સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-1) – મૃગેશ શાહ

[‘સંસ્કૃતસત્ર-11’નો વિસ્તૃત અહેવાલ આજે પ્રકાશિત કરવામાં આવે છે. કેટલાક કારણોસર જો કે તેમાં વિલંબ થયો છે; પરંતુ તે છતાં સંપૂર્ણ સત્રના તમામ વક્તવ્યો આવરી લેવાયા છે તેનો આનંદ છે. આ લેખ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. જે વાચકમિત્રો તેની PDF ફાઈલ (કુલ પાન : 80) ડાઉનલોડ કરીને વાંચવા ઈચ્છતા હોય, તેઓની માટે લેખના અંતે તેમજ ‘ડાઉનલોડ’ વિભાગમાં લીન્ક આપવામાં આવી છે. સત્રના તમામ ફોટોગ્રાફ્સ ત્રીજા ભાગને અંતે આપવામાં આવ્યા છે. હંમેશની જેમ, આ વિશિષ્ટ લેખના પ્રકાશન બાદ વાચન-મનનનો અવકાશ મળી રહે તે હેતુથી તા. 28મી (ગુરુવાર) અને તા. 29મી (શુક્રવાર)ના રોજ રીડગુજરાતી પર નવા લેખો પ્રકાશિત થશે નહિ, જેની વાચકમિત્રોએ નોંધ લેવી. તા. 30મીથી (શનિવાર) રોજ સવારે બે લેખો સાથે ફરી મળીશું. આશા છે કે આપને આ અહેવાલ પસંદ આવશે. આપના પ્રતિભાવો આવકાર્ય છે. ‘ઉપનિષદ સુધા’નું આ સત્ર આપ સૌ માટે પ્રેરણાદાયી બની રહે તેવી શુભેચ્છાઓ. – તંત્રી.]

‘ઉપનિષદ’ શબ્દ સાંભળતાની સાથે દૂર દૂર કોઈ ઉપવનમાં બેઠેલા ઋષિ અને જિજ્ઞાસુ છાત્રોનું સ્મરણ થઈ આવે. એમાંના ‘શાંતિપાઠ’નું ગાન થાય ત્યારે તો રોમાંચ અનુભવાય. ભલે એના મંત્રોના ગૂઢ અર્થ સામાન્ય માનવીને ન સમજાય પરંતુ કોઈ એનું ગાન કરે તો પણ એ દિવસો સુધી મનમાં ગૂંજ્યા કરે. એવા આ ઉપનિષદો એ આપણો દિવ્ય વારસો છે. ભારતીય સંસ્કૃતિનો પાવન પરિચય છે. એકાદ ઉપનિષદ લઈને થોડાક દિવસો એનો અભ્યાસ કરીએ તો પણ જાણે આપણે ઋષિકાળમાં કોઈ પરમ ઋષિની સમીપ પહોંચી ગયા હોઈએ એમ અનુભવાય. ઉપનિષદોની શૈલી પ્રમાણમાં સરળ છે. ક્યારેક તે કથા દ્વારા તો ક્યારેક કોઈ સુત્ર દ્વારા આપણને પરમનો સ્પર્શ કરાવી જાય છે. માનવીય જીવન કેટલું ઊંચે ઊઠી શકે છે તે આ ઉપનિષદોના વિચારોને જોતાં સમજાય છે.

[પ્રથમ દિવસ]

ચાલુ વર્ષે પૂ. મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઉપનિષદોનું ત્રિદિવસીય સંસ્કૃતસત્ર-11 ‘ઉપનિષદ સુધા’ નામે તા. 10 થી 12 સપ્ટેમ્બર, 2010 દરમિયાન મહુવા ખાતે યોજાયું. આ સત્રમાં સહભાગી થઈને જે કંઈ માણ્યું તે આપ સૌ વાચકો સમક્ષ આ અહેવાલ દ્વારા વહેંચવાની કોશિશ કરું છું. સત્રનો પ્રારંભ તા. 10મી સપ્ટેમ્બરના રોજ કેવડાત્રીજને દિવસે સવારે બરાબર નવ વાગ્યે થયો હતો. સૌપ્રથમ ડૉ. કપિલદેવ શાસ્ત્રી અને કૈલાસ ગુરુકુળના છાત્રો દ્વારા શાંતિપાઠનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત વિદ્વાનોના હસ્તે દીપ-પ્રાગટ્યની વિધિ સંપન્ન થઈ હતી. એ પછી સમગ્ર સત્રના સૂત્રધાર આદરણીય શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશીએ સંસ્કૃતસત્રની ભૂમિકા વિશે થોડી વાત કરી હતી. એ પછી ‘સંગોષ્ઠિ-1’નો વિધિવત પ્રારંભ થયો હતો. પ્રત્યેક સંગોષ્ઠિમાં ત્રણ વક્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પ્રત્યેક વક્તાને આશરે 50 મિનિટ ફાળવવામાં આવી હતી. આ પ્રથમ સંગોષ્ઠિનું સંચાલન શ્રી ગૌતમભાઈ પટેલે કર્યું હતું. સંગોષ્ઠિના પ્રથમ વક્તા શ્રી મહાવીર અગ્રવાલે ‘ઉપનિષદ સુધા’ની ભૂમિકા વિશે વાત કરી હતી. ચાલો, આપણે સંસ્કૃતસત્રના આ મનનીય વક્તવ્યોને માણીએ…..

‘ઉપનિષદ સુધા’ ભૂમિકા – મહાવીર અગ્રવાલ

આજે હું પોતાને ભાગ્યશાળી સમજું છું કે મને અહીં પૂ. બાપુ પાસે ઉપસ્થિત રહેવાની તક મળી. અહીં સૌ વિદ્વાનો વિદ્યમાન છે. એક સમય હતો જ્યારે આ પ્રકારની દેવસભાઓ સ્થળે સ્થળે આયોજિત કરવામાં આવતી હતી. ભારતના એ ગૌરવનું સ્મરણ કરતાં ઉત્તરાખંડે સંસ્કૃતને પોતાના રાજ્યની બીજી ભાષા ઘોષિત કરી છે. મને લાગે છે કે હવે તમે હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ જેવા સ્થળોએ જશો તો ચારે તરફ વેદમંત્ર, મહાકવિઓની અમરવાણી સર્વત્ર જીવનનો માર્ગ ઉજાગર કરતી આપને જોવા મળશે. એ ગંગાના તટથી, દેવાત્મા હિમાલયના ચરણોમાંથી હું આપની સેવામાં ઉપસ્થિત થયો છું.

હું ઉપનિષદરૂપી ઉદ્યાનના કેટલાક સુગંધિત પુષ્પો વિશે આપને કહેવા માગું છું. ઉપનિષદરૂપી મહાસાગરનું અવગાહન કરીને આપણા પ્રાચીન ઋષિ, મુનિ, તત્વચિંતકોએ જે રત્નો સ્વયં મેળવ્યા અને એ રત્નોની માળા પહેરાવીને ન જાણે કેટલાય લાખો-કરોડો લોકોને ધન્ય કર્યા, એવાં થોડાં રત્નો આપની સેવામાં સમર્પિત કરવા ઈચ્છું છું. આજે વિશ્વના પટ પર જેટલી અશાંતિ, સમસ્યાઓ અને હાહાકાર છે, એ બધી જ સમસ્યાઓનું જો કોઈ એક સમાધાન હોય તો એ છે ભારત વર્ષનું વૈદિક ચિંતન, ઉપનિષદ ચિંતન, દર્શનનું ચિંતન, રામાયણ-મહાભારત-ગીતાનું ચિંતન કે જેની આજે આખા વિશ્વને જરૂરત છે. દુનિયાના મહાનગરોના દરેક ચાર રસ્તા પર આજે ઉપનિષદના એ વચનો લખવા જોઈએ કે જેની પર વિચાર-ચિંતન કરીને, વાંચીને, એક નવો માર્ગ મળે છે. એનાથી માનવના જીવનમાં સુખ અને શાંતિની ગંગા પ્રવાહિત થવા લાગે છે. આપણું આ વિશાળ ઉપનિષદ સાહિત્ય, આપણી ચારેય વૈદિક સંહિતાઓ, આરણ્યક-બ્રાહ્મણ ગ્રંથ – એ બધા અધ્યયન-અધ્યાપન કે માત્ર સંશોધનોના વિષય નથી. વિશાળ પુસ્તકાલયોમાં ધૂળ ખાતા શોધ-નિબંધોના રૂપમાં એની ઉપયોગિતા નથી. એ તો આચરણના વિષય છે. એ વ્યવહારના વિષય છે. મહર્ષિ પતંજલિ તો ત્યાં સુધી કહે છે કે ‘માનવ જીવનમાં જો કોઈ એક શબ્દને પણ યોગ્ય રીતે જાણી લે, એનું યોગ્ય રીતે આચરણ કરી લે, તો એ એક શબ્દ સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર, જીવનને આનંદ-સુખ-સંતોષ-શાંતિથી ભરી દેનાર થઈ શકે છે.’ એટલે ઉપનિષદોનું ચિંતન એ દ્રષ્ટિથી થવું જોઈએ કે એમાં એવું શું છે જે ગ્રહણ કરવા યોગ્ય છે.

ક્યારેક નચિકેતાના મનમાં કોઈક પ્રશ્ન ઉત્પન્ન થયો, ક્યારેક મૈત્રેયીના મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો. એમના પ્રશ્નોના ઉત્તર એ સમયના મનીષીઓએ આપ્યો. જીવનનો ઉદ્દેશ શું છે ? એ વિશે વેદ કહે છે કે ‘આઠ ચક્રોવાળી, નવ દ્વાર વાળી, આ દેવતાઓની અયોધ્યારૂપી નગરી, પરમ પિતાએ આપણને માનવદેહના રૂપમાં આપી છે. મનુષ્યનું આ શરીર કેવળ આહાર, નિદ્રા, ભય અને મૈથુન માટે નથી.’ માણસ આખી દુનિયાને જોવા માગે છે અને લોકોના ચરિત્રો વિશે વાત કરે છે પરંતુ હકીકતે માણસે સવાર-સાંજ પોતાનું ચરિત્ર જોવું જોઈએ. એમાં બે જ વાત મુખ્યત્વે જોવાની છે કે હું બહારથી સુંદર દેખાઉં છું પરંતુ મારી અંદર કેટલાં પશુ બેઠા છે ? કેટલી દુર્વૃત્તિઓ બેઠી છે ? વેદમાં એક મંત્ર આવે છે….આમ તો વેદની ભાષા એકદમ કોમળ છે પરંતુ ક્યાંક કઠોર થઈ જાય છે. વેદ કહે છે કે ‘આપણી અંદર ઘુવડ બેઠું છે જે આપણને પ્રકાશની તરફ જવા નથી દેતું. જ્ઞાનની ચર્ચા કરવા નથી દેતું. એને આપણા જીવનમાંથી દૂર કરવું જોઈએ.’ વેદ કહે છે કે ‘માનવી ક્યારેક એટલો હિંસક થઈ જાય છે કે અનેક લોકોના જીવન નષ્ટ કરી દે છે.’ માનવીમાં ક્યાંક ગરુડ છે તો કુતરો પણ છે. વેદ કહે છે ‘જેમ કોઈ વસ્તુને પથ્થરથી બરાબર ટીપી નાખવામાં આવે છે એમ આ વૃત્તિઓને, હે માનવ ! તું બરાબર ટીપી નાખ અને નષ્ટ કરી દે.’

આ ગ્રંથોએ આપણને આચરણનો સંદેશ આપ્યો છે. ‘मनुर भव:’ દુનિયાને માનવ બનાવતા પહેલાં એક વાક્યમાં વેદનો સંદેશ છે કે ‘પહેલા તું માનવ બન !’ જે સ્વયં પ્રજ્વલિત થયેલો દીવો છે, એ જ બીજા દીવાને પ્રજ્વલિત કરી શકે છે. જેનામાં આચરણ ન હોય તે બીજાને જીવનનો સંદેશ આપી શકે નહીં. બીજાને કલ્યાણનો માર્ગ ન બતાવી શકે. વેદ કહે છે ‘એ પછી તું ગૃહસ્થીમાં રહેતો હોય તો દિવ્ય સંતતિનું નિર્માણ કર. એને સંસ્કાર આપ. એને સદવિચારોથી વિભૂષિત કર.’ આ રીતે આપણું સઘળું વૈદિક સાહિત્ય ચિંતનથી ભરેલું છે. એ ચિંતનના મહાસાગરને આપણા ઋષિઓએ અગિયાર ઉપનિષદોના માધ્યમથી આપણી સામે મૂક્યો છે. ઉપનિષદની સંખ્યા તો સેંકડોમાં છે. એમાંના જે અગિયાર ઉપનિષદોને આપણે મુખ્ય ઉપનિષદ માનીને આદર કરીએ છીએ, એ ઉપનિષદોના માધ્યમથી ખૂબ સરળ અને સહજ શબ્દાવલિમાં, આખ્યાન-કથાનકો અને વાર્તાઓના માધ્યમથી માનવ સામે પ્રસ્તુત કરવાનો તેઓએ પ્રયત્ન કર્યો છે. એનો એવો પ્રભાવ રહ્યો કે કેવળ ભારત જ નહિ, જેને આપણે વિદેશી કહીએ શકીએ એવા જર્મનના વિદ્વાન કે અન્ય કોઈએ પણ જ્યારે ઉપનિષદોનો સ્વધ્યાય કર્યો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ! વિસ્મિત થઈ ગયા ! એમને લાગ્યું કે દુનિયામાં જો તમામ સમસ્યાઓનું કોઈ સમાધાન હોય તો કેવળ ઉપનિષદ સાહિત્ય છે. મનુષ્ય જ્યારે જીવનના ચાર રસ્તે ઊભો રહે છે અને જાણવા માગે છે કે ‘હું ક્યાં જઉં, કઈ તરફ જઉં ?’ ત્યારે ઉપનિષદના વચનો એને માર્ગ બતાવે છે.

આપણે ત્યાં કહેવાયું છે કે : ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः’. ગાય શબ્દ આપણે ત્યાં પવિત્ર મનાય છે. ગાયનું દૂધ અમૃત કહેવાય છે. ઉપનિષદને એ સન્માન અપાયું છે કે જાણે બધા જ ઉપનિષદો ગાયો છે. ગોપાલ નંદને એ ગાયોનું દોહન કર્યું છે. પાર્થ એટલે કે અર્જુન વાછરડું છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણે જે અમૃત પિવડાવ્યું એ અમૃતનું પાન કરીને ધર્મ-માનવતા-સજ્જનો અને સંતોની રક્ષા માટે એવું યુદ્ધ કર્યું કે એ યુદ્ધ યુગો-યુગો સુધી હંમેશા યાદ રહેશે. એ ગીતા યુગોના યુગો સુધી સમગ્ર વિશ્વમાં સ્મરણ કરાશે. આપ સૌ જાણો છો કે દુનિયાની લગભગ મહત્તમ ભાષાઓમાં જો કોઈ ગ્રંથનો અનુવાદ થયો હોય તો એ ‘શ્રીમદ ભગવદ ગીતા’ છે. આજે દુનિયાના લોકો અનેક સુત્રો તેમાંથી શોધી રહ્યા છે. કોઈ સંસ્કૃતિના સુત્રો, કોઈ પ્રબંધનના સુત્રો, કોઈ દર્શનના સુત્રો તો કોઈ એમાંથી રાજનીતિની વાત લેવા માગે છે. એવો અક્ષયકોશ એ ભગવદગીતા છે. ભગવાન કૃષ્ણે એને સંસાર કલ્યાણ માટે ઉપનિષદોની ગંગોત્રીમાંથી તૈયાર કરી હતી.

કોઈ પણ ઉપનિષદ ઉદ્યાનમાં પ્રવેશ કરતાં અનેક સુગંધિત ફૂલો નજરે પડે છે. એમાંનું કોઈ એક ફૂલ પણ જીવનને આનંદિત કરવા માટે કાફી છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો જ મંત્ર ‘ईशा वास्यमिदँ सर्वं’ જ્યારે વિચારીએ તો તેના એક-એક શબ્દો કેટલા માર્મિક અને હૃદયસ્પર્શી લાગે છે. એ સાંભળી વાંચીને જીવનમાં જો કંઈ ઉથલપાથલ ન થાય તો એ વાચન, ચર્ચા કે પ્રવચનનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી પરિવર્તન ન અનુભવાય ત્યાં સુધી ફક્ત ચર્ચાઓનો કોઈ અર્થ નથી. દ્રોણાચાર્યને ત્યાં કૌરવો અને પાંડવો ભણવા ગયા ત્યારે દ્રોણાચાર્યે એક પાઠ શીખવ્યો કે ‘ક્રોધ ન કરવો જોઈએ.’ બીજે દિવસે બધાને પૂછ્યું કે ‘પાઠ પાકો થયો ?’ બધાએ ‘હા’ પાડી. પરંતુ ધર્મરાજાએ કંઈ જવાબ ન આપ્યો. બે-ત્રણ દિવસ એમ જ ચાલ્યું. અંતે ગુરુદેવે થપ્પડ મારીને કહ્યું ત્યારે બીજે દિવસે ધર્મરાજાએ જવાબ આપ્યો કે ‘હવે પાઠ પાકો થયો. કારણ કે આપે મને થપ્પડ મારી તો પણ મને ક્રોધ ન આવ્યો. ઘરે જઈને પણ મને મારા ગુરુદેવ પ્રત્યે ક્રોધનો સહેજ પણ અંશ ન આવ્યો ત્યારે મને થયું કે હવે પાઠ બરાબર પાકો થયો છે.’ ‘ईशा वास्यमिदँ सर्वं’ કહીએ ત્યારે આ સંસારમાં બધે ઈશ્વરનો વાસ છે એવો વિશ્વાસ આપણને ક્યાં થાય છે ? એ ઈશ્વર સૂતાં, જાગતાં, હરતા-ફરતાં આપણા બધા જ કર્મોને જોઈ રહ્યો છે. ક્યારેક આપણે અંધારામાં કોઈ ષડયંત્ર કરતાં વિચારીએ છીએ કે કોઈ આપણને જોતું તો નથી ? ત્યારે વેદમાતા કહે છે કે ‘રાજા વરુણ તને જોઈ રહ્યા છે.’ જીવનમાં જ્યારે વિક્ટ પરિસ્થિતિ આવે છે, નિરાશા વ્યાપી જાય છે, સગાં-સંબંધીઓ છોડી દે છે અને વેદમાતા તો ત્યાં સુધી કહે છે કે પુત્ર દુર્ગુણોમાં ફસાઈ જાય અને માતાપિતાને એમ લાગે કે પોતાની પર એના છાંટા ઊડે છે તો માતાપિતા પુત્ર માટે પણ એવું કહી દે છે કે અમે આને નથી જાણતા, આને પકડીને લઈ જાઓ અને જેલમાં નાખી દો ! આવા આ સમયમાં પણ એક છે જે કદી સંબંધ તોડતો નથી. પરમાત્મા અને સંતોમાં આ જ વિશિષ્ટતા છે. બસ, ‘ईशा वास्यमिदँ सर्वं’ એવો આપણને વિશ્વાસ હોવો જોઈએ.

ઈશ્વરની કૃપા કરવાની રીત ન તો મનુષ્ય સમજી શક્યો છે ન તો સમજી શકશે. એટલે જ ‘નેતિ નેતિ’ એમ કહેવામાં આવ્યું. તેથી ઉપનિષદમાં એમ કહેવાયું કે ‘આત્માનું દર્શન’ કરો. આત્માનું દર્શન એટલે પોતાને જુઓ અને એ પછી પરમાત્માનું દર્શન કરો. વેદ કહે છે કે તમે અનેક ચીજવસ્તુઓ જાણી, સંસારના અનેક વૈજ્ઞાનિક રહસ્યોને જાણ્યા પરંતુ એને ન જાણ્યા કે જે જાણવા જોઈતા હતા. શું એ સ્થિતિ આપણા જીવનમાં આવી શકે છે ? કોઈ એવા તત્વનો આપણે સાક્ષાત્કાર ન કરી શકીએ કે જેથી આપણે ઈશ્વરને કહી શકીએ કે પ્રભુ જે જોવા લાયક હતું તે મેં જોઈ લીધું. જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું તે પ્રાપ્ત કરી લીધું. માણસ ઈશ્વરની કૃપાને સમજતો થાય તો જીવનમાં ક્યારેય દૂષિત આચરણ ન કરે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તેને લાગશે કે કોઈ મારી રક્ષા કરવા માટે તત્પર છે.

ઉપનિષદ કહે છે ‘तेन त्यक्तेन भुञ्जीथा’. એટલે કે ત્યાગીને વાપરો. મહાભારતકાર કહે છે કે ‘કોઈને સમગ્ર વિશ્વનું ઐશ્વર્ય આપી દો અને પૂછો કે તમે સંતુષ્ટ છો ? ત્યારે એ કહેશે કે હજી મન ભરાયું નથી.’ માણસને કેટલું ધન જોઈએ એની કોઈ સીમા નથી. તૃષ્ણા કદી જીર્ણ થતી નથી, આપણે જ જીર્ણ થઈ જઈએ છીએ. ભર્તુહરિએ એટલે જ કહ્યું કે ‘રોજ સૂરજ આવે છે અને જાય છે, જીવન ક્ષીણ થતું જાય છે. જીવનરૂપી દોરડાને દિવસ અને રાતરૂપી કાળા અને સફેદ એમ બે ઉંદરો સતત કાપી રહ્યા છે. એ ક્યારે કપાઈ જાય એનું નક્કી નથી.’ વેદ એટલે જ કહે છે કે ‘ઘણા લોકો એમ માને છે કે અમારો નિવાસ મોટા મહેલોમાં છે જ્યાં કોઈ ચકલુંય ફરકી નથી શકતું’. પરંતુ ના. એમ નથી. વેદ કહે છે કે ‘તારો નિવાસ આજે છે અને કાલે નથી એવા વૃક્ષના પાન પર છે.’ ઉપનિષદમાં પણ આવી અનેક વાતો કહેવાઈ છે. આ તમામનું લક્ષ્ય બ્રહ્મવિદ્યા છે. સંસારની નશ્વરતા કે ક્ષણભંગુરતાનું પ્રતિપાદન કરનારી વિદ્યા છે. પરમાત્મા પ્રતિ ભક્તિ ઉત્પન્ન કરનારી આ વિદ્યા છે. એ ત્યારે જ થઈ શકે જ્યારે સંસારના આકર્ષણોથી મનુષ્યનું મન જ્યારે થોડું ખસવા લાગે. માણસનું આયુષ્ય 100 વર્ષનું મનાય છે. એમાંથી 50 વર્ષ તો બાળરમતમાં અને વૃદ્ધાવસ્થામાં રોગોની ચિંતામાં વીતી જાય છે. બાકી જે 50 રહ્યા એમાં વ્યાધિ છે, વિયોગ છે.

ઉપનિષદમાં સુંદર વિચારોની અનેક ધારાઓ પ્રવાહિત છે. ‘कुर्वन्नेवेह कर्माणि…’ જેની પર શ્રીમદ ભગવદગીતા આધારિત છે તે નિષ્કામ કર્મની વાત ઉપનિષદમાં છે. વેદમાં પણ એમ કહ્યું છે કે ‘હે માનવ ! હું તને કેટલીક બાબતો બતાવું છું જેનો અમલ કરીને લાખો કરોડો નેત્ર તને જોવા લાલાયિત રહેશે. તમે એવા બનો.’ ત્યાં સંબોધન ‘સોમ’ એવું વાપર્યું છે જેનો અર્થ છે શીતળતા. એનો અર્થ કે જ્યાં જાઓ ત્યાં શીતળ બનીને શ્રદ્ધા-વિનમ્રતા સાથે જાઓ. વેદ કહે છે કે ‘સંસાર માટેના કલ્યાણકારક કર્મથી તમે સુક્રતુ બની શકો છો.’ વેદ કહે છે ‘ભૂમામાં એટલે વિશાળતામાં સુખ છે; સંકુચિતતામાં સુખ નથી.’ ‘હું મારી પત્ની અને બાળકો’ સુધી જ ચિંતન સમેટાઈને રહી જશે તો સુખની પ્રાપ્તિ નહીં થાય. પોતાને વિશાળ બનાવવા જોઈએ. ઈશ્વરે તમને જે આપ્યું હોય તે બીજાને આપો. પોતાની અંદરની જે કાંતિ છે એનાથી તેજસ્વી બનો. તેજ બહારથી નથી આવતું. સૌંદર્ય પ્રસાધનનોના સાધનથી તેજ નથી આવતું. ટીવી પરની જાહેરાતોમાં જે બતાવે છે એનાથી કાંતિ નથી આવતી. મહાત્મા ગાંધી જ્યારે મિ. ગાંધી હતા અને સુટ-બુટ પહેરતા હતા ત્યારે એમને જોવા કોઈ જતું નહોતું. એ બધું છોડીને એક વસ્ત્ર શરીર પર લપેટીને નીકળી પડ્યા ત્યારે લોકો માઈલોની યાત્રા કરીને તેમની એક ઝલક જોવા આવવા લાગ્યા.

આમ, આપણું ઉપનિષદ સાહિત્ય એટલું મધુર, અમૃતમય છે, આનંદમય છે કે એમાં તલ્લીન બની જવાય છે. કોઈ પણ ઉપનિષદનો કોઈ ઉપદેશ મનમાં સમાઈ જાય તો કલ્યાણ થઈ જાય. દા..ત, ઉપનિષદકાર કહે છે કે ‘હજારો ગાયોમાં વાછરડું કે જેને કોઈ ડિગ્રી પ્રાપ્ત નથી, બોલવાનું નથી જાણતું તે છતાં પોતાની જન્મ દેનારી માને ઓળખી લે છે એ રીતે આપણે જ્યાં પણ, કોઈ પણ પ્રકારે, કોઈક કર્મ કર્યું હોય એ એના કર્તાની પાછળ પાછળ જઈ એને ઓળખી જ લે છે.’ જો આટલી જ વાત સમજમાં આવી જાય તો બધા ખરાબ કર્મો આપણો સાથ છોડીને દૂર થઈ જાય. એ જ રીતે આખા વિશ્વને કુટુંબ માનવાની વાત કહેવામાં આવી, જે આ દેશની સંસ્કૃતિનો પ્રાણ છે. એ કારણે જ આજે આખું વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે કે ભારત જ આપણને શાંતિનો પાઠ ભણાવી શકશે. આ દેશ જ ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ની વાત કરી શકશે. સમગ્ર વિશ્વને મિત્ર અથવા ભાતૃદષ્ટિ આપનાર જો કોઈ હોય તો એ આ ભારત દેશ છે, એની સંસ્કૃત ભાષા છે, એનું ઉપનિષદ સાહિત્ય છે. તેથી આવો…, આપણે તેમાં અવગાહન કરીએ અને અવગાહન કરીને એમાં જે રત્ન પ્રાપ્ત થાય એનાથી આપણા જીવનને વિભૂષિત કરીએ. આ શબ્દો સાથે આપ સૌને પ્રણામ કરીને મારી વાણીને વિરામ આપું છું. ૐ.

ઈશાવાસ્યોપનિષદ – ભાગ્યેશ જહા

આજે ઈશાવાસ્ય ઉપનિષદની વાત શરૂ કરું એ પહેલા અહીંના વાયુમંડળમાંથી જે વાઈબ્રેશન્સ મળે છે તે મને શાંતિનિકેતન લઈ જાય છે. રવીન્દ્રનાથ ટાગોર જ્યારે ઉપનિષદ વિશે વાત કરે છે, ખાસ તો એમનું પુસ્તક ‘સાધના’ અને ‘ક્રિએટીવ યુનિટી’ – આ બંનેની રચનામાં વારંવાર ઈશાવાસ્યનો ઉલ્લેખ થાય છે. એમણે એક વાત સરસ કહી છે કે ‘પશ્ચિમ અને પૂર્વ એવી સરખામણીઓ કરો કે ન કરો એ અગત્યનું નથી.’ આપણે ગ્રીસ, એથેન્સ વગેરે જોઈએ તો ત્યાં મહાલયોની રચના છે. ત્યાં બહુ ચર્ચાઓ થઈ. ભારતનો ઋષિ જંગલમાં ગયો. વૃક્ષો પાસે બેઠો. આ ઉત્તુંગતા છે. આ ‘Acquisition’ નહીં પરંતુ ‘Expansion’ની જે વૃત્તિ છે, એને સ્પર્શ કરવાની વાત ઈશાવાસ્યમમાં આવે છે. ઉપનિષદ એ કવિતા છે. એક વિદ્વાને તો કહ્યું છે કે ‘ભાષા સ્પર્શક્ષમ બની જાય ત્યારે કવિતા પ્રગટે છે.’ એ પ્રકારની જે વાત ઉપનિષદમાં આવે છે, તેવા ઉપનિષદને મારે સ્મરવાનું છે. હું જ્યારે આ ઉપનિષદ સભા વિશે વિચાર કરતો હતો ત્યારે મારા મનમાં એકદમ જ આ ઉપનિષદો વિશે આધુનિક અર્થો પ્રગટ થવા માંડ્યા. એને કારણે દ્રવીભૂત થયેલી મારી ચેતના, આપની સમક્ષ વ્યક્ત કરું છું. તો મારું આ દુઃસાહસ ક્ષમા કરજો….

મિત્રો, આ ઈશાવાસ્ય ઉપનિષદ જાણે કે મનુષ્યની પ્રજ્ઞાનું સરસ વસિયતનામું છે. આ વિચારોનું વસિયતનામું છે જે આપણે દર વર્ષે વાંચવાનું છે કે આપણા બાપદાદાઓ આપણને શું આપીને ગયા છે. મિલક્તમાં આપણી પાસે શું પડ્યું છે તે ઓળખવાનું છે. આ જે મનુષ્યતાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે એનું આ ‘બ્લેકબોક્ષ’ છે. એ બ્લેકબોક્ષને આજે આપણે વાંચવા બેસવાના છે. ‘ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत्’ ઈશાવાસ્ય ઉપનિષદનો આ પહેલો મંત્ર એવો મંત્ર છે જેને એમર્સન, મેક્સમુલર, જેકોબ – તમે જગતના કોઈ પણ તત્વજ્ઞાનીને પૂછો – એણે ઈશાવાસ્યને ક્યાંક ને ક્યાંક સ્પર્શ કર્યું છે. તેથી હું ખૂબ નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે આજે હું ખૂબ અધૂરું પ્રવચન આપવા આવ્યો છું. કારણ કે આ પૂરું થઈ શકે એમ જ નથી. ઈશાવાસ્ય ઉપનિષદ એટલો વિશાળ ગ્રંથ છે. આ ઉપનિષદનો પહેલો જ શાંતિપાઠ પૂર્ણત્વની ઘોષણા કરે છે :

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते |
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ||

મને લાગે છે કે આજના જગતમાં જે કંઈ બીજગણિતની ચર્ચા થતી હશે પણ આજના સંદર્ભમાં ‘You are unique’ અને ‘You are complete’ – આવો સધિયારો આપનારું આ વિશિષ્ટ ઉપનિષદ છે. હું જ્યારે ‘Human Behavior’ ભણતો ત્યારે અમને ખૂબ શીખવવામાં આવતું કે તમારા કર્મચારીઓને, તમારા ઑફિસર્સને, તમારા મેનેજર્સને એની શક્તિઓથી પરિચિત કરાવો. અહીં ઉપનિષદના ઋષિ એ જ કહે છે કે ‘તે પણ પૂર્ણ છે અને તું પણ પૂર્ણ છે.’ આ આત્મવિશ્વાસનું મૅગ્નિફિકેશન મનુષ્યને અદ્દભુત ગૌરવનો અનુભવ કરાવે છે. જ્યારે મનુષ્ય ડિપ્રેશનમાં છે, જ્યારે મનુષ્ય ગર્તામાં છે, જ્યારે મનુષ્યતા સામે હજારો પ્રશ્નચિન્હો આપણી સામે ઊભા છે ત્યારે આ પૂર્ણત્વનો જયઘોષ, એ એક અનોખી યાત્રાનો પ્રારંભ કરાવે છે. ઉમાશંકર જોશીએ જ્યારે ઈશાવાસ્ય પર લખ્યું ત્યારે એટલી સરસ વાત કરી કે ‘આ ઉપનિષદ ‘ईशावास्यम’ થી વાત શરૂ કરી અને છેલ્લે એકદમ પ્રાર્થનામાં આવી જાય છે ‘वयुनानि विद्वान् ’.’ આ ઈશાવાસ્યનો વ્યાપ છે. આ એનું ટ્રાન્સ્ફોર્મેશન છે. બીજી વાત એ છે કે ઈશાવાસ્યનું વિશિષ્ટ કોઈ લક્ષણ હોય તો એ ‘વિરોધાભાસોના વિચ્છેદનું વિજ્ઞાન’ છે. આપણે કેટલા બધા વિરોધાભાસો વચ્ચે જીવીએ છીએ !

ગાંધીજીએ અક્ષરદેહમાં જે વાત કરી તે મારે પણ કહેવી છે કે આ એક શ્લોક ‘ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत्’ આ જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ આ એક માત્ર શ્લોકમાં છે એવું સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે હું બહુ નમ્રતાપૂર્વક કહેવા માગું છું. તમે જુઓ, અત્યારે જગતની ત્રણ સમસ્યાઓ છે : Global Terrorism, Global Warming અને Global Recession. હું આજે ઉપનિષદનું અર્થઘટન સહેજ અલગથી આધુનિક સંદર્ભમાં કરવા માગું છું. Global Terrorism વાળાને આપણે કહી શકીએ કે આ જગત આખું ઈશ્વરનું છે, ભાઈ ! શેના માટે આ ઝઘડો લઈને બેઠા છો ? કોને મારવા માગો છો તમે ? Global Warming પણ ખૂબ અગત્યનું છે. આ ઉપનિષદમાં એ માટે સૂર્ય ઉપાસના ભારોભાર અનેક શ્લોકોમાં આવે છે. આ ઉપનિષદ કહે છે કે જડચેતન જે કાંઈ છે તે બધું જ ઈશ્વર છે. ઘણા લોકો માત્ર ચેતનતત્વ સાથે જ વાત કરે છે. આપણે સહેજ આગળ વધ્યા અને કહ્યું કે આ ટેબલ….આ પોડીયમ…આ માઈક અને હું – અમે જુદાં નથી ! આ એકત્વની ભાવના એ મનુષ્યની બુદ્ધિની ઊંચાઈ છે. વચ્ચે મને એક નાનકડી રમૂજ યાદ આવે છે. એક વખત સુરેન્દ્રનગર પાસેથી અમે જતાં હતાં. મારી સાથે યોગેશભાઈ ગઢવી હતા. અમે જોયું કે એક યુવાન ભેંસ પર ચઢીને ઊભો હતો. મને આશ્ચર્ય થયું કે આ કયા પ્રકારનું વર્તન ? એટલે કુતૂહલતાથી અમે સહેજ નજીક ગયા. જ્યારે અમે નજીક ગયા ત્યારે સ્પષ્ટ થયું કે નેટવર્ક મળતું નહતું એટલે મોબાઈલ કરવા એ ભેંસ પર ચઢીને ઊભેલો ! એ દિવસે મારા મનમાં આ શ્લોક આવી ગયો કે ‘ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत्’ જે કંઈ છે એ બધું ઈશ્વરમય છે ! કુરિયન સાહેબને પણ ખબર નહીં હોય કે ભેંસોનો આવો ઉપયોગ થાય છે ! એટલે આ જડચેતનને એક ગણીને આપણે આપણા ક્રિયા-કલાપો ગોઠવીએ ત્યારે જગતની સમસ્યાઓનું આપણને સમાધાન મળે છે.

મારે આ મોબાઈલ અને ઈન્ટરનેટયુગ સાથે ઈશાવાસ્યને જોડવું છે. મને બહુ નમ્રતાથી કહેવા દો કે ઈશાવાસ્ય ઉપનિષદ એ એકવીસમી સદીનું ઉપનિષદ છે. મને ખબર નથી કે આપણા પ્રપિતામહો ‘तदेजति तन्नैजति तद्दूरे’ કેવી રીતે સમજાવતા હશે, પરંતુ આજે ઈન્ટરનેટને જોઈએ તો સરળતાથી તે સમજાય છે. અત્યારે તો દીકરી અમેરિકામાં હોય તો આપણે ‘વિડિયો કોન્ફરન્સ’થી વાત કરી શકીએ છીએ. એની માતા એને કઢીમાં ક્યારે કેવી રીતે વઘાર કરવો તે ઈન્ટરનેટથી મદદથી શીખવી શકે છે. દશ હજાર માઈલનું અંતર એક ચપટી વગાડતામાં આટલું ઝડપથી ખતમ થઈ જાય છે ! अनेजदेकं मनसो जवीयो’ આ ઉપનિષદનો સાક્ષાત્કાર એકવીસમી સદીમાં શક્ય છે અને એટલે એનું અર્થઘટન આ રીતે કરવું છે.

આ ઉપનિષદમાં માત્ર 18 જ મંત્રો છે, એટલે મેં એને ‘બ્લેકબોક્ષ’ કહ્યું. આ મનુષ્યની બુદ્ધિનું બ્લેકબોક્ષ છે. એને આપણે ઉકેલવાનું છે જેથી આપણને બધા સમાધાનો મળી જાય. આ ઉપનિષદમાં કર્મનો અર્થ પણ જુદો છે. આ ઉપનિષદ એમ નથી કહેતું કે જગતમાંથી ભાગી જવું ! બીજામંત્રમાં કહેવાયું છે કે ‘जिजीविषेच्छतँ समाः’ સો વર્ષ જીવવાનું છે, ભાગવાનું નથી. જેમ આજે આપણે ઉપનિષદનું અનુરણન કરી છીએ એમ આ મંત્ર એ ગીતાનું પૂર્વરણન છે. જાણે કે ઋષિઓના મનમાં ગીતાની તૈયારી થઈ રહી છે. અરવિંદના અતિમનસનું જાણે Coding-Decoding થઈ રહ્યું છે. એ આ ઉપનિષદમાં બહુ સ્પષ્ટ રીતે સંભળાય છે. ‘न कर्म लिप्यते नरे’ આપણને આ કર્મ વળગે નહિ. એ વાત જુદી છે કે નિષ્ઠાનો અભાવ હોય ત્યાં પણ કર્મ વળગતું નથી ! પરંતુ નિષ્ઠાસહિત કે આ મારું પણ છે અને આ મારું નથી – એવી ભાવના સાથે જ્યારે કામ કરી છીએ ત્યારે ‘न कर्म लिप्यते नरे’માં એની સરસ રીતે વાત થાય છે. આપણે નાટકમાં જીવન લાવી શકીએ છીએ પરંતુ જીવનમાં નાટક નથી લાવી શકતા, એ આપણી કરુણતા છે. એક પાત્રનો અભિનય કરવા માટે ક્યાંક જતા હોઈએ એટલી નિસ્પૃહતાથી કર્મ કરીએ એવું આ ઉપનિષદનો બીજો મંત્ર કાનમાં કહી દે છે.

પશ્ચિમના ચિંતકો તો એવું કહે છે કે આ એક એવું ઉપનિષદ છે કે જેમાં આગળના મંત્રોમાં ગયા પછી ફરી પહેલા મંત્ર પર પરત આવવું પડે અને પછી ફરીથી આગળ જવું પડે. ત્યાર પછીના મંત્રમાં આત્માની ઓળખ આપવામાં આવી છે, એ પણ ખૂબ કાવ્યાત્મક રીતે. આ બધી અધ્યાત્મવિદ્યાની કવિતાઓ છે. આત્માનું ખૂબ સરસ વર્ણન એમાં છે. ‘હું બધામાં મારો જ આત્મા જોઈ શકું’ એમ કહીને ઉપનિષદ કહે છે : ‘अनेजदेकं मनसो जवीयो’. આ મંત્ર અત્યારની ઈન્ફર્મેશન ટેકનોલોજી સાથે સાંકળી શકાય એવો છે. જો કે સાઈઠના દાયકામાં આ ‘આઈ.ટી’ શબ્દ આપણા માટે ‘ઈન્કમટેક્સ’ હતો. પછી સિત્તેરના દાયકામાં એ ‘ઈન્ફર્મેશન ટેકનોલોજી’ થયો. હવે આ સદીના પહેલા દસકામાં એ ‘ઈન્ટરનેશનલ ટેરેરિઝમ’ થયો. હવે આ ‘આઈ.ટી.’ તે ‘ઈન્ટલેકચ્યુઅલ ટેરેરિઝમ’ થયું. એનો અર્થ છે ‘હું જે બતાવું એ જ તમે જુઓ.’ ઈન્ફર્મેશન એક્સપ્લોઝન એટલું બધું થયું કે આપણને શું જોવું, શું વાંચવું એ ખબર ન પડે. એટલા માટે આ આત્માની ચિંતા કરતાં આપણામાં જે જન્મે છે તે વિવેક જન્મે છે. વેદાંતમાં ‘દગ-દશ્ય વિવેક’ એવો શબ્દ આવે છે. આ ‘દગ-દશ્ય વિવેક’ને જે સાધી શકે તે આ આત્મતત્વને પામી શકે. એ કેવો વિરોધાભાસ છે કે જે દેશમાં ‘તત્વમસિ’ કહેવાયું હોય ત્યાં ‘અસ્પૃશ્યતા’ નામનો શબ્દ પણ જન્મી શકે ! જે આત્મજ્ઞાની છે એને આ જગતમાં કોઈ પારકું નથી.

મને લાગે છે કે ઉપનિષદના વિદ્યાર્થી બધા સમાન હોય. મેં એ રીતે ભણાવતા અનેક શિક્ષકો જોયા છે, એમનું આજે વારંવાર સ્મરણ કરવાની ઈચ્છા થાય છે. શાકુંતલનો શ્લોક પ્રાધ્યાપક જ્યાં રડતાં રડતાં શીખવતા હોય તે શ્લોક અમે કેવી રીતે ભૂલી શકીએ ? ‘કન્યાવિદાય’ શીખવતા હોય ત્યારે એમ લાગે કે આ મનુષ્યની પ્રજ્ઞાની કેવી ઊંચાઈ છે ! ભારતે ‘આત્મતત્વ’ એવો શબ્દ જગતને આપ્યો છે કે જેનાથી જગતની બધી જ સમસ્યાઓનો ઉકેલ અહીં મળે છે.

આ ઉપનિષદ પદાર્થવિજ્ઞાનની પણ વાત કરે છે. મેક્સમુલરે ઉપનિષદો વિશે જ્યારે લખ્યું ત્યારે એમ કહ્યું કે ‘કાલે કદાચ આપણી પાસે અદ્યતન દૂરબીનો હશે અને અમુક ગ્રહોને આપણે નજરે જોતાં થઈશું પરંતુ આત્મજ્ઞાનની વેધશાળાઓ તો એમ ને એમ અકબંધ છે. કારણ કે એમાં તો બધું સ્પષ્ટ દેખાઈ ચૂક્યું છે.’ આ આત્મતત્વ એક તરફ મનુષ્યની અંદર લઈ જાય છે અને બહાર પણ લઈ જાય છે. એક મોબાઈલમાં જેવી ઉત્ક્રાંતિ થઈ રહી છે એવી શાસ્ત્રોની ઉત્ક્રાંતિ આ ઉપનિષદમાં છે, કદાચ બધા ઉપનિષદોમાં છે પરંતુ આ ઉપનિષદમાં વિશેષ છે. આપણે ત્યાં પહેલા મોબાઈલ એક ઉપકરણ તરીકે આવ્યો, ત્યાર પછી એમાં વિકાસ થતો ગયો. આજે ‘I-phone 4’ આવી ગયો, ‘I-pad’ આવી ગયું. એમાં પુસ્તકોના પુસ્તકો, કેમેરો, જરૂરી ફાઈલો, જરૂરી નંબરો સહિત અનેકને સમાવી શકાય. હજારો-લાખો પુસ્તકો તમે એક જ ‘I-pad’ માં રાખી શકો અને વાંચી શકો. બરાબર આ રીતે બધું જ આ ઉપનિષદમાં આવી જાય છે. જગતનું વર્ણન, આત્મતત્વનું વર્ણન વગેરે બધું સમાવિષ્ટ થઈ જાય છે. આજનું વિજ્ઞાન કહે છે કે આ બધું જ ફક્ત ‘Waves’ અને ‘Energy’ છે. મને એ દિવસ બહુ દૂર નથી લાગતો જ્યારે વિજ્ઞાન એમ કહેશે કે આ ‘Waves’ પણ નથી, માત્ર ‘Energy’ છે. આપણા શરીરમાં પણ ‘Electromagnetic Waves’ અને ‘Energy’ છે એમ કહેવાયું છે. એટલે કે જડ અને ચેતન, આ શરીર અને જગત બંને એકદમ પાડોશ-પાડોશમાં આવી ગયા છે. આ બધું જ આપણા ઋષિઓ અગાઉથી જોઈ ગયા હતા. તેથી જ તેઓ કહે છે કે ‘તમે જ્યાં જશો ત્યાં, એ આત્મતત્વ વિદ્યમાન હતું જ.’

આત્મતત્વની વાત કર્યા પછી આ ઉપનિષદ વિદ્યા-અવિદ્યા સંભૂતિ-અસંભૂતિના વિરોધાભાસોની વાત કરે છે. ઋષિ એમ કહે છે કે ‘જે અવિદ્યાની ઉપાસના કરે એ ઘોર અંધકારમાં જાય છે. માત્ર વિદ્યાની ઉપાસના કરે એ તો એનાથી પણ ઘોર અંધકારમાં જાય છે !’ – આવી ક્રાંતિકારી વાત આ ઉપનિષદમાં કહેવાઈ છે. ઉમાશંકર જોશી તો આ 9થી 14 સુધીના વિરોધાભાસના મંત્રોની વાત કરતાં નાચી ઊઠે છે. તેઓ કહે છે કે આને જો બરાબર સમજવા હોય તો આગળના મંત્રમાં જે ઈશ્વરનું વર્ણન કર્યું છે તે બરાબર સમજવું જોઈએ. ‘कविर्मनीषी परिभूः स्वयम्भूर्याथातथ्यतोऽर्थान्’ ઉપનિષદ કહે છે કે આ ઈશ્વર કવિ છે. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ‘કવિઓથી સાવધાન રહેવું કારણ કે કવિઓ એ ઈશ્વરના જાસુસો છે…..!!’ આગળના મંત્રોમાં ઋષિ કહે છે કે ‘ઈશ્વર એ જગતનું નિયામક તત્વ છે. એ બધે જ છે.’ એટલે તો સરસ્વતીની પ્રાર્થના કરવાની હતી તો મેં એક શ્લોક બનાવ્યો અને કહ્યું કે :

कोम्युटरविज्ञानविश्वविषये या प्रोम्टप्राणधारिणी।
इन्टरनेटनिवासिनी भगवती या वेब विश्वेश्वरी ।
विडीयोवाक्प्रदायिनी स्वरप्रदा विन्डोस्थिता शांभवी ।
सा माम् पातु ‘चिपेश्वरी’ भगवती आधुनिकी पार्वती ॥

આ આધુનિક સરસ્વતી સર્વત્ર છે. એટલે જ આપણે ત્યાં ‘ભૂમા’ શબ્દ આવ્યો છે. એનો અર્થ છે ચારે બાજુ. એના સિવાય બીજું કશું છે જ નહિ. જ્યાં જુઓ ત્યાં ઈશ્વર છે. રાધાને કેવી મજા આવતી હશે કે હું જ્યાં જોઉં ત્યાં મને કૃષ્ણ દેખાય છે. અત્યારે ટેકનોલોજીની મદદથી આપણે અઢાર હજાર કૃષ્ણો ઊભા કરી શકીએ પરંતુ પેલી આંખમાં ક્યા પ્રકારની ‘ચીપ’ નાંખી હશે કે એ જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ જ દેખાય ! આ ‘ચીપ’ આપણી આંખમાં અને મગજમાં રોપવાનું વિજ્ઞાન એટલે ‘ઈશાવાસ્ય ઉપનિષદ’. એટલે જ આ ઉપનિષદ એ વિજ્ઞાન અને ધર્મનું પ્રયાગ છે. સ્ટીફન્સ હોકિન્સે હમણાં કહ્યું એની પરથી એમ લાગે કે એ તો આપણી જ વાત કરે છે ! ઉપનિષદ પહેલેથી જ કહે છે કે જ્યાં જાઓ ત્યાં એ પરમ તત્વ પહેલેથી જ વ્યાપ્ત છે. અહીં ઉપનિષદ ‘અવિદ્યા’ એવો શબ્દ વાપરે છે. એ અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નથી, પરંતુ એનો અર્થ છે લૌકિક વિદ્યા. ફક્ત લૌકિક વિદ્યામાં જો તમે રચ્યા પચ્યા રહો તો તમે અંધકારમાં છો. માત્ર જો અધ્યાત્મવિદ્યામાં જ રહો તો તો ગહન અંધકારમાં છો. આ બહુ ક્રાંતિકારી વચન છે. ‘अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते’ એટલે કે અવિદ્યાથી મૃત્યુને તરી જાય છે પરંતુ જો વિદ્યા હોય તો એ અમૃત પામે છે. એટલે કે લૌકિક ક્રિયામાં પ્રવૃત્ત થયાની સાથે જાગૃતિ બહુ જરૂરી છે. ‘હું આ જે કરું છું તે આ કરું છું, સાક્ષી ભાવથી કરું છું’ – એવી ભાવના કેળવવાની વાત ઉપનિષદમાં મંત્રે-મંત્રે આવે છે. એ બે પંખીઓનું દષ્ટાંત આપીને પણ એ જ વાત કહે છે. માનવતાને જો કોઈ એક શબ્દની ભેટ આપણે આપી હોય તો એ ‘સાક્ષીભાવ’ની આપી છે. એ રીતે સાક્ષીભાવથી વિદ્યા-અવિદ્યાની સમજણ આપણને ઋષિ આપે છે.

ત્યાર પછી સંભૂતિ અને અસંભૂતિની વાત આવે છે. એ સરળ પણ છે અને કઠિન પણ છે. જે પ્રગટ દેખાય છે તે અને જે અપ્રગટ છે – એ બંનેને સમજવાનું છે. જે માત્ર સંભૂતિમાં જ રાચે છે એ લોકો ગહન અંધકારમાં છે. માત્ર અસંભૂતિની જ વિચારણા કરીને બેસી રહે છે એ લોકો તો એનાથી પણ ગહન અંધકારમાં છે. આપણી આખી જ્ઞાનની ઉપાસના અપ્રગટની ખોજ કરવાની એક કસરત છે. ઈન્ટરનેટના આવ્યા પછી તો આપણા માટે આ એકદમ સરળ થઈ ગયું છે કે અહીં બેઠા-બેઠા અપ્રગટને કઈ રીતે પ્રગટ કરી શકાય. પરંતુ તે છતાં જેને પામવાનું છે તે તો તેનાથી પણ દૂર છે. કવિઓને એ જ ચિંતા છે કે જે વર્ણવી ન શકાય એનું વર્ણન કેમ કરવું ? એટલે જ આ શબ્દાતીત, કાલાતીત તત્વની નજીક જઈને જે બોલે છે તે કવિતા છે. એથી અહીં કહેવાયું છે કે જે આ સંભૂતિ અને અસંભૂતિ – એમ બંનેને જાણે છે તે અમૃતને પામે છે. આ રીતે પૃથ્વીનું વિજ્ઞાન, સૃષ્ટિનું વર્ણન, આત્મતત્વનો બીજો પડાવ… વિદ્યા-અવિદ્યા, સંભૂતિ-અસંભૂતિ એવો ત્રીજો પડાવ બને છે. હવે ચોથા પડાવમાં કવિ એકદમ પ્રાર્થનામય બની જાય છે.

हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् |
तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ||

ઋષિ કહે છે કે ‘મારું સત્ય ઢંકાયેલું છે, મારે સત્યને જોવું છે’. આપણને એવો પ્રશ્ન થાય કે સત્યને અહીં ચળકતા ઝગમગાટ પાત્રથી ઢંકાયેલું બતાવ્યું છે. અનેક લોકોએ આ શ્લોક માટે ખૂબ ચર્ચા કરી છે. આપણે તો સત્યના ઉપાસકો છીએ. ‘સત્યના પ્રયોગો’, ‘સત્યાગ્રહ’ એવા શબ્દો આપણે ત્યાં આવ્યા છે. તો એમ થાય કે આમ કેમ કહ્યું હશે કે સત્યનું મુખ ઢંકાયેલું છે ? જો કે આડકતરી રીતે આ મીડિયાને લાગુ પડતી વાત છે ! એ સત્યનું મુખ ઢાંકી દે છે, એટલે જ મેં અગાઉ શબ્દ વાપર્યો કે ‘ઈન્ટલેક્ચ્યુઅલ ટેરેરિઝમ’ (હું જે બતાવું એ જ તમે જુઓ.) એ બહુ ઉતાવળમાં છે એટલે હું જે બતાવું એ જ સત્ય છે એમ કહે છે. એને ઉપનિષદના ઋષિની માફક બધી બાજુથી તપાસવું નથી. ઋષિ કહે છે કે ‘હે સૂર્ય ! તમે મારી મદદમાં આવો અને આ ઢાંકણ ખોલો.’ ‘મંગલ મંદિર ખોલો…’ જેવી આ પ્રાર્થના છે. આ પ્રાર્થનાથી આપણે પ્રારંભ કરીને સત્યના પ્રદેશમાં પ્રવેશ કરીએ છીએ. મેનેજમેન્ટના વિદ્યાર્થી તરીકે મને એમ લાગે કે આ તો મેનેજમેન્ટનું વિજ્ઞાન છે ! ક્યારેક મને એમ લાગે કે આ પ્રાર્થના નથી, આ તો કોઈ મલ્ટિનેશનલ કંપનીના કોઈ મોટા એક્ઝિક્યુટિવના બ્લડપ્રેશરને માપમાં રાખવાનું એક યંત્ર છે. આ મંત્ર સાથે અગાઉનો ‘तेन त्यकेन भुंजीथा’ મંત્ર પણ સાથે જોવો રહ્યો. આપણને પ્રશ્ન થાય કે આ બાબત ત્રણ વાર કેમ કહી કે ત્યાગની ભોગવી જાણો ? જેમ કે ‘तेन त्यकेन भुंजीथा’ પછી ‘मा गृधः’ અને એ પછી ‘कस्य स्विद धनम ?’ આ ત્રણ બાબતમાં સૌથી પહેલી ‘तेन त्यकेन भुंजीथा’ એ સાત્વિક પુરુષો માટેની વાત છે. ‘मा गृधः’ એટલે કે તું ગીધની માફક ન ત્રાટક, એ તામસી લોકોને કહેવામાં આવેલી વાત છે. ઋષિને કંઈ વધારાનો સમય છે એટલે ત્રણ વખત નથી કહ્યું ! ‘कस्य स्विद धनम ?’ આ ધન કોનું થયું છે ? આ રાજસિક લોકો માટે છે. આ ત્રણ ગુણવાળા જે લોકો છે એમને ઉદ્દેશીને આ ઋષિ વાત કરે છે. અહીં ઋષિ સૂર્યને એટલે કે યમને સ્મરે છે કે જેવો નિયમનકર્તા છે. તેઓ પોતાની નિયમન વ્યવસ્થાથી અર્થતંત્રને વેગવંતુ બનાવે છે એમ આજની ભાષામાં કહી શકાય. ઋષિ એટલે તેમનું સ્મરણ કરે છે.

હવે છેલ્લે 17મા મંત્રમાં ‘क्रतो स्मर कृतँ स्मर क्रतो स्मर कृतँ स्मर’ આવે છે. ઋષિ કહે છે કે આ શરીરમાં જે છે તે પ્રાણતત્વના રૂપમાં વાયુ જ છે, બાકી તો આ શરીર ભસ્મ થવાનું છે. તું તારા કરેલા કર્મોને યાદ કર. મોટા ભાગના લોકો એમ કહે છે કે ‘મૃત્યુ સમયે માણસની સદગતિ થાય એ માટે આ મંત્ર બોલવો જોઈએ.’ પરંતુ રજનીશ અને અન્ય વિદ્વાનો એમ પણ કહે છે કે ‘માણસે સમાધિમાં જતાં પહેલાં આ મંત્ર પોતાને કહેવો જોઈએ.’ એનું સ્મરણ કરીને વિસ્મરણમાં ચાલ્યા જવું જોઈએ. છેલ્લા મંત્રમાં ઋષિ કહે છે ‘वयुनानि विद्वान्’ ‘હે સૂર્યદેવ, તમે તો કેટલા વિદ્વાન છો, અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે અમને માર્ગદર્શન કરો. અમને સારા પંથે લઈ જાઓ. તમે આ બધાના જાણકાર છો. તેથી અમે તમને વંદન કરીએ છીએ.’ આધુનિક અને પ્રાચીન, આ બંનેનું સમ્યક સંમિલન કરીને આ ઉપનિષદ આપણને એક નવા રસ્તે લઈ જાય છે. ઈશાવાસ્ય ઉપનિષદ આપણી જાતને, આપણામાં રહેલા કૃષ્ણને, ઈશ તત્વને, મીરાંની જેમ મળવાનો આદેશ આપે છે. ઈતિ ૐ… જય જય ગરવી ગુજરાત…

કેનોપનિષદ – મૃદુલા મારફતિયા

અહીં આ સત્રમાં ઉપસ્થિત થવાના નિમંત્રણને હું મારું મોટું સદભાગ્ય સમજું છું. કેનોપનિષદની શરૂઆતમાં આવતા શાંતિપાઠના મંત્રથી જ શુભારંભ કરવા આપ સૌની અનુમતિ યાચું છું.

ॐ सहनाववतु ||सहनौभुनक्तु ||
सह वीर्यं करवावहै ||
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ||
‘અમારા બંનેનું (ગુરુ-શિષ્ય) રક્ષણ કરો. અમારા બંનેનું સાથે પોષણ કરો. અમે બંને સાથે મળીને એની ઉપાસના કરીએ. અમારું અધ્યયન તેજસ્વી બનો. અમે બંને અન્ય કોઈનો કે આપસમાં એકબીજાનો દ્વેષ ન કરીએ. શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો….’

આત્મખોજની શોધમાં નીકળેલ શિષ્ય અને બીજી બાજુ જ્ઞાનારૂઢ ગુરુ, એ બંનેએ સાથે મળીને કરેલ આ જ્ઞાનપ્રાપ્તિ તેમજ સુરક્ષિતાકાજેની આ પ્રાર્થના બહુ સૂચક છે. અહીં સાથે રહેવાની ભાવના દ્રઢ થયેલી છે. ગુરુ તો જ્ઞાની છે, એમને એકત્વની અનુભૂતિ થયેલી છે, જ્યારે શિષ્ય તો એક સાધક કે વિદ્યાર્થી છે. છતાં બંનેએ સાથે મળીને પ્રાર્થના કરી છે. તેની પાછળ એક અભૂતપૂર્વ એવી યુગભાવના, અરસપરસની સુખકાજેની વાંછના અભિવ્યક્ત થાય છે. જો ગુરુ શિષ્ય વચ્ચે આવી સહકારની ભાવના ન રચાય તો શાસ્ત્રોનું અધ્યયન કરવાનું અશક્યવત બની જાય છે. બંનેમાં જો તેજોદ્વેષ થાય તો વિતંડાવાદ ફેલાય છે. પરિણામે ઘણો સમય બરબાદ થઈ જાય. આ શાંતિમંત્રમાં બંનેના સંયુક્ત સંરક્ષણની ભાવના સર્વોપરી છે. સુરક્ષા, પોષણ, પરાક્રમ, પ્રકાશમય તેજોપલબ્ધિ, પારસ્પરિક તેજોદ્વેષનો સદંતર અભાવ – આ બધાની યાચના ગુરુ અને શિષ્ય બંનેએ કરી છે. બંનેની કાજે કરી છે – એ વિશિષ્ટ મુદ્દો આ મંત્રને અવનવી ગરિમા પ્રદાન કરે છે. અધ્યાપન કરાવવાની સાથે પોતે પણ અધ્યયન કરી રહ્યો છે એમ દર્શાવતી ગુરુના હૃદયની વિશાળતા આ મંત્રમાં અદ્દભુત રીતે કહેવાઈ છે. અહીં ‘શાંતિ’ શબ્દ ત્રણવાર બોલાય છે તેની પાછળ પણ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખોના શમનનો હેતુ રહેલો છે.

આ શાંતિમંત્રનો બીજો શ્લોક છે ‘ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः….’ આ મંત્ર દ્વારા સાધક પ્રાર્થે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટેના સર્વે ઔપનિષદ ગુણો મારામાં આવે. એથી હું સદાચારી બનું. સર્વવ્યાપી ઈશ તત્વનો હું સ્વીકાર કરું. મારી બધી ઈન્દ્રિયો બલિષ્ટ બને જેથી કાર્યસિદ્ધિમાં સહાયભુત થાય. શાંતિપાઠનું આટલું વિવેચન કરવાનો હેતુ એ છે કે અત્યારે થતી પ્રાર્થનાઓ અને આ ઉપનિષદની પ્રાર્થનાના તફાવતને આપણે સમજવાનો છે. આજે આપણે જે પ્રાર્થનાઓ જોઈએ છીએ તેમાં ધન, દોલત, કીર્તિ, યશ, સુખસાહિબીના સાધનો ઈત્યાદિની માગણી સિવાય અન્ય કોઈ ઉદ્દાત્ત ભાવના નજરે ચઢતી નથી. અહીં તો ગુરુ-શિષ્ય પરમની પ્રાપ્તિ માટે જે ઝંખના સેવે છે એનું પ્રતિબિંબ ઝીલાયું છે. એકાદશ ઉપનિષદોમાં કેનોપનિષદને જે સ્થાન મળ્યું છે તે તેની ઉત્કૃષ્ટ એવી અધ્યાત્મિક પ્રશ્નોત્તરીને કારણે મળ્યું છે. અહીં ફક્ત પચાસ મિનિટમાં આ ઉપનિષદને વિસ્તારથી સમજાવવું અશક્ય છે પરંતુ જે પ્રશ્નો મનુષ્યને પહેલેથી ખૂબ સતાવતા રહ્યા છે એવા પ્રાણપ્રશ્નોની માંડણી જેમાં થઈ છે એવા કેટલાક મંત્રો વિશે આપણે યથાશક્તિ-મતિ વિચાર કરીશું.

વિચારશીલ મનુષ્યનું મન સદા મૂંઝવણ અનુભવતું રહ્યું છે કે આ જડ એવા શરીરને કોણ ચેતનવંતુ રાખે છે ? આ મન, ઈન્દ્રિયો, બુદ્ધિને ચૈતન્યબક્ષીને કોણ ક્રિયાન્વિત કરતું હશે ? કેનોપનિષદના પહેલા જ મંત્રથી જ ઋષિએ આ બાબતને વાચા આપી છે :

ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः |
केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति

‘કોની પ્રેરણાથી આ મન દોડાદોડ કરે છે ? કોના હુકમથી આ પ્રથમ પ્રાણ ચાલે છે ? આ વાણી કોની ઈચ્છાથી બોલાય છે ? આ કયો દેવ જેમ કે આંખ, કાન વગેરે, તેમને તેમના વિષયોમાં જોડે છે ?’ ઈન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરી કરીને મનુષ્યને તેની મર્યાદાઓ સમજાય છે. તે જાણતો થાય છે કે આ સંસારના ભોગો માટે જે ગીધવૃત્તિ રાખી એ બધું અનંત ચકરાવા જેવું છે. પોતાના જ પડછાયાને પકડવા જેવી આ ગાંડી દોડ છે. તેને પ્રશ્ન થાય છે કે આ જડ ઈન્દ્રિયોને કાર્ય કરવા માટે ઊર્જા બક્ષનાર એવું કયું ચૈતન્ય તત્વ હશે ? આ જિજ્ઞાસા તેને શાસ્ત્રો ભણી વાળે છે. પ્રથમ મંત્રમાં કરેલા ઉત્તરના રૂપમાં ઋષિ બીજા મંત્રમાં કહે છે કે :

श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राणः |
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ||

‘એ કાનનો ય કાન છે, મનનું ય મન છે, જરૂર એ વાણીનીયે વાણી છે, પ્રાણનો પણ પ્રાણ છે, આંખનીયે આંખ છે. આ લોકમાંથી જઈને ધીર પુરુષો પોતાની જાતને મુક્ત કરીને અમર બની જાય છે.’ કેનોપનિષદ જેને પ્રાણનોય પ્રાણ કહે છે એવા બ્રહ્મતત્વને વર્ણવવા માટે શબ્દો સર્વદા અસમર્થ બની જાય છે, એવું સૂચન આ મંત્ર કરે છે. જે મન અને બુદ્ધિથી પર હોય એને મનની મર્યાદામાં બાંધવું કે બુદ્ધિના તર્કથી સમજાવવું અશક્યવત છે. ઋષિ કહે છે કે જેણે પોતાના શરીરના વધુ પડતા લાલન-પાલન પાછળ આખી જિંદગી વેડફી નાખી, તે મનુષ્ય જાગૃત થઈને બધા બંધનોથી મુક્ત થાય છે ત્યારે તેને અમરપણું પ્રાપ્ત થાય છે. આવો ધીર મનુષ્ય અનુભૂતિના અગમ્ય પ્રદેશમાં પ્રવેશ કરે છે. જે જે વસ્તુ આંખ જોઈ શકે છે તે બહાર રહેલી છે. આંખ દ્વારા બહારની દુનિયા દેખાય પરંતુ આત્મા તો ભીતર રહેલો છે. તો એને આંખ કેવી રીતે જોઈ શકે ? વળી આંખ પોતે કશુંયે જોવાની ક્ષમતા ધરાવતી નથી. આંખને ચૈતન્ય બક્ષનાર આત્મતત્વ જ છે. તેને કારણે તે જોવાની ક્ષમતા મેળવે છે. સ્વામી ચિન્મયાનંદજી કહેતા કે ‘ટેલિસ્કોપથી આપણે દૂર-સુદૂર જોઈ શકીએ છીએ પરંતુ ટેલિસ્કોપ પોતે કશુંયે જોવાની ક્ષમતા ધરાવતું નથી. એ તો ટેલિસ્કોપમાંથી જોનારો તો મનુષ્ય જ છે. તેથી એ દષ્ટા છે.’ વળી, એ મનુષ્યની આંખને પણ વિઝન આપનાર તો આત્માની ચિદ શક્તિ જ છે. અહીં એક બીજી વસ્તુ પણ સમજી લેવાની જરૂર છે કે આપણે ફક્ત આંખો બંધ કરીને બેસીએ એટલે બહારની દુનિયાના દેખાતા પદાર્થો બંધ જ થઈ જાય છે, એમ કહેવું ખોટું છે. માણસે આખી જિંદગી અસંખ્ય ચિત્ર-વિચિત્ર પ્રદાર્થો જોયા હોય અને અનુભવ્યા હોય એટલે એ બાબતના ચિત્રો એના માનસપટલ પર આંખ બંધ કરે તોય સળવળ્યા કરે છે. પોતાના ભવની ભૂતાવળનું આ ચિત્ર મનની ભીતર સદૈવ ચાલ્યા જ કરતું હોય છે. જ્યારે આવા ચિત્રો સદંતર ભૂંસાઈ જાય છે ત્યારે નિર્મળ જ્ઞાનચક્ષુ દ્વારા પરમાત્માનું દર્શન થઈ શકે છે. વસ્તુતઃ પરમાત્મદર્શન માટે આંખની આવશ્યકતા નથી, કારણ કે આત્મા તો સ્વયં પ્રકાશિત છે. ચક્ષુ તો અંતરરાત્માની બારી જેવું છે, એમાંથી જોવાવાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા સ્વયં છે. બાહ્ય પદાર્થોને જોવા માટે ચક્ષુની જરૂર છે પરંતુ અંદર વસતા ચિદાત્માને જોવા માટે ચક્ષુરૂપી બારીની જરૂર નથી. એટલે જ ઋષિ કહે છે કે ‘न तत्र चक्षुर्गच्छति’ આમ, ચક્ષુની જેમ અન્ય ઈન્દ્રિયોની બાબતનું પણ સમજી લેવું.

આપણી ઈન્દ્રિયોને બર્હિમુખી કહી છે. એટલે જ સ્વાભાવિક રીતે તે પોતપોતાના પદાર્થો ભણી બહારની દુનિયામાં દોડી જાય છે. અંતરાત્મા ભણી ઝાંખીને જોતી પણ નથી. તૈતરિય ઉપનિષદમાં પણ આ વાત કહેલી છે. અહીં એક વસ્તુ એ પણ સમજવાની છે કે બ્રહ્મવિદ્યાના મંદિરમાં પ્રવેશ મેળવતા પહેલા ઈન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે પગરખાં બહાર ઊતારવાં જ પડે. આથી જ ઋષિ કબૂલ કરે છે કે આવા અગમ્ય પરમાત્મા વિશે કેવી રીતે ઉપદેશ આપવો ? તે અમને સમજાતું નથી. એ તત્વને સ્પષ્ટ રૂપે કહેવાનું કેટલું અશક્ય છે એમ કહીને ઋષિ અંતે પોતાની કાવ્યાત્મક વાણી વહેતી મૂકે છે :

यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते |
यन्मनसा न मनुते येनाहुर्मनो मतम् |
यच्चक्षुषा न पश्यति येन चक्षूँषि पश्यति |
यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदं श्रुतम् |
यत्प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते |
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ||

‘જે વાણીથી બોલાતું નથી પરંતુ વાણી જેનાથી બોલવાની શક્તિ પ્રાપ્ત કરે છે, જેનું ચિંતન મન દ્વારા થતું નથી, પણ મન જેને કારણે ચિંતન-મનન કરી શકે છે, ચક્ષુ વડે જેને જોવાતું નથી પરંતુ જેના વડે ચક્ષુ જોઈ શકે છે, સાંભળવા માટે કાનની જેને જરૂરત નથી પરંતુ કાન જેને કારણે સાંભળી શકે છે, જેનું અસ્તિત્વ પ્રાણને આભારી નથી, પરંતુ પ્રાણ જેને કારણે ગતિશીલ રહે છે તેને તું બ્રહ્મ સમજ. બાકી વાણી, આંખ, મન ઈત્યાદિ દ્વારા જે પ્રાકૃત વિષયોની ઉપાસના થતી જોઈએ છીએ તે બ્રહ્મ નથી.’ અહીં આપણને પ્રશ્ન થાય કે શું બ્રહ્મ સદા અજ્ઞેય જ છે ? આ બધી તપ અને ઉપાસના બધી નિરર્થક છે કે શું ? એના જવાબમાં ઋષિ કહે છે કે ‘એ તત્વને સર્વદા અજ્ઞેય માની લેવાની ભૂલ ન કરવી અને આપણી પાસે જે જ્ઞાન હોય એને પણ સંપૂર્ણ માની લેવાની ભૂલ ન કરવી.’ નિજતત્વને આપણે જાણીએ તો સાચા માર્ગે પદાર્પણ કરી શકીએ. આમ, ‘કેન ?’ એટલે કે ‘કોના થકી ?’ એ પ્રશ્નનો ઉત્તર ઋષિએ આપી દીધો કે આ બધું જ પરમાત્મા થકી છે.

ઉપરોક્ત બાબતનું સમર્થન કરવા માટે ઋષિએ સુંદર આખ્યાયિકા રજૂ કરી છે. આમ તો આ કથા બહુ સરળ અને સ્પષ્ટ છે પરંતુ એમાં ગર્વને કારણે કેવું પતન થઈ શકે એનું સૂચન બહુ સુક્ષ્મતયા થયું છે. મનુષ્યની કોઈ પણ સિદ્ધિ માટે તેનો આત્મા જ જવાબદાર હોય છે પરંતુ એનો અહમ આનું શ્રેય વટાવી ખાતો હોય છે. માત્ર મનુષ્ય જ નહીં, દેવોને પણ ઘમંડ હોય છે. પોતાના અહમને કારણે તેઓ પરમતત્વને ઓળખી નથી શકતા, એ વાતને આ નાનકડી કથામાં ઋષિએ વર્ણવી લીધી છે. દેવો પણ પોતે સર્વશક્તિમાન નથી, એ તો પરમાત્માની પ્રાપ્તિમાં વચેટિયા જેવા છે. તેઓ પરમાત્માની શક્તિને કારણે જ પોતપોતાનું કાર્ય કરવાની ક્ષમતા મેળવે છે. વાર્તા એવી છે કે દેવાસુર સંગ્રામમાં દેવો જીતીને ગર્વિષ્ઠ થઈ ગયા. ત્યારે તેમનો ભ્રમ ભાંગવા માટે પરમાત્મા યક્ષનું રૂપ ધારણ કરીને તેમની સમક્ષ જાય છે. આ રહસ્યમય યક્ષ કોણ છે તે તેઓ જાણી શક્યા નહીં. બધા દેવો ભેગા થઈને ‘જાતવેદ’ એટલે કે અગ્નિને મોકલે છે. ‘જાતવેદ’નો અર્થ થાય છે કે જન્મતાની સાથે જ બધું જાણનારો. અગ્નિદેવ જાય છે. યક્ષ એને પૂછે છે કે ‘તું શું કરવાને શક્તિમાન છે ?’ અગ્નિ કહે છે કે ‘આ પૃથ્વી પર જે કંઈ છે એ બધું હું ભસ્મીભૂત કરી શકું છું.’ યક્ષ એની સામે નાનું તણખલું મૂકે છે અને કહે છે કે ‘આને બાળી નાખ.’ અગ્નિદેવ એને બાળી શકતા નથી. આ રીતે દેવોએ વાયુદેવને પણ મોકલ્યા પરંતુ એ પણ તણખલાંને ત્યાંથી ખસેડવામાં અસમર્થ રહ્યા. છેવટે વાત ઈન્દ્ર સુધી પહોંચે છે. ઈન્દ્ર જાય છે ત્યારે ત્યાં યક્ષ નહોતો પરંતુ એક લાવણ્યમયી યુવતી ઉમા પ્રગટ થઈ હતી. તે ઈન્દ્રને સમજાવે છે કે દેવતાઓનું તમામ સામર્થ્ય એ પરબ્રહ્મનું જ સામર્થ્ય છે. એનાથી જ તેમનો વિજય થયો છે. દેવોને સાચી વાતનું ભાન થાય છે. વાર્તા તો અહીં પૂરી થાય છે પરંતુ મૂળતત્વ એ છે કે આપણા સૌના હૃદયમાં આ ઉમા વસે છે અને એ છે બ્રહ્મવિદ્યા અથવા ‘ઋતંભરા પ્રજ્ઞા’, એટલે કે સારા-નરસાનો વિવેક કરનારી બુદ્ધિ. આપણી ભીતર રહેલો જીવાત્મા ઈન્દ્ર છે અને ચક્ષુ વગેરે ઈન્દ્રિયો દેવ સ્વરૂપ છે. જીવાત્માને ઉમા એટલે કે બ્રહ્મવિદ્યા દ્વારા બ્રહ્મપ્રાપ્તિ થઈ શકે છે. ઉપનિષદમાં પ્રણવોપાસાનાને બ્રહ્મવિદ્યાનું સર્વશ્રેષ્ઠ રૂપ માનવામાં આવે છે. ઓમકારની ત્રણ માત્રાઓ છે : ‘અ, ઉ, મ’. આ માત્રાઓને જરા જુદી રીતે ગોઠવીએ ‘ઉ, મ, અ’ તો ‘ઉમા’ શબ્દ બને છે. આમ, પ્રણવવિદ્યા એ બ્રહ્મવિદ્યા જ છે એવું મનાય છે. આ નાનકડી કથા એટલું કહી જાય છે કે વ્યક્તિ અને સમષ્ટિમાં જે કંઈ શક્તિ છે એ બ્રહ્મની જ શક્તિ છે. તેથી આપણે ‘મેં કર્યું’, ‘મેં કર્યું’ એવું અભિમાન સેવીએ છીએ તે તદ્દન ખોટું છે.

બ્રહ્મજ્ઞાન થતાં સાધકને પ્રતીતિ થાય છે કે વ્યક્તિના જીવનમાં જે કંઈ થાય છે એનો કર્તા પરમાત્મા જ છે. એ પરમાત્માના જ ભયથી પવન ચાલે છે અને સૂર્ય સમયસર ઊગે છે અને આથમે છે. એના જ ભયથી અગ્નિ, ઈન્દ્ર અને મૃત્યુ – એ બધાં પોતાના કાર્યમાં નિયમનુસાર પ્રવૃત્ત રહે છે. જો આ બધાની સુચારુ વ્યવસ્થા કરનારો કોઈ પ્રેરક ન હોત તો જગતના કાર્યો કેવી રીતે સંપન્ન થાત ? તેની પ્રેરણાથી તો સૂર્ય, ચંદ્ર ગતિ કરે છે. તેની પ્રેરણાથી વરસાદ વરસે છે, તેની પ્રેરણાથી નદીઓ વહે છે. અરે, તેની પ્રેરણા વગર તો આંખની પાંપણ પણ હાલી નથી શકતી. એની પ્રેરણા વગર ઝાડનું પાંદડું પણ ફરકી નથી શકતું. એની પ્રેરણાથી જ આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. એવો સર્વ શક્તિમાન પરમાત્મા જ સર્વનો કર્તા છે. એ સત્યનું દર્શન ઉપરોક્ત કથા દ્વારા ઋષિએ કરાવ્યું છે.

હવે પ્રશ્ન થાય કે આ પરમજ્ઞાનનું સ્વરૂપ શું છે ? સામાન્ય રીતે આપણને ઈન્દ્રિયો દ્વારા બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું હોય છે, એને આપણે ‘પ્રત્યક્ષ પ્રમાણ’ કહીએ છીએ. પરંતુ પરમ જ્ઞાન ઈન્દ્રિયજન્ય નથી એથી પરમ જ્ઞાનને ‘પ્રત્યક્ષ જ્ઞાન’ની કક્ષામાં ન મૂકી શકાય. વળી જે મન, બુદ્ધિથી પર છે એવા તત્વને ‘અનુમાન’થી પણ ન જાણી શકાય. જ્ઞાનનો ત્રીજો માર્ગ છે ‘શ્રદ્ધેય પુરુષના વચનો.’ આપ્તજનોના વચનથી શ્રદ્ધા પેદા થાય છે. પરમપ્રાપ્તિનો માર્ગ દર્શાવે છે છતાં એ આત્મવચન સાક્ષાત જ્ઞાન નથી. સંતોને ઈશ્વરની અનુભૂતિ ચોક્કસ થઈ હોય, પરંતુ એ અનુભૂતિની અભિવ્યક્તિ જે શબ્દમાં થાય, એ વચનો તમારા-મારા જેવા શ્રોતા માટે પરમ જ્ઞાન નથી. શબ્દ પ્રમાણ બૌદ્ધિક જ્ઞાન પેદા કરે, અધ્યાત્મ માર્ગે સહાયક થાય, પરંતુ શાસ્ત્રના અધ્યયન માત્રથી પરમાત્માની અનુભૂતિ થઈ શકે નહીં. આમ, પરમ જ્ઞાન એ પ્રત્યક્ષ, અનુમાન, આપ્તવચન અને શબ્દપ્રમાણનો વિષય નથી, એ હકીકત સ્પષ્ટ થાય છે. તો પછી પરમજ્ઞાનનું સ્વરૂપ શું ? ઋષિ કહે છે (ગુરુ શિષ્યને કહે છે) ‘જો તું એમ માનતો હોય કે તું બ્રહ્મના સ્વરૂપને બરાબર જાણે છે તો તું નિશ્ચિત માનજે કે તું બ્રહ્મના સ્વરૂપને જાણતો નથી. બ્રહ્મનું સ્વરૂપ તારામાં છે અને અન્ય દેવતાઓમાં છે તે પણ અલ્પ જ છે.’ શિષ્ય કહે છે કે, ‘હું નથી માનતો કે હું બ્રહ્મના સ્વરૂપને યથાર્થ રીતે જાણું છું પણ સાથે સાથે હું એમ પણ કહું કે હું બિલકુલ નથી જાણતો એમ પણ નથી.’ આ સંવાદનો નિષ્કર્ષ આપતાં ઉપનિષદકાર કહે છે ‘જે એમ માને છે કે બ્રહ્મને સંપૂર્ણ સ્વરૂપે જાણી શકાય એમ નથી, તે બ્રહ્મને જાણે છે… જે એમ માને છે કે મેં બ્રહ્મને સંપૂર્ણ સ્વરૂપે જાણી લીધું છે, તે બ્રહ્મને જાણતો નથી. વળી જેને બ્રહ્મજ્ઞાનનું અભિમાન છે તે બ્રહ્મને જાણતો નથી. જેને જ્ઞાતૃત્વનું અહમ નથી તે બ્રહ્મને જાણે છે.’

પોતાની જાતને જાણવી, બ્રહ્મજ્ઞાન મેળવવું એ અઘરી બાબત છે. બ્રાહ્ય જગતને જાણવું સમજવું, અને આત્મજ્ઞાન મેળવવું એમાં આસમાન જમીનનો ફરક છે. પોતાની ભીતર રહેલ સચ્ચિદાનંદ આત્માને સમજવો અને એને શબ્દોમાં સમજાવવો એ અતિશય કપરું કામ છે. યોગસાધના દ્વારા સંકલ્પ-વિકલ્પાત્મક મન નિશ્ચલ અને શાંત થઈ શકે છે. સંપૂર્ણ અ-મન ભાવ પેદા થાય છે ત્યારે ચૈતન્યસ્વરૂપ આત્માની પરમ અનુભૂતિ શક્ય બને છે. આ અનુભૂતિને શબ્દમાં વર્ણન કરવા બેસીએ તો પરસ્પર વિરોધાભાસી લાગે એવા વિધાનો કરવા પડે છે. ‘બ્રહ્મજ્ઞાન થઈ ગયું’ એમ કહેનાર જાણે કે જ્ઞાનની પ્રાપ્તિને ભૂતકાળનો વિષય બનાવી દે છે. જ્યારે જ્ઞાન મેળવવાની પ્રક્રિયા તો સનાતન વહેતા રહેતા પ્રવાહ જેવી છે. જેમ આપણે ‘જીવી લીધું’ એમ આપણે કહી શકતા નથી, કારણ કે એમ કહીએ ત્યારે પણ આપણે જીવતા હોઈએ છીએ, એટલે જ બ્રહ્માનુભૂતિ પણ એક સતત ચાલતી પ્રક્રિયા જેવી છે. જ્યાં સુધી શાસ્ત્રમાંથી મેળવેલું જ્ઞાન અનુભૂતિમાં પરિણમતું નથી ત્યાં સુધી તે શુષ્ક શાબ્દિક જ્ઞાન બની રહે છે. કારણ કે તેમાં જીવંત ધબકતો અનુભવ નથી. આવા પોથીપંડિતને અહીં કેનોપનિષદમાં ‘અજ્ઞ’ કહ્યો છે. ‘મેં જાણી લીધું’ એમ કહેનાર વાસ્તવમાં જાણતો તો નથી જ પરંતુ એની જાણવાની ક્રિયા પણ સમાપ્ત થઈ જાય છે. વાસ્તવમાં બ્રહ્મને પામવાની યાત્રા તો સદાકાળ ચાલતી જ રહે છે. બ્રહ્મજ્ઞાનનું સ્વરૂપ જ એવું છે કે એમાં અપરોક્ષાનુભૂતિ જ થઈ શકે.

જ્યારે કોઈ પણ પદાર્થનો બોધ થતો હોય ત્યારે એ આત્માનું જ સ્ફુરણ થતું હોય છે, એવું સમજનારને જરૂર અમરત્વ પ્રાપ્ત થાય છે. આત્માથી વીર્ય મેળવાય છે અને વિદ્યાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. બધા જ વિચારોનો જ્ઞાતા સાક્ષીભૂત આત્મા જ છે. નિદ્રામાં પણ ‘મને આમ સ્વપ્ન આવ્યું હતું’ એમ અનુભવનાર ‘હું’ નામનો ભીતર વસતો આત્મા જ છે. તે જ આવા અનુભવોનું સાતત્ય જાણવનાર સાક્ષી છે. શાસ્ત્રમાં મનુષ્યની યોની ને જ કર્મયોનિ ગણવામાં આવે છે. બાકીની સર્વ યોનીઓને ભોગ-યોની કહી છે. ચેતનાની અભિવ્યક્તિ મનુષ્યમાં પૂર્ણતયા થયેલી જોવા મળે છે. આદિશંકરાચાર્યના ‘વિવેકચૂડામણિ’માં વિસ્તારપૂર્વક વર્ણન થયેલું છે. આવો દુર્લભ જન્મ મેળવ્યા બાદ જો મનુષ્ય આત્મજ્ઞાન માટે પ્રયત્ન ન કરે તો એનું જીવતર એળે ગયું કહેવાય. મનુષ્ય સમજી શકે છે કે જડ ઈન્દ્રિયો અને દેહથી આત્મા તદ્દન વિલક્ષણ છે અને અલગ છે. તે જ સૌનો પ્રકાશક અને પ્રેરક છે પરંતુ આટલું ખાલી બુદ્ધિ દ્વારા જ જાણી લેવાથી આત્મપ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી જડ દેહાદિ સાથે જિંદગીભર સેવેલો આત્મદર્શનનો ભ્રમ ટળતો નથી, મોહ-માયા આસક્તિના બંધનો છૂટતાં નથી, ત્યાં સુધી આત્માનુભૂતિ શક્ય નથી. આથી ઋષિ કહે છે કે આ આત્મજ્ઞાન, અહીં જ, આ દેહમાં જ, મનુષ્યજન્મમાં જ મેળવવાનું છે. એમ ન થાય તો તો ભારે હાની થઈ સમજવી. આથી, આપણે આપણા દુર્લભ એવા જન્મને સાર્થક કરીએ. અસ્તુ.

પ્રથમ સંગોષ્ઠિનું બરાબર બાર વાગ્યે સમાપન થયું હતું. એ પછી મધ્યાહ્ન ભોજન બાદ બપોરે ચાર વાગ્યે બીજી સંગોષ્ઠિનો પ્રારંભ થયો હતો. આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી અજિત ઠાકોરે કર્યું હતું. તેમાં સૌપ્રથમ ભાણદેવજીએ પ્રશ્નોપનિષદ વિશે વાત કરી હતી.

પ્રશ્નોપનિષદ – ભાણદેવ

પિતાજી બ્રહ્માને એક પુત્રી છે. એમનું નામ છે બ્રહ્મવિદ્યા. એનું જ બીજું નામ અધ્યાત્મવિદ્યા. એકવાર બ્રહ્મવિદ્યા પોતાના પિતા બ્રહ્માજીને કહે છે કે ‘પિતાજી મને પૃથ્વીલોક પર અવતાર ધારણ કરવાની ઈચ્છા થાય છે. પૃથ્વીલોક પર ચિરકાળ સુધી વસવાટ કરવાની ઈચ્છા થાય છે.’ માનવકલ્યાણ માટે સદા આતુર બ્રહ્માજીને આનંદ થયો. રાજીપો વ્યક્ત કરતાં તેમણે કહ્યું : ‘જરૂર પૃથ્વીલોક પર જાઓ. અને ત્યાં ચિરકાળ સુધી વસવાટ કરો.’
એટલે બ્રહ્મવિદ્યા ત્રણ પ્રશ્નો પૂછે છે : ‘મારે પૃથ્વીલોક પર અવતાર ધારણ કરવાની પ્રક્રિયા શું ? મારે કયું રૂપ ધારણ કરવું ? કયું નામ ધારણ કરવું ?’ બાજુમાં માતા સરસ્વતી બેઠા હતાં. બ્રહ્માજી કહે છે કે ‘નામ અને રૂપ આપવામાં માતા સરસ્વતીજી કુશળ છે. આપ એમને પૂછો.’
મા સરસ્વતી બ્રહ્મવિદ્યાને કહે છે : ‘તમે પૃથ્વીલોક પર જાઓ. ભારતવર્ષમાં જાઓ. ત્યાં ઋષિઓ છે એમની ચેતનામાં પ્રવેશ કરો. બાકીનું કામ તેઓ કરશે.’ તદનુસાર બ્રહ્મવિદ્યા પૃથ્વીલોક પર આવે છે. ભારતવર્ષમાં આવે છે, ઋષિઓની ચેતનામાં પ્રવેશ કરે છે અને મંત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. ઋષિઓ એને નામ આપે છે : ‘उपनिषदः’ ઉપનિષદ બ્રહ્મવિદ્યાનો મંત્રાવતાર છે, શબ્દદેહ છે. ઉપનિષદો 300 છે. એમાંથી 108 સર્વસ્વીકૃત-સર્વમાન્ય ઉપનિષદો ગણાય છે.

મુક્તિકો ઉપનિષદમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી વચ્ચે સંવાદ ચાલે છે. હનુમાનજી મહારાજ ભગવાન શ્રીરામને મુક્તિનો ઉપાય પૂછે છે. ભગવાન શ્રીરામ હનુમાનજી મહારાજને કહે છે, ‘મુક્તિ માટે તો ‘માણ્ડૂક્ય’ ઉપનિષદ એક બસ છે.’ માત્ર બાર મંત્રનું નાનું માણ્ડૂક્ય ઉપનિષદ છે. એનાથી મુક્તિ ન મળે તો બીજા દશ. એટલે કે એકાદશ ઉપનિષદ. એનાથી ન મળે તો બત્રીસ. એનાથી ન મળે તો 108. એ પછી મુક્તિકોપનિષદમાં 108 ઉપનિષદની યાદી આપવામાં આવી છે. આ 108માં એકાદશ પ્રધાન છે અને તે શ્રુતિ ગણાય છે, જેમના પર આદિ શંકરાચાર્યે ભાષ્યો રચ્યા છે, જે પ્રસ્થાનત્રયીનો આધાર ગણાય છે. એકાદશ ઉપનિષદના અભ્યાસનો એક નિશ્ચિત ક્રમ છે : ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મૂણ્ડક, માણ્ડૂક્ય, એતરેય, તૈત્તિરીય, શ્વેતાશ્વતર, છાંદોગ્ય અને બૃહદારણ્યક. આ અગિયારમાં ચતુર્થ ઉપનિષદ તે પ્રશ્નોપનિષદ છે. નામ દ્વારા સૂચિત થાય છે કે પ્રશ્નોપનિષદમાં પ્રશ્નો અને ઉત્તર છે. માત્ર પ્રશ્નો નથી, ઉત્તરો પણ છે. છ પ્રશ્નો અને છ ઉત્તરો આ ઉપનિષદમાં છે. એને આ ઉપનિષદના છ પ્રકરણો કહેવા જોઈએ. છ ઋષિઓ છે : આશ્વલાયન, કબન્ધી, ભાર્ગવ, સુકેશા, સત્યકામ અને સૌર્યાયણી. આ છ એ છ ઋષિઓ કેવા છે ? આ બધા ઋષિઓ બ્રહ્મપરાયણ છે અને બ્રહ્મનિષ્ઠ છે. એટલે કે જ્ઞાની પુરુષો છે. તે છતાં પરમ બ્રહ્મનું અન્વેષણ કરનારા છે. એટલે જ હાથમાં સમિધ લઈને જ્ઞાનપ્રાપ્તિ માટે જિજ્ઞાસુ બન્યા છે. જુઓ ભાઈ, અહીં એક સમજવાની વાત છે. બ્રહ્મનિષ્ઠ છે પરંતુ પરબ્રહ્મની ખોજ કરનારા છે એનો અર્થ એમ કે બ્રહ્મ અને પરબ્રહ્મ ને અહીં બે વિશિષ્ટ જુદી જુદી ચેતનાઓ ગણેલી છે. આનો ખુલાસો ગીતાના પંદરમા અધ્યાયના અંતિમ શ્લોકોમાં છે.

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च |
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ||१५-१६||
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युधाहृतः |
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ||१५-१७||
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः |
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ||१५-१८||

અક્ષર એ બ્રહ્મ છે, પુરુષોત્તમ એ પરબ્રહ્મ છે. પરબ્રહ્મની તુલનાએ બ્રહ્મ કિંચિત ન્યુન સત્તાત્મક ચેતના છે એમ આનો અર્થ થયો. આ છ એ છ ઋષિ બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પરબ્રહ્મની શોધ માટે નીકળે છે. આનો અર્થ એમ કે અધ્યાત્મ અનંતની યાત્રા છે. કદી પૂરી થતી નથી. અધ્યાત્મયાત્રા વિશે શ્રી અરવિંદે કહ્યું છે કે ‘It starts but never ends.’ આ એક એવી સોપાન શ્રેણી છે જેનું પહેલું સોપાન છે, અંતિમ સોપાન કોઈ નથી. અનંતની યાત્રાનું કદી સમાપન થતું નથી. એટલે બ્રહ્મનિષ્ઠ હોવા છતાં એમની અધ્યાત્મયાત્રા ચાલુ છે અને એ અધ્યાત્મયાત્રા ચાલુ છે એટલે કોઈ સમર્થ ગુરુ પાસે જવાનું છે. ગુરુ પાસે જવું છે એટલે હાથમાં સમિધ લેવાનં. છે. એટલે એમને વિશે બ્રહ્મનિષ્ઠ અને પરબ્રહ્મની ખોજ કરનારા એવા હાથમાં સમિધ લીધેલા ઋષિઓ – એમ કહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ‘समित्पाणी’ (હાથમાં સમિધ લેવું) થવું એટલે શું ? અને સમિધ એટલે શું ? યજ્ઞમાં જે કાષ્ઠ હોમાય છે એના બે પ્રકાર છે : ‘ઈદમ અને સમિધ’. ઈદમ એટલે ઈંધણા. અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે જે સતત મૂકવામાં આવે તે ‘ઈદમ’ કહેવાય. પરંતુ સમિધ વિશિષ્ટ પ્રકારનું કાષ્ઠ છે. યજમાનની ટચલી આંગળી જેટલું જાડું, યજમાનના પ્રાદેશ જેટલું લાંબુ. અંગુષ્ઠ અને તર્જનીના અંતિમ છેડા વચ્ચેનું અંતર તે ‘પ્રાદેશ’ કહેવાય છે. જેમાં ગાંઠ ન હોય, કાંટા ન હોય, સડેલું ન હોય, છાલ ઊતરી ન હોય તેવા વિશિષ્ટ વૃક્ષોનું જ તે લઈ શકાય. વડ, પીપળો, આંબો, ખાખરો, શમી – આ વૃક્ષોની પ્રાદેશ માત્ર લાંબી લાકડીને ‘સમિધ’ કહેવાય છે. પ્રત્યેક યજ્ઞમાં બે સમિધ અનિવાર્યપણે મંત્રસહિત હોમાય છે. પહેલા સમિધને ‘પૂર્વ સમિધ’ અને અંતિમ સમિધને ‘ઉત્તર સમિધ’ કહેવામાં આવે છે. ગુરુને એ કાળમાં શાની જરૂર પડતી ? સમિધની. એટલે વિદ્યાર્થી જ્યારે ગુરુ પાસે જિજ્ઞાસા ભાવે જાય ત્યારે હાથમાં સમિધ લઈને જાય, ચેકબુક લઈને નહીં ! એ સમિધ લઈને જાય છે માટે એનું નામ છે ‘समित्पाणी’. બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પરમ બ્રહ્મનું અન્વેષણ કરવું છે માટે આ ઋષિઓ ‘समित्पाणी’ થયા છે. હાથમાં સમિધ લઈને તેઓ મહર્ષિ પિપ્પલાદ પાસે જાય છે.

પિપ્પલાદે જોયું કે ઋષિઓના હાથમાં સમિધ છે. ઋષિઓએ કંઈ કહ્યું નથી. એમ પણ કહ્યું નથી કે તેઓ પ્રશ્ન પૂછવા આવ્યા છે. એમ પણ કહ્યું નથી કે જ્ઞાનપિપાસા છે. હાથમાં સમિધ છે એ જ સૂચિત કરે છે કે તેઓ પ્રશ્ન પૂછવા આવ્યા છે. એટલે તુરત જ મહર્ષિ પિપ્પલાદ કહે છે : ‘भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ यथाकामं प्रश्नान् पृच्छत यदि विज्ञास्यामः सर्वं ह वो वक्ष्याम इति’ ‘હું જાણું છું કે તમે તપસ્વી છો, જ્ઞાની છો. હું જાણું છું કે તમે ખૂબ તપશ્ચર્યા કરી છે, તો પણ ફરીથી એક વર્ષ અહીં રહો.’ અધ્યાત્મમાં પત્રકારોની જેમ પ્રશ્નો નથી પૂછાતા. ઋષિ કહે છે : ‘એક વર્ષ અહીં રહો પછી પ્રશ્નો પૂછજો.’ અને એક વર્ષ રહો એટલે સમય પસાર કરો એમ નહિ. ‘तपसा ब्रह्मचर्येण श्रद्धया’ – એટલે કે તપપૂર્વક, બ્રહ્મચર્યપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અહીં એક વર્ષ રહો, ‘यथाकामं प्रश्नान् पृच्छत’ પછી પ્રશ્ન પૂછજો. ‘यदि विज्ञास्यामः’ જો હું જાણતો હોઈશ તો કહીશ, કહીશ જ એમ નહિ. એક-એક વાત અહીં સમજવા જેવી છે. જુઓ….., એક વર્ષ રહ્યા પછી જ પ્રશ્ન પૂછવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. (પત્રકાર પરિષદ નહીં, અને ‘આપ કી અદાલત’ તો નહીં જ !) એક વર્ષ સાથે રહેવાનું છે. ઋષિ કહે છે કે તમે એક વર્ષ આ વાતાવરણમાં રહો એટલે તમારા ઘણા પ્રશ્નોનું સમાધાન નિવાસમાત્રથી થઈ જશે, છતાં પ્રશ્ન હોય તો પૂછજો. ‘तपसा ब्रह्मचर्येण श्रद्धया’ આ ત્રણ શરત મૂકી છે એટલે પ્રશ્ન થાય કે તપ એટલે શું ? – કોઈ પણ ઉદ્દાત હેતુની સિદ્ધિ માટે જે સાધન કરવામાં આવે તે ‘તપ’ છે. બ્રહ્મચર્ય એટલે શું ? તદઅનુરૂપ જીવન શૈલી તે ‘બ્રહ્મચર્ય’ છે. ઘડામાં કાણું હોય તો ઘડો નળ નીચે મૂકીને ચાલુ કરીએ તો પણ ઘડો કદી ભરાય નહીં. એમ જીવનશૈલીમાં જો કાણું હોય તો કોઈ સાધના ફળતી નથી. જીવનશૈલી તદઅનુરૂપ હોય એનું નામ ‘બ્રહ્મચર્ય’ છે. બ્રહ્મપ્રાપ્તિને અનુરૂપ જીવનચર્યા તે ‘બ્રહ્મચર્ય’ છે. ‘બ્રહ્મચર્ય’ એટલે સર્વેન્દ્રિયોનો સંયમ. ત્રીજો શબ્દ છે ‘શ્રદ્ધા’. જે કાને પડે તે માની લેવું તે શ્રદ્ધા નથી. ‘શ્રદ્ધા’ એટલે વિધાયક અભિગમ. ‘શ્રદ્ધા’ એટલે પ્રતીતિપૂર્વકની સ્વીકૃતિ. આ ત્રણપૂર્વક એક વર્ષ રહો અને પછી પ્રશ્ન પૂછજો એમ ઋષિ કહે છે. જો જાણતો હોઈશ તો કહીશ. જુઓ, ઋષિ બ્રહ્મ-પરબ્રહ્મને જાણે છે છતાં પણ કહે છે કે જાણતો હોઈશ તો કહીશ. અહીં કોઈ સર્વજ્ઞ નથી.

મારા ગુરુમહારાજ વારંવાર કહે છે કે ‘Life is a mystery, it is to remain mystery forever.’ જીવન એક અગાધ રહસ્ય છે. ડેલ્ફીની દેવીએ કહ્યું કે ‘સોક્રેટિસ ગ્રીસનો સર્વશ્રેષ્ઠ જ્ઞાની પુરુષ છે.’ કોઈકે સોક્રેટિસને કહ્યું કે ‘ડેલ્ફીની દેવીએ કહ્યું છે કે તમે ગ્રીસના સર્વશ્રેષ્ઠ જ્ઞાની પુરુષ છો.’ તો સોક્રેટિસે જવાબ આપતાં કહ્યું : ‘હા, સાચી વાત છે. તમારામાં અને મારામાં આટલો ફેર છે કે : ‘You don’t know that you don’t know, I know that I don’t know. – એટલો જ ફેર છે. બીજો કોઈ ફેર નથી.’ અહીં કોઈ સર્વજ્ઞ નથી. ઋગવેદના નાસદીય સૂક્તના અંતિમ મંત્રમાં ઋષિ કહે છે કે ‘योSअस्याध्यक्षः परमे व्योमन्त्सोSअंग वेद यदि वा न वेद’ ‘જે સમગ્ર અસ્તિત્વનો અધ્યક્ષ છે, પરમેશ્વર પરમાત્મા, એ પણ આ સૃષ્ટિના રહસ્યને પૂર્ણતઃ જાણતા હશે કે નહિ ?’ એનો અર્થ એમ કે ખરેખર પરમાત્માની સર્વજ્ઞતા વિશે અહીં શંકા નથી પરંતુ જીવનની અગાધ રહસ્યપૂર્ણતાની અભિવ્યક્તિ અહીં થાય છે. એટલે પિપ્પ્લાદજી કહે છે કે ‘હું જાણતો હોઈશ તો કહીશ.’

આ રીતે છ એ છ ઋષિ પિપ્પ્લાદજીના આશ્રમમાં ‘तपसा ब्रह्मचर्येण श्रद्धया’ રીતે નિવાસ કરે છે. એ પછી પ્રશ્નોનો પ્રારંભ થાય છે. અહીં છ પ્રશ્નોને જો અલગ અલગ લઈએ તો પ્રશ્નોપનિષદ ન સમજી શકાય. આ છ પ્રશ્નોમાં ક્રમિક વિકાસયાત્રા છે. એક પ્રશ્નના ઉત્તરમાંથી બીજો પ્રશ્ન અને બીજા પ્રશ્નના ઉત્તરમાંથી ત્રીજો એમ નીકળતા જાય છે. એટલે છ પ્રશ્નોની ક્રમિક વિકાસયાત્રા સમજીએ તો પ્રશ્નોપનિષદનું તત્વ હાથમાં આવી શકે તેમ છે. તો આપણે જોઈએ કે આ છ પ્રશ્નોની મૂળ વાત શું છે ? પહેલો પ્રશ્ન સૃષ્ટિમીમાંસાનો પ્રશ્ન છે. બીજો અને ત્રીજો પ્રશ્ન પ્રાણ-વિજ્ઞાનનો છે. ચોથો પ્રશ્ન મનોવિજ્ઞાનનો છે. પાંચમો પ્રશ્ન જે છે તે સાધનાનો કે પ્રણવ ઉપાસનાનો પ્રશ્ન છે. અંતિમ પ્રશ્ન વિશુદ્ધ અધ્યાત્મવિદ્યાનો પ્રશ્ન છે. એટલે સૃષ્ટિ-મીમાંસાથી શરૂ થયેલી યાત્રા અંતે અધ્યાત્મવિદ્યામાં પરિણમે છે. અહીં એક પ્રશ્ન એ થાય છે કે ઉપનિષદો તો અધ્યાત્મવિદ્યાના ગ્રંથો છે તો એમાં સૃષ્ટિમીમાંસા શા માટે આવી હશે ? એ સમજવાની વાત છે. પહેલાં તો આપણે જોઈએ કે સૃષ્ટિમીમાંસા એટલે શું ?

ચાર પ્રશ્ન પ્રત્યેક સમજદાર માણસના ચિત્તમાં ઉત્પન્ન થાય છે. જેમ કે ‘આ સૃષ્ટિ કોણે રચી ?’, ‘આ સૃષ્ટિ શા માટે રચી ?’, ‘આ સૃષ્ટિ શામાંથી રચી ?’, ‘આ સૃષ્ટિ રચવાની પ્રક્રિયા શું ?’ – આ ચારે-ચાર પ્રશ્નોના ઉત્તર માટે એક વિજ્ઞાન પણ છે જેને ‘Cosomology and Space Physics’ કહે છે. આધુનિક વિજ્ઞાનની એક શાખા આ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરે છે. વૈદિક પરંપરાના લગભગ સર્વે ગ્રંથોમાં પ્રારંભમાં સૃષ્ટિમીમાંસા હોય છે. ઋગવેદના પુરુષસુક્ત અને નાસદીય સુક્ત એ સૃષ્ટિ-મીમાંસાના સુક્ત છે. ઉપનિષદોમાં છાંદોગ્ય, બૃહદારણ્યક, એતરેય, તૈતરેય, મુણ્ડક ઉપનિષદ અને આ પ્રશ્નઉપનિષદમાં પણ સૃષ્ટિમીમાંસા છે. સમગ્ર ભાગવતનો આખોય દ્વિતિય સ્કંધ અને અડધો તૃતીય સ્કંધ સૃષ્ટિમીમાંસાનો છે. એટલું જ નહિ, પણ આપણા કવિ કાગ બાપુએ પણ એક કાવ્ય સૃષ્ટિમીમાંસાનું રચ્યું છે.

‘સાગર કરો ક્યારો કર્યો, કૂવો કહો કેવડો હશે ?
એ કોસનો હાંકનાર ખેડૂત ક્યાં ઊભો હશે ?
ધરણી કેરો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરણહાર કુંભાર ક્યાં બેઠો હશે ?

આ સૃષ્ટિમીમાંસાનું કાવ્ય છે. એ પ્રશ્નો ઉપસ્થિત કરે છે ઉત્તર નથી આપતાં. છેલ્લે કહે છે ‘અંતે મતિ અટકી રહી.’ પ્રશ્નોપનિષદમાં અહીં ઋષિ છે. એમની મતિ અટકી જતી નથી. અહીં ઋષિ ઉત્તર પણ આપે છે. આખું સાંખ્યશાસ્ત્ર સૃષ્ટિમીમાંસાનું દર્શન છે. સાંખ્યનું કેન્દ્ર તત્વ સર્ગ-વિજ્ઞાન છે જે એક રીતે સૃષ્ટિમીમાંસા જ છે. બાઈબલનું પહેલું પ્રકરણ ‘જીનેસિસ’ એ સૃષ્ટિ-મીમાંસાનું પ્રકરણ છે. સૃષ્ટિમીમાંસા શા માટે ? એનો ઉત્તર એક સંત કવિ નાનકડા એક વાક્યમાં આપે છે. ‘તમે હેતે નીરખો આ ચરખો, એના ઘડનારાને પરખો…’ ચરખો એટલે અસ્તિત્વ અને બ્રહ્માંડ. એને તમે હેતે નીરખો તો ઘડનારાને પરખો. એના ઘડનારાનો અણસાર આવે માટે સૃષ્ટિમીમાંસાની વાતો અધ્યાત્મગ્રંથોમાં થાય છે. તમે સૃષ્ટિને સમજો, માનવદેહને સમજો, કોસ્મોલોજીને સમજો તો એમ થાય કે આનો ઘડનારો કેવો હશે ? અહીં પ્રશ્નોપનિષદમાં પણ એક યાત્રા સાંગોપાંગ બતાવવા માટે સૃષ્ટિ-મીમાંસાથી પ્રારંભ થાય છે.

પહેલા ઋષિ આવીને મહર્ષિ પિપ્પ્લાદને પ્રશ્ન પૂછે છે : ‘भगवन् कुते ह वा इमाः प्रजाः प्रजायन्त इति’ આ સમગ્ર પ્રજા અને આ સમગ્ર સૃષ્ટિ ક્યાંથી આવે છે ? મહર્ષિ પિપ્પલાદ ઉત્તર આપે છે : ‘तस्मै स होवाच प्रजाकामो वै प्रजापतिः स तपोऽतप्यत स तपस्तप्त्वा स मिथुनमुत्पादयते | रयिं च प्रणं चेत्येतौ मे बहुधा प्रजाः करिष्यत इति ।।’ પ્રજાપતિને પ્રજાની કામના થઈ. શા માટે ? કારણ કે એકલા લીલા ન થાય. બાળક એકલું રમી ન શકે. રમવા માટે ઓછામાં ઓછા બે જોઈએ. ‘પ્રજાપતિ’ શબ્દનો અર્થ પુરાણોમાં બ્રહ્માજી થાય છે. પરંતુ ઉપનિષદોમાં ‘પ્રજાપતિ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ પરમાત્મા થાય છે. અહીં પ્રજાપતિ એટલે બ્રહ્માજી નહીં. તેઓ એકલા જ હતા અને લીલા માટે એકાકી ન ચાલે તેથી ‘एकोSम बहुस्याम’ એકમાંથી અનેક થયા. એમને ઈચ્છા થઈ એટલે એમણે તપ કર્યું. અહીં તપનો અર્થ પણ જુદો છે કારણ કે આ પરબ્રહ્મ પરમાત્માનું તપ છે. અહીં તપનો અર્થ છે સંકલ્પ. સંકલપાત્મક સર્જન શક્તિ એ પરમાત્માની તપશ્ચર્યા છે. સંકલ્પમાત્રથી સૃષ્ટિનો પ્રારંભ થાય છે. તેઓ એક યુગ્મની રચના કરે છે. એનું નામ ‘રયિં’ અને ‘પ્રાણ’. આ પહેલું જોડકું છે, એમાંથી પછી સમગ્ર સૃષ્ટિનો પ્રારંભ થાય છે. હવે આ બંને શબ્દનો અર્થ સમજી લેવો જોઈએ. ‘રયિં’ એટલે શું અને ‘પ્રાણ’ એટલે શું ?

પહેલાં આપણે સમજી લેવું જોઈએ કે ઉપનિષદોએ અધ્યાત્મવિદ્યાના કાવ્યો છે, તત્વજ્ઞાનના ગ્રંથો નથી. લોજીકલ મૂકાયેલી વાતો નથી, આ તો કાવ્યો છે. Poetry is not to understand, it is to feel. કાવ્યો એ સમજી ન શકાય, પણ અનુભવી શકાય અને અનુભવી શકાય તો સમજી શકાય. અનુભવીને સમજવાની આ વાત છે. ઉપનિષદોમાંથી આપણે તર્ક શોધવા જઈએ છીએ એટલે થાપ ખાઈ જઈએ છીએ. ઉપનિષદોમાં પ્રાણ અને રયિંની વાત કાવ્યાત્મક રીતે કહેલી છે. જેમ કે ઉત્તરાયણ તે પ્રાણ છે અને દક્ષિણાયન તે રયિં છે. શુકલ પક્ષ તે પ્રાણ છે અને કૃષ્ણપક્ષ તે રયિં છે. દિવસ એ પ્રાણ છે, રાત્રિ એ રયિં છે – આ પ્રકારનું કાવ્યાત્મક ઢબે વર્ણન આપ્યું છે. જે કંઈ આ સૃષ્ટિમાં મૂર્ત અને અમૂર્ત છે તે રયિં છે. એટલે કે જે કંઈ સ્થૂળ અને સૂક્ષ્મ છે તે, આખું મટિરિયલ વર્લ્ડ – તે ‘રયિં’ છે. તો પ્રાણ એટલે કોણ ? પ્રાણ એટલે આત્મા ? ના, અહીં એવો અર્થ નથી. ઉપનિષદમાં અનેક સ્થાને પ્રાણ શબ્દનો અર્થ બ્રહ્મ અથવા આત્મા થાય છે. બ્રહ્મસૂત્રના કેટલાક શ્લોકોમાં પ્રાણનો અર્થ બ્રહ્મ કર્યો છે. ઉપનિષદમાં પ્રાણ શબ્દ બ્રહ્મવાચક પણ છે, પણ અહીં નથી. ખરેખર તો શબ્દને કોઈ અર્થ હોતો નથી. શબ્દ જ્યારે વાક્યમાં પ્રયુક્ત થાય ત્યારે અર્થ ધારણ કરે છે. એટલે સંદર્ભ વિના શબ્દનો અર્થ ન કરી શકાય. અહીં પ્રાણનો અર્થ આત્મા નથી એનો ખુલાસો આગળના પ્રશ્નોમાં આવશે. તો પ્રાણ શું છે ? પ્રાણ એટલે જીવનશક્તિ. તૈતરિય ઉપનિષદમાં પંચકોશ વિદ્યા છે : અન્નમયકોશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ, આનંદમયકોશ…. અને પાંચ પુરુષ પણ છે: અન્નમયપુરુષ, પ્રાણમયપુરુષ, મનોમયપુરુષ, વિજ્ઞાનમયપુરુષ, આનંદમયપુરુષ…. – આ પાંચેયનો અધિપતિ આત્મા છે. એની અંદર વસનારો આત્મા છે. તો પ્રાણ એટલે આત્માથી પ્રકૃતિનું જે પ્રથમ તત્વ ચેતનવંતુ બન્યું તે પ્રાણ છે. પ્રાણ એટલે જીવનશક્તિ, Vital Energy. જે શરીર અને આત્માને જોડનારું તત્વ છે. આ રીતે આત્મા થકી પ્રથમ જે ચેતનવંતુ તત્વ બન્યું તે ‘પ્રાણ’ છે. પ્રાણનું સ્થાન નાભિ છે. બ્રહ્માજી નારાયણની નાભિમાંથી ઉત્પન્ન થયા છે અને માનવબાળ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે નાભિથી ખોરાક ગ્રહણ કરે છે. બ્રહ્માજી એ વૈશ્વિક પ્રાણ છે. પુરાણની એક શૈલી છે કે એ તત્વને વ્યક્તિરૂપે મૂકી આપે છે. વેદમાં અને ઉપનિષદમાં જે તત્વ છે એ પુરાણમાં વ્યક્તિ સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે વૈશ્વિક પ્રાણ બ્રહ્માજી છે જેમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રગટે છે.

ચીનની સંસ્કૃતિ અને તત્વજ્ઞાનમાં સર્વત્ર એક વિચાર વ્યાપક રીતે પ્રસરી ગયો છે. ‘ઈન’ અને ‘યાંગ’. જે ‘ઈન’ અને ‘યાંગ’ છે તે ‘પ્રાણ’ અને ‘રયિં’ છે. ત્યાં તાઓ તત્વ છે. અહીં પ્રજાપતિ અથવા બ્રહ્મ તત્વ છે. એમાંથી બે તત્વ પ્રગટે છે ‘ઈન’ અને ‘યાંગ’. એનો અર્થ એમ કે ત્રણ તત્વોથી જ સૃષ્ટિ બની. એક મૂળ તત્વ બ્રહ્મ, પ્રજાપતિ કે તાઓ – જે નામ આપો તે. એમાંથી બે તત્વો પ્રગટે છે : એક વિધાયક અને એક નિષેધક. એક પ્રકાશક અને એક પ્રકાશ ગ્રહણ કરનાર. એક ગ્રાહ્ય ને એક ગ્રાહક. આ બે તત્વો પ્રગટે છે એના નામ છે ‘પ્રાણ અને રયિં.’ રયિંનો તો અર્થ સ્પષ્ટ છે કે સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિ. પ્રાણનો અર્થ હવે પછી આગળ આવશે. પ્રાણ એટલે આત્મા એવું આ ઉપનિષદમાં નથી એટલું યાદ રાખી આગળ વધીએ.

આ રીતે પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે પ્રજાપતિએ સૃષ્ટિનો પ્રારંભ કેવી રીતે કર્યો. વાત હવે પ્રાણ અને રયિં પાસે આવીને અટકી ગઈ. પ્રાણ શું છે એ સ્પષ્ટ નથી એટલે હવે બીજો પ્રશ્ન આવે છે : ‘भगवन् कत्येव देवाः प्रचां दिधारयन्ते कतर एतत् प्रकशयन्ते कः पुनरेषां वरिष्ठ इति’ આ શરીરને અને આ બ્રહ્માંડને કેટલા દેવો ધારણ કરી રાખે છે ? એમાં વરિષ્ઠ કોણ ? પિપ્પ્લાદજી ઉત્તર આપે છે : ‘19 દેવો આ શરીરને ધારણ કરે છે, પિંડ બ્રહ્માંડ બંનેને.’ ક્યા ક્યા 19 દેવો છે આ ? પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ દૈવત છે. આપણી ભાષામાં આપણે ઘણીવાર કહીએ છીએ કે ‘આંખના દેવતા ઊઠી ગયા’ એટલે કે આંધળા થઈ ગયા. એનો અર્થ આંખનું દૈવત છે, એના દેવતા છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિયો. એ રીતે પાંચ કર્મેન્દ્રિયો છે હાથ, પગ, મુખ, ઉપસ્થ, પાયુ. પંચમહાભુત છે પૃથ્વી, પાણી, તેજ, આકાશ, વાયુ. આ પંદરના દૈવત છે જે આ શરીરમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે. એ પછી છે અંતઃકરણ ચતુષ્ટય : મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એમના પણ દેવતા છે. આ 19 દેવો આ શરીરને ધારણ કરી રાખે છે. હવે બીજો પ્રશ્ન એ આવ્યો કે એમાં વરિષ્ઠ કોણ ? – એમાં પછી વિવાદ શરૂ થયો. આંખના દેવતા કહે કે ‘તમે મારા વગર જોઈ ન શકો.’ કાનના દેવતા કહે કે ‘તમે મારા વગર બહેરા થઈ જાઓ.’ આ કથા છાન્દોગ્ય ઉપનિષદમાં અને બૃહદારયક ઉપનિષદમાં પણ છે. એ પછી પ્રયોગ શરૂ થયો. એક એક દેવતા બહાર નીકળે કે જોઈએ શું થાય છે… આંખના દેવતા બહાર નીકળ્યા પણ કામ તો ચાલ્યું. આંધળા આંધળા જીવાય તો ખરું જ ! બધા જ એક પછી એક નીકળવા માંડ્યા. સૌને લાગ્યું કે આપણામાંથી એક પણ અનિવાર્ય નથી. વરિષ્ઠ કોઈ નથી. તો વરિષ્ઠ કોણ છે ? વરિષ્ઠ પ્રાણ છે. પ્રાણ એ આ શરીરને અને બ્રહ્માંડને ધારણ કરનાર વરિષ્ઠ દૈવત છે. બધાએ માન્યું નહીં કે ‘અમે કેમ માનીએ કે તમે વરિષ્ઠ છો ?’ તો પ્રાણે સહેજ બહાર નીકળવાની તૈયારી કરી ત્યાં તો આખું શરીર ખળભળી ઊઠ્યું. ઈન્દ્રિયોના દેવતા બહાર નીકળવા માંડ્યા કે તમારા વિના અમે આ શરીરમાં રહી ન શકીએ. પ્રાણ વિના આંખ શું કરે ? પ્રાણ વિના કાન શું કરે ? બધાએ સ્વીકાર્યું કે પ્રાણ એ આ શરીરને અને બ્રહ્માંડને ધારણ કરનાર વરિષ્ઠ દેવતા છે. છતાં હજી પ્રાણ એટલે શું એ વિચાર તો હજુ ચાલુ જ છે. એનો સ્પષ્ટ ખુલાસો હવે પછીના ઉત્તરમાં આવશે. અહીં બીજા પ્રશ્નમાં એટલું નક્કી થઈ ગયું કે શરીરને ધારણ કરનાર 19 દેવતા છે પરંતુ એ સૌમાં વરિષ્ઠ દેવતા પ્રાણ છે.

હવે ત્રીજો પ્રશ્ન આવે છે. ત્રીજા પ્રશ્નમાં છ પેટાપ્રશ્નો છે. એ પણ પ્રાણ વિજ્ઞાનનો જ પ્રશ્ન છે. અહીં પ્રાણ એટલે શું એ સ્પષ્ટ થઈ જશે. આ છ પેટાપ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે : ‘આ પ્રાણ કોનામાંથી જન્મે છે ?’ જો પ્રાણ એ આત્મા હોત તો આ ઋષિ આ પ્રશ્ન ન પૂછત કારણ કે આત્મા અજન્મા છે. આ પૂછનાર ઋષિ છે. એને ખબર છે કે આત્મા અજર અમર છે. આ પ્રશ્નથી જ સિદ્ધ થાય છે કે અહીં પ્રાણનો અર્થ આત્મા નથી. બીજો પ્રશ્ન છે કે ‘પ્રાણ આ શરીરમાં કેવી રીતે આવે છે ?’ ત્રીજો પ્રશ્ન છે કે ‘પ્રાણ આ શરીરમાં ક્યા સ્વરૂપે વસે છે ?’ ચોથો પ્રશ્ન છે કે ‘પ્રાણ આ શરીરને કેવી રીતે છોડે છે ?’ પાંચમો પ્રશ્ન છે કે ‘પ્રાણ વ્યક્તિગત શરીર અને બ્રહ્માંડને કઈ રીતે ધારણ કરી રાખે છે ?’ છઠ્ઠો પ્રશ્ન એ છે કે ‘વૈયક્તિક અને વૈશ્વિક શરીરની પ્રાણને ધારણ કરવાની શું વ્યવસ્થા છે ?’ – આ રીતે છ પ્રશ્નો છે.

પિપ્પલાદજી વચ્ચે બોલે છે કે ‘તમે અતિ પ્રશ્નો પૂછો છો. છતાં તમે બ્રહ્મનિષ્ઠ છો માટે ઉત્તર તો હું આપીશ.’ અહીં વિચારવાનું એ છે કે અતિપ્રશ્ન એટલે શું ? ત્રણ પ્રકારના અતિપ્રશ્નો હોય છે. કેટલાક પ્રશ્નોના ઉત્તર શક્ય જ નથી માટે એ અતિપ્રશ્ન છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગી યાજ્ઞવલક્યને પૂછે છે : ‘આ બધું શેમાં ઓતપ્રોત છે?’ એમ પૂછતાં પૂછતાં છેલ્લે જવાબ આવે છે કે બ્રહ્મલોકમાં બધુ ઓતપ્રોત છે તો ગાર્ગી આગળ પૂછે છે કે ‘બ્રહ્મલોક કોનામાં ઓતપ્રોત છે ?’ એ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હોય. ઝાડને મૂળ છે. મૂળના કોઈ મૂળ ન હોય ! સર્વનો જે આધાર છે એનો આધાર કોણ ? એટલે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કંઈક કડક ભાષામાં કહે છે કે ‘તારું મસ્તક પડી જશે ગાર્ગી, અતિપ્રશ્ન ન પૂછ.’ બીજા પ્રકારના અતિપ્રશ્ન એ કહેવાય છે કે જેનો ઉત્તર શક્ય છે પરંતુ પ્રશ્ન પૂછનારના ગજાની બહારનો છે. માટે તે એને માટે અતિપ્રશ્ન છે. ત્રીજો અતિપ્રશ્ન એ છે કે કેટલીક વાતો ગુપ્ત રાખવાની હોય છે. છતાં પ્રશ્ન પૂછાય તો એ અતિપ્રશ્ન છે.

અહીં આ છ પેટાપ્રશ્નોના ઉત્તર સમજવા માટે યૌગિક પ્રાણવિજ્ઞાન થોડું સંક્ષેપમાં આપણે સમજી લેવું પડશે. યૌગિક પ્રાણવિજ્ઞાન એટલે જેના પર આખું પ્રાણાયામનું વિજ્ઞાન ઊભું છે તે. પાંચ પ્રાણ છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. પાંચ ઉપપ્રાણ છે : નાગ, કૃમા, કૃકર, દેવદત, ધનંજય. પાંચેયના નિશ્ચિત સ્થાન અને નિશ્ચિત કાર્યો છે. આ પ્રાણના પ્રવાહો જેમાંથી વહે છે તેને ‘નાડી’ કહેવામાં આવે છે. Channel through which currents of vital being are moving. નાડી એટલે રક્તવાહિનીઓ નહીં. નાડી એટલે ‘નર્વસ સિસ્ટમ’ નહીં. એ પ્રાણમય શરીરની નાડીઓ છે, સ્થૂળ શરીરની નહીં. એવી અનેક નાડીઓ આ શરીરમાં છે જેમાંથી પ્રાણના પ્રવાહો વહે છે. એ નાડીમાં અડચણ આવે તો પ્રાણનો પ્રવાહ બરાબર વહી ન શકે. એટલે જ યૌગિક પ્રાણવિજ્ઞાનમાં નાડી-શોધનને અનિવાર્ય અને પ્રારંભિક ભૂમિકા ગણવામાં આવે છે. સાત ચક્રો છે : મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ આજ્ઞા અને સહસ્ત્રા. આ નામ તો બધાએ સાંભળ્યા છે પણ પ્રશ્ન થાય કે આ ચક્રો છે શું ? એ ચેતનાના સાત સ્તર છે. એને જ ભૂલોક, ભૂવરલોક, સ્વરલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક કહ્યા છે. આ ચેતનાના સાત સ્તર વ્યક્તિમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે. એ સાતે સ્તર જ્યાં જ્યાં જોડાયેલા છે, જ્યાં એની ગાંઠ બાંધી છે તે ચક્રો છે. એ ચક્રો દ્વારા જે તે ચેતનાના સ્તરમાં પ્રવેશ થઈ શકે છે. એ ન ખૂલે તો ગાંઠ છે પરંતુ ખૂલે તો દ્વાર છે. ચેતનાના સાતે સ્તર સુધી પહોંચવા માટેના એ દ્વાર છે. અસાધારણ પ્રાણશક્તિ વિના એ ચક્રોનું ભેદન ન થાય. કઠોપનિષદમાં એક મંત્ર છે કે नायमात्मा बलहीनेन लभ्यो આત્મા બળહીનને પ્રાપ્ત થતો નથી. બળનો અર્થ અહીં શરીરબળ નથી, પ્રાણબળની વાત છે. અધ્યાત્મ એ વીરોનો, મર્દોનો માર્ગ છે. કાયરોનું કામ નથી. અસાધારણ પ્રાણશક્તિ ન હોય તો ચક્રોનું ભેદન ન થાય. ચક્રોનું ભેદન થયા વગર બુદ્ધિપૂર્વક પુસ્તકો ગમે તેટલા વાંચીએ ચેતનાનું રૂપાંતર થતું નથી.

ગુર્જિયેફના શિષ્ય ઉસ્પેન્કી અધ્યાત્મની શોધમાં ભારત આવેલા. ખૂબ ફર્યા અને પછી જઈને એક પુસ્તકમાં લખે છે કે ‘ભારતીય અધ્યાત્મવિદ્યા પાંડિત્યના બોજમાં દબાઈ ગઈ છે.’ પૂરેપૂરા નહિ પરંતુ આંશિક રીતે તેઓ સાચા છે. દસ-બાર વર્ષ સુધી વેદાંતનો અભ્યાસ કરનાર વેદાંતાચાર્યને પૂછીએ કે વેદાંતની સાધના શું ? તો કહેશે કે ‘એ અમને ખબર નથી. અમે તો દર્શન ભણ્યા છીએ.’ વેદાંત મૂળતઃ દર્શન નથી. એ મૂળતઃ અધ્યાત્મવિદ્યા અને સાધનતત્વ છે.

તો આ થઈ યૌગિક પ્રાણાયામની મૂળ વાત. હવે આપણે છ એ છ પેટાપ્રશ્નો લઈએ. પહેલો પ્રશ્ન છે કે ‘આ પ્રાણ શામાંથી જન્મે છે ?’ ઉત્તર છે કે પ્રાણ આત્મામાંથી જન્મે છે. આત્મા એટલે ભગવાન શ્રીરામ અને પ્રાણ એટલે હનુમાનજી. વાલી એટલે અપાન અને સુગ્રીવ એટલે ઉદાન. પ્રાણ આત્મામાંથી જન્મે છે એટલે આ ઉપનિષદમાં પ્રાણનો અર્થ આત્મા નથી. પ્રાણ આત્માનું વાહન છે. વાલ્મીકી રામાયણમાં ભગવાન શ્રીરામને હનુમાનજી મહારાજ સૌથી પહેલા ઋષ્યમૂકની તળેટીમાં મળે છે અને મળીને તુરત ખભે બેસાડી દે છે. કારણ કે પ્રાણ એ આત્માનું વાહન છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે. ગરુડજીના પગના પંજામાં શું છે ? નાગ છે. નાગ એ અપાન છે, એની નિમ્ન ગતિ છે. ગરુડજીએ ઉદાન છે, ઊર્ધ્વગતિ છે. અપાનને પકડીને જો ઊર્ધ્વગતિ થાય તો વિષ્ણુ એટલે કે આત્મા આવીને એની પર બિરાજમાન થાય છે એવો એનો આધ્યાત્મિક અર્થ છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ‘પ્રાણ આ શરીરમાં કોનાથી ખેંચાઈને આવે છે ?’ ઉત્તર છે મન દ્વારા. મન પોતાના સંસ્કારથી પ્રાણને ખેંચી લાવે છે. વળી, પ્રાણ પર કોણ બિરાજમાન છે ? આત્મા. એટલે કે મનના સંસ્કારો પ્રાણ અને આત્માને આ શરીરમાં ખેંચી લાવે છે. ત્રીજો પ્રશ્ન છે કે ‘પ્રાણ આ શરીરમાં કેવી રીતે રહે છે ?’ પ્રાણ પોતાને પાંચ સ્વરૂપમાં વિભક્ત કરે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. અપાનનું સ્થાન નાભિથી નીચે છે. એ ભોગનો કારક છે. ઉદાનનું સ્થાન કંઠથી ઉપર છે, સુષુમ્ણાની ઊર્ધ્વગતિમાં એનું સ્થાન છે, જે યોગનો કારક છે. પ્રાણ પોતે છાતી અને મસ્તકની વચ્ચે રહે છે. સમાન શરીરના મધ્યભાગમાં રહે છે. વ્યાન સતત પ્રરિભમણ કરે છે. જે રક્તવાહિની અને નર્વસ સિસ્ટમને ચલાવે છે તે વ્યાન વાયુ છે. આ પ્રાણના પાંચ સ્વરૂપો છે. આ ત્રીજા પ્રશ્નનો ઉત્તર થયો. ચોથો પ્રશ્ન છે કે ‘પ્રાણ આ શરીર છોડીને કેવી રીતે જાય છે ?’ ઉદાન દ્વારા પ્રાણ આ શરીર છોડીને બહાર નીકળે છે. એ એનો ઉત્તર છે. પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે કે ‘આ શરીરના પંચ પ્રાણનું સ્વરૂપ અને વૈશ્વિક પંચપ્રાણનો સંબંધ શું છે ? વૈશ્વિક પંચપ્રાણ આ પંચપ્રાણને કેવીરીતે ટેકો આપે છે ?’ હનુમાનજી પ્રાણતત્વ છે માટે એમને વાયુપુત્ર કહ્યા છે. યોગશાસ્ત્રમાં અનેક સ્થાને ‘વાયુ’ અને ‘પ્રાણ’ પર્યાયવાચક ગણાય છે. જેમ મહાભારતમાં ભીમ છે તેમ રામચરિત માનસમાં હનુમાન છે. હવે આ છેલ્લા પ્રશ્નનો જવાબ એ છે કે પૃથ્વી એ સમગ્ર બ્રહ્માંડમાં અપાનનું સ્વરૂપ છે, નિમ્નગામી છે. આ શરીરમાં જેમ મુખ્ય પ્રાણ છે તેમ વૈશ્વિક પ્રાણ સૂર્ય છે. સૂર્ય બ્રહ્માંડનો પ્રાણ છે. આ શરીરમાં જે વ્યાન ફરતો રહે છે તે બ્રહ્માંડમાં વાયુદેવ છે જે સતત ફરતા રહે છે. આ શરીરમાં જે સમાન છે તે આકાશ છે. આ શરીરમાં જે ઉદાન છે તે વૈશ્વિક તે જ તત્વ છે જે મુક્તિનું કારક છે, પ્રકાશ છે. આ રીતે આ શરીરના પાંચ તત્વો અને સમષ્ટિના પાંચ તત્વોનું જોડાણ છે. એટલે જ ‘પિંડે સો બ્રહ્માંડે’ કહેવાયું છે. આ રીતે છ પેટાપ્રશ્નોના ઉત્તર અપાય છે અને ત્રીજો પ્રશ્ન અહીં સમાપ્ત થાય છે.

પહેલા પ્રશ્નમાં આપણે સૃષ્ટિ-મીમાંસા જોઈ, બીજા અને ત્રીજા પ્રશ્નમાં આપણે પ્રાણવિજ્ઞાન જોયું. હવે ચોથો પ્રશ્ન શરૂ થાય છે. ઋષિ આવીને પૂછે છે કે ‘કોણ દેવ જાગૃત અવસ્થામાં જાગે છે ? કોણ દેવ સ્વપ્નાવસ્થામાં સ્વપ્નો જુએ છે ? ક્યા દેવ નિદ્રાવસ્થામાં પણ જાગૃત રહે છે ?’ આ ચોથો પ્રશ્ન મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે. આધુનિક મનોવિજ્ઞાનમાં જાગૃતઅવસ્થા, સ્વપ્નાવસ્થા, નિદ્રાવસ્થાનો ઊંડાણપૂર્વક ભારે જોરથી અભ્યાસ શરૂ થયો છે. એ લોકો થોડા ઉપનિષદ વાંચે તો એમને ઘણું મળે એવું આ ઉપનિષદોમાં છે. પ્રશ્ન એ છે કે જાગૃતઅવસ્થા શું છે ? સ્વપ્નાવસ્થા શું છે ? નિદ્રાવસ્થા શું છે ? એથી પણ પાર તુરીયાવસ્થા એટલે કે સમાધિવસ્થા શું છે ? તે આ ચાર પ્રશ્નો આપણી પાસે છે. ઉપનિષદની પરિભાષામાં આપણે એ ચારને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મનોવિજ્ઞાનની પરિભાષા થોડી જુદી છે કારણ કે મનોવિજ્ઞાન હજુ સંશોધન કરે છે, કોઈ તારણ પર આવ્યા નથી.

આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. એના દ્વારા આપણે આ જગતને જાણીએ છીએ. આપણી પાસે પાંચ કર્મેન્દ્રિયો છે જેનાથી આપણે આ જગત સાથે સંપર્કમાં રહીએ છીએ, આદાન-પ્રદાન કરીએ છીએ. તો ખરેખર આપણે જે જોઈએ છીએ તે જગત છે એમ ન કહી શકાય. આપણી જ્ઞાનેન્દ્રિયો અનુસાર આપણે જગત જોઈએ છીએ. કીડીનું જગત કેવું હશે ? કેવડું હશે ? માત્ર થોડીક ગંધ, બીજું કંઈ જ નહિ. ધારો કે કોઈ એવું પ્રાણી પૃથ્વી પર પ્રગટે જેમની પાસે દસ જ્ઞાનેન્દ્રિયો હોય તો એમનું જગત કેવું હશે ? આપણા કરતાં જુદું હશે. ઘણું જુદું હશે. તો આપણે જે જગત જોઈએ છીએ તે જ જગત છે એમ ન કહી શકાય. આપણે જે જગત જોઈએ છીએ તે according to our perception. ‘અમે જગતને આમ જોઈએ છીએ, અમને આમ લાગે છે’ ફક્ત એમ કહી શકાય. ઘણા કલર એવા છે જે આપણે નથી જોઈ શકતાં. અલ્ટ્રાવાયોલોટ, ઈન્ફ્રારેડને આપણે ક્યાં જોઈ શકીએ છીએ ? બીજા પણ ઘણા રંગો એવા છે જે આપણી આંખ જોતી નથી. આપણે જોઈએ તેટલું જ પર્યાપ્ત છે એમ ન કહી શકાય. ઘણું એવું આ સૃષ્ટિમાં હશે જે આપણે જાણતાં નથી. એટલે ખરેખર તો એમ કહેવાય કે જે છે એનો ભારે નાનો ભાગ આપણે જોઈએ છીએ. પાંચ જ્ઞાનેન્દ્રિયોના અનુસાર જ આપણે જોઈએ છીએ. પાંચ કર્મેન્દ્રિયો દ્વારા વ્યવ્હાર કરીએ છીએ. અને અગિયારમું મન આ દશેય પર કાબૂ રાખે છે. આ એકાદશ આપણી ઈન્દ્રિયો છે.

જાગૃત અવસ્થામાં આ અગિયારેય કાર્યરત છે. એને જાગૃત અવસ્થા કહેવાય. આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, હાથ-પગ કાર્યરત છે. મન પણ કાર્યરત છે. જો મન કાર્યરત ન હોય તો આંખ જોઈ ન શકે, કાન સાંભળી ન શકે. તો આ બધું કાર્યરત હોય એને આપણે જાગૃત અવસ્થા કહીએ છીએ. સ્વપ્નાવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો કામ કરતી નથી. આંખ, કાન બધી ઈન્દ્રિયો પોતાના દ્વાર બંધ કરી દે છે. જગત સાથેનો જ્ઞાનેન્દ્રિયોનો સંપર્ક કપાઈ ગયો. કર્મેન્દ્રિયો પણ મોટે ભાગે કામ કરતી નથી. દશેય ઈન્દ્રિયો પોતાનું કામ બંધ કરી દે છે પણ મન જાગૃત હોય છે. મન કાર્યરત હોય તો એને ‘સ્વપ્નાવસ્થા’ કહેવાય. મન તો સ્વપ્નમાં કાર્યરત છે જ. હવે નિદ્રાવસ્થા એટલે શું ? પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો સહિત મન પણ પોતાનું કામ બંધ કરી દે અને સૂઈ જાય એ અવસ્થાને આપણે નિદ્રાવસ્થા અથવા ‘સુષુપ્તાવસ્થા’ કહીએ છીએ.

આધુનિક મનોવિજ્ઞાનમાં અને આપણા શાસ્ત્રોમાં પણ સ્વપ્નના ચાર પ્રકારો ગણાવ્યા છે. પહેલો પ્રકાર છે ‘નિરર્થક સ્વપ્નો’ જેનો કંઈ જ અર્થ હોતો નથી એવા સ્વપ્નો. ઊટપટાંગ સ્વપ્નો. બીજો પ્રકાર છે : ‘અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ માટેના સ્વપ્નો.’ અધૂરી ઈચ્છા સ્વપ્નમાં પૂરી થાય તે. ત્રીજા પ્રકારના સ્વપ્નો છે ‘ભવિષ્યદર્શનના…’ ક્યારેક કોઈને આવે છે. ભવિષ્યની ઘટના અગાઉથી સ્વપ્નમાં આવી જાય છે. દરેકને થોડો થોડો અનુભવ આ પ્રકારના સ્વપ્નનો હોય છે. ચોથા પ્રકારના સ્વપ્નો છે ‘આધ્યાત્મિક અનુભૂતિ’ના સ્વપ્નો. વિશેષ કરીને સાધકોને સ્વપ્નમાં અનેક પ્રકારની અનુભૂતિઓ થતી હોય છે. આ ચાર પ્રકારના સ્વપ્નો છે. પરંતુ નિદ્રાવસ્થામાં કશી જ ખબર નથી હોતી.

માનવચિત્તનું બંધારણ એવું છે કે જેનો નિત્ય સંપર્ક હોય, એ વિશેની જિજ્ઞાસા મંદ પડી જાય છે. ઘડિયાળ કાંડા પર હોય તો આપણને વિચાર પણ આવતો નથી કે આ કેવી રીતે ચાલતું હશે ? આપણને જિજ્ઞાસા પણ થતી નથી. ટીવી ઘરમાં હોય તો એવો વિચાર આવતો નથી કે લંડનમાં ભજવાતું દ્રશ્ય અહીં કેવી રીતે દેખાતું હશે ? કારણ કે નિત્ય દર્શનને કારણે જિજ્ઞાસા મંદ પડી જાય છે. આ ઊંઘ અને સ્વપ્ન પણ નિત્યના છે એટલે આપણને વિચાર પણ આવતો નથી કે આ ઊંઘ વળી શું છે ? ખરેખર આપણે ઊંઘ શું છે તે જાણીએ છીએ ? ના. કારણ કે ઊંઘમાંથી કોઈ સંદેશા જાગૃત અવસ્થામાં પહોંચતા નથી. આ ત્રણેય અવસ્થાની આપણને ખબર નથી. આધુનિક મનોવિજ્ઞાન આ ત્રણે અવસ્થાનો અભ્યાસ કરીને ચૂપ થઈ જાય છે. ઉપનિષદ ત્યાંથી આગળ વધે છે.

આ ત્રણેયથી પર એવી એક ચોથી અવસ્થા છે જેને ‘સમાધિ અવસ્થા’ અથવા ‘તુરીયાવસ્થા’ કહી શકાય. સમાધિવસ્થા અને નિદ્રાવસ્થા બહારથી સરખી લાગે છે. પરંતુ એમાં છ તફાવત છે. લોનાવાલાની એક સંસ્થાની લેબોરેટરીમાં સમાધિવસ્થાનું માપન કરવાના યંત્રો છે. એ Brain-Waves માપીને નક્કી કરે છે કે આ સમાધિ છે કે નિદ્રા છે ? એમ તો ‘એનેસ્થેસિયા’ આપો તો માણસ બેભાન થઈ જાય પણ એ કંઈ સમાધિ નથી. સમાધિ અને નિદ્રામાં છ તફાવત છે. જુઓ…, નિદ્રાવસ્થામાં તમોગુણનું આવરણ છે, સમાધિવસ્થા ત્રિગુણાતીત એટલે ત્રણેય ગુણોથી બહાર નીકળી જાય છે અથવા તો સત્વગુણ સમાધિ હોય છે. બીજો તફાવત એ છે કે સમાધિવસ્થામાં બાહ્ય રીતે બેભાન લાગીએ છીએ પણ આંતરિક જાગૃતિ પૂર્ણ હોય છે. નિદ્રામાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારની બેભાન અવસ્થા છે. સમાધિમાં બાહ્ય જગત સાથે કોઈ સંપર્ક નથી પરંતુ આંતરિક ચેતના સંપૂર્ણપણે જાગૃત હોય છે. લોનાવાલામાં અમે પ્રયોગ કરતાં કે કોઈ સાધુબાબા સમાધિમાંથી બહાર આવે તો અમે પૂછીએ કે આપને શું થતું હતું ? જો એ કહે કે મને ખબર નથી તો એ ખોટી સમાધિ. એ તો નિદ્રા કે બેભાનવસ્થા થઈ. બાહ્ય રીતે બેભાન પણ આંતરિક રીતે સંપૂર્ણ જાગૃતિ એ સમાધિઅવસ્થા છે. આ એની ત્રીજી ભિન્નતા છે. ચોથી ભિન્નતા છે કે નિદ્રામાંથી બહાર આવવાથી માનવની ચેતનાનું રૂપાંતર થતું નથી. જે હતા તે જ રહીએ છીએ. સમાધિમાંથી બહાર આવે તો માનવ ચેતનાનું રૂપાંતર થવું જોઈએ, તો જ સમાધિ સાચી. જે હતા એને એ જ રહીએ તો એ સમાધિ સાચી સમાધિ નથી. સમાધિમાં આલ્ફા-પેટર્ન એક્ટીવેટ થાય છે. નિદ્રામાં ડેલ્ટા-પેટર્ન એક્ટિવેટ થાય છે.

હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. આ પ્રણવ ઉપાસનાનો પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે ‘પ્રણવ ઉપાસનાનું ફળ શું ?’ તો એમ કહે છે કે પ્રણવ ઉપાસનાની એક માત્રાનો અભ્યાસ કરનારને પૃથ્વીલોકનું ઐશ્વર્ય, બે માત્રાની ઉપાસના કરનારને ચંદ્રલોકનું ઐશ્વર્ય, ત્રણ માત્રાની ઉપાસના કરનારને સૂર્યલોકનું ઐશ્વર્ય અને ચતુર્થ માત્રાની ઉપાસના કરનારને પરમ પદની પ્રાપ્તિ થાય છે. એ કેવી રીતે ? એની વિશેષ વિચારણા માણ્ડૂક્ય ઉપનિષદમાં થઈ છે. તેથી આપણે છઠ્ઠો પ્રશ્ન જે મુખ્ય છે તે લઈએ છીએ.

છઠ્ઠા ઋષિ કહે છે કે મારા આશ્રમમાં કૌશલ દેશના રાજકુમાર આવ્યા. એમણે મને પૂછ્યું કે ‘ષોડશકલ પુરુષને તમે જાણો છો ?’ હું ષોડશકલ પુરુષને જાણતો નહોતો તેથી મેં એમને કહ્યું કે ‘મને ખબર નથી.’ આ છઠ્ઠા ઋષિ મહર્ષિ પિપ્પ્લાદજીને પ્રશ્ન પૂછે છે કે ‘આ ષોડશકલ પુરુષ શું છે અને ક્યાં છે ?’ ષોડશકલનો અર્થ થાય છે કે ચંદ્રની સોળ કળા છે. ષોડશકલ એટલે સંપૂર્ણ પુરુષ અને સંપૂર્ણ પુરુષ એટલે પૂર્ણ પુરુષ. તો પૂર્ણપુરુષ ક્યાં છે ? પિપ્પ્લાદજી ઉત્તર આપે છે કે ‘તે તારી અંદર છે.’ ભાગવતમાં પણ કહ્યું છે કે ભગવાનનું નિવાસસ્થાન ક્યાં ? તો કહે માનવના હૃદયમાં. કારણ કે ત્યાં ષોડશકલ પુરુષ બેઠો છે. માનવની બધી જ વૃત્તિ કે પ્રવૃત્તિના આઠ કેન્દ્રો છે. આપણે જે બધું કરીએ છીએ તે આઠમાંથી એક અથવા બે અથવા સૌ મેળવવા માટે. આનંદ, પ્રેમ, શાંતિ, જ્ઞાન, શક્તિ, અમરત્વ, સ્વાતંત્ર્ય અને સૌંદર્ય – આ આઠની આપણી શોધ છે. એવું કોઈ કેન્દ્ર છે જેમાં આઠે આઠ સમાઈ જાય ? આ આઠેય કેન્દ્રનું પણ એક કેન્દ્ર છે જે ષોડશકલ પુરુષ છે. એક દષ્ટાંત જુઓ. દશ વર્ષની કન્યાએ હઠ કરી કે મા મારે નણંદ જોઈએ છે. તો મા કહે કે નણંદ સ્વતંત્ર રીતે ન મળે. તારા લગ્ન થાય અને તારે વર હોય તો નણંદ મળે. તો દીકરી કહે કે, ‘મા, મારે લગ્ન કરવા નથી. મારે વર ન જોઈએ પણ મારે નણંદ તો જોઈએ જ ! એટલું જ નહીં, મારે દિયર જોઈએ, દેરાણી જોઈએ.. જેઠ જોઈએ, જેઠાણી જોઈએ, સાસુ જોઈએ-સસરા જોઈએ… પણ મારે લગ્ન કરવા નથી….’ હકીકતે એમાંનું એકેય ન મળે. વર મળે તો બધું મળે. એમ આ આઠે-આઠ કેન્દ્રો વર મળે તો મળે અને એ વર એટલે ષોડશકલ પુરુષ. રાબિયા નામના સુફીસંત થઈ ગયા. એક સાંજે પાંચ સજ્જનો એમને મળવા આવ્યા. રાબિયા કંઈક ધૂળમાં શોધતા હતા. સજ્જનોએ પૂછ્યું કે ‘રાબિયા ક્યા ઢૂંઢ રહી હો ?’ રાબિયા કહે કે ‘મેરી સૂઈ ખો ગઈ હૈ….’ બધા એને મદદ કરવા માંડ્યા. ધૂળ ફંફોસવા માંડ્યા. પછી કંટાળી પૂછયું : ‘તુમ્હારી સૂઈ કહાં ખો ગઈ હૈ ?’ રાબિયા કહે કે ‘મેરી સૂઈ તો કુટિયાકે ભીતર ખો ગઈ હૈ…’ સજ્જનો કહે : ‘પાગલ હો ? ચીજ વહીં ઢૂંઢની ચાહીએ જહાં વો ખો ગઈ હૈ…. કુટિયા કે ભીતર સૂઈ ખો ગઈ હૈ ઔર તુમ ઢૂંઢ રહી હો બાહર ?’ રાબિયાએ કહ્યું : ‘મેં ભી વહી કહ રહી હું. ચીજ વહીં ઢૂંઢો જહાં ખો ગઈ હૈ….’ તમારો ષોડશકલ પુરુષ તમારી અંદર ખોવાયો છે. એને તમે બહાર શોધશો તો કેમ મેળ પડશે ? વગડામાં કોઈ માણસ શિયાળામાં એકલો ઊભો હોય અને ખૂબ ઠંડો પવન વાતો હોય… એની પાસે ગરમ વસ્ત્રો ન હોય… એને એમ થાય કે અગ્નિ મળે તો કામ થાય. દૂર એણે ભડકો જોયો અને એ દોડ્યો. ભડભડ મોટી જ્વાળા હતી. બાજુમાં એક મોટા કદનો અરીસો. એમાં પણ અગ્નિનું પ્રતિબિંબ પડે. બે અગ્નિ છે તો ક્યા અગ્નિ પાસે બેસવું ? એક બિંબ અગ્નિ એટલે કે મૂળ અગ્નિ અને બીજો દર્પણમાં પ્રતિબિંબિત થયેલો આભાસી અગ્નિ. અરીસાની અગ્નિ પાસે બેસે તો એની ઠંડી ન ઊડે. મૂળ અગ્નિ પાસે જાય તો જ એની ઠંડી ઊડે. એ મૂળ અગ્નિ તે ષોડશકલ પુરુષ છે. બધું જ મળે અને ષોડશકલ પુરુષ ન મળે તો કશું જ મળતું નથી. ષોડશકલ પુરુષ મળે અને બીજું કશું ન મળે તો પણ બધું જ મળે છે.

આ રીતે આ છ પ્રશ્નો સમાપ્ત થાય છે. બધા ઋષિઓ મહર્ષિ પિપ્પલાદને કહે છે કે ‘તમે અમારા ખરા પિતા છો. તમે અમને અવિદ્યામાંથી પાર ઉતાર્યા.’ ઉપનિષદના અંતિમ મંત્રમાં કહે છે કે : ॐ नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः પરમ ઋષિને નમસ્કાર, પરમ ઋષિને નમસ્કાર. હરિ ૐ.

[ વધુ આગળ વાંચો : ભાગ-2 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-2) – મૃગેશ શાહ
અંધારું અને પ્રેમ – રમેશ આચાર્ય Next »   

33 પ્રતિભાવો : સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-1) – મૃગેશ શાહ

 1. Rakesh Pandya says:

  I due respect your efforts and
  passion for “Upnishadas”.

 2. Hemangini says:

  ॐ सहनाववतु ||………………………सहनौभुनक्तु ||…………………………….
  सह वीर्यं करवावहै ||………………………………. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ||………………………….
  અમે અન્ય કોઈનો કે આપસમાં એકબીજાનો દ્વેષ ન કરીએ. શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો………….

  • yogesh says:

   Hello hemangini ben,

   thankyou so much for gujarati translation of this particular shlok. I do speak this shlok with my children and always wanted to look up the exact meaning of this one and here u go, u wrote it just for me.

   thanks again
   yogesh.

 3. Ankit says:

  સહુ પ્રથમ તો બાપુ ને ખુબ ખુબ ધન્યવાદ
  આજે જ્યાં ઉપનીશદ એ તો ફક્ત પંડિતો અને પુરોહિતો નો ચર્ચા નો વિષય બની ગયો છે ત્યારે આવા આયોજનો સમાજ માં શ્લોક થી લોક નું જોડણ કરે છે.
  બાકી તો મે બીજે ક્યાંય પણ આવા આયોજનો જોયા નથી.

  ત્યા ઉપસ્થિત અન્ય મહાનુભાવો, તત્વચિંતકો, તથા શ્રોતા ઓ નો પણ આભાર કે જે સહુંએ મ્ળી ને આ પુનિત કાર્ય રુપી યજ્ઞ માં પોતાની આહુતી પ્રદાન કરી.

  મ્રુગેશભાઈ આપ નો પણ આભાર માનું એટલો ઓછો છે; કે આપે રીડગુજરતી.કોમ દ્વારા ત્યા હાજર ન રહી શકનાર અમારાજેવા માટે પણ ત્યા ચર્ચાએલું શાષ્ત્રામ્રુત સુલભ કરી આપ્યું

  આભાર
  -અંકિત

 4. Diip says:

  ghanu j saro prayas che… aaj na vyast samay ma gyan malavavu ghanu j adhru che…

 5. Jigar Bhatt says:

  વિષય જ એટલો ગહન છે કે ફ્ક્ત એક વાર વાંચી જવાથી સમજાય નહિ……. ઓછા માં ઓછુ ૨ -૩ વાર વાંચવુ પડશે.

 6. Dr.Bipin Doshi says:

  મ્રુગેશભાઈ
  ગુજરાતિભાશિ લોકોનેી સેવા માટે આભાર્

 7. B K Bhanderi says:

  આપે જ્ઞાનયજ્ઞને વહાવીને બધાને સાચા આનન્દનુ પાન કરાવ્યુ છે, ધન્યવાદ.

 8. આભાર આપશ્રીનો અભિનંદન સાથ, મનગમતું સાહિત્ય આપે પ્રસ્તુત કર્યું હવે વાંચવા અને સમજવા કોશિશ કરીશ. ટીવીમાં ક્યારેક જોવા મળે છે, પૂજ્યશ્રી મોરારીબાપુ દ્વારા સંસ્કૃતિને ઉજ્જવળ કરતા કાર્યક્રમો સાથ સાક્ષર મહાનુભાવોને જોવા સાંભળવા અને સમજવાનો લાભ મળે છે.
  કૃપાળુ પરમાત્મા આપને આ અને આવા કાર્યો માટે ક્ષેમકુશળ રાખે એ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 9. જગત દવે says:

  વાંચીને થોડા પ્રશ્નો થયા?

  ૧. ઊપનિષદો અને વેદો કેમ વિલાયા છે?
  ૨. પરબ્રહ્મ ની ઊપાસનાની જગ્યા એ ૩૩ કરોડ દેવતાઓ ક્યારે આવી ગયા?
  ૩. ઋષિ-પ્રથા કેમ લુપ્ત થઈ?
  ૪. બાવા-સાધુ-સ્વામીઓ કેમ સમાજ પર હાવી થઈ ગયા?
  ૫. આ જ્ઞાન જન-જન સુધી વ્યાપ્ત કેમ નથી થઈ શકતું?
  ૬. હજુ પણ દરેક ઘરમાં જુદી જુદી પૂજાઓ, જુદી મૂર્તિઓ, જુદા ભગવાનો, સ્વામીઓનાં ફોટા કેમ જોવા મળે છે?
  ૭. કર્મની જગ્યા એ ત્યાગ કેમ પૂજાવા લાગ્યો?
  ૮. ગુણોની જ્ગ્યાએ વેશ કેમ પૂજાવા લાગ્યો?
  ૯. રાષ્ટ્રવાદની જગ્યા કેમ આત્મવાદ અને પ્રારબ્ઘવાદ કેમ ફેલાયો?
  ૧૦. मा विद्विषावहै ની જ્ગ્યા એ ધૃણા આધારીત જ્ઞાતિવાદ, અશ્પૃશ્યતા કેમ ફેલાઈ?
  ૧૧. આટલાં જ્ઞાન સાથે આપણે ગુલામી કેમ વેઠી?

  આ જવાબો શોધવા પણ એક “બોધસત્ર” પણ થવું જોઈએ. નહીતો ઈતિહાસ પાછો તેને દોહરાવા જઈ રહ્યો છે.

 10. MRUGESH BHAI – it is fantastic – unbelievable – superb coverage -thoroughly exhaustive – highly enlightning.
  I am forwarding your e_mail to all my e_mail friends – you will be getting my e_mails regularly. So let all of them benefit from this nice -dedicated detailed coverage. Congratulations to one and all -who are directly or indirectly associated with this.

  HAPPY DEEPAVALI AND NEW YEAR IN ADVANCE TO ALL OF YOU.

  FROM; NARENDRA M SHAH – nms1435@gmail.com

 11. Jayshree says:

  અતિ ઉત્તમ સાહિત્ય
  આભાર

 12. Upendra says:

  Excellent, keep coninue!

 13. મૃગેશભાઈ,

  કાંઇક ‘ધન્યવાદ’ જેવું કેહવાનો પણ મોકો આપો સાહેબ. અહીંયા તો એ શબ્દ નાનો લાગે છે.

  ચાલો એમ કહીએ કે “હાઈપર (સુપરથી વધુ) ધન્યવાદ’ તમારા આ ઉત્તમ પ્રદાન માટે.

  સુખી રહો!

 14. Rajesh Babariya (Saudi Arabia) says:

  Jai Shree Ram,

  Hut Bapu no atayat chahak chhu.. Eni amrutmay vaani mara jeevan ne gahnu bhadhu change kari didu chhe…Hu hamesha koshs karu ke bau no koi program miss na thai… Aaj na samay ma jo koi aavo sunder aayojan kartu hoi to fakt Pujay Morari bapu chhe… Aapna sacha grantho etle Ved and Upnishad parantu aapne bhadha bhuli rahya chhiye.. Bapu nu aa karya atayant prashanshniy chhe and aato Shree Hari ni krupe ke aapne ne aav sant malya chhe… Lakh Lakh Vandan Bapu ne..

  Mrugeshbhai nu kary to adbhut chhe.. Jene sanskrut satra website ma muki ghanu sunder kary karyu chhe..

  Fari Fari Aabhar and Jay Shree Ram.

 15. Rajesh Babariya (Saudi Arabia) says:

  બાપુ ને જય સિયારામ,

  આ કૃતિ અતયન્ત સુન્દર છે.. બાપુ ના મુખે થી રામ કથા નો રસપાન કરવો એ તો અમારા સૌભાગ્યનિ વાત છે.

 16. M.D.Gandhi, U.S.A. says:

  મોરારિ બાપુને મારા પ્રણામ.

  વાંચતાં પણ થાકી જવાય, પણ કેટલું બધું વૈવિધ્યસભર વક્તવ્યો છે. વક્તાઓએ કેટલાં બધા પુરાણો, વેદો, ઉપનિષદોનો અભ્યાસ કર્યો છે તેની અદભુત પ્રતીતિ થાય છે અને તેની પણ આવી સરસ રીતે રજુઆત કરવી એ મહાન પુરુષાર્થનું કામ છે. આ બધા વક્તવ્યો અને લેખો વાંચીને એમ લાગે છે કે જાણે ઘણા બધા પુરાણો, વેદોનો સરળ ભાષામાં અભ્યાસ થઈ ગયો. સાથે સાથે તમે પણ આ લેખો લખીને જે રજુઆત કરી છે તે પણ Mavellous છે. દરેક વક્તાઓ સાથે તમને પણ અભિનંદન.

 17. ઉપનિશદ વાચવા નો લાભ મલ્યો

 18. અશોક જાની 'આનંદ' says:

  મૃગેશભાઈ,

  સામાન્યપણે ઉપનિષદનું જ્ઞાન સરળ રીતે ઉપલબ્ધ નથી હોતું, સહુને સમજાય એવી ભાષામાં પ્રસ્તુત કરવું એ સ્વયં મહા ઉપલબ્ધિ છે, એ માટે તમે અભિનંદનના અધિકારી છો, સ્વીકારશો. આટલી દીર્ઘ અને ગહન લેખમાળા વાંચવાનો સમય હમણા તો નથી ફાળવી શકાયો પણ પુરો અવકાશ લઇ વાંચીશ અત્યારે તો ઉપરછલ્લી નજર માત્ર જ ફેરવી છે. આભાર્…!!!!
  આ જ્ઞાન તો પ્રીન્ટ કાઢી સાચવી રાખવા જેવું છે.

 19. dinesh master says:

  મ્રુગેશભાઇ,

  ટી.વી માં જોયુ હતુ તેની યાદ તાજી કરાવી. આ લેખના બીજા ભાગ ની આતુરતાથી રાહ જોઇએ chiye.

  ગુજરાતી સાહિત્યના ઉમદા લેખો દુનિયામાં ફેલાવવામા આપનો પ્રયાસ વંદનીયે che.

  આભાર

  • Editor says:

   ભાઈ શ્રી,

   તમામ ભાગો એક સાથે જ પ્રકાશિત થયેલા છે, જે આપ જોઈ શકો છો.

   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

 20. Jagruti Vaghela USA says:

  સંસ્કૃતસત્રનો આ વિસ્તૃત અહેવાલ આપવા માટે શ્રી મૃગેશભાઈનો ખૂબ ખૂબ આભાર.

  આપણા ઊપનિષદોના દિવ્ય વારસાને જિવંત રાખવાનો સુંદર પ્રયાસ.

 21. girish says:

  અતિ ઉત્તમ લેખ વચ્વનિ ખરેખર મજજઅ પદિ

 22. anirudh says:

  અતિ ઉત્તમ લેખ

 23. જય પટેલ says:

  સંસ્કૃત પર્વના દરેક વક્તાના વકતવ્યો પાંડિત્યથી સભર રહ્યા.

  શ્રી ભાગ્યેશ ઝાએ બૌધ્ધિક આતંકની વ્યાખ્યા આપી. બૌધ્ધિક આતંક…હું જે બતાવું તે જ જુઓ.
  કોઈના વિચારોને નીતિના ભાગરૂપે નિયંત્રીત કરવા પણ આતંક જ છે. વિચારોના હણનારને કોઈ
  આતંકવાદી નથી કહેતું પણ ભાગ્યેશજીની વ્યાખ્યા પ્રમાણે બૌધ્ધિક આતંકવાદી કહેવાય..!!
  કોઈ અખબારનો તંત્રી અખબારની કહેવાતી નીતિના ભાગરૂપે કટાર લેખકને સુચના આપી વિચારોની
  અભિવ્યક્તિનું હનન કરતો હોય તો તે તંત્રી બૌધ્ધિક આતંકવાદી તંત્રી જ કહેવાય.

  દરેક વૈચારિક મંથનમાંથી કઈંકને કંઈક નવું જાણવાનું મળે છે. આ સત્રમાંથી બૌધ્ધિક આતંક શબ્દ મળ્યો.
  સંસ્કૃત પર્વનો વિસ્તૃત અહેવાલ ખૂબ જ ખંત..ઉત્સાહ અને ધૈર્યથી તૈયાર કરી પ્રસ્તુત કરવા બદલ
  ખૂબ આભાર.

 24. hiral says:

  સૌ પ્રથમ, મૃગેશભાઇને ધન્યવાદ, આટલો સુંદર અહેવાલ તૈયાર કરવા બદલ. ખૂબ ખૂબ અભિનંદન.

  શરુઆતમાં લાગેલું કે બહુ બોરિંગ છે. બીજું, જાણતા અજાણતાં, જૈન ધર્મના આગમો અને સિધ્ધાંતો સાથે (જેટલું થોડું ઘણું સામાન્ય વાંચન છે, એનાં આધારે) મન ઉપનિષદના વર્ણનો સાથે સરખામણી કરી રહ્યું હતું. છતાં ઘણું જાણવા મળ્યું. . જો કે મેં તો હજુ એક ભાગ ૩ દિવસે વાંચ્યો, (વિષય જ એટલો ગહન છે).

  મને પ્રશ્નોપનિષદમાં વધારે રસ જાગેલો. પણ એની શરુઆત ઘણી બોરિંગ હતી. (જેમ કે, જૈન ધર્મ પ્રમાણે યજ્ઞથી અગ્નિકાય, વાયુકાય જીવોની હિંસા છે તો એનો નિષેધ કર્યો છે. પણ રુષિપ્રથામાં યજ્ઞ મુખ્ય હતા.બીજું જૈન ધર્મ પ્રમાંણે ભ્રહ્મા સૂષ્ટિના રચયિતા છે એવું કશું નથી))પણ પછી વાંચવાની મજા આવી. સૌથી વધારે અસરકારક વાત મને મારા માટે આ લાગી. જે કાયમ સાચવી રાખવા જેવી ખરી.

  —-
  કઠોપનિષદમાં એક મંત્ર છે કે नायमात्मा बलहीनेन लभ्यो આત્મા બળહીનને પ્રાપ્ત થતો નથી. બળનો અર્થ અહીં શરીરબળ નથી, પ્રાણબળની વાત છે. અધ્યાત્મ એ વીરોનો, મર્દોનો માર્ગ છે. કાયરોનું કામ નથી. અસાધારણ પ્રાણશક્તિ ન હોય તો ચક્રોનું ભેદન ન થાય. ચક્રોનું ભેદન થયા વગર બુદ્ધિપૂર્વક પુસ્તકો ગમે તેટલા વાંચીએ ચેતનાનું રૂપાંતર થતું નથી.

  ગુર્જિયેફના શિષ્ય ઉસ્પેન્કી અધ્યાત્મની શોધમાં ભારત આવેલા. ખૂબ ફર્યા અને પછી જઈને એક પુસ્તકમાં લખે છે કે ‘ભારતીય અધ્યાત્મવિદ્યા પાંડિત્યના બોજમાં દબાઈ ગઈ છે.’ પૂરેપૂરા નહિ પરંતુ આંશિક રીતે તેઓ સાચા છે. દસ-બાર વર્ષ સુધી વેદાંતનો અભ્યાસ કરનાર વેદાંતાચાર્યને પૂછીએ કે વેદાંતની સાધના શું ? તો કહેશે કે ‘એ અમને ખબર નથી. અમે તો દર્શન ભણ્યા છીએ.’ વેદાંત મૂળતઃ દર્શન નથી. એ મૂળતઃ અધ્યાત્મવિદ્યા અને સાધનતત્વ છે.

  —–

  આપણી જ્ઞાનેન્દ્રિયો અનુસાર આપણે જગત જોઈએ છીએ. કીડીનું જગત કેવું હશે ? કેવડું હશે ? માત્ર થોડીક ગંધ, બીજું કંઈ જ નહિ. ધારો કે કોઈ એવું પ્રાણી પૃથ્વી પર પ્રગટે જેમની પાસે દસ જ્ઞાનેન્દ્રિયો હોય તો એમનું જગત કેવું હશે ? આપણા કરતાં જુદું હશે. ઘણું જુદું હશે. તો આપણે જે જગત જોઈએ છીએ તે જ જગત છે એમ ન કહી શકાય. આપણે જે જગત જોઈએ છીએ તે according to our perception.

  —-
  દરેક વક્તાઓ અને અયોજકોનો પણ આભાર.

 25. prakash joshi says:

  આ૫નૉ લેખ વાંચીને અનહદ આનંદ થયો

 26. Manhar Sutaria says:

  મૃગેશભાઈ,
  આપને જેટલા ધન્યવાદ કરીયે તેટલા ઓછા છે. ફક્ત એક રુપક આપના માટે યોગ્ય લાગે છે અને તે છે ગણેશ ભગવાનનુ. જેમ તેમણે મહાભારત લખ્યુ હતુ તેમ તમો વર્ષોથી આ ગુજરાતી અને સંસ્કૃત સત્રો ને સાદ્રશ્ય અમારા સુધી પહોચાડો છો.
  તમારો, મોરારીબપુનો અને સર્વ જ્ઞાની વક્તાઓનો ખૂબ ખૂબ આભાર.

  મનહર સુતરિઆ

 27. Maheshchandra Naik says:

  સ્નેહી ભાઈ શ્રી મૃગેશભાઈ,
  પરમાત્માની કૃપા આપના પર હંમેશ રહો એવી મારી પ્રાર્થના છે, અમને મહુવા સુધી લઈ જવાનુ અને આપણી સંસ્કૃતીને વેદ-ઉપનિષદ સાથે પરીચિત કરાવવાનુ કાર્ય કરીને આપના ઋણી બનાવ્યા છે, આપના આ પ્રય્ત્નની દાદ દેવી પડે, સરાહના કરવી રહી.. આવતા અનેક વરસો સુધી વિદેશના ગુજરાતી પ્રેમી, પૂજ્ય મોરારી બાપૂના સાહિત્યસંગીઓ, ભાવકો અમારા જેવા પરદેશ- સ્થિત સાહિત્ય-સંગીતનો આનદ લેનાર સૌની આપને શુભકામનાઓ,
  આગામી દિવાળી પર્વના દિવસો માટે અને નવા વરસની આપને અને આપના સૌને તથા “રીડ ગુજરાતી” ટીમના સૌને અનેક શુભ કામનાઓ.
  એક વિનતી, અમારા ઈમેલ પર રોજ આપની પોસ્ટ મળે એવુ થાય તો વિશેશ આનદ………..
  મહેશચન્દ્ર નાયક–કેનેડા

 28. Bhavesh Merja says:

  ઈશાવાસ્યોપનિષદમાં શ્રી ભાગ્યેશ જહાજીએ સુંદર વાતો કહી છે. પરંતુ તેમનું એ વિધાન કે – “આ ઉપનિષદમાં એ માટે સૂર્ય ઉપાસના ભારોભાર અનેક શ્લોકોમાં આવે છે.” યોગ્ય નથી. વૈદિક લોકો સૂર્યને જડ પદાર્થ માનતા હતા અને વાસ્તવમાં તે છે પણ જડ જ. સૂર્યની રચના ઈશ્વરે કરી છે, પરંતુ તેથી સૂર્ય કંઈ ચેતન નથી થઈ જતો. સૂર્યના પ્રકાશ અને તેની ઊર્જાનો સદુપયોગ કરવો એ જ સૂર્યની ઉપાસના છે. તેને ઈશ્વર કે ચેતન માનીને પૂજા કરવી એ આંખનું કાજળ ગાલે ઘસવા જેવું છે.

  શ્રી ભાગ્યેશ જહાજીનું આ વિધાન પણ યોગ્ય નથી – “આ ઉપનિષદ કહે છે કે જડચેતન જે કાંઈ છે તે બધું જ ઈશ્વર છે. ઘણા લોકો માત્ર ચેતનતત્વ સાથે જ વાત કરે છે. આપણે સહેજ આગળ વધ્યા અને કહ્યું કે આ ટેબલ….આ પોડીયમ…આ માઈક અને હું – અમે જુદાં નથી ! આ એકત્વની ભાવના એ મનુષ્યની બુદ્ધિની ઊંચાઈ છે.” કારણ ઈશાવાસ્યોપનિષદમાં આવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. એ તો કહે છે કે ઈશ્વર સર્વવ્યાપક (=સર્વમાં અર્થાત્ જડ જગત અને ચેતન જીવાત્માઓમાં) વ્યાપક છે. ઈશ્વર “વ્યાપક” છે, જ્યારે જડ જગત અને ચેતન જીવાત્માઓ “વ્યાપ્ય” છે. વ્યાપક અને વ્યાપ્યનો ભેદ સમજવો જોઈએ. ટેબલ અને વક્તા બંને જુદા નથી – એવું બોલી તો શકાય છે, પરંતુ એક બાળક પણ એ વાતને માનશે નહિ.

  શ્રી ભાગ્યેશ જહાજી કહે છે – “છેલ્લા મંત્રમાં ઋષિ કહે છે ‘वयुनानि विद्वान्’ ‘હે સૂર્યદેવ, તમે તો કેટલા વિદ્વાન છો, અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે અમને માર્ગદર્શન કરો. અમને સારા પંથે લઈ જાઓ. તમે આ બધાના જાણકાર છો. તેથી અમે તમને વંદન કરીએ છીએ.” હકીકતમાં આ પ્રાર્થના ચેતન ઈશ્વરને કરવામાં આવી છે, જડ સૂર્યને નહિ. સૂર્ય તો ભૌતિક અચેતન પદાર્થ છે. ઈશ્વર જ આપણાં સઘળાં કર્મોને યથાવત્ જાણે છે અને ન્યાયપૂર્વક ફળ આપે છે.

  = ભાવેશ મેરજા

 29. Bhavesh Merja says:

  “કેનોપનિષદ” પર માનનીયા મૃદુલા મારફતિયાજીના પ્રવચનમાં કહેવાયું છે કે – “બ્રહ્મજ્ઞાન થતાં સાધકને પ્રતીતિ થાય છે કે વ્યક્તિના જીવનમાં જે કંઈ થાય છે એનો કર્તા પરમાત્મા જ છે… અરે, તેની પ્રેરણા વગર તો આંખની પાંપણ પણ હાલી નથી શકતી. એની પ્રેરણા વગર ઝાડનું પાંદડું પણ ફરકી નથી શકતું….પરમાત્મા જ સર્વનો કર્તા છે.”

  પરંતુ વાસ્તવમાં વૈદિક દર્શન અનુસાર ઈશ્વર અને આત્મા (=જીવાત્મા) – બંને ચેતન હોઈ કર્તા છે. ઈશ્વર પણ કર્તા છે, અને આપણે જીવાત્માઓ પણ કર્તા છીએ. ઈશ્વરનાં કામ ભિન્ન છે, અને જીવાત્માઓનાં કામ ભિન્ન છે. જીવાત્માઓ કર્મ કરવામાં સ્વતન્ત્ર છે, પણ ફળ ભોગવવામાં ઈશ્વરીય ન્યાય વ્યવસ્થામાં પરતન્ત્ર છે. એક વ્યક્તિ આતંકવાદી બની અનેક નિર્દોષ લોકોને મારી નાખે છે, એક ચોર ચોરી કરે છે, તો શું આ બધું હત્યા, ચોરી વગેરે ઈશ્વર કરે છે? ના, એ ઈશ્વર નહિ બલ્કે જીવાત્માઓ પોતાની કર્મ-સ્વતન્ત્રતાથી કરે છે. આથી “પરમાત્મા જ સર્વનો કર્તા છે” એ વિધાન દાર્શનિક રીતે ઠીક નથી.

  = ભાવેશ મેરજા

 30. Venkiteswaran K S says:

  I am happy to know that you have taken the responsibility to bring our good old UPANISHADS to a lay-man by translating it into Gujarati language. This definitely is a great effort to make our people adhered to our Great INDIAN CULTURE. I wish all the success for this effort and expect more in this direction.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.