાને એ રીતનું બીજું પગલું કહી શકાય. આજના યુગમાં, મને લાગે છે કે માનવીએ ઊભું કરેલું ‘ઈ-જગત’ તે આ વામનનું ત્રીજું વિરાટ ડગલું છે જે આખા વિશ્વને આવરી લે છે.

આ ‘ઈ-જગત’માં ઘણું બધું છે. કોમ્પ્યુટર, ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને મોબાઈલની હાજરી હોય ત્યાં નવું વિશ્વ ઊભું થાય છે. એને આપણે ‘સાયબર જગત’ એવું નામ આપી શકીએ. સૃષ્ટિની ઉત્પત્તિના સમયે જેમ એક જ તત્વ હતું તેમ સાયબર જગતની શરૂઆત એક જ ભાષાથી થઈ, અને તે અંગ્રેજી. આંતરરાષ્ટ્રીય ભાષા હોવાથી હજારો-લાખો વેબસાઈટ તેમાં તૈયાર થવા લાગી. ઈ-મેઈલનો વ્યાપ વધ્યો. ધીમે ધીમે લોકો ઈન્ટરનેટ પરથી ઓનલાઈન ખરીદી કરી શકે તેવી સુવિધા બની, જેથી આ માધ્યમ વધારે લોકપ્રિય બનવા લાગ્યું. તેમ છતાં હજુ કંઈક ખૂટતું હતું. તેનો વ્યાવસાયિક ઉપયોગ ખરો, પરંતુ તે સામાન્યજન સુધી નહોતું પહોંચી શક્યું. જ્યારે પ્રાદેશિક ભાષાનો સાયબર જગતમાં પ્રવેશ થયો, ત્યારે ઈન્ટરનેટ ખરા અર્થમાં લોકહૃદય સુધી પહોંચ્યું અને ‘સકલ લોક જગ પાવની ગંગા’ બન્યું.

પ્રાદેશિક ભાષામાં ઈન્ટરનેટની આ ગંગાનું અવતરણ કરવામાં ભગીરથ પુરુષાર્થ થયો છે. આજથી થોડાક વર્ષો અગાઉ ગુજરાતી કે હિન્દી ભાષામાં વેબસાઈટ તૈયાર કરવી એ મહાકપરું કાર્ય હતું. આ કારણથી તેમાં અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવતું. એ સમયે ફક્ત અખબારોની વેબસાઈટ પ્રાદેશિક ભાષામાં તૈયાર થતી. વળી, આ પ્રકારની વેબસાઈટ જોવા માટે વાચકને સૌથી મોટો પ્રશ્ન તેના અક્ષરોનો (ફોન્ટ) હતો. કારણ કે એ વખતે કોમ્પ્યુટરમાં અંગ્રેજી સિવાય અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરવો હોય તો તેમાં જે તે ભાષાના ફોન્ટની ફાઈલ ઉમેરવી પડતી. આથી, ઈન્ટરનેટ પર જો કોઈ ગુજરાતી અખબાર વાંચવા ઈચ્છતું હોય તો તેણે સૌપ્રથમ જે તે વેબસાઈટ પરથી જરૂરી ફોન્ટ પોતાના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવા પડતાં. તેમ કર્યા બાદ જ ગુજરાતી વેબસાઈટ બરાબર વાંચી શકાતી. વેબસાઈટના સંચાલકે ફોન્ટ ડાઉનલોડ કરવાની સુવિધા ફરજિયાતપણે આપવી પડતી. કામ ચલાઉ ધોરણે આ બધું ઠીક ઠીક ચાલ્યા કર્યું.

એ પછી ટેકનોલોજી આગળ વધી. લોકો જુદી જુદી ભાષાની વેબસાઈટ જોવા માટે ફોન્ટ ડાઉનલોડ કરીને કંટાળ્યા હતા આથી તેમાં નવા સંશોધનો થયા અને ‘ડાયનેમિક ફોન્ટ’ નામની એક પદ્ધતિ અસ્તિત્વમાં આવી. આમાં વાચકે કશું જ કરવાનું નહોતું. જેવી તે વેબસાઈટ ખોલે કે તરત તે પોતાની પ્રાદેશિક ભાષામાં લેખો વાંચી શકે. ફોન્ટ ડાઉનલોડ કરવાની કોઈ ઝંઝટ નહીં ! પરંતુ કેટલીક મર્યાદાઓ આ સુવિધામાં પણ હતી. અમુક નિશ્ચિત પ્રકારના સોફટવેર વાપરવામાં આવે તો જ આ અક્ષરો જોઈ શકાતાં. જો નક્કી કરેલા ધારાધોરણોમાં કોઈ ફેરફાર થાય અને કોઈ વિકલ્પ ન રહે તો છેવટે ફોન્ટની ફાઈલ ડાઉનલોડ કરીને સંતોષ માનવો પડતો ! ‘મને ફક્ત મારી જ સાઈકલ ફાવે’ એના જેવી આ પરિસ્થિતિ હતી. તદુપરાંત, વેબસાઈટ બનાવનારે ખૂબ સાવચેતી રાખવી પડતી કારણ કે સાદા ફોન્ટમાંથી ‘ડાયનેમિક ફોન્ટ’ બનાવવાની પ્રક્રિયા ખૂબ અટપટી હતી. એની માટે વિશિષ્ટ પ્રકારના સોફટવેરનો ઉપયોગ કરવો પડતો. જો આ રૂપાંતર બરાબર ન થયું હોય તો જોડણીમાં ગંભીર ક્ષતિઓ રહી જતી.

એ પછી ફરી ટેકનોલોજી આગળ વધી અને આ તમામ સમસ્યાઓના કાયમી ઉકેલરૂપે ‘યુનિકોર્ડ’નો જન્મ થયો. તેના આગમનથી જાણે ઈન્ટરનેટ પરની તમામ પ્રાદેશિક ભાષાઓના સુવર્ણયુગનો આરંભ થયો. ત્યારબાદ વિશ્વની અનેક નાની-મોટી પ્રાદેશિક ભાષાઓને સાયબર જગતમાં આવરી લેવા માટે ‘Unicode Consortium’ ની સ્થાપના થઈ અને પછી પ્રાદેશિક ભાષાઓ પર વ્યાપક સંશોધનો થયા. આ સંસ્થાએ કોમ્પ્યુટરની ઑપરેટિંગ સિસ્ટમ બનાવતી કંપનીઓ સાથે કરાર કર્યાં અને પરિણામે વિશ્વની તમામ ભાષાઓના મૂળાક્ષરો કોમ્પ્યુટરમાં પહેલેથી જ મૂકી દેવામાં આવે તેવી દિશામાં વિરાટ પગલું ભરવાનું નક્કી થયું. એ પછી દરેક ભાષાના ફોન્ટ નક્કી થયાં. યુનિકોર્ડે નક્કી કરેલા ધારાધોરણોને આખા વિશ્વએ માન્ય રાખ્યું અને એ તમામ ફોન્ટને કોમ્પ્યુટરની ઑપરેટિંગ સિસ્ટમમાં અગાઉથીજ સ્થાપિત કરી દેવામાં આવ્યા. જેમ કે ગુજરાતી ભાષા માટે ‘Shruti’ ફોન્ટ અને હિન્દી ભાષા માટે ‘Mangal’ ફોન્ટ. આ બધી તૈયારીઓ સાથે સૌપ્રથમ ‘Windows XP’ નામની ઑપરેટિંગ સિસ્ટમ બજારમાં આવી. એનો અર્થ એ કે જેના કોમ્પ્યુટરમાં ‘Windows XP’ હોય તે વિશ્વની કોઈ પણ ભાષાની વેબસાઈટ પોતાના કોમ્પ્યુટરમાં કોઈ પણ ફોન્ટ ડાઉનલોડ કર્યા વગર સરળતાથી જોઈ શકે. આટલું કાર્ય સંપન્ન થયું. લોકો ગુજરાતી વેબસાઈટ વાંચતા થયા. પરંતુ ગુજરાતીમાં ટાઈપ કરવા માટે શું કરવું ? આ એક બીજો મહાપ્રશ્ન હતો. તેના ઉકેલ માટે માઈક્રોસોફટ કંપનીએ ‘Bhashaindia.com’ વેબસાઈટની શરૂઆત કરી કે જેણે ભારતીય ભાષાઓ માટેના યુનિકોર્ડ આધારિત ટાઈપિંગ સોફટવેર બનાવવા શરૂ કર્યાં. એ પછી યુનિકોર્ડ આધારિત અન્ય સોફટવેર પણ તૈયાર થવા લાગ્યાં અને લોકો પોતાની ભાષામાં ઈન્ટરનેટ, ઈ-મેઈલ અને ચેટમાં લખતા થયાં. સાયબર જગતમાં ક્રાંતિકારી પરિવર્તન થયું. મુદ્રણ કલામાં જે નવી પદ્ધતિઓ વિકસાવતાં અનેક વર્ષોનો સમય ગયો હતો, તે કામ અહીં કેટલાંક ગણતરીના વર્ષોમાં જ થઈ ગયું ! ઈન્ટરનેટ પર જાણે પ્રાદેશિક સાહિત્યને આવકારવાની તૈયારીઓ જોરશોરથી થઈ રહી હતી.

હવે સાયબર જગત એક બીજા ક્રાંતિકારી પરિવર્તન માટે સજ્જ થઈ રહ્યું હતું. યુનિકોર્ડની શોધ થયા બાદ ઈન્ટરનેટ-ઈમેઈલ પર પોતાની ભાષામાં લખવું-વાંચવું વાચક માટે સરળ બન્યું હતું પરંતુ હજી આ બધું વેબસાઈટ પૂરતું મર્યાદિત હતું. આમ આદમી માટે વેબસાઈટ બનાવવી એ બહુ મોટી વાત હતી. પોતાના વિચારો કે વ્યક્તિગત બાબતો લખવા માટે તેની પાસે કોઈ સુવિધા નહોતી. આ બાબતને ધ્યાનમાં લઈને સાયબર જગતમાં ‘Blog’ નામની એક વિશિષ્ટ સુવિધાનો જન્મ થયો. ઈન્ટરનેટ જાણે કે ચતુર્ભુજમાંથી બાળક રામ જેવું બનીને સામાન્ય માનવીની ગોદમાં સમાઈ ગયું ! આ ઘણી મોટી ક્રાંતિ થઈ કે જેનાથી ‘Blog’ દ્વારા ઈન્ટરનેટ પર સૌને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળી.

આમ જોઈએ તો ‘વેબસાઈટ’ અને ‘બ્લોગ’માં ઘણો તફાવત છે. ખાસ કરીને ‘વેબસાઈટ’ એ સાયબર જગતમાં સંસ્થાનું ધંધાદારી સરનામું છે. એ તેની ઓળખ છે. વેબસાઈટના આધારે તે સંસ્થા ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે છે અને પોતાના ગ્રાહકો સાથે સંપર્કમાં રહી શકે છે. તેનું સ્વરૂપ વ્યક્તિગત ‘બ્લોગ’ કરતાં ઘણું વિશાળ છે. દાખલા તરીકે ‘ઈન્ફોસિસ’ જેવી કંપનીની વેબસાઈટ આપણે જોઈએ તો તેમાં તેઓના ઉત્પાદન, સેવાઓ, કર્મચારીઓની વિગતો તેમજ કંપનીની શાખાઓ સહિત અનેક પ્રકારની માહિતી મળી રહે. આ પ્રકારની વેબસાઈટની અલગ નોંધણી થાય છે. આનાથી વિરુદ્ધ, ‘બ્લોગ’ એ તો વ્યક્તિગત ‘ડાયરી’ છે. વેબસાઈટ અને બ્લોગ વચ્ચે છાપેલા પુસ્તક અને અંગત ડાયરી જેટલો તફાવત છે. બ્લોગ પર વ્યક્તિ ગમે તે લખી શકે છે. તે સામાન્ય માનવીને પોતાના વિચારો વ્યક્ત કરવાની મોકળાશ આપે છે. તેના દ્વારા તે મનગમતી બાબતો પોતાના મિત્રો સાથે વહેંચી શકે છે. આજે WordPress, Blogger જેવી સુવિધાઓ સાયબર જગતમાં ઉપબ્ધ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ વિનામૂલ્યે પોતાનો બ્લોગ ગણત્રીની મિનિટોમાં તૈયાર કરી શકે છે. બ્લોગની સરખામણીમાં વેબસાઈટ તૈયાર કરવાનું કામ એટલું સરળ નથી. તે ઘણું આયોજન માંગી લે છે. ‘બ્લોગ’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વાંચનારો વર્ગ તુરંત પ્રતિભાવ લખી શકે છે. આ પ્રતિભાવ બ્લોગના અન્ય વાચકો પણ જોઈ શકે છે; જેથી એકબીજાના મંતવ્યો જાણીને પરસ્પર વાર્તાલાપ થઈ શકે છે. એક રીતે જોઈએ તો ‘બ્લોગિંગ’ આમ તો મનોરંજનની પ્રવૃત્તિ છે પરંતુ આજે તેનો વ્યાપ વેબસાઈટ કરતાં પણ વધી ગયો છે. એનાથી આમ જનતાના સીધા વિચારો સ્પષ્ટરૂપે જાણવા મળે છે. પ્રતિષ્ઠિત માધ્યમોમાં લખાયેલા લેખ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે જ્યારે બ્લોગમાં તો જેને જેમ લાગે છે તે સ્પષ્ટ રીતે કહી દે છે. આથી તેની જુદા પ્રકારની અસર ઊભી થાય છે. સાયબર જગતનું આ પાસું આજે એટલું મજબૂત થઈ ગયું છે કે તે હિમાલય પર પણ બરફ વેચાવી શકે છે !

એક તરફ યુનિકોર્ડ દ્વારા ગુજરાતીમાં લખવાની સુવિધા અને બીજી તરફ ‘બ્લોગ’ના શ્રીગણેશ – આ બંનેની મદદથી અન્ય પ્રાદેશિક ભાષાઓની જેમ ઈન્ટરનેટ પર ગુજરાતી વેબ જગતના નવા યુગની શરૂઆત થઈ. આજે ગુજરાતી ભાષામાં સેંકડો વેબસાઈટો તૈયાર થઈ છે અને બ્લોગની સંખ્યા તો લગભગ 1000ને આંબી ગઈ છે. આ વ્યાપ સતત વધતો જ રહે છે. જેમ જેમ નવી સુવિધાઓ વિકસતી જાય છે, તેમ તેમ ઈન્ટરનેટ પરનું વેબ જગત વધારે ને વધારે સમૃદ્ધ થતું જાય છે.

ઈ.સ. 2005માં ગુજરાતી ભાષાના સૌ પ્રથમ બ્લોગની શરૂઆત થઈ. અમેરિકા સ્થિત સોનલબેને ‘typepad’નામની બ્લોગિંગ સુવિધાનો ઉપયોગ કરીને ‘SV’ નામે ગુજરાતી બ્લોગની શરૂઆત કરી. તેમાં ખાસ કરીને તેઓ વિવિધ કવિઓની સુપ્રસિદ્ધ રચનાઓ પ્રકાશિત કરતાં. એ પછી WordPress અને Blogger જેવી બ્લોગિંગ સુવિધા શરૂ થતાં ધીમે ધીમે અનેક બ્લોગ શરૂ થયાં. ખાસ કરીને વિદેશમાં વસતા યુવાનો પોતાની મનપસંદ કૃતિઓ અંગત બ્લોગ પર મૂકતાં. એ પછી જાણીતા વેબપોર્ટલ webdunia.com એ પોતાની ગુજરાતી આવૃત્તિ તૈયાર કરી અને તેમાં તહેવારને અનુરૂપ વિશેષ માહિતી અને સમાચાર આપવાનું શરૂ કર્યું. આ સમય દરમ્યાન 9મી જુલાઈ, 2005થી મેં રીડગુજરાતી.કોમ (ReadGujarati.com) નામે ગુજરાતી સાહિત્યની એક સ્વતંત્ર વેબસાઈટ શરૂ કરી. જે કંઈ સારું વાંચવામાં આવે તેનો આ માધ્યમ દ્વારા ‘ગમતાનો ગુલાલ’ કરવાનો મુખ્ય હેતુ રહ્યો. તેમાં ટૂંકી વાર્તાઓ, નિબંધો, પ્રવાસવર્ણનો, બાળસાહિત્ય, કાવ્યો-ગઝલો સહિત જુદા જુદા અનેક સાહિત્ય પ્રકારનો સમાવેશ કરવામાં આવ્યો. રોજની બે કૃતિઓ લેખે આજે રીડગુજરાતી પર 3000થી વધુ લેખો ઉપલબ્ધ છે; જેનો વિશ્વભરમાંથી રોજના 1500થી વધુ વાચકો નિયમિત લાભ લે છે. ટેકનોલોજીના વિકાસની સાથે ‘રીડગુજરાતી’નું માળખું સતત બદલાતું રહ્યું છે. યુનિકોર્ડ આધારિત આ વેબસાઈટ આજે વાચકોને તમામ અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે.

‘બ્લોગિંગ’નું ક્ષેત્ર જેમ જેમ વિકસતું ગયું છે તેમ તેમ તેમાં નવી દિશાઓ ખૂલતી ગઈ છે. અમેરિકા સ્થિત જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ’ (Tahuko.com)નામની ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સંગીતબદ્ધ વેબસાઈટ શરૂ કરી. ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલો અને ભજનો સહિત અનેક ઉત્તમ રચનાઓ આ રીતે ઈન્ટરનેટ પર સંગીત સાથે માણવાનું શરૂ થયું. આ સમય દરમિયાન જ ‘શીતલસંગીત.કોમ’ (Sheetalsangeet.com) નામના 24 કલાક અવિરત પ્રસારિત થતા ઓનલાઈન ગુજરાતી રેડિયોની શરૂઆત કેનેડાથી થઈ. એ જ રીતે 2007માં નીરજ શાહે ‘રણકાર.કોમ’ (rankaar.com) નામની વધુ એક સંગીતમય વેબસાઈટ શરૂ કરી. આજે સંગીતના ચાહકો આ તમામ વેબસાઈટ પર રોજ લટાર મારવાનું ચૂકતા નથી ! એ પછી ગુજરાતી કવિતાઓની સીમાચિહ્નરૂપ વેબસાઈટ ‘લયસ્તરો.કોમ’ (layastaro.com) યુનિકોર્ડમાં નવા સ્વરૂપે શરૂ થઈ. તેના દ્વારા ગુજરાતી વાચકોને કવિતા અને તેનો આસ્વાદ માણવાનો લાભ સતત મળતો રહ્યો છે. ત્યાર પછી ગુજરાતી વેબ જગતમાં સુરત સ્થિત ડૉ. વિવેક ટેલરે સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ ‘વીએમટેલર.કોમ’ (vmtailor.com) નામે શરૂ કરી. સપ્તાહમાં એક વાર નિયમિતરૂપે આ વેબસાઈટ પર એક તરોતાજા રચનાનું પ્રકાશન કરવામાં આવે છે. આ રીતે બ્લોગિંગની સુવિધા વધતાં અનેક બ્લોગ અને વેબસાઈટ ગુજરાતી વેબ જગતમાં સર્જાતા રહ્યાં. સાહિત્ય સિવાય પણ અન્ય વિષયો પર યુવાનો ઓનલાઈન ડાયરી લખતાં થયાં. કોઈકે પોતાનાં અનુભવો લખવાની શરૂઆત કરી તો કોઈકે જોક્સ, શાયરી અને ટુચકાઓનો સંગ્રહ તૈયાર કર્યો. કેટલાક સાહિત્યરસિક સજ્જનોએ બ્લોગિંગની સુવિધાનો ઉપયોગ કરીને ‘સહિયારું સર્જન’ એટલે કે સંયુક્ત રૂપે વાર્તા, નવલકથા લખવાનું ચાલુ કર્યું. જેઓ અખબારમાં કોલમ લખતાં હતાં તેઓએ પોતાની કૃતિઓને ઓનલાઈન વાચકો સુધી પહોંચાડવા માટે આ સુવિધાનો ઉપયોગ કર્યો. આ રીતે બ્લોગ-જગત સતત વિસ્તરતું રહ્યું.

એ પછી ગુજરાતી ભાષા માટે અદ્વિતિય કહી શકાય એવી ઘટના સાયબર જગતમાં બની. એટલે કે ‘ગુજરાતીલેક્સિકોન.કોમ’ (gujaratilexicon.com) અને ‘ભગવદગોમંડળ.કોમ’ (bhagwadgomandal.com) ઓનલાઈન ઉપલબ્ધ બન્યાં. શ્રી રતિલાલ ચંદરિયા દ્વારા મુકાયેલી આ બંને વેબસાઈટ વડે ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા સમૃદ્ધ બની. સૌને માટે જોડણીકોશ અને ભગવદગોમંડળ હાથવગાં બન્યાં. ત્યારબાદ વિશાલ મોણપરા નામના યુવાને ઈન્ટરનેટ પર ગુજરાતી લખવાનું વધુ સરળ બને તે માટે સુંદર સોફટવેર વિકસાવ્યાં. તેમણે ગુજરાતી બ્લોગિંગને સરળ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. આ ક્રમમાં, ધીમે ધીમે જાણીતા સાહિત્યકારોની વેબસાઈટ તૈયાર થવા લાગી અને એ પછી ઘણી સંસ્થાઓ અને ગુજરાતી સામાયિકો સાયબર જગતમાં પોતાનું અસ્તિત્વ ધરાવવા લાગ્યાં. આજે આ ગુજરાતી વેબ જગત વિવિધતાઓથી ભરેલું છે. જેને જે પ્રકારની રૂચિ હોય, તેને તે પ્રકારનું વાંચન અને માહિતી એક ક્લિકે મળી રહે છે. વાચક પોતાને મનગમતી કાવ્ય પંક્તિ શોધી શકે છે, ઓનલાઈન જોડણી ચકાસી શકે છે, સમાનાર્થી શબ્દ મેળવી શકે છે, રેડિયો સાંભળી શકે છે તેમજ વાર્તા વાંચવાની સાથે અન્ય વાચક સાથે પોતાના પ્રતિભાવોની આપ-લે પણ કરી શકે છે.

યુનિકોર્ડ અને બ્લોગિંગ પછી સાયબર જગતનો આધુનિક કૂદકો છે ‘મોબાઈલ વેબસાઈટ’નો. આ ‘મોબાઈલ વેબસાઈટ’ એટલે જે તે વેબસાઈટને મોબાઈલ પર જોઈ શકાય તે પ્રકારની વિશેષ આવૃત્તિ. આ આવૃત્તિમાં મુખ્ય વેબસાઈટ પરની કેટલીક બીનજરૂરી સુવિધાઓને દૂર કરીને તેને એકદમ હળવી બનાવવામાં આવે છે જેથી તે ગમે તે મોબાઈલ પર સરળતાથી ખૂલી શકે. ગુજરાતી વેબ જગતમાં આ પ્રકારની મોબાઈલ ગુજરાતી વેબસાઈટ ‘રીડગુજરાતી’ દ્વારા શરૂ કરવામાં આવી; જેને ‘m.readgujarati.com’ નામ અપાયું. એ સમયે કોમ્પ્યુટરની જેમ જ મોબાઈલમાં ફોન્ટનો પ્રશ્ન ઉદ્દભવ્યો ! તમામ મોબાઈલ યુનિકોર્ડના ધારાધોરણો પ્રમાણે પહેલેથી જ બનાવવામાં આવે છે પરંતુ તેમાંના કેટલાક મોબાઈલમાં જ ભારતીય ભાષાના ફોન્ટ ઉપલબ્ધ હોય છે જેવા કે Nokia 3110c, Nokia 5130 વગેરે. ઘણા બધાં મોબાઈલ પરદેશમાં તૈયાર થતાં હોવાથી તેમાં ભારતીય ભાષાનાં ફોન્ટ હોતાં નથી. આ સમસ્યા આજે પણ છે પરંતુ તેનો ઉત્તમ ઉકેલ ‘Opera Mini’ નામના web browser દ્વારા મળ્યો છે. ‘Opera mini’ એ મોબાઈલ પર ઈન્ટરનેટ વાપરવા માટેનું પ્રચલિત સોફટવેર છે જેને કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં સરળતાથી નાંખી શકે છે. માત્ર તેના આંતરિક વિકલ્પોમાં થોડો ફેરફાર કરીને કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઈટ તેમાં સરળતાથી વાંચી શકાય છે. આ રીતે હવે કોઈ પણ મોબાઈલ પર ગુજરાતી વાંચવું સરળ બન્યું છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરીમાં ટચુકડા મોબાઈલ વડે યુવાનો સાહિત્યના સંપર્કમાં રહી શકે છે. માત્ર એટલું જ નહિ, તેઓ મોબાઈલ વડે પ્રતિભાવ પણ લખી શકે છે. જો કે હજુ એ મર્યાદા છે કે મોબાઈલ વડે ગુજરાતીમાં પ્રતિભાવો લખી શકાતા નથી. તેમ છતાં સતત મુસાફરીમાં રહેતા લોકોને સાહિત્ય સાથે જોડી રાખવા માટે આ સુંદર સુવિધા છે. આ જ ક્ષેત્રમાં બૅંગલોર સ્થિત એક કંપનીએ ‘ન્યુઝહન્ટ’ (Newshunt) નામની વધુ સુવિધા તૈયાર કરી છે જેના દ્વારા ગુજરાતી, હિન્દી તેમજ અન્ય પ્રાદેશિક ભાષાના અખબારો વિનામૂલ્યે કોઈ પણ પ્રકારના મોબાઈલ પર વાંચી શકાય છે. આ સુવિધાને ખૂબ સારો આવકાર સાંપડ્યો છે.

મુદ્રણના ક્ષેત્રમાં જે રીતે લેખનથી લઈને પુસ્તકનું પ્રકાશન અને તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે તેની સામે આ સાયબર જગતની પ્રકાશન પદ્ધતિ સાવ અલગ છે. વેબ જગતમાં પ્રકાશનનું કામ ‘બ્લોગિંગ’ દ્વારા થાય છે તો તેની સામે પ્રચાર-પ્રસારનું કાર્ય ગુગલ જેવા ‘સર્ચ એન્જિન’ ઉપાડી લે છે. કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ પર અમુક શબ્દ શોધતો હોય અને જો એ શબ્દ અમુક વેબસાઈટમાં ક્યાંક વપરાયો હોય તો, એ વ્યક્તિ એક જ ક્લિકમાં જે તે વેબસાઈટ સુધી પહોંચી શકે છે. આ નવો આવેલ વાચક વેબસાઈટમાં નવી પ્રકાશિત થતી કૃતિઓ વિશે પોતાના ઈ-મેઈલ પર જાણકારી મેળવી શકે તે માટે બહુધા ઘણી વેબસાઈટ કે બ્લોગ પર ‘Subscribe’ની સુવિધા રાખવામાં આવે છે જેમાં વાચકે ફક્ત પોતાનું ઈ-મેઈલ સરનામું લખવાનું હોય છે. આ રીતે વાચક અને વેબસાઈટ વચ્ચે સેતુ રચાય છે. આજના સમયમાં ઘણા બ્લોગ અને વેબસાઈટના સંચાલકો ‘Facebook’ અને ‘Twitter’ જેવી સામાજિક સાંકળ (social networking) રચતી વેબસાઈટનો ઉપયોગ પ્રચાર-પ્રસાર માટે કરતા હોય છે. ઘણી વાર બ્લોગિંગ કરનાર વ્યક્તિ ‘Yahoo’ અને ‘Google’ જેવા ગ્રુપોમાં પ્રકાશિત થયેલ રચનાની લિન્ક મૂકીને લોકોને જાણ કરતાં હોય છે. ઘણી વેબસાઈટમાં ગમતી કૃતિ વાચક પોતાના મિત્રને મોકલી શકે એવી સુવિધા પણ હોય છે. સારી કૃતિઓની ઈ-મેઈલ દ્વારા આપ-લે થતી રહે છે. આ રીતે ઈન્ટરનેટ પર પ્રકાશિત થતું સાહિત્ય બહોળા વર્ગ સુધી ગણત્રીની મિનિટોમાં ફેલાઈ જાય છે.

ખાસ કરીને બ્લોગજગતના ક્ષેત્રનું એક વિશિષ્ટ પાસું છે : RSS Feed – જેનો અર્થ થાય છે Really Simple Syndication. દરેક બ્લોગને પોતાની RSS Feed હોય છે. આ RSS Feed એટલે બ્લોગનું એક વિશિષ્ટ પ્રકારનું સરનામું. એ સરનામું ‘Google Reader’ કે એ પ્રકારના વેબસંયોજનની સુવિધા આપતી વેબસાઈટમાં નાખવામાં આવે તો વાચકે પોતાની મનગમતી વેબસાઈટ પર રોજ જવું પડતું નથી, બલ્કે એ વેબસાઈટ પર જ્યારે કોઈ નવી કૃતિ પ્રકાશિત કરવામાં આવે કે તરત એની જાણ તેને ‘Google Reader’ દ્વારા થતી રહે છે. જેમ લવાજમ ભર્યા બાદ વાચકને ઘેર બેઠાં મનગમતાં સામાયિકો મળતાં રહે છે તે રીતે એક સાથે મનગમતી 20-25-50 કે 100 કે તેથી વધુ વેબસાઈટો પર ‘Google Reader’ વડે વાચક ચાંપતી નજર રાખી શકે છે. વળી, રોજેરોજ તેનો વિવિધ વેબસાઈટ ખોલવા માટે લાગતો સમય બચી જાય છે. ગુજરાતી વેબજગતમાં આ ટેકનોલોજીનો અલગ રીતે ઉપયોગ કરીને વિનય ખત્રી નામના યુવાને ‘gujblog.feedcluster.com’ નામની એક વેબસાઈટ બનાવી છે કે જ્યાં એક સાથે 300થી વધુ બ્લોગમાં નવું શું આવ્યું તે વાંચી શકાય છે. ઓછા સમયમાં પોતાની રૂચિને અનુરૂપ વાંચન શોધનાર માટે આ ઉત્તમ સુવિધા છે.

ઈન્ટરનેટ આ રીતે ખૂબ સગવડભર્યું માધ્યમ છે. વળી તે એટલું સશક્ત પણ છે. અહીં પ્રકાશિત થયેલી વસ્તુ ક્યારેય જૂની થતી નથી. અગાઉ પ્રકાશિત થયેલી કૃતિઓને પણ ક્યારેક કોઈ વાચક તો મળી જ રહે છે. અહીં કાગળ-શાહી કે મલ્ટિકલર પ્રકાશનનો ખર્ચ નથી. શબ્દો અને જગ્યાની કોઈ મર્યાદા નથી. હજારો પાનાંઓ સાવ નાની જગ્યામાં સમાઈ જાય છે, આથી લેખમાં કાપકૂપ કરવી પડતી નથી. વળી, ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેખમાં ચિત્રો, સંગીત કે વિડીયોને સ્થાન આપી શકાય છે. પ્રકાશિત થયેલી રચનાઓને ઈચ્છા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. કઈ રચનાને કેટલા વાચકો મળ્યા, કેટલા પ્રતિભાવો મળ્યા, ક્યા દેશમાં કઈ કૃતિ સૌથી વધારે વંચાઈ, ગત માસ કરતાં સરેરાશમાં કેટલો વધારો થયો અને હાલમાં કોણ કોણ વાંચી રહ્યું છે – આ તમામ વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ રહે છે, જે આ સાયબર જગતની વિશિષ્ટતા છે. મન થાય ત્યારે લખવાની છૂટ છે. મનમાં આવે તે વિચાર રજૂ કરવાની મોકળાશ છે. સ્વતંત્ર રીતે પ્રકાશન થતું હોવાથી વચ્ચે કોઈ અડચણ નથી. અમુક જ રીતે લખી શકાય તેવા કોઈ બંધનો નથી. જોકે એના લીધે આ માધ્યમનો ક્યારેક દુરઉપયોગ પણ થતો રહે છે પરંતુ સરવાળે વ્યવસ્થિત કાર્ય કરનાર માટે આ સગવડો ખૂબ ઉપયોગી નીવડે છે. વેબસાઈટના યોગ્ય સંચાલન માટે એનાથી નિશ્ચિત દિશા મળી રહે છે.

સાયબર જગતનો વાચકવર્ગ પણ એક અભ્યાસનો વિષય છે. આ વાચકવર્ગ સાવ જુદા પ્રકારનો છે. સમય પસાર કરવા પુસ્તક લઈને બાંકડે બેઠેલા નિવૃત્ત વડીલ જેવો આ વાચકવર્ગ નથી. ઈન્ટરનેટ પર સમયની કિંમત છે. સમાજનો શિક્ષિત-બૌદ્ધિક વર્ગ અહીં રોકાયેલો છે. તેમાંય ખાસ કરીને યુવા વર્ગનું પ્રમાણ ઘણું મોટું છે. ગુજરાતી વેબ જગતમાં વિશેષરૂપે પરદેશ સ્થિત વાચકો બહોળા પ્રમાણમાં છે. તેમાં યુવાનો અને વડીલો એમ બંનેનો સમાવેશ થાય છે. મોટે ભાગે યુવાનોને ચાલુ ઑફિસે વાંચવાનું વધુ ગમે છે. તેથી તેઓને ઉત્તમ, પ્રેરક અને ટૂંકું લખાણ વધુ અનુકૂળ આવે છે. પરદેશમાં સ્થિત વડીલવર્ગ ઈન્ટરનેટ દ્વારા સાહિત્યમાં પ્રકાશિત થતી નવી કૃતિઓ સાથે સંપર્કમાં રહે છે. જોકે બદલાતી જીવનપદ્ધતિ સાથે દેશમાં પણ સૌ વાંચન માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં થયાં છે. ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં સતત તાણ વચ્ચે જીવતો યુવાવર્ગ કંઈક હળવાશભર્યું વાંચવાનું વધુ પસંદ કરે છે. વળી, ઈન્ટરનેટ પરનો આ વાચકવર્ગ પ્રતિભાવ આપવામાં ખૂબ સ્પષ્ટ છે. અહીં કોઈ કૃતિને ગમે તેટલા એવોર્ડ મળ્યા હોય કે કોઈ સર્જક ગમે તેવા મોટા ગજાના હોય – એ કશું જ ધ્યાનમાં લેવામાં આવતું નથી. જે કંઈ નબળું જણાય તે તરફ સ્પષ્ટ અંગુલિનિર્દેશ કરવામાં આવે છે. મુક્તતા એ ઈન્ટરનેટનું સ્વાભાવિક લક્ષણ છે. આથી જો કોઈ કૃતિમાં કથાવસ્તુ યોગ્ય ન હોય તો પ્રતિભાવમાં વાચક વિના સંકોચે પોતાની વાત રજૂ કરી દે છે. આ રીતે આ સાયબર જગત લેખકો માટે ‘Live in concert’ જેવું છે. સમય અભાવે આ વાચકવર્ગને ચર્ચાઓ, વિવાદો અને દલીલોમાં કોઈ રસ નથી. તે જાણવા કરતાં માણવાનું વધારે પસંદ કરે છે. જો કોઈ બ્લોગ કે વેબસાઈટ તેની આ ભૂખ ન સંતોષી શકે તો તેને ‘Close’, ‘Delete’ કે ‘Unsubscribe’ કરતાં વાર લાગતી નથી. એમ થતાંની સાથે જ વાચકને આપમેળે મળતા ઈ-મેઈલ બંધ થાય છે અને ન ગમતી વેબસાઈટ સાથે તેનો સંપર્ક કાયમ માટે કપાઈ જાય છે. અહીં બધું ફટાફટ થાય છે. આથી આ ક્ષેત્રની એક મર્યાદા એ પણ છે કે મનન કરવા પ્રેરે તેવા ઊંડાણભર્યા લેખોને વેબ જગતમાં સ્થાન આપવું અઘરું થઈ પડે છે. તેમ છતાં ઈન્ટરનેટ પર એક વાચક વર્ગ એવો પણ છે જે ક્યારેય પ્રતિભાવ લખતો નથી પરંતુ આ પ્રકારના લેખોને યર્થાથરૂપે માણે છે. આ રીતે અનેક પ્રકારના વાચકોથી આ સાયબર જગત ભર્યું પડ્યું છે. દેશ-વિદેશમાં જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે રહીને પોતાની માતૃભાષા સાથે સંપર્ક જાણવી રાખવા મથામણ કરતાં લોકોનો અહીં સમન્વય રચાય છે.

ઉત્ક્રાંતિનો સિદ્ધાંત ગુજરાતી વેબ જગતને એટલો જ લાગુ પડે છે. બ્લોગ જગત માટે આ નવી દુનિયા છે. તેથી અનેક પ્રશ્નો અને સમસ્યાઓ અહીં છે. ક્યાંક કોપીરાઈટ અને ઉઠાંતરીના આક્ષેપો-પ્રતિઆક્ષેપો છે તો ક્યાંક સર્જન કરવાને બદલે પ્રસિદ્ધિ મેળવવાનું પ્રચારયુદ્ધ છે. પરિપક્વતાના અભાવે ખોટી દલીલો અને ચર્ચાઓ થાય છે તો ક્યાંક નકારાત્મક પદ્ધતિથી પ્રસિદ્ધિ મેળવવાની તરકીબો રચાય છે. ક્યારેક પ્રતિભાવોના નામે પરસ્પર વાટકી વ્યવહાર સચવાય છે તો વળી કોઈ વાર આંતરિક જૂથો રચીને શાબ્દિક યુદ્ધ પણ ખેલાઈ જાય છે ! આ પરોક્ષ વ્યવહારમાં ક્યારેક ફક્ત દોષદર્શન જ થતું રહે છે – પરંતુ આ બધું તો માનવ સહજ વૃત્તિઓને કારણે સ્વાભાવિક છે. અંતે સાગર જેમ નકામી વસ્તુઓને બહાર ફેંકી દે છે તેમ ઈન્ટરનેટ કોઈ એકની સત્તાને આધીન બની શકતું નથી. તેને કોઈ મુઠ્ઠીમાં બાંધી શકતું નથી. અહીં કોઈના વાડા રચી શકાતાં નથી અને કોઈ પ્રયાસ કરે તો એ લાંબો સમય ટકતા નથી. કદાચ આ માધ્યમની એ જ મહત્તા છે. જે શાશ્વત મૂલ્યો અને સદભાવને લઈને ચાલે છે તે જ આ પ્રવાહમાં ગતિ કરી શકે છે. સાધનશુદ્ધિના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને આ સાધનનો ઉપયોગ કરનાર માટે આખું સાયબર જગત એક પરિવાર સમાન છે. તેને માટે નિરંતર નવી દિશાઓ ખૂલતી રહે છે. જેને કંઈક કરવું છે તેને આ માધ્યમ ચોક્કસ તક પૂરી પાડે છે. નવોદિતો માટે ગુજરાતી વેબ જગતમાં હજી ઘણા પ્રદેશો વણખેડાયેલા છે.

ટૂંકમાં, વેબજગત આ રીતે વિકસતું રહે છે અને નવા-નવા વાચકો તેનો લાભ લેતાં રહે છે. અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ માધ્યમની તમામ સુવિધાઓ અન્ય માધ્યમોની પ્રતિસ્પર્ધી નહીં, બલ્કે પુરક બને છે. ઘણીવાર ઈન્ટરનેટ પર પ્રકાશિત થતા સાહિત્યથી પુસ્તકોનું વેચાણ ઘટી જશે તેવો ભય સેવાય છે, જે સદંતર અસ્થાને છે. ઈન્ટરનેટ શૉ-કેસ તરીકે કામ કરે છે. તેનાથી સમાજના સાવ જુદા જ વર્ગ સુધી ગુજરાતી સાહિત્ય આ નવા માધ્યમ દ્વારા પહોંચે છે. જે રીતે ટી.વી.ના આગમનથી થિયેટરો બંધ થઈ ગયા નથી, તે રીતે નવા માધ્યમના વિકાસથી અગાઉના માધ્યમો નબળા પડી જાય તેવી સંભાવના સાવ ખોટી છે. અખબારોનું ઓનલાઈન થતું પ્રકાશન એની સાબિતી છે. આજના સમયમાં ઈન્ટરનેટ ઘણું ઉપયોગી માધ્યમ છે. આજે સમાજનો મોટો યુવા વર્ગ આર્થિક છેડા ભેગા કરવામાં વ્યસ્ત રહે છે. લોકોનો સવારથી મોડી રાત સુધીનો મોટા ભાગનો સમય આર્થિક ઉપાર્જનમાં વીતે છે. મોંઘવારીમાં ગૃહિણીને ઘરની સાથે ઑફિસ સંભાળવાની હોય છે. બાળકો અભ્યાસ અને ટ્યૂશનના ભાર નીચે દબાઈ ગયા છે. આ સંજોગોમાં પોતાની પાસે ઉત્તમ પુસ્તક હોવા છતાં કોઈને તે વાંચવાનો સમય હોતો નથી. જેના પરિણામે વાચનરસ ઘટતો જાય છે. આના ઉકેલ રૂપે ઈન્ટરનેટ કેળવણીનું ઉત્તમ કાર્ય કરી શકે છે. મનને આનંદ આપે, જીવનને પ્રસન્નતાથી ભરે અને સામાજિક પ્રશ્નોનો ઉકેલ સધાય તેવા જીવનપ્રેરક સાહિત્ય દ્વારા આ માધ્યમથી ઘણું મોટું કાર્ય થઈ શકે છે. ફુરસદના સમયે ઑફિસમાં વાંચેલી સારી કૃતિઓ પરિવારજનો સાથે ઈ-મેઈલ દ્વારા વહેંચી શકાય છે. માતાપિતાનું વાંચન વધે તો તેઓ બાળકોને ધીમે ધીમે વાંચન તરફ દોરી શકે છે. માહિતી અને મનોરંજન માટે આજે દુનિયામાં અનેક માધ્યમો છે પરંતુ આજે જરૂર છે ઉમદા વિચારો અને કેળવણીની. ઈન્ટરનેટ પરનું ગુજરાતી સાહિત્ય જો એ કામ કરી શકે તો માત્ર માતૃભાષાને જ નહિ, ખુદ વ્યક્તિને પણ ખરા અર્થમાં જીવંત રાખી શકશે.

પરિશિષ્ટ:
[1] Readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.

[2] Tahuko.com ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

[5] Gujaratilexicon.com આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

[6] Bhagwadgomandal.com ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.

[7] Vmtailor.com ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.

[8] Vicharo.com વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા, ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.

[9] Mitixa.com કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

[10] sheetalsangeet.com ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

[11] Rankaar.com પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

[12] Urmisaagar.com સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.

[13] Cybersafar.com કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

[14] Saurabh-shah.com જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

[15] Jhaverchandmeghani.com રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.

[16] Anand-ashram.com સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

[17] Adilmansuri.com કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.

[18] Rajendrashukla.com જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.

[19] Manojkhanderia.com કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

[20] Pannanaik.com કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

[21] Rameshparekh.in કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.

[22] Harilalupadhyay.org સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

[23] Gujaratisahityaparishad.org ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.

[24] Nirmishthaker.com સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.

[25] Vicharvalonu.com જાણીતા સામાયિક ‘વિચારવલોણું’ની વેબસાઈટ. એકાંતરે સામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.

[26] Uddesh.org સાહિત્ય અને જીવન વિચારના સામાયિક ‘ઉદ્દેશ’ની વેબસાઈટ. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા. નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની સુવિધા.

[27] Gujblog.feedcluster.com ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિત થતી કૃતિઓ એક જ સ્થાનેથી માણી શકાય તેવી સુવિધા.

[28] Gu.wordpress.com ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.

[29] Bhashaindia.com ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. તદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિત કરવાની તમામ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

[30] Vishalon.net ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.

[શબ્દસૃષ્ટિ ‘દીપોત્સવી વિશેષાંક’ ઑક્ટોબર-નવેમ્બર:2010. કુલ પાન : 208. આ અંકની છૂટક કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ગુજરાત સાહિત્ય અકાદમી. અભિલેખાગાર, ગુલાબઉદ્યાન પાસે, સેકટર-17. ગાંધીનગર-382017. ફોન : +91 79 23256798.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કામનાનું સ્વરૂપ કેવું છે ? – ભાણદેવ
બાપાય ગયા હોત તો…! – નવનીત ઠક્કર Next »   

89 પ્રતિભાવો : ગુજરાતી બ્લૉગ અને વેબસાઈટનું જગત – મૃગેશ શાહ

 1. dhruti says:

  પરિશિષ્ટ માં આપેલી માહીતી ખુબ જ ગમી.

 2. સરસ માહીતીસભર લેખ !

 3. yash dalal says:

  મૃગેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ અને મને આ લેખની જાણ કરવા માટે તમારો આભાર. ઈન્ટરનેટની શરૂઆત થઇ ત્યારે ગુજરાતી ભાષામાં લખવું વિચારી શકાતુ પણ ન હતું.પણ સમય જતા આજે આપણે ગુજરાતી ભાષાને વિશ્વ ફલક પર જોઈ શકીએ છીએ.વિવિધ ગુજરાતી વેબસાઈટ દ્વારા આપણે આપણી ભાષા અને આપણા સાહિત્યકારો સાથેનો સંબંધ જાળવી શક્યા છીએ. અને ખાસ કરીને મારા જેવા વિદેશમાં વસતા લોકો માટે તો તમે જણાવેલી વેબસાઈટ અને બીજી વેબદુનિયાની વેબસાઈટ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે….પોતાના દેશ,ભાષા,સમાજ અને સાહિત્ય સાથે સંતાનોનો પરિચય કરાવા માટે આ ગુજ્જુ વેબસાઈટ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે….
  ફરીથી ધન્યવાદ…અને આવી જ રીતે તમે રીડગુજરાતી પર અવનવા ગુજરાતી સાહિત્યનો ખજાનો અમારા સમક્ષ ઠાલવતા રહો….એજ ભગવાનના ચરણોમાં પ્રાર્થના…

 4. dineshtilva says:

  અભિલેખાગાર રાજકોટમા આ અંક મળે કે?
  જથ્થા બંધ કીમત?

  • Riti says:

   દિનેશભાઈઃ તમને જો માહિતી મળે તો ક્રુપા કરી ને જણાવશો? તો હુ પણ મેળવવા માગ CHHUN.

   આભાર.

   રીતિ.

 5. Laxmiprasad says:

  યુનિકોડ આવ્ય બાદ ચિત્ર બદલાઇ ગયેલ છે. આપણા વિચારો આપણી ભાષામા દદર્શાવિ શકીએ છીએ તે બહુ મોટી વાત છે. તો પણ ગુજરાતીઓની માતૃ ભાષામા લખવા કે બોલવામ નાપ લાગે છે. આના પ્રિણમ સ્વરુપે ગુજલીશનો જન્મ થયો .ઇશ્વર તેમને સદબુધિ આપે. લેખ સારો છે.
  લખાણમા હજુ અનુસ્વારના ઉપયોગ કકરવાનુ શીખવવા માટે ઘણા સેમીનારોની જ્રુર છે. વર્તમાનપત્રો ભાષાની સેવને બદલે કુસેવ કરે છે.

 6. Deepak Nanjibhai Solanki says:

  મુગેશભાઇ લેખ ની લીન્ક મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  હુ કમ્પ્યૂટર ફિલ્ડમાં 15 વર્ષથી હોવા છતા આટલી બધી માહિતી નહોતી. હા દરેક સુવિધાનો ઉપયોગ કરેલો છે પણ તેનો ઇતિહાસ આટલો સરસ રીતે જાણતો નહોતો… સરસ લેખ છે. ખૂબ ખૂબ અભિનંદન…

 7. ખુબ જ સુંદર લેખ! ઘણી સરળ ભાષામાં છણાવટ કરવામાં આવી છે. આભાર.

  મૃગેશભાઈનાં સાહિત્ય -કળશમાંથી વખતો વખત વાંચનનું આચમન કરતા રહીએ.

 8. Naresh B Dholakiya says:

  Nice one… Please keep it up

 9. વિન્ડોઝ XP મૂળભૂત રીતે ગુજરાતી (કે પછી કોઈ પણ ભારતીય ભાષા) નો આધાર ધરાવતું નથી. કદાચ ૨૦૦૫ કે ૨૦૦૬ની આસપાસ એક સર્વિસ પેક વડે તેને ઉમેરવામાં આવ્યું. જોકે ગુજરાતી કી-બોર્ડ માટે હજી પણ ઈન્ડિક સપોર્ટ ઉમેરવો પડતો હતો.

  ઉત્કર્ષ.ઓર્ગે આ કામ અન્ય ઓપરેટિંગ સિસ્ટમ (એટલે કે લિનક્સ) માં લાવવા માટે શરુઆત કરેલી અને ૨૦૦૪ની મધ્યમાં પહેલી ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ બનેલી. અત્યારે લિનક્સમાં વિન્ડોઝ કરતાં ક્યાંય વધુ સારો ગુજરાતી આધાર છે (ડિક્શનરી, સ્પેલચેકર, ગુજરાતી ઈન્ટરફેસ, કી-બોર્ડ વગેરે).

  • કલ્પેશ says:

   ગુજરાતી સ્પેલચેકર એટલે કે જોડણી બરાબર છે કે નહી એ તપાસી આપે?
   આવુ હોય તો ૧ જ શબ્દ કહીશ – Great!!

 10. jay says:

  પરિશિષ્ટ માં આપેલી માહીતી ખુબ જ ગમી.

 11. AMIT says:

  સ્ર્ર્સ્

 12. સુંદર માહિતિસભર લેખ, ધન્યવાદ.

 13. M.D.Gandhi, U.S.A. says:

  શ્રી મૃગેશભાઈ,

  અલ્લાદીન દીવો ઘસે અને જીન હાજર થઈ જતો કે અલીબાબા “ખુલ જા સીમ સીમ” બોલે અને ખજાનો ખુલી જતો, તેમ આજે તમારો ઈમેલ ખોલ્યો અને જાણે મહા ખજાનો હાથ લાગી ગયો! ગુજરાતીની વેબસાઈટની થોડી ઘણી જાણકારી તો હતી પણ આટલી બધી તો નહીંજ!

  ગુજરાતી વેબસાઈટની વિગતો આપીને તમે જાણે-અજાણે વાંચકોની બહુ સારી સેવા કરી છે. ગુગલ ઉપર નવી સાઈટો કેવી રીતે ખોલવી તે પણ તમે સરસ સમજાવ્યું છે. હજી પણ નવી નવી માહિતી આપતા રહેશો.

  તમારો ખુબ ખુબ આભાર.

 14. Upendra says:

  અદભઉત લેખ!!!

 15. જગત દવે says:

  ઘણી જ મહેનત અને સંશોધન બાદ તૈયાર કરેલ માહિતીપ્રદ આલેખ.

  ગુજરાતીઓની જેમ ગુજરાતી ભાષા પણ ફુલે અને ફળે. 🙂

  બ્લોગ જગતનાં બધાજ ગુજરાતીઓ ને “જય ગુજરાત” !!!

 16. Sakshar says:

  Nice article. This article must have required great amount of research. Bravo for doing all the hardwork.

  Thanks,
  Sakshar

 17. Lallit Maroo says:

  આદરણિય, મૃગેશભાઈ,

  ગુજરાતી વેબસાઈટની વિગતો આપીને તમે જાણે-અજાણે વાંચકોની બહુ સારી સેવા કરી છે.
  હજી પણ નવી નવી માહિતી આપતા રહેશો એવી આશા રાખીએ છીએ….
  તમારો ખુબ ખુબ આભાર.

  લલીત મારૂ
  ૦૯૭૬૮૫૦૪૪૮૮
  મુંબઇ.

 18. સાધનશુદ્ધિના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને આ સાધનનો ઉપયોગ કરનાર માટે આખું સાયબર જગત એક પરિવાર સમાન છે.

  સરસ અભ્યાસપૂર્ણ લેખ…

  અભિનંદન

 19. TARANG HATHI says:

  મૃગેશભાઇ,

  અભિનંદન, ખુબ જ મહેનત માગી લે તેવું કાર્ય આપશ્રી દ્વારા કરવામાં આવેલ છે. જો કે આપની પાસે મને આ જ અપેક્ષા હતી.

 20. brinda says:

  ગુજરાતી વેબ સાહિત્યની ક્રોનોલોજી વાંચવાની ઘણી મજા આવી. ખૂબ જ માહિતી સભર લેખ. આભાર અને અભિનંદન!

 21. Bhailal K Bhanderi says:

  જ્ઞાનયજ્ઞમા સરળતા કરી, આપી આપે યજ્ઞીયકાર્યનુ પૂણ્ય પ્રાપ્ત કર્યુ છે.

 22. Abdul Ghaffar Salehmuhammed kodvavi says:

  બહુ સરસ પકિસ્તાન મા રહિને હિન્દુસ્તન મા આવિ ગઆ ઇપન વગર પસ્પોર્ત અને વગ વિઝા થિ.

 23. heeral says:

  very nice article. thanks

 24. dharmesh makwana says:

  ખુબ સરસ પ્રથમ વાર ગુજરાતેી મા આટલુ બધા નેી જાનકરેી એક સાથે મલિ આપનો ખુબ આભાર

 25. સરસ અને માહિતીપ્રદ લેખ.

  ગુજરાતી બ્લોગવિશ્વ (સમસ્ત ગુજરાતી બ્લોગ જગત એગ્રીગેટર)નો પરિચય કરાવવા માટે ખૂબ ખૂબ આભાર.

 26. માહીતિ હતી પણ કદાચ આટલી બધી નહિ.

  આપ્ણી ભાષા આપણાથી અળગી ન થાય એના આપણા પ્રયત્નો ખરેખર પૂરાવો છે કે ‘ગુજરાતી’ હજી મરી નથી.

 27. Vipul Chauhan says:

  મૃગેશભાઇ,

  ઘણો આભાર !!!

 28. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ જ માહિતીસભર લેખ…, મારી જેમ ઘણા લોકો આનાથી વત્તા ઓછા અજાણ હશે જ, આભાર સહ અભિનંદન ….

 29. Shwetal says:

  બહુ સરસ માહિતી….. જય જય ગરવી ગુજરાત …..

 30. Chetan Chauhan says:

  ખુબ જ રસપ્રદ માહિતિ…..

 31. gopal says:

  માહિતી સભર ઉપયોગેી લેખ

 32. trupti says:

  ગુજરાતી સાહિત્ય હવે એક ક્લિક દુર. આતો આપણ્ર થોડા વરસો પહેલા વિચાર્યુ પણ નહતુ. પણ ટેકનોલોજી નો જેટલો આભાર માનીયે તેટલો ઓછો. આજના ઈનટરનેટ ના જમાના મા માણસ જોજનો દુર હોવા છતા પણ નજીક થઈ ગયો. તેનુ ઉદાહરણ- ફેસબુકે વરસો થી બિછડાઈ ગયેલા સાથી ઓ ને મળાવી દિધા. મારી જોડે ભણતો એક છોકરો આણંદ ચૌદસ ના બે દિવસ પહેલા મ્રુત્યુ પામ્યો. ૧૯૮૧ મા શાળા છોડ્યા બાદ તેને કોઈવાર જોયેલો પણ નહી. શાળા ના લગભગ ઘણા ખરા સહપાઠી જોડે નો નાતો તુટી ગયો હતો, પણ ફેસબુક મારફ્ત, પાછો નાતો જોડા યો અને જે સહપાઠી ગુજરી ગયો તેને માટે અમે ભેગા મળી ને ફંડ એકઠુ કરવા નુ નક્કી કર્યુ ને લો, દેશ-વેદેશ વસેલા સહપાઠીઓ એ ફાળો આપવાની તૈયારી બતાવી.
  ગુજરાતી મરી જશે ની બુમો ચારે બાજુ સભળાતી હતી, પણ એમ ભાષા મરી જતી નથી પણ આજકાલ ના યુવાનો અને તેમની જોડે તેમના મા-બાપ નો અભિગમ જો નહીં બદલાય તો ભાષાને નુકશાન જરુરથી થશે. એક દિવસ હુ પાર્લા મા પાર્લે બુક સ્ટોર નામે દુકાન છે ત્યાં ગઈ હતી. આ દુકાન મા કોલેજ ને સ્કુલ ના ચોપડા મળે છે અને દરેક જાતની સ્ટેસનરી પણ મળે છે. હું મારી દિકરી ને લઈને ગઈ હતી, ત્યાં એક મા-દિકરી પણ આવ્યા હતા, દિકરી ને કોઈ ફોલ્ડર જોઈતુ હતુ અને તે દુકાનદારને હિંદી મા સુચના આપતી હતી, દુકાન ગુજરાતી ની છે અને કામ કરનારા પણ ગુજરાતી છે. એક કામ કરતા ભાઈ એ છોકરી ને ગુજરાતી મા બોલવા નુ કહ્યુ કારણ મા-દિકરી પણ ગુજરાતી હતા. દિકરી કાંઈ કહે તે પહેલા જ મા બોલી, ” ગુજરાતી મા બોલવા નો વાંધો છે” હું જોઈ જ રહી, મને કહેવાનુ મન થઈ ગયુ કે આમા કોઈ ગર્વ લેવા જેવી વાત નથી, પણ હું ચુપ રહી. પણ જો મા ને બાળક ને પોતાની ભાષા શિખડાવવા મા રસ ન હોય તો બાળક ન શું કહેવુ?

  મ્રુગેષભાઈ ના આ લેખે ખરેખર ગર્વ મહેસુસ કરાવ્યુ કે આટલુ બધુ સાહિત્ય છે અને આટલી બધી વેબ સાઈટ છે પછી આપણી ભાષા ને ગ્રહણ નહીં લાગે.

  સુંદર લેખ આપવા બદલ ખુબ ખુબ આભાર.

 33. heeree says:

  બહુ સરસ માહિતી….. …………………………………

 34. jjugalkishor says:

  નેટજગત અંગે વિસ્તૃત માહિતી.

  પ્રિન્ટ મીડિયા પર છપાનારી આ વાત આવતીકાલે ઐતિહાસિક વિગત બની રહેવાની છે. સામયિકના તંત્રીને અને મૃગેશભાઈને ધન્યવાદ આપીએ તેટલા ઓછા ગણાશે. બહુ કિંમતી કાર્ય થયું છે.

 35. મૃગેશભાઈ
  ગુજરાતી બ્લોગ જગતનો ઈતિહાસ આપી દીધો ખૂબ ખૂબ ધન્યવાદ ! ગુજરાતી બ્લોગ લખવાનું કાણે અને ક્યારે શરૂ કર્યું હશે તે જાણવાની ખૂબ જ ઉત્સુકતા જ્યારથી મેં બ્લોગ ઉપર લખવાનું શરૂ કર્યું ત્યારથી હતી જે આજે આપે સંતોષી ફરીને ધન્યવાદ ! વેબ જગતમાં ગુજરાતીમાં પણ લખી અને વાંચી શકાય છે તેની જાણ તમામ ગુજરાતીઓને ખાસ કરીને અંગ્રેજી ભાષાની અનિવાર્યતા સમજતાઓને જણાવવી રહી ! આપની આ વેબ સાઈટ એ દિશામાં સક્રિય પ્રયાસો કરશે તો ધાર્યું પરિણામ જરૂર મળશે તેમ ધારું છું. એક સુચન કરું આપની વેબ સાઈટનુ નામ કરણ” રીડગુજરાતી-readgujarati” એ રીતે બંને ભાષામાં ના લખી શકાય ? વિચારજો ! ફરીને ધન્યવાદ !

  • મૃગેશભાઈ
   મારાથી ભૂલથી જ બંને ભાષામાં વેબ સાઈટનું નામ લખવા માટે સુચન થઈ ગયું ! આપે બંને ભાષાનો ઉપયોગ કર્યોજ છે તે વીસરાય ગયું. કૃપયા દરગુજર કરશો !

 36. જયેશ પરીખ says:

  વાહ ! ભાઈ ! વાહ !

  શબ્દ સૃષ્ટિના બ્રહ્માંડમાં શબ્દ-સાહિત્ય સફર ખેડી આવ્યાં એટ્લો બધો અદ્ભુત અનુભવ થયો. શાબ્દિક પ્રસ્તાવના મુશ્કેલ.

  જયેશ પરીખ

 37. Chirag says:

  એક બીજુ મોટુ નામઃ http://madhavramanuj.com પણ ઉમેરી દેશો.

 38. manav says:

  ઉત્તમ લેખ માટે આભાર..

 39. hsnmp says:

  ખુબ જ સરસ મહિતિ સભર લેખ ………………………….આભર

 40. સરસ માહિતી. આભાર.

  આજનુ સુવાક્ય ખુબ સરસ.

  એક આડ વાત્.. ગયા મહિનામાં ઇન્ડિયા વિઝીટ કરી ત્યારે માણેકચોકમા, ચિત્રમાં બતાવેલા જેવા લોટાની, ખરીદવા માટે તપાસ કરી પણ ના મળ્યા. એન્ટીક વસ્તુઓ ….ભંગાર ના ભાવે જતી રહી.

 41. મુર્ગેશભાઈ ઘણી બધી માહિતી એક સાથે જાણવા મળી . અત્યાર સુધીનો ગુજરાતી ભાષા નો નેટ પરનો આખો ઇતિહાસ જાણવાની સરસ તક મળી . ઘણું બધું જાણવા અને માણવા મળ્યું તે બદલ આપનો આભાર .

 42. Anila Amin says:

  જેન મને અત્યન્ત જરુર હતિ અને શોધ હતિ તે આજે મળી ગયુ. આજે પારસમણી લાધ્યો હોય એટ્લો આનન્દ થયોછે.

  અમેરિકા આવ્યા પછી કો. શિશણની જરુરિયાત સમજઈ સિનિયર સિટીઝનના વેકેશનમા ચાલતા પાચ દિવસના કલાસમા થોડુ

  કો. શિખીહતી એટલે બહુ વેબસાઈટો ની ખબર પડતી ન હતી . આજે સારુ એવુ માર્ગદર્શન મળી ગયુ.બાકી ૬૫ વર્શે અમેરિકા

  આવ્યા પછી એકલવાયા એરિયામા આખો દિવસ કેમ કટવો ? એજ મોટો સવાલ્ અવા સમયમા કો. એક આશિર્વાદ રુપ

  થઈ ગયુછે. આપનો ખૂબ ખૂબ આભાર.

 43. Rupal Shah says:

  Mrugeshbhai:

  Is there a good gujarati website from which I can teach gujarati to my 7 year old daughter?

  Thanks much,
  Rupal

 44. Ami says:

  Very informative article. Glad to see more than usual comments from different gujarati friends.

 45. 'ચાંદસૂરજ' says:

  ખૂબ માહિતીસભર લેખ !

 46. Chintan says:

  વાહ મૃગેશભાઈ વાહ..એકદમ મસ્ત અને માહિતિસભર લેખ છે. આપ ગુજરાતી સાહિત્યજગતની જ્ઞાનગંગાને જે ભગીરથ પ્રયત્નો કરીને અમારા જેવા સાહિત્યરસિકો માટે ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કરાવો છો તે બદલ તમને જેટલા અભિનંદન આપીયે તેટલા ઓછા છે.
  ખરેખર ખુબજ સરસ લેખ છે.

 47. પ્રિય મ્રુગેશ ભાઈ

  ખુબ ખુબ ધન્યવાદ્..
  આપના દ્વારા શબ્દસ્રુષ્ટિમાં લખાયેલ ગુજરાતી બ્લોગ અને વેબ સાઇટનું જગત લેખ વાંચીને અત્યંત આનંદ થયો. આપના દ્વારા એક પાયાનું કાર્ય થયું છે. જગત ભરમાં ફેલાયેલા ગુજરાતીઓ માટે ફરી પોતાની માત્રુભુમિ સાથે-માત્રુભાષા સાથે અનુસન્ધાન જાળવી રાખવાનું એક ઉત્તમ માધ્યમ વેબ સાઇટ દ્વારા પ્રાપ્ત થયું છે. એના વિશે સૌને માહિતગાર કરવાનું સદભાગ્ય આપને મળ્યું એ બદલ આપને તથા શબ્દસ્રુષ્ટિના સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદીને પણ મારા ખુબ ખુબ ધન્યવાદ્..ગુજરાતી સાહિત્યનો સંસ્કાર વારસો આ રીતે જ આપણે જાળવી શકીશું… બસ – નિરંજન રાજ્યગુરુના સૌ સ્નેહી મિત્રોને સ્મરણ્. 12-10-2010 ..11-35 pm

 48. Lata Hirani says:

  અરે વાહ્ મૃગેશભાઇ, ખૂબ ઉપયોગી લેખ.. અભિનન્દન

 49. Jagruti Vaghela USA says:

  ગુજરાતી વેબજગતની માહિતિ આપતો આટલો સરસ લેખ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

 50. ૨૦૦૨માં પુસ્તકાલય.કોમ શરૂ થઈ ત્યારે વર્તમાનપત્રો સિવાય: ૧. રીડીફ.કોમ,૨. ઝાઝી.કોમ અને કેસુડાં.કોમ વેબ જગતમાં અસ્તિત્વમાં હતાં જેની નોંધ પરિષિષ્ઠમાં ન જોઈ આશ્ચર્ય થયું.
  તોય લેખ ઘણીબધી રીતે માહિતીપ્રદ રહ્યો. આભાર.

  • જય પટેલ says:

   શ્રી જયંતિભાઈ

   ગુજરાતી સાહિત્યના ઈ-જગતના પાયોનિયરમાંના એક આપ અને આપની દશા મરહૂમ વડાપ્રધાન
   શ્રી રાજીવ ગાંધી જેવી આજના બ્લોગરોએ કરી નાખી..!!
   ભારતવર્ષને કૉ…નો ક શીખવાડનાર રાજીવરત્ન ગાંધીને આજે કોઈ યાદ પણ કરતું નથી.

   આજે ગુજરાતી વેબ/બ્લોગ જગતનું કોઈપણ પરિષિષ્ઠ તૈયાર થાય તો સીનિયોરિટીના સામાન્ય સિધ્ધાંત પ્રમાણે પણ
   આપની નોંધ લેવી જ પડે. આપે પુસ્તકાલય.કોમ શરૂ કર્યાની તારીખ જણાવી હોત તો નવા બ્લોગરોને નવું પરિષિષ્ઠ
   તૈયાર કરવામાં અનુકૂળતા મળી રહેત.

   ગુજરાતી સાહિત્યના સંવર્ધનમાં આપના યોગદાનને બિરદાવું છું.

 51. Daxita says:

  બહુ જ સરસ લેખ

 52. PRAFUL SHAH says:

  SHREE MRUGESHBHAI,
  WORDS ARE NOT ENOUGH FOR THE WORK YOU AND MANY OTHERS ARE DOING, AS TOLD BY UTTAMBHAI GAJJAR AND RATIBHAI(kak) AT 87 I AM TRYING AND TRYING AND HOPE TO WRITE FLUENTLY IN OUR GUARATI. I WILL BE FORWARDING TO OUR MANY FRIENDS IN OUR SENIOR FORUM AS WELL OUR ASSOCIATION “LONGISLAND GUJARATI CULTURAL SOCIETY”…MEANWHILE THANKING YOU AND WISHING YOU GOOD HEALTH….PRAFUL SHAH

 53. kishor Oza says:

  ખુબ જ્ઞાન સભર લેખ – આ ધરતી ઉપર આવવા માટે કે ધરતી છોડવા માટે જે અસહાયતા છે તે જાણી ગયા પછી પણ જો મનને સાચુ સમજાવી ન શકાય તો પછી કોણ મદદ કરે…?

 54. Nikhil Shah says:

  મ્રુગેશભાઈ, તમને એક છુપા સમાજસેવક કહેવા જોઈએ. ખુબ જ સુન્દર અને અદભુત લેખ ભેટ આપ્યો છે તમે સમગ્ર ગુજરાતિ સમાજ ને. ખુબ ખુબ આભાર. વિના સન્કોચ કહિ શકય કે આપણિ પ્રિય ભાષા ચિરકાળ સુધિ જિવન્ત રહેશે.

 55. JAYENDRA NAROTTAMDAS SHAH says:

  ખુબજ ઉપયોગિ અને રસપ્રદ માહિતિ.અભિનન્દન .

 56. Mahendra says:

  ખુબ જ ઉપયોગિ લેખ. અભિનન્દન.

 57. solanki Jignesh says:

  Sir, I am really thankful for yr such great efforts to put such articles before us and access them for mass.
  Thanks
  Jignesh Solanki.

 58. mukesh p pandya says:

  તમારા લૅખ વિષે કહેવાનુ ના હોય્.

 59. Anila Amin says:

  મ્રુગેશભાઈ ધન્ય્વાદ, એક પતિભાવ તો કખી ચૂકીછુ પણેક વિચાર આવ્યો અને તે અપનાવ્યા પછી પણ એમ થયુકે લાવ આ

  મ્રુગેશ ભાઈને જણાવુ. મારાજેવુ ખૂબા થોડુ કોમ્પ્યુટર આવડતુ હોય તેને ઉપયોગી થવ્વાય એટલે તમારા આલેખ ની થોડી

  પ્રિન્ટ કરી લીધી અને મારા જેવ્વા ગુજરાતિભાષા ના રસિક વ્યક્તિઓને આપી શકાય હુ વડૉદરાનીજ છુ અને મરો મુખ્ય્

  વિષય ગુજરાતી અને સાન્સ્ક્રૂત છે, વડોદરા આવીશ ત્યારે તમને જરુર મળીશ. તમે મળશોકે નહીતે જરુર જણાવશો.

  સનસ્ક્રુત સત્ર સપ્ટૅ મ્બરમા થયુ તેનો અહેવાલ ક્યારે આ બ્લોગ પર મકવાનાછો તે જરુર જ્ણાવશો.એ વાચવા હુ ખૂબજ
  ——————————————————————————————————————————————————

  આતુરછુ. પ્રત્યુત્તરની આશા રાખી શકુ?
  ————————————————

 60. Vaishali Maheshwari says:

  Very informative article. Thank you for all the research and hard-work that you have done Mrugeshbhai. Thanks for sharing this with us. Gujarati language has a great, bright future for sure…

 61. Maheshchandra Naik says:

  સરસ!!!!!!!!!!!!!!! આપને અભિનદન, માહિતીસભર વિગતવાર લેખ આપવા બદલ આપનો આભાર, તલ્ગાજરડાના સંસ્ક્રૂત પર્વના હેવાલની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યો છુ,

 62. raj says:

  very good
  no other words for it
  thanks
  rasj

 63. prabuddh says:

  ખરેખર બહુ જ સરસ. વિષદ માહિતી અને ઉપયોગી યાદી. webmehfil.com પણ સરસ છે, સમાવેશ રહી ગયો લાગે છે.

 64. maitri vayeda says:

  વાહ!! ઘણો જ માહિતીસભર લેખ. મજા આવી ગઈ.

 65. Tamanna shah says:

  ખુબ સરસ મ્રુગેશ ભાઇ,

  ખુબ આભાર્

 66. ગુજરાતી વેબસાઈટ્સ તથા ગુજરાતી બ્લોગ જગત વિશે માહિતીપૂર્ણ લેખ.
  ખૂબ ખૂબ આભાર મૃગેશભાઈ

 67. Jitendra Gandhi says:

  ખુબ સુન્દેર કામ માતે અભિનન્દન્.

 68. P.P.MANKAD says:

  Very informative and note worthy article. It appears, you have taken great pain in preparing this article.
  I wish to contribute “Fulpankhadi” in appreciation of your most valuable article. Please mail me your
  full postal address to enable me to send a cheque.
  With regards,
  Yours sincerely,

  P.P.MANKAD,
  Ankleshwar.

 69. Really very informative to specially NRI gujarati people. Thank you very much and Jai Jai Garvi Gujarat.

 70. JyoTi says:

  Thank you evryone….Aa to jane gagrma sagar……..Lekh to saras chhe j comments pan ghanu kahi jay chhe……

 71. girish says:

  ખુબજ મસ્ત મસ્ત મહિતિ જોવઅ મલિ. keep it on.

 72. Parthiv says:

  લેખ વાચિ નેઆનદ થયો.

 73. સ્નેહીશ્રી મૄગેશભાઈ

  ઈ- જગતમાં વામનના વિરાટ ત્રીજા પગલાનો અહેસાસ કરાવતા માહિતિ સભર લેખ માટે ખૂબ ખૂબ અભિનંદન.

  અમૃતગિરિ ગોસ્વામી

 74. Dipti Trivedi says:

  ગુજરાતીના આ સુવર્ણ લેખ માટે મારો પ્રતિભાવ લખતાં મોડું થયું કારણ કે તમારી મૂકેલી વિવિધ લીંક એટલી રસપ્રદ હતી કે સમયનો ખ્યાલ જ ન રહ્યો અને ટાઈપીંગમાં ધીમી ગતિના સમાચાર જેવું એટલે ઈન્ટરનેટ પરથી તે વખતે ઊઠી જવું પડ્યું. બેશક , વાંચકોના આ પ્રતિ ભાવ તમને વધુ મહેનત માટે જોમ પૂરું પાડતા હશે અને અગાઊ તમે “પ્રતિભાવ આપવા અંગે “તંત્રીલેખ લખ્યો હતો એમાં ઉલ્લેખ કર્યા મુજબ એ દિવસ ચોક્કસ આવશે કે કોઈ “બ્લોગ જગતમાં ગુજરાતી ભાષા” વિશે શોધનિબંધ તૈયાર કરે.

 75. maya says:

  ખુબ જ સરસ માહિતિ છે

 76. varsha tanna says:

  શબ્દસૃષ્ટિમાં આખો લેખ વાંચ્યો. સાચવી રાખવા જેવો ઊપયોગી લેખ બદલ આભાર્

 77. Ashish Dave, Sunnyvale, California says:

  Thanks for sharing Mrugeshbhai ….

  Ashish Dave

 78. Neepra says:

  ગુજરાતી ઈજગત ના શિરમોર સમા ડો. સિદ્ધાર્થ નો બ્લોગ, ચિરાગભાઈનો ઝાઝી.કોમ અને કેસુડા.કોમ નો ઉલ્લેખ ન મળ્યો ??? આવુ કેમ ?

 79. nikhil dhebar says:

  ખુબ જ સરહાનિય માહિતિસભર compilation

 80. Vivek Doshi says:

  ખુબજ સરસ અને માહિતીથી સરભર લેખ, હું પણ છેલ્લા એક દોઢ વર્ષથી બ્લોગ લખુ છું પણ પહેલો ગુજરાતી બ્લોગ કોણે લખ્યો અને ગુજરાતી ફોન્ટ સહીત ગુજરાતી વેબ સાઈટ અંગે આપણા લેખમાં સરસ જાણવા મળ્યું…

 81. I like it.
  After reding thank to writer.
  7567169561

 82. Nilesh Shah says:

  Very informative article.

 83. Pinki says:

  સરસ … હર્ષદભાઇને ખાસ અભિનંદન !

  જુ.કાકા સાથે ક્યારેક ચર્ચા થયેલી તે મુજબ,
  પ્રિન્ટીંગ મિડીયા દ્વારા નોંધ લેવામાં આવી છે. 🙂

  કેસૂડા ડૉટ કોમ સૌથી પહેલી ગુજરાતી વૅબસાઇટ છે, જેની રચના લગભગ ૧૯૯૯માં થયેલી.
  ઝાઝી તેમજ અમિતભાઈ ત્રિવેદીએ કરેલી મહેનત પણ નોંધનીય તો છે જ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.