ટાઢ – ધીરુબહેન પટેલ

[‘વાર્તાવિશ્વ’ પુસ્તકમાંથી સાભાર.]

‘કેમ’લ્યા ! ઊંઘ નથી આવતી ?’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ જોઈને પૂછ્યું. હમણાંના એ જરા નરમ અવાજે બોલતા હતા. હમણાંની કેટલીયે વાતોની જેમ એ નરમાશ હીરિયાથી જીરવાતી નહોતી. નાથાકાકા પહેલાંની જેમ એને વાતે વાતે ઘરચિયું ઘાલીને ઢીબી નાખતા હોય તો બહુ સારું લાગે, પણ એ એવું કરતા નહોતા. કોઈ એવું કરતું નહોતું. નિશાળે જવાની એ ના પાડતો તોયે રેવાકાકી ઉપરથી સવાસલું કરતાં, ‘હશે બાપ ! ના જઈશ. લે, મોળિયામાં ઊની કઢી આલું, પાણી છૂટે લગીર મોંમાં !’ પણ તોય પાણી છૂટતું’તું કંઈ ? કોળિયો જ ગળે નહોતો ઊતરતો ત્યાં ! જેમતેમ ચાવીને પરાણે પાણીના ઘૂંટડા સાથે ગળા નીચે ધકેલવો પડતો’તો રોટલાને. પછી જારનો હોય કે બાજરીનો. કાકી પાતળું મોળિયું કરી આપતાં તેય ખવાતું નહોતું. ગળામાં અટકી રહેતું હતું જાણે.

એવું પહેલાં કોઈ દિવસ થતું નહોતું. ટાઢા, ઊના, મીઠાવાળા, મોળા, જારબાજરીના કે બાવટાના જે મળે તે અને જેટલા મળે તેટલા રોટલા હીરિયો ઉડાવી જતો, પછી લુખ્ખા હોય કે ચોપડેલા. સાથે અથાણાંનાં ચીરિયાંની પણ ગરજ નહોતી રહેતી. કાકી ધમકાવીને ઉઠાડે ત્યારે જ થાળી પરથી ઊઠવાનો હીરિયાનો નિયમ હતો. પણ એવા એવા તો એના ઘણા નિયમ હતા. રોજ સવારે દાતણ કરતાં પહેલાં ગબરડી મૂકીને ચંદુને ઘેર પહોંચી જવું તે નહાવા-ખાવા જ કાકાને ઘેર પાછો પગ મૂકવો એ એનો સૌથી મોટો નિયમ હતો. ચંદુ કહે તે દિવસે નિશાળમાં જવાનું અને ના કહે તે દિવસે નહીં. એ પણ એક નક્કી વાત હતી, કારણ કે માસ્તરનો માર ચંદુના માર આગળ કશી વિસાતમાં નહોતો અને બીજું એ કે ચંદુ હીરિયાનો સરદાર હતો. એમ તો એ ગામના મોટા ભાગના છોકરાઓનો સરદાર હતો. પણ હીરિયો એનો જમણો હાથ ગણાતો. સૌથી વધારે માર ખાઈને એણે એ પદવી મેળવી હતી એ વાત હવે એટલી બધી જૂની થઈ ગઈ હતી કે બીજા બધા તો ઠીક પણ ચંદુ ને હીરિયો પણ એ ભૂલી ગયા હતા.

જોકે ચંદુ તો હવે બધું જ ભૂલી ગયો હશે….. પણ કદાચ નાયે ભૂલ્યો હોય, ચંદુ એટલે ચંદુ ! એ કંઈ જેવો તેવો છોકરો હતો ?
‘કાકા !’
‘શું છે ’લ્યા ?’
‘કાકા ! માણસ મરી જાય પછી ક્યાં જાય ?’
‘સરગે કાં નરકે ! પણ તું હવે એ બધી પૈડ મૂકીને ઊંઘી જા થોડી વાર. હમણાં મરઘો બોલશે.’ મરઘો તો બોલવાનો સ્તો ! પણ પોતાને હવે ચંદુને ઘેર નહીં જવાનું. આજે નિશાળે જવાનું છે કે નહીં તે નહીં પૂછવાનું. સાંજે કયા ખેતરમાં સમડાની શીંગો પાડવા જવાનું છે તે નહીં જાણી લાવવાનું. કશું નહીં કરવાનું. સુકાન વગરની હોડી જેવી એની દશા થઈ ગઈ હતી. કશું સૂઝતું નહોતું જાણે. એક વાર ગયો હતો ચંદુને ઘેર. સોમીકાકી કાળો સાડલો પહેરીને ઓરડામાં બેઠાં બેઠાં રડતાં હતાં. હીરિયાને જોઈને એવા જોરથી વળગી પડ્યાં ને વિલાપ કરવા લાગ્યાં, ‘ઓ મારા દીકરા રે !’ કે જાણે ક્યારેય છોડશે જ નહીં. હીરિયો ગૂંગળાઈ ગયો અને એને બીક લાગવા માંડી. ત્યારથી એણે એ બાજુ જવાનું જ મૂકી દીધું ! પણ બીકને કંઈ હાથપગ થોડા છે ? એ તો ગમે ત્યાંથી આવે અને ગમે ત્યારે વળગે. આ અત્યારે જ પડખે નાથાકાકા સૂતા છે અને ઘરરર ઘરરર કરતા એકસરખાં નસકોરાં બોલાવે રાખે છે, તોયે બીક લાગે જ છે ને ?

એટલે જ આ ઊંઘ નથી આવતી ને ખાવાનુંયે નથી ભાવતું. નિશાળમાં બહુ છોકરાં હોય એટલે ભૂલી જવાશે એમ માનીને બેત્રણ દહાડા ગયો હતો પણ કાંઈ ન વળ્યું. એને જાણે માતા નીકળ્યાં ન હોય એમ છોકરાં એનાથી આઘાં ને આઘાં રહેતાં હતાં ને કાનમાં બહુ વાતો કર્યા કરતાં હતાં. હીરિયાને બહુ ખરાબ લાગ્યું. પહેલાંનો વખત હોય તો દેન છે કોઈની, આવું કરી શકે ? ચંદુ ને એ બેય ફરી ના વળે ? અરે, એકલા ચંદુની લાલ આંખ જોઈને છોકરા થથરી જાય, મગદૂર કોની કે હીરિયાને વતાડે ? પણ હવે તો ચંદુ જ ના રહ્યો ને !…. ગોદડી બહાર નીકળી ગયેલા પગનું ટૂંટિયું વાળીને તેણે થરથરતી દાઢી ગોદડીના ડૂચામાં ખોસી અને મનમાં ને મનમાં ‘જય હનુમાન ! જય હનુમાન !’ બોલવા લાગ્યો. ચંદુ કહેતો હતો કે રામ કરતાં હનુમાન ચડે. રામ છો ને ભગવાન રહ્યા પણ હનુમાન એટલે હનુમાન. અને પછી ક્યારેક જ આવતી એવી લાગણીની લહેરમાં ખેંચાઈને એણે હીરિયાને ખભે ટપલી મારી હતી, ‘તુંયે મારો હનુમાન જ છે ને !’ હીરિયો ખુશ થઈ ગયો હતો. એ સાંજે રેવાકાકી વઢી વઢીને થાક્યાં તોયે પાકા ચાર રોટલા ઉડાવ્યા વગર ઊઠ્યો નહોતો પાટલેથી. હનુમાન જેટલું જોર જોઈતું હોય તો પછી ખાધા વગર કેમ ચાલે ? એ વાતની રેવાકાકીને કશી સમજ ના પડે. એમ તો નાથાકાકાનેય ના પડે. ચંદુડિયા વિના કોઈને સમજ ના પડે.

ચંદુ એટલે ચંદુ. એ બધું જાણે. ક્યા ખેતરમાં આંબાને સાખ પડવાની છે, કઈ આમલીના કાતરા મોટા છે અને ભગો રખેવાળ કયે દહાડે હટાણું કરવા જવાનો છે એ બધી એને ખબર હોય. ક્યા ઝાડની કઈ ડાળી બે જણાનો સામટો ભાર ઝીલી શકે એવી છે એ પણ જાણતો હોય. સીમમાં ભરવાડ આવ્યા હતા, તે વખતે કોઠીમાંથી દાણા આપી આવીને બદલામાં કાળું લવારું મેળવવાનો નુસખો પણ એને જ સૂઝ્યો હતો. જોકે સોમીકાકીની બીકે લવારું ઘેર ન આણી શકાયું ને વાવ પાછળ બાંધી રાખવું પડ્યું એટલે મરી ગયું એ જુદી વાત છે. ઓચિંતી એક નવી જ કંપારી હીરિયાને માથેથી તે પગ લગી હલાવી ગઈ. એ લવારું તો ભૂત થઈને ચંદુને નહીં ડુબાડી ગયું હોય ને ! શું કહેવાય, એ પણ જીવ તો ખરો ને ? ભૂખ્યું-તરસ્યું બાંધી રાખ્યું હતું તેનું વેર ના વાળે ? ઉપરથી પાછા વણિયેરે હોય કે પછી શિયાળે નહોર માર્યા ને બિચારું મરી ગયું. નક્કી એણે જ ચંદુને ડુબાડેલો. નહીંતર આવો હોશિયાર ચંદુ તે વળી ડૂબે ખરો ? પરંતુ હીરિયો કંઈ કાળા કોટવાળો શહેરનો વકીલ નહોતો કે અંધારાનું અજવાળું ને અજવાળાનું અંધારું કરીને આખી દુનિયાને તો ઠીક, પોતાના મનને પણ બનાવી ઘાલે.

લવારાનો વિચાર કરતાં કરતાં જ એનું મન ખણખોદ કરવા લાગ્યું, હેંડ’લ્યા ! બાપડા લવારાનું નામ શીદને ઘાલ છ વચમાં ? બીજું કોઈ જાણે કે ન જાણે, તને તો ખબર જ છે – ચંદુ કેમ વાવમાં ઊતર્યો તેની !…. અને એ ઊંઘો ફરી, ઓશિકામાં મોં ઘાલીને જલદી જલદી હનુમાનના જાપ કરવા લાગ્યો. આહ ! કેવા હશે હનુમાન, રામજીને સારુ છાતી સોત ચીરી કાઢી અને આ એક પોતે હતો… જોકે તે વખતે એને એવી ખબર નહોતી, નહીંતર કોઈ હિસાબે ચંદુડિયાને ના ચડાવત. બપોરી વેળાના બેય જણ નિશાળ છોડીને ખેતરાં ખૂંદવા નીકળી પડ્યા હતા. વાતોની લહેરમાં ને લહેરમાં ક્યારે સીમ પૂરી થઈ અને વગડો શરૂ થયો તેનો ખ્યાલ બેમાંથી એકેને રહ્યો નહોતો. ચંદુના હાથમાં વાડેથી તોડેલી એક નાની સોટી હતી. તેનાથી ફચાફચ કુમળા છોડવાનાં માથાં ઉડાવતો તે જમણી બાજુએ ચાલતો જતો હતો ને હીરિયાને બહુ ડંફાસ મારીને કહેતો હતો કે ઉનાળાની રજાઓમાં તે માસીને ત્યાં અમદાવાદ જશે, ત્યારે શું શું કરશે ને શું લેતો આવશે.
‘એક નાની પિસ્તોલ મારે માટે પણ લાવજે હોં કે ચંદુ !’
‘છટ ! મારા સિવાય કોઈના હાથમાં પિસ્તોલ ના જોઈએ ગામમાં.’
‘નાની, સાવ નાનકી ! બસ ?’
‘ના, કહ્યું ને ?’
પછી હીરિયો કશું બોલ્યો નહોતો. ચંદુ પહેલાંના જેવી જ હોંશથી અમદાવાદના આઈસ્ક્રીમની અને રંગીન કપડાંની તથા ભડાકા કરતી પિસ્તોલની વાત કર્યા કરતો હતો. પણ હોંકારા બંધ થયાનો ખ્યાલ આવ્યા પછી એની વાતની રોનક કંઈક ઓછી થઈ ગઈ. નાનકડી આવળને માથે નાચતું ફૂલનું ઝૂમખું સોટીને એક જ સપાટે ઉડાવતો એ બોલ્યો :
‘હીરિયા !’
‘શું છે ?’
‘હું પિસ્તોલ લાવીશ પછી મારો જૂનો દંડૂકો તને આપી દઈશ, બસ ?’
‘કાળો ?’
‘ના, પેલો પીળો !’
‘મારે નથી જોઈતો.’
‘લે, પરમ દહાડે તો તું માગતો’તો !’
‘એ તો પરમ દહાડે !’
‘તે આજે શું થયું છે ?’

હીરિયો બોલ્યો નહીં. ચંદુને મન થઈ આવ્યું કે હાથમાંની સોટી સબોસબ હીરિયાના બરડામાં જ વીંઝી કાઢે, પણ એ જ વખતે કાળો કોશી આવેશમાં આવીને એક ઝાડેથી બીજે ઝાડે ઊડવા લાગ્યો અને લેલાંના ટોળાએ કાળો કકળાટ માંડ્યો એટલે ચંદુ સાવધાન થઈને ચારે બાજુ જોવા લાગ્યો. આવી બધી વાતમાં હીરિયો સાવ બોઘો હતો. મોટેથી બોલ્યો :
‘શું છે ?’
ચંદુએ સોટી ઊંચી લઈ લીધી અને નાકે આંગળી મૂકી અને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તે જ વખતે બન્ને જણાની નજર સામેના ખીજડાની ડાળીએથી લટકતા સાપ પર પડી. નહીં નહીં તોયે ત્રણ-ચાર હાથ લાંબો ને ખાસો ચંદુના કાંડા જેટલો જાડો. સહેજ પીળાશ પડતા તપખીરિયા રંગનો સાપ હતો એ. આંખની સામે જોવાની જરૂર જ નહોતી, લબલબ થતી જીભ જ લોહી ફરતું અટકાવી દેવા બસ હતી. ચંદુએ હીરિયાનો હાથ એકદમ લોખંડી ભીંસમાં લઈ લીધો. નહીંતર એણે દોડવા જ માંડ્યું હોત. પૂતળા જેવો સ્થિર બનીને એ ખીજડા સામે જોયા કરતો હતો. સાપે બે ચાર ઝોલાં ખાધાં અને પછી નીચે ઊતરવાનો વિચાર માંડી વાળીને પાછો ડાળી પર વીંટળાઈને અંદર સરકી ગયો. હવે ચંદુએ પકડ ઢીલી કરી અને સોટી બગલમાં દાબતાં કહ્યું, ‘ચાલ હવે ઝટ ગામ ભેગા થઈ જઈએ.’ હીરિયાને તો તેડાં-નોતરાંની જરૂર જ ક્યાં હતી ? એણે ઝટપટ ચાલવા માંડ્યું. ચંદુનો જોશભેર ચાલતો શ્વાસ એની પાછળ જ હતો.

વગડામાં હંમેશાં બને છે તેમ અંધારું એકાએક ઊતરી આવ્યું. કેડી દેખાતી બંધ થઈ એટલે છોકરાઓએ ચાલવાનો ડોળ બંધ કરીને રીતસર દોડવા જ માંડ્યું. એમના શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. થોડીક જ વારમાં બંને જણ લગભગ પાદરે આવી પહોંચ્યા. જૂની વાવના ઓટલા પર બેસી પડીને હીરિયો બોલ્યો, ‘બેસ કે ઘડી વાર !’
‘થાકી ગયો ને !’ હાંફતો હાંફતો ચંદુ બોલ્યો. અને હીરિયાને એકદમ ગુસ્સો આવી ગયો. હજી સરદારીમાંથી હાથ નથી કાઢતો, પોતે જાણે કેવો મોટો ભીમસેન ના હોય ! હોય તોય શું ? એના ઘરનો ! એણે વગર બોલ્યે એક કાંકરી લઈને વાવના પાણીમાં ફેંકી.
‘કેમ ’લ્યા હીરિયા ?’
જો તો ખરો, બધા જાણે એના તાબેદાર હશે. એને પૂછ્યા વગર વાવમાં કાંકરીયે ના ફેંકાય, એમ ? અને ચિડાયેલા હીરિયાને તુક્કો સૂઝ્યો. એણે કહ્યું :
‘ખરો બહાદુર હોય તો જા જોઈએ, હાથ બોળી આવ જોઈએ.’
‘એમાં શું ? જઈ શકું.’
‘અરે કોઈ ના જઈ શકે, અંદર મામો રહે છે. હાથ ખેંચીને ઘસડી જાય ને તે લઈ જાય છેક વાવને તળિયે.’
‘હટ, મામોફામો કંઈ નથી અંદર. હું કેટલીયે વાર અંદર ગયો છું.’
‘એ તો દહાડે !’
‘હવે દહાડે ને રાતે ! એમાં કંઈ ફરક ના પડે.’
‘જા જા હવે ! રાતે તો અંદર અંધારું હોય.’
‘છો ને હોય અંધારું ! હું કંઈ બીતો નથી.’
‘તો જા.’
‘જઈશ જોજે !’
‘જા ને બીકણ બાયલી ! જઈશ જઈશ કહે છે, પણ ઉઠાતું તો છે નહીં !’ અને ચંદુ તરત ઊઠ્યો હતો. સોટી એક બાજુ ફેંકી દઈને તિરસ્કારથી હીરિયા સામે જોઈ એણે પગથિયાં ઊતરવા માંડ્યાં હતાં. બીજો વખત હોત તો હીરિયાએ ચોક્કસ એને બૂમો પાડીને બોલાવ્યો હોત, માબાપના સમ આપ્યા હોત, છેવટમાં છેવટ વાવના અંધકારની ગમે એટલી બીક લાગવા છતાં જાતે પાછળ જઈને એને આગળ વધતો અટકાવ્યો હોત, પણ ત્યારે એ ચિડાયેલો હતો કે કશું ના બોલ્યો.
‘છો ને લાહ્યરી કરતો ! હમણાં પાછો આવશે. સાપને જોઈને કેવો બી ગયો હતો ! રજામાં ભાઈસાહેબ અમદાવાદ જવાના છે. પોતાને એકલાને માટે પિસ્તોલ લાવવાના છે. છો લાવતા. નથી જોઈતો મારે એનો દંડૂકો, કાળો કે પીળો એક્કે !’

તે જ વખતે ચંદુએ પાછું જોયું, હીરિયાએ સહેજ સાદ કર્યો હોત તો પાછો વળી જાત. પણ હીરિયાએ મોં ના ખોલ્યું. ને ચંદુ ઊતરતો ઊતરતો અંધારામાં જાણે અલોપ થઈ ગયો. પછી હીરિયાને ભાન આવ્યું કે પોતે એકલો છે. તે સાથે એને બીક લાગી. પાણીમાં કશુંક પડ્યાનો અવાજ આવતાં બરોબર અંદર જોવા જવાને બદલે એણે તતડાવીને ગામ ભણી દોટ મૂકી. ચોરા પર મુખી ને બીજા ચાર જણ હુક્કો ગગડાવતા બેઠા હતા.
‘શું છે’લ્યા, આ આટલી વેળાએ ?’
‘ચં-દુ !’
‘શું છે ચંદુનું ?’
‘વાવમાં !’ કહેતાં ભેગો હીરિયો પોટલું થઈને પડ્યો હતો, ત્યાં ને ત્યાં ધૂળમાં. તે વખતે ચડેલો તાવ ત્રણ-ચાર દિવસે ઊતર્યો ને એ સરખો ભાનમાં આવ્યો ત્યારે તો બધું પતી ગયું હતું. પોતે ઘણી ના પાડવા છતાં ચંદુ વાવમાં પાણી પીવા ઊતર્યો હતો ને પગ લપસતાં અંદર પડી ગયો હતો. એ વાત ચંદુનાં માબાપ સુદ્ધાં એકેએક જણે માની લીધી હતી એટલે બીજું તો કશું કરવાનું હતું જ નહીં – ઊલટાનાં બધાં સવાસલાં કરતાં હતાં પોતાને….

‘આ એક ટાઢ હાડકામાં ગરી ગઈ છે, એ જો કોઈ ઉપાયે નીકળે ને !’ ગોદડીના વીંટામાં હજુ વધારે કોકડું વળીને હીરિયાએ ગોદડીનો છેડો માથા ઉપર તાણ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિવાળીના દિવસમાં દોડધામ – મધુસૂદન પારેખ
તરી તો જુઓ – જીવણ ઠાકોર Next »   

15 પ્રતિભાવો : ટાઢ – ધીરુબહેન પટેલ

 1. sima shah says:

  સરસ વાર્તા….

 2. Ajay Raval says:

  Very good story

 3. અશોક જાની 'આનંદ' says:

  ગામના બધાં સવાસલાં કરે પણ જાતનો જીવ તો ઘરચિયું જ્ કરે..!!!, ગામથી હંતાડાય જાતનો દોષ જીવથી કેમ કરી હંતાડાય..??!!! સુંદર વાર્તા…

 4. મસ્ત વાર્તા છે.

 5. Vaishali Maheshwari says:

  Nice story by Dhirubahen Patel. It is very true. We can fool everyone around us, but we cannot fool ourself and hide truth. One keeps feeling guilty inside if he/she is hiding something. I believe that guilt will reduce to some extent if we confess the truth. But sometimes situation does not allow us to do so.

  Thank you for sharing this story.

 6. જય પટેલ says:

  ગ્રામ્ય જીવનનો ધબકાર ઝીલતી બોધપ્રદ વાર્તા.

  હીરિયાએ ચંદુને હુલ આપી અને ચંદુએ હીરો બનવા જતાં જીવ ખોયો.
  બોધસાર…કોઈ હુલ આપે તો હીરોગીરી કરવી નહિ.
  ઘણીવાર વાણિયાભાઈની મૂછ નીચીમાં લાભ છે…!! ( ગાંધીજી – સરદાર પટેલના સંવાદમાંથી )

 7. Anila Amin says:

  વર્તામા રસનુ તત્વ છેવટ સુધી જળવાઈ રહયુછે તેને કારણે વાર્તા વાચવાની ઘણી મઝા આવી.ગામઠી ભાષા પણ સરસ્

  રસ ઉત્પન્ન કરેછે

 8. Pravin V. Patel (USA) says:

  પડકાર ઝીલી લેતા સાહસવીરો પરિણામની પરવા કરતા નથી.
  પરિણામે કોઈવાર જાન ગુમાવે છે.
  હીરિયાની સહનશક્તિ ચંદુ જતાં ઢીલી પડી ગઈ.
  બોધપ્રદ સુંદર વાર્તા.
  આભાર.

 9. Rakesh Dave says:

  બે વાર વાર્તા વાંચી નાખી…..કૈક જુદોજ અનુભવ થયો અને રસપ્રદ વાંચન મળી ગયું ! લેખિકા ને ખુબ ખુબ અભિનંદન ! ગામ નાં બાળકો, તેમની વાતો, રમતો નું સચિત્ર વર્ણન લાગ્યું. વાર્તા એકદમ સહજ છતાં ખુબજ મજાની લાગી ! હું વિવેચક નથી, પણ એટલું ચોક્કસ કહેવું છે કે વાર્તા છેક સુધી પકડી રાખેછે. આપની બીજી કૃતિઓ ક્યાં વાંચવા મળશે તે કહેશો.. ગુજરાતી સાહિત્ય વાંચવા ની ટેવ સંજોગોવશાત ભૂલી ગયેલી છે પણ આ વેબસાઈટ થકી હવે ગુજરાતી જીવંત બન્યું છે !

 10. Jagruti Vaghela USA says:

  This story is an example of nagative peer pressure influance. Sometimes kids or youngsters are told to do something risky by their friends and they accept the challange to look “cool”. They think if they don’t do that then their friends will make fun of them. As a result they get themselves in big trouble.
  Like Jaybhi said very true, બોધપાઠઃ કોઇ હુલ આપે તો હીરોગીરી કરવી નહિ.

 11. Deejay says:

  ખૂબ સુંદર વાર્તા છે.

 12. Vishal says:

  બવ મજા ના આવિ. પન એકન્દરે સારિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.