લે, પપૂડા, કેરી ! – રમણલાલ સોની

[તાજેતરમાં પુનઃમુદ્રિત થયેલ બાળવાર્તાના પુસ્તક ‘ગલબા શિયાળનાં પરાક્રમો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

ગલબો શિયાળ વાદીલો હતો.
કોઈ ગાય તો એને ગાવાનું શૂર ચડે, કોઈ દોડે તો એને દોડવાની ધૂન લાગે. એ હંમેશાં એવું જ માને કે બધું મને આવડે છે. એક વાર એક વીંછીની સાથે એ વાદે ચડ્યો. કહે : ‘મારા જેવું દોડતાં કોઈને આવડતું નથી. હું ગમે તેને શરતમાં હરાવી દઉં !’
વીંછી કહે : ‘એમ ? ગમે તેને ? હાથીને ? હરણને ? સસલાને ?’
ગલબો કહે : ‘હા, ગમે તેને ! હાથીને, હરણને, સસલાને, બધાય ને !’
વીંછી કહે : ‘મને ય પણ ?’
ગલબો હસીને કહે : ‘તને તો શું, તારા બાપુજીને પણ !’
વીંછી કહે : ‘તો આવી જાઓ !’

બંને જણ શરતના મેદાનમાં આવી ઊભા.
પીપળાના ઝાડથી શીમળાના ઝાડ સુધી દોડવાનું નક્કી કર્યું. એક, દો ને તી….ન કહી શિયાળે દોટ મૂકી. વીંછી જાણતો જ હતો કે દોડવામાં શિયાળને પહોંચાવાનું નથી, એટલે એણે એક યુક્તિ કરી. ઝપ દઈને એ દોડતા શિયાળની પૂંછડીને બાઝી પડ્યો. પૂંછડી એવી જાડી કે શિયાળને કંઈ ખબર પડી નહિ. એ તો જાય દોડતો, અને એની સાથે વીંછી જાય લટકતો !

શિયાળ શીમળાના ઝાડ નજીક આવી પહોંચ્યો, પછી તેને થયું કે લાવને, જરી જોઉં તો ખરો, હજી વીંછી કેટલો પાછળ છે ! આમ વિચાર કરી વીંછીને જોવા એણે પૂંઠ કરી. તે જ વખતે શિયાળની પૂંછડીએથી ઊતરી પડી વીંછીએ ઝાડને હાથ અડકાડી બૂમ પાડી : ‘હું જીત્યો ! હું જીત્યો !’ શિયાળે પાછળ ફરીને જોયું તો વીંછી એનાથી આગળ આવી ગયો હતો. વીંછીની જીત એણે કબૂલ કરી, પણ પોતે કેમ કરીને હારી ગયો તેની એને સમજ પડી નહિ. તે ખૂબ ભોંઠો પડી ગયો. પપૂડો વાંદરો ઝાડ ઉપર બેઠો બેઠો આ જોતો હતો. શિયાળની ફજેતી થતી જોઈ એ ખડખડ ખડખડ હસી પડ્યો !
ગલબાએ એની સામે જોઈ કહ્યું : ‘ચૂપ !’
પણ પપૂડો કોનું નામ ! એ વધારે જોરથી હસ્યો. કહે : ‘છી ! આવડો અમથો એક વીંછીડો તને હરાવી ગયો !’
ગલબાએ કહ્યું : ‘ચૂપ, નહિ તો તારી ખેર નથી !’ જવાબમાં પપૂડાએ એની સામે જોઈ જોરથી દાંતિયાં કર્યાં. ગલબાને આ અપમાન હાડોહાડ લાગી ગયું; તેણે પપૂડાને ખબર પાડી દેવાનો મનમાં ઠરાવ કર્યો.

થોડા દિવસ પછી ગલબાએ એક થેલીમાં નવ ગોળ પથરા ભર્યા. પછી થેલી ખભે નાખી ફેરિયો બની એ ચાલી નીકળ્યો, ને જોરથી બોલવા લાગ્યો :
કેરીઓ, લો કેરીઓ !
મલકાની વાડીની મીઠી કેરીઓ !
રસની ભરેલી મીઠી કેરીઓ !
ખાધી કે ખાશો એવી કેરીઓ !

પપૂડો ઝાડ ઉપર બેઠો બેઠો આ સાંભળતો હતો. કેરીઓનું ભજન તેને બહુ ગમી ગયું. તેણે કહ્યું : ‘ગલબાચાચા, શું વેચવા નીકળ્યા છો ?’
ગલબાએ કહ્યું : ‘કેરીઓની ફેરી કરું છું, પપૂડાલાલ !’
આમ કહી એણે ગાવા માંડ્યું :
કેરીઓ, લો કેરીઓ !
મલકાની વાડીની મીઠી કેરીઓ !
રસની ભરેલી મીઠી કેરીઓ !
ખાધી કે ખાશો એવી કેરીઓ !

પપૂડાએ કહ્યું : ‘સોદો કરવો છે કેરીઓનો ? એક બે કેરીનો નહિ, પણ જેટલી હોય એટલી બધીનો !’
ગલબાએ ઠાવકા બની કહ્યું : ‘સોદો કરવા તો નીકળ્યો છું. રામનાથની ટેકરી પર જે ઘાસનો ભારો ચડાવી આપે તેને આ બધી જ કેરીઓ દઈ દેવાનું મલકાકાકાએ કહ્યું છે.’
પપૂડાએ કહ્યું : ‘બધી જ કેરીઓ ?’
ગલબાએ કહ્યું : ‘બધી એટલે બધી જ તો !’
પપૂડાએ કહ્યું : ‘તો ચાલ, હું તૈયાર છું.’

પપૂડો ગલબાની સાથે ચાલ્યો. ચાલતાં ચાલતાં તેને થેલીમાં મોં નાખી કેરીઓ જોવાનું મન થતું હતું, પણ ગલબો કહે, ‘નહિ, હમણાં નહિ, પહેલાં કામ, પછી દામ ! મલકાકાકાનું આ સૂત્ર છે ! એ મારું પણ સૂત્ર છે !’ ગલબો પપૂડાને ટેકરીની તળેટીએ લઈ ગયો. ત્યાં ઘાસના ઘણા ભારા પડ્યા હતા. પપૂડાએ એક ભારો માથે મૂકી ટેકરી પર ચડવા માંડ્યું.
આગળ પપૂડો ને પાછળ ગલબો !
થોડું ચાલ્યા પછી પપૂડાએ કહ્યું : ‘ગલબાચાચા, ભારો બહુ ભારે છે.’
ગલબાએ કહ્યું : ‘ભારો ભારે નથી, પણ તારો લોભ ભારે છે !’
પપૂડાએ કહ્યું : ‘ગલબાચાચા, લાવોને, ભારા ભેગી કેરીઓયે હું ઊંચકી લઉં ! ભાર ભેગો ભાર !’
ગલબાએ હસીને કહ્યું : ‘હમણાં નહિ, પછી ઊંચકજે !’
થોડાં ડગલાં ચાલ્યા પછી વળી પપૂડાએ કહ્યું : ‘ગલબાચાચા, કેરીઓ કેટલી છે ?’
ગલબાએ કહ્યું : ‘એક છે, બે છે, ત્રણ છે, ચાર છે, પાંચ છે, છ છે, સાત છે, આઠ છે, નવ છે; પૂરેપૂરી નવ છે.’
પપૂડાએ કહ્યું : ‘હેં, નવ કેરીઓ છે ?’
ગલબાએ કહ્યું : ‘હા, અને એ બધી હું તને આપીશ.’

પપૂડો ખુશ થઈ ગયો. તેણે ઉત્સાહમાં આવી ટેકરી પર ચડવા માંડ્યું. ક્યારે ટેકરી પર ચડી જાઉં, ને ક્યારે કેરીઓ ખાઉં એ ધૂનમાં પપૂડો આગળ વધતો હતો. તેવામાં ગલબાએ ગજવામાંથી પેટી કાઢી દીવાસળી સળગાવી. ઝબ કરતો લગીર ઝબકારો થયો. એટલે પપૂડાએ પૂંઠળ જોયા વિના જ પૂછ્યું :
‘ગલબાચાચા, એ શાનું ઝબૂક થયું ?’
ગલબાએ કહ્યું : ‘પતંગિયું હતું !’
‘હં !’ કરી પપૂડો આગળ વધ્યો.
હવે ગલબાએ પપૂડાના માથા પરના ભારામાં દીવાસળી ચાંપી દીધી. તડ તડ તડ કરતો ભારો ધીરે ધીરે સળગવા લાગ્યો.
પપૂડાએ કહ્યું : ‘ગલબાચાચા, આ તડ તડ શું થાય છે ?’
ગલબાએ કહ્યું : ‘એ તો આ કેરીઓ કહે છે કે મને ખા, મને ખા !’
પપૂડાએ ખુશ થઈ કહ્યું : ‘એમને કહો કે હવે બહુ વાર નથી !’
આમ કહી એણે જોરમાં પગ ઉપાડ્યો. થોડે ગયા પછી પપૂડાએ કહ્યું :
‘ગલબાચાચા, આ ધુમાડા જેવું શું લાગે છે ?’
ગલબાએ કહ્યું : ‘એ તો કેરીઓ નિસાસા નાખે છે ને કહે છે મને ખા, મને ખા !’
પપૂડાએ રાજી થઈને કહ્યું : ‘એમને કહો કે હવે બહુ વાર નથી.’
વળી એણે જોરથી પગ ઉપાડ્યો. થોડે ગયા પછી વળી પપૂડાએ કહ્યું : ‘ગલબાચાચા, મને ઊનું ઊનું કેમ લાગે છે ?’
ગલબાએ કહ્યું : ‘વૈશાખ મહિનાનો તાપ પડે છે ને, એટલે. તાપ પડે નહિ તો કેરીઓ પાકે કેવી રીતે ?’
‘હાસ્તો !’ કહી પપૂડાએ વળી જોરથી પગ ઉપાડ્યો. પણ ત્યાં તો એના માથા પરના ભારાનો એકદમ મોટો ભડકો થઈ ગયો ને પપૂડાના મોઢે, માથે ને હાથે આગ ફરી વળી.

‘ઓ બાબા બજરંગ ! મને આ શું થયું ?’ કહી પપૂડાએ બૂમ પાડી ભારો નીચે નાખી દીધો. ગલબાએ બૂમ પાડી : ‘અરે, અરે ! મારા ભારાને આ શું થયું ! હવે મલકાકાકાને હું શો જવાબ દઈશ ?’ પપૂડાના આખા શરીરે ભડકાની આંચ લાગી હતી. તેથી તેણે ‘ઓ બાબા બજરંગ ! ઓ બાબા બજરંગ’ની ચીસો પાડી ભાગવા માંડ્યું. પપૂડાને આમ ભાગતો જોઈ ગલબાએ કહ્યું : ‘આ કેરીઓ લેતો જા, પપૂડા ! કેરીઓ લેતો જા !’ પણ પપૂડો કંઈ બોલ્યો નહિ. તેના માથાના અને પૂંછડીના વાળ સળગી ગયા હતા, તેથી એ બે હાથે પૂછડું મસળતો દોડતો હતો ને બૂમો પાડતો હતો : ‘ઓ બાબા બજરંગ ! ઓ બાબા બજરંગ !’ પાછળથી ગલબાએ થેલીમાંથી એક પથરો કાઢી ભાગતા પપૂડાની ઉપર ફેંકી કહ્યું :
‘લે પપૂડા ! કેરી ! અસલ મલકાકાકાના ઘરની છે ! ખાતો જા !’ આમ કહી એણે ભાગતા પપૂડાને પથરો માર્યો, પણ પપૂડાનું એ તરફ ધ્યાન નહોતું. ફરી ગલબાએ બૂમ પાડી :
‘લે પપૂડા, કેરી ! લેતો જા, ખાતો જા !’
ફરી તેણે પપૂડાને પથરો માર્યો. આમ તેણે પપૂડાને મારવા નવ પથરા ફેંક્યા, પણ પપૂડાનું તે તરફ ધ્યાન નહોતું. ટેકરી પરથી નીચે ઊતરી એ ધૂળમાં આળોટવા લાગી ગયો હતો ! ગલબો પપૂડાની દશા જોઈ ખડખડ હસતો હતો !

[કુલ પાન : 164. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તરી તો જુઓ – જીવણ ઠાકોર
બને, એમ પણ બને – પ્રફુલ્લ રાવલ Next »   

16 પ્રતિભાવો : લે, પપૂડા, કેરી ! – રમણલાલ સોની

 1. dhiraj says:

  ખુબ સુંદર વાર્તા
  અનુભવ ઉપરથી કહું છું
  જયારે બાળકોને વાર્તા કહેતા વચ્ચે ગીત ગાઓ તો બાળકોને જબરી મજ્જા પડી જાય છે
  “કેરીઓ, લો કેરીઓ !
  મલકાની વાડીની મીઠી કેરીઓ !
  રસની ભરેલી મીઠી કેરીઓ !
  ખાધી કે ખાશો એવી કેરીઓ !”
  અને પછી મજ્જા પડે છે
  “ઓ બાબા બજરંગ”

 2. Ankit says:

  મજ્જા પડી ભઈ, મજ્જા પડી..
  વારતા વાંચવાની મજ્જા પડી.

  બાળવાર્તા તો બાળક બની ને જ વંચાય ને???

  ખુબ સરસ વર્તા
  આભાર

  અંકિત

 3. Mital Parmara says:

  ખુબ મજા આવી.
  બહુ સમય પછી બાળવાર્તા વાંચી ….

 4. dharmesh makwana says:

  khub saras ,

  fari pachha balak bani gaya

  thanks,

 5. ખુબ જ સરસ બાળવાર્તા છે. મજ્જા પડી ગઈ ભાઈ 🙂

 6. shachi says:

  મજા આવિ very nice

 7. ankita parmar says:

  saras varta vanchvani maza avi gaii

 8. nayan panchal says:

  મને વાર્તા એટલી બધી ન ગમી.

  આ વાર્તામાં બીજાને છેતરવાની, બીજાને પીડા આપીને આનંદ ઉઠાવવાની વાત છે. બાળકો (કદાચ, માણસમાત્ર) નકારાત્મક લાગણીઓને જલદી ગ્રહણ કરી લે છે.

  આભાર,
  નયન

  • જગત દવે says:

   નયનભાઈ,

   મે મારી દિકરી ને આ વાર્તા કહી તો છેલ્લે તેનો પ્રશ્ન હતો……..What is the moral of this story?

   અને હું ચુપ થઈ ગયો.

   આ ઊપરાંત પણ બીજા એક જાણીતા બાળવાર્તાકારની વાર્તાઓની બુક મારી દિકરીને કોઈએ ભેંટ આપી હતી જેમાં દરેક વાર્તામાં હિંસા અને ઈર્ષ્યા અને લુચ્ચાઈની વાતો જોઈને (ચિત્રો પણ એવાં જ) આઘાત લાગેલો.

   આડવાતઃ અમીબેન આપના અભિપ્રાય સાથે ૧૦૦% સહમત છે. 🙂

  • Bhavin Shah says:

   વાહ નયનભાઈ… મને તમારી વાત ખુબ ગમી

 9. Jagruti Vaghela USA says:

  આવી બાળવાર્તાઓમાથી બાળકો શું શીખશે?

 10. r m barasra says:

  મજા નિ વાર્તા……

 11. Ami says:

  નયનભાઈ સાથે ૧૦૦% સહમત

 12. kalyani says:

  હુ નયનભૈ સાથે સહમત હુ.

 13. payal says:

  aa story mota o vache to chale pan nana balko vache to kevu gyan emna ma ave? temna ma pan badlo levani j bhavna ave… balko story na moral thi kai sikhi sake evi story hovi jove……

 14. ashita says:

  એક સાથે બે વાર્તા વાચવેી ખુબ ગમેી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.