આજકાલ પાણીનો પ્રયોગ ચાલે છે – વિનોદ ભટ્ટ

[‘અખંડ આનંદ’ દીપોત્સવી વિશેષાંક (ઑક્ટોબર-2010)માંથી સાભાર.]

શહેરમાં હેલ્થ સેન્ટર્સ – સ્વાસ્થ્ય કેન્દ્રો ખૂલવાને કારણે લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે વધુ જાગૃત થવા માંડ્યા છે….. તાજેતરનો કિસ્સો છે. એક સ્નેહી અમારે ત્યાં મળવા આવ્યા. પત્નીએ તેમની આગળ પાણીનો ગ્લાસ હાજર કર્યો, એટલે તે સહેજ અણગમાથી બોલ્યા :
‘માફ કરજો, હું પાણી પી શકું તેમ નથી.’
‘કેમ ?’ અમે આશ્ચર્યથી કારણ પૂછ્યું.
‘આજકાલ પાણીનો પ્રયોગ ચાલે છે.’ તેમણે જણાવ્યું એટલે મેં બમણા આશ્ચર્યથી પૂછ્યું, ‘શું વાત કરો છો, પાણીનો પ્રયોગ ચાલે છે તોય પાણી નથી પીવું ?’
‘એટલે જ નથી પીવું…..’ તેમણે જણાવ્યું.
‘પાણીનો પ્રયોગ એટલે પાણી પર ચાલવાનો પ્રયોગ ?’ અમે હળવાશથી પૂછ્યું.

‘ના, પાણી વડે ચાલવાનો, પાણીની મદદથી તંદુરસ્તીપૂર્વક જીવવાનો પ્રયોગ ચાલે છે… જાપાનીઝ સિકનેસ એસોસિયેશન દ્વારા એવું શોધી કાઢવામાં આવ્યું છે કે, પાણીનો પદ્ધતિસર પીવામાં ઉપયોગ કરવામાં આવે તો માથાનો દુખાવો, પેટનો દુખાવો, કૅન્સર, સંધિવા, લકવો, ટી.બી., ડાયાબિટીસ અને દમ જેવા અનેક જૂના-જાણીતા નવા ને હઠીલા રોગો ગણતરીના દિવસોમાં પોબારા ગણી જાય છે.’ કહી તેમણે ખિસ્સામાંથી એક પત્રિકાની ઝેરોક્ષ કાઢી અમારા હાથમાં મૂકી. સાથે સૂચના પણ આપી કે, ‘આ પત્રિકાની સો-દોઢસો-બસો ટૂંકમાં યથાશક્તિ નકલો કઢાવી તમારાં સગાં-સ્નેહીઓને છૂટા હાથે વહેંચજો.’ જોકે તેમણે સત્યનારાયણની કથાનો કિસ્સો ટાંકીને એવું ના કહ્યું કે, પાણીનો આ પ્રયોગ નહીં કરવાને કારણે ફલાણા ભાઈને પારાવાર નુકશાન થયું હતું, તેમનો ચાર વર્ષનો દીકરો પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગયો હતો વગેરે વગેરે, વગેરે…

જોકે સાચું કહું તો અમને તો નાનપણથી જ પાણીની બીક બહુ લાગે છે. એક જ્યોતિષીએ અમને કહ્યું હતું કે પાણીથી તમારે ખાસ સંભાળવું, પાણીમાં ઘાત છે. ત્યારથી પાણી પણ અમે ડરી ડરીને પીએ છીએ. આ જ કારણે અમારી દીકરીના દીકરા-દોહિત્રનું નામ ‘જલધિ’ રાખવા સામે નારાજગી દર્શાવી એ નામ રાખવા દીધું નહોતું. અને આ પાણીમાં મારવા કરતાંય જિવાડવાની શક્તિ વધારે છે. એ જોયા પછી અમને પાણીમાં રસ પડવા માંડ્યો છે. અમને આમ તો ઢગલાબંધ બીમારીઓ અનાયાસ મળી છે. એમાંય બ્લડપ્રેશર અને ડાયાબિટીસ મુખ્ય છે. પિતાશ્રીને ઊંચું બી.પી. રહેતું, ગુસ્સો પણ એટલો જ રહેતો. વારસામાં અમને તે આ બન્ને મોંઘી જણસ આપતા ગયા છે. પણ ડાયાબિટીસ એ અમારી જાત કમાઈ છે, અમે તે સ્વબળે મિષ્ટ પદાર્થોની મદદ વડે કરીને મેળવેલ છે. અમારા આ ડાયાબિટીસને કાંકરિયા તળાવ પર છોડી મૂકવા ઘણાં વર્ષોથી અમે દરરોજ વહેલી સવારે કાંકરિયા પર ચક્કર લગાવીએ છીએ. તેનો પીછો છોડાવવા ક્યારેક તો અમે દોડવા પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ આ કમબખ્ત રોગ જ એવો છે જે તમારા પડછાયાનો પાલવ પકડીનેય તમારી પાછળ પાછળ ચાલે, તમારાથી વિખૂટો ન પડે, તમને રેઢા ન મૂકે. એક વાર મેં કવિમિત્ર લાભશંકર ઠાકરને પૂછ્યું હતું કે ડાયાબિટીસ નાબૂદ થઈ શકે ખરો ? ત્યારે તે સર્વમિત્રે જણાવ્યું હતું કે તે આપણો આજીવન મિત્ર છે, જે ઠેઠ સ્મશાન સુધી સાથ આપે છે ને આપણી સાથે જ ચિતામાં બળે છે. તમારા જેવો બીજો મિત્ર એને ક્યાં મળવાનો ?

પરંતુ આ પત્રિકામાં તો સ્પષ્ટપણે લખ્યું છે કે ડાયાબિટીસ માત્ર એક જ મહિનામાં મટી જશે. એમ તો આ પ્રયોગવીરોનો એવો દાવો છે કે પાણીપ્રયોગથી કબજિયાત પણ મટે છે ને મરડોય મટે છે. આ ઉપરાંત મૅનેન્જાઈટીસ અને પૅરેલિસિસથી માંડીને લિવરને લગતા માથાભારે રોગો પણ આ પાણી આગળ પાણી ભરે છે. આ પત્રિકા વાંચતાં એવો ભય પણ લાગે છે કે જો આ પાણીપ્રયોગ સફળ થઈ જશે તો જગતભરના ડૉક્ટરો અને વૈદ્યો ભૂ પીતા થઈ જશે – તેમનું ભોજન આ ચમત્કારિક પાણીથી જશે. પછી તો ડૉક્ટરોએ ભોજનમાં પાણી પીવાનું જ રહેશે. પાણીના આ પ્રયોગ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ એ છે કે આ પાણીપ્રયોગ આપણને પાણીના મૂલે મળે છે. તદ્દન મફત. જોકે પાણી પણ હવે પાણીના મૂલ મળતું નથી. પાણીમાં પોલિટિક્સ પ્રવેશી ગયું છે. (નમામિ દેવી નર્મદે)

આ પ્રયોગ એવો છે કે વહેલી સવારે (કૂકડાની સાથે) ઊઠીને મોઢું ધોયા વગર કે બ્રશ કર્યા વગર, બંગાળી નહીં પણ પંજાબી લસ્સીનો હોય છે એવા ચાર ગ્લાસ શુદ્ધ પાણી નરણે કોઠે પી જવું. કવિ કે કલાકાર ન હોય એવા જણ માટે એક સાથે ચાર ગ્લાસ પાણી પી જવાનું કામ ઘણું કઠણ છે, એટલે શરૂઆત બે ગ્લાસથી થઈ શકે. આ પાણી પીધા બાદ પિસ્તાળીસ મિનિટ સુધી કંઈ પણ ખાવું નહીં. શક્ય હોય ત્યાં સુધી બગાસું પણ નહીં. આ પાણી પી લીધા બાદ ટેવ (અને ઈચ્છા) હોય તો બ્રશ કરી શકાય. આ પ્રયોગ શરૂ કર્યા પછી સવારે નાસ્તા બાદ અને બપોરે તથા રાત્રે ભોજન લીધાના બે કલાક સુધી પાણી પીવું નહીં એટલું જ નહીં પાણી સામે જોવું સુદ્ધાં નહીં – જોઈએ તો પીવાનું મન થાય ને ! બે કલાક બાદ પીવું હોય એટલું પાણી પી શકાય. અને રાત્રે સૂતાં પહેલાં (અને સ્વપ્નમાં પણ) કશું ખાવું નહીં.

બસ આટલું નિત્યપણે કરવાથી બી.પી. એક મહિનામાં, કબજિયાત દસ દિવસમાં, ટી.બી. ત્રણ મહિનામાં અને કૅન્સર છ મહિનામાં મટી શકે છે. જોકે આમાં થોડો આધાર રોગ પર પણ છે. તે શરીર ખાલી કરવા ઈચ્છે ત્યારે જ ખાલી કરે છે અને હા જો આ પાણીપ્રયોગ ધાર્યું પરિણામ ન આપે, પોતાનું પાણી બતાવવામાં નિષ્ફળ જાય તો તેની સઘળી જવાબદારી અમારી નહીં, પાણીની છે એમ જ માનવું. અસ્તુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાવિ પુત્રવધૂને પત્ર – જયવતી કાજી
બાળકને ભણવું કેમ નથી ગમતું ? – ડૉ. ઊર્મિલા શાહ Next »   

16 પ્રતિભાવો : આજકાલ પાણીનો પ્રયોગ ચાલે છે – વિનોદ ભટ્ટ

 1. nayan panchal says:

  સરસ મજાનો હાસ્યલેખ.

  પાણીનો પ્રયોગ કરવા જેવો ખરો. પણ સાલા પાણીના પણ અમુક પ્રયોગ બહુ મોંઘા હોય છે. વચ્ચે ચિત્રલેખામાં BioDisk વડે રિચાર્જ થયેલા પાણી વિશેનો લેખ હતો. પરંતુ એ રકાબીની (માત્ર એક રકાબીની, રકાબી બોલે તો BioDisk)ની કિંમત અંકે રૂપિયા ૧૬૦૦૦ પૂરા હતી. કોઈ વાચકે આવો પ્રયોગ કર્યો હોય તો જણાવવા વિનંતી.

  આભાર,
  નયન

 2. નિરવ ભીંડે says:

  પ્રયોગ ની પધ્ધતી સમ્પુર્ણ પણે લાભ કારક છે.

  – – (જાત – અનુભવ પરથી)

  • nayan panchal says:

   નિરવ ભાઈ,

   તમે વિનોદ ભટ્ટજી વાળા પ્રયોગની વાત કરો છો કે પછી BioDisk વાળા પ્રયોગની ?

   આભાર,
   નયન

 3. અમારા એક દર્દિએ આ પાનિ નો પ્રયોગ કયો હત તેને મધુ પ્રમેહ મા જરાપન ફાયદો થયો નથિ વધુ પાનિ પિવાથિ કિદનિ ને નુક્શાન થાય

 4. સરસ હાસ્યલેખ છે. પણ લેખ ખુબ જ ટુંકો લાગ્યો. થોડો લાંબો હોત તો મજા આવત.

 5. Chintan says:

  પ્રયોગની અસરકારકતા વિષે કોઈપણ શંકાને સ્થાન નથી….લેખ ખૂબ નાનૉ પણ મજાનો છે. માનનીય લેખકશ્રિને કાંકરિયાની પાળે તેમના મિત્રવર્તુળ સાથે જોવાનૉ લાહવો અમે કોલેજમાં હતા ત્યારે મળેલો છે. મળવા અને માણવા જેવા ગુજરાતી હાસ્યલેખક શિરમોરને ખુબ ખુબ ધન્યવાદ.

 6. Hetal says:

  Nayanbhai- FYI- Niravbhai’s comment is about the article and not the reply of your comment- I think you don’t try to read between the lines- I have seen many people do this pani prayog in various ways and it does help up to some extend but it does not cure you from BP, cholesterol and diabetes, cancer and such- it may help control it but these disease just does not go away as mentioned in the article.

 7. Jagruti Vaghela USA says:

  જો આ પાણીપ્રયોગ સફળ થઈ જશે તો જગતભરના ડૉક્ટરો અને વૈદ્યો ભૂ પીતા થઈ જશે. હા ! હા ! હા !

 8. પાનીના અને શીવામ્બુના પ્રાયોગો થયા છે અને નીષ્ફ્ળ ગયા છે. ડોક્ટર ને આચ આવવાની નથી.

 9. Vaishali Maheshwari says:

  Good one Mr. Vinod Bhatt.

  I would like to share with all of you something that I read in one of the forwarded emails that I received:

  Correct timing to take water will maximize its effectiveness to human body.
  Two (02) glasses of water – After waking up – Helps activate internal organs
  One (01) glass of water – 30 minutes before meal – Help digestion
  One (01) glass of water – Before taking a bath – Helps lower blood pressure
  One (01) glass of water – Before sleep – To avoid stroke or heart attack

  Drinking water is always good for health!!!

 10. Anila Amin says:

  દેવલ નકાશીવાલા સાથે ૧૦૦% સહમત . થોડોલાબો અને વિવેચન યુક્ત હોતતો ખૂબજ મઝા આવત.

  “તમને ડાયબિતિસ થયોછે ” લેખ બહુજ સરસ હતો.

 11. Dr Jaykumar Shah says:

  very good hashya lekh by Shri Vinod Bhatt-the genius.But regarding this experiment I would like to add that if you do Kunjal or vaman after drinking four glasses of water,this really helps in gastritis.

 12. Deejay says:

  હસવા અને હસાવવા માટે શ્રી વિનોદભાઈનો લેખ સારો લાગ્યો.લગભગ વાંચનાર દરેક વ્યકતિ અને લેખકશ્રી પોતે પણ સવારે નરણાકોઠે એકાદ ગ્લાસ પાણીતો પીતા જ હશે.ન પીતાહોય તો પ્રયોગ કરી જોવા વિનંતી છે.

 13. Harshit says:

  lekh vachi haso ane pani pio… good one….

 14. Pravin Kapadia says:

  It is not good to drink 4 glasses of water everyday. May be 1 to 1.5 glass of water is sufficient enough.
  I have heard few cases (all from India), they were drinking 3-4 glasses of water regularly daily in the morning. The result was severe after about 4 months. They lost important electrolytes which helps to control brain. They were getting dizzy and approched doctor. Out of 4 cases 2 of them were fatal and 2 others were released from the hospital after few days recovery. This cases are true and on factual bases.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.