નવ્વાણું લઘુકથાઓ – મોહનલાલ પટેલ

[‘નવ્વાણું લઘુકથાઓ’ પુસ્તકમાંથી ત્રણ લઘુકથાઓ અહીં સાભાર પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સત્યેન મહેતાનું મકાન

નોકરી પર ચઢ્યા પછી પહેલો પગાર હાથમાં આવ્યો, એ દિવસે સત્યેન્દ્રભાઈ બજારમાંથી લોખંડનો એક મજબૂત ડબ્બો ખરીદી આવ્યા. એના ઢાંકણાને એમણે રેણથી બંધ કરાવી દીધું હતું અને ઉપર એક ફૂટપટ્ટી દાખલ થઈ શકે એવો એક પાતળો છેદ પડાવ્યો હતો. એમણે ડબ્બો પત્ની આગળ મૂક્યો અને બોલ્યા : ‘આને વજ્રકોઠો સમજો અને…..’ એમણે પગારમાં મળેલી નોટોમાંથી સો રૂપિયાની નોટ ખેંચીને ડબ્બાના પેલા છેદમાં સરકાવતાં કહ્યું, ‘…..આમાંથી આપણા મકાનનું ખાતમુહૂર્ત થશે….’
પત્નીએ કહ્યું : ‘એક ડબ્બાની નોટોથી ક્યાં ઘર બનવાનું હતું ?’
‘તમે સમજ્યાં નહીં. ડબ્બો ભરાતો રહેશે. એમાં એકઠી થયેલી રકમ બૅન્કમાં જમા થતી રહેશે. બૅન્કમાં જમા થયેલી રકમનાં બીજે રોકાણો થતાં રહેશે અને રકમ વધતી રહેશે. એક દિવસ જમીનનો પ્લોટ ખરીદાશે. ખાતમુહૂર્ત થશે. મકાન તૈયાર થશે. મકાનની બહાર નામની પ્લેટ લાગશે – સત્યેન મહેતા ! વાસ્તુપુજન થશે અને આપણા મકાનમાં આપણો પ્રવેશ થશે !….’

આટલું બોલતાં બોલતાં સત્યેન્દ્રભાઈનું મુખ મીઠાશથી ભરાઈ ગયું. ચહેરો આનંદના પ્રકાશથી ઝળહળી રહ્યો… વાત ઉડાવતી હોય એમ પત્નીએ કહ્યું : ‘ભેંશ ભાગોળે ને છાશ છાગોળે…’
‘તને હસવું આવે છે, છાયા, પણ જીવનનું આ એક જ સ્વપ્ન છે. સત્યેન મહેતાનું મકાન ! સત્યેન મહેતાની એક નાની દુનિયા, સત્યેન મહેતાનું સ્વર્ગ !’
‘કેવડું મકાન બનાવશો ?’
‘નાનો, પણ સ્વતંત્ર બંગલો.’
‘સેવો સ્વપ્નાં ગમે તેમ, આ ડબ્બાના પૈસા તો છોકરાના ભણતર અને લગ્ન પાછળ જ ખર્ચાઈ જવાના છે.’
‘ભૂલે છે છાયા. આ વજ્રકોઠાને બીજા કોઈ હેતુ માટે ભેદી શકાશે નહીં.’

અને પચાસ વર્ષના થયા ત્યાં સુધી સત્યેન્દ્રભાઈએ પોતાની વાત પકડી રાખી. ઘણી ત્રેવડ અને કરકસર કરીને ઘરનો નિભાવ, દીકરાનું ભણતર અને લગ્નના ખર્ચ માટે અન્ય રીતે જોગવાઈ કરી. છોકરો પરણ્યો અને ઍડવૉકેટ થયો, પણ સત્યેન્દ્રભાઈનો પેલો વજ્રકોઠો અખંડિત રહ્યો. એકાવનમું વર્ષ બેસતાં સત્યેન્દ્રભાઈએ અમદાવાદમાં બંગલા માટે જમીનનો પ્લોટ લીધો. ભૂમિપૂજન થયું. મકાનનો ખાતવિધિ થયો. નાનો સરખો બંગલો રચાયો અને બહાર કાળા આરસમાં સોનેરી અક્ષરે તક્તી મૂકાઈ : ‘સત્યેન મહેતા !’ ગૃહપ્રવેશ વખતે સત્યેન્દ્રભાઈએ પત્નીને કહ્યું :
‘અત્યાર સુધી વેઠેલાં કષ્ટ ભૂલી જાઓ. હવે તમે સત્યેન મહેતાના બંગલામાં પ્રવેશી રહ્યાં છો. સત્યેન મહેતાનું પોતાનું મકાન !’
‘છાયા મહેતાનું કંઈ નહીં ?’
‘બધું જ તમારું, પણ આ બંગલો તો સત્યેન મહેતાનો જ !’

દીકરાની વકીલાત હવે સારી ચાલતી હતી. ઑફિસના કલાકો સિવાયના સમયમાં અસીલો ઘર શોધતા પણ આવતા હતા. એક દિવસ એક માણસ ભૂલો પડ્યો હોય એમ સોસાયટીમાં કોઈનું મકાન શોધતો હતો. મહેતા અટક વાંચીને જ કદાચ, એ સત્યેન મહેતાના બંગલા આગળ ઊભો રહ્યો. સત્યેન્દ્રભાઈ વરન્ડામાં ઊભા હતા. પેલા માણસે એમને પૂછ્યું :
‘વડીલ, પરાગ મહેતાનો બંગલો ક્યાં આવ્યો ?’
કોણ જાણે કેમ, સત્યેન્દ્રભાઈની જીભ ઉપર તરત જવાબ ન આવ્યો એટલે પેલા માણસે ફરી પૂછ્યું, ‘પરાગભાઈ ઍડ્વૉકેટ છે. એમનો બંગલો ક્યાં ?’
‘પરાગ મહેતાનો બંગલો ?’
‘હા, પરાગ મહેતાનો બંગલો.’
‘તમારે પરાગ મહેતાનું કામ છે ને ?’
‘હા.’
‘એ અહીં રહે છે,’ કહી સત્યેન્દ્રભાઈ ખૂબ ધીમેથી બબડ્યા : ‘સત્યેન મહેતાના બંગલામાં.’ અને પછી મોટેથી કહ્યું : ‘આવો.’

[2] એક આભાસી મિત્ર

એક દિવસ હું ધનવંતરાય સાથે વાત કરતો ઊભો હતો. ધનવંતરાય યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. એક વિદ્વાન તરીકે એમની નામના ગુજરાત બહાર પણ હતી. સરિયામ રસ્તે એ મળી ગયા. અને મને જોઈને વાત કરવા ઊભા રહી ગયા, એથી હું ઘણો ફુલાયો. એમની સાથે વાત કરતાં કરતાં હું રસ્તે જતા માણસ તરફ નજર નાખી લેતો હતો. વખતે કોઈ પરિચિત વ્યક્તિ મને ધનવંતરાય સાથે આમ વાતો કરતો જુએ તો મારો મોભો એના જાણવામાં આવે !

થોડી મિનિટો અમારી વાત ચાલી હશે, ત્યાં મેં સામેથી હિરેનને આવતો જોયો. ‘આ શો ગજબ થયો ?’ મારું મન રાડ પાડી ઊઠ્યું, ‘આ દુષ્ટ આ બાજુએ નીકળવા ક્યાંથી નવરો પડ્યો ?’ એ લફંગો હતો. જુગારી હતો, મારામારીમાં ઘણી વાર એનું નામ બોલાતું… આવાં ઘણાં દૂષણ એનામાં હતાં. એણે મને દૂરથી જોઈ લીધો હતો. મરક મરક હસતો છેક નજીક આવીને, ‘કેમ, શું ચાલે છે ?’ કહીને અમારી બાજુમાં જ ખડો થઈ ગયો. ધનવંતરાય જેવા માણસની ઉપસ્થિતિમાં એનું આ વર્તન મને ખટક્યું. એનો અવિવેક ઢાંકવા અથવા તો હું કોઈ અસામાજિક વ્યક્તિનો મિત્ર નથી એવું દેખાડવા મેં હિરેનની પ્રશંસા સાથે ધનવંતરાયને એનો પરિચય આપવા માંડ્યો, ‘આ હિરેન, મારો વર્ષો જૂનો મિત્ર. નિશાળમાં હતો ત્યારે હંમેશાં પહેલો નંબર રાખતો. બહારનાં પુસ્તકો ખૂબ વાંચે, ક્રિકેટમાં એક્કો, ટેનિસ પણ સારું રમી જાણે…. દેશ-પરદેશ રખડ્યો છે….’
‘ઠીક છે, ઠીક છે.’ કહી ખડખડાટ હસીને હિરેન બોલ્યો : ‘આવતા બુધવારે પૂર્ણિમા હૉલમાં મારો કાર્યક્રમ છે. જરૂર આવજે.’
મેં ધનવંતરાય તરફ ફરીને કહ્યું : ‘એ તો હું કહેવાનું જ ભૂલી ગયો, હિરેન એક અચ્છો સંગીતકાર પણ છે.’

અત્યાર સુધી ધનવંતરાય હિરેનને ચોટીથી એડી સુધી વારંવાર નીરખ્યા કરતા હતા. તે બોલ્યા : ‘વાહ, એ તો બહુ સારી વાત.’ કંઈક યાદ આવતું હોય એમ હિરેન બોલ્યો, ‘અરે, ઉતાવળમાં છું, યાર. આયોજકોને ટાઈમ આપી રાખ્યો છે !’ એ સહેજ દૂર ગયો એટલે ધનવંતરાય ધીમેથી બોલ્યા :
‘આ તમારો મિત્ર છે ?’
‘હા, કેમ ?’
સહેજ મોં ફેરવીને ધનવતંરાયે કહ્યું : ‘પ્રો. મહેતાની છોકરીને ભગાડી ગયો હતો તે જ આ માણસ…. ભગાડી ગયો એ ઠીક પણ પછી એ છોકરીનું શું થયું એ કોઈ જાણતું નથી. ઘણા ગુના એના નામે ચઢેલા છે. આ માણસ તમારો મિત્ર છે ? નવાઈની વાત કહેવાય.’ કહી ધનવંતરાયે ચાલવા જ માંડ્યું અને હું ત્યાં જ ઊભો રહ્યો.

[3] વેણ

ભદ્રાબહેન પતિ સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.
પચાસ વર્ષનું એમનું દામ્પત્યજીવન. આટલા લાંબા ગાળા દરમિયાન પતિના કોઈ કથન કે વર્તન ઉપર એમને આટલું આશ્ચર્ય નહોતું થયું. રઘુનાથ બોલ્યા હતા : ‘ચાર ધામની યાત્રા માટે તૈયારી કરવા માંડો, યાત્રા રેલવેના ફર્સ્ટ કલાસમાં જ કરીશું, ક્યાંક ટૅક્સી. ઊતરવાનું સારી હૉટલમાં, સેવા-ચાકરી માટે મકનાને સાથે લઈશું.’ થોડી ક્ષણો માટે તો ભદ્રાબહેનને પતિ વ્યંગમાં બોલતા હોય એવું જણાયું. પોતે દિવસનો મોટો ભાગ દેવદર્શન અને કથા-વાર્તામાં ગાળતાં હતાં એટલે એમણે કદાચ આમ કહ્યું હોય.
વ્યંગનો જવાબ આપતાં હોય એવા સૂરમાં ભદ્રાબહેન બોલ્યાં : ‘હવે તો જાત્રાએ જઈશું આવતે ભવ.’
રઘુનાથ ગંભીરતાપૂર્વક બોલ્યા : ‘આપણા માટે હજુ કંઈ ઉંબરા ડુંગરા નથી થયા. રેલવેનાં રિઝર્વેશન મેળવી લીધાં છે. તમતમારે તૈયારી કરવા માંડો. પહેલી તારીખે નીકળવાનું છે.’

અને નિર્ધારિત દિવસે યાત્રા શરૂ પણ થઈ.
હજુ ય ભદ્રાબહેનનો વિસ્મય શમતો નહોતો. કદીયે મંદિરમાં ન જતા કે પૂજાપાઠથી હંમેશાં દૂર રહેતા રઘુનાથ આટલી લાંબી યાત્રા માટે આમ એકાએક તૈયાર શી રીતે થયા ? મનમાં ઘૂંટાતો આ પ્રશ્ન એક પળે તો ભદ્રાબહેને પતિને પૂછી જ નાખ્યો :
‘હેં ભલા, તમે ઘર આંગણામાં કોઈ મંદિરને પગથિયે તો કદી ચડ્યા નથી અને આમ કાશી-મથુરા કરવાનું મન કેમ થયું ?’
રઘુનાથે ઉડાઉ જવાબ આપ્યો : ‘ભાગ્યમાં યાત્રા નિર્મિત થઈ હશે એટલે નીકળવાનું સૂઝ્યું, બીજું શું ?’ અને એ બારી-બહાર તાકી રહ્યા હતા.

રઘુનાથના મનમાં કશુંક ઘોળાતું હતું. થોડા કિલોમિટર પસાર થયા. એ પછી કોઈ સહજ વાત કરતા હોય એમ બોલ્યા : ‘માણસે અણુનું વિભાજન કરીને અપાર શક્તિ પેદા કરી.’
‘કાળા માથાનો માનવી શું નથી કરી શકતો ?’ ભદ્રાબહેને સૂર પૂરાવ્યો.
‘ઈચ્છે તો અણુભઠ્ઠીઓ ઊભી કરીને એમાંથી અઢળક વીજળી મેળવી શકે અને ઈચ્છે તો એમાંથી બૉમ્બ બનાવીને એક ક્ષણમાં એક લાખ માણસોનો ખાત્મો બોલાવી શકે.’ રઘુનાથે થોડી ક્ષણો સુધી મૌન ધારણ કર્યું. પછી એ બોલ્યા : ‘માનવીના વેણનું પણ એવું જ હોં, ભદ્રા !’ ભદ્રાબહેન રઘુનાથ સામે જોઈ રહ્યાં. એમને લાગ્યું કે પતિના હૈયામાં કશુંક વલોવાઈ રહ્યું છે, પણ કહેતા નથી.
રઘુનાથે આગળ ચલાવ્યું : ‘માનવીનું વેણ ક્યારેક તો ભર્યો દારૂગોળો. ઈચ્છીએ તો એનાથી ભડકો કરીને ઘર બાળી દઈ શકીએ અને ઈચ્છીએ તો એને આતશબાજીમાં ફેરવીને આકાશને રંગોથી ભરી દઈ શકીએ.’

રઘુનાથે પુત્રવધૂના વેણને દારૂગોળો બનાવીને ઘરની શાંતિને તારાજ ન કરી; એમણે તો એમાંથી આતશબાજી રચીને ચિત્તના આકાશને રંગોથી ભરી દેવા પ્રયત્ન કર્યો હતો. એક દિવસ પુત્ર શ્રવણ બનીને એની માને જાત્રા કરાવશે એવી રાહ જોઈને બેઠેલા રઘુનાથને પુત્રવધૂએ સંભળાવી દીધું હતું : ‘બાપુજી, બાને જાત્રાએ જવું હોય તો તમે જ લઈ જાવને, સમીર પાસે એવો ફાલતુ સમય પણ ક્યાં છે ?’

પુત્રવધૂનું આ વેણ ભદ્રાને કાને કદી ન પડે, એની કાળજી રઘુનાથ રાખી રહ્યા હતા.

[કુલ પાન : 228. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ-1]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનહદ અપાર સાથે – દિલીપ જોશી
નો પ્રૉબ્લૅમ – રોહિત શાહ Next »   

16 પ્રતિભાવો : નવ્વાણું લઘુકથાઓ – મોહનલાલ પટેલ

 1. સુંદર વાર્તાઓ. છેલ્લી વાર્ત ખુબ સુંદર છે.

 2. Mital Parmara says:

  ખુબ સુંદર વાર્તાઓ…

 3. હિરલબહેને કહ્યું તેમ આગળની બે વાર્તા કરતાં છેલ્લી વાર્તા સારી છે…
  સરસ…

 4. અશોક જાની 'આનંદ' says:

  સુંદર વર્તાઓ, મોહનભાઇની શૈલી સ્વ. ગિરીશભાઇ ગણાત્રાની યાદ અપાવી ગઇ.

 5. VAISHALI says:

  ૨ વવર્ત ખુબ્ જ સરસ ચે ખરેખર જ્યરે પુત્ર ન નમે બાપ ને અઓલ્ખવનુ હોય ત્યરે બાપ મતે એ સમય ખુબ જ કથિન લગે ચે.

 6. nayan panchal says:

  સુંદર વાર્તાઓ.

  નામનો આટલો મોહ શા માટે?

  જૂઠને વધુ સમય સુધી છૂપાવી શકાતુ નથી. ક્યારેક ને ક્યારેક તો તે બહાર આવીને રહે જ છે.

  પુત્રવધુનુ વેણ પુત્રના કાને તો પડવુ જ જોઈએ.

  ખૂબ આભાર,
  નયન

 7. આ પુસ્તક મેઁ વાંચેલું છે. બધી જ લઘુકથાઓ સરસ છે. ફરીથી વાંચવાની મજા આવી.

 8. First I would like to congratulate Sri Mohanbhai Patel – he has presented in 99 short stories day to day practical and hard realities of life of a common man- his small desires – how he struggles to fulfill his small desire – how he plans his savings inspite of difficulties due to mounting price rise, inflation etc and at last succeeds to fulfill his desire.
  It gives inspiration to other people as to where there is will there is always a way – in Gujarati man hoi to malve javay.
  So if you wish you can always fulfill your desire – but you have to plan-struggle – hard work -sacrifice etc is required to satisfy your desire. At the same time being head of the family you know small talk or comment from other members of family has to be overlooked in the interest of family unity and progress. It is very easy to break glass or heart-but once the cut is made – however best you try cut always remains -so always one has to be careful what he speaks-because once you speak – you cannot take it back- . All the best to Sri Mohanlalbhai.
  All will love to read these 99 short but very enlightning stories.

 9. Hetal says:

  daughter-in-law ne point out karvani vat avi etle sahun vaat gami gayi lage che- LOL em nahi ke husband-wife santhi jayi hake tem che to anand thi jayi ave – ema dikrani shu jarur che? eni kya ummar thayi gayi che te char-dham yatra mate ene tamari sathe javu pade? KHOTI apeksha ja bhartiya family nu dukh nu kendra che- Swawlambi jivan jivi shakay tem hoy toye badha parents ne 50 na thaya nathi ke dikra-vahu uper dependent thayi javu gamtu hoy che ane temujab na kari sheake etle bas mahabharat saru…I didn’t like any of these articles much…

 10. hetal says:

  ખુબ જ સરસ. બહુ જ ગમ્યુ. હુ તો જ્યરે પન સમય મલે ત્યરે આ વાચવા બેસિ જઉ અને મારા પતિ ને પન આ બહુ જ ગમે ચ્હે. અને અમે બધુ જ ઓનલાઈન વાનચિ સકિયે ચ્હિયે.
  ખુબ જ સરસ

  thanks for uploading

 11. Nalini Desai says:

  અદ્ય કાલિન સમય ની કટોકટી અનુભવતા સમાજ માટે આદર્શ પુસ્તક છે. બધી વાર્તા હૃદય ને સ્પર્શે છે.

 12. Pravin V. Patel [USA] says:

  સચોટ અંત અને જીવનને સ્પર્શતો મર્મ સમજાવતી વાસ્તવિક કથાઓ.
  ભૂલ કરનારને ડંખતી નાનો છતાં રાઈનો દાણો જેવી ચોટ-કથાઓ, અદભુત લઘુકથાઓ.
  અભિનંદન.

 13. Vaishali Maheshwari says:

  Very nice collection of stories. Enjoyed reading all. Thank you Mr. Mohanlal Patel.

 14. maitri vayeda says:

  એકદમ ચોટદાર વાર્તાઓ….

 15. HIren says:

  satyan mehta no banglo……..a great story……

 16. Dipak says:

  ખુબ જ સરસ લેખ છે બન્ને

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.