ઉપરવાળાની મરજી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

‘…..કાં શેઠ, કેમ છો ?’
બપોરના દોઢ વાગે માર્કેટની દુકાનમાં ગાદી-તકિયે અઢેલીને ઝોકું ખેંચતા હડાણાના નરશી ખીમજી ઠક્કરની બાજુમાં સરકીને જ્યારે વાલકાએ એના કાનમાં ખબર-અંતર પૂછ્યા કે નરશી શેઠ ચમકીને બોલી ઊઠ્યા : ‘હેં ? હા…. હા.. કોણ વાલકો !? ક્યારે આવ્યો ?’
‘આપણા અને વરસાદના આવવાના કોઈ દી’ ઠેકાણાં હોય ? મન થયું કે મુંબઈની સફર ખેંચી લઈએ એટલે ગાડીમાં ચડી બેઠાં. હવે અહીં સુધી આવ્યા છીએ તે તમારી ખબર પૂછ્યા વિના પાછું જવાય ખરું ? ગામે જઈએ અને બધા પૂછે કે મુંબઈમાં નરશી શેઠ કેમ છે તો મારે શું જવાબ દેવો ?’
‘હા.હા. સારું કર્યું તે આવ્યો. બોલ, શું લઈશ ? ચા કે પછી ઠંડું ?’
‘આપણને તો તમારું બધુંય ખપે. જે પીવરાવશો ઈ પી લઈશ.’ લાંબી દુકાનના ખૂણામાં પંખા નીચે શેઠની જેમ ઝોકું ખેંચતાં નોકર દગડુની સામે જોઈ નરશી શેઠે બૂમ મારી, ‘દગડુ, દોન ચાય સાંગા.’ ને પછી, વાલકા સામે બીડીની ઝૂડી ધરી.

ગીરના ગામ હડાણાથી દોરી લોટો લઈ મુંબઈ કમાવા નીકળેલા નરશી ઠક્કરને મુંબઈ ફળ્યું, ખરેખર ફળ્યું. કાપડની ફેરી કરતાં કરતાં એ બ્લેન્કેટ, ધાબળાના રવાડે ચડી ગયા. મોટા માર્જિનથી ધંધો કરતાં કરતાં નરશીએ ધીમે ધીમે નાનકડી દુકાન કરી લીધી. ચાળીસ-બેતાળીસના અરસામાં મુંબઈમાં સહેલાઈથી ભાડાની દુકાન મળી આવતી. એમાંય, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ને મુંબઈની ગોદીમાં ધડાકા થયાં કે સૌ જીવ બચાવવા આવ્યાં હતાં એવા પાછા માદરે વતન ભેળા થઈ ગયા. નરશી ઠક્કર પણ ઉચાળા ભરવાનો વિચાર કરતો હતો ત્યાં એના હાથમાં એક સરકારી કોન્ટ્રાકટ આવી ગયો, મિલિટરીને ધાબળા પૂરા પાડવાનો. જે કામ માટે એ મુંબઈ આવ્યો હતો એ કામ લઈને ખુદ લક્ષ્મીજી સામે પગલે કુમકુમનો થાળ લઈને પધાર્યા હતાં. હવે જો મોઢું ફેરવી લેવાય તો પાછી આવી તક હાથમાં ન આવે. ‘જીવતો નર ભદ્રા પામે’ કે ‘જાન બચી તો લાખો પાયે.’ ની જેવી કહેવતોને વિસારી, જોખમ ખેડી એ મુંબઈમાં રહી ગયો.

બસ, પછી તો આ સરકારી કોન્ટ્રાક્ટે એને માલામાલ કરી દીધો. એ પાવડે પાવડે પૈસા ઉસડવા લાગ્યો. નાની દુકાનમાંથી મોટી દુકાન કરી. કાલબાદેવીના એક માળામાં બબ્બે ડબલ-રૂમો રાખી દુકાનનો વધારાનો માલ ત્યાં ખડકી નાખ્યો. લાલ-ઈમલી, રેમન્ડ, વર્સ્ટ-વુલ ને પોમ-બ્લેન્કેટની એજન્સીઓ લઈ લીધી. લડાઈ પૂરી થયાં પછી ગામનું જૂનું મકાન તોડી નવેસરથી બંધાવ્યું જે હડાણામાં નરશી શેઠની હવેલીનું નામ પામ્યું. મુંબઈમાં ધંધાની જમાવટને કારણે એ વારંવાર હડાણા તો ન્હોતા જઈ શકતાં પણ ઉનાળે સગાંઓના લગ્ન-પ્રસંગે કે કુળદેવીનો નિવેદ ધરાવવા એ બાપીકા ગામે જતા ખરા. નરશી શેઠના ઘરવાળા પણ જ્યારે મુંબઈથી કંટાળે ત્યારે દેશમાં બાર-પંદર દિવસ રહી આવતાં. એ સિવાય હવેલીને અલીગઢનાં તાળાં લાગેલાં રહેતાં. એની સંભાળ માટે કોઈ માણસ એણે ત્યાં મૂક્યો ન હતો કારણ કે ગામ આખું જ જ્યાં સંભાળ લેવાવાળું હોય ત્યાં માણસની શી જરૂર ?

પણ, હમણાં હમણાં નરશી શેઠને ગામના ઘરની, જૂની બંધ દુકાનની ને સીમમાં આવેલી જમીનની ચિંતા રહેતી. ચિંતાનું કારણ હતું હરજી કલાલનો છોકરો વાલજી-વાલકો. આ વાલકાએ જે દિવસે ગામના ગરાશિયાઓના તેવતેવડા છોકરાઓની ભાઈબંધી કરી ટોળી જમાવી, તે દિવસથી ગામમાં એનો ઉપાડો વધી ગયો. રાતવરત ગામની દુકાનો તૂટવી, ઘર કોચવાવાં, ખેતરો ભેળાવવાના બનાવો વધતા ચાલ્યા. એક વખત તો નરશી ઠક્કરની બંધ હવેલી પણ એમના સપાટામાં આવી ગઈ. જોકે હવેલીમાંથી કંઈ ગયું નહોતું. બંધ હવેલીમાં હોય પણ શું ? જોકે હોવું, ન હોવું એની વાત તો એનો માલિક જાણે અને એ માલિકને જ હવે ખરી ચિંતા પેઠી હતી ! મુંબઈની કાળી કમાણીમાંથી જે ચાંદીની પાટો એણે ખરીદી હતી એને સરકારની નજરમાંથી બચાવવા નરશી શેઠે ગામની હવેલીમાં એક ઠેકાણે છૂપાવી હતી. જો વાલકાની નજરે આ ખજાનો ચડી ગયો તો ? અને એટલે જ જ્યારે વાલકો મુંબઈની મોજ-મજાહ માણવા આવતો ત્યારે નરશી શેઠ એને ખુશ રાખવા પ્રયત્ન કરતા. આજે પણ એણે એની ખાતર બરદાસ્ત શરૂ કરી દીધી.
‘ઊતર્યો છે ક્યાં, વાલજી ?’ નરશી શેઠે પૂછવા ખાતર પૂછી લીધું.
‘આપણો ઉતારો કોઈ સારા માણહને ઘેર થોડો હોય ?’
‘તો યે ?’
‘એક ભાઈબંધને ત્યાં ધામો નાંખ્યો છે.’ વાલકાએ બીડી ચેતાવતાં કહ્યું.
‘ભાઈબંધ કે પછી….?’
‘સમજી ગયા શેઠ, તમે. હવે આટલું સમજ્યા છો તો ભેગાભેગા એટલુંય સમજી લ્યો ને કે આપણે આ જજ્માનને ખુશ રાખવા પડે એમ છે….હેં…..હેં…..હેં….!!’

નરશી શેઠ સમજી ગયા.
વાલકાએ જેને ખુશ રાખવા હોય એને રાખે, પણ એણે તો આ કમજાતને ન છૂટકે ખુશ રાખવો પડે એમ હતો. એણે સો-સોની બે નોટ વાલકાના હાથમાં મૂકી દીધી અને હળવેકથી કાનમાં ફૂંક મારી દીધી, ‘આપણી હવેલીને જોતો રહેજે, વાલકા.’
‘…..એમાં નો કે’વું પડે શેઠ. તમતમારે બેફિકર રહો. ઈ તો આપણી ફરજ છે કે ગામમાં રહેનારે ગામવાળાનું જો’વું જોઈએ. સૂઈ જાઓ સો મણની તળાઈમાં શેઠ. આ વાલકો બેઠો છે ત્યાં સુધી હવેલી સામે કોઈ નજરેય નહીં માંડે.’ વાલકો વારંવાર મુંબઈ આવતો. આવે ત્યારે ગામવાળા તરીકે નરશી શેઠને મળવા અચૂક આવતો અને શેઠ પાસેથી ‘સુખડી’ લઈ જતો (વાલકો આને ‘સુખડી’ શબ્દથી નવાજતો) ‘સુખડી’ ઓછી પડે તો ગર્ભિત ઈશારો કરી દેતો કે હવેલીને લાગેલાં અલીગઢનાં તાળાં હવે કટાઈ ગયાં છે – બદલવાંયે પડે.

એક વખત નરશી શેઠ હડાણા આવ્યા. ઘરમાં મંગલ પ્રસંગ હતો એટલે કુળદેવીને પગે લાગવા આવ્યા હતા. ગામના લખપતિ શેઠને ત્યાં સારો અવસર જોઈ મહાજને વિનંતી કરી કે શેઠ, હવે ગામ સામું તો જુઓ ! બીચારાં મૂંગા પશુઓને પાણી પીવા માટે પાદરના કૂવે માત્ર એક નાનકડી કુંડી છે. કૂવે પાણી ભરવા આવનાર બૈરાઓ પહેલો ઘડો આ કુંડીમાં ઠાલવે છે પણ બપોરે તે કુંડી સાવ કોરીધાકોર જ રહે છે. થોડું ધરમ-દાન કરો તો પાદરે એક હવાડો બંધાવી દઈએ, કૂવે કોસ મૂકાવી દઈએ ને કોસ હાંકવાના વારા ગામમાં ફેરવી દઈએ. નરશી શેઠે હા પાડી એટલે મહાજન કામે લાગી ગયું. પણ એમાંય વિઘન આવી પડ્યું, કૂવા કાંઠેના ઝાડ-પાને અડ્ડો જમાવીને બેસી રહેતા વાલકો અને એની મંડળીએ વિરોધ નોંધાવ્યો – આ જગ્યા તો અમારે આંબલી-પીપળી રમવાની જગા છે ત્યાં હવાડો નહિ થવા દઈએ. હવાડો થાય એટલે કોસ હાંકવા પચીસ ગજ જમીન જોઈએ. એ જગ્યા દબાય ઉપરાંત ગાય-ભેંસ-બકરાં પાણી પીવા આવે એટલે ગંદવાડો થાય. એવો ગંદવાડો અમે આ જગ્યામાં નહીં થવા દઈએ….. વાત હતી સાવ નાખી દેવા જેવી પણ વાલકાની મંડળી શેઠને દબાવવાનો મનસૂબો કરીને બેઠી હતી. એમના ગાંજા કસુંબાના જે પૈસા મળ્યા તે.

મહાજન શેઠ પાસે આવ્યું.
‘નરસૈંભાઈ, આ તો હવનમાં હાડકાં નાખવાની વાત થઈ. શું કરશું ?’
‘ગામમાં પંચાયત જેવી કોઈ ચીજ છે કે નહિ ? પંચાયત કે મહાજન એકાદ વખત નક્કી કરી નાખે તો એ તાણી કાઢેલાઓની શી ત્રેવડ કે કામ ન થવા દે.’
‘તમારી વાત સાચી, નરસૈં,’ ગામના એક વડીલે કહ્યું, ‘આપણે દબાણ કરીશું તો હવાડો થવા દેશે, પણ એ કમજાતની ઔલાદ હવાડામાં પાણી જ નહિ ભરાવા દે. કોઈ ઘર કોસ હાંકવા તૈયાર નહિ થાય એવી દમદાટી ભિડાવશે. ખાલી હવાડાને પછી બાચકાં ભરવાના ?’ નરશી શેઠ વિચારમાં પડી ગયા. બહુ વિચારીને પછી કહ્યું :
‘એક કામ કરો. આજનો દી’ વિચારવા દ્યો. ઉપરવાળો કાંઈક રસ્તો સૂઝાડશે તો મૂંગા પશુઓના નિહાકામાંથી બચી જશું. કાલે આવે ટાણે હવેલીના ઓટલે ભેગાં થશું.’

મહાજનના ગયા પછી નરશી શેઠે ખૂબ ખૂબ વિચાર કર્યો અને પછી ઉપડ્યા પાદરે. સામે પગલે એ વાલકાને અને એની મંડળીને મળવા ઊપડી ગયા. ખરા બપોરે ઝાડના છાંયડે મંડળી જામી હતી. એની પાસે જઈને નરશી શેઠ બેસી ગયા. મંડળી તો શેઠને આવેલા જોઈ આભી જ બની ગઈ ! શેઠ એક શબ્દ બોલ્યા નહિ. એમણે ગજવામાંથી નોટોના થોકડા કાઢી મંડળી સામે મૂકી દીધા અને કહ્યું :
‘જુઓ, મારે ઘેર સારો પ્રસંગ છે. ગામના મહાજને વેણ નાખ્યું છે કે મૂંગા પશુઓની ભીડ ભાંગો, હવે ભીડ ભાંગવાવાળો હું તે કોણ ? એ તો ઉપરવાળો બેઠો છે સૌની ખબર લેવા. પણ આ ગામની ધૂળમાં જનમ થયો છે ને મુંબઈમાં બેઠો બેઠો પૈસા કમાઉ છું તે થયું કે સારા કામમાં જે મૂડી વળે તે. હવે આ પૈસા તમને આપું છું. જોઈએ તો ભાંગ-ગાંજો પીઓ કે જોઈએ તો હવાડો બંધાવો. અહીં આપણી વચ્ચે કોઈ સાક્ષી નથી કે મેં તમને પૈસા દીધા છે. જે છે તે ઉપરવાળો છે. હવે તમે જાણો ને એ જાણે.’ કહી નરશી શેઠ ધોતિયું ખંખેરીને ઊભાં થઈ ગયા અને આવ્યાં હતાં એ રીતે પાછળ નજર કર્યા વિના સડસડાટ ચાલી ગયા. એ પછી શું થયું એની કોઈ ખબર ન પડી. બીજે દિવસે મહાજન નરસી શેઠને મળવા આવ્યો ત્યારે આ હવાડા વિશે શેઠે એકેય અક્ષર ન ઉચ્ચાર્યો. મહાજને બહુ દબાણ કર્યું ત્યારે શેઠે મભમ જવાબ આપ્યો – ઉપરવાળાની જેવી મરજી. શેઠ અને એમનું કુટુંબ મુંબઈ જવા નીકળ્યું ત્યાં સુધી ગામનું મહાજન તો વિચાર જ કરતું રહ્યું કે માળી, આ હવાડાની વાત હવામાં ઓગળી ગઈ કઈ રીતે ? શેઠે તો આ વિશે એક વેણ પણ કાઢ્યું નથી કે કાઢતાં નથી. મહાજનના એક વયોવૃદ્ધે સૌને સમજાવતાં કહ્યું, ‘આ તો એક વાત હતી, એટલું જ. બાકી, ક્યાં એણે હવાડો દઈ દીધો ને ગામને ક્યાં એ મળી ગયો ? હવે રાઈનાં પડ રાતે ગયા એમ જ સમજો.’

પણ જેવી શેઠની ગાડી મુંબઈ તરફ વળી કે ગામને પાદર ખોદકામ થવા માંડ્યું. એ શેનું છે ને શું કામ થાય એ પૂછવાની હિંમત કોઈએ ન કરી. ગામના વેઠઉતાર છોકરાઓના ગંધાતા મોંમાં કોણ આંગળાં નાખવા જાય ? પણ, જેમ જેમ બાંધકામ આગળ વધતું ગયું અને એણે હવાડાનો આકાર લેવા માંડ્યો ત્યારે નરશી શેઠની ગહન ચાલ વિશે મહાજન જાતજાતની અટકળ કરતું રહ્યું. એક દહાડો વાલકો, એવા જ એક બપોરે નરશી શેઠની મુંબઈની દુકાને જઈ ચડ્યો ત્યારે શેઠને નવાઈ લાગી. એણે પૂછ્યું :
‘એલા, કેમ મુંબઈ આવવાનું થયું ?’
‘તમને બરકવા’ વાલકાએ મૂછમાં હસીને જવાબ આપ્યો.
‘ક્યાં ?’
‘હડાણે. ગામને પાદર હવાડો બંધાઈ ગયો છે. કોસ હાંકવા ઢાળવાળી જગામાં માટીનું પુરાણ થઈ ગયું છે. બસ, તમે આવીને કોસનું રાંઢવું પકડી બળદને ડચકારો દ્યો એટલે કામ પત્યું.’
‘લે, કર વાત. મને તો એમ કે તમે બધાએ ભેગાં થઈને પૈસા ઉડાડી નાખ્યા હશે.’
‘અમેય આખરે માણસ છીએ હો શેઠ ! ઉપરવાળાને નામે તમે જે દીધું એ ગૌ-માટી બરોબર. બોલો, ક્યારે આવો છો ?’

દસ દી’ પછી નરશી શેઠ હડાણે આવ્યા અને કોસનું રાંઢવું હાથમાં લીધું કે હવાડામાં પાણી વહેતું થઈ ગયું. ગામ આખું આ પ્રસંગે પાદરે ઊમટ્યું હતું. હવાડાના પાણીમાં પશુઓને મોં નાખતાં જોઈ નરશી શેઠે ઉપર આભ તરફ અને પછી વાલકા સામે જોઈ લીધું. વાલકો બોલ્યો :
‘હિસાબ કોડીનો ને બક્ષિસ લાખની. તમે દીધેલી રકમમાંથી થોડું વધ્યું એટલે શું કરવું એનો વિચાર કરતાં હતાં. તમને વધેલી રકમ પાછી આપવાનો વિચાર ન્હોતો થતો, એટલે પાદરના પેલા પૂજાતા પીપળા પાંહે હડમાનની દેરી બંધાવી દીધી, હાલો ત્યાં નાળિયેર વધેરો ને સિંદૂર ચડાવો એટલે થાય સૌનું કલ્યાણ….’ કદાચ, ઘણાં વખત પછી ગામના લોકોએ વાલિયાને મોઢે સારી વાત સાંભળી હશે. એ મહાજને શેઠના કાનમાં કહ્યું પણ ખરું કે, આ બધું બન્યું કઈ રીતે ? હરહંમેશની માફક શેઠનો જવાબ હતો – ઉપરવાળાની મરજી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક નોંધ – તંત્રી
માણસે માગેલું વરદાન – દિનકર જોષી Next »   

24 પ્રતિભાવો : ઉપરવાળાની મરજી – ગિરીશ ગણાત્રા

 1. Ankit says:

  સરસ વાર્તા.

  બાકી તો “ઉપરવાળાની મરજી”

 2. lajja says:

  બહુ સુન્દર, કોનિ પુન્યઇ ક્યા કામ આવે તે કહેવાય નહિ..

 3. MARDAV VAIYATA says:

  ખુબ જ સરસ.

 4. જગત દવે says:

  વાંચી ને વ્હી. શાંતારામની “દોઆંખે બારહ હાથ” યાદ આવી ગઈ.

  ઈશ્વર ભારતને બુઢ્ઢા રાજકરણીઓનાં બખડજંતરમાંથી છોડાવે તો ભારતનાં યુવાનો કાંઈક આવું જ કામ કરીને દેખાડી શકે તેમ છે.

  તો…….વિરાટ કોહલી, વિરેન્દ્ર સિંહ, સાયના નેહવાલ, ગગન નારંગ જેવી કમાલ રાજકારણમાં પણ જોવા મળે.

  બાકી…….ગિરીશ ગણાત્રાની કલમનો તો હું કાયલ છું. 🙂

 5. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.

  ખરેખર, માત્ર અને માત્ર ઉપરવાળાની મરજી.

  નયન

 6. અશોક જાની 'આનંદ' says:

  સ્વ. ગિરીશભાઇની વધુ એક પ્રેરણાદાયક વાર્તા, આમ તો ઘણા સમય પહેલાં જન્મ્ભૂમિમાં વાંચેલી.

 7. જીતેન્દ્ર તન્ના says:

  સ્વ. ગિરીશભાઇની વધુ એક પ્રેરણાદાયક ખૂબ જ સરસ વાર્તા.

 8. ખુબ જ મસ્ત વાર્તા. વાંચવાની મજા આવી ગઈ. ગીરીશભાઈની વાર્તાઓ કાયમ જ સરસ હોય છે.

 9. usha says:

  વાલકાની ઈમાનદારી પ્રત્યે અચૂક માન થાય. ઘણી વખત આવું બનતું હોય છે.

 10. Hiral says:

  સરસ વાર્તા.

  જવાબદારી માણસને ખરેખર સાચું શું ને ખોટું શું એ વિશે વિચારવા પ્રેરતી જ હોય છે. અને એમાંથી લીધેલા નિર્ણયો મુજબ જ આપણું વ્યક્તિત્વ રચાય છે. (આવું કશુંક સ્વામી વિવેકાનંદની ચોપડીમાં વાંચેલું).

  શેઠનું કહેવું છે કે “ઉપરવાળાની મરજી”. પણ મહાજન શેઠ પોતે પણ (કાળું નાણું ભેગું કરવા છતાં), જ્યારે ગામ લોકો એમના પર જવાબદારી નાંખે છે તો સહર્ષ સ્વીકારે છે. થોડીક જુદી રીતે પોતે પણ વાલકાના માથે જવાબદારી નાંખી દે છે. અને વાલકાને પણ કુદરતના “જવાબદારી” વિશેના નિયમમાંથી જ સાચું શું ને ખોટું શું? ની પ્રેરણા મળે છે.

 11. Jagruti Vaghela USA says:

  ઉપરવાળાની મરજી તો ખરી જ સાથે સાથે ભરોસો પણ . ટીખળ અને મસ્તી કરતા યુવાનો ક્યારેક આપણને લાગે તેટલા ખરાબ નથી હોતા. જરુર હોય છે ફક્ત તેઓને સાચી દિશા બતાવવાની અને તેઓની ઉપર થોડો ભરોસો મૂકવાની.

 12. Anila Amin says:

  કોઈમાણસ સમ્પૂર્ણ ખરાબ નથી હોતુ એનો એક સરસ નમૂનો માણસમા રહેલી સદ વ્રુત્તિ ક્યારે જાગીઉઠે એતો

  ઉપરવાળાની મરજી. માણસમા રહેલી સદ અને અસદ વ્રુત્તિ ઓ ક્યારેક ને ક્યારેક તો ઉર્ધ્વીકરણ પામતી જ હોયછે.

  સરસ વાર્તા.

 13. Malay Bhatt says:

  વાલકા મોટીવેઈટ કરવાની કળા નરશી શેઠ પાસેથી શિખવા જેવી છે.

  What motivates us?
  Autonomy, Mastery, and Purpose.

 14. ઈન્દ્રેશ વદન says:

  મૃગેશભાઈ, સુંદર વાર્તા.

  તમારા આવનારા ઈન્ટરવ્યુ માટે ગુડલક.

  કાર્યક્રમને youtube પર મૂકવાને વિનંતી કે જેથી દરેક જણને તેનો લાભ મળે.

 15. Vaishali Maheshwari says:

  Wonderful story! Very nice. Thanks for sharing.

 16. Pravin V. Patel (USA) says:

  સુંદર પ્રેરણાદાયક વાર્તા.
  શેઠે અપનાવેલ અભિગમ અનુકરણીય.
  આસુરી વૃત્તિયોના શુભ વળાંકની પ્રેરણાદાયક ગાથા.
  આભાર.

 17. Mital Parmara says:

  good story…

 18. જય પટેલ says:

  પ્રસ્તુત વારતામાં નરશીએ ગામના ડાંડને હીરો બનાવી પોતાનો મકસદ હાંસલ કરી વાહવાહ લૂંટી.

  વારતામાં કોઈ નાવિન્ય નથી. જીવનમાં ધ્યેય સિધ્ધી માટે ઘણીવાર શત્રુને પણ વિજયી બનાવવો પડે છે.
  ગામના અમારા આંબાવાડિયામાં આવેલી અઢળક કેરીઓની સુરક્ષા તે બાજુના ડાંડને આપેલી
  અને અમે નિરાંતે ઉંઘતા…!! ધ્યેય સિધ્ધી માટે ચોરને સિપાઈના વાઘાં પહેરાવેલા.

 19. Abdul Ghaffar Salehmuhammed kodvavi says:

  આપહ્ર્રે બધા ઉપર્ર્વારા ના (અલ્લહ્ )ના બન્દા,નિય્ય્ત ઉપર ફેસ્લો થાય .

 20. બસ હવે તો ઉપરવારો જાણે.

 21. ankita parmar says:

  nice story.Sara kam ma 100 vidna pan uparvala ni marji nu j thay e anu name

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.