બાળકને ભણવું કેમ નથી ગમતું ? – ડૉ. ઊર્મિલા શાહ

[‘જનકલ્યાણ’માંથી સાભાર.]

‘બેન ! મારા દીકરાનાં એડમિશન માટે આવ્યો છું. મળી તો જશે ને ?’
‘ભાઈ ! હજી તમે અંદર તો આવો, બેસો, શાંતિથી વાતચીત કરો અને પછી તપાસ કરો ને પછી પ્રશ્ન પૂછો. આ કંઈ કોઈ ખરીદીની ઓછી જ વાત છે કે ભાવ પૂછ્યો ને વસ્તુ ખરીદી લીધી !’
‘ના બેન, એવું તો નહીં…. પણ અત્યારે એડમિશન મળવા બહુ જ મુશ્કેલ છે એટલે મને બહુ જ ચિંતા થાય છે.’

અને એ ભાઈ એમના બાબાને લઈને મારી ઑફિસમાં આવ્યા, મારી સામેની ખુરશીમાં બેઠા, બાબાને પાસે ઊભો રાખ્યો. પણ બાબોય ખાસ્સો ધમાલિયો. હજી એ ભાઈ ગોઠવાય છે એ પહેલાં તો એણે ટેબલ પરથી પેન, કાગળો, પેપરવેઈટ, બધું જ આમતેમ કરવા માંડ્યું. હું પણ મૂંઝાઈ, એ ભાઈ જે પ્રશ્નો પૂછે તેનાં જવાબો આપવામાં ધ્યાન આપું કે એમનો દીકરો આ બધું અસ્તવ્યસ્ત કરી રહ્યો છે એને વારું ! આ બધી જ મથામણ દરમ્યાન એની મમ્મી તો સામી ખુરશીમાં નિશ્ચિંતે બેઠી હતી. માત્ર વાત સાંભળી રહી હતી. એના પોતાના બાળકની આ ધમાલ પ્રત્યે તેનું જરા પણ ધ્યાન કે અકળામણ હોય એવું લાગ્યું નહીં અને એટલે મારે ખાસ કહેવું પડ્યું :
‘બેન, બાબાને તમારી પાસે લઈ લો. એ અહીં ધમાલ કરે છે.’ અને એ જાણે તંદ્રામાંથી જાગતાં હોય તેમ તેમણે બાબાનું બાવડું પકડીને તેમની તરફ ખેંચ્યો, કાન આમળ્યો. આંખ કાઢી અને એટલે બાબો તો જોરશોરથી ડુસકાં ભરતો ઘાંટા પાડીને રડવા માંડ્યો. મારી ઑફિસ તો ગાજી ઊઠી. હુંય મૂંઝાઈ, હવે કરવું શું ? ને મેં પ્રશ્નાર્થભરી દષ્ટિએ પેલા ભાઈ સામે જોયું…. એટલે એ ભાઈને એમના દીકરાનાં તોફાનની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ને એમણે શરૂ કર્યું.

‘સ્પંદન, ચાલ ડાહ્યો થઈને બેસી જા તો, આમ આવે છે કે નહીં ! નહીં તો બેન હમણાં તને અંગૂઠા પકડાવશે.’ સ્પંદન તો એની મસ્તીમાં મહાલી રહ્યો હતો. એને વળી અંગૂઠા પકડવા એટલે શું એ ક્યાંથી ખબર હોય ! એનું તોફાન તો ચાલુ જ હતું. મારે એના મમ્મીને કહેવું પડ્યું, ‘બેન ! એને તમારી પાસે તમારા ખોળામાં લઈ લો.’ તો એની મમ્મી વળી કહે : ‘આમ આવે છે કે નહીં ! જો હમણાં પોલીસ આવશે તો પકડી જશે.’ ને મને એક ઘેરો આઘાત લાગ્યો. આ તે કેવા માબાપ ! એના પપ્પા આટલા નાના બાળકને અંગૂઠા પકડાવશે એમ કહે છે. મા એને પોલીસ પાસે પકડાવાની વાત કરે છે. આટલા નાના અઢી વર્ષના બાળકને આ માબાપ શું કરી રહ્યાં છે !

બાળકને લઈને સામાન્ય રીતે મારી ઑફિસમાં માબાપ આવે એટલે નાનકડું બાળક તો નિજાનંદની મસ્તીમાં જ મહાલતું હોય એટલે એ જાતજાતની વસ્તુઓ ફેંદે, ખેંચે, ધમાધમ કરે એ તો સાહજિક જ હોય, પણ મમ્મી કે પપ્પા સાથે હોય એટલે એમણે એ ધ્યાન રાખવું પડે કે એ બાલસહજ પ્રવૃત્તિથી બીજાને મુશ્કેલી તો ઊભી થતી નથી ને ! એ માટે એની પ્રવૃત્તિ પાછળ પૂરતું ધ્યાન આપવું પડે. તેને શાંતિથી સમજાવવું પડે, વહાલથી વારવું પડે, પણ આજે તો મમ્મી કે પપ્પામાં એ ધીરજ, એ ક્ષમતા જ ક્યાં છે ! છોકરું છે, તોફાન તો કરે જ ને ! પણ એને વહાલથી સમજાવવું પડે કે એ વસ્તુને કેમ ન અડકાય, અડકીએ તો તૂટી જાય, તૂટી ન જાય તે માટે કેવી રીતે તે જોવાય. બાળકને પાસે રહીને તે બતાવવી પડે. ઈશ્વરે બાળકમાં જિજ્ઞાસાવૃત્તિ મૂકી છે. સવાર પડે ને માણસ આંખ ખોલે ત્યારથી જ તેની નજર સમક્ષ જે કંઈ આવે તે બધી જ વસ્તુઓ માટે તેના મગજમાં પ્રશ્નોની સતત હારમાળા ચાલતી જ હશે ! એના એ પ્રશ્નોનાં જવાબો આપણે ન આપીએ, ન આપી શકીએ તો એ વસ્તુઓને સ્વયંપણે હાથમાં લઈને એનો અભ્યાસ કરવા પ્રેરાશે, એ સાહજિક છે જેને આપણે તોફાન અને ઉધમાત કહીએ છીએ અને એમાંથી છૂટવા એને બીક બતાવીએ છીએ, ક્યારેક બાવાની, ક્યારેક પોલીસની તો ક્યારેક અંગૂઠા પકડાવવાની; અને જ્યારે આવા માબાપને હું જોઉં છું ત્યારે મને થાય છે, સ્કૂલ બાળકો માટે ચલાવીએ છીએ પણ શું માબાપ માટે પણ સ્કૂલ ખોલવાની હવે જરૂર ઊભી નથી થઈ ! બાળકને માત્ર જન્મ આપવાથી જ માબાપ ઓછાં બની જવાય છે ! એ માટે તો બાળક સાથે પળેપળ જીવવું પડે છે. એની રગેરગમાં વણાઈ જવું પડે છે.

અને એમાંય હજી બાળક સ્કૂલમાં પ્રવેશે એ પહેલાં જ એને ‘ટીચર લડશે’, ‘ટીચર મારશે’, ‘ટીચર અંગૂઠા પકડાવશે’ એવું અઢી વર્ષના બાળકના મગજમાં ઠસાવવામાં આવે તો એ બાળકને સ્કૂલમાં આવવાનું મન જ ક્યાંથી થાય ! સ્કૂલ માટેનો અણગમો પહેલેથી જ બાળકના મગજમાં ઠસાવી દીધો હોય એટલે એ બાળકને સ્કૂલમાં આવવું તો ન જ ગમે, પણ ભણવું ય ન ગમે. આ તો પેલું આપણે દીકરીના ઉછેરમાં કરીએ છીએ તેવું જ કરીએ છીએ ને ! દીકરી નાની હોય ત્યારથી તેને ટોકીએ ‘સાસરે જશે ત્યારે આમ થશે, સાસુ વઢશે.’ પહેલેથી જ એના મગજમાં સાસરા પ્રત્યે એક નિષેધાત્મક મનોવલણ ઊભું કરી દઈએ એ મનોવલણ મોટી ઉંમરે ક્યારેક કેટલી બધી મુશ્કેલીઓ ઊભી કરે છે ! અને એટલે મારે તો જ્યારે બાળકને લઈને આવા વાલી આવે છે ત્યારે સૌપ્રથમ તો એ વાલીને શિક્ષણ આપવાનો પ્રશ્ન ઊભો થાય છે. આવા વાલીને એ પણ ખબર નહીં હોય કે, આજે તો બાળકને અંગૂઠા પકડાવવાની તો ક્યાં વાત કરવી ! અરે ! ગમે તેટલું તોફાન કરે તો શિક્ષકે હાથ પણ નહીં અડકાડવાનો એવો કાયદો થઈ ગયો છે. આજે બાળકોના વિકાસ માટે કેટલી બધી જાગૃતિ આવી ગઈ છે ! ભાર વિનાનું ભણતર, બાળકોનો વિકાસ થાય, તે માટે રોજેરોજ નીત નવા પ્રયોગો થયાં જ કરે છે. મેડમ મોન્ટેસરીએ તો બાલશિક્ષણની આખી એક નવી તરાહ જ શરૂ કરી. બાળકને ખીલવા દો, પાંગરવા દો, એના હીરને ઓળખો, એને રુંધી ન નાખો, રોકટોકથી એને મૂરઝાવી ન દો, એમાંય બીક તો બાળક ઉપર બહુ જ વિપરીત અસર કરે છે. એને અસલામતી લાગે છે.

આજના માબાપોની ફરિયાદ હોય છે ‘આજનાં છોકરાંઓને ભણવું જ નથી ગમતું….’ ક્યાંથી ગમે ? નાનું હોય ત્યારથી જ સ્કૂલ માટે આમ નિષેધાત્મક મનોવલણ ઊભું કર્યું હોય. ટીચર્સ તો મારે જ, શિક્ષા કરે… એવું મનમાં ઠસાવી દીધું હોય એ શિક્ષકો ભણાવે એમાંય છોકરાને ક્યાંથી રસ પડે ! બાળકો તો શિક્ષકની આંખમાંથી નીતરતો પ્રેમ અને એમની પાસેથી જ્ઞાન ઝંખતા હોય છે. આજના કેટલા શિક્ષકો બાળકની આ અપેક્ષા પૂરી કરી શકે છે !

ઘેર મમ્મી ભણાવવા બેસે તો પણ કેટલી મમ્મીઓ રસથી, વહાલથી ભણાવતી તમે જોઈ છે ! આજની શિક્ષિત કહેવાતી મમ્મીઓને દરેકને તેના બાળકોને ટોપર બનાવવું છે અને તેનું ટેન્શન એના માથા પર એવું તો સવાર થઈ ગયું છે કે બાળકને એ ભણાવે છે ખરી પણ રિલેક્સેશનથી ભણાવી શકતી જ નથી. બાળકને સહેજ ન આવડે એટલે એટલી અકળાઈ ઊઠે છે કે બાળક એનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. અરે ! જે કંઈ આવડતું હોય એ પણ એ ભૂલી જાય છે. આજે બાળકને ભણવામાં રસ પડે ક્યાંથી ? આપણે દોષ કાઢીએ છીએ કે, ‘છોકરાઓને ભણવું જ નથી ગમતું’ બાળપણ છે એટલે નિજાનંદની મસ્તી માણવાનું તો એને ગમે જ ને ! પણ ભણવામાં રસ પડે એવું વાતાવરણ આપણે માબાપ કે સ્કૂલમાં આપી શકીએ તો બાળકને ભણવાનું કેમ ન ગમે ! ઈશ્વરે એને જિજ્ઞાસાવૃત્તિ આપી છે. એના પોષણ માટે તો એ સતત મથામણ કરે જ છે, સતત પ્રશ્નો પૂછ્યા જ કરે છે. પણ એની અનુકૂળતા જ ન મળે તો એમાં એનો શો દોષ ! એને રીતસર રોજ ભણાવવા ન બેસો તો ચાલશે, પણ તમારો છેડો પકડી તમને દિવસ દરમ્યાન જે પ્રશ્નો પૂછે એના વ્હાલથી, સમજથી, સૂઝથી જવાબો આપશો તોય તેને ઘણું જ્ઞાન પ્રાપ્ત થશે. પ્રશ્ન માત્ર આપણા બાળકમાં સતત રસ લેતા રહેવાનો છે. તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનો છે. માત્ર બીક બતાવી ધાર્યું કરાવવાથી બાળકનું ભણતર કે ઘડતર કશું જ નહીં કરી શકાય. એ રીતે તો એ મૂરઝાઈ જશે, એને ખીલવા દો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આજકાલ પાણીનો પ્રયોગ ચાલે છે – વિનોદ ભટ્ટ
ગાંધીકથાના મુદ્દા – નારાયણ દેસાઈ Next »   

19 પ્રતિભાવો : બાળકને ભણવું કેમ નથી ગમતું ? – ડૉ. ઊર્મિલા શાહ

 1. સુંદર લેખ!

  આજના સમાજની મોટી સમસ્યા નો સાચ્ચો ચિતાર! દરેક ઘરની કથા.

 2. આપનો ખુબ આભાર આ લેખ બદલ .એકદમ સાચી વાત કહી બાળક ને નકારાત્મક વિચારો તરફ આપણે જ લઇ જઈ એ છીએ.કયાંક મારા કિસ્સા માં પણ આવુ જ બન્યુ હતુ હુ ઘરમાં સૌવથી નાનો એટલે મને કોપણ કામ માટે કહેવામાં આવતુ નહી જયારે મારા થી મોટા ભાઇ ઓ 15 વષૅના હતા ત્યાર થી જ બેન્કો ના કામ તેમનેજ સોપવા મા આવતા જ્યારે હુ કેતો કે હુ જાવુ ત્યારે દરેક બાબત મા મને નહી ફાવે એમ કરીને કશુ જ જવાબદારી વાળુ કામ સોપવા મા ના આવ્યુ.પછી મારમા જાણકારી ક્યાથી હોય.જ્યા સુધુ અનુભવ ના થાય ત્યા સુધી તમે કેવી રીતે ક ઇ શીખી શકો.

 3. જય પટેલ says:

  ભાર વગરના ભણતર પર ભાર આપતો સુંદર લેખ.

  આપણા ગુજરાતી સમાજમાં બાળકો ડરાવવાનું શિક્ષણ ગળથુથીમાંથી જ અપાય છે.
  બાળક આડું થાય ત્યારે માબાપ કહેશે….હમણાં બાવો આવશે અને બાવો અનુપસ્થિતીમાં ય ચમત્કાર કરે..!!
  નિડરતાના પાઠને બદલે બાળકના કૂમળા મનમાં બાવો ઘર કરી જાય.

  લેખિકાએ બાળ શિક્ષણ પર વિસ્તારથી ચર્ચા કરી તે ખૂબ ઉપયોગી છે.
  આભાર.

 4. ખુબ સુંદર.

  નાનપણથી આવા અલગ અલગ ડર રાખી ને બાળક એ પટાવતા તે બીકણ પણ બની જાય છે.

 5. Akhil Patel says:

  Good article on education relating with the parents mentality. I would also like to put up one point for the upcoming education system is that engineering and MBA done people joining as teacher in school will change the future. If u see our education system very low grade people get admission in the science streams and becomes teacher but in foreign counteries high grade people are in education system. This makes a big difference in education system.

 6. nayan panchal says:

  ઉપયોગી લેખ.

  વાલીઓએ શાળાઓ કે શિક્ષકો વિશેની નકારાત્મક ટિપ્પણીથી દૂર રહેવુ જોઈએ. એમ કહો ને કે શાળામાં નવા મિત્રો મળશે, આમ કરીશ તો શાબાશી મળશે વગેરે વગેરે. કેટલીક માતાઓ પણ હવે તો ECCEd (Early Childhood Care Education)નો કોર્સ કરે છે, ખાસ પોતાના બાળકો માટે.

  આભાર,
  નયન

 7. નિરવ ભીંડે says:

  પપ્પા ની આગળી પકડી બજાર મા ફરવા લઈ જવા . . .

  મમ્મી ના ખોળા મા માથુ રાખીને સુવડાવવા . . .

  દાદા – દાદી સાથે બગીચા મા ફેરવવા . . .

  તેમની સાથે ક્યારેક પોતે પણ બાળક બની જઈને રમવુ . . .

  ટીચર થી બીવડાવવા કરતા પોતે ટીચર બનીને પ્રેમ થી ભણાવવુ . . .

  સુ-માતાપિતા બનવુ એટ્લુ અઘરુ નથી હો . . .

 8. trupti says:

  જ્યારે હું પહેલી વાર મારી દિકરી ને લઈ ને તેના શાળા પ્રવેશ માટે ગઈ હતિ તે ચિત્ર આંખ સામે આવી ગયુ.

  કોઈ જાત નો ઈંટરવ્યુ નહીં જેટલા બાળકો ના વાલી ઓને તે દિવસે તેમના બાળકો ના પ્રવેશ માટે બોલાવ્યા હતા તેમને એક ખંડ મા બેસાડ્યા અને તેજ ખંડ ના એક ખુણા મા એક પ્લે સ્ટેસન-એરિયા જેવુ બનાવેલુ,બધા વાલિઓ ને સુચના આપવા મા આવી કે બાળક ને ત્યાં છુટુ મુકી દેવુ અને બીજી બાજી ૨-૩ કાઉન્સીલરો એ શાળા ને બાળ ઉછેર પર થોડી વાતો કરી. તેમા મુખ્ય વાત બાળક ને કઈ રીતે કોઈપણ વાત માટે કન્વિન્સ કેવી રીતે કરવુ?. અને ડર બતાવવાની ચોખ્ખી ના, આમ કરશે તો પોલિસ લઈ જશે કે બાવો આવશે તેવો ડર બતાવવો નહીં આ બધી વાતો ચાલતી હતી ત્યાં બાળકો તેમની દુનિયા મા મસગુલ હતા, કોઈ જાત ની ખલેલ નહી, ધમાલ નહીં તેમનુ ધ્યાન રાખવા શાળા નિ બાઈ અને એક મોન્ટેસરી શિક્ષક હાજર હતા ને વાલીઓ પણ શાંતિ થી બેફિકર થઈ ને કાઉન્સીકરો ને સાંભળી શકતા હતા. પછી છેલ્લે શાળા ના ટ્ર્સ્ટી ને બાળક સાથે લઈ ને વાલીઓ એ જઈ ને મળવાનુ ને લો, પ્રવેશ થઈ ગયો. મને શાળાની આ પ્રવેશ માટે નિ પધ્ધતિ ખુબજ ગમી, બાળક પર કોઈ જાત નુ દબાણ નહીં અને જાણતા અજાણતા તેમની પરિક્ષા પ્લે એરિયા મા થઈ ગઈ કારણ હાજર રહેલા શિક્ષક રમાડવાનિ સાથે બાળકો ને પરખિ પણ લીધા.
  બધિજ શાળા આ પ્રમાણે ની પધ્ધતિ અપનાવે તો બાળક ને જ્યારે સરખુ બોલતા પણ ન આવડતુ હોય ત્યાં જ ઈંટરવ્યુ ના ચક્ક્રર મા ન ફસાવુ પડે.

  લેખિકા બહેને આજના સમય અને સમસ્યા ને ચિતાર આપતો સરસ લેખ આપ્યો તે બદલ આભાર.

 9. Jagruti Vaghela USA says:

  આજના નાના બાળકોના માતાપિતા એ વાંચવા-સમજવા જેવો ખૂબ સરસ લેખ.

 10. Chintan says:

  બહુ સરસ અને સૌને ઉપયોગી લેખ છે. દરેક માતાપિતાએ ધીરજ તેમજ હકારાત્મક વિચરો દ્વારા બાળક ને કેળવવાનુ હોય છે. નાના બાળકોના વિચારો તેમજ તેમની સૃષ્ટિ અનેરી હોય છે.

 11. Vaishali Maheshwari says:

  Good article by Dr. Urmila Shah.

  Dr. Haim Ginott has rightly said “Children are like wet cement. Whatever falls on them makes an impression.”

  If we keep putting negative thoughts about schools and teachers in kid’s minds, they will never be excited or happy to go to school, infact they will be scared. But on the contrary if we teach them to think in a positive manner, things will become a lot easier for Parents and a lot interesting for the kids.

  Let kids enjoy their childhood. We should definitely keep a watch over them, but teach them in such a manner that at the end they learn positive things and have fun too.

  Thank you Author for writing this article.

 12. Anila Amin says:

  હુયે એક શિશિ

 13. Anila Amin says:

  ઊપર્ર્ની કોમેન્ટ ભૂલથી સબ્મીટ થઈ ગઈ છે તો માફ કરશો.

  મને લાગેછેકે શાળામા શક્ષણની સાથેસાથે બાળક સમજી શકે તે કક્ષા થી ચાઈલ્ડ સાયકોલોજીનો વિષય ફરજિયાત્

  ક્રમાનુસાર ભણાવવાનો શરૂ થવો જોઈએ. ક્રમેક્રમે અનુ લેવલ વધારતા જવુ પણ ક્યારેય આ વિષય બન્ધ ન થવો જોઈએ જેથી

  ભાવિ માતા-પિતાઓ બાળકોને સમજતા તૈયાર કરી શકાય.

 14. Rachana says:

  ખુબજ સુન્દર લેખ.

 15. Rakesh Pandya says:

  very good use full detail .

 16. sugandh says:

  Hello,
  I read this article and thought why this article was written in the first place! There are thousands of articles written on this subject which all basically say the same thing. Isn’t a published article supposed to bring something new ? What has Dr. Shah contributed new here. Do we really deserve such copy-paste writing style as the Gujarati readers? One more thing: we have all read the last paragraph in the article in thousands of other places, right? But the author herself is missing creativity and using plagiarism. I have observed similar articles from the author and many other so called writers. I am not from the old generation myself and don’t ever even think of discouraging any young creative mind. But if there not many new authors around doesn’t still mean that we have to lower our standards down.
  It is always good to encourage young and good authors, but now it seems that it is the time to tell the bad authors that they are bad on their faces too.
  Note that I don’t know the author personally nor I have any personal reason to criticize her work. But I am sick of these kind of plagiarized/copy-paste articles now.
  Sugandh

 17. dhiraj says:

  ખુબ સુંદર અને ઉપયોગી લેખ
  લેખિકા બહેને વાલીઓની બાળકો માટેની એક ફરિયાદ લખી છે કે બાળકો ભણતા નથી બીજી એક ફરિયાદ વારંવાર સંભાળવા મળે છે કે “બાળક બહુ જીદ્દી છે ”
  ઊર્મિલા બહેન ને અને મૃગેશભાઈ ને તથા તમામ વાચકો ને વિનંતી કે જો આ પ્રશ્નનો ઉત્તર તમારી પાસે હોય તો જરૂર મને મૈલ કરજો

  erdhiraj2000@gmail.com

 18. Vismay says:

  Khub saras artical

 19. Hiren Patel Sihol says:

  તમારો આ લેખનિ અસર મારા બાળકો પર થઈ તેમના મનમાથિ ગણીત નો ડર નિકળી ગયો
  આભાર તમરો આવા લેખ લખતા રહેજો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.