સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-3) – મૃગેશ શાહ

[ ભાગ-2 થી આગળ…]

બૃહદારણ્યકોપનિષદ – વિજય પંડ્યા

પૂ.બાપુને પ્રણામ, આપ સૌને વંદન, મારી સાથેના વક્તાઓને નમસ્કાર. એક અડાબીડ અરણ્ય છે. બૃહદ અરણ્ય છે. એમાં ક્યાંક એક જ પ્રકારના વાંસના વૃક્ષોનું ઝૂંડ ઊગી નીકળ્યું છે. બીજી તરફ વડની વડવાઈઓનું મોટું વટવૃક્ષ છે. ત્રીજી તરફ ઝાડી-જાળા, વેલીઓ પણ છે. ક્યાંક સુંદર વનરાજીવાળું ઉપવન પણ છે. આવું બૃહદારણ્યક ઉપનિષદ વિશે કહી શકાય. બૃહદારણ્યક ઉપનિષદનું બાહ્ય સ્વરૂપ એ છે કે તે શતપથ બ્રાહ્મણનો આ ભાગ છે. આરણ્યક તો ખરું જ. બીજી વિશેષતા આ ઉપનિષદના બાહ્ય કલેવરની એ છે કે એમાં ત્રણ કાંડ છે : મધુ કાંડ, મુનિ અથવા યાજ્ઞવલ્ક્ય કાંડ, ખિલ કાંડ. દરેક કાંડના બે-બે અધ્યાય એમ કુલ છ અધ્યાયો છે. દરેક અધ્યાયના ખંડોને ‘બ્રાહ્મણ’ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે એ બ્રાહ્મણ પણ છે, આરણ્યક છે અને ઉપનિષદ તો ખરું જ ! એટલે કે બૃહદારણ્યક ઉપનિષદમાં બધું જ છે. આ એની વિશેષતા છે.

બીજી વિશેષતા એ છે કે આ બૃહદ અડાબીડ અરણ્ય છે એમાં ક્યાંક ગુફા છે. ઉપનિષદની ભાષામાં એને ગુહા કહી શકાય. એ ગુહામાં ક્યાંક પાછું કોઈક ચૈતન્ય તત્વ છે. બૃહદ એટલે કે બ્રહ્મ અને વૈશ્વિક ચૈતન્ય. ગુફામાં રહેલું ચૈતન્ય એટલે આત્મા, જે અતિ સુક્ષ્મ. એ રીતે બૃહદ અને સુક્ષ્મ, મહત અને અણુ. મને લાગે છે કે દાર્શનિક શાસ્ત્રોના વિકાસના ઈતિહાસમાં સૌથી મોટું પ્રદાન જો કોઈ ઉપનિષદનું હોય તો તે બૃહદારણ્યક ઉપનિષદનું છે. વૈશ્વિક ચૈતન્ય અને વૈયક્તિક ચૈતન્ય એટલે કે બ્રહ્મ અને આત્મા એ બંનેના એકત્વનું નિરૂપણ કરતું અને અદ્વૈત સાધતું આ ઉપનિષદ છે. તે એનું સૌથી વધારે અસરકારક પ્રદાન છે. વિદ્વાનોએ કહ્યું છે તેમ બૃહદારણ્યક ઉપનિષદ કદાચ પ્રાચીનમાં પ્રાચીન ઉપનિષદ છે. આટલી એની મુખ્ય બાબત વિશે વાત છે.

બૃહદારણ્યક ઉપનિષદનો આરંભ અદ્દભુત છે. આપણને એમ થાય કે કઈ સર્જક ચેતનામાં આ વાત રજૂ થઈ છે ! એક રૂપકથી આ ઉપનિષદ શરૂ થાય છે. ‘ઉષા એ યજ્ઞના પવિત્ર અશ્વનું મસ્તક છે’ એમ સૌથી પહેલી પંક્તિમાં કહેવાયું છે. ‘એની આંખ સૂર્ય છે. એનો વાયુ એ પ્રાણ છે. એનું ખુલ્લું મુખ એ વૈશ્વાનર અગ્નિ છે. સંવત્સર એ એનું શરીર છે. સ્વર્ગ એની પીઠ છે. અંતરિક્ષ ઉદર છે. પૃથ્વી એની ખરી છે. દિશાઓ એના પડખાં છે. બાકીના જે ખૂણાઓ છે તે એની પાંસળીઓ છે. ઋતુઓ છે એ અંગો છે. મહિનાઓ અને પખવાડિયાઓ એ એના સાંધાઓ છે. રાત અને દિવસ એ એના પગ છે. નક્ષત્ર એનાં હાડકા છે. વાદળો એના માંસ છે. પેટનું ન પચેલું અન્ન તે રેતી છે. નદીઓ એની નસ છે. કાળજુ અને બરોડ તે એના પર્વતો છે. ઔષધિઓ અને વનસ્પતિઓ તે તેના રૂવાંડા છે. સવારનો ઉગતો સૂર્ય તે એના શરીરનો આગલો ભાગ છે. આથમતો સૂરજ એ એના શરીરનો, અશ્વનો પાછળનો ભાગ છે. એ જ્યારે બગાસું ખાય છે ત્યારે વિજળી થાય છે. એ જ્યારે આખું શરીર હલાવે છે ત્યારે ગર્જનાઓ થાય છે. જ્યારે તે મુત્રવિસર્જન કરે છે ત્યારે વરસાદ વરસે છે. જ્યારે તે હણહણાટી કરે છે, એ એની વાણી છે.’ આ અશ્વનું આવું રૂપક અહીં અપાયું છે. અહીં બધા સમયના એકમ લીધા છે. અહીં અશ્વને શું ગણવું એ પ્રશ્ન છે. કોઈ એક જ અર્થઘટનમાં સીમિત રહી શકે એવું આ રૂપક લાગતું નથી. એને જગતનું રૂપક પણ ગણી શકીએ. ઋષિ અહીં કહે છે કે એ યજ્ઞનો અશ્વ છે. એટલે એ સાથે યજ્ઞ સંસ્કૃતિને પણ જોડી શકાય.

આ ઉપનિષદ પરંપરાનું અનુસંધાન તો કરે છે, પરંતુ પરંપરાથી વિચ્છેદ પણ કરે છે. ઉપનિષદો વિશે એમ કહેવાયું છે કે તે ત્રણ ‘R’ છે. ‘Revelation’ એટલે કે શ્રુતિ. ઉપનિષદને શ્રુતિનું મસ્તક કહ્યું છે. બીજો R છે એ ‘Rebellion’ એટલે કે બળવો. કર્મકાંડની પરંપરાની અતિશયતા સામે ઉપનિષદે વિચ્છેદ પણ સાધ્યો છે, બળવો પોકાર્યો છે. ત્રીજો R છે ‘Renaissance’ એટલે કે પુનરુથ્થાન છે. ઉપનિષદોએ નવજાગરણનો કાળ છે. મહર્ષિ અરવિંદ કહે છે કે શેરીની બહાર નીકળેલા બાળકને હાથી જોવા મળી જાય એવું અહીં વિરાટ અશ્વના રૂપનું આ ઉપનિષદના આરંભમાં વર્ણન આવ્યું છે, જે ચકિત કરનારું છે. એનો સાચો અર્થ હજુ આપણે નથી કરી શક્યા.

એ પછી જીવનું પરિમાણ આપ્યું છે. વાળની ટોચના સો ભાગ કરો, એમાંથી એક ભાગ લો, એ ભાગના વળી સો ભાગ કરો, એટલું જીવનું પરિમાણ છે. શ્વેતાશ્વતર ઉપનિષદે આટલે સુધી કહ્યું છે. અહીં ઋષિ ઉમેરે છે કે આટલો સુક્ષ્મ જીવ એ અનંતને માટે શક્તિમાન બને છે. કઠોપનિષદ કહે છે કે જે સુક્ષ્માતિસુક્ષ્મ છે એ જીવ આ જગતમાં આવેલી મોટામાં મોટી વસ્તુ કરતાં પણ મોટો છે, અને એ બંને એક છે. આ વસ્તુ કેવી રીતે થઈ શકે ? બ્રહ્મન અને આત્મનનું અદ્વૈત ઋષિ અનેક રીતે સિદ્ધ કરે છે. બધા જ ઉપનિષદો જુદા જુદા સ્થળે, જુદા જુદા સમયે રચાયેલા પરંતુ આ બધા જ ઋષિઓની એક જ ખોજ છે અને તે છે અદ્વૈતની. બ્રહ્મન અને આત્મનના અદ્વૈતની. બધા જ મુખ્ય ઉપનિષદોમાં આના સંકેતો મળે છે. બ્રહ્મન એટલે જે સતત વિકસતું રહે છે અને જે સતત વૃદ્ધિ પામતું રહે છે તે. બીજી બાજુ આત્મન છે. એ બંને જુદા જુદા છેડેથી જાણે પ્રવાસ કરે છે અને છેવટે બંને એક થઈ જાય છે. એ અદ્વૈત એ આપણા ઋષિઓની મોટી શોધ છે.

હવે બીજા કાંડની વાત. એ ‘મુનિ કાંડ’ અથવા ‘યાજ્ઞવલ્ક્ય કાંડ’ નામે ઓળખાય છે. જનકરાજાની સભામાં તત્વચિંતકો બ્રહ્મની ચર્ચા કરી રહ્યાં છે. જનકરાજાની જિજ્ઞાસા છે કે આ સર્વે ચિંતકોમાં બ્રહ્મનિષ્ઠ એટલે કે બ્રહ્મને સૌથી વધુ જાણનારો કોણ છે ? એની પરીક્ષા કરીએ. રાજાએ જાહેર કર્યું કે એક હજાર ગાયો છે અને પ્રત્યેક ગાયોના શિંગડે સોનામહોર લગાવેલી છે, જે બ્રહ્મિષ્ઠ હોય તે આ ગાયોને લઈ જઈ શકે. યાજ્ઞવલ્ક્ય એ સભામાં હતા. એમણે એમના શિષ્યને કહ્યું કે ‘હાંકી લે આ ગાયોને !’ એમના સમકાલીન તત્વચિંતકો પણ વિદ્વાન હતા. એમાંથી એકે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે ‘યાજ્ઞવલ્ક્ય, શું તમે એમ માનો છો કે તમે સૌથી વધારે બ્રહ્મિષ્ઠ છો ?’ યાજ્ઞવલ્ક્ય કહે છે કે ‘બ્રહ્મિષ્ઠ હોય એને મારા નમસ્કાર હજો. મને તો ગાયો જોઈએ છે…’ યાજ્ઞવલ્ક્યમાં મને એ વાત સારી લાગી છે કે એમનામાં આવી રમૂજવૃત્તિ છે. એ પછી જે ચર્ચા આરંભ થાય છે એમાં નક્કી થાય છે કે ‘તમે બ્રહ્મિષ્ઠ છો એમ સાબિત ન થાય ત્યાં સુધી ગાયો લઈ જઈ ન શકાય.’ એમાંથી જે સંવાદો થયા છે, એ મને લાગે છે કે જગતે આવા સંવાદો કદી સાંભળ્યા નથી. એમાં નવ સંવાદો આવે છે. કુલ આઠ વ્યક્તિઓએ નવ વખત યાજ્ઞવલ્ક્ય સાથે ચર્ચા કરી છે. એમાં એક ઉષસ્ત-ચાક્રાયણ કરીને છે એ યાજ્ઞવલ્ક્યને એક પ્રશ્ન પૂછે છે જે વિચારવા જેવો છે. એ પૂછે છે કે ‘જે સાક્ષાત આપણી નજર સામે બ્રહ્મ છે, જે સર્વના અંતરમાં આત્મા છે તે બ્રહ્મ વિશે મને સમજાવો.’ યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપતા કહે છે એક સરસ નાનકડું વાક્ય કહે છે. ઉપનિષદમાં આવા અસંખ્ય નાના વાક્યો છે. કોઈ પણ ખંડમાંથી આવા ગહન સત્યો આપણને મળશે. યાજ્ઞવલ્ક્ય કહે છે કે ‘આ તારો આત્મા સર્વાન્તર છે.’ અહીં ફરીથી ઋષિ વૈશ્વિક ચૈતન્ય અને વૈયક્તિક ચૈતન્ય વચ્ચે અદ્વૈત સિદ્ધ કરે છે. ઋષિ આ વાત જુદી જુદી રીતે પ્રસ્થાપિત કરવા માગે છે. અહીં ઋષિ કહે છે ‘एषः ते आत्मा सर्वान्तरः’ ઉષસ્ત-ચાક્રાયણ ફરી પૂછે છે કે ‘કયો આત્મા સર્વાન્તર છે ?’ યાજ્ઞવલ્ક્ય વૈયક્તિક ચૈતન્યની વાત કરતાં કહે છે કે ‘જે પ્રાણોનો પણ પ્રાણ છે તે આત્મા સર્વાન્તર છે, જે અપાનનો પણ અપાન છે તે આત્મા સર્વાન્તર છે…’ અહીં આ પ્રાણ, અપાન, ઉદાન વગેરે વૈયક્તિક ચૈતન્યની વાતો છે. હજુ ઉષસ્તને સંતોષ થતો નથી. ઉષસ્ત કહે છે કે ‘તમે તો સાધારણ માણસો જેવી વાત કરો છો. આ સભા સાધારણ માણસોની નથી.’ એ પછી યાજ્ઞવલ્ક્ય ગહન ચિંતનમાં સરી પડે છે. આ ઉપનિષદમાં એવું ઘણીવાર બને છે કે ઋષિ સ્વગતોક્તિમાં સરી પડે છે. ઋષિ આજુબાજુનું ભાન ભૂલીને પોતાની અંદર લીન થઈ જાય છે. છેલ્લે યાજ્ઞવલ્ય કહે છે કે, ‘એ સર્વાન્તરાત્મા એ છે કે જે દૃષ્ટિના દષ્ટાને તમે જોઈ શકતા નથી.’ આપણે જોવાનું કાર્ય કરીએ છીએ દષ્ટિથી પરંતુ એને જોવાનું કાર્ય કોણ કરે છે ? યાજ્ઞવલ્ક્ય કહે છે કે : ‘સાંભળનારના સાંભળનારને તમે સાંભળી શકતા નથી. જે મનનની ક્રિયાના વિચારનારને તમે વિચારી શકતા નથી. જાણવાની જે ક્રિયા છે એ જાણવાની ક્રિયાના જાણનારને તમે જાણી શકતા નથી.’ આ ઉડ્ડયન યાજ્ઞવલ્ક્યે કર્યું છે. ઉપનિષદોને એટલે જ ગિરિમાળા કહી છે. કોઈકે કહ્યું છે કે ભારતનો આત્મા હિમાલય છે. એ રીતે એમ પણ કહેવામાં આવ્યું છે કે આત્માનો હિમાલય એ ઉપનિષદો છે. બૃહદારણ્યક પોતે જ સમસ્ત તત્વચિંતનનું એક શિખર છે. યાજ્ઞવલ્ક્ય કહે છે કે ‘આના સિવાયનું બીજું બધું દુઃખદ છે.’ ‘एषः ते आत्मा सर्वान्तरः’ વૈયક્તિક અને વૈશ્વિક ચૈતન્ય વચ્ચે અદ્વૈત સાધવા ઋષિ આ રીતે સતત કોશિશ કરે છે.

એ પછી ચર્ચા આગળ ચાલે છે અને ઉદ્દાલક-આરુણિ આવે છે. તેઓ અન્ય ઉપનિષદની જેમ અહીં પણ બરાબર પ્રશ્ન કરે છે. એમાં ‘અંતર્યામી’ની ચર્ચા કરે છે. એ વેદાંતની પ્રસિદ્ધ ચર્ચા છે. એ ચર્ચામાં પણ અંતે એમ કહેવામાં આવે છે કે ‘જે અંતર્યામી અંદરથી પૃથ્વીનું નિયમન કરે છે તે एषः ते आत्मा सर्वान्तरः એવો તારો આત્મા સર્વાન્તર છે.’ ફરી એક વાર એમણે વૈશ્વિક ચૈતન્ય સાથે વૈયક્તિક ચૈતન્યનું ઐક્ય સાધ્યું. યાજ્ઞવલ્ક્યએ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, એમ ત્રણેય રીતે એકત્વ સાધ્યું છે. આ ત્રણે વખતે યાજ્ઞવલ્ક્ય કહેતા રહે છે કે ‘જે આની અંદર છે, જે આનાથી જુદો છે, જે આનું નિયમન કરે છે એ આત્મા અમૃત છે.’ જેમ કે આધિભૌતિકની વાત કરતી વખતે યાજ્ઞવલ્ક્ય કહે છે કે ‘જે બધા પ્રાણીઓમાં રહેલો, બધા પ્રાણીઓથી જુદો, જેને બધા પ્રાણીઓ જાણતા નથી, જેના સર્વ પ્રાણીઓ શરીર છે, જે બધા પ્રાણીઓનું અંદરથી નિયમન કરે છે – હે ઉદ્દાલક-આરુણી, આવો તારો આત્મા એ અમૃત છે.’ એમ કુલ 21 વખત આ રીતે ચર્ચા કરે છે.

‘અદ્વૈત’ શબ્દ પહેલવહેલો માંડુક્યોપનિષદમાં વપરાયેલો છે. બૃહદારણ્યકમાં ક્યાંય અદ્વૈત શબ્દ નથી વપરાયો. એ પછી યાજ્ઞવલ્ક્ય આગળ કહે છે કે ‘બ્રહ્મ ‘અદૃષ્ટ’ એટલે કે અદશ્ય છે. એને કોઈ જોઈ શકતું નથી, એ તો જોનારો છે. એને સાંભળી શકાતો નથી, એ સાંભળનાર છે. એનો વિચાર કરી શકાતો નથી, એ વિચાર કરનાર છે. એને જાણી શકાતો નથી, એ સઘળુંય જાણનાર છે. એના સિવાય બીજો કોઈ જોનાર છે નહીં, એના સિવાય બીજો કોઈ સાંભળનાર છે નહીં, એના સિવાય બીજો કોઈ વિચારનાર પણ છે નહીં. એના સિવાય બીજો કોઈ જાણનાર પણ છે નહીં. છેલ્લે કહે છે કે ‘એવો તારો આત્મા અમૃત છે, એના સિવાયનું બાકીનું બધું દુઃખ ભર્યું છે.’ જ્યાં સુધી અદ્વૈત સિદ્ધ ન થાય ત્યાં સુધી અન્ય બધું દુઃખરૂપ છે. એ પછી એમાં ગાર્ગીના પ્રશ્નો છે. એ પણ એક સુંદર ભાગ છે.

એ પછી યાજ્ઞવલ્ક્ય-મૈત્રેયીનો સંવાદ છે એ પણ અદ્દભુત છે. પતિ-પત્નીનો આવો સંવાદ જગતે કદી સાંભળ્યો નથી. એ પણ એક શિખર છે. ઘણા વિદ્વાનોએ યાજ્ઞવલ્ક્ય-મૈત્રેયીના સંવાદને આ ઉપનિષદનું ઉચ્ચતમ શિખર કહ્યો છે. બૃહદારણ્યકની જે છેલ્લી વાત આવે છે તે એ છે કે બ્રહ્મને જાણી શકાતો નથી કારણ કે જાણવું એ દ્વૈતી ક્રિયા છે. બ્રહ્મન કદી ‘ઓબ્જેકટ’ બની શકે નહીં. બ્રહ્મન કદી કર્મ બની શકે નહિ. બ્રહ્મન હંમેશા ‘સબ્જેકટ’ જ હોય. બ્રહ્મન હંમેશા કર્તા જ હોય. એટલે એને કદી જાણી શકીએ નહીં. જાણવું એટલે બનવું. ‘To know is to be’ એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. છેલ્લી અદ્વૈતની આ વાત આવે છે. આપ સૌનો આભાર.

તૈત્તિરીયોપનિષદ – વસંત પરીખ

આ બે દિવસથી સતત આપણે બ્રહ્મવિચારમાં અવગાહન કરી રહ્યા છીએ. એનાથી એક મૂંઝવણ થાય છે કે આ શબ્દના અરણ્યમાં ખોવાઈ ગયેલી સોયને શોધશું કઈ રીતે ? રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ એક વાત કહી છે, જે તમે જાણતા જ હશો. તમે ન જાણતા હોવ એવું કશું જ હું નથી બોલવાનો ! ટાગોરે એમ કહ્યું કે ‘હે પરમાત્મા, તારી ભાષા તો સમજાય એવી છે. સરળ છે. પરંતુ તારી ભાષા સમજાવનારાઓની ભાષા સમજાતી નથી !’ ઉપનિષદની પાસે સીધા જઈએ તો બહુ મજા આવે. પરંતુ બધા ભાષ્યો એક સાથે વાંચીએ તો આપણે મરાઈ જઈએ ! બધા ભાષ્યો એની જગ્યાએ ઉત્તમ છે. બધા ભાષ્યો એક સાથે વાંચીએ તો આંટી પડે અને છેડો ગૂંચવાઈ જાય એમ ગૂંચવાઈ જવાય. એટલે મને થયું કે સીધે સીધા ઉપનિષદ વાંચુ એ જ સારું. અહીં વિદ્વાનોના વક્તવ્યો સાંભળી હું તો ગભરાઈ ગયો પરંતુ શ્વેતાશ્વેતર ઉપનિષદના છેલ્લા વાક્યે મને શાંતિ મળી. એમાં ઋષિ એમ કહે છે કે ‘આ બધી વાત મેં કરી એ તો ‘तप प्रभावात, देव प्रसादात’ તપના પ્રભાવને કારણે અને દેવના પ્રસાદને કારણે.’ એટલે મેં વિચાર્યું કે આમાં મને કહ્યું લાગુ પડે ? તપ તો આપણને માફક ન આવે. હવે તપ કરું, જેમ કે હું ઉપવાસ કરું તો બીમારીના ઉપવાસને કોઈ તપ ન ગણે !! બાકી પરમાત્માની કૃપા હોય, એની ઈચ્છા હોય તો આમાં કાંઈક આપણને સુઝ પડે.

આ ઉપનિષદ આપણને એવું કહે છે કે તમે જેટલું જાણો છો એ બધું ભૂલી જાઓ તો તમે મારામાં પ્રવેશી શકો. આ સિવાય બીજું કંઈ થઈ શકે નહીં. આપણા ઉપનિષદોમાં આવે છે કે જાણે છે તે પામે છે. પરંતુ મારો અંગત અનુભવ એવો છે કે જે જાણે છે તે પામવાથી બહુ આઘો રહી જાય છે, જે પામે છે તે આપોઆપ જાણી જાય છે. આ અનુભવની વાત છે એટલે એમાં બીજો કોઈ અર્થ તમારે ન કરવો. જાણવાથી પમાતું નથી, જાણવાથી કેવળ જણાય જ છે. એ ભાષણ કરવામાં કામ આવે છે. એ પામવામાં કામ નથી આવતું. જે પમાઈ જાય છે તે પમાઈ જાય છે, એ કેમ પમાઈ જાય છે એ ખબર નથી પડતી. એટલે તો ઉપનિષદ શબ્દનો એક અર્થ છે ‘રહસ્ય’. જેને ઉકેલી ન શકાય એને રહસ્ય કહેવાય, જેને ઉકેલી શકાય એને સિદ્ધાંત કહેવાય. રહસ્યને રહસ્ય રહેવા દ્યો. એને ઉકેલો મા, એને માણો. તૈત્તિરીય ઉપનિષદ એ રહસ્યને માણવાની ઉપનિષદ છે. એટલે આપણે એમાં ઊતરીએ છીએ ત્યારે ગંભીર થવાની બિલકુલ જરૂર નથી. એમાં ‘આનંદ-મીમાંસા’ છે. પછી તો ઋષિ મીમાંસા શબ્દ પણ નથી વાપરતા. આનંદનું કંઈ પિષ્ટપેષણ કરાય ? ઘણા લોકો હાસ્યરસ પર એવી ગંભીરતાથી ભાષણ કરે કે આપણને એમ થાય કે કોઈ દિવસ જિંદગીમાં આપણે હસી જ નહીં શકીએ ! અનેક પ્રકારોની વાત કરે અને અઘરું અઘરું બોલે. રહસ્યને માણવાનું હોય. આનંદને માણવાનો હોય. આનંદની વ્યાખ્યા ન હોય. આ આખુંય ઉપનિષદ આનંદોપનિષદ છે.

બધાએ કહ્યું કે આ ઉપનિષદની વાણી કવિતા છે. વાત બિલકુલ સાચી છે. રહસ્ય બહુ બહુ તો કાવ્ય દ્વારા અભિવ્યક્ત થઈ શકે. આ બધી મૂંઝવણ એટલા માટે છે કે જે શબ્દાતીત છે એને શબ્દો દ્વારા ઓળખવાના પ્રયાસો આપણે કરીએ અને એને કારણે ઉત્પન્ન થતું કન્ફ્યુઝન આપણને શુદ્ધ આનંદ સુધી પહોંચવા દેતું નથી. આ કન્ફયુઝનમાંથી મુક્ત થવાની આ ઉપનિષદ છે. હું આ ઉપનિષદ માટે એક શબ્દ વાપરું છું કે આ ‘ગાતું ઉપનિષદ’ છે. તૈત્તિરીયોપનિષદ ગીત-કવિતા છે. એ ગીત છે. એક ઋષિના હૃદયમાં જે હિલ્લોળ ઉત્પન્ન થયો એ ગીત રૂપે પ્રગટ થયો. એ આ તૈત્તિરીયોપનિષદ છે. કાશ્મીરી શૈવદર્શનમાં એક સુત્ર છે કે ‘આત્માનો ઉલ્લાસ છે એ જ આત્મસાક્ષાત્કાર છે.’ આ સિવાય બીજું કંઈ નથી.

તૈત્તિરીયઉપનિષદ નાનું ઉપનિષદ છે. એમાં એકેએક મંત્રનું અહીં વિવરણ કરવું નથી. પરંતુ એમાં જે બે-ત્રણ સરસ વાતો મળી છે, કેવળ એના તરફ મારે આપનું ધ્યાન કેન્દ્રિત કરવું છે. આ એક એવી સરસ ઉપનિષદ છે કે જેમાં આ સંસાર કે સૃષ્ટિ મિથ્યા છે કે ખોટી એવું નથી કીધું. ‘સંસાર પણ પરમતત્વનો જ આવિષ્કાર છે, એ પણ માણવા જેવો છે’, એમ આ ઉપનિષદ કહે છે. એમાં પછી સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન આવે છે પરંતુ એ માણવાનું છે. ઋષિ કહે છે કે એને પણ તમે માણો. એનાથી ભાગો નહિ. આ વાત આ ઉપનિષદ બહુ સરસ રીતે કરે છે. ફિલ્મ ચિત્રલેખામાં એક ગીત આવે છે કે ‘અપમાન રચયિતા કા હોગા અગર રચના કો તુમ ઠુકરાઓગે, સંસાર સે ભાગે ફીરતે હો, ભગવાન કો ક્યા તુમ પાઓગે !’ આ સંસાર એની રચના છે. એ રચના એના સંકલ્પથી કે એની ઈચ્છાથી કે એની ઈશાની શક્તિ – જેનાથી થઈ હોય એનાથી, પરંતુ એને છોડવાની વાત આ ઉપનિષદ કરતું નથી. સંસારની આરપાર નીકળી જવાનું છે. આવી સરસ વાત ગુરુમુખે કહેવાય છે. બધા ઉપનિષદમાં ગુરુ-શિષ્ય સંવાદ તો આવે જ છે. પરંતુ અહીં તો ગુરુનો શિષ્ય પ્રત્યે અપાર પ્રેમ પ્રગટ થયો છે. ગુરુ શિષ્ય પર એટલા બધા પ્રસન્ન થાય છે કે દિલની વાત કહેતા હોય એમ બધું જ કહી દે છે. શિષ્ય પ્રત્યેનો એનો નિર્વ્યાજ પ્રેમ અહીં પ્રગટ થતો હોય એવા એના દરેક વાક્યમાંથી જોવા મળે છે. અહીં સમષ્ટિ અને વ્યક્તિ વિશે વિચારીએ તો એ બંને વચ્ચે ભેદ છે જ નહિ. અનુભવના ઊંડાણમાં એ બંને ભેદ ઓગળી જાતા હોય છે. એટલે કે અદ્વૈતથી પણ ઉપરથી આ વાત છે. અદ્વૈતમાં દ્વૈતનો નકાર થાય છે પરંતુ નકાર કોનો થાય ? જે હોય એનો નકાર થાય. જે નથી એનો નકાર ન થાય. અદ્વૈતમાં દ્વૈતનો અર્થ એમ થયો કે એનો સ્વીકાર કર્યા પછી એનો નકાર કર્યો. માટે સૃષ્ટિનો સ્વીકાર કર્યા પછી જો એનો નકાર કરવો હોય તો એની વ્યાપકતામાં એને ઓગાળી દઈને જ નકારની ભાષા તમે બોલી શકો. આ વાત આ ઉપનિષદ કરે છે. ગુરુ કહે છે કે ‘આ વાત મેં તને કરી પરંતુ આ મારો અનુભવ છે. મારો અનુભવ હું તારામાં સંક્રાન્ત ન કરી શકું.’ શક્તિપાતથી કુંડલિની જાગૃત થતી હોય તો થતી હોય પરંતુ શક્તિપાતથી સમાધિ સંક્રાન્ત ન થાય. એ તારે જ કરવી પડે. માટે શિષ્યને તૈયાર કરવા માટે આ ઉપનિષદમાં ઉપદેશો આપ્યા છે. આ બધા ઉપદેશના મંત્રો ગાઈ શકાય એમ છે પરંતુ હું મારા સ્વરમાં ગાઉં તો એ ઋષિનું અપમાન થાય અને તમારી આખી સાંજ બગડે !!

ઋષિએ શિષ્યને કહ્યું કે : ‘હવે હું તને સંહિતોપનિષદ કહું છું. અહીં શંકરાચાર્યની એક વાત મને કહેવાનું મન થાય છે. હું માનું છું કે ઋષિઓએ સાક્ષાત્કાર કર્યો એવો શંકરાચાર્યે કર્યો હશે એવી પ્રતીતિ મને થયા કરે છે એટલે એમની વાણી હું વચમાં લઉં છું. બીજાના ભાષ્યોમાં મને એવી શ્રદ્ધા નથી. શંકરાચાર્યે ક્યારેય એમ નથી કહ્યું કે હું આ બધું મારા અનુભવો પરથી કહું છું. આ એક એવી વિભૂતી હતી કે જેણે કદી એમ નથી કહ્યું કે હું આત્મસાક્ષાત્કાર કરી ચૂક્યો છું. જેને આત્મસાક્ષાત્કાર થયો હોય એ કદી એમ ન કહે કે મને આત્મસાક્ષાત્કાર થયો છે. યોગી કદી એમ ન કહે કે હું યોગી છું. સંત કદી એમ ન કહે કે અમે સંતો છીએ. એમાં પહેલી શરત જ એ છે કે તમે જે છો એને તમે ગાળી નાખો, માટે તમે જે છો એ તમે રહેશો. શંકરાચાર્ય કહે છે કે ‘ગુરુ અહીં એમ કહે છે કે સંહિતા-ઉપનિષદ આપણે બંને સાથે ભણીશું. એમાં જે કંઈ પણ પ્રકાશ થશે તે આપણા બંનેનો સહિયારો હશે. આપણી વિદ્યાની જે ધાર છે તે એક સાથે તેજસ્વીની બનશે.’ આમ શંકરાચાર્ય તૈત્તિરીયોપનિષદ વિશે કહે છે. એ પછી ઋષિ શિષ્યને કહે છે કે આને માટે તારે એક જ કામ કરવાનું છે કે ‘દષ્ટિને વિશાળ કરવાની છે. તું જે જુએ છે એમાં સંતોષ પામતો નહિ. આ સંહિતા એટલે કે દ્વન્દ્વો પાંચ પ્રકારના છે. અધિલોક, અધિજ્યોતિ, અધિવિદ્ય, અધિપ્રજ અને અધ્યાત્મ. સંહિતાનો અર્થ છે કે આ બધા દ્વન્દ્વો સાથે મળીને કામ કરે છે. દ્વન્દ્વ હોવા છતાં દ્વન્દ્વયુદ્ધ કરતાં નથી ! એટલે એ સંહિતા છે. આ બધા દ્વન્દ્વો અન્યોન્યને પૂરક થઈને એક સૂત્રમાં વણાઈ જાય છે. એ જે સુત્ર છે એને તું ઓળખજે.’ આ બધી વાત ગુરુ કહે છે.

પ્રત્યેક દર્શન જ્યારે ઊંડાણમાં ઊતરી જાય છે અને શબ્દોથી વ્યક્ત કરવામાં મૂંઝવણ અનુભવે છે ત્યારે એ પ્રતિકોનો ઉપયોગ કરે છે. બધા જ દર્શનો અને ધર્મોમાં પ્રતિકોનો ઉલ્લેખ કરવો જ પડે છે. પ્રતિકથી જ આ બધું સમજાવી શકાય. આજે આપણે પ્રતિકોના અનેક ઊંધા અર્થો કર્યા છે. પ્રતિકો તો સાચા હતા પરંતુ અર્થઘટનો ખોટા થઈ ગયા. આપણે ફાસ્ટફુડ ખાતા થઈ ગયા એટલે અર્થઘટનો ખોટા થયા ! આપણી બુદ્ધિ તેજસ્વીની રહી નહીં, દુષિત થઈ ગઈ અને દુષિત બુદ્ધિથી કરવામાં આવેલા અર્થઘટનો પણ દુષિત હોવાને કારણે મૂળની નિર્મળતા સુધી આપણે પહોંચી શક્યા નહીં. એને કારણે ધર્મહાનિ આપણાથી અજાણતા થઈ ગઈ.

આ ઉપનિષદનો ઋષિ આનંદથી જ વાત કરે છે. ઉત્સાહ અને આત્મોલ્લાસથી જ એ વાત કરે છે. ગુરુ સામે ચાર-પાંચ શિષ્યો બેઠા છે. આવી અધ્યાત્મવિદ્યા ભણવા માટે તો કોણ આવે ? પરંતુ તે છતાં ગુરુને ખૂબ ઉલ્લાસ આવ્યો છે આ બ્રહ્મવિદ્યાની વાત કરતા. એ તો પામી ચૂકેલા છે. ઉપનિષદનો ઋષિ કહે છે કે બ્રહ્મનો અનુભવ મને થયો છે. ઋષિને કંઈ સાબિત કરવાનું નથી. જે સિદ્ધ થયેલું ન હોય એને સાબિત કરાય. સિદ્ધને સાબિત ન કરાય, નહીં તો એ સિદ્ધ થયેલું ન કહેવાય. આ ઋષિ સિદ્ધોની ભાષામાં વાત કરતા હોય છે. એમને પ્રમાણ કે તર્કની જરૂર નથી. ચર્ચાથી કંઈ ભગવાન સાબિત ન થાય. ચર્ચા કરવાથી લાડવાનું પૌષ્ટિક તત્વ આપણામાં ન આવે, એ તો ખાઈએ તો જ આવે ! ઋષિ જ્યારે ‘હું બ્રહ્મ છું’ એમ કહે છે ત્યારે એની પાછળ એમના તપનું, અનુભવનું, સાક્ષાત્કારનું એમની સમાધિનું વજન હોય છે. ઋષિને આ ભૂમિકાએ પોતાના શિષ્યોને લઈ જવા છે. ઉપનિષદનો મોટામાં મોટો ઉપકાર હોય તો એ છે કે એ બિલકુલ સ્વાર્થી નથી. જે મળ્યું તે વિદ્યાર્થીઓને વહેંચવું છે. એ પછી આ ઉપનિષદમાં સરસ વિધાન આવે છે. ગુરુ ઊભા થઈ ગયા, નાચવા લાગ્યા અને હાથ ઊંચા કરીને શિષ્યોને કહે છે કે ‘ઓ મારા શિષ્યો તમે ક્યાં છો ? તમે આવો… આવો.. હે અંતેવાસીઓ… મને અમૃત મળ્યું છે. મારે વહેંચવું છે… મારે વહેંચવું છે….’

आ मा यन्तु ब्रह्मचारिणः स्वाहा |
वि माऽऽयन्तु ब्रह्मचारिणः स्वाहा |
प्र माऽऽयन्तु ब्रह्मचारिणः स्वाहा |
दमायन्तु ब्रह्मचारिणः स्वाहा |
शमायन्तु ब्रह्मचारिणः स्वाहा ||

આ રીતે આખું ગીત ચાલે છે. એટલે આ ઉપનિષદને મેં ‘ગાતું ઉપનિષદ’ કહ્યું છે. શમ-દમને વરેલા હોય એવા વિદ્યાર્થીઓ મારી પાસે આવો… આમ કહીને ગુરુએ શરત પહેલા કહી દીધી. લાયકાત કીધા પછી આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં ટકા નથી જોવાતા. પ્રાચીન અને અર્વાચીન શિક્ષણ પદ્ધતિમાં આટલો જ ફેર છે કે અર્વાચીન પદ્ધતિ ટકા જુએ છે અને પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હૃદય જુએ છે. ગુરુ હાથ ઊંચા કરીને એવા લાયક શિષ્યોને બોલાવે છે. સાચા ગુરુ સાચા શિષ્યની શોધમાં હોય છે. જો કે અત્યારે પણ સેલ્ફ ફાયનાન્સના ગુરુઓ કહે છે કે ‘આવો…. આવો…. હે ડોનેશન આપનારાઓ તમે ક્યાં છો ? તમે આવો…. હું તમને કોમ્પ્યુટર શીખવીશ…. હું તમને આઈ.ટી. શીખવીશ….. તમને પેકેજ મળે એવી યુક્તિવાળી અવિદ્યા શીખવીશ….!!’ અત્યારે પણ આ જ વાત છે. પ્રાચીન અને અર્વાચીન આ બાબતમાં સમાન છે પરંતુ હેતુ બદલાઈ ગયા છે. ભાષા તો એની એ જ રહે છે !

એ પછી ઋષિ આગળ ‘કુંડલિની યોગ’ વિશે વાત કરે છે. ‘કુંડલિની યોગ’ વિશે પહેલવહેલો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. આ તૈત્તિરીયોપનિષદની પણ વિશેષતા છે કે કેવળ જ્ઞાન મેળવો એમ નહિ, ધ્યાન કરો એમ પણ તે કહે છે. એ પછી એમાં અનેક ઉપાસનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ એમાંથી બધી ન કરાય, નહીં તો એકેય ન થાય ! એમાંથી એકાદ પસંદ કરાય. બધાને માન અપાય પણ એકને વળગી રહેવાય. બધા રસ્તે તમે કેવી રીતે ચાલી શકો ? એક જ રસ્તે ચલાય ને ? હું બધા રસ્તે ચાલવા માંડું તો હું હોઉં ત્યાંય ન રહું ! મંઝિલ પર તો ન જ પહોંચું પણ રસ્તેય ઠેકાણે ન રહું. એટલે જે તમને ઠીક લાગે તે ઉપાસના તમારે પસંદ કરવી જોઈએ. એમાં ઋષિનો પક્ષપાત નથી, પરંતુ ઋષિ કહે છે કે મને જે ઠીક લાગી છે તે ઉપાસના પ્રણવ એટલે કે ઓમકારની ઉપાસના છે. ચિત્તની અંદર ઓમની સ્થાપના કરીને કેવળ શબ્દ બ્રહ્મ નહીં પરંતુ એને અનુભવ બ્રહ્મ કેવી રીતે બનાવી શકાય એની વાત ઋષિ કરે છે. એ આપણા વ્યક્તિત્વને કેવી રીતે રૂપાંતરિત કરી દે છે એની જુદી જુદી વિગતો અહીં આપવામાં આવી છે, જે જોવાલાયક છે. ઓમનો એક અર્થ છે ‘સ્વીકૃતિ’. આ એક અદ્દભુત વાત ઉપનિષદોએ કહી છે કે તમે જ્યારે ‘ૐ’ બોલો છો ત્યારે તમે બધાનો સ્વીકાર કરો છો. ત્યારે તમે ગુણોનો તો સ્વીકાર કરો છો, દોષોનોય સ્વીકાર કરો છો. ત્યારે તમે સજ્જનનો સ્વીકાર કરો છો, પણ સાથે દૂર્જનનોય સ્વીકાર કરો છો. તમે કોઈ જ પક્ષપાત રાખતા નથી કારણ કે તમને ખબર છે કે બધું જ છેવટે એ પરમતત્વનો જ વિલાસ છે. જે દુષ્ટતા છે એ ત્યાંથી નવો વળાંક લઈને આવેલી છે જે અંતતોગત્વા પાછી નિર્મળ થઈને સજ્જનતા થઈ જવાની છે. દુષ્ટો અધવચ્ચે દુષ્ટ હોય છે, અંતિમ ભૂમિકાએ નથી હોતા. મૂળ તો અધવચ્ચેથી કોઈને આપણે પકડીએ છીએ એને કારણે આપણે દુઃખી થઈએ છીએ. આપણને કોઈ ખરાબ લાગે છે પરંતુ એ મધ્યમાં આવ્યો એટલે ખરાબ લાગે છે, એને અંત સુધી જાવા દ્યો, એ ડાહ્યો થઈ જાશે. કંઈ જ અભદ્ર નથી, બધું જ ભદ્ર છે. તમને જે ખરાબ લાગે છે એ પણ સારો જ છે. આ જે ઓમ છે એ સમાધાન નથી, ઓમ એ સંવાદ છે. એવું આ ઓમનું તૈત્તિરીયોપનિષદના ઋષિનું અર્થઘટન છે, એ મેં આપની પાસે યથાશક્તિ-યથામતિ કહ્યું.

ગુરુ આગળ કહે છે કે ‘પ્રત્યેક ઉપાસના કે ઊઠતી વૃત્તિ સાથે સ્વાધ્યાય જોડવો.’ સ્વાધ્યાયનું બહુ જ મહત્વ આ ઉપનિષદે સ્વીકાર્યું છે. સ્વાધ્યાયનો અર્થ છે સતત સતત સદચિંતન કરવું. વેદાભ્યાસ કરવો એ તો સ્વાધ્યાય છે જ પરંતુ સ્વનો અધ્યાય એટલે પોતાના વિશે પણ સતત ચિંતન કર્યા કરો. સતત જાગૃતિ રાખ્યા કરો. ‘હું જે કરંછ છું એ બિલકુલ સભાનાવસ્થામાં કરું છું, હું બેભાનવસ્થામાં કંઈ કામ કરતો નથી.’ એમ વિચારો. જમ્યા પછી કોઈ આપણને કોઈ પૂછે કે કયું શાક ખાધું અને આપણે માથું ખંજવાળવા માંડીએ અને પછી આપણે કહીએ કે અમે તો અલગારી કહેવાઈએ તો એ તમે અલગારી ના કહેવાઓ, તમે ભોટ કહેવાઓ ! જાગૃતિ તો હોવી જોઈએ. એમ કંઈ વાત વાતમાં અવધૂત અને અલગારી ન થઈ જવાય. થોડું સમજવું જોઈએ. ઋષિ કહે છે કે ઉત્તમની તમે આરાધના કરો પરંતુ તમે સ્વાધ્યાય અને પ્રવચનને ચૂકતા નહીં. પ્રવચન એટલે ભાષણ નહીં પરંતુ ગુરુએ તમને સંભળાવેલા વિદ્યાના વચનો યાદ રાખ્યા કરો.

ऋतं च स्वाध्यायप्रवचने च | सत्यं च स्वाध्यायप्रवचने च | तपश्च स्वाध्यायप्रवचने च | दमश्च स्वाध्यायप्रवचने च |
शमश्च स्वाध्यायप्रवचने च | अग्नयश्च स्वाध्यायप्रवचने च | अग्निहोत्रं च स्वाध्यायप्रवचने च |
अतिथयश्च स्वाध्यायप्रवचने च | मानुषं च स्वाध्यायप्रवचने च |

આ બધું ગુરુ કહે છે એ શિષ્યમાં હજી સંક્રાન્ત નથી થયું. એ માટે શિષ્યે પ્રયત્ન કરવાનો છે. આપણે પણ એ રીતે નાની નાની વાતોમાં જીવનમાં સ્થિરતા મેળવવાની છે, તો જ અહીં આવેલું યોગ્ય ગણાય. નાનીનાની વાતોમાં ફેરફાર થાય તોય ઘણું છે. આપણે કંઈ જાતવેદ બ્રહ્મ નથી થવું, આપણે જાતવેદ ડાહ્યા થઈએ તોય ઘણું છે ! આટલું કરીએ તોય ઘણું. ગુરુ શિષ્યને કહે છે કે ‘હવે તું ગૃહસ્થાશ્રમી થઈશ.’ એમ કહીને ગુરુએ જે ઉપદેશ આપ્યો એ દીક્ષાંત પ્રવચન નામે ઓળખાય છે જે બહુ જ પ્રસિદ્ધ છે. કેટલીય શાળા, મહાશાળા કે કૉલેજોમાં વિદાય વખતે આ પત્રિકા આપવામાં આવે છે. એ કેવળ હું વાંચી સંભળાવું છું.

सत्यं वद | धर्मं चर | स्वाध्यायान्मा प्रमदः |
आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सीः |
सत्यान्न प्रमदितव्यम् | धर्मान्न प्रमदितव्यम् |
कुशलान्न प्रमदितव्यम् | भूत्यै न प्रमदितव्यम् |
स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ||

આ ઉપદેશ વર્ષો પહેલા ઋષિએ શિષ્યોને આપ્યો એ આજે પણ સાંપ્રત સમયમાં એટલો જ પ્રસ્તુત છે. સત્યંવદ કોણ ના પાડે ? હાળોહાળ ખોટું બોલતો હોય એ પણ એમ કહે કે સાચું તો બોલવું જ જોઈએ, પછી ધીમે રહીને એ કહે કે ‘તમારે’ ! ઋષિ કહે છે અભિપ્રાય, પૂર્વગ્રહ, કલ્પના સત્ય નથી. બીજાને કષ્ટ આપવા માટે ઉચ્ચારેલું સાચું વચન પણ સત્ય નથી. જીવનની આધારશીલા સત્ય છે. વ્યક્તિ અને સમાજ બંનેની આધારશીલા સત્ય છે. ઋષિ કહે છે કે ‘જે ઋત છે એટલે કે જે પ્રકૃતિના નિયમો છે એને અનુરૂપ રહીને તારી જીવનયાત્રા કરજે.’ આ બાબતમાં પર્યાવરણ, નોન-કરપ્શન આપોઆપ આવી જાય. જીવન જીવવા માટે જે અનિવાર્ય શરતો છે એનું પાલન કરવું એનું નામ છે સત્યપાલન. એ આપણે નથી કરતા એટલે આજકાલ બધા પ્રોબ્લેમ થયા છે. આ પ્રકારનું સત્ય બોલવું જોઈએ. જ્યારે આ પ્રકારનું સત્ય બોલવાનું આવે ત્યારે ખૂબ વિચારપૂર્વક બોલવાનું હોય છે. તેથી જે સત્ય બોલતો હોય છે તે ઓછું બોલતો હોય છે. જે સત્યવાદી છે તે મિતવાદી પણ હોય છે. આગ્રહથી મુક્ત વાક્ય હોય એ સત્યનું પ્રફુલ્લન છે. વાણી ફક્ત સત્યપૂત હોય એટલાથી નહીં ચાલે, તેથી આગળ કહે છે કે ‘ધર્મનું આચરણ કરો.’ બોલવું સત્ય અને આચરવું ધર્મ. ધર્મની આપણે ચર્ચા નથી કરવી. ધર્મ એટલે સદવર્તનનો નિયમ. તમારું આચરણ એવું હોય કે જે કોઈને દુઃખ ન આપતું હોય, છેલ્લામાં છેલ્લા માણસને પણ ક્ષુભિત ન કરતું હોય, આવા પ્રકારનું આચરણ ધર્મ કહેવાય. ગાંધીજી કહેતા કે ‘કોઈ પણ કાર્ય કરતી વખતે વિચાર કરવો કે છેલ્લામાં છેલ્લા માણસનું અહિત નથી થવાનું ને ?’ આ પ્રકારનું આચરણ હોય એને ધર્મ કહેવાય. બોલી તો નાખીએ પરંતુ જીવનમાં એનું અવતરણ કરવું જોઈએ. એ પછી એક વ્યવહારિક સૂચન કરે છે. ગુરુ કહે છે કે ‘તું જરૂરથી જા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર, સારી રીતે જીવજે. પરંતુ તને એક વાત કહી દઉં કે જો તને ઈચ્છા પડે તો, ઠીક લાગે તો આ ગુરુના યોગક્ષેમનું પણ ધ્યાન રાખજે.’ ગુરુ ફી ઉઘરાવતા નહોતા. ગુરુ જાહેરાત નહોતા કરતા. શિષ્યો ગુરુનું ધ્યાન રાખતા. અપેક્ષા ન રાખોને એટલે બધું પૂરું થાય. માગ માગ કરો તો કંઈ ન આવે. જાવા દ્યો તો બધું આવે. પરંતુ એવી હિંમત જોઈએ ‘ના’ પાડવાની. એ બહુ તકલીફ વાળું કામ છે. એ હિંમત કેળવવી બહુ આકરી છે. એ પછી ગૃહસ્થાશ્રમમાં જાય છે એટલે ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ’ની વાત ગુરુ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં ઊછરેલા માણસને આ બધું કંઈ કહેવાનું હોય નહિ, ન પાળતા હોય એ જુદી વાત છે ! પરંતુ એને ખબર તો હોય જ. ‘અતિથિ દેવો ભવ’નો અર્થ વિનોબા એમ કરે છે કે અતિથિ સમાજનો પ્રતિનિધિ છે એટલે અતિથિને દેવ માનીને સમાજ પ્રતિ તારું ઋણ ચૂકવજે.

એ પછી પંચકોશની વાત આવે છે. પંચકોશની વાત આ ઉપનિષદે ખૂબ સુંદર રીતે કરી છે. એક વૈજ્ઞાનિકે એમ કહ્યું છે કે ‘જે પોતાની મેળે સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે તે દ્રવ્ય છે.’ આ બિલકુલ બ્રહ્મની વ્યાખ્યાની લગોલગ જાય છે. આ આખુંયે વિશ્વ ચિદઅણુનું બનેલું છે. ચિદઅણુ એટલે ચેતનથી ધબકતા અણુ. એ વૈજ્ઞાનિક કહે છે કે ‘આ ચેતનતત્વ જળમાં હોય છે ત્યારે સુષુપ્ત હોય છે. એ વનસ્પતિમાં હોય છે ત્યારે અર્ધજાગૃત હોય છે. એ પશુમાં હોય છે ત્યારે સંચરિત હોય છે. એ મનુષ્યમાં આવે છે ત્યારે વિચાર કરતું થાય છે.’ આ ચેતનની ચાર ભૂમિકા છે. આ ચારથી ઊપરની એક ભૂમિકા છે જે પરમ આનંદની ભૂમિકા છે. આ વાત કોસ્મોલોજીની દષ્ટિએ પંચકોશમાં લાગુ પડે છે. ‘કોશ’નો અર્થ અહીં શંકરાચાર્યે તલવારનું મ્યાન એવો કર્યો છે. મ્યાનની અંદર જેમ તલવાર રહે એમ આ પંચકોશમાં આત્મા રહે છે. એ કોશ એની ધારને કે તેજને બુઠ્ઠું કરી શકતો નથી. પરમ પુરુષ તો એ છે જ, પરંતુ એની પર આવરણો આવી ગયા છે. આ સંસારના પદાર્થો સાથે આપણું તાદાત્મય એનું નામ કોશ અને પદાર્થને સાક્ષીભાવે જોવો એનું નામ મોક્ષ ! પદાર્થો સાથે તાદત્મ્ય થઈ જાય છે કે હું આ પદાર્થ છું ત્યારે એ આવરણ બની જાય છે. ત્યારે એ કોશ બની જાય છે. એ અન્નમય, પ્રાણમય, મનોમય વગેરે પાંચકોશની વિદ્યા છે. ‘The world is too much with us’ અન્નમય કોશ એટલે આ આખુંય વિશ્વ. આ જગત આપણને એટલું બધું ઘેરી વળ્યું છે કે એનાથી જુદું કંઈક હોઈ શકે એનું ભાન આપણે ચૂકી ગયા છીએ. એ કારણે અન્નમય કોશમાં આપણે બદ્ધ થઈ ગયા હોવાથી જેને આપણે આનંદ માનીએ છીએ તે આનંદાભાસ હોવાથી આપણા ખાલીપાને કાયમ માટે દૂર કરી શકતું નથી. આ અન્નમય કોશનું પરિણામ છે. એનાથી આગળ આવે પ્રાણમય કોશ. પ્રાણ એટલે લાઈફ-ફોર્સ, શક્તિ અને ઉત્સાહ. એ પ્રાણની ઊર્જા પણ અંધ ઊર્જા છે. એ ગમે ત્યાં આપણને ભરાવી દે છે. તેથી એનાથી આગળ મનોમય કોશ છે, એમાં આખું મનોવિજ્ઞાન આવી જાય છે. મનને એકાગ્ર કરીએ તો બ્રહ્મ સુધી લઈ જાય અને જો એની ચંચળતાને માન્ય કરીએ તો જેમ ઘોડાઓ રથને છિન્નભિન્ન કરી નાખે છે એમ આપણા વ્યક્તિત્વના તમામ પાસાઓને છિન્નભિન્ન કરી શકે. એ પછી વિજ્ઞાનમય કોશની વાત આવે છે. જ્યારે વિજ્ઞાનમય કોશની વાત આવે છે ત્યારે કેટલાક વિદ્વાનો સાયન્સ, ટેકનોલોજી અને ભૌતિક શાસ્ત્ર એવા અર્થો કરે છે. પરંતુ હકીકતે એવો અર્થ નથી. આ ઋષિને વિજ્ઞાન એટલે તમે જે અર્થમાં ‘સાયન્સ’ કહો છો એ નથી કહેવું. અહીં વિજ્ઞાનનો અર્થ શંકરાચાર્ય કહે છે કે ‘નિશ્ચયાત્મિકા બુદ્ધિ.’ વિજ્ઞાન શબ્દ અનેક અર્થમાં વપરાયો છે. પરંતુ બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ શકે છે એટલે વિજ્ઞાનમય કોશ પણ સંપૂર્ણ નથી. એ પછી આનંદમય કોશ આવે છે. આનંદ એટલે પ્રશાંતિ. આ આનંદની વાત જુદી છે. આનંદનો વિરોધી કોઈ શબ્દ નથી. સુખનો વિરોધી દુઃખ હોઈ શકે, હર્ષનો વિરોધી શોક હોઈ શકે. આનંદનો વિરોધી એટલે આનંદનો અભાવ, આ સિવાય કોઈ શબ્દ નથી. સુખના કોઈ ઠેકાણાં નથી, એ ગમે ત્યારે દુઃખમાં ફેરવાઈ જાય. આનંદ નિરપેક્ષ જ હોય. એની મીમાંસા ન હોય, એની અનુભૂતિ હોય. એનો ઉલ્લાસ હોય. એનું ગાન હોય.

આ આનંદની વાત કરતાં કરતાં ઋષિ એક એવી ચરમ સીમાએ પહોંચ્યા કે એ ગાવા લાગ્યા. આ ઉપનિષદનો અંત સામગાનથી થાય છે. તમામ ઉપનિષદોમાં કોઈ એવું ઉપનિષદ નથી કે જેનો અંત ગાનથી આવતો હોય. ખુબ સુંદર સામગાન કર્યું છે. એ જોઈએ….

हा ३ वु हा ३ वु हा ३ वु |
अहमन्नमहमन्नमहमन्नम् |
अहमन्नादो३ऽहमन्नादो३ऽअहमन्नादः |
अहँ श्लोककृदहँ श्लोककृदहँ श्लोककृत् |
अहमस्मि प्रथमजा ऋता३स्य |
पूर्वं देवेभ्योऽमृतस्य ना३भायि |
यो मा ददाति स इदेव मा३ऽऽवाः |
अहमन्नमन्नमदन्तमा३द्मि |
अहं विश्वं भुवनमभ्यभवा३म् |
सुवर्न ज्योतीः | य एवं वेद | इत्युपनिषत्

અહો ! અહો ! અહો ! હું અન્ન છું, હું અન્ન છું, હું અન્ન છું. હું અન્નને ખાવાવાળો છું, હું અન્નને ખાવાવાળો છું, હું અન્નને ખાવાવાળો છું. ભોજન અને ભોક્તાનો સંયોગ પણ હું છું. એ પ્રશસ્યયોગ હું જ, હું જ, હું જ છું. સૃષ્ટિનું હંઅ જ છું પ્રથમ સંતાન. દેવોનીયે પહેલા થયું હતું મારું સર્જન. હું તો છું કેન્દ્ર અમૃતનું, ઋતનું. જે મારું કરે છે દાન તેને હું રક્ષું છું, નક્કી માન. અન્નનો જે કરે આહાર, તેને જ હું મારો કરું છું આહાર. આ બ્રહ્માંડની નથી મને કોઈ ખેવના. હું સ્વયં પ્રકાશમય છું, સુવર્ણદીપ છું, સૂર્ય છું. જે કોઈ આ સત્યને જાણે તેણે જ જાણ્યું કહેવાશે. આ જ ઉપનિષદ છે. આ જ રહસ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

[ત્રીજો દિવસ]

સંસ્કૃત સત્રના ત્રીજા દિવસની શરૂઆત ‘શ્રી સુક્તમ’ના ગાનથી થઈ હતી. ત્યારબાદ બરાબર નવ વાગ્યે સંગોષ્ઠિ-5નો આરંભ થયો હતો, જેની પ્રસ્તુતિ ડૉ. વસંત પરીખે કરી હતી. આ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી લક્ષ્મેશ જોશીએ ‘શૈવોપનિષદ’ પર પોતાના વક્તવ્યનો આરંભ કર્યો હતો.

શૈવોપનિષદ – લક્ષ્મેશ જોશી

‘બુદ્ધિમતાં વરિષ્ઠમ’ એવા હનુમાનજીના ચરણોમાં વંદન, બાપુના ચરણોમાં વંદન. સૌપ્રથમ એક વાત મને કહેવાનું મન થાય છે કે જનકરાજાની સભામાં વિદ્વાનો ભેગા થતા અને ચર્ચા કરતા હતા. આજે ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે. જેની પાસે ઘણા પૈસા છે, જે લોકો આચાર્યો છે, શા માટે તેઓ ઉપનિષદ અને વેદોના સત્રો કરતા નથી ? આખા વિશ્વમાં અને ભારતમાં ઉપનિષદોનું જ્ઞાન એ કોઈ સંપ્રદાયનું નથી. બાપુની પ્રશંસા કરવા માટે નહીં પરંતુ હું સાચું કહું છું કે ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે છતાં કોણ આવું કરે છે ? ખાવાનું-પીવાનું, રહેવાનું, સાંભળવાનું, બધી જ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. આવું ક્યાં કોઈ ઠેકાણે થાય છે ? ગુજરાતમાં તો મેં બીજે ક્યાંય જોયું નથી. આ ખરેખર તમને સાચું કહું છું. એવા સત્રો થાય તો લોકો જાણી શકે કે વેદ અને ઉપનિષદમાં શું છે.

હવે શૈવોપનિષદની વાત કરું. કુલ ચૌદ ઉપનિષદો ‘શૈવોપનિષદ’ તરીકે ઓળખાય છે. એની સંક્ષેપમાં વાત હું કરીશ. શૈવોપનિષદ વિશે સંશોધન કરવું એટલે રેતીના ઢગલામાંથી સોનાની કણી શોધવા જેવું છે. આ ચૌદ ઉપનિષદોમાં બે-ત્રણ ઉપનિષદો સારા છે. એ સિવાયનાને ઉપનિષદ કહેવા કે નહિ એ પ્રશ્ન છે. તમને હું બતાઉં તો તમે કહેશો કે વાત સાચી છે. આ કહેવાતા ઉપનિષદો પ્રજામાં દંભ ફેલાવનારા, પ્રજામાં પ્રમાદ અને આળસ ફેલાવનારા ઉપનિષદો છે. જેમ ‘કૂતરાથી ચેતો’ એમ કહીએ છીએ તેમ આ ઉપનિષદોથી ચેતતા રહેવા જેવું છે. ‘કાલાગ્નિ રુદ્ર ઉપનિષદ’ એવા પાંચેક ઉપનિષદોમાં કહ્યું છે કે માત્ર ભસ્મ, રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ અથવા બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. લો બોલો ! આમ થતું હોય તો તો બધું કામ ટૂંકમાં પતી જાય !! આપણા પ્રાચીન ઉપનિષદોમાં ૐની ઉપાસનાની ઘણી બધી વાતો થઈ, એ બધી વાતો સાચી છે. પરંતુ મહત્વની વાત એ છે કે વેદોનું જે રહસ્ય છે, વેદોનો જે સાર છે, એ ઉપનિષદોમાં આવે છે. ઉપનિષદો ન રચાયાં હોત તો વેદો કર્મકાંડ કે મંત્રો બોલવા માટે હોત ખરાં પરંતુ ઉપનિષદો આવી ગયા એટલે વેદોનો સાર આવી ગયો. ભગવાન આદિ શંકરાચાર્ય આવ્યા કે જેમણે ઉપનિષદના રહસ્યને જાળવી રાખ્યું. આ બહુ મોટી વાત છે.

સુત્ર એટલે બ્રહ્મસુત્ર અને શ્રુતિ એટલે ઉપનિષદો. એ બંનેમાં જ્યારે વિરોધાભાસી વિધાનો મળે ત્યારે ભગવાન શંકરાચાર્યે શ્રુતિનો પક્ષ લીધો છે. શંકરાચાર્ય કહે છે કે ‘જે ઈશ્વરની શક્તિને ન માને એ પોતે જ અસદ થઈ જાય, એનું અસ્તિત્વ બહુ રહે નહિ.’ જે પરમાત્માની શક્તિને માને છે એને સંત કહેવાય છે. શંકરાચાર્ય કહે છે કે ‘આનંદમય કોશનું જે પૂચ્છ છે એ પરમ તત્વ છે.’ પાણીમાં બે માછલી બેઠી બેઠી વાત કરતી હોય અને બીજી માછલીને પૂછતી હોય કે તેં દરિયો જોયો છે ? આપણી હાલત એવી છે. આપણે બધા ચૈતન્યના સાગરના પરપોટા છીએ. સઘળે એનું ચૈતન્ય છે. માત્ર અજ્ઞાનનું આવરણ આપણને જુદા પાડે છે. બાકી, સર્વત્ર આનંદના મોજાઓ ચાલે છે. આપણે એની અંદર, જેમ સાગરમાં માછલી હોય, એમ બેઠા છીએ. આપણે બહુ મોટી વિચારણાઓ કરીએ છીએ કે બ્રહ્મ શું છે, પરંતુ આપણે એની અંદર જ છીએ. કરવાનું હોય તો એ છે કે એનો અનુભવ કરવાનો છે.

ઉપનિષદોની જ્યાં પ્રશંસા કરેલી છે ત્યાં કદીયે તમે માનશો નહિ કે શૈવોપનિષદની કે વૈષ્ણવોપનિષદની પ્રશંસા કરેલી છે. જે જે પાછળના ઉપનિષદો છે એની પ્રશંસા નથી પણ પ્રાચીન ઉપનિષદોની પ્રશંસા કરી છે. જર્મનીનો વિદ્વાન શોપનહોર એમ કહે છે કે ‘મનુષ્ય જીવનને લાભ કરે અને મનુષ્યના જીવનને ઊંચે લઈ જાય એવો આખી દુનિયામાં ઉપનિષદો જેવો કોઈ બીજો અભ્યાસ નથી. ઉંચામાં ઊંચી બુદ્ધિની નીપજ એ આ ઉપનિષદો છે.’ આ કોઈ મત, સંપ્રદાય કે શંકરાચાર્ય નથી કહેતા, આ જર્મનીનો વિદ્વાન કહે છે. એ પછી કહે છે કે ‘આખી દુનિયાનો જો કોઈ ધર્મ થવાનો હોય તો એ ઉપનિષદોનો ધર્મ છે.’

ઉપનિષદોમાં બ્રહ્મનું વર્ણન છે. કોઈ એક દેવનું વર્ણન નથી. ‘બ્રહ્મ શિવ છે અને વિષ્ણુ નથી’, એવું માનનારા માણસો માટે આ ઉપનિષદો હોઈ જ ન શકે. સંપ્રદાયનું ઉપનિષદ હોઈ જ ન શકે. ‘શૈવોપનિષદ’ નામમાં જ વિરોધાભાસ છે. એને ઉપનિષદ કહેવાય જ નહી. એને તમે શૈવ કેવી રીતે કહી શકો ? ઉપનિષદની જે અનંત વ્યાપકતા છે એમાં આ તો શૈવની દીવાલ બાંધવા જેવું થયું. ભાગવતમાં એક કથા આવે છે કે વાસુદેવની સામે એક નકલી વાસુદેવ થયા હતા. એ રીતે કેટલાક પ્રસિદ્ધ કથાકારોની પાછળ બીજા કથાકારો ઊભા થતા હોય છે, એ જ નામથી. તમે સમજી શકો છો ને ? પરંતુ જે પ્રસિદ્ધ કથાકાર હોય એનું જન્મોનું પુણ્ય હોય છે. બાપુની જેમ કોઈ શાલ ઓઢીને નીકળે તો એનાથી કંઈ થતું નથી. એ ઘણા જન્મો બાદ આવતી સ્થિતિ છે. એ માટે અંદર ઘણું કરવું પડે છે. એ જ રીતે આ ઉપનિષદો એ બધા નકલી ઉપનિષદો છે. અંદરના ગર્ભમાં કંઈ સત્વ દેખાતું નથી એવા આ ઉપનિષદો છે.

પ્રાચીન ઉપનિષદો કહે છે કે બહુ શબ્દોની માથાકૂટ કરવાની જ નહીં. શબ્દો શું બોલવાના ? સાચા ઉપનિષદો કહે છે કે તમારે વાંચીને ડહાપણ કેળવી લેવું જોઈએ. બાકી આખી જિંદગી વાંચ વાંચ કરવાથી કે પ્રવચનો આપવાથી એ સધાતું નથી. એ બધું ક્યાં સુધી ? એનું રહસ્ય જાણીને ડહાપણ કેળવવું જોઈએ. શંકરાચાર્ય લખે છે કે ‘પ્રજ્ઞા એટલે શું ? પ્રજ્ઞા એટલે પછી વાંચવું ન પડે એવું.’ કોઈ જિજ્ઞાસા થાય જ નહીં એવું. કોઈ જિજ્ઞાસા ન થાય એને પ્રજ્ઞા કહેવાય. ડૉ. એસ્તેર સોલોમન નામના બહેન કહે છે કે ‘જેના જીવનમાં આર્જવતા હોય એટલે કે ઋજુતા હોય ત્યારે સમજવું કે ઉપનિષદ આવ્યું છે. જ્યાં સુધી મનમાં કુટિલતા હોય ત્યાં સુધી ઉપનિષદ ઊતર્યું નથી.’ પ્રાચીન ઉપનિષદોમાં બ્રહ્મવિદ્યા એ મુખ્ય વિષય છે. આ કહેવાતા ઉપનિષદોમાં મુખ્ય વિષય રુદ્રાક્ષ છે, ભસ્મ છે !! ભસ્મવિદ્યાને બ્રહ્મવિદ્યા કહેવી કે કેમ ? ભસ્મનો તિરસ્કાર નથી પરંતુ ભસ્મથી મોક્ષ મળી જાય એ કહેવું એ ખોટું છે. એનાથી આખો સમાજ આળસુ અને પ્રમાદી બને. ‘A critical study of later upnishadas’ નામના પુસ્તકના 28મા પાના ઉપર લખ્યું છે કે ‘The authors of the later upnishadas has abused thay name of upnishadas.’ પાછળના ઉપનિષદોએ ઉપનિષદના ઊંચા નામનો દૂરુપયોગ કર્યો છે. એમાં વેદના મંત્રો ખોટી રીતે મુકાયા છે. વેદના મંત્રો આવે એટલે તમને એમ લાગે કે આ તો વેદનું લખેલું છે એટલે ખોટું કેવી રીતે હોય ? પણ આ તો વચ્ચે વચ્ચે એવો આભાસ ઊભો કરવા માટે છે. મૂલ્યહિન અને નકામા એવા સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે આવા નકલી ઉપનિષદો વેદના મંત્રોનો દૂરઉપયોગ કરે છે.

વેદના જ્ઞાન પર વિદેશીઓના આક્રમણ થયાં એ કરતાં વધારે આક્રમણો સનાતન ધર્મના પંડિતો તરફથી થયા છે. આ ઉપનિષદોની રચના એ જડ કર્મકાંડનું ચેતનવાદ પર એક પ્રચ્છન્ન આક્રમણ છે. જો ભારતની પ્રજામાં ઉપનિષદોનું રહસ્ય ઊતરે તો આવો ભ્રષ્ટાચાર હોઈ શકે નહિ. રાજ્યની વ્યવસ્થા આવી હોઈ જ ન શકે. ઉપનિષદોનું રહસ્ય કંઈ ઊતર્યું જ નથી. લોકોને આ બધું સાંભળવાનો રસ રહ્યો નથી. સવારમાં ઊઠીને જે શેરબજારનું છાપું જોતા હોય એને શું તમે ઉપનિષદની વાત કરી શકો ? ઉપનિષદોનું રહસ્ય જો પ્રજામાં ઊતર્યું હોય તો પ્રજા આવી નિર્બળ, ઈર્ષાળુ, દંભી એવી કદી હોઈ શકે નહિ. આ બધું જોતા એમ લાગે છે કે ઉપનિષદોનું રહસ્ય પ્રજામાં ઊતર્યું નથી. આ આક્રમણો વર્ષોથી થાય છે. આ અહીં પ્રોગ્રામ થાય છે એનાય ટીકાકારો હોય છે ! અઢી હજાર વર્ષ પહેલા યાસ્ક મુનિએ નિરુક્તમાં લખ્યું, ‘વેદનું અધ્યયન કરે પણ અર્થ ન જાણે એ થાંભલો છે. ગધેડું જેમ સાકર લઈ જાય પરંતુ એને સાકરનો સ્વાદ કેવો હોય એની ખબર પડે નહીં, એવી આ વાત છે.’ જડ કર્મકાંડીઓ આજે આખા સમાજ પર વર્ચસ્વ ભોગવે છે. કર્મકાંડીએ યજ્ઞમાં પણ કલાક-બેકલાક જીવન વિશે કંઈક કહેવું જોઈએ.

હવે કાલાગ્નિ-રુદ્ર ઉપનિષદની વાત કરું. એ ઉપનિષદમાં વિનિયોગ આપેલો છે. કર્મકાંડીઓ આ વિનિયોગ પર જામી પડ્યા છે. બીજું બધુ કંઈ ન આવડે તો ચાલે વિનિયોગ આવડી જવો જોઈએ ! વિનિયોગ માત્ર મોઢે કરવાનો એમ નહિ, એમાંથી કંઈક સાર ગ્રહણ કરવાનો હોય. કાલાગ્નિ-રુદ્ર ઉપનિષદમાં વિનિયોગ આવે છે ! બાકી ઉપનિષદમાં શાનો વિનિયોગ હોય ? આ વિનિયોગ લખ્યો એ બતાવે છે કે કર્મકાંડની જબરજસ્ત અસર નીચે આ ઉપનિષદો લખાયા છે. નવાઈની વાત એ છે કે આમાં ‘અનુષ્ટુપ છંદ’ એમ લખ્યું છે પણ અંદર દશ ગદ્યખંડો છે પણ એમાં ક્યાંય અનુષ્ટુપ છંદ નથી. લખ્યું હોય તો અનુષ્ટુપ છંદ હોવો જોઈએ ને ? ગાયત્રીમાં તમે કહો તો ગાયત્રીમાં ચોવીસ અક્ષર હોવા જોઈએ. લોકો પણ વાંચ્યા વગર બધું આમ જ ચલાવી લેતા લાગે છે ! સંસ્કૃતમાં કોઈ બોલે કે લખે અથવા અંગ્રેજીમાં કોઈ બોલે કે લખે, જરાય અંજાઈ જવા જેવું નથી. કારણ કે એ લોકો પણ ગોટાળા કરતા હોય છે. છાન્દોગ્ય ઉપનિષદમાં એક વાર્તા આવે છે કે એક બ્રાહ્મણ બહુ ભૂખ્યો છે. એની પાસે ખાવાનું કંઈ નથી. એક ઠેકાણે એક મહાવત બેઠો બેઠો અડદ ખાતો હતો. આ બ્રાહ્મણે કહ્યું કે ‘તું અડદ ખાય છે તો તું મને થોડા આપ.’ પેલો કહે કે ‘તમે તો ભૂદેવ છો ને ?’ પણ બ્રાહ્મણ કહે કે ‘ના, ના તું આપ.’ મહાવતે આપ્યા. બ્રાહ્મણે અડદ ખાઈ લીધા. એનામાં શક્તિ આવી ગઈ. પછી મહાવત કહે કે ‘પાણી લો, મહારાજ.’ બ્રાહ્મણ કહે પાણી નહી લઉં.
‘કેમ ?’
તો કહે ‘હું બ્રાહ્મણ છું.’
‘અરે પણ અડદ તો ખાઈ ગયા ?’
બ્રાહ્મણ કહે કે ‘જો અડદ ન ખાત તો હું જીવતો ન રહેત. હવે પાણી વિના હું જીવી શકું એમ છું. ખવાય તો ત્યારે જ્યારે આપતકાલ આવે.’ એમ કહી બ્રાહ્મણ ઘેર ગયો. થોડા અડદ પત્નીને આપ્યા. બીજે દિવસે એ અડદ ખાધા. પછી રાજાને ત્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયો. ત્યાં જઈને સામવેદના પ્રતિહર્તાને પૂછ્યું ‘આ જે મંત્ર તું બોલે છે એના દેવતાને નહિ જાણે તો તારું માથું પડી જશે.’ દેવતાનો અર્થ અહીં છે ચેતન. જેનામાં ચૈતન્યની સ્ફૂર્તિ વધારે થાય એનામાં આપોઆપ સદગુણો આવે. પેલો કહે કે હું દેવતા જાણતો નથી. એ ચૂપ થઈ ગયો. પછી ઉદગાતાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું… બધા શાંત થઈ ગયા. આખો યજ્ઞ શાંત થઈ ગયો. બ્રાહ્મણો બોલતા બંધ થઈ ગયા. ત્યારે યજમાન રાજા ઊઠ્યો અને હાથ જોડીને એની પાસે ગયો. રાજાએ કહ્યું, ‘હું આપને જાણવા માગું છું કે આપ કોણ છો ?’ પેલો કહે છે કે હું ઉષસ્તિ-ચાક્રાયણ છું. રાજા કહે છે કે ‘પ્રધારો પ્રભુ, આપ યજ્ઞ કરો.’ આ વાર્તા પરથી સૂચિત એ થાય છે કે જડકર્મકાંડીઓ અને ચેતનકર્મકાંડીઓ એ છાન્દોગ્ય ઉપનિષદના જમાનામાં પણ હતા ! કેટલાક ઉપનિષદોમાં કર્મકાંડ એટલું વધી ગયું કે એણે ઉપનિષદના જ્ઞાનને દબાવી દીધું.

બૃહદારણ્યક ઉપનિષદમાં નવમા બ્રાહ્મણમાં, ત્રીજા અધ્યાયમાં એક શાકલ્ય નામનો બ્રાહ્મણ એ પ્રશ્નો જ પૂછ્યા કરે. બસ પ્રશ્નો જ પૂછ્યા કરે…. એને બીજો ધંધો જ નહિ. બસ પૂછ્યા જ કરે….. એવા ઘણા માણસો હોય છે કે જે ફક્ત પૂછવા ખાતર પૂછ્યા કરે. એમને પોતાને ખબર ન હોય કે એમણે શું પૂછ્યું. એમને તો બસ સામા માણસને પજવવાનો હોય. બહુ પ્રશ્ન પૂછ્યા તોય યાજ્ઞવલ્ક્યે બધાના ઉત્તર આપ્યા. પછી એની પાસે કોઈ પ્રશ્નો રહ્યા નહીં ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે, ‘એ પ્રેત !’ યાજ્ઞવલ્ક્ય જેવા માણસ આવું સંબોધન કરે એટલે એમને કેટલો કંટાળો આવ્યો હશે એના પ્રશ્નોથી ! યાજ્ઞવલ્ક્ય કહે, ‘એ પ્રેત ! હવે હું તને ઉપનિષદોમાં વર્ણવેલ પુરુષ પૂછું છું. જો તું તે મને કહી નહીં શકે તો તારું માથું પડી જશે.’ બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયના નવમા ખંડમાં શાકલ્ય જનકની સભામાં ખરેખર મરી ગયો. એના વિદ્યાર્થીઓ કોથળામાં નાખીને શબને ઘરે લઈ જતા હતા અને વચ્ચે રાત્રે ધર્મશાળામાં સૂઈ ગયા. ત્યાં ચોર લોકો આવ્યા. ચોર લોકોને એમ કે કોથળામાં બહુ માલ છે. એટલે કોથળો ઉપાડી ગયા. એના હાડકા ઘેર પણ પહોંચ્યા નહીં ! અહીં મુખ્ય વાત એ કહેવી છે કે યાજ્ઞવલ્ક્ય એ ચેતન કર્મકાંડના પ્રતિનિધિ છે. આ શાકલ્ય વગેરે જડ કર્મકાંડીઓ હતા. આ યુદ્ધ આપણે ત્યાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.

એ પછી આવ્યું જૈમિનીનું મીમાંસા દર્શન. કર્મકાંડ કોઈ કરે તો એણે મીમાંસા દર્શન ભણવું જોઈએ. મીમાંસા દર્શનના બાર અધ્યાય બ્રાહ્મણે ભણવા જોઈએ પછી કર્મકાંડ કરવો જોઈએ. એમ થાય તો એ કર્મકાંડમાં દિવ્યતા આવે. એ પૂર્વમિમાંસામાં એક વાક્ય એવું આવે છે કે ‘વેદનું પ્રયોજન ક્રિયા જ છે.’ ક્રિયા મુખ્ય છે કે વસ્તુ મુખ્ય છે ? એ દુનિયાનો મહાપ્રશ્ન છે. મીમાંસા એમ કહે છે કે ક્રિયા જ મુખ્ય છે અને જેમાં ક્રિયા ન હોય એ બધું નિરર્થક છે. હવે થાય એવું કે બ્રહ્મના વર્ણનમાં તો ક્રિયા ન આવે. એટલે મીમાંસા એમ કહે કે બ્રહ્મનું વર્ણન બધું નકામું છે ! જો તમારે સાર્થક બનાવું હોય તો અર્થવાદ બનાવો. જેમ લગ્નમાં વરરાજા માટે જાનૈયાઓ પ્રશંસાના ગીતો ગાતા હોય છે એમ. એને અર્થવાદ કહેવાય. જડ કર્મકાંડનું આક્રમણ મીમાંસામાં ચેતન બ્રહ્મવાદ પર થયેલું છે. એની સામે શંકરાચાર્ય આવ્યા. શંકરાચાર્યે બ્રહ્મસુત્ર શાંકરભાષ્યમાં એમ કહ્યું કે ‘ક્રિયાઓ મુખ્ય હોય એ તમારા યજ્ઞોમાં, ઉપનિષદોમાં નહિ.’ શંકરાચાર્યે ભારપૂર્વક ખંડન કર્યું કે ‘ઉત્પત્તિની ક્રિયા કે સંસ્કારની ક્રિયા કે અન્ય કોઈ ક્રિયા આ બ્રહ્મમાં લાગુ પડી શકે નહિ. બ્રહ્મને ક્રિયાથી પ્રાપ્ત કરી શકાય નહિ.’ જો શંકરાચાર્ય ન હોત તો આપણે બધા કર્મકાંડમાં સરી પડ્યા હોત અને હાથમાં પાણી લો અને આચમન કરો… એમ કરીને બેસી રહ્યા હોત ! શંકરાચાર્યે કહી દીધું કે આ ખોટું છે. શંકરાચાર્યે એવું ખંડન કર્યું કે હજી આજની તારીખે પણ ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં મીમાંસા દર્શન ભણાવાતું નથી. બીજા દર્શનો ભણાવે, કોઈ મીમાંસા ભણાવે નહિ. શંકરાચાર્યે બરાબર ઝાટકી નાખ્યું. ટૂંકમાં, જેમ મેં અગાઉ કહ્યું તેમ, આ બધા શૈવોપનિષદો એ પ્રાચીન ઉપનિષદો પરનું પ્રચ્છન્ન આક્રમણ છે.

એ પછી પશ્ચિમના વિદ્વાનોનું આક્રમણ આવ્યું. જે વેદોનો સાર હોય એ આવવા ન દીધો. જે ઉત્તમ હોય એને આવવા ન દીધું. આપણી સંસ્કૃતિને દબાવી દેવા માટે પશ્ચિમના વિદ્વાનોએ બહુ પ્રયત્ન કર્યા છે. આ બધા શૈવોપનિષદમાં બ્રહ્મવિદ્યા જ નથી. ઉપનિષદના અર્થ વિશે શંકરાચાર્ય લખે છે : ‘પાસે જવું, જે શીખવા આવ્યા છો એમાં ગુરુનિષ્ઠા, નિશ્ચયપૂર્વક જે અનુશીલન કરે તેની અવિદ્યાનો વિનાશ કરતો હોવાથી એવી બ્રહ્મવિદ્યાને ઉપનિષદ કહેવાય.’ ઉપનિષદ એટલે બ્રહ્મવિદ્યા અને બ્રહ્મવિદ્યા એટલે ઉપનિષદ. આ શૈવોપનિષદમાં તો ક્યાંય એ બ્રહ્મવિદ્યા આવતી નથી. એટલે એને ઉપનિષદ કહી શકાય નહિ. જેમ ગંધનું લક્ષણ ન હોય તો પૃથ્વી કહી શકો નહિ એમ બ્રહ્મવિદ્યા ન આવતી હોય તો ઉપનિષદ કહી શકો નહિ. આ બધા ઉપનિષદોમાં ફક્ત લખવા ખાતર જ લખ્યું છે કે આ ઉપનિષદનો સંબંધ સામવેદ સાથે અને અર્થવવેદ સાથે છે. હકીકતે એ સંબંધ શોધવો પડે. સામવેદ કે કોઈ વેદનું નામ લખી દે એટલે કોઈ પૂછે નહિ. તપાસ કરવા કોણ જાય ? એટલે આ બધું આવું અગડંબગડં ચાલે છે.

આ શૈવોપનિષદમાંના એક અક્ષરમાલા ઉપનિષદમાં 108 મણકાની માળાની વાત છે. એમાં એણે પચાસ અક્ષરો બનાવ્યા. છત્રીસ વ્યંજનો અને ચૌદ સ્વરો. પછી એના બમણા કર્યા. કેમ બમણાં કરો ? એમ પૂછવાનું નહીં ! તો કુલ 100 થયા. પણ માળા તો 108ની થાય. તો શું કરવું ? તો કહે દરેકના પ્રતિનિધિ અક્ષર લઈ લો. જેમ કે સ્વરનો પ્રતિનિધિ ‘અ’ લઈ લો. ‘ક, ચ, ટ, ત, પ’ એ વર્ગમાંથી ‘ક’ લઈ લો. એ રીતે દરેકમાંથી પ્રતિનિધિ લીધા અને આઠ થાય એટલે 108ની માળા થઈ ગઈ ! પરંતુ હવે પ્રશ્ન થયો કે મેરુનો પારો કયો ? એ તો રહી ગયો. તો કહે કે ‘ક્ષ’ એ મેરુનો પારો. પરંતુ ક્ષ તો જોડાક્ષર છે. ઘણા વિદ્યાર્થીઓ એમ.એ. થઈ જાય તોય એમને ‘ક્ષ’ કે ‘જ્ઞ’ની ખબર ન પડે. ‘ક્ષ’ તો ‘ક’ અને ‘ષ’ જોડાઈને બને. એ તો અંદર પહેલેથી આવી જ ગયા છે ! ટૂંકમાં, ખિચડી ચડતી હોય તો બધા ચોખા જોવાના ન હોય. એક બે ચોખા દબાવીને જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. એ રીતે હું અહીં એક-બે ઉપનિષદ વાચું એટલે સમજી લેવાનું કે બધા ઉપનિષદ થઈ ગયા. એ પછી અક્ષરમાલા ઉપનિષદમાં માળાની પ્રતિષ્ઠાની વાત આવી. પ્રતિષ્ઠાની વાત આવે એટલે તમારે સમજવાનું કે આ ઉપનિષદ નથી પરંતુ કર્મકાંડ છે. અન્ય ઉપનિષદોમાં પણ આવી કર્મકાંડની જ વાતો આવે છે. ક્યાંક તો વળી એમ લખ્યું કે વેદો-ઉપનિષદોને અડકવું નહિ ! વેદો-ઉપનિષદોનું અધ્યયન બધા જ કરી શકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પણ કરી શકે. જિજ્ઞાસા એ જ સમિધ છે. ભડભડતી જિજ્ઞાસા એ જ સમીધ છે. એ જ એની યોગ્યતા છે. એ પછી એમાં બધી વાર્તાઓ વગેરે છે પરંતુ એનો કોઈ અર્થ નથી. એટલે હું અહીં મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. આપ બધાએ મને સાંભળ્યો અને મને આ અવસર મળ્યો એથી મને ખૂબ આનંદ થાય છે. ઓમ તત્સત.

[વાચસ્પતિ પુરસ્કાર પ્રદાન વિધિ ]

અંતિમ સંગોષ્ઠિના સમાપન બાદ પ્રતિવર્ષ અપાતા ‘વાચસ્પતિ પુરસ્કાર’ની પ્રદાન વિધિ યોજાઈ હતી. આ વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત વિદ્વાન ડૉ. રમેશ સુંદરજી બેટાઈને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ઉપસ્થિત નહોતા રહી શક્યા, તેથી તેમના સુપુત્ર શ્રી મનોજ રમેશચંદ્ર બેટાઈને તે પૂ. બાપુના હસ્તે સુપ્રત કરવામાં આવ્યો હતો. પ્રદાન વિધિ અગાઉ વિવિધ મહાનુભાવોએ ડૉ. રમેશજી બેટાઈનું અભિવાદન કર્યું હતું. શ્રી અજિતભાઈ ઠાકોરે ‘પુરસ્કારપત્ર’નું વાચન કર્યું હતું. શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશીએ અગાઉના વર્ષોમાં અપાયેલા ‘વાચસ્પતિ પુરસ્કાર’ની વિગતો આપી હતી અને પછી તેમણે શ્રીબેટાઈનો વિસ્તૃત પરિચય આપ્યો હતો, જે આ પ્રમાણે છે :

જન્મ : પ ફ્રેબુઆરી, 1926.

અધ્યયન : (1) બી.એ. પ્રથમ વર્ગ (સંસ્કૃત) (2) એમ.એ., દ્વિતિય વર્ગ (સંસ્કૃત), (3) પીએચડી, વિષય : ‘Social Thoughts and Philosophy of Manu’ (4) એમ.એ., દ્વિતિય વર્ગ (હિન્દી) (5) રત્ન, પ્રથમ વર્ગ (હિન્દી)
કારકિર્દી : (1) 25 વર્ષ (1950 થી 1975) સ્નાતક કક્ષાએ અધ્યાપન, (2) 35 વર્ષ (1955 થી 1990) અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન, (3) 12 વર્ષ (1954 થી 1966) જગતના ધર્મો પ્રી-બી.એ.માં અને ધર્મસ્મૃતિ બી.એ.માં, (4) પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન – કુલ 10 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી.

ડૉ. રમેશ સુંદરજી બેટાઈ વિદ્યાર્થી અવસ્થાથી જ સંશોધનવૃત્તિ ધરાવતા હતા. તેમને સાહિત્ય-પ્રેમ તેમના પિતાશ્રી સુંદરજી બેટાઈ પાસેથી વારસામાં મળ્યો હતો. તેમણે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપર યોગ્ય અધિકાર પ્રાપ્ત કર્યો અને પરિણામે તેઓની અધ્યાપક તરીકેની કારકિર્દીમાં 23 જેટલા ગ્રંથો તેઓશ્રીએ આપણને આપ્યાં છે. તેઓએ દ્વારકાના પરમપૂજ્ય જગદગુરુશ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલ શ્રી દ્વારકાધીશ ઈન્ડોલોજીકલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં નિયામક તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. આ પછી તેઓ અમદાવાદની સુપ્રસિદ્ધ શોધસંસ્થા શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરમાં પણ નિયામક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હાલ 85 વર્ષની જૈફવયે સંપૂર્ણ સેવા નિવૃત્ત છે. તેઓના સંસ્કૃત ભાષા અને સાહિત્યના ક્ષેત્રના પ્રદાન બદલ ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘Certificate of Honour’ થી નવાજ્યા છે. ડૉ. રમેશ બેટાઈના પિતાશ્રી સુંદરજીભાઈની ઈચ્છા હતી કે, દીકરાએ મેડીકલમાં અભ્યાસ કરીને ડૉક્ટર થવું. તેઓને મેડીકલમાં પ્રવેશ પણ મળતો હતો, પરંતુ એ ઉંમરથી જ સંસ્કૃત પ્રત્યેના આકર્ષણથી સંસ્કૃતનો અભ્યાસ, અધ્યયન, અધ્યાપન, સંશોધન તેમણે કર્યું છે. સંસ્કૃતની સેવામાં જ તેઓ જીવનની સફળતા, ધન્યતા અને આનંદ પામ્યા છે.

ડૉ. બેટાઈ સ્વભાવે સાલસ, મળતાવડા અને મિત્રો માટે સદાય સહાયક રહ્યા છે. તેમના સંપર્કમાં આવનાર સહુ કોઈ તેમના માટે ઊંચો અભિપ્રાય ધરાવે છે. તેમના પ્રદાનમાં ‘Gita and Gandhiji’ નામનો ગ્રંથ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા 1970માં પ્રકાશિત થયો છે. 2002માં બીજી આવૃત્તિ નેશનલ ગાંધી મ્યુઝિયમ, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત થઈ છે. આદિ શંકરાચાર્યના સુપ્રસિદ્ધ ગ્રંથ ‘વિવેકચૂડામણિ’નો ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો હતો. તેમાં વિવેચનાત્મક નોંધ અને શંકરાચાર્યના તત્વજ્ઞાનનું વિસ્તૃત વિવેચન આપવામાં આવ્યું છે. ‘Immortal Doctrines of Hinduism’નું પ્રકાશન શ્રી દ્વારકાધીશ ઈન્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી, દ્વારકા દ્વારા 2004માં કરવામાં આવ્યું છે. આદિ શંકરાચાર્ય કૃત ‘આત્મબોધ જયરંજની સંસ્કૃતવૃત્તિ’ સાથેનું પ્રકાશન પોતે 1999માં કર્યું છે. તેઓનો ‘Essence of Jainism’ નામનો ગ્રંથ એલ.ડી. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ દ્વારા 1998માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ડૉ. રમેશ બેટાઈનો પી.એચ.ડીનો શોધપ્રબંધ નામે ‘Social Thoughts and Philosophy of Manu’ એ 700 પાનાનો ગ્રંથ છે અને તેનું પ્રકાશન 1970માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓએ યુ.જી.સી.ના રિસર્ચ પ્રોજેક્ટ તરીકે તૈયાર કરેલ ‘Criminal Law in Ancient India’ નું પ્રકાશન 2003માં ભારતીય કલા પ્રકાશન, દિલ્હીએ કર્યું છે. વળી, ‘ભારતમાં પ્રાચીન સમાજિક સંસ્થાઓ’ વિષય ઉપરનું તેઓનું સંશોધન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ‘વાગ્ભટાલંકારની જ્ઞાનપ્રમોદિકા’ નામની ટીકાનું સંપાદન કરીને સહુ પ્રથમવાર તેને ડૉ. બેટાઈ પ્રકાશમાં લાવ્યા છે, જેનું પ્રકાશન એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીએ 1987માં કર્યું છે. ‘રસકલિકાલંકરણ’ નામના 16મી સદીના રસ જેવા વિષયનું ગહન ચિંતન આપતા ગ્રંથનું સંપાદન તેઓએ કર્યું છે. અમરચંદ્ર યતિ કૃત ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’નું, શુભવિજયગણિ કૃત ‘મકરંદવૃત્તિ’ અને સ્વોપજ્ઞ ‘પરિમલવૃત્તિ સહિત’નું સંપાદન ડૉ. બેટાઈએ કર્યું છે, જેનું પ્રકાશન એલ.ડી. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડોલોજી દ્વારા 1997માં કરવામાં આવ્યું છે. વળી ‘પદ્મનંદીના આત્મબોધ’નું સંપાદન એલ.ડી. ઈન્સ્ટિટ્યુટના ‘સંબોધિ’ માટે ડૉ. બેટાઈએ કર્યું છે. ‘ભારતીય સાહિત્યવિચાર મંજૂષા’ નામના 1500 પાનાના બે ભાગ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદે 1975માં પ્રસિદ્ધ કર્યા છે, જેનું સંપાદન ડૉ. બેટાઈનું છે.

‘Writing of University Level Books by Indian Author’ નામની યુ.જી.સી.ની યોજના હેઠળ ‘આનંદવર્ધનનો ધ્વન્યાલોક-લોચન ટીકા સાથે’ એ વિષય ઉપર વિસ્તૃત અધ્યયન સાથેનો તેઓનો ગ્રંથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1999માં પ્રકાશિત થયો છે. છે.પોપ્યુલર બુક સ્ટોર, સુરત દ્વારા ‘કાવ્યપ્રકાશ-1-2-3 અને 10’ની આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી, જે ડૉ. રમેશ બેટાઈએ તૈયાર કરેલ છે. ડૉ. રમેશ બેટાઈના ‘Bharatiya Kavyamimansa – Some Problems’ ગ્રંથ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સહાયતા આપેલ અને તેનું પ્રકાશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી, દ્વારકા દ્વારા કરવામાં આવ્યું છે. ‘હર્ષવર્ધન-એક અધ્યયન’માં શ્રી હર્ષવર્ધનના ત્રણે નાટકોનું વિસ્તૃત વિવેચનાત્મક અધ્યયન તેઓએ આપ્યું છે, જેનું પ્રકાશન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. ‘સાહિત્યનો આસ્વાદ’ નામનો ગ્રંથ તેઓના અનેક સ્થળે આપેલાં પ્રવચનોનો સંગ્રહ છે, જે તેઓએ સ્વયં પ્રકાશિત કર્યો છે. ડૉ. બેટાઈનો ‘ધ્વનિ અને પાશ્ચાત્ય ચિંતન’ પૂર્વ અને પશ્ચિમના વિવેચનનું તુલનાત્મક અધ્યયન પૂરું પાડતો ગ્રંથ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની સહાયતાથી પ્રકાશિત થયેલ છે. સહુ પ્રથમવાર વામનની ‘કાવ્યાલંકાર સૂત્રવૃત્તિ’નો ગુજરાતી અનુવાદ ડૉ. રમેશ બેટાઈએ તૈયાર કર્યો છે. પ્રફુલ ભટ્ટ વિરચિત ‘અભિધાવૃત્તિમાતૃકા’નો ગુજરાતી અનુવાદ વિવેચનાત્મક નોંધ અને વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના સાથે સર્વપ્રથમવાર ડૉ. રમેશ બેટાઈએ તૈયાર કર્યો છે.

આ ઉપરાંત, ડૉ. બેટાઈએ ‘The Asesthetic-Benedetto Croce’નો ગુજરાતી અનુવાદ, ભારતીય કાવ્યમીમાંસા-કેટલાક પ્રશ્નો, સંસ્કૃત સાહિત્યનો વિવેચનાત્મક ઈતિહાસ ભાગ-1-2, ઉત્તરરામચરિત-એક અધ્યયન, kalidasa by G.C. Jhala નો ગુજરાતી અનુવાદ, Hinduism is Humanism, સુરેશ્વરાચાર્યની નૈષ્કર્મ્યસિદ્ધિના પ્રથમ બે પ્રકરણ જેવા ગ્રંથો આપણને આપ્યા છે. ડૉ. રમેશ બેટાઈના અનેક શોધપત્રો અંગ્રેજી કે ગુજરાતીમાં ભારતના અને ગુજરાતના પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રકાશિત થયા છે. તેઓએ અનેક પરિસંવાદોમાં ઉપસ્થિતિ આપી છે અને અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. ગુજરાત રાજ્યની એકથી વધુ યુનિવર્સિટીઓમાં અભ્યાસ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે. ભારતની અનેક યુનિવર્સિટીના પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના શોધનિબંધનું પરીક્ષણ કર્યું છે. તેમજ પ્રોફેસર, રીડર કે અધ્યાપકની નિમણુંકોમાં વિષય નિષ્ણાત તરીકે સેવાઓ આપી છે.

ડૉ. રમેશ બેટાઈને અનેક પારિતોષિકો અનેક સંસ્થાઓ તરફથી એનાયત થયા છે. જેમાં (1) ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સંસ્કૃત ભાષા અને શાસ્ત્રના વિદ્વાન તરીકેનું પ્રમાણપત્ર, 1992. (2) યુનિવર્સિટી ગ્રાન્ડસ કમિશન દ્વારા રિસર્ચ ફેલોશીપ (1979-1980) (3) કેન્દ્ર સરકાર દ્વારા ‘Gita and Gandhiji’ માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એવોર્ડ, (4) ગુજરાત રિચર્ચ સોસાયટીનો ઉત્તમ શોધપત્રનો 1961નો ચંદ્રક, (5) હરિૐ આશ્રમ, નડિયાદ પ્રેરિત એસ.પી. યુનિવર્સિટી દ્વારા ‘Law of Crimes from Manu to Yajnavalkya to Narada-A Positive Transition’ નામના શોધપત્ર માટે પારિતોષિક (6) ‘કાવ્યમાં શબ્દ, અર્થ અને શબ્દાર્થ’ – શોધપત્ર માટે હરિૐ આશ્રમ, નડિયાદ પ્રેરિત એસ.પી. યુનિવર્સિટી દ્વારા પારિતોષિક વિગેરે પારિતોષિકોનો સમાવેશ થાય છે.

ડૉ. રમેશ બેટાઈ, પત્ની જયાબહેન, પાંચ પુત્રો, સાત પૌત્રો, બે પૌત્રીઓ, એક પ્રપ્રૌત્ર અને એક પ્રપ્રૌત્રીનું વિશાળ કુટુંબ ધરાવે છે. હાલ તેઓ 1001, અનમોલ ટાવર્સ, નારણપુરા ટેલિફોન-એક્ષચેન્જ સામે, નારણપુરા, અમદાવાદ ખાતે નિવાસ કરે છે અને પોતાનું શેષ જીવન વ્યતીત કરી રહ્યા છે.

[પૂ. મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય]

શ્રીરામચંદ્ર શરણં પ્રપ્રદ્યે
શ્રીરામદૂતં શરણં પ્રપ્રદ્યે

‘સંસ્કૃતસત્ર-11’ કે જેની શરૂઆત આદરણીય ભાણદેવ દ્વારા થઈ અને સમાપન આદરણીય લક્ષ્મીદેવ દ્વારા થયું ! મારા હાથમાં ઘડિયાળ છે. એનો આદિ અને અંત ભાગ હું પકડું તો મધ્યભાગ અનાયાસ હાથમાં આવે છે. એ રીતે પહેલું પ્રવચન સુંદર અને લક્ષ્મેશબાપાનું આ અંતિમ પ્રવચન પણ સુંદર અને એની વચ્ચે કેટકેટલાય વિદ્વાનોએ આપણને આનંદ આપ્યો. એ બધું જ આપણે આનંદપૂર્વક માણ્યું. સમગ્ર સત્રના સમાપનમાં એક આરંભ થયો છે કે ‘વાચસ્પતિ એવોર્ડ’ દ્વારા સંસ્કૃતના એક ઋષિની વંદના કરાય. આદરણીય ગૌતમભાઈ સહિત આ બધા જ વડીલો ભેગા મળીને આખી યોજના વિચારે અને પ્રતિવર્ષ આવો એક સત્વપ્રધાન સમારંભ અહીં યોજાય છે, એનો મને વ્યક્તિગત રીતે અત્યંત આનંદ છે.

આદરણીય ગૌતમભાઈએ કહ્યું કે ‘ગણેશચતુર્થી જ્યાં સુધી હોય ત્યાં સુધી આ બધું અહીં ચાલુ રહે.’ પરંતુ ગણેશ માટે હું કંઈ ન કહી શકું, પણ આજનો દિવસ ઋષિ પંચમીનો છે. મારા દેશમાં અને મારા વિશ્વમાં જ્યાં સુધી ઋષિની વિચારધારા કોઈ પણ માધ્યમથી ચાલુ રહે ત્યાં સુધી, આ કૈલાસ ગુરુકૂળ હોય તો, આ કૈલાસ ગુરુકૂળ એને નિભાવવાનો નેવું ટકા પ્રયાસ કરશે, એવો હું મનોરથ સેવું છું. ‘મનોરથ’ વૈષ્ણવી શબ્દ છે. એ પૂરો થાય તોય એની કૃપા અને ન થાય તોય એની કૃપા. હું આમ બે શબ્દ કહ્યા કરું કે ‘ઈશ્વર કૃપા’ અને ‘ઈશ્વર ઈચ્છા.’ આપણી માન્યતા પૂરી થાય તો ‘ઈશ્વર કૃપા’ અને આપણી ધારણા પૂરી ન થાય તો ‘ઈશ્વર ઈચ્છા.’ પણ હમણાં એક વર્ષથી મેં એમાંય ફેરફાર કર્યો છે કે આપણી ધારણા પૂરી ન થાય તો ‘ઈશ્વર ઈચ્છા’ એમ કહીએ છીએ તેમાં ક્યાંક નિરાશા છે. એના પુત્ર તરીકે આપણે નિરાશ શું કામ થઈએ ? એટલે કોઈ પણ પરિસ્થિતિમાં હું હમણાં શબ્દ વાપરું છું કે આ પણ ‘ઈશ્વરકૃપા’ છે. ‘ઈશ્વર ઈચ્છા’ મેં મારા વ્યક્તિગત જીવનમાંથી હટાવી દીધું છે. બધી જ ઈશ્વરકૃપા છે.

આ યાત્રામાં ત્રીજે દિવસે અહીં ઋષિની વંદના થાય છે એમાં આ વર્ષે પૂજનીય રમેશબાપા બેટાઈ, એમની વંદના અહીં થઈ. નાદુરસ્ત તબિયતને લીધે તેઓ અહીં આવી શક્યા નહિ પરંતુ એમણે એનો સ્વીકાર કર્યો અને એમના સુપુત્ર અને પરિવારના અન્ય સદસ્યો આવ્યા છે. રમેશબાપાને હું પ્રણામ કરીને અને પરિવારજનોનું સ્વાગત કરું છું. આ અમારી વંદના આપે કબૂલ કરી એ માટે આ મોરારિબાપુ આપના ચરણમાં પ્રણામ કરે છે. આપ આવી શક્યા નથી પરંતુ હું અમદાવાદ જઈશ અને આપના બધા વતી એમના ચરણમાં પ્રણામ કરી આવીશ એટલે મને વધારે સંતોષ થાય.

ઉપનિષદ સુધાનો વિષય નક્કી કરવા માટે આદરણીય બધા જ વડીલો બેઠા હોય છે અને દર વર્ષે કોઈને કોઈ પ્રેરણાપ્રદ વિષયનો ચુનાવ થાય છે. એવી જ રીતે ચયન કમિટિ કયા ઋષિની વંદના કરવી એનો પણ નિર્ણય કરે છે અને એ સાંભળીને, સ્વીકારીને મારા આનંદમાં વધારો થાય છે. આ વખતે ઉપનિષદ વિશેની ચર્ચા થઈ. હું ન ભૂલતો હોઉં તો વર્ષો પહેલા આનંદમયી માના આશ્રમના આયોજનમાં કનખલ, હરિદ્વારમાં રામકથા હતી, એ વખતે ‘માનસ-ઉપનિષદ’ વિશે કંઈક બોલાયેલું. આપ સૌને સાંભળ્યા પછી વળી એક મનોરથ ઊભો થયો છે કે હવે મારે નવેસરથી નવી રીતે, આપને સૌને સાંભળ્યા પછી, આપના પાસેથી પ્રસાદ પામ્યા પછી, હું ક્યાંક ફરી વખત કોઈ એવા તીર્થમાં મારી વાણીને પવિત્ર કરવા માટે ‘માનસ-ઉપનિષદ’ની કથા કહીશ. એની પાછળના મારા કારણો છે. હું સતત સાંભળતો હોઉં છું. ભાણદેવજીથી લઈને લક્ષ્મેશબાપા સુધી જે મેં ઉપનિષદો વિશે સાંભળ્યું ત્યારે મને સતત પડઘા પડે કે આ વાત તો તુલસીએ માનસમાં ઉપનિષદમાંથી લીધી છે ! ‘માનસ-ઉપનિષદ’ એટલે કોઈ નવું ઉપનિષદ નહીં, પરંતુ માનસમાં આપણા પ્રધાન ઉપનિષદોના કેટલા સુંદર સંદર્ભો તુલસીએ પ્રસાદરૂપે લીધા છે અને આપણને વહેંચ્યા છે, એને હું મારી બોલીમાં થોડું વધારે સરળ કરીને હું એને વહેંચવાનો પ્રયાસ કરીશ. તેથી મને અહીંથી નવી પ્રેરણા મળી. દશ ઉપનિષદ તો હું ચોક્કસ કહી શકું કે જેના સીધા સાત્વિક ઉતારાઓ તુલસીએ રામચરિત માનસમાં ઉપાડ્યા છે. એ પંક્તિઓ મારા સ્વાન્તઃ સુખ માટે, મારા મનને બોધ થાય એ માટે અને મારી વાણીને પવિત્ર કરવા માટે બહુ જ ઉપયોગી થશે. એક અનુષ્ઠાન, તમારા આશીર્વાદથી પાછું ‘માનસ-ઉપનિષદ’નું કરવાનો છું.

લક્ષ્મેશબાપા, આપે જે શુષ્ક કર્મકાંડની વાત કરી, કે જે ઉપનિષદના નામે આવી ગયું, એની આપે ખૂબ વિવેકપૂર્ણ વાત કરી, પરંતુ તુલસીને હું તરત જ સ્મરતો હતો કે તુલસીએ વશિષ્ટના મુખે એક વાત કહી. વશિષ્ટ એ રઘુકુલના ઉપરોહિત છે. જ્યારે વશિષ્ટજી રામને બ્રહ્મ રૂપે ઓળખી ગયા ત્યારે એક વાત કહે છે કે ‘રામ, હું બ્રહ્માનો પુત્ર છું. એ પરંપરાનો છું. હું કોઈના કૂળમાં કર્મકાંડ કરાવી દક્ષિણા ઉઘરાવું એટલો સામાન્ય તું મને સમજીશ નહીં.’ જેને ત્યાં કામધેનુ ગાય છે એને વળી શું ? એ કામધેનુ મંથનમાંથી નીકળેલી. હું બહુ વિચાર કરતો નથી પરંતુ હું હમણાં આમ બહુ વિચારે ચડ્યો છું. ગ્રંથોના સૂત્રો વાંચીએ, સાંભળીએ ત્યારે એની પર વિચારવાનું ગમે છે. વિચારની ગલીઓમાં શ્રદ્ધા લઈને ઘૂમવું એ ભટકાવ નથી પરંતુ ક્યાંક પહોંચવાની યાત્રા છે. તેથી હું વિચાર્યા કરું છું કે ધન્ય છે આ ઉપનિષદોનો દેશ, આ ઋષિઓનો દેશ કે જ્યાં ચૌદ રત્નોમાં વિષને પણ સ્થાન મળે છે. લક્ષ્મીને સ્થાન મળે એ સમજી શકાય. કલ્પતરુને સ્થાન મળે એ સમજી શકાય. કામધેનુને સ્થાન મળે એ સમજી શકાય. સારંગ-ધનુષને સ્થાન મળે એ સમજી શકાય. ધન્વંતરિને સ્થાન મળે એ સમજી શકાય. પંચજન્યને સ્થાન મળે એ સમજી શકાય. આ દેશ જ આ કરી શકે કે જ્યાં હળાહળને પણ રત્ન ગણવામાં આવ્યું છે. જો એનો શિવની જેમ ઉપયોગ કરતાં આવડે તો પ્રત્યેક જીવ શવ ન રહેતાં શિવ બને. હું બહુ વિચારું છું કે વિષને રત્ન કહેવું એ તો કોઈ સાહસી ઋષિ જ કરી શકે. મારો કહેવાનો અર્થ એ છે કે જે વશિષ્ટજી પાસે આટલી મોટી સાત્વિક સિદ્ધિ હોય એ કોઈના કૂળનું ઉપરોહિત્યકર્મ સ્વીકારે ? એમણે આખું જીવન રઘુકૂળનું ઔપરિહત્ય કાર્ય કર્યું. પરંતુ રામને બ્રહ્મ તરીકે ઓળખ્યા ત્યારે એક ખુલાસો કર્યો કે ‘રાઘવ, હું મૂરખ નહોતો કે કોઈ રાજાને ઘેર હું કર્મકાંડ કરું. એના છોકરાઓની છેડાછેડી છોડાવવા જાઉં એવો હું નથી, પણ મેં જ્યારે ઉપરોહિત્યકર્મની પિતામહ બ્રહ્માને ના પાડી ત્યારે બ્રહ્માએ કહ્યું કે વશિષ્ટ, ભૂલ ન કર. જે કૂળમાં ઉપરોહિત્યકર્મ કરાવવા તું જાય છે એ કૂળમાં બ્રહ્મનું આગમન થવાનું છે.’ તેથી તેઓ બોલ્યા છે કે ઉપરોહિત્યકર્મ અતિમંદ છે. ટૂંકમાં દસ ઉપનિષદોમાંથી ક્યાંક ક્યાંક તો એમ લાગે કે માનસમાં સીધો અનુવાદ ઊતર્યો છે.

ઉપનિષદો તુલસી સુધી જ શું કામ ? આ ઉપનિષદો તો લોક કવિઓ સુધી ઊતર્યા છે. મનસુખબાપાએ પણ ભોજાભગત અને અખો વગેરેનો ઉલ્લેખ કરીને આ વાત અહીં કહી. કવિ કાગે ઉપનિષદનો વિચાર પોતાના એક ગીતમાં મૂક્યો છે. એમણે જે કહ્યું છે એ આપને ગાઈને કહું. મેં હમણાં જ એક નિવેદન કર્યું હતું કે દેશનો યોગી અને દેશનો ઋષિ ગાતો હોવો જોઈએ, નાચતો હોવો જોઈએ, મુસ્કુરાતો હોવો જોઈએ અને એની નહીં, આપણી ચિંતા કરતો હોવો જોઈએ. સાધુ કોઈ દિવસ ઉગ્ર ન હોય પરંતુ લોકમંગલ માટે વ્યગ્ર હોય. તેથી હું એ ગીત આપને ગાઈને કહું :

પૃથ્વી તણો પિંડો કર્યો
રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર
એ કુંભાર બેઠો ક્યાં હશે ?
આકાશના ઘડનારના ઘરને
ઘડ્યા કોણે હશે ?
અવકાશની માતા તણા
કોઠા કહો કેવડા હશે ?
કહે કાગ સર્જક સર્પનો
કેવો કઠીન ઝેરી હશે
પવને સુગંધ પ્રસરાવતો
મારો લાડીલો કેવો લહેરી હશે
આ જાણવા જોવા તણી
દિલ ઝંખના ખટકી રહી
બ્રહ્માંડમાં ભટકી અને
મારી મતિ અંતે અટકી રહી

કહેવાનો અર્થ, ઉપનિષદનો વિચાર છેક લોક બોલી સુધી પહોંચ્યો. વ્યક્તિ જેટલો નિર્વિચાર થાય એટલો એની અંદર ઋષિ બોલે. જ્યાં સુધી આપણા વિચારોની ભીડ હોય ત્યાં સુધી ઋષિ બોલે નહીં. તમે ગામડામાં જોયું હશે કે માલધારી ભાઈઓ ચોમાસામાં ઊઘાડ નીકળે એટલે ગાયો-ભેંસોને ચરાવા મૂકીને ટેકરા પર લાકડીને ટેકે બેસીને એકલા ગાતા હોય છે. એમના ગાન પાછળ કોઈ સાંભળનાર નથી, એનો કોઈ હેતુ નથી, એને કોઈ એવોર્ડ મળવાનો નથી, એનું કોઈ સન્માન કરવાનું નથી, એને કોઈ માળા પહેરાવવાનું નથી. ગાય-ભેંસ તો કંઈ વાહ-વાહ કહેવાના નથી ! એ ક્યારે ગાઈ શકતો હશે ? એ વખતે એનામાં વિચારો સાવ ઓછા થયા હશે. જેટલી વિચારોની ભીડ ઓછી એટલો ઋષિને આપણે પ્રગટવાનો મોકો આપતા હોઈએ છીએ.

મારા મનમાં ઘણા વખતનો મનોરથ છે કે મારે તરણેતરનો મેળો જોવો છે. બાળપણમાં ઘણા મેળા કર્યા. પરંતુ હવે જવાતું નથી કારણે કે મેળો શરૂ થાય ત્યારે અહીં આ મેળો શરૂ થાય ! મને એમ લાગે છે કે મારું તરણેતર આ જ છે. એટલે હું ગાયા કરું છું કે ‘મારું તલગાજરડું મને વ્હાલું, હું વૃન્દાવન નહિ રે આવું….’ મને તલગાજરડા રહેવાનો બહુ જ આનંદ આવે છે. મને મારા ગામમાંથી બહુ જ મળે. હમણાં આઠ-દસ દિવસ પહેલા એક બેન આવી. મારા ગામની જ એક દીકરી. પરણીને બહાર ગયેલી. હું તો ઓળખું નહિ. મને બહુ અધિકારપૂર્વક કહે, ‘બાપુ, તમે મને ઓળખી ? કદાચ તમે મને નહિ ઓળખો પરંતુ આપના નાનાભાઈઓ અને અમે બધા સાથે ભણતાં… અમે તમારી શેરીમાં રમતા.’
મેં કહ્યું : ‘હા, બેટા. બરાબર. કંઈ કામ છે ?’
‘કંઈ કામ નથી’ એણે કહ્યું, ‘પરણીને સાસરે ગઈ છું. એક ખેતરને શેઢે નાનું મકાન કર્યું છે, ત્યાં પંદરેક વીંઘા જમીન છે ત્યાં અમે રહીએ છીએ. હમણાં હમણાં ટીવી લીધું છે. બાપુ, ટીવીમાં તમારી કથા આવે છે. એ કથામાંથી એક વસ્તુ શીખી.’
મેં પૂછ્યું : ‘શું ?’
‘તમે એમ કહ્યા કરો છો કે અગિયાર વખત હનુમાન ચાલીસા કરવા પણ એ મારાથી કંઈ થાય નહીં.’
‘તો તું શું કરે ?’
‘તમે કીધું એટલે હનુમાન ચાલીસા તો કરું પણ અગિયાર કે એકસો-આઠ એવું કશું નક્કી નહીં.’
‘તો ?’
‘મારું મોઢું દુઃખી જાય ત્યાં સુધી કરું છું…..!!’ સાહેબ ! આ મોટું એક પ્રમાણ મને મળ્યું. અનુષ્ઠાનની વિધિ મળી. મેં કહ્યું કે બેટા, તેં મને પ્રેરણા આપી. કેટલી મોટી વાત ! મોઢું દુઃખે ત્યાં સુધી કરું છું ! એટલે એ મૂળમાં જવાનો બહુ આનંદ છે.

મારો કહેવાનો અર્થ છે કે ગઝલ ગાનાર, બે દોહા બોલી જનાર ને કદાચ મૂળ ઉપનિષદનો ખ્યાલ પણ નહીં હોય પરંતુ એની ભૂમિકા અમુક સમય માટે સર્જાતી હશે કે જેમાંથી ઋષિને બહાર આવવાની ઈચ્છા થતી હશે. ઉપનિષદની બહુ જ પ્રેરણા આપે એવી સુધાનું પાન આપણે કર્યું. આ તો અહીંયા સગવડ છે, પ્રભુની કૃપા છે એટલે બધું કરીએ છીએ, પરંતુ આવું જ્યાં થતું હોય ત્યાં મને જવાની ઈચ્છા થાય. મને શ્રવણ બહુ ગમે. શ્રવણ એક વિજ્ઞાન છે. શ્રવણ એક પ્રકારની વિદ્યા છે. આપણી તકલીફ શું છે કે આપણે સાંભળતા જ નથી. અહીં બોલનારાને જ આપણે બરાબર સાંભળી કે સમજી શકતાં નથી તો જે અબોલ વક્તવ્યો છે એને ક્યારે સાંભળશું ? આ વૃક્ષો બોલે છે, આ નદીઓના પ્રવાહો બોલે છે, સમંદરના તરંગો બોલે છે, પક્ષીઓનો કલરવ બોલે છે. અરે સાહેબ ! સાંભળતા આવડે તો કૂતરાંઓના ભસવામાં પણ કંઈક પડ્યું છે, સિંહની દહાડમાં પણ કંઈક પડ્યું છે. આખું અસ્તિત્વ મુખર છે. માણસ ખોટેખોટો વચ્ચે બોલવાની કોશિશ કરે છે. ટૂંકમાં, મને ગમે ત્યાં જઈને મોકો મળે ત્યારે સાંભળવાની ઈચ્છા થાય. આવી મારી એક રુચિ છે. મારો સ્વભાવ છે. અહીંયા હોય ત્યારે તો હું બહુ જ પ્રસન્નતા અનુભવું છું. ભગવાન કરે આ પ્રવાહ આપ સૌની શુભકામનાથી, આશીર્વાદથી ચાલતો રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.

છેલ્લે ‘વૃણુતે’ની વાત આવી એ પરથી એટલું કહેવું છે કે ખાલી આપણે જ એને ચાહીએ છીએ એવું નથી. એ પણ પ્રેમનો ભૂખ્યો છે. આપણે તો શું પ્રેમ કરીએ, યાર ? વહેમમાં હોઈએ છીએ ! એ સૌને પ્રેમ કરે છે. એ તત્વ આવું કરવા માટે ક્યાંક ગુરુકૂળનું વરણ કરતું હોય એવું લાગે છે. આ નાળિયેરીઓનું નિમંત્રણ એણે સ્વીકાર્યું છે. અહીં ભણતા સાધુસમાજના ગરીબ બાળકો, જે કોઈ દિવસ શિક્ષા નહોતા લઈ શકતા, લોટ અને રોટલા ઉઘરાવી, પોષણ કરી બીજાને ટૂકડો આપતાં. અમારે પણ એમ જ હતું. અમારે તો તાવડી અને તાંબડી બે જ હતું. સાહેબ ! એ તાવડીમાં રોટલો પાકે એ એકલા ન ખવાય. મંદિરે કોણ બેઠું છે એ પૂછીને ખવડાવીને ખવાય. એ પ્રકારના બાળકો અહીં ભણે છે એમના પુણ્ય અને ક્યારેય કોઈ આગળ નથી આવતું એવા આ ગુરુકૂળમાં સેવા આપનારા સમર્પિત યુવાન ભાઈ-બહેનો અથવા તો વડીલો, એ બધાના હૃદયના મનોભાવને કળીને અસ્તિત્વ અમારું વરણ કરે છે. આપ આશીર્વાદ આપજો કે અમારું વરણ થતું રહે.

[સમાપ્ત]


(આ અહેવાલમાં વપરાયેલા સંસ્કૃત શ્લોકોની શુદ્ધિ માટે http://sanskritdocuments.org/ ની સહાયતા લેવામાં આવી છે.)

[સંસ્કૃતસત્ર-11ના ફોટોગ્રાફ્સ નીચે પ્રમાણે છે : (સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) ]

[સંસ્કૃતસત્ર-11ના સંપૂર્ણ લેખની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે : Click Here ]

[1] સંસ્કૃતસત્ર-11: ડી.વી.ડી પ્રાપ્તિસ્થાન :
સંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.

[2] કાર્યક્રમનું સ્થળ:
શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત): ફોન : +91 2844-222090.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારું વતન પેટલાદ – શ્રદ્ધા ત્રિવેદી
સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-2) – મૃગેશ શાહ Next »   

15 પ્રતિભાવો : સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-3) – મૃગેશ શાહ

 1. raj says:

  respacted Mrugesh bhai,
  All article of sanskrit upnishad are best
  very good
  thanks
  raj

 2. gopal says:

  સત્ર વિષે આટલી સુઁદર ને વિસ્તૃત માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર

 3. Ankit says:

  લક્ષ્મેશ જોશીજી એતો મારા મનનીજ વાત કરી દીધી કે………..
  જનકરાજાની સભામાં વિદ્વાનો ભેગા થતા અને ચર્ચા કરતા હતા. આજે ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે. જેની પાસે ઘણા પૈસા છે, જે લોકો આચાર્યો છે, શા માટે તેઓ ઉપનિષદ અને વેદોના સત્રો કરતા નથી ? આખા વિશ્વમાં અને ભારતમાં ઉપનિષદોનું જ્ઞાન એ કોઈ સંપ્રદાયનું નથી. બાપુની પ્રશંસા કરવા માટે નહીં પરંતુ હું સાચું કહું છું કે ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે છતાં કોણ આવું કરે છે ? ખાવાનું-પીવાનું, રહેવાનું, સાંભળવાનું, બધી જ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. આવું ક્યાં કોઈ ઠેકાણે થાય છે ? ગુજરાતમાં તો મેં બીજે ક્યાંય જોયું નથી. આ ખરેખર તમને સાચું કહું છું. એવા સત્રો થાય તો લોકો જાણી શકે કે વેદ અને ઉપનિષદમાં શું છે.

  આભાર
  -અંકિત

  • જય પટેલ says:

   ભઈલા અંકિત

   જ્ઞાનસત્ર ગુજરાતમાં ફક્ત મહુવામાં જ આયોજિત થાય છે તે પૂર્ણ સત્ય નથી.
   સંતરામ મંદિર નડિયાદમાં આવાં સંસ્કૃત પર્વો અવાર નવાર આયોજિત કરવામાં આવે છે.
   સત્ર દરમ્યાન બહારથી આવેલા ભાવકો માટે જમવા..રહેવાની સુવિધા ઉપલબ્ધ છે અને હા
   સંતરામ મંદિર આવી સુવિધા માટે કોઈ ચાર્જ કરતું નથી કારણ કે
   કોઈની પાસે માગવું નહિ…આકાશીવૃતિ રાખવી અને ધનસંચય કરવો નહિ જેવી પરંપરા મંદિરની ઓળખ છે.

 4. Prakash says:

  ગન્ગા હમેશ માટે જન પિપાસા ને ત્રુપ્ત કરવા વહે છે સન્તો સમાજ ની સન્સ્કૃતિનુ જતન કરવા શ્વસે છે વિદ્વાનો સમાજ નુ નિર્માણ કરવા કર્મ કરે છે. પૂ . બાપુ એ આ ત્રિવેણી નુ તિર્થ બનાવ્યુ છે. જેથી સામાન્ય જનને ધન્યતા મળતી રહેશે નિરન્તર.

 5. nilam doshi says:

  ધન્યવાદ..મૃગેશભાઇ…. આખા ઉપનિષદ તો કદાચ વાંચી ન શકાય..પરંતુ એનો સાર અહીં સુન્દર રીતે માણવા મળ્યો…એનો આનંદ..આનંદ….
  ખૂબ સુંસર રજૂઆત…તમારી જહેમત અને નિષ્ઠાને સલામ…..

  અમેરિકાથી આજે નીકળું છું..ત્યારે છેલ્લા બે કલાકમાં ઉપનિષદ વાંચવાનો લહાવો મળ્યો…..
  રહી ન શકાયું અને અત્યારે વાંચીને જ નીકળું છું…એરપોર્ટ પહોંચવાનો સમય થઇ ગયો છે…છતાં વાંચ્યા સિવાય ન રહી શકાયું…

  ફરી એકવાર અભિનંદન અને આભાર…

 6. Mrugesh,you have done excellent job in presenting Sanskrit -satra-11.I was present in this satra.The great personalities in Sanskrit gave lectures in Upnishads.Everybody present there, appreciated the welknown speakers
  who talked about Upnishads.You have taken great efforts in presenting these articles in best way.Congratulations.

 7. Vipul says:

  Mrugeshbhai,

  It is really awesome composition.

 8. સંસ્કૃતસત્રના અહેવાલ માટે આભાર મૃગેશભાઈ.

 9. Manhar Sutaria says:

  મૃગેશભાઈ,
  આપને જેટલા ધન્યવાદ કરીયે તેટલા ઓછા છે. ફક્ત એક રુપક આપના માટે યોગ્ય લાગે છે અને તે છે ગણેશ ભગવાનનુ. જેમ તેમણે મહાભારત લખ્યુ હતુ તેમ તમો વર્ષોથી આ ગુજરાતી અને સંસ્કૃત સત્રો ને સાદ્રશ્ય અમારા સુધી પહોચાડો છો.
  તમારો, મોરારીબપુનો અને સર્વ જ્ઞાની વક્તાઓનો ખૂબ ખૂબ આભાર.

  મનહર સુતરિઆ

 10. साधु साधु | धन्यवादः |

 11. niranjan buch says:

  સત્ર વિષે વાંચી ને ખુબ જ આનંદ થયો. આખું તો હજી વાંચી નથી શક્યો પણ વાંચવા થી મન ને ખુબ શાંતિ મળી . એમ લાગે છે કે મે કાંઇક ખોયું છે.ફરી ફરી ને આવો આનંદ આપો એજ અભ્યર્થના

 12. Dhansukhbhai Patel says:

  પ્રિય ભાઈશ્રી,
  “અનુપમ અનુપમ અનુપમ” સિવાય શું કહી શકાય? શબ્દો મૂક બની બેઠા છે. પૂ. પાદ બાપુ ની અવિરત રણકતી અમીગંગાથી પામ્યો જ પામ્યો છું. મારી ચાલીસી થી માંડીને બોત્તેરમા સુધી મારી જીવન પ્રક્રિયાનું ગુરુત્વ મધ્યબિંદુ બની રહ્યા છે અને પુનર્જન્મમાં પણ હશે એ ધ્રુવ છે.
  આવું સુધાપાન આકંઠ થતું રહે એ જ અભ્યર્થના. કુશલ રહો અને નિરુપમ બની રહો.
  કૅમ્બ્રિજ, ઑન્ટારિયો, કૅનેડા

 13. upnishado ange khub manniya jankari mali …thanks

 14. Gopal Bhatt says:

  it s good work thanks a lott

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.