ગાંધીકથાના મુદ્દા – નારાયણ દેસાઈ

[ગાંધીકથાના પ્રવક્તા આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રવચનો તેમજ કેટલાક લેખોનું સંપાદન કરીને તાજેતરમાં ‘ઘણું જીવો ગુજરાતી’ શીર્ષક હેઠળ આ પુસ્તક પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘રંગદ્વાર પ્રકાશન’નો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

અમેરિકાના નેવાર્કથી શ્રી અનંત શેઠે ફર્માઈશ કરી કે ‘(‘ગાંધીજયંતી’ અંગે) ત્રણચાર સારા બોલનારાઓમાં મારું પણ નામ છે. ગાંધીજી વિશે ઘણું ચીલાચાલુ બોલવા કરતાં આપની પાસેથી સરસ લખાણો, જે ગાંધીકથામાં છે તેમજ જે આપે અવારનવાર વર્ણવ્યાં છે તેવાં. પંદર મિનિટ બોલી શકાય એટલી વિગતે જોઈએ છે.’ અમેરિકામાં ફાસ્ટફૂડનું ચલણ આપણા કરતાં વધુ. એટલે એમની પાસે પંદર મિનિટથી વધારે સમય હોય પણ શી રીતે ? મને ગાંધીકથા સારુ ઓછામાં ઓછા પંદર કલાક જોઈએ ! પણ કોઈનેય મારા મુદ્દાઓ ઉપયોગી જણાતા હોય તો આ રીતે સુદ્ધાં ગાંધીવિચારને ફેલાવવાનું મારું મિશન થોડું આગળ ધપે એવી આશાએ મેં તેમને કેટલાક મુદ્દાઓ મોકલી આપ્યા, તેને કાંઈક વિસ્તારી, કાંઈક મઠારી ‘પરબ’ના વાચકો સારુ રજૂ કરવાની રજા લઉં છું.

[1] ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા. સત્યની એમની વ્યાખ્યા જ પછી મન, વાણી અને કર્મની એકવાક્યતા એવી થઈ ગઈ. અને એ વ્યાખ્યા મુજબ ડગલે ને પગલે તેઓ સત્ય શબ્દની મૂળ ધાતુ સત્ સુધી પહોંચ્યા. જે અસ્તિત્વ છે તે જ સત્ય છે. અને પછી જે અસ્તિત્વ માત્રમાં પ્રવર્તે છે તે જ સત્ય છે. એટલે જ એમને ઈશ્વરનું સૌથી ઉત્તમ પાત્ર સત્ય લાગ્યું.

[2] માનવજાતને ગાંધીજીની મુખ્ય દેણ સત્યાગ્રહની. આ સત્યાગ્રહની મૌલિક ગુણવત્તા આપણે તપાસીએ. અત્યાર સુધી માણસજાત કોઈ પણ પ્રકારના પરિવર્તન કરાવવા સારુ બે પ્રકારનાં સાધનો વાપરતી. કાં લોભનું સાધન, કાં ભયનું સાધન. બાળક પજવતું હોય તો મા એને શાંત રાખવા એને ચૉકલેટ કે આઈસક્રીમની લાલચ આપે અને છતાંય જો એ ન માને તો એને ધમકાવે કે ધોલધપાટ કરે. શિક્ષક વિદ્યાર્થીને કાં ઊંચા ગુણ આપે, કાં નાપાસ કરે. લશ્કરી અમલદાર કાં સૈનિકને ચાંદ આપે કાં સજા ફટકારે. ધર્મગુરુ કાં ભક્તોને સ્વર્ગની આશા આપે કાં નરકની બીક દેખાડે. માણસ પાસે પોતાનું અપેક્ષિત કામ લેવાનાં બે જ પ્રેરક તત્વો હતાં – લોભ અથવા ભય. ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા એક ત્રીજા પ્રેરક તત્વને ઉજાગર કર્યું. માણસ એમ તો એના ઘણા વ્યવહારમાં એ તત્વને વાપરતો જ આવ્યો હતો, પરંતુ તેને રાજકીય, આર્થિક કે બીજા ક્ષેત્રે એટલા સભાનપણે વાપર્યું નહોતું. એ ત્રીજું પ્રેરક તત્વ એટલે પ્રેમનું તત્વ. પ્રેમ વડે સામેનાને ફેરવી શકાય છે. સત્યાગ્રહ વિશે ગાંધીજીએ ત્રણ પર્યાયવાચી શબ્દો વાપર્યા હતા : સત્યનું બળ, પ્રેમનું બળ અને આત્માનું બળ. આ ત્રણે પર્યાયવાચી શબ્દોમાં સર્વસામાન્ય શબ્દ હોય તો તે બળ છે. અત્યાર સુધી પ્રેમને કે અહિંસાને લોકો એક નિષ્ક્રિય (પૅસિવ) શબ્દ માનતા હતા, તેને ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા એક સશક્ત, સક્રિય અર્થ આપ્યો. સત્યાગ્રહી પૂરા સત્ય એટલે કે ન્યાયને વરેલો હશે. પોતાના પક્ષે એને જો ક્યારેય અસત્ય કે અન્યાય દેખાય તો તે જ ઘડીએ એનો એકરાર કરીને એનું માર્જન કરશે. અહિંસા એટલે જ સક્રિય પ્રેમ, એની શક્તિ જળ જેવી. આંખ જેવા કોમળ અવયવને ધોતાં પણ જળ એને હાનિ ન પહોંચાડે અને સુનામી સમી તાકાતથી એ ગમે તેવી કઠોર તાકાતને પણ પિગળાવે. આત્માની તાકાતને લીધે દરેકમાં આત્માનું સમાન તત્વ રહેલું છે એવા વિશ્વાસ સાથે સત્યાગ્રહી જાતે કષ્ટ વેઠીને પોતાના દર્દની પીડા સામા સુધી પહોંચાડવાની શ્રદ્ધા ધરાવે. ગાંધીજીએ પોતાના જીવનમાં અનેક સત્યાગ્રહ દ્વારા આ ત્રણે તાકાતોને દુનિયા આગળ પ્રગટ કરી હતી.

[3] સત્યને, એટલે કે સમગ્ર જીવનને, ગાંધીજી અખંડિત રૂપમાં જ જોતા હતા. તેથી તેમને કોઈ પણ વિષય અંગે જુદાં જુદાં ધોરણો ખપતાં નહોતા. વ્યક્તિગત જીવનમાં તો માણસ સત્યનિષ્ઠ કે ઈમાનદાર હોય, પણ વેપાર કે વકીલાત કે રાજકારણમાં તો સત્યને કોરે મુકાય એ વાત ગાંધીજીને માન્ય નહોતી. વ્યક્તિગત ગુણ જુદા અને સામાજિક મૂલ્યો જુદાં એની માન્યતાએ આપણા સમાજનાં ઘણાં દૂષણો પેદા કર્યાં છે. એ જ રીતે જ્ઞાનના કોઈ એક વિભાગનો સંબંધ સમગ્ર જ્ઞાન સાથે હોવો જોઈએ એમ ગાંધીજી દઢપણે માનતા. તેથી એમ કહેતા કે અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર સાથે કાંઈ લેવાદેવા નથી એમ જો માણસ માનતો થઈ જશે તો એમાંથી અનર્થ થશે. એ જ રીતે વિજ્ઞાનને પણ તેઓ મૂલ્યસાપેક્ષ માનવા તૈયાર નહોતા. વિજ્ઞાન અને ટેકનૉલોજીનો વિચાર પણ માનવીય મૂલ્યસાપેક્ષ જ કરવો જોઈએ એમ તેઓ માનતા. આમ સત્ય વિષે, જીવન વિષે, જ્ઞાન વિષે તેઓ સમગ્રતાવાળું (હોલિસ્ટિક) વલણ ધરાવતા હતા.

[4] ગાંધીજીને એક અમેરિકન પાદરીએ ત્રણ પ્રશ્નો પૂછેલા અને તેના જવાબો તેમને 10 મિનિટમાં જ આપવાના હતા, કારણ 10 મિનિટ પછી કોઈ બીજાની મુલાકાત શરૂ થવાની હતી. ગાંધીજીએ ડૉ. મૉટ નામના એ પાદરીના ત્રીજા પ્રશ્નનો જવાબ તો થોડા વિસ્તારથી આપેલો કારણ કે તેમાં પોતાના જીવનમાં જેનાથી એમને કાંઈક ખરું ઘડતર થયું હોય એવા પ્રસંગનું વર્ણન કરવાની માગણી કરી હતી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પીટર મૉરિત્સબર્ગ સ્ટેશન પર પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં તેમને રંગદ્વેષની પરંપરાને લીધે ડબ્બામાંથી બહાર પ્લૅટફૉર્મ પર ધકેલી કાઢવામાં આવ્યા હતા. તે પ્રસંગ વર્ણવ્યો હતો. પણ ડૉ. મૉટના બીજા બે પ્રશ્નોના જવાબ તેમણે ખૂબ ચોટડૂક રીતે એક એક વાક્યમાં આપ્યા હતા. આ વાક્યો પાછળ તેમનું ચિંતન અને તેમની નિસ્બત પ્રગટ થતાં હતાં. ડૉ. મૉટનો પહેલો પ્રશ્ન એ હતો કે આપના દીર્ઘ જીવનમાં અનેક વાર સંકટકાળો આવ્યા છે. એવી કઈ શક્તિ હતી કે જેણે આપને સંકટકાળ ટાણે ટકાવી રાખવાની તાકાત આપી ? ડૉ. મૉટને કદાચ એવી અપેક્ષા હશે કે ગાંધીજી આ પ્રશ્નના જવાબમાં પોતાની ધાર્મિક નિષ્ઠાની વાત કરશે. પણ ગાંધીજીએ પોતાના જવાબથી ડૉ. મૉટને ચકિત કરી નાખેલા. ‘હિન્દની પ્રજાના સ્વભાવ વિષે મારી મોટી શ્રદ્ધા.’ ભારતના કરોડો લોકોને અપૂર્વ નેતૃત્વ પૂરું પાડવા પાછળ કદાચ આ પ્રશ્નનો ગાંધીજીએ જે જવાબ આપ્યો હતો, તે શક્તિ કામ કરતી હશે.

[5] ડૉ. મૉટનો બીજો પ્રશ્ન એ હતો કે અત્યારે આપના મનમાં સૌથી મોટી ચિંતાનો વિષય કયો છે ? એમને કદાચ અપેક્ષા હશે કે ગાંધીજી ભારતની ગુલામીનો પ્રશ્ન કહેશે. અથવા તો કદાચ ભારતની ગરીબીનો પ્રશ્ન પણ કહે. કદાચ ડૉ. મૉટે આ પ્રશ્ન પૂછ્યો જ એટલા સારુ હોય કે ગાંધીજી આ મહાપ્રશ્નોમાં ક્યાને પ્રાથમિકતા આપે છે તે સમજાય. પણ આંગળીને વેઢે ગણાય એટલા શબ્દોમાં ગાંધીજીએ આ પ્રશ્નનો જે જવાબ આપ્યો, તે એમની અપેક્ષા કરતાં સાવ જુદા પ્રકારનો હતો. ગાંધીજીએ કહ્યું : ‘Callousness of the intellectualsfs એટલે કે બૌદ્ધિકોની હૃદયશૂન્યતા અથવા હૃદયજાડ્ય’ આ એવો જવાબ હતો કે જે તે કાળના ભારતને જ માત્ર લાગુ ન પડે, પણ ગુલામી, ગરીબી કે વિષમતા અનુભવતા કોઈ પણ દેશને કોઈ પણ કાળે લાગુ પડે એવો હતો. સમાજમાં મોટાં પરિવર્તનોની શરૂઆત ગણ્યાગાંઠ્યા લોકોની સંવેદનશીલતાથી થતી હોય છે. બૌદ્ધિકોમાંથી થોડાઘણા પણ જો પોતાના સમાજના પીડિતો પ્રત્યે હમદર્દી રાખે તો દયામાં કૃતિ જોડાય એટલે કરુણા ઉત્પન્ન થાય અને એમાંથી જ ક્રાંતિનું ઝરણું ફૂટતું હોય છે. દુનિયામાં થયેલી ઘણી ઘણી ક્રાંતિઓના મૂળમાં જઈએ તો આપણને સમજાશે કે અન્યાયને, દુરાચાર કે સામાજિક પીડાને દૂર કરવાના આયાસનો પ્રારંભ કેટલાક અસામાન્ય બૌદ્ધિકોની સંવેદનાથી થયો હોય છે. ગાંધીજીને કદાચ એ વિષયની ખાતરી હતી કે દેશની ગુલામી તો જશે જ. એમને ચિંતા એ વિષયની હતી કે એ ગુલામીને કાઢવાની પ્રવૃત્તિમાં બૌદ્ધિકો કેવી રીતે સક્રિય થાય. એમની લાગણીની જડતા જો દૂર થાય, માત્ર પોતાની સાંકડી દુનિયાના સંકુચિત સ્વાર્થથી બહાર નીકળીને તેઓ સમાજની વ્યાપક પીડા વિષે સભાન થાય, સહૃદય થાય, તો એ લાગણી એમને સક્રિય બનાવ્યા વિના ન રહે. એમ જો બૌદ્ધિકો સંવેદનાપૂર્ણ ચેતના અને સક્રિયતા દેખાડે તો પછી મોટામાં મોટા અન્યાયને દૂર કરવા સારું જોઈતું વાતાવરણ નિર્માણ થાય.

[6] ગાંધીજી વિષે વિચાર કરતાં કે એમના પ્રદાનનું મૂલ્યાંકન કરતી વેળા એક બાબતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. ગાંધીજીએ પોતાના જીવનની શરૂઆત કોઈ અસાધારણ પ્રતિભા લઈને કરી નહોતી. મારા-તમારા જેવા એક સામાન્યજન તરીકે જ તેમણે જીવનનો આરંભ કર્યો હતો. તે અવસ્થામાંથી તેઓ આટલા અસાધારણ વ્યક્તિત્વ સુધી કેવી રીતે પહોંચી શક્યા ? એનું કારણ એ હતું કે એઓ નિત્ય વિકાસશીલ હતા. લગભગ એમના જ શબ્દોમાં કહીએ તો સત્યની ટૂંકે ટૂંકે તેમણે આરોહણ કર્યું હતું. આને લીધે એવું બનતું કે તેઓ એક જ વિષય પર જુદે જુદે કાળે જુદા જુદા વિચાર ધરાવતા થયા હોય. નાનપણમાં અંધારામાં ઘરની ઓરડીમાંથી બહાર નીકળતાં ડરનારો મોહન દુનિયાની સૌથી મોટી મહાસત્તાનો સામનો કરી શકે એવો નિર્ભય બન્યો. એક કાળે યુદ્ધપ્રયાસો સારુ રંગરૂટ ભેગા કરનાર ગાંધી બીજે કાળે યુદ્ધમાત્રનો વિરોધી બન્યો, એક કાળે એક જ જાતિમાં વિવાહ કરાવનાર આશ્રમવાસી જો લગ્ન કરનાર જોડામાં એક સવર્ણ અને એક દલિત નહીં હોય તો તે લગ્નમાં પોતે હાજરી ન આપવાનો નિશ્ચય જાહેર કરે છે. આમ સદા પરિવર્તનશીલ, નિત્ય વિકાસશીલ વ્યક્તિત્વનો વિચાર ન કરીએ તો ગાંધીજીને આપણે અન્યાય કરી બેસીએ. આ જ કારણસર તેમણે લખીને જાહેર કરી રાખ્યું છે કે જો એમનાં બે લખાણોમાં અભ્યાસુને વિસંગતિ જેવું લાગે તો બેમાંથી પાછલા લખાણને જ એમના તરીકે માન્ય રાખવું. કારણ આગલા લખાણના ટપ્પાને તો એ તે પહેલાં જ ઓળંગી ગયા હશે !

[7] ગાંધીજીના જીવન અને ચિંતનમાં આપણને બે મોટી વિચારધારાઓ કે સંસ્કૃતિઓનો સંગમ થયેલો જોવા મળે છે. માણસની સંસ્કૃતિને ઉત્તરોત્તર ખીલવનાર બે તત્વો રહેલાં છે. એમાં એક છે ચિત્તશુદ્ધિનું તત્વ. આપણા દેશમાં આ દિશામાં હજારો વર્ષોથી ચિંતન, મનન, પ્રયોગો અને આચરણ થયાં છે. આપણા સેંકડો કે હજારો સંતો, ઋષિમુનિઓએ ચિત્તશુદ્ધિ દ્વારા ગુણવર્ધન કરતાં જતાં મોક્ષ, નિર્વાણ કે બ્રહ્મનિર્વાણ સુધી પહોંચવા સારુ સાધના કરી છે. એવું જ એક બીજું કલ્યાણકારી તત્વ સામાજિકક્રાંતિનું છે. જ્યાં સુધી સમાજમાં મૂલ્યો, એના ઘટકોના પરસ્પરના સંબંધો અને એનાં માળખાં ન બદલો ત્યાં સુધી વ્યક્તિગત રીતે ગમે તેટલા ઉત્તમ દાખલાઓ મળે પણ આખી માનવજાત આગળ વધે નહીં, એવા ખ્યાલે આ વિચારધારાએ ક્રાંતિ સારુ પુરુષાર્થ કર્યો છે. સમાજક્રાંતિની દિશામાં પણ માણસજાતે અનેક મક્કમ પગલાં માંડ્યાં છે. પરંતુ આ બંને પ્રવાહો જ્યાં સુધી એકલવાયા વહે છે, ત્યાં સુધી બંને અપૂર્ણ રહે છે. ગાંધીજી જેઓ સત્યને અખંડ રીતે જોતા હતા, તેમને એ બાબત સમજાઈ કે માનવતાને આગળ લઈ જનાર આ બંને પ્રવાહોનો સંગમ થવો જોઈએ. ચિત્તશુદ્ધિનું અંતિમ પરિણામ સમાજક્રાંતિમાં આવવું જોઈએ અને સમાજક્રાંતિનું માધ્યમ ક્રાંતિકારીના ચિત્તની શુદ્ધિ હોવું જોઈએ. સાધનશુદ્ધિના આગ્રહની પાછળ આ ગાંધીજીનો વિચાર મુખ્ય હતો. ઈતિહાસને આજને તબક્કે ચિત્તશુદ્ધિ અને સમાજક્રાંતિના વિચારપ્રવાહોનો સંગમ માણસજાતના વિકાસ સારુ અપરિહાર્ય થઈ ગયો છે.

ઉપરોક્ત મુદ્દાઓનો ઉલ્લેખ મેં શ્રી અનંત શેઠ ઉપરના પત્રમાં કર્યો, જેનો અહીં થોડો વિસ્તાર કર્યો છે. આ મુદ્દાઓ પરથી અભ્યાસ કરનારાઓને ગાંધીજીની એક મોટી લાક્ષણિકતા – તેઓ જીવન પ્રત્યે હકારાત્મક રીતે જોતા તેની પાછળનું રહસ્ય સમજાશે. જીવનના છેલ્લા દિવસોમાં ઠેઠ ત્રીજી નવેમ્બર 1947ને દિવસે જ્યારે તેમનાં લગભગ બધાં સપનાં ચકનાચૂર થઈ ચૂક્યાં હતાં અને તેઓ દેશ-વિભાજનની વ્યથાના રોજેરોજના સાક્ષી હતા, ત્યારે તેમણે એક પત્રમાં લખ્યું હતું, ‘હું જીવી રહ્યો છું, કેમ કે મારે માટે જીવન એક મહાન સત્ય છે અને જીવનને હું પરમાત્માના અંશ તરીકે માનું છું એટલે એ પ્રસાદીનું જતન કરું છું.’ અને એના થોડા સમય પહેલાં જ તેમણે એક પત્રકારને કહ્યું હતું કે, ‘હું નિરાશાવાદી તો હરગિજ નથી, કારણ કે હું આસ્તિક છું.’

[કુલ પાન : 112. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન. G-15 યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા. અમદાવાદ-380009. ફોન : +91 79 27913344. ઈ-મેઈલ : rangdwar.prakashan@gmail.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકને ભણવું કેમ નથી ગમતું ? – ડૉ. ઊર્મિલા શાહ
મારે હાસ્યલેખ લખવો છે – ડૉ. પ્રીતિ જરીવાલા Next »   

6 પ્રતિભાવો : ગાંધીકથાના મુદ્દા – નારાયણ દેસાઈ

 1. ખુબ સુંદર.

  નબળા દેખાતા ગાંધી માં જ આંધી સમાયેલી હતી…..!!!!

 2. Dipti Trivedi says:

  દિશાપ્રેરક લેખ અને વ્યક્તિત્વની સુંદર ઓળખ આપી છે. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથા વિશે અન્ય સામાયિકમાં પણ વાંચ્યું હતું. અહીં ગાંધીજીના જીવનના મુખ્ય પાસા છે તે —
  સત્ય
  સત્યાગ્રહ
  સમગ્રતા
  નિસ્વાર્થ સક્રિયતા
  નિત્ય વિકાસશીલતા
  ચિત્તશુધ્ધિ અને સમાજક્રાંતિ
  પ્રેમ વડે સામેનાને ફેરવી શકાય છે. પ્રેમ બળનો મહિમા ગાંધીજીના સત્યાગ્રહનો ભાગ છે જ્યારે આપણે પ્રેમને એક તત્ત્વ કે બળ તરીકે જોતાં શીખ્યા જ નથી, ફક્ત એક આકર્ષણ કે સંબંધ જ માનીએ છીએ જે મોટી ભૂલ ગણાય.
  વ્યક્તિગત ગુણ જુદા અને સામાજિક મૂલ્યો જુદાં એની માન્યતાએ આપણા સમાજનાં ઘણાં દૂષણો પેદા કર્યાં છે.—-આ લેખ વાંચીનેઆપણે જીવનમાં સમગ્રતા કેળવીએ તો નિર્દંભ સમાજ ઊભો થાય અને આપણે પોતાની જાતને જ વારંવાર ખંડિત કરવામાંથી બચી જઈએ.

 3. Chintan says:

  ગાંધીજી વિષે આજનો લેખ વાંચીને એક પ્રશ્ન થાય છે કે આ મહામાનવ વિષે આવી તો કેટલીય વાતો છે જેનાથી મારા જેવા ધણાંખરા મિત્રો અજાણ છે. હવે થોડુ સમજાય છે કે કેમ સમગ્ર દુનિયા આપણા રાષ્ટ્રપિતાને અહોભાવની દ્રષ્ટિથી જુએ છે.
  ખુબ સરસ લેખ છે. લેખકશ્રિને ખુબ ધન્યવાદ.

 4. Jagruti Vaghela USA says:

  ગાંધીજીની વિચારધારાના મુદ્દાઓની સરસ રજુઆત.

 5. Kirtikant Purohit says:

  આજની પેઢી પૂ.ગાઁધીજીને સમજી શકે તે માટે ઉત્તમ લેખ્ આપવા માટે અભિન્ઁદન..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.