- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 [1] થી આગળ….]

કઠોપનિષદ – હરિરામ આચાર્ય

સૌથી પહેલા આ કૈલાસ ગુરુકુળની ભૂમિને હું પ્રણામ કરું છું, જ્યાં મને પહેલીવાર આવવાનું સૌભાગ્ય મળ્યું. હું એટલી સ્પષ્ટતા કરી દઉં કે ન તો હું વેદજ્ઞ છું કે વેદાંતજ્ઞ છું, ન તો દાર્શનિક છું. સાહિત્યના અભ્યાસમાં રત રહું છું અને એ અભ્યાસના પુણ્યપ્રતાપે પંડિતોની વચ્ચે બેસવાનો મને લાભ મળી જાય છે. જીવનભર સંસ્કૃત શીખ્યો અને શીખવાડ્યું. એ પ્રકારે કોશિશ કરી પરંતુ અગાધ સાગરનો પાર પામવો બહુ કઠીન છે.

વેદો જ્ઞાનના ભંડાર કહેવાય છે. એનો જેમાં વિસ્તાર થયો તે બ્રાહ્મણ ગ્રંથો કહેવાયા. એ વિશે પછી વધારે ગહનતાપૂર્વક ચિંતન થયું, તે અરણ્યોમાં બેસીને થયું એટલે તે આરણ્યકો કહેવાયા. એ જ્ઞાન જ્યારે શિખરને સ્પર્શ્યું ત્યારે એ વેદાંત કહેવાયું, એને જ આપણે ઉપનિષદ કહીએ છીએ. એટલે કે ઉપનિષદ એ વેદથી લઈને વેદાંત સુધીની સારસ્વત યાત્રા છે. મારે કઠોપનિષદ વિશે વાત કરવાની છે. એમાં સૌથી પહેલો શાંતિમંત્ર છે એ જોઈએ :

ॐ सहनाववतु ||सहनौभुनक्तु ||
सह वीर्यं करवावहै ||
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ||

तेजस्विनावधीतमस्तु – આ જાણે કઠોપનિષદનું ધ્યેયવાક્ય છે. એનો અર્થ થાય છે કે અમે જે કંઈ ભણીએ તે તેજસ્વી બને. ગુરુની જ્ઞાનાગ્નિમાં પ્રશ્નની આહુતિ આપવા માટે પહેલા હાથમાં સમિધ લેવામાં આવે છે, એવી આપણી જ્ઞાનની પરંપરા છે. આપણે ત્યાં ભાગવતમાં ‘सत्यं परम धिमहि’ એમ કહેવાયું છે. પરમસત્ય સુધી પહોંચવા માટે ઘણી સાધના કરવી પડે છે. જેને આપણે બ્રહ્મ કહીએ છીએ એ સત્યનું જ સ્વરૂપ છે. એટલે જ ઈશવાસ્ય ઉપનિષદમાં ‘हिरण्यमयेत पात्रेण..’ શ્લોકમાં ‘સત્ય ધર્માય દ્રષ્ટયે’ના સંકલ્પની વાત આવે છે. વેદ-ઉપનિષદોના દર્શનો બધાં કાવ્યો છે. પરંતુ એ એવા કાવ્યો છે જે અજર-અમર છે.

કઠોપનિષદ યજુર્વેદમાં આવે છે. ‘સર્વં ખલમિદં બ્રહ્મ’ એ પ્રસિદ્ધ વાક્યની ખોજ અહીં આખ્યાન રૂપે કરવામાં આવી છે. કઠોપનિષદમાં બે અધ્યાય છે અને પ્રત્યેક અધ્યાય ત્રણ વલ્લીઓમાં વહેંચાયેલા છે. તેમાં કુલ મળીને 119 મંત્રો છે. આરંભના બે મંત્રો ગદ્યાત્મક છે અને બાકીના 117 મંત્રો કાવ્યાત્મક છે. આ ઉપનિષદને ‘નચિકેતોપાખ્યાન’ પણ કહેવામાં આવે છે. આમાંનું નચિકેતાનું પાત્ર જે જિજ્ઞાસા વ્યક્ત કરે છે એ જિજ્ઞાસા અગાઉથી ચાલતી આવી છે અને હવે પછી પણ ચાલતી રહેશે, એટલે એ બધી જિજ્ઞાસા મને બાલજિજ્ઞાસા જેવી લાગે છે. એ બધી જિજ્ઞાસાનું પ્રતિક બનાવીને નચિકેતાને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. નચિકેતા સનાતન અને શાશ્વત પ્રતીક છે. સ્વામી વિવેકાનંદે એમ કહ્યું હતું કે ‘મને એકસો નચિકેતા આપો, હું વિશ્વનું રૂપ બદલી નાખીશ.’ એટલે મને લાગે છે કે નચિકેતા ક્રાંતિકારી બાળક છે. એ પિતાની વિરુદ્ધ ઊભા થયા. નચિકેતાના પિતાએ વિશ્વજીત યજ્ઞ કર્યો. એ યજ્ઞની પરંપરા છે કે એમાં બ્રાહ્મણોને ગાયોનું દાન આપવામાં આવે છે. એમાં પોતાની સૌથી પ્રિય વસ્તુ પણ દાનમાં આપી દેવાની પદ્ધતિ છે. એ યજ્ઞમાં જ્યારે બ્રાહ્મણને ગાયો આપવામાં આવી રહી હતી ત્યારે નચિકેતા એને જોઈ રહ્યો હતો. એની ચેતના જાગૃત થઈ કે આ કેવી ગાયો દાનમાં અપાઈ રહી છે ? ઉપનિષદમાં વર્ણન આવે છે :

पीतोदका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रियाः

આ એવી ગાયો છે જે અંતિમવાર જળ પી ચૂકી છે, ઘાસ ખાવાનું જેણે બંધ કરી દીધું છે, એનું દૂધ પણ દોહવાઈ ગયું છે અને તેની બધી ઈન્દ્રિયો નષ્ટ થઈ ચૂકી છે, એવી મરણાસન્ન ગાયો છે. નચિકેતાએ જોયું કે આવી ગાયો દાનમાં અપાઈ રહી છે અને બ્રાહ્મણ એને લઈને જઈ રહ્યા છે. એને થયું કે આ શું થઈ રહ્યું છે ? મારા પિતા તો આટલું મોટું કામ કરી રહ્યા છે અને આ યજ્ઞની વેદી પર દાનનો સંકલ્પ લઈને દાન કરી રહ્યા છે તો આ કેવું દાન થયું ? દાન તો પોતાની પ્રિય અને શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાની રીત છે. એણે કહ્યું, ‘હું તમારો પ્રિય પુત્ર છું, સર્વસ્વ છું, તો તમે મને કોને આપશો ?’ બે વાર એણે પિતાજીને પૂછ્યું ત્યાં સુધી તો પિતાએ એને ટાળી દીધો. ત્રીજી વાર જ્યારે એણે પૂછ્યું તો એના પિતાએ ક્રોધમાં આવીને કહ્યું કે ‘હું તને મૃત્યુના દેવને આપું છું.’ નચિકેતા વિચારમાં પડ્યો કે પિતાજીએ આમ કેમ કહ્યું હશે ? હું તો પિતાજીનો ખરાબ પુત્ર નથી. મને મૃત્યુને આપવાનું કહ્યું તો મૃત્યુને મારું શું કામ હશે ?

નચિકેતા મૃત્યુના દ્વારે એટલે કે યમલોક પહોંચી ગયો. ત્યાં શરીર સાથે પ્રવેશ થતો નથી. યમરાજાના દ્વારપાળોએ એને રોકી લીધો.
‘કયાં જાઓ છો ?’
‘હું યમરાજા પાસે જાઉં છું. મને મારા પિતાએ દાન કર્યો છે.’
ત્રણ રાત્રિ સુધી એ ત્યાં બેસી રહ્યો. યમરાજા બહાર ન આવ્યા. યમરાજાની પત્નીએ યમરાજાને કહ્યું કે ‘તમે શું વિચારમાં છો ? બહાર બ્રાહ્મણ અતિથિ ત્રણ દિવસથી બેઠા છે. એની ઉપેક્ષા કરવી એ આપણી સઘળી સમૃદ્ધિને નષ્ટ કરવા બરાબર છે. આ આપ શું કરો છો ? પોતાનું અસ્તિત્વ ખતમ કરવાની વાત વિચારો છો કે શું ? તમે જાઓ અને જળથી એમના ચરણ ધુઓ…’ યમરાજાને ત્યારે ભાન થયું કે પોતાની કેવી મોટી ભૂલ થઈ ગઈ. તેઓ બહાર આવ્યા. યથાયોગ્ય સત્કાર કર્યો. યમરાજાએ કહ્યું કે ‘મારાથી ભૂલ થઈ અને મેં તમારા તરફ ત્રણ રાત્રિ સુધી ધ્યાન ન આપ્યું. હવે એનું પ્રાયશ્ચિત એ જ થઈ શકે કે એ બદલામાં તમે મારી પાસેથી ત્રણ વરદાન માંગી લો.’ અહીં મેં થોડી મારી કલ્પના જોડી છે કે યમરાજા એને પૃથ્વીલોક પર પરત જવાનું કહે છે કે કારણ કે આ તો રોષમાં કરાયેલું દાન છે. રોષમાં કરાયેલું દાન હકીકતે દાન નથી કહેવાતું. વળી યજ્ઞમાં તો બ્રાહ્મણને દાન આપવાની વાત હતી. યમરાજા કહે છે કે ‘હું બ્રાહ્મણ નથી, એટલે એનો અધિકારી નથી. એટલે આપે પરત જવું પડશે, અહીં આપને પ્રવેશ નહીં મળે. તમે ત્રણ વર માંગી લો…’

નચિકેતાએ સૌથી પહેલું વરદાન માંગતાં કહ્યું કે ‘મારા પિતાએ રોષમાં દાન કર્યું છે એથી એ વ્યાકુળ છે માટે આપ એવું વરદાન આપો કે જેથી એ સ્વસ્થ થઈ જાય, જે કંઈ થયું એ બધું ભૂલી જાય અને હું જ્યારે પાછો ફરું ત્યારે મારો સ્નેહથી સ્વીકાર કરે.’ જેમણે યજ્ઞની વેદી પર પુત્રનો વિરોધ કર્યો હતો એ જ સુયોગ્ય પુત્રે પિતાની ચિંતા કરી. યમે કહ્યું ‘તથાસ્તુ !’ એક ક્ષણમાં બધું બદલાઈ ગયું. અહીં સુધી તો બધું બરાબર હતું પરંતુ એ પછી નચિકેતા એ જે બીજું અને ત્રીજું વરદાન માગ્યું છે એનાથી જ કઠોપનિષદમાં આ ઉપાખ્યાન આવ્યું છે. તત્વને બતાવવા માટે ઉપનિષદકારે બાળકના મુખમાંથી જિજ્ઞાસા મૂકી છે અને કાલદેવતાની પાસેથી એનો ઉત્તર અપાવ્યો છે.

યમે કહ્યું કે ‘હવે બીજું વરદાન માંગો.’ નચિકેતાએ કહ્યું કે ‘ત્રિકાળ સંધ્યામાં યજ્ઞની વેદીમાં જે અગ્નિ રહેલો હોય છે એને ‘ગુહાનિહિત અગ્નિ’ કહે છે તો એ ગુહ્ય અગ્નિ વિશે મને જાણવાની જિજ્ઞાસા છે.’ નચિકેતાના આ પ્રશ્નથી મને એમ લાગે છે કે તે જીવનનું રહસ્ય જાણવા માંગે છે. યમરાજાએ એને યજ્ઞની વેદીઓ, એમાં વપરાતી ઈંટો, વેદીઓના પ્રકારો બધું જ સમજાવ્યું. એ પછી એમણે નચિકેતાને પૂછ્યું કે ‘તને આ વાત સમજમાં આવી ?’ નચિકેતાએ કહ્યું કે ‘મને બરાબર સમજમાં આવી ગઈ.’ માત્ર એટલું જ નહિ નચિકેતાએ યમે કહેલા એ વાક્યો ફરીથી બોલીને બતાવ્યા. યમરાજા બહુ પ્રસન્ન થઈ ગયા. યમે નચિકેતાને કહ્યું કે ‘હું તને એક વધારાનું વરદાન આપું છું. એ વધારાનું વરદાન એ છે કે આહુતિ આપવા માટે જે ત્રણ પ્રકારના અગ્નિનું ચયન કરવામાં આવે છે એનું નામ હું ‘ત્રિણાચિકેત અગ્નિ’ હું રાખું છું. આજથી સંસારમાં તારા આ નામથી જ આ અગ્નિ પ્રસિદ્ધ થશે.’ મને એમ લાગે છે કે આ અગ્નિ જ જીવનનો આધાર છે, એની સ્તુતિથી જ ઋગવેદનો પ્રારંભ થયો છે : अग्निमीळे पुरोहितं એટલે કે આ કોઈ વેદીના અગ્નિની વાત નથી. બ્રહ્માંડમાં જે અગ્નિ વ્યાપ્ત છે એની તરફ સંકેત છે. એની સ્પષ્ટ વાત વધુ વિસ્તારથી મુણ્ડકોપનિષદમાં કરવામાં આવી છે. અહીં જ્ઞાનાગ્નિમાં જે આહુતિ અપાય છે એ તરફ સંકેત છે. અહીં બીજી વાત મને એ પણ લાગે છે કે ગીતામાં જે કહેવાયું છે કે ‘अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः’ એની તરફ પણ સંકેત છે. આપણે ત્યાં ત્રિકાળ સંધ્યાની વાત છે. એ ત્રિકાળ સંધ્યા એટલે સવાર, બપોર, સાંજની જે સંધ્યા છે એ તો છે જ. પરંતુ એક ત્રિકાળ સંધ્યા એ પણ છે જે બ્રહ્મચાર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વચ્ચે હોય છે. ગૃહસ્થઆશ્રમ બાદ વાનપ્રસ્થ આશ્રમની હોય છે અને એ પછી સંન્યાસઆશ્રમ સાથે સંધિ થાય છે. આ ત્રણ સંધ્યા આખું જીવન ચાલે છે. એ સંધિઓના સમયે આપની ચર્યા બદલાય છે, આપનો આશ્રમ બદલાય છે. તો એ સમયે આપણી ભીતર જે અગ્નિ છે એનું નિયમન કઈ રીતે થઈ શકે, એ તરફ યમરાજાનો સંકેત હોય એમ લાગે છે. નચિકેતાએ તે બરાબર સમજી લીધું તેથી યમરાજાને થયું કે ‘આ બાળકમાં કેટલી પ્રતિભા છે !’ ટૂંકમાં આ જીવનરહસ્યની વાત છે.

એ પછી ત્રીજા પ્રશ્નમાં મૃત્યુના રહસ્યની વાત આવે છે. સૌની એ ચિરંતન જિજ્ઞાસા હોય છે કે મૃત્યુ પછી શું ? જન્મથી તો મૃત્યુ સુધી બધું આપણે જાણીએ છીએ. સૂર્ય પૂર્વથી પ્રશ્ચિમમાં જાય છે એ અર્ધસત્યને તો આપણે જાણીએ છીએ પરંતુ એ પછી તે પશ્ચિમથી પૂર્વમાં જઈ બીજે દિવસે ફરી કેવી રીતે ઉદિત થાય છે તે જાણવાની આ વાત છે. નચિકેતાએ સીધો જ પ્રશ્ન કર્યો છે :

येयं प्रेते विचिकित्सा मनुष्ये-
ऽस्तीत्येके नायमस्तीति चैके |

‘મનુષ્ય જ્યારે મરી જાય છે, પ્રેત થઈ જાય છે, સંસારથી ચાલ્યો જાય છે, ત્યારે સૌના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે. કેટલાક લોકો કહે છે કે ‘અસ્તિ’ કેટલાક લોકો કહે છે ‘નાસ્તિ’. તો આ બંને વચ્ચે પ્રશ્ન ચાલે છે. તમે કહો કે સાચું શું છે ?’ મરણોપરાન્તના ગોપનિય રહસ્યની વિશે જિજ્ઞાસા સાંભળી ત્યારે યમરાજાને આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક મને આટલો ગહન પ્રશ્ન પૂછે છે ? યમરાજાએ એને કહ્યું કે ‘ભાઈ, આ બાબતમાં તો દેવતાઓ પણ નથી જણતા.’ આ એવી ગહનવિદ્યા છે કે જે સમગ્ર કઠોપનિષદનો સાર છે. આ વિદ્યા ફક્ત સુપાત્રને જ આપી શકાય. નચિકેતા સુપાત્ર છે કે નહીં એ માટે યમરાજાએ એની ચકાસણી કરી. તેમણે નચિકેતાને કહ્યું કે ‘આ પ્રશ્ન તમે ન કરો…’ નચિકેતાએ કહ્યું કે ‘ના, હું તો ફક્ત એ વિશે જ જાણવા માગું છું.’ યમરાજાએ ફરી કહ્યું કે ‘એ બહુ જટિલ અને કઠિન વિષય છે માટે એ રહેવા દે. તારી બુદ્ધિમાં એ સમાશે નહીં’ નચિકેતા કહે છે કે : ‘કઠીનને સરળ કરવામાં આપ સૌથી યોગ્ય વ્યક્તિ છો. મૃત્યુ વિશે આપથી વધારે કોણ કહી શકે ? આપ તો એના મુખ્ય દેવતા છો…’ યમરાજાએ ફરી કહ્યું કે ‘જુઓ, આના બદલે તમે જે ચાહો તે લઈ લો. પણ આ વાત ના પૂછો…’ પરંતુ નચિકેતા મક્કમ છે. નચિકેતા કહે છે: ‘वरस्तु मे वरणीयः स एव’ એ પછી કહે છે કે ‘नान्यं तस्मान्नचिकेता वृणीते’ જાણવા યોગ્ય કંઈક હોય તો તે આ જ છે માટે નચિકેતા અન્ય કોઈ બીજું વરદાન ગ્રહણ નહીં કરે.’ કેટલું સુંદર ઉપાખ્યાન છે ! યમરાજાએ નક્કી કરી લીધું કે આ નચિકેતા યોગ્ય પાત્ર છે માટે એને ગુહ્યવિદ્યા આપવી જોઈએ.

સૌથી પહેલા યમરાજાએ કહ્યું કે ‘તું મારો પ્રિય બાળક છે એટલે તને કહું છું. સંસારમાં બે માર્ગ હોય છે. એક માર્ગ હોય છે શ્રેયનો અને બીજો હોય છે પ્રેયનો. આ બંને માર્ગો મનુષ્ય પાસે આવે છે. જે ધીર વ્યક્તિ છે એ તેને બરાબર ઓળખે છે અને શ્રેયનો માર્ગ પકડે છે. પ્રેયનો માર્ગ પકડનાર હંમેશા મૃત્યુના પાશમાં જ બંધાયેલા રહે છે.’ મને લાગે છે કે આ શ્રેય-પ્રેયનો સિદ્ધાંત સૌપ્રથમ વખત આ ઉપનિષદમાં આવ્યો છે. પુરાણોમાં આવતા ધ્રુવાખ્યાન પર આ જ બાબતની છાયા હશે એમ મને લાગે છે. એમાં જે રાજાનું નામ આવે છે ‘ઉત્તાનપાદ’ એટલે કે જેની અક્કલ ઊંધી છે તે. જેની અક્કલ ઊંધી હોય એ જ એવું કરે કે સુનીતિની ઉપેક્ષા કરે અને સુરુચિ તરફ જાય. સુરુચિનો પુત્ર ઉત્તમ છે. એટલે કે સંસારમાં બધા જ લોકો પ્રેય તરફ ભાગતા નજરે પડે છે. પરંતુ સુનીતિનો પુત્ર જ ધ્રુવપદ પ્રાપ્ત કરી શકે. આ રૂપકમાં મને શ્રેય અને પ્રેયના માર્ગનું અનુસરણ થતું હોય એમ લાગે છે. આથી યમરાજા કહે છે કે ‘તેં આ પ્રશ્ન પૂછ્યો છે તેથી તું શ્રેયના માર્ગને અનુસરનારો છે. તેથી આ જ્ઞાન હું તને આપીશ.’

આ જ્ઞાન આપતાં સૌથી પહેલી જે વાત યમરાજાએ કહી છે તે ગીતામાં આવે છે. એમણે એકાક્ષર બ્રહ્મથી વાત શરૂ કરી છે.

सर्वे वेदा यत्पदमामनन्ति
तपाँसि सर्वाणि च यद्वदन्ति |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदँ संग्रहेण ब्रवीम्योमित्येतत् ||

‘ૐ એ પરમ પદ છે. વેદો એનું જ પ્રતિપાદન કરે છે. તપસ્વીઓ તપ એને માટે જ કરે છે. જેની માટે બ્રહ્મચર્યનું આચરણ તેઓ કરે છે તે બ્રહ્મ આ જ છે.’ આ ગીતામાં પણ આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે એની પર ભાર મૂક્યો છે. અહીંથી આગળ યમરાજાનું આત્મા વિશેનું વિવેચન શરૂ થાય છે. આત્મા અજર અમર છે એ સંપૂર્ણ વાત ગીતાની શબ્દસહઃ જાણે કે અહીં ઊતરી આવી છે.

न जायते म्रियते वा विपश्चिन्
नायं कुतश्चिन्न बभूव कश्चित् |
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे ||

આ આત્મજ્ઞાનની વાત પછી નચિકેતાએ પ્રશ્ન કર્યો કે ‘આ આત્માને પ્રાપ્ત કેવી રીતે કરી શકાય ?’ ત્યારે યમરાજા જે કહે છે તે મંત્ર બહુ પ્રસિદ્ધ છે. ખૂબ સરળ શબ્દોમાં આ ઉપનિષદ રહસ્યોને ઉદ્દ્ઘાટિત કરે છે. કદાચ સામે બાળક હોવાથી યમરાજાએ ખૂબ સરળ શબ્દોમાં આ બધી બાબતો સમજાવી હશે. પરંતુ આપણા જેવા અજ્ઞાનીઓ માટે આ સરળ શબ્દો ખૂબ શ્રેયસ્કર થઈ પડે છે.

नायमात्मा प्रवचनेन लभ्यो
न मेधया न बहुना श्रुतेन |
यमेवैष वृणुते तेन लभ्यः
तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ||

‘આત્મજ્ઞાનની પ્રાપ્તિ બહુ સાંભળવાથી કે તર્કથી થતી નથી. આત્મા સામેથી જેનું વરણ કરે એને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. જેને તે ચાહે છે એની સામે જ એનું સ્વરૂપ પ્રગટ કરે છે.’ અહીં મને વલ્લભ સંપ્રદાયનો પુષ્ટિમાર્ગ યાદ આવે છે. પુષ્ટિનો અર્થ જ એ છે કે સ્વયં એ જેની પર અનુગ્રહ કરે તે. આ અનુગ્રહનો માર્ગ છે. અમારે ત્યાં રાજસ્થાનીમાં કહેવત છે કે ‘રાગ, રસોઈ અને પાઘડી ક્યારેક ક્યારેક જ બરાબર બંધાય છે.’ રાગ એનો વિશેજ્ઞ બરાબર ગાઈ શકે છે. રસોઈ માટે ‘ભોજ્યેષુ માતા’ એવું વિશેષણ વપરાયું છે. આપણી જીભ માટે બે જ વસ્તુ તો અગત્યની છે, એક તો સ્વાદ અને બીજો વાદ ! કારણ કે જીભ એ એક જ એવી છે કે જે જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. જ્યારે સ્વાદ લે છે ત્યારે તે જ્ઞાનેન્દ્રિય છે અને જ્યારે બોલે છે ત્યારે તે કર્મેન્દ્રિય છે. એ જ રીતે સારી પાઘડી બાંધવી એ ઘણું કલાત્મક કામ હોય છે. એટલે આ બધા કામમાં અનુગ્રહનું તત્વ રહેલું છે એમ મને લાગે છે. અહીં એ જ રીતે આત્માની કૃપા હોય તો આપણને એ પ્રાપ્ત થઈ શકે છે એમ કહેવાયું છે.

એ પછી વાત આવી કે ‘આત્મા રહે છે ક્યાં ?’ તો કહે છે કે હૃદયની ગૃહામાં આત્મા બે રૂપે રહેલો છે : ‘છાયા અને ધૂપ.’ એટલે કે જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા કર્મફળોને ભોગવે છે અને છાયા છે. જ્યારે પરમાત્મા અસંગ, અભોક્તા અને પૂર્ણપ્રકાશ છે. આ બંને ભિન્ન દેખાવા છતાં અભિન્ન છે. આમ કહ્યા પછી યમરાજા આપણી સામે આગળ એક સરળ રૂપક મૂકે છે. એ રૂપક છે રથ અને રથિનું. આ રૂપક પણ ખૂબ લોકપ્રિય છે અને સરળ પણ છે.

आत्मानँ रथितं विद्धि शरीरँ रथमेव तु |
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ||
इन्द्रियाणि हयानाहुर्विषयाँ स्तेषु गोचरान् |
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ||

કેટલી સરળ વાત છે કે જેમ ઘોડાનું મુખ રથમાં સામેની બાજુ હોય છે એમ ઈન્દ્રિયો બહિર્મુખી હોય છે. એટલે એ તો વિષયોરૂપી ગોચર તરફ જવાના જ. એને બાંધનાર લગામ મન છે. બુદ્ધિરૂપી સારથિના હાથમાં એની લગામ છે. આ રીતે આ જીવનરથ ચાલે છે અને રથિની યાત્રા શરૂ થાય છે. આત્મા, ઈન્દ્રિય અને મન સાથે સંયુક્ત હોવાને કારણે જ એને ભોક્તા કહે છે. જો આ રથની લગામ ઢીલી થઈ જાય, સારથિ ઊંઘી જાય એટલે કે પ્રજ્ઞા ઢીલી થઈ જાય તો ઘોડા પોતાને મન ફાવે તેમ ભાગવા લાગે છે. એમને તો સામે પોતાના વિષયો જ્યાં દેખાય છે એ તરફ ભાગતા રહે છે. ટૂંકમાં બુદ્ધિરૂપી સારથિ જાગૃત હોય એ ખૂબ જરૂરી છે.

સંક્ષેપમાં આગળ જોઈએ તો કઠોપનિષદમાં આગળ જતાં એક મંત્ર આવે છે :

एको वशी सर्वभूतान्तरात्मा
एकं रूपं बहुधा यः करोति |
तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां सुखं शाश्वतं नेतरेषाम् ||

ઉપનિષદ કહે છે કે પરમાત્મા એક જ છે. અદ્વિતિય છે અને સ્વતંત્ર છે. તેઓ પોતાના એક જ રૂપથી અનેક પ્રકારની લીલાઓ કરી લે છે. જે જ્ઞાની પુરુષો પોતાના હૃદયની અંદર જોઈ શકે છે એને જ તે સનાતન પરમાનન્દ મળે છે, બીજાને નહીં.

અંતે હું બે વાત કહેવા માગું છું. એક તો આત્માને ‘અંગુષ્ઠ પરિમાણ’ કહ્યો છે. વળી તેને ‘નિર્ધૂમ જ્યોતિ’ સમાન કહ્યો છે. આ વાંચીને મને લાગ્યું કે આપણે કપાળે અંગૂઠાથી તિલક કરીએ છીએ તે એ આત્માનું પ્રતિક છે. બીજી વાત જે મેં કરી તે રથ-રથિની છે. એ એટલી લોકપ્રિય થઈ છે કે આમ આદમી સુધી પહોંચી છે. આપણે ત્યાં શબને જેની પર સુવાડીને સ્મશાન લઈ જવાય છે એને ‘અર્થી’ કહે છે. હકીકતે ‘અર્થી’ શબ્દ શબ માટે વપરાય છે. કારણ કે અર્થીનો અર્થ છે : ‘અ-રથિ’ એટલે કે જેણે શરીરરૂપી રથનો ત્યાગ કરી દીધો છે તે. એ નિર્જિવ રથનો જ આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ. સમયની સીમાને કારણે અહીં હું મારી વાત પૂરી કરું છું. મને આ સદભાગ્ય મળ્યું એ માટે આયોજકોનો હું આભારી છું. ધન્યવાદ.

શ્વેતાશ્વતરોપનિષદ – પુનિતા દેસાઈ

ઉપનિષદની વાતો તો ઘણી બધી થઈ ગઈ છે પરંતુ મારા વિષય સાથે લાગતું વળગતું છે એવું એક વાક્ય મારે શરૂઆતમાં કહેવું છે કે માનવ જગત માટે ઉપનિષદોએ આ રહસ્યમયી જે અધ્યાત્મવિદ્યા છે એની બિનસાંપ્રદાયિક રીતે વિચારણા કરી છે. એ આપણા પારંપરિક જે દશ ઉપનિષદો છે એને લાગુ પડે છે. આ દશ ઉપનિષદોને મુખ્ય ગણીને બાકીના ત્રણ એમાં ઉમેરવામાં આવ્યા છે. એ છે શ્વેતાશ્વતર, કૌશિતકી અને મૈત્રેયી. પરંતુ શંકરાચાર્યે દશ ઉપનિષદો પર ભાષ્ય લખ્યું છે કારણ કે તેમાં અધ્યાત્મવિષયોનું સુપેરે નિરુપણ કરેલું છે. સાથે સાથે એમણે શ્વેતાશ્વતર ઉપનિષદ પર પણ ભાષ્ય રચ્યું છે. એ રીતે એનું મહત્વ બાકીના દશ ઉપનિષદો જેટલું ગણાવા લાગ્યું છે. શ્વેતાશ્વતરમાં ખાસ કરીને ષડદર્શનો અને વેદાંત અને તેની સાથે સાથે શ્રીમદ ભગવદગીતા, બ્રહ્મસુત્રના કેટલાક સુત્રો, શંકરાચાર્ય-રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યના જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો માટે ઘણા બધા મંત્રો શ્વેતાશ્વેતરમાંથી લેવામાં આવ્યા છે. એ રીતે પણ આ શ્વેતાશ્વેતરનું મહત્વ સ્વીકારવામાં આવેલું છે.

હવે શ્વેતાશ્વેતર ઉપનિષદની થોડીક માહિતી આપું તો કૃષ્ણ-યજુર્વેદની સાથે એ સંકળાયેલું છે. એના છ અધ્યાયો છે અને 113 મંત્રો છે. એના મુખ્ય વિષયની વાત કરીએ તો એમાં શરૂઆતથી અંત સુધી બ્રહ્મના સ્વરૂપનું વિવિધ રીતે નિરૂપણ કરેલું છે. આ ઉપનિષદને ‘મંત્રોપનિષદ’ પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે ‘શ્વેત’ અને ‘અશ્વેત’ એવી બે શાખાના સંયોજનથી એને ‘શ્વેતાશ્વેતર’ એવું નામ આપવામાં આવ્યું છે. પરંતુ એની અંદર એક મંત્ર આપવામાં આવેલો છે, એના આધારે જ ઉપરોક્ત વિચારનું ખંડન થઈ જાય છે. એ મંત્રમાં કહ્યું છે કે :

तपःप्रभावाद् देवप्रसादाच्च
ब्रह्म ह श्वेताश्वतरोऽथ विद्वान् |
अत्याश्रमिभ्यः परमं पवित्रं
प्रोवाच सम्यगृषिसङ्घजुष्टम् ||

અહીં ‘શ્વેતાશ્વેતર’નામના મંત્રદષ્ટા એ જ આની રચના કરી છે અને એના પરથી જ આ નામ આપવામાં આવ્યું છે. એટલે એને પરમ પવિત્ર અને સમ્યક ઋષિઓના સંગ વડે સેવિત થયેલું કહેવાયું છે. આ ઉપનિષદનો અભ્યાસ કરતાં મને લાગ્યું કે ચીલાચાલુ જે વાતો છે એના કરતાં આ ઉપનિષદની વિશિષ્ટતાઓ ઘણી બધી છે. એ વિશિષ્ટતાઓમાં શરૂઆતથી જ આપણે જોઈશું તો જેમ અન્ય ઉપનિષદોમાં શિષ્યનો પ્રશ્ન, ગુરુનું સમાધાન હોય છે એવું અહીં નથી. અહીં પહેલા જ મંત્રમાં તમે જોશો કે એમ કહેવાયું છે કે બ્રહ્મવાદીઓ બધા ભેગા થયા અને બ્રહ્મની ચર્ચા કરવા લાગ્યા. અહીં ગુરુ-શિષ્યની જેમ પ્રશ્નોત્તરી નથી પરંતુ સૌ ભેગા મળીને જગતનું કારણ શું છે વગેરે વિશે ચર્ચા કરે છે.

किं कारणं ब्रह्म कुतः स्म जाता
जीवाम केन क्व च संप्रतिष्ठा |
अधिष्ठिताः केन सुखेतरेषु
वर्तामहे ब्रह्मविदो व्यवस्थाम् ||

પહેલા મંત્રમાં કહેવાયું છે કે બ્રહ્મનું કારણ શું છે ? બ્રહ્મનું સ્વરૂપ કેવું છે ? આપણે બધા શેમાંથી ઉત્પન્ન થયા ? પ્રલયકાળમાં આપણે ક્યાં હોઈશું ? શેના કારણે આપણે જીવીએ છીએ ? હે બ્રહ્મવિદો ! આપણે કોનાથી પ્રેરિત થઈને આ સુખદુઃખની વ્યવસ્થાને અનુસરીએ છીએ ? – આ રીત પહેલા મંત્રમાં આ બધા પ્રશ્નો એ લોકોએ અંદર-અંદર ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કર્યો. મોટે ભાગે બ્રહ્મને બધા જગતનું કારણ માને છે પરંતુ એ વિચારધારાના કેટલાક વિરોધીઓ કાળને જગતનું કારણ માને છે, કેટલાક સ્વભાવને જગતનું કારણ માને છે, કેટલાક નિયતિને, કેટલાક પૃથ્વી વગેરે ભૂતોને જગતનું કારણ માને છે. કેટલાક જીવાત્માને પણ જગતનું કારણ માને છે. પરંતુ આમાંથી કોઈને પણ જગતના કારણ તરીકે માની શકાય એમ નથી. કાળ, સ્વભાવ વગેરે ભેગા મળીને કારણ બની શકે તેમ નથી. એ બધા સ્વતંત્ર નથી એથી તેઓ કારણ બની શકે નહિ. એ બધા જડ છે, જે પ્રવૃત્ત હોય છે એ હંમેશા ચૈતન્ય જ હોય છે. એ પછી વાત આવે છે જીવાત્માની. એનું પણ કાર્ય મર્યાદિત છે કારણ કે એનો બધો આધાર પાપ અને પુણ્ય પર હોય છે. એ પણ પરમાત્માને આધિન છે તેથી એ પણ પોતે સ્વતંત્ર નથી. જે સ્વતંત્ર ન હોય તે આટલા મોટા જગતની રચના કરી શકે નહિ. – આ પ્રમાણે બધા બ્રહ્મવાદીઓ ફરીથી વિચારણા કરવા લાગ્યા કે હવે કઈ રીતે શોધી કાઢવું કે જગતનું કારણ કોણ છે ? એ પછી એ લોકોએ ઈન્દ્રિયોને વિષયોમાંથી ખેંચીને મનમાં સંક્રાંત કરી. મનને આત્મામાં અને આત્માને પરમાત્મામાં, એમ કરીને ધ્યાનયોગ દ્વારા આ લોકોએ શોધી કાઢ્યું કે ત્રણ ગુણોથી ઢંકાયેલી (સત્વ, રજ, તમ) બ્રહ્મની જે આત્મશક્તિ છે એ આત્મશક્તિ જ આ જગતનું કારણ છે. એ આત્મશક્તિ બ્રહ્મની અંદર જ રહેલી છે પણ બ્રહ્મ એને પ્રેરિત કરે છે અને કાર્ય બધું પ્રકૃતિ કરે છે. આ રીતે ધ્યાન દ્વારા એ લોકોને અનુભવ થયો કે આ જગતનું કારણ આત્મશક્તિ એટલે કે પ્રકૃતિ છે. આગળ આ પ્રકૃતિ માટે ‘જાલવાન’ શબ્દ વપરાયો છે. જાલવાન એટલે જાળવાળો. જાળ શબ્દ અહીં માયા માટે વપરાયો છે. માયાથી ઢંકાયેલો હોય ત્યારે તે ઈશ્વર કહેવાય છે અને માયા વગરનો હોય ત્યારે તે બ્રહ્મ કહેવાય છે.

અહીં કહેવાયું છે કે પ્રકૃતિ એ જ માયા છે. જે મહેશ્વર છે એને માયાવી તરીકે ઓળખાવ્યો છે. એક મંત્રની અંદર એને ‘જાલવાન’ તરીકે ઓળખાવ્યો છે તો બીજા મંત્રની અંદર માયાવી તરીકે ઓળખાવ્યો છે. અહીં આપણને એક નવાઈ લાગે એવી વસ્તુ છે. તે એ છે કે પહેલા નિર્ગુણ બ્રહ્મ હોય એને આપણે માયા વડે કે પ્રકૃતિ વડે એને માયાવી બનાવી દઈએ છીએ. પછી માયાના પ્રપંચમાંથી એને છોડાવીને નિર્ગુણ બ્રહ્મ કરીને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે પહેલા વસ્તુને માયાવી બનાવો અને પછી માયાને દૂર કરો, એ માટે જ બધા ઉપનિષદો રચાયા છે. એનો ઉદ્દેશ જ્ઞાનથી માયાને દૂર કરી માયારહિત બ્રહ્મને પ્રાપ્ત કરવાનો રહ્યો છે. જીવાત્મા પરમાત્માથી જુદો નથી. પરમાત્મા એને રચે પછી એ શરીરની અંદર પ્રવેશ કરે છે.

જાળ માટે એવું કહેવાય છે કે તે દુસ્તર છે. ગીતાની અંદર પણ કહ્યું છે કે ‘મમ માયા દુરત્યયા.’ માયાને ‘અજા’ પણ કહેવાય છે. સાંખ્યયોગના ઘણા સિદ્ધાંતો શ્વેતાશ્વતર ઉપનિષદમાં જોવા પડેલા મળે છે. ‘અજા’ એ માયા જ છે એવું છાંદોગ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવેલું છે. એમાં કહ્યું છે કે ‘અજા’નો લાલ, સફેદ અને કાળો રંગ છે. એને જ છાન્દોગ્ય ઉપનિષદ ‘પ્રકૃતિ’ તરીકે પણ ઓળખાવે છે. બ્રહ્મવિદોએ જોયેલી દેવતાત્માશક્તિને પણ પ્રકૃતિ કે માયા તરીકે ઓળખવામાં આવે છે. માયાને અવિદ્યા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એને શક્તિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. ગીતા પર શ્વેતાશ્વેતર ઉપનિષદની ઘણી બધી અસર થયેલી જોવા મળે છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ‘મારી અધ્યક્ષતા નીચે આ પ્રકૃતિ સરચરાચર જગતની રચના કરે છે. સત્વ, રજસ અને તમસ, એ ત્રણ જે ગુણો છે એ આ પ્રકૃતિની અંદરથી ઉત્પન્ન થયેલા છે.’ એટલે કે માયા, પ્રકૃતિ કે અવિદ્યાને જગતના કારણ તરીકે આ બ્રહ્મવાદીઓએ જોઈ. તેમણે ધ્યાનમાર્ગ દ્વારા આ શોધી કાઢ્યું. આપણે આ બ્રહ્મવાદીઓને પણ મંત્રદ્રષ્ટા કહી શકીએ એવું મને લાગે છે. તેઓ બધી ચર્ચા જાતે જ કરે છે, તેમાં ક્યાંય પ્રશ્ન આવતો નથી.

ત્યાર પછી બ્રહ્મના સ્વરૂપનું ખૂબ જુદી જુદી રીતે વર્ણન કરવામાં આવેલું છે. બે રૂપક દ્વારા તે બતાવવામાં આવ્યું છે. એક છે બ્રહ્મચક્ર અને બીજું છે સંસારચક્ર. અહીં ચક્રની એક-એક વાત લઈને તેને બ્રહ્મ સાથે સરખાવવામાં આવી છે, જે મને ઘણી વિશિષ્ટ લાગી છે. એ ચક્રને નેમિ છે, એ નેમિ ત્રણથી ઘેરાયેલી છે. નેમિમાં લોખંડની, વચ્ચે અવકાશ અને લાકડાની પટ્ટી હોય છે. આ ત્રણ પટ્ટીઓથી ચક્રની નેમિ ઘેરાયેલી છે, તેમ કહેવાયું છે. આ જ વાત બ્રહ્મને લાગુ પડે છે. બ્રહ્મની એક નેમિ છે પ્રકૃતિ. પ્રકૃતિ ત્રણ ગુણોવાળી છે. એટલે કે ત્રણગુણોવાળી પ્રકૃતિથી બ્રહ્મ ઘેરાયેલો છે. આ એક સુંદર રૂપક છે. નેમિ બનાવવા માટે લાકડાને ટૂકડાઓ કરી, વાળી અને પછી ગોળ બનાવવામાં આવે છે. અહીં એ ટૂકડાઓને એકબીજા સાથે જોડવામાં આવે છે. આ ટૂકડાઓ સોળ ખૂણાવાળા છે એમ કહ્યું છે. બ્રહ્મમાં પણ તે છે. પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન. બ્રહ્મ આનાથી ઘેરાયેલો છે. આ સોળનો વિસ્તાર ‘બ્રહ્મ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સોળ માટે પ્રશ્નોપનિષદમાં સોળ કળાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

એ પછી પચાસ આરાઓની વાત કરવામાં આવી છે. આરા એટલે પૈંડાની અંદર ચક્રની કેન્દ્રિબિંદુથી પરિઘ સુધીની લાકડીઓ. એ આરાઓ ચક્રના છે. એની સંખ્યા પચાસ છે. બ્રહ્મમાં પણ તે છે. તમ-મોહ એ પાંચ પ્રકારના વિપર્યય છે તે, 28 અશક્તિઓ એટલે કે બહેરાશ-મૂંગાપણું વગેરે, 9 પ્રકારની અંદરની ઈન્દ્રિયોની અશક્તિઓ છે તે, 8 પ્રકારની સિદ્ધિથી વિરુદ્ધ અશક્તિઓ છે તે, એમ કરીને 28 અશક્તિઓ છે. એ પછી 9 પ્રકારની તૃષ્ટિ જેમાં શબ્દ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે અને આઠ પ્રકારની સિદ્ધિ ગણાવી છે. આ બધા બ્રહ્મના આરા તરીકે ઓળખાવવામાં આવેલ છે. 50 આરા છૂટા ન પડી જાય એ માટે એની પર ખીલા ઠોકવામાં આવે છે. એને પેટા આરાઓ તરીકે ઓળખાવ્યા છે. એને બ્રહ્મ સાથે સરખાવ્યા છે. પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના વિષયો, એમ કરીને 20 એના પેટા આરાઓ તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

ત્યાર પછી, જેમાં આઠ આઠ છે એવા છ અષ્ટકોની વાત આવે છે. એમાં પહેલું છે પ્રકૃતિ અષ્ટક. ત્યાર પછી છે ધાતુઓનું અષ્ટક. એ પછી ઐશ્વર્યનું અષ્ટક. એ પછી ભાવાષ્ટક, દેવાષ્ટક અને ગુણાષ્ટક. ગીતામાં જે આઠ પ્રકારની પ્રકૃતિ વિશે વાત કરી છે એની વિગત પ્રકૃતિ અષ્ટકમાં છે. ધાતુ અષ્ટકમાં શરીરની મેદ, મજ્જ વગેરે ધાતુઓ વિશે છે. અણિમા, લઘિમા, ગરીમા વગેરે આઠ ઐશ્વર્ય છે. ભાવ અષ્ટકમાં ધર્મ, જ્ઞાન વગેરે વિશે વાત છે. બ્રહ્મા, ઈન્દ્ર, યક્ષ, વગેરે આઠને દેવાષ્ટમાં છે. દયા, કરુણા વગેરે ગુણોનું અષ્ટક એટલે ગુણાષ્ટક. આ રીતે છ અષ્ટકો વડે બ્રહ્મરૂપી ચક્ર આપણને જોવા મળે છે.

એ પછી ‘વિશ્વરૂપ’ શબ્દ આવે છે, જેનો અર્થ અનેકરૂપવાળો એમ સમજવાનો છે. એ મુખ્યત્વે કામ માટે એટલે કે ‘કામના’ માટે વપરાયેલો શબ્દ છે. આ કામને પાશ કહ્યો છે. પાશ એટલે બાંધનારો. સારા ખરાબ બંને કર્મોથી મોહ ઉત્પન્ન થાય છે. એ મોહની અંદર મનુષ્ય ડૂબતો રહે છે. એને પોતાના સ્વરૂપનો ખ્યાલ રહેતો નથી. બ્રહ્મવાદીઓ આ રીતે ચર્ચા કરે છે. એ પછી સંસાર પ્રવાહને નદીરૂપે કહેવામાં આવેલ છે. નદીની જળરાશિ પાંચ પ્રકારની છે. સંસારમાં પાંચ ઈન્દ્રિયો એ પાંચ પ્રવાહો છે. કારણ કે બધી જાણકારી આપણે ઈન્દ્રિયો દ્વારા જ પ્રાપ્ત કરીએ છીએ. એનાથી આ સંસાર નદીનું પાણી બનેલું છે. નદીનો પ્રવાહ ઉગ્ર અને વક્ર હોય છે. સંસારના પ્રવાહનું પણ એવું છે. સંસારમાં રહેલી ઈન્દ્રિયો પણ પાંચતન્માત્રાથી બતાવવામાં આવેલી છે. નદી તરંગો મોજા વાળી છે. સંસાર નદી પાંચ પ્રાણો રૂપી તરંગવાળી છે. શબ્દાદિ વિષયોને પાંચ પ્રાણરૂપી તરંગો તરીકે ઓળખવામાં આવ્યા છે. નદીનું મૂળ એક જ હોય. અહીં મનને મૂળ કહેવામાં આવેલું છે. ચક્ષુ વગેરે ઈન્દ્રિયોને બુદ્ધિ તરીકે કહેવામાં આવી છે. ઈન્દ્રિયોના મૂળમાં મન રહેલું છે. નદીમાં વમળો પણ છે. શબ્દ વગેરે વિષયો વગેરે વમળો છે. ગર્ભાવસ્થાથી લઈને રોગ, મૃત્યુ વગેરે પાંચ દુઃખો નદીનો પ્રવાહ છે. અજ્ઞાન, અસ્મિતા, રાગ-દ્વેષ, અભિનિવેષ એ પાંચને પાંચ પર્વ તરીકે કહેવામાં આવ્યા છે. આવી સંસારરૂપી નદીને અમે જોઈ એમ બ્રહ્મવાદીઓ કહે છે. આ રૂપકો બીજા કોઈ ઉપનિષદોમાં આટલા વિગતવાર આપ્યા હોય એવું લાગતું નથી. તેથી હું માનું છું કે આ એક તેની વિશિષ્ટતા છે.

બીજી પણ એક વિશિષ્ટતા છે. સૌથી પહેલા રુદ્રનો ઉલ્લેખ અહીં શ્વેતાશ્વતરમાં પાંચ થી છ વખત જોવા મળે છે. અહીં રુદ્રને બ્રહ્મની સમાન જ કહ્યા છે. રુદ્ર અને બ્રહ્મ જુદા નથી. આ રુદ્ર પોતાની શક્તિ વડે જગતનું નિયમન કરે છે. રુદ્રએ સૌથી પહેલા બ્રહ્માને ઉત્પન્ન કર્યા. શક્તિ ત્રણ પ્રકારની છે, એ રીતે બ્રહ્મના પણ ત્રણ સ્વરૂપ ગણાવેલા છે. એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ પછી આગળ જુદી જુદી રીતે બ્રહ્મવાદીઓએ દેવોની પ્રાર્થના અથવા સ્તુતિ કરી છે. જે બીજી જગ્યાએ જોવા મળતું નથી. રુદ્રદેવની મહાનતા વર્ણવીને કહે છે કે ‘આવા રુદ્રદેવ અમને શુદ્ધ બુદ્ધિ આપો.’ આગળ કહે છે કે રુદ્રદેવના બે નામો છે જેનો અર્થ થાય છે કે તે પર્વત પર રહે છે અને સુખશાંતિ આપનાર દેવ છે. આ રુદ્રદેવને પ્રાર્થના કરે છે કે ‘તમે અમારું કલ્યાણ કરો. આ સંસારના ત્રાસથી ત્રાસેલા તમારા શરણે આવીએ છીએ. તમે અમારું રક્ષણ કરો. અમારા કુટુંબનું અને ગાય આદી પશુઓનું પણ રક્ષણ કરો.’ ભગવાન શિવ માટે એમ કહેવાયું છે કે ઘીની ઉપર પાતળું પડ રહેલું છે એવા તે અતિસુક્ષ્મ છે. શિવનો પણ ઉલ્લેખ આની અંદર સૌથી પ્રથમવાર થયો છે. એથી શ્વેતાશ્વતર ઉપનિષદને શૈવ ઉપનિષદ તરીકે મૂકવામાં આવેલું છે. જ્ઞાન, કર્મ, ભક્તિ અને ધ્યાન એ બધા વડે મોક્ષ પ્રાપ્તિની વાત આમાં કરવામાં આવી છે. ભક્તિનો ઉલ્લેખ આની અંદર સૌ પ્રથમ વખત કરવામાં આવેલો છે. ‘यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ’ એટલે જેવી દેવમાં તમારી ભક્તિ છે એવી તમારી અનન્ય ભક્તિ ગુરુમાં હો. અહીં કૃપાને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અહીં કહે છે કે જેવા ગુરુ સમર્થ છે એવા શિષ્યો પણ સમર્થ હોવા જોઈએ. ધ્યાનની પણ આમાં વાત છે. આખો બીજો અધ્યાય ધ્યાન વિશે આપેલો છે. મૂલાધારથી ઉપર જેમ જેમ પ્રાણ મળતો જાય તેમ તેમ ચક્રો ખૂલતા જાય. એ પછી આહાર વિહાર પણ નિયત હોવો જોઈએ તેમ કહેવાયું.

એ પછી બીજી મહત્વની વાત એમાં એ આવી કે આપણે જે કામ કરી રહ્યા છે તે યોગ્ય માર્ગે ચાલે છે કે નથી ચાલતું ? એ કેવી રીતે ખબર પડે ? એના માટે પણ કહેવાયું છે. મનોવૃત્તિની આગળ ધુમ્મસ જેવું દેખાય, ત્યાર પછી સૂર્યના જેવો પ્રકાશ દેખાય, ત્યાર પછી વાયુ અગ્નિના જેવો દાહક અને પ્રકાશક થાય, ત્યાર પછી આગિયા જેવું દેખાવા માંડે, જો આ બધું થાય તો એમ માનવું કે તમે ધ્યાનના યોગ્ય રસ્તે ચાલો છો. આટલી વાત આ ઉપનિષદે કરી છે. મારો સમય પૂરો થતાં આપ સૌનો હાર્દિક આભાર માની અહીં વીરમું છું.

[બીજો દિવસ]

સંસ્કૃતસત્રનો બીજો દિવસ એટલે ગણેશચતુર્થી. ‘ઉપનિષદ સુધા’ના બીજા દિવસની શરૂઆત ગણપતિ સ્તુતિથી થઈ હતી, જેના અંતર્ગત શ્રી જનકભાઈએ વિનયપત્રિકામાંથી ગણપતિ-સ્તૃતિનું ગાન કર્યું હતું. એ પછી સંગોષ્ઠિ-3નો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી વિજય પંડ્યાએ કર્યું હતું. એ પછી શ્રી આર.ટી.વ્યાસે છાંદોગ્યોપનિષદ વિશે વાત કરી હતી.

છાંદોગ્યોપનિષદ – આર. ટી. વ્યાસ

વિદ્વાનમિત્રો તથા ભાઈઓ અને બહેનો, છંદોનું જે ગાન કરે એને ‘છન્દોગ’ કહેવાય. આ છંદને ગાનારા સામવેદી બ્રાહ્મણોની આ ઉપનિષદ છે. યજ્ઞમાં ઋગવેદી બ્રાહ્મણ રૂચાઓનો પાઠ કરીને દેવોનું આવાહન કરે છે. યુજુર્વેદ જાણનાર બ્રાહ્મણ મંત્રોચ્ચારપૂર્વક યજ્ઞમાં વિધિ કરે જેને ‘અધ્વર્યું’ કહેવામાં આવે છે. સામવેદ જાણનારો બ્રાહ્મણ છંદમાં એટલે કે રાગમાં દેવોની સ્તુતિ કરે, એને ‘છન્દોગ’ કહેવામાં આવે છે. જે અર્થવવેદ જાણનારો છે એ બ્રહ્મા છે, એ માત્ર અર્થવવેદ જ નહિ ચારે ચાર વેદનો નિષ્ણાત હોય છે. આદિથી અંત સુધી આખા યજ્ઞની પ્રક્રિયા મંત્રોચ્ચારપૂર્વક ચાલે છે કે કેમ એ જોવાની જવાબદારી જેને માથે છે એને ‘બ્રહ્મા’ કહેવામાં આવે છે. આ રીતે યજ્ઞમાં છંદપૂર્વક સંગીતના નિયમો પ્રમાણે ગાન કરીને દેવોને જે પ્રસન્ન કરે એવા બ્રાહ્મણોથી સંબંધિત ઉપનિષદ એ ‘છાન્દોગ્ય ઉપનિષદ’.

સામવેદના બે બ્રાહ્મણ છે: ‘તાણ્ડ્ય’ અને ‘તલવકાર’. બ્રાહ્મણ ભાગમાં કર્મની મીમાંસા થાય. એ પછી આવે આરણ્યક અને એ પછી આવે ઉપનિષદ. આ ઉપનિષદમાં ‘ઉપાસના’ અને ‘જ્ઞાન’ એ બે બાકી રહ્યાં. કર્મ ત્રણ પ્રકારનું છે : જ્ઞાનસમુચ્ચિત કર્મ, કેવળ કર્મ અને સ્વાભાવિક કર્મ. જ્ઞાનસહિત કર્મ કરનાર પ્રજાપતિલોક સુધીના ઊર્ધ્વલોકમાં જાય છે. કેવળ કર્મ કરનારની ચંદ્ર સુધીની ગતિ, ત્યાં ફળ ભોગવીને પાછો આવે. સ્વાભાવિક કર્મ કરનારની અધોગતિ થતી હોય છે અને એ સ્થાવર એટલે કે વૃક્ષ-વનસ્પતિની યોનીને પામે. આને જ સંસાર કહે છે. એ ગતિ અનાદી અને અનંત છે. શંકરાચાર્ય એને અનાદિ-અનંત અને અનર્થ કહે છે. શાસ્ત્રનું અધ્યયન કરીને આ વાત જાણીને સંસારની ઊર્ધ્વ અને અધોગતિથી જે વિરક્ત બન્યો છે, જેને વૈરાગ્ય થયો છે એવા પુરુષને બ્રહ્મવિદ્યા આપવા માટે ઉપનિષદનો આરંભ કરવામાં આવે છે. છાન્દોગ્ય ઉપનિષદમાં આઠ અધ્યાયો છે. એમાં જે પાંચ અધ્યાયો છે એમાં ઉપાસનાઓનું વર્ણન છે. બાકીના જે ત્રણ છે એમાં જ્ઞાનનું વર્ણન છે. કારણ કે કર્મથી ચિત્તશુદ્ધિ થાય. ઉપાસનાથી ચિત્ત સ્થિર, પ્રસન્ન અને પ્રકાશયુક્ત બને. કર્મ અને ઉપાસનાનું ફળ પ્રાપ્ત થઈ જાય ત્યારે ચિત્તમાં જ્ઞાનની જ્યોત એની મેળે પ્રગટ થાય. હકીકતે જ્ઞાનનો ઉદય થાય એમ કહેવું પડે છે પરંતુ એ જ્ઞાન તો સતત હાજર જ છે. આપણું મૂળ સ્વરૂપ છે જ્ઞાન. ઉપનિષદની શરૂઆતનો મંત્ર છે :

ओमित्येतदक्षरमुद्गीथमुपासीत |
ओमिति ह्युद्गायति तस्योपव्याख्यानम् ||

‘ૐ અક્ષર ઉદગીથ છે, એની ઉપાસના કરવી જોઈએ. કારણ કે યજ્ઞમાં સામવેદ જાણનાર બ્રાહ્મણ ‘ૐ’ એમ ઉદગાન કરે છે.’ – આ પ્રથમ મંત્ર છે. અહીં એમ કહ્યું છે કે ‘ૐ’ એ અક્ષર છે અને ઉદગીથ છે. ઉદગીથ એટલે શું ? ‘ઉદ્દ’ એટલે પ્રાણ કે જે સર્વનું ઉત્થાપન કરે છે અને ‘ગીથા’ એટલે વાણી. ‘ૐ’ની અંદર બે તત્વો છે : ‘પ્રાણ’ પણ છે અને ‘વાણી’ પણ છે. પ્રાણ અને વાણીનું સંયોજન થાય એટલે ઓમકારનું ઉચ્ચારણ થાય. જેને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી છે એને માટે સારામાં સારું અવલંબન ‘ૐ’ છે. હવે પ્રાણ શું છે અને વાણી શું છે ? એનંત વિવરણ આગળના અધ્યાયોમાં ચાલે છે. એમાં એમ કહ્યું કે આ સર્વ ભૂતોનો રસ પૃથ્વી છે કારણ કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય પૃથ્વીમાં થાય છે. પૃથ્વીનો રસ જળ છે. જળનો રસ ઔષધિઓ, ઔષધિઓનો રસ અન્ન અને અન્નનો રસ પુરુષ, પુરુષનો રસ વાણી, વાણીનો રસ ઋગવેદ અને વેદોનો રસ સામ અને સામનો રસ ઓમકાર. આ ઓમકાર એ સર્વરસોમાં રસતમ છે. અહીં રસનો અર્થ છે સાર. ઓમકાર એ સર્વનો સાર છે. આ જગત ઓમકારથી વ્યાપેલું છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ૐથી જ શરૂઆત થાય છે. ઓમકાર એ બ્રહ્મ છે. એ પછી અહીં છાન્દોગ્યમાં આગળ કહે છે કે મારો આત્મા બ્રહ્મ છે. એ આત્મા ચાર પાદવાળો છે. એ ચાર પાદ એટલે રૂપિયામાં ચાર પાવલી હોય એમ સમજવાનું છે. એ રીતે આત્માની ચાર અવસ્થાઓ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એમ ચાર અવસ્થાઓ છે. એ પછી એમાં ચારેય પાદનું વિસ્તારથી વર્ણન આવે છે. આખા રૂપિયાનું મૂલ્ય જાણવું હોય તો એકલી જાગ્રત અવસ્થાનું વિવરણ કરીને તમે એનું મૂલ્ય જાણી ન શકો કારણ કે એ તો એક પાવલીનું મૂલ્ય થયું. એમાં તો બધી અવસ્થાઓને લેવી પડે. જાગ્રત અને સ્વપ્નમાં થાકીને પુરુષ પોતાની ઈન્દ્રિયોનો ઉપસંહાર કરીને હૃદયાકાશમાં જઈને સુષુપ્તિમાં સૂઈ જાય છે. ત્રણે અવસ્થાઓ દરમિયાન અધિષ્ઠાનરૂપે જે ચૈતન્ય છે તે આત્મા છે. તુરિય અવસ્થા ધારા રૂપે ત્રણેયની અંદર છે. તે તો આધાર છે. વળી તે ત્રણેય અવસ્થાઓથી પર પણ છે. એ નિત્ય છે, સત્ય છે અને સાક્ષી છે, ચૈતન્યરૂપ છે.

ટૂંકમાં ૐ એ પ્રાણ છે અને વાણી છે. પ્રાણ જ્યેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે. એ માટે ઉપનિષદોમાં ઘણી આખ્યાયિકાઓ આવે છે કે જેમાં બધી ઈન્દ્રિયો બ્રહ્મા પાસે જઈને કહેવા લાગી કે અમારામાં શ્રેષ્ઠ કોણ, એ પછી બધી ઈન્દ્રિયના દેવતા એક પછી એક નીકળવા માંડ્યા પરંતુ શરીરને કોઈ અસર ન થઈ. મુખ્ય પ્રાણે નીકળવાની તૈયારી કરી ત્યાં તો શરીર નષ્ટ થવા માંડ્યું. એ મુખ્ય પ્રાણ પાંચ રૂપે છે પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. તે જ આ શરીરને ધારણ કરે છે. જેમ મકાનને મોભ ધારણ કરે છે એમ આ શરીરરૂપી મકાનને ધારણ કરનાર મોભ પ્રાણ છે. ખરેખર જો ઉપાસના કરવી હોય તો પ્રાણની ઉપાસના કરવી જોઈએ. આત્માથી સૌ પહેલા ઉત્પન્ન થનાર છે પ્રાણ. આ રીતે ઉપનિષદો પ્રાણની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતા ઉદાહરણો આપીને સમજાવે છે અને કહે છે કે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવવું છે એણે પ્રાણની ઉપાસના આ રીતે કરવી જોઈએ. પ્રાણ કીડીથી માંડીને બ્રહ્મા સુધીના શરીરોમાં વ્યાપ્ત છે કારણ કે તે અરૂપ છે. તે સર્વ વ્યાપક છે. એટલે જ એને સમ કહેવામાં આવે છે. એ સમ શબ્દ પરથી જ સામ શબ્દ થયો છે. એમ કહેવાયું છે કે પ્રાણ-અપાનનું કેવળ નિરિક્ષણ કરવું. એ ત્યાં સુધી કરવું જ્યાં સુધી હું સર્વ પ્રાણીઓના શરીરમાં રહેલો અન્ન ખાનારો, ઈન્દ્રિયોને મારા અન્નમાં ભાગ આપનારો એ પ્રાણ હું છું, સર્વ શરીરોમાં રહેલો આત્મા એ હું છું – એ સમજાય નહિ ત્યાં સુધી કરવું. ચક્ષુનું પાપ દૂર કરવામાં આવે તો પ્રાણ ચક્ષુને સૂર્યરૂપ બનાવી દે. વાણીના દોષો પ્રાણની ઉપાસનાથી જાય તો વાણી અગ્નિ બની જાય. શ્રોત્ર વાયુ બની જાય. આ પ્રમાણે તમામ ઈન્દ્રિયો પોતપોતાના દેવસ્વરૂપમાં આવી જાય. એ કામ કરનાર પ્રાણ છે. દેહાભિમાન દૂર થઈને હું સર્વમાં રહેલો છું એવું અભિમાન થાય નહિ ત્યાં સુધી આ પ્રાણની ઉપાસના ચાલુ રાખવી જોઈએ. આ જે ‘હું છું’ એવો અહમ શરીરમાં થઈ રહ્યો છે એ શરીરનો ધર્મ નથી. એ જો શરીરનો ધર્મ હોય તો મડદું કેમ કહેતું નથી કે આ હું છું ? એ તો બ્રહ્મ છે. પરંતુ એ અનુભવવું પડે. માત્ર ચોપડી વાંચી લેવાથી અનુભૂતિ ન થાય. જ્યાં સુધી અહંકાર પૂરેપૂરો મરી ન જાય ત્યાં સુધી હું બ્રહ્મ છું એમ કોઈ કહી શકે નહિ. બહારનું જગત એ આપણી અંદર પ્રતિબિંબિત થતું વિચાર માત્ર છે. એની પાછળ પડો તો કદી દેશ-કાળનો અંત મળે નહિ.

એ પછી આ ઉપનિષદમાં જ્ઞાનની વાત આવે છે. શ્વેતકેતુને એના પિતાજીએ કહ્યું કે ‘તું જઈને વિદ્યા ભણ.’ બાર વર્ષનો હતો ત્યારે ભણવા ગયો અને ચોવીસ વર્ષનો થયો ત્યારે વેદ-વેદાંત ભણીને આવ્યો. એ ગર્વિષ્ઠ થઈ ગયેલો. એના પિતાજીને ખબર પડી ગઈ. એટલે એમણે પુત્રને કહ્યું કે તેં ગુરુને પૂછ્યું હતું કે ‘એકને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય ?’ પુત્ર કહે છે કે ‘એ તો મેં પૂછ્યું નહોતું, મારા ગુરુઓ જાણતા પણ નહોતા. માટે આપ જ મારા ગુરુ અને તમે જ મને કહો.’ પિતા કહે છે કે ‘સારું, તો સાંભળ. આ જગત ઉપન્ન થયું એ પહેલા એક જ અદ્વિતિય સત હતું.’ તમે જ્યારે સુષુપ્તિમાં હોવ છો ત્યારે તમારી સામે દ્વિતિય કંઈ છે ખરું ? સુષુપ્તિમાં માણસ એમ કહે છે કે હું જોતો નથી તો એ જુએ છે છતાં જોતો નથી. દષ્ટા અને એની દષ્ટિ તો અવિનાશી છે, એનો કદી લોપ થતો નથી. પરંતુ તે છતાં એ જાણતો નથી કારણ કે એનાથી બીજું એનાથી અલગ કંઈ જ નથી કે જેને એ જુએ. કોણ કોને જુએ અને શેનાથી જુએ ? સુષુપ્તિમાં એ અનુભૂતિ અનંત એકત્વ અને આનંદરૂપ છે. જેને અનુભવાય છે તે અસીમ આનંદરૂપ સમુદ્ર છે. એમાં ડૂબકી મારીને જ આપણે રીચાર્જ થઈએ છીએ. આ જગત ઉપન્ન થયું એ પહેલા એ સત હતું. એ મેળવવાનું નથી મેળવાયેલું જ છે. પિતા કહે છે કે ‘રોજ રોજ સુષુપ્તિમાં તું બ્રહ્મલોકમાં જાય છે.’ પુત્રને શંકા થઈ કે જો રોજ આપણે એમાં લીન થઈ જતા હોઈએ તો પાછા કેવી રીતે આવીએ ? એની માટે દાખલો આપ્યો સમુદ્રનો કે સમુદ્રમાં નદીઓ ભળી જાય પરંતુ વળી પાછી વરાળ બનીને વરસાદ બનીને નદીઓ પાછી સમુદ્રને મળે.

ટૂંકમાં એ રીતે આ જ્ઞાનનો વિષય ઘણો રસપ્રદ છે. આ જ્ઞાનથી આપણે જાગીએ એ જ અભ્યર્થના. મારી વાત અહીં સંક્ષેપમાં પૂરી કરું છું.

માંડુક્યોપનિષદ – શશીપ્રભા કુમાર

મને જ્યારે માંડુક્યોપનિષદ આપવામાં આવ્યો ત્યારે થોડી ગભરાહટ થઈ કારણ કે આ ઉપનિષદ સૌથી ગહન, સંક્ષિપ્ત અને સૌથી મહત્વપૂર્ણ ઉપનિષદ છે. પરંતુ એક તરફ સંતોષ પણ હતો કે એમાં ફક્ત બાર જ શ્લોક છે. જો કે એ બાર મંત્રોમાં બધા જ ઉપનિષદોનો સાર સમાયેલો છે. ગઈકાલે અહીં કહેવાયું કે મુમુક્ષુ માટે એક માત્ર માંડુક્યોપનિષદ જ બસ છે.

માંડુક્યોપનિષદની એક વિશેષતા એ છે કે એમાં કોઈ આખ્યાન નથી, રૂપક નથી કે વાર્તા નથી. એમાં કોઈ પ્રશ્ન પણ નથી. એમાં તો ફક્ત ઉત્તર જ ઉત્તરો છે. જાણે કે સાધક એ સ્તર પર પહોંચી ગયા છે કે જ્યાં એમને પ્રશ્નોની જરૂર નથી, ફક્ત એમને એ રસ મળવો જોઈએ. હું કોઈ ભાષ્યકારો પાસે ગઈ નથી પરંતુ ઉપનિષદના મૂળવચનો સુધી સીમિત રહીને જે કંઈ મેં જાણ્યું છે એનો સાર આપની સામે હું પ્રસ્તુત કરીશ. એમાં જે કંઈ ઉત્તમ છે એ ઋષિઓની પ્રજ્ઞાનું છે અને જે કંઈ આ વક્તવ્યમાં ખામી હોય તે બધી મારી અભિવ્યક્તિની અક્ષમતાઓ છે.

વૈદિક વાંગ્મયના અંતિમ પગથિયે પ્રતિષ્ઠિત ઉપનિષદ માનવીય મનિષાના ઉદાતત્તમ સ્તરોની અનુભૂતિઓની અવિકલ અભિવ્યક્તિઓ છે. ક્રાંતદષ્ટા ઋષિઓની તપઃપુત અંતપ્રજ્ઞાથી પ્રસૂત ઉપનિષદોના વચન સાર્વભોમ અને સાર્વકાલિક સંદેશોના સંવાહક હોવાથી સમસ્ત વિશ્વમાં સમાદ્રિત છે. વિશ્વના અનેક વિસૃત વિદ્વાનોએ ઉપનિષદના ગૌરવગાનમાં પોતાનો યોગ કર્યો છે અને હું નામ લેવા ઈચ્છિશ જર્મન દાર્શનિક શોપેન હાવર, કે જેમણે સંસ્કૃત નથી વાંચ્યું, જેમને ઉપનિષદ મૂળરૂપમાં વાંચવાનું સૌભાગ્ય પણ નથી મળ્યું, એમણે માત્ર અનુવાદ વાંચ્યો અને અનુવાદ એમને એટલો સ્પર્શી ગયો, પ્રભાવિત કરી ગયો કે પ્રત્યેક રાત્રિ સૂતા પહેલાં તેઓ ઉપનિષદમાંથી પ્રેરણા લેતા હતા. તેઓ કહેતા હતા કે ‘જીવનભર ઉપનિષદોએ મને શાંતિ આપી છે અને મૃત્યુના સમયે એ જ મને શાંતિ આપશે.’ આ ઉપનિષદનું જ્ઞાન એવી નિધિ છે કે ભારતીયોએ ગર્વ લેવા માટે એક સુદ્રઢ આધાર છે. જો ઉપનિષદ વિશ્વ માટે ભારતની અમૂલ્ય દેન છે તો એવા ઉપનિષદોનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો તે એક શબ્દ છે ‘ૐ’. આ ઉપનિષદમાં ઓમકારની મહિમા છે. મને મારી વાણી આ મહિમાના ગાનથી પવિત્ર કરવાનું સૌભાગ્ય મળ્યું એ માટે હું પોતાને ખરેખર કૃતકૃત્ય સમજું છું.

પ્રમુખ અને પ્રાચીન ઉપનિષદોમાં માંડુકયનું સ્થાન અન્યતમ છે. અર્થવેદના બ્રાહ્મણભાગ સાથે સંબંધિત આ ગદ્યાત્મક ઉપનિષદ આકારમાં સૌથી સીમિત પરંતુ કથ્યમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેમ છે. તેના બાર મંત્રોમાં ભારતીય તત્વદર્શનના સૌથી મહત્વના સિદ્ધાંત ‘ઓમકાર રહસ્ય’ અને આત્માની ચૈતન્યરૂપતા અને સર્વવ્યાપકતાનો સાર સમાવિષ્ટ કરીને માનો ગાગરમાં સાગર ભરવાનું નિદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. માંડુક્ય એટલે મુંડકથી નિષ્પન્ન થયેલ. એક વિચાર અનુસાર આ ઉપનિષદ ‘મંડુક’ નામના ઋષિથી કહેવાયું હોવાથી એ માંડુક્ય કહેવાય છે. આ ઉપનિષદનો સાક્ષાત્કાર વર્ષાના અધિપતિ દેવ વરુણને મંડુકનું રૂપ ધારણ કર્યા બાદ થયો એથી પણ એનું નામ ‘માંડુક્ય’ હોવાનું કહેવાય છે. મંડુકનો અર્થ દેડકો છે. દેડકાની ગતિ જેમ કૂદીને જવાની હોય છે તેમ માનો આ ઉપનિષદની શૈલી પણ એકથી બીજા સ્તર સુધી છલાંગ લગાવતી દેખાય છે. કદાચ એટલે પણ એનું નામ ‘માંડુક્ય ઉપનિષદ’ પડ્યું હોય. એક સંકેત એવો પણ મળે છે કે મંડુક નામક કોઈ યોગવિધિ છે અને એ યોગવિધિનો અભ્યાસ કરનાર ઋષિ મંડુક દ્વારા પ્રણિત છે તેથી ‘માંડુક્ય’ કહેવાય છે.

માંડુક્ય ઉપનિષદમાં આપણે જોઈશું કે ત્રણ સ્તર છે. જાણે કે આપણને ત્રણ માળના મકાન પર લઈ જવામાં આવી રહ્યા છે. પહેલા સ્તર પર ઓમકારનું મહાત્મય છે. બીજા સ્તર પર ઓમકાર અને આત્માની સંગતિ બેસાડવામાં આવી છે અને આત્માના ચાર પાદોનું નિરુપણ કરવામાં આવ્યું છે. ત્રીજા માળ સુધી પહોંચતા પહોંચતા ઓમકારની ચાર માત્રાઓ અને ચેતનાની ચાર અવસ્થાઓમાં સંગતિ સ્થાપિત કરતાં કરતાં ફલશ્રુતિ બતાવવામાં આવી છે કે આ જ્ઞાન મેળવવાથી શું થઈ શકે છે. મેં મુખ્યત્વે મૂળ ઉપનિષદને જ પ્રાધાન્ય આપ્યું છે તેમ છતાં જ્યાં જરૂર પડે ત્યાં આચાર્યોના વચનોનો આશ્રય જરૂરથી લીધો છે. માંડુક્યોપનિષદનો આરંભ ઓમકારના મહિમાગાનથી થાય છે. પહેલો મંત્ર છે :

ॐ इत्येतदक्षरमिदँ सर्वं तस्योपव्याख्यानं
भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव
यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव ||

એટલે કે ‘આ બધું જ ઓમકાર છે.’ ઓમકારનો સર્વપ્રથમ પ્રયોગ યજુર્વેદમાં ઈશાવાસ્ય ઉપનિષદમાં થયો છે. વિભિન્ન ઉપનિષદોમાં ઓમના મહત્વનો નિર્દેશ થયો છે. પુરાતન ભારતીય પરંપરા અને આધુનિક કર્મકાંડ બંને ઓમકારના મહાત્મયને સમાનરૂપથી સ્વીકારે છે. ઓમનો અર્થ છે ‘રક્ષા કરનાર’. એટલે જ પ્રાચીનકાળથી ઓમ દરેક વેદમંત્રની શરૂઆતમાં અથવા દરેક મંગલકાર્યની પહેલાં ઓમના ઉચ્ચારણનું વિધાન માન્ય થયું . પરમતત્વનું વર્ણન માંડુક્ય ઉપનિષદમાં ઓમ દ્વારા જ શરૂ કરવામાં આવ્યું છે અને ઓમકારથી જ એનું સમાપન કરવામાં આવ્યું છે. એમાં ઓમકારની ત્રણ માત્રાઓ અને ચોથી અમાત્રિકની ચેતનાની ચાર અવસ્થાઓ સાથે સંગતિ સ્થાપિત કરવામાં આવી છે. તેને બહુ જ આધ્યાત્મિક મહત્વ આપવામાં આવ્યું છે.

માંડુક્યના બાર મંત્રોમાં ચૈતન્યના વિષયમાં જે મહત્વપૂર્ણ બિંદુઓ પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે તે નિમ્નલિખિત છે : ‘ॐ इत्येतदक्षरं’ એટલે કે ઓમકાર જ અક્ષર છે. એ કદી ન ક્ષય થનાર અક્ષર બ્રહ્મ છે. એ પછી કહ્યું કે : ‘मिदँ सर्वं तस्योपव्याख्यानं’ આ સમસ્ત દ્રશ્યમાન જગત એ ‘ઓમ’ અક્ષરની જ વ્યાખ્યા છે. જે કંઈ દશ્ય અને અદશ્ય છે, ભૂત-વર્તમાન-ભાવિ બધું જ ઓમકાર છે. કાળની સીમામાં રહેલી તમામ ઘટનાઓ ઓમકારની અભિવ્યક્તિ છે. એની બહાર જે કંઈ ત્રિકાલાતીત છે એ પણ ઓમકાર જ છે. ઓમકારની વ્યાપકતા સીમા અને સીમાની બહાર એમ બંને તરફ છે. એથી કહી શકાય કે સમસ્ત સંસાર ઓમકારનું વ્યાખ્યાનરૂપ છે. ‘भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव ||’ ‘सर्वं ह्येतद् ब्रह्म’ આ જાણે સમગ્ર માંડુક્યોપનિષદનું સુત્રવાક્ય છે. આચાર્ય એ વસ્તુ સમજાવવા માગે છે જે દશ્યમાન નથી, તો શરૂ ક્યાંથી કરવું ? દષ્ટથી અદષ્ટની તરફ, સ્થૂળથી સુક્ષ્મની તરફ, મૂર્ત થી અમૂર્ત તરફ. ‘सर्वं ह्येतद् ब्रह्म’ આ જે કંઈ દેખાય છે એ બધું જ બ્રહ્મ છે. જે જગતને ઓમકાર રૂપ કહ્યું તેને હવે બ્રહ્મરૂપ છે તેમ કહે છે. ઓમકારરૂપ બ્રહ્મ આ દશ્ય જગતનું અધિષ્ઠાન છે. એ પછી કહ્યું કે ‘अयम आत्मा बह्म.’ પહેલા બહારની વાત કરી અને હવે અંદરની વાત કરી. કહે છે કે મારો આત્મા પણ બ્રહ્મ છે. જે આપણી બહાર છે એ પણ ઓમ છે અને જે આપણી અંદર છે એ પણ ઓમ છે. બધા જીવોમાં વ્યાપ્ત આત્મા પણ બ્રહ્મ છે. એક વ્યાખ્યાકારે એમ પણ કહ્યું છે કે ‘यथा पिंडे तथा बह्मांडे’ એવો ઉપનિષદકારનો સંકેત છે. એ રીતે આપણો પિંડ પણ બ્રહ્મ છે. જેવી રીતે બ્રહ્માંડમાં બ્રહ્મનો વિસ્તાર વિશ્વ છે એવી રીતે પિંડમાં જીવનો વિસ્તાર છે. બ્રહ્માંડમાં બ્રહ્મ અને પિંડમાંના જીવાત્માના ચાર પગ છે. એટલે કે આ બંનેની અનુભૂતિના ચાર સ્થાન છે. આટલું કહ્યા પછી આત્મા જ બ્રહ્મ છે એ કેવી રીતે જાણવું ? એટલે એક સંકેત આપ્યો કે ‘सोऽयमात्मा चतुष्पात्.’ આત્મા ચાર પગો વાળો છે. એ ચાર પગ પ્રાણીઓ જેવા નથી. જેમ એક રૂપિયામાં ચાર પાવલીઓ હોય છે એ અર્થમાં આત્માને ચાર પગવાળો કહ્યો છે. શંકરાચાર્યે પણ એમ કહ્યું છે કે એ ચાર અંશ વાળો છે. હું અહીં એક ભવનનું દષ્ટાંત લઉં છું, જો કે ઉપનિષદે કોઈ દષ્ટાંત નથી લીધું. પરંતુ સમજવા માટે માની લો કે જેમ મકાનના ચાર પાયા છે તો એ ચાર પાયા પર જ મકાન ઊભું હોય છે. આ ચાર પગવાળી વાત ઋગવેદમાં પણ મળે છે. ત્યાં એમ કહેવાયું છે કે આ સમગ્ર વિશ્વ અને સમસ્ત પ્રાણીઓ એ પુરુષનું કેવળ એક ચરણ છે. જ્યારે બાકીના ત્રણ પગ અમૃતમય દ્યુલોકમાં નિહિત છે. કહેવાનો અર્થ છે કે એક ચરણ વ્યક્ત છે જ્યારે બાકીના ત્રણ ચરણ અવ્યક્ત છે. અહીં ઉપનિષદમાં ત્રણ વ્યક્ત ચરણથી ચોથા અવ્યક્ત ચરણ સુધી આપણને લઈ જવામાં આવે છે.

અગાઉ મેં કહ્યું તેમ માંડુક્યોપનિષદનો હેતુ ચેતનાના સૂક્ષ્માતિસુક્ષ્મ સ્તરોનું વિવેચન કરવાનું છે, જે અત્યંત ગહન અને ગંભીર વિષય છે. એટલે જ ઉપનિષદવિદ્યા આચાર્યની સમીપ રહીને ધીર-ગંભીર, અંતર્મુખી અધિકારી શિષ્ય દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. અહીં દશ્યમાન જગતના સ્થૂળ પ્રદાર્થોની ચર્ચા નથી પરંતુ સર્વભૂતારન્તરાત્માનો સાક્ષાત્કાર, અપરોક્ષ અનુભૂતિ અભિષ્ટ છે જે સમસ્ત બ્રહ્માંડના બધા જ જીવોના અનુભવનો વિષય છે. એ જ કારણ છે કે ઉપનિષદોમાં પ્રતિપાદિત જ્ઞાન કોઈ દેશ, જાતિ અથવા કાલ માટે સીમિત નથી. સમસ્ત માનવો માટે પ્રાસંગિક અને પ્રેરણાપ્રદ છે.

હવે એ જોઈએ કે માંડુક્યોપનિષદ પહેલા ચરણની વ્યાખ્યા કઈ રીતે કરે છે. આત્માનું પહેલું ચરણ ‘વૈશ્વાનર’ કહેવાય છે. ‘जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूल भुग्वैश्वानरः प्रथमः पादः’ આ વૈશ્વાનર શું છે ? એની અનેક વ્યાખ્યાઓ છે. અનેક અર્થ છે. અગ્નિને વૈશ્વાનર કહે છે. અહીં ચૈતન્યને વૈશ્વાનર કહ્યો છે. વિશ્વના તમામ જીવોને ભિન્નભિન્ન પ્રકારથી તે લઈ જાય છે, તેથી એ વૈશ્વાનર છે. આને પ્રથમ ચરણ એટલા માટે કહ્યું કે આગળના ત્રણ ચરણોનું જ્ઞાન આના પછી જ થઈ શકે છે. વૈશ્વાનરનું સ્થાન જાગ્રત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં ચેતના માનો કે અંદરથી નીકળીને બહાર આવી જાય છે. એટલે જ એને ‘જાગ્રત સ્થાન’ કહેવાયું છે. એમાં ચૈત્યની પ્રવૃત્તિ બાહ્ય હોય છે એટલે એને ‘બહિષ્પ્રજ્ઞ’ કહ્યું. ચેતનાબહિર્મુખી હોય ત્યારે જીવાત્માના સાત અંગો હોય છે એથી એને સપ્તાંગ પણ કહેવામાં આવે છે. એક વ્યાખ્યા પ્રમાણે સાત લોક એ ચૈતન્યના અંગો છે. સ્થૂળ વિષયોનો ભોગ કરનાર એ ‘સ્થૂળભુગ’ છે. આ તેનું વિશેષણ છે. જાગૃત અવસ્થામાં તેના 19 મુખ છે તેથી ‘એકોનવિંશતિમુખઃ’ એમ કહેવાયું છે. એ 19 મુખ એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ 19 મુખ વડે વૈશ્વાનર જાગૃત અવસ્થામાં શબ્દાદિ સ્થૂળ વિષયોને ભોગવે છે એટલે એ ‘સ્થૂળભુગ’ છે. એ તો સ્પષ્ટ છે કે આ સાતેય અંગ શરીરના છે, આત્માના નથી. એ રીતે આ 19 મુખ પણ શરીરમાં અદિષ્ઠિત જીવાત્માના ભોગના સાધનો છે, તેથી એને શરીર સાથે સંબંધિત સમજવા જોઈએ. આમ, જાગૃત અવસ્થા તો શરીરની છે, ચેતનાની નહીં. કારણ કે ચેતના તો સદા જાગૃત જ રહે છે. એટલે જ અહીં ‘જાગૃત સ્થાન’ શબ્દ વપરાયો છે. ‘અવસ્થા’ અને ‘સ્થાન’ શબ્દમાં અંતર છે. જ્યારે શરીર જાગૃત અવસ્થામાં હોય છે ત્યારે જીવાત્મા જાગૃત સ્થાનમાં હોય છે. જ્યારે શરીર સ્વપ્નાવસ્થામાં હોય છે ત્યારે જીવાત્મા સ્વપ્ન સ્થાનમાં હોય છે. જ્યારે શરીર સૃષુપ્તાવસ્થામાં હોય છે ત્યારે જીવાત્મા સુષુપ્ત સ્થાન કહેવાયો છે. આ પહેલું ચરણ છે. એનો અનુભવ આપણે વ્યવહારિક જીવનમાં કરીએ છીએ. એને સમજવું કઠીન નથી. એ પછી બીજા અને ત્રીજા ચરણમાં આચાર્ય આપણને દષ્ટથી અદષ્ટની તરફ લઈ જાય છે.

આત્માનું બીજું ચરણ ‘તૈજસ ચૈતન્ય’ સુક્ષ્મ શરીરમાં અધિષ્ઠિત છે. પહેલા સ્થૂળ શરીર અને બીજું સુક્ષ્મ શરીર. એથી એ ‘સ્વપ્ન સ્થાન’ છે. અહીં સ્થૂળ શરીર નહીં, સુક્ષ્મ શરીર સક્રિય થાય છે. એ તેજથી નિર્મિત હોય છે. એને તૈજસ એટલે જ કહ્યું કારણ કે શરીર જ્યારે સૂઈ જાય છે, ‘સ્વપ્ન સ્થાન’માં ચાલ્યું જાય છે, ત્યારે જીવાત્માનું યથાર્થ તેજોમય રૂપ જે શરીરના અંધકારમય આવરણથી ઢંકાયેલું હતું, માનો ચમકી ઊઠે છે. ભાવ એ છે કે જ્યારે શરીર સ્વપ્નાવસ્થામાં હોય છે ત્યારે જીવાત્મા જાગૃત સ્થાનથી ખસીને સ્વપ્ન સ્થાનમાં સક્રિય પ્રતિત થાય છે. એટલે જ આ બીજા ચરણને આત્માનું ‘સ્વપ્ન સ્થાન’ કહ્યું છે. એને ‘અંતઃપ્રજ્ઞ’ પણ કહ્યો. ‘અંતઃપ્રજ્ઞ’ કહેવાનો આશય એ છે કે જીવાત્માનું ધ્યાન બહારથી ખસીને અંદરની તરફ ચાલ્યું જાય છે. જાગૃત અવસ્થામાં ચૈતન્ય વૈશ્વાનર રૂપે જે સાત અંગો અને 19મુખોથી ભોગ ભોગવે છે તે સ્વપ્ન સ્થાનમાં તૈજસ ચૈતન્ય પણ એ સાત અંગો અને એ 19 મુખથી ભોગ ભોગવે છે. પરંતુ અંતર શું છે ? જાગૃત સ્થાનમાં વૈશ્વાનર ચૈતન્ય ‘સ્થૂળભુગ’ છે અને આ તૈજસ સ્વપ્ન સ્થાન ચૈતન્ય ‘પ્રવિવિક્તભુક્ત’ છે. એટલે કે અલગ અલગ ભોગ ભોગવવાવાળો છે. આ સુક્ષ્મ શરીરથી ભોગવવાવાળા માનસ જગતનો ભોગ છે. શંકરાચાર્યના મત પ્રમાણે તૈજસ ચૈતન્ય માટે વાસનારૂપ પ્રજ્ઞા જ ભોગ ભોગવતી હોય છે. એથી એનો આ સુક્ષ્મભોગ ‘પ્રવિવિક્ત ભોગ’ કહેવાય છે. સ્વપ્ન સ્થાનમાં મન સક્રિય હોય છે અને આપણે મનની મદદથી સુક્ષ્મ શરીર દ્વારા ભોગ ભોગવીએ છીએ.

હવે ત્રીજા ચરણની વાત. એ છે સુષુપ્તસ્થાન. એટલે કે સુષુપ્તાવસ્થા. એને ‘સુષુપ્તસ્થાન ચૈતન્ય’ કહ્યું છે. શરીર જ્યારે સુષુપ્તિદશામાં હોય છે ત્યારે જીવાત્મા સુષુપ્તસ્થાન તરીકે ઓળખાય છે. કારણ કે સુષુપ્ત શરીર ન તો કોઈ કામના કરે છે ન તો કોઈ સ્વપ્નને જુએ છે.

यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं
पश्यति तत् सुषुप्तम् |
सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एवानन्दमयो
ह्यानन्दभुक् चेतो मुखः प्राज्ञस्तृतीयः पादः ॥

શરીરની આ દશાને ‘પ્રાજ્ઞ’ કહે છે. એનો અર્થ થાય છે ‘પ્રકૃષ્ટ અજ્ઞાન’. કારણકે સુષુપ્તાવસ્થામાં શરીર જડવત થઈ જાય છે. અત્યંત અજ્ઞાનની દશામાં હોય છે. એથી એને ‘પ્રાજ્ઞ’ કહી શકાય. બીજી તરફ, ચૈતન્યની આ વિશિષ્ટ દશાનું નામ પણ ‘પ્રાજ્ઞ’ છે અને ત્યાં એનો અર્થ છે ‘ભૂત અને ભવિષ્યના સઘળા વિષયોનો જ્ઞાતા’. તાત્પર્ય એ છે કે જીવાત્મા સ્વયંને સ્થૂળ શરીર અને સુક્ષ્મ શરીર બંનેથી માનો અલગ કરી લે છે ત્યારે એની શક્તિઓ એકીભૂત બની જાય છે. એટલે જ ‘એકીભૂત’ વિશેષણ આ શ્લોકમાં વપરાયું છે. એની ચેતના ઘનીભૂત બની જાય છે. આ અવસ્થામાં જીવાત્માના ભોગનું સાધન ન તો સ્થૂળ વિષય છે ન તો સુક્ષ્મ વિષય, કેવળ ચેતના માત્ર છે એથી એને ‘ચેતોમુખ’ કહેવાય છે. સુષુપ્તિમાં જીવાત્મા પ્રજ્ઞાનઘન છે એથી એ માનો કે આનંદમય છે અને આનંદનો જ ભોગ કરે છે. એથી અહીં ‘આનન્દભુકઃ’ કહેવાયું છે. એટલે તો સુષુપ્તિમાંથી જાગીને વ્યક્તિ કહે છે કે બહુ આનંદથી ઊંઘ આવી ગઈ. આ રીતે માંડુક્યોપનિષદે ત્રણ ચરણનું વર્ણન કરતાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ સ્થાનોમાં ક્રમશઃ સ્થૂળ, સુક્ષ્મ અને કારણ શરીરો દ્વારા સ્થૂળ વિષયોનું, સુક્ષ્મ વિષયોનું અને આનંદનો ભોગ કરવાવાળા ચૈતન્યના બહિષ્પ્રજ્ઞ, અંતઃપ્રજ્ઞ અને પ્રાજ્ઞ રૂપોનું વિવેચન કર્યું.

અસલી તથ્ય હવે આવનાર છે. આત્મના ચતુર્થ ચરણનું પ્રતિપાદન કરતાં પહેલાં આગળના વાક્યમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉપરોક્ત ત્રણ સ્થાનમાં નિવાસ કરવાવાળા જીવાત્મારૂપ જે પિંડ ચૈતન્યનો ઉલ્લેખ જે આ ત્રણ સ્તરો પર કરવામાં આવ્યો એ જ બ્રહ્માંડ રૂપમાં ઈશ્વર, સગુણ બ્રહ્મ અથવા અપર બ્રહ્મ છે. એ દષ્ટિથી આ સમષ્ટિરૂપ આત્મા અથવા સગુણબ્રહ્મ બધા જ ઐશ્વર્યોથી સંપન્ન સર્વેશ્વર છે. એ બધા જ ભેદોને જાણનાર સર્વજ્ઞ છે. સમસ્ત જીવોમાં અંતઃપ્રવિષ્ટ થઈને એમનું નિયમન કરનાર અંતર્યામી એ જ છે. બધા જ કારણોનો આધાર હોવાથી જીવોની યોનિ, ચરાચર ભૂતોનો ઉત્પાદક અને વિનાશક હોવાથી એ બધાનો પ્રભવ અને અપ્યય પણ છે. ‘एष सर्वेश्वरः एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम्’ અહીં પહેલી વાર ઉપનિષદમાં ઈશ્વરનો જીવ સાથે અને બ્રહ્મ સાથે વિશિષ્ટ્યનો સંકેત કરવામાં આવ્યો છે.

હવે ચતુર્થ ચરણની વાત. આપણે ત્રણ માળ પસાર કરી લીધા જ્યાં સુધી દાદર હતા. ચોથી મંઝિલ છે જાણે કે ખુલ્લું આકાશ. એનું વર્ણન કેમ કરવું ? વાસ્તવિક એ જ છે. એનાથી પણ કંઈક પર છે. હવે એ જોઈશું કે ઋષિ શબ્દો સાથે સંઘર્ષ કરતાં આપણા જેવા શિષ્યો આગળ આ વાત કેવી રીતે સમજાવે છે. ત્રણ ચરણની વાત કર્યા બાદ એના ચોથા ચરણમાં નિર્ગુણ બ્રહ્મનું વ્યાખ્યાન સ્વાભાવિક છે, એ જ માંડુક્યોપનિષદનો ખાસ વિષય છે. એનું ‘જેમ છે તેમ’ વર્ણન કરવું શક્ય નથી, એથી નિષેધાત્મક શબ્દાવલિ વડે જ એને સમજાવી શકાય છે. અહીં હવે જોઈએ કે કેટલી વાર ‘ન’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે તેને ‘ન’કારના માધ્યમથી જ સમજી શકાય છે. ‘नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम्’ એ અંતઃપ્રજ્ઞ નથી એટલે કે તૈજસનો નિષેધ અહીં થયો. આ ચોથું ચરણ એ વૈશ્વાનર જેવો બહિઃપ્રજ્ઞ પણ નથી. એ જાગૃત અને સુષુપ્તિની અવસ્થાની વચ્ચેનો પણ નથી. એ પ્રજ્ઞાનઘન પણ નથી, એટલે કે સુષુપ્તિવસ્થાનો નિષેધ થઈ ગયો. એ પ્રજ્ઞ પણ નથી એટલે કે બધા જ વિષયોનો જ્ઞાતા પણ નથી કારણ કે જ્ઞાતા અને જ્ઞાનનો ભેદ ત્યાં રહેતો નથી. એ અપ્રજ્ઞ પણ નથી કારણ કે એ તો અચેતન છે. તો એ કેવો છે ? ‘अदुष्टम’ કારણ કે જ્ઞાનેન્દ્રિયો એને જાણી જ નથી શકતી. ‘अव्यवहार्यम’ એ અદશ્ય છે તેથી એને વ્યવહારમાં પણ નથી લાવી શકાતો. ‘अग्राह्यम’ કર્મેન્દ્રિયોથી પણ એ ગ્રહણ કરી શકાતો નથી. ‘अलक्षणम’ એના કોઈ લક્ષણ કે એનું કોઈ લિંગ નથી એથી અનુમાન પણ સંભવ નથી. ‘अचिंत्यम’ એના વિષયમાં ચિંતન પણ સંભવ નથી. ‘अव्यपदेश्यम’ શબ્દોથી એનો ઉપદેશ પણ નથી કરી શકાતો. તો કરવું શું ? શું એ સર્વદા અજ્ઞેય છે ? નહીં. ‘एकात्मप्रत्ययसारं જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય દશાઓમાં અનુભવ બદલાતા રહ્યા પરંતુ આ ભિન્નભિન્ન અવસ્થાઓમાં જે એકાત્મ પ્રત્યયરૂપમાં અવ્યભિચારી અનુભવ થયો એ એકાત્મપ્રત્યય સાર છે. ‘નેતિ નેતિ’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો સાધક કે શિષ્ય વિમુખ થઈ શકે છે કે આ તો કંઈ સમજમાં આવે એવી ચીજ જ નથી. એથી ઋષિ ફરી પ્રયાસ કરે છે કે કેટલાક વિશેષણોથી એ ફરી સમજાવી શકાય. એ પ્રમાણે આત્માનું ચોથું ચરણ જેને કહ્યું ‘प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः’ અહીં સંસ્કૃતનો એક એક શબ્દ ધ્યાન આપવા જેવો છે. ઉપરોક્ત વાત કહીને ઋષિ કહે છે કે આ પ્રકારે લોકો ચોથા ચરણ વિશે આમ માને છે. આત્મા અજ્ઞેય નથી વિજ્ઞેય છે. ‘अद्वैत’ શબ્દનો પ્રયોગ ઉપનિષદમાં અહીં પહેલીવાર થયો.

હવે આ ઉપનિષદમાં પ્રશ્નો નથી પરંતુ કદાચ શિષ્યો પ્રશ્ન કરી શકે કે ‘આ બ્રહ્મ છે શું ?’ તેથી ઋષિએ પહેલેથી જ કહી રાખ્યું હતું કે ‘આત્મા જ બ્રહ્મ છે.’ તો પછી વળી પ્રશ્ન થાય કે આત્મા જ બ્રહ્મ હોય તો એને જાણવો કેવી રીતે ? એટલે આ ચાર ચરણોનું વર્ણન કર્યું. એમાં ત્રણ ચરણોનું વિવેચન કર્યું અને ચતુર્થ ચરણનો સંકેત કર્યો. એ ચોથું ચરણ જ શુદ્ધ, બુદ્ધ અને શાંત શિવ ચૈતન્ય છે. હવે એ પ્રશ્ન થાય કે શરૂઆતમાં કહેલ ઓમકારની તો અહીં કોઈ વાત આવી જ નહીં ! મૂળ તો ઓમકારની મહિમા બતાવવા માટે આ બધો વિસ્તાર કર્યો હતો, અને મૂળ વાત જ વિસરાઈ ગઈ કે શું ? પરંતુ એવું નથી. હવેના ચાર મંત્રોમાં ચેતનાના એ ચાર ચરણોની સંગતિ ઓમકારની ત્રણ માત્રાઓ અને ચોથી અમાત્ર-પદ સાથે સ્પષ્ટ કરવામાં આવી રહી છે. અહીં બે શબ્દો વાપર્યા છે ‘અધ્યક્ષ’ અને ‘અધિમાત્ર’ ‘सोऽयमात्माध्यक्षरमोङ्करोऽधिमात्रं पादा मात्रा मात्राश्च पादा अकार उकारो मकार इति’ અક્ષરની દષ્ટિથી વિવેચન કરીએ તો આ જે આત્મા, જેનું વર્ણન કર્યું એ ઓમકાર છે અને ચરણના રૂપમાં એનું વિભાજન કરવામાં આવે તો એને ‘અધિમાત્ર’ કહીશું કારણ કે જે ત્રણ ચરણ બતાવ્યા છે એ જ ત્રણ માત્રાઓ છે. પહેલી માત્રા અકાર, બીજી ઉકાર અને ત્રીજી માત્રા મકાર છે. પહેલી માત્રા અકાર છે જે જાગૃતવસ્થાના વૈશ્વાનરને સૂચિત કરે છે.

जागरितस्थानो वैश्वानरोऽकारः प्रथमा
मात्राऽऽप्तेरादिमत्त्वाद्
वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद

જે જિજ્ઞાસુ કે સાધક, ઓમકારની આ પ્રથમ માત્રા ‘અ’ ને આ રૂપમાં જાણે છે તે પોતાની સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ઓમકારની બીજી માત્રા છે ‘ઉ-કાર’. એ સ્વપ્ન સ્થાન તૈજસ ચૈતન્યની પ્રતિક છે. જેમ ‘અ’ કરતાં ‘ઉ’ થોડો ઊંચો છે તેમ તૈજસ ચૈતન્ય વૈશ્વાનર કરતાં ઉત્કૃષ્ટ છે. ‘स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात् उभयत्वाद्वोत्कर्षति’ જે ઓમકારની આ બીજી માત્રાને સાધી લે છે તે બધા પ્રતિ સમાન ભાવોવાળો હોવાથી ઉભય સ્થિતિ પ્રાપ્ત કરે છે. ત્રીજી માત્રા છે ‘મ-કાર’. એ સુષુપ્તસ્થાન ‘પ્રાજ્ઞ’ની પ્રતિનિધિ છે. જે આ તૃતિય માત્રાની ઉપાસના કરે છે એ માનો સંપૂર્ણ સંસારનો પાર પામી જાય છે. આ ત્રણે માત્રાઓની ત્રણે સ્થાનો સાથે સંગતિ કર્યા બાદ ઋષિ પોતાના સમાપન વાક્યમાં ચોથી માત્રાની સંગતિ કરીને પ્રધાન ફલશ્રુતિનો નિર્દેશ કરે છે. ઓમકારની ત્રણ માત્રાઓથી પર જે અમાત્ર ઓમકાર છે એ ચતુર્થ છે. ‘ૐ’ બોલીએ ત્યારે ‘મ’ બોલ્યા પછી જે ગુંજન થાય છે એ જ એની ચતુર્થ માત્રા છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિથી પર ચેતનાનું જે ચોથું સ્વરૂપ છે એ વ્યવહારમાં બતાવવાનું સંભવ નથી. એના વિષયમાં એટલું જ કહી શકાય એમ છે કે

अमात्रश्चतुर्थोऽव्यवहार्यः प्रपञ्चोपशमः शिवोऽद्वैत |
एवमोङ्कार आत्मैव संविशत्यात्मनाऽऽत्मानं य एवं वेद ||

ઓમકારનું એ અમાત્રરૂપ વાસ્તવમાં આત્મા જ છે. એ પ્રપંચની શાંતિ છે, મંગલમય છે અને અદ્વૈત સ્વરૂપ છે. જે સાધક ઓમકારને આ રૂપમાં સમજી લે છે, એ આત્મજ્ઞાન દ્વારા અંતરાત્મામાં પ્રવેશ કરે છે અને બહારના વિષયોની તરફ ભટકતો નથી. ઉપરોક્ત રીતિથી માંડુક્યોપનિષદનો સાર કહી શકાય કે ઓમકાર અક્ષર એ જ સમગ્ર બાહ્ય જગત છે. સ્થૂળ-સૂક્ષ્મ, મૂર્ત-અમૂર્ત, ત્રણે કાળમાં અને ત્રિકાલાતીત – એ તમામ ઘટનાઓ અને અવસ્થાઓ એ બધી જ ઓમકારની વ્યાખ્યા છે. આધ્યાત્મિક દષ્ટિથી ઓમકાર રૂપ અક્ષર બ્રહ્મ છે અને આત્મા બ્રહ્મ છે. જે કોઈ આ રહસ્યને જાણી લે છે તે આત્મજ્ઞાની અને પરમજ્ઞાની થઈ શકે છે. એને બીજું કશું જ જાણવાનું રહેતું નથી. માંડુક્યોપનિષદ એ ઓછા શબ્દોમાં ગહન સત્યને નિરૂપવાનો પ્રયાસ છે. ઓમકાર એ પરમાત્માનું નીજ નામ છે. સર્વશ્રેષ્ઠ નામ છે. આજે વિજ્ઞાન પ્રયોગો દ્વારા માનવીય ચેતનાના પહેલા સંકેતો પર પહોંચવા પ્રયત્ન કરે છે જેનું સમગ્ર સમન્વિત વિશ્લેષણ ઋષિઓની પ્રજ્ઞાએ પહેલેથી જ કરેલું છે. એને મેં આપની સમક્ષ રાખવા પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ હોય તો મારી ત્રુટિ સમજશો. ઉપનિષદનું ગંતવ્ય ઘણું દુર્બોધ છે એને સાધારણ વ્યક્તિ એક-બે વાર વાંચવાથી સમજી નથી શકતો. આપ સૌને નમન કરીને હું મારી વાણીને વિરામ આપું છું.

મુંડકોપનિષદ – ગૌતમ પટેલ

‘कृष्णं वंदे जगदगुरुम’ બાપુ, સંચાલકમિત્ર અને સૌ વક્તા, ઉપસ્થિત મહાનુભાવોને પ્રણામ. આજના સમયમાં ત્રાસવાદ જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ આપણે આધ્યાત્મિકતામાં શોધવો પડશે. એ આધ્યાત્મિકતા જો કોઈ આપી શકે તેમ હોય તો એ આપણા ઉપનિષદો છે. ઉપનિષદોનો ગંગાપ્રવાહ આજ સુધી સતત વહેતો રહ્યો છે, અને આજે આ ધરતી સુધી આવી પહોંચ્યો છે, જેનો એક આનંદ છે.

આપણી કોઈ પણ વાત કહેવાની એક પરંપરા છે કે ‘હું કહું છું’ એમ નહિ, પરંતુ અગાઉથી આમ કહેવાતું આવ્યું છે એમ કહીને આપણે વાતની શરૂઆત કરતા હોઈએ છીએ. આ ઉપનિષદની શરૂઆત પણ એ જ રીતે થાય છે. ‘ब्रह्मा देवानां प्रथमः संबभूव’ કહીને આ ઉપનિષદનો આરંભ થાય છે. પરંપરા બ્રહ્મા આપે છે. બ્રહ્માએ જ્યેષ્ઠપુત્ર અર્થવાને કહી, અર્થવાએ અંગિરાને કહી, અંગિરાને સત્યવાહને કહી, સત્યવાહે ભારદ્વાજ ગોત્રના આંગિરસને કહી. પછી કહે છે કે ‘शौनको ह वै महाशालो’ કેવી અદ્દભુત વાત છે ! શૌનક નામના એક ભાઈ, જેમનું ઘણું મોટું નિવાસ સ્થાન હતું. એમને જિજ્ઞાસા થઈ, એ ગયા ગુરુ અંગિરસ પાસે. જઈને તેમણે કહ્યું ‘कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति’ અદ્દભુત પ્રશ્ન છે ! પૂછે છે કે ‘ભગવન, શું જાણી લેવાથી બધું જ જાણી લેવાય ?’ આ ઉપનિષદનો મૂળ પ્રશ્ન છે. ઉત્તરમાં કહેવાયું કે ‘द्वे विद्ये वेदितव्ये’ ‘બે વિધા છે : પરા અને અપરા.’ અહીં મજા એ છે કે અપરા વિદ્યાની અંદર એક યાદી આપી છે જેમ કે ઋગવેદ, સામવેદ, યજુર્વેદ, શિક્ષા, નિરુક્ત, કલ્પ, વ્યાકરણ, છંદ વગેરે… પરંતુ પરાવિદ્યાની કોઈ ટેક્સબુક નથી. ઉપનિષદ કહે છે ‘तदक्षरमधिगम्यते’ એટલે કે એ અવિનાશી પરબ્રહ્મ તત્વથી જાણી શકાય છે. બ્રહ્મ એ વાણીનો વિષય નથી. એ અનુભૂતિનો વિષય છે. વિજ્ઞાન સાબિતી માગે, અધ્યાત્મ અનુભૂતિ માગે.

એ પરમતત્વ કેવું છે ? એ વિશે ઉપનિષદ કહે છે ‘यत्तदद्रेश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षुःश्रोत्रं तदपाणिपादम्’ વગેરે. રામકૃષ્ણ પરમહંસની એક સરસ વાત છે. પ્રશ્ન એ છે કે આ નિષેધાત્મક પદ્ધતિ વડે શું સકારાત્મક જ્ઞાન થઈ શકે ? નેતિ…નેતિ… એટલે કે ‘આ નહિ…. આ નહિ….’ એમાંથી ‘આ છે…. આ છે…’ એવું શું જાણી શકાય ? રામકૃષ્ણ પરમહંસે સરસ ઉદાહરણ આપ્યું. એમણે એમ કહ્યું કે એક છોકરીનો વિવાહ થયો. એ પછી રિવાજ પ્રમાણે વરરાજાને મોં જોવા માટે બોલાવ્યા. વરરાજા પાંચ જણને સાથે લઈને આવ્યો. વરરાજા બહાર બેઠા છે. અંદર સખીઓ પેલી છોકરીને પૂછે છે, ‘આ પહેલો ગાદીના છેડે બેઠો છે એ છે તારો મનભાવન ?’ પેલી છોકરી શરમાઈને ‘ના’ કહે છે.
‘આ બીજો લાલ ખમીસ વાળો ?’
‘ના.’
‘પેલો કાળા ચશ્માંવાળો ?’
‘ના.’
એમ કરતાં કરતાં બધાંની ‘ના’ થઈ ગઈ. છેલ્લો જે રહ્યો ત્યારે પેલી છોકરી મૌન થઈ ગઈ. માથું શરમથી ઢાળી દીધું. પેલી સખીને આપોઆપ જ્ઞાન થયું કે આ જ એનો મંગેતર મનભાવન છે. નિષેધ દ્વારા પણ સત્યનું જ્ઞાન થઈ શકે છે.
કેટલાક જરૂરી મંત્રો છે એનો સ્પર્શ કરીને હું આગળ વધીશ. સાતમા મંત્રમાં કહેવાયું છે કે ‘यथोर्णनाभिः सृजते गृह्णते च’ જેમ કરોળિયો પોતાની જાળ પોતે બનાવે અને પોતાની અંદર લઈ લે, ‘यथा पृथिव्यामोषधयः संभवन्ति’ પૃથ્વીમાં જેમ ઔષધીઓ થાય છે, ‘यथा सतः पुरुषात् केशलोमानि’ જે પ્રકારે જીવિત મનુષ્યમાં વાળ અને રોમ ઉત્પન્ન થાય છે…. એમ આ સૃષ્ટિમાં બધું ઉત્પન્ન થતું રહે છે. આ એક જ મંત્રમાં તત્વજ્ઞાનના મહાન પ્રશ્નોના ઉત્તર છે. એમ થાય કે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું એની પાસે કેવા સાધનો હતા ? કુંભાર ઘડો બનાવે તો માટી, ચાકડો તો જોઈએ જ. આપણે કોઈ પણ સર્જન કરીએ તો સાધન જોઈએ. પરંતુ ઉપનિષદ કહે છે કે, ‘ના, એવું નથી. કરોળિયો પોતે જ પોતાની જાળ કરે છે. પોતામાં જ વિલીન કરી દે છે. એને કોઈ સાધન નથી.’ એટલે કે જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. હવે બીજી વાત એ છે કે બ્રહ્મ એક છે તો એના સર્જનમાં આટલું વૈવિધ્ય ક્યાંથી આવ્યું ? તો ઉપનિષદ દાખલો આપે છે કે: ‘यथा पृथिव्यामोषधयः संभवन्ति’ એક જ પૃથ્વીમાંથી જેમ ઔષધિના અનેક પ્રકારો બને છે તેમ. હવે ત્રીજો પ્રશ્ન એ આવે છે કે એ બ્રહ્મ ચેતન હોય તો એમાંથી જડ કેવી રીતે ઉપજે ? ખરેખર તો એવું હોય કે જડમાંથી જડ પેદા થાય અને ચેતનમાંથી ચેતન પેદા થાય. એનો જવાબ આ ઉપનિષદે આપતાં કહ્યું ‘यथा सतः पुरुषात् केशलोमानि’ આ શરીર ચેતનમય છે અને છતાં એમાં કેશ, રોમ વગેરે જડ પદાર્થો જન્મે જ છે ! એ રીતે આ બ્રહ્મમાંથી જડ પણ જન્મી શકે. આ એક જ મંત્ર કેટલું બધું કહી જાય છે. એની પર કલાકો સુધી ચર્ચા કરી શકાય.

હવે આગળ વધીએ. એ છે કર્મકાંડ. એમાં યજ્ઞ-યાગની વાત છે. એ પ્રશ્ન થાય છે કે આ યજ્ઞ-યાગ કરવા જોઈએ ખરા ? ‘Philisphy of religion’ ના પ્રોફેસરોએ સમજવા જેવી વાત કરે છે. તેઓ કહે છે કે કોઈ પણ ધર્મ હોય એના ચાર અંગો છે. સૌ પ્રથમ અંગ છે એ દરેક ધર્મમાં સમાન છે. દા..ત, સાચું બોલવું એમ બધા જ ધર્મો કહે છે. અહિંસા આચરવી એમ બધા જ ધર્મો કહે છે. પ્રેમ, સત્ય, કરુણા દરેક ધર્મમાં સમાન છે. બીજું સ્તર એ છે કે દરેક ધર્મનું પોતાનું તત્વજ્ઞાન છે. દા…ત, સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ ? તો બાઈબલ એની રીતે સમજાવે, આપણે આપણી રીતે સમજાવીએ. એ પછી ત્રીજું સ્તર આવે છે કે પોતાના તત્વજ્ઞાનને સમજાવવા માટે પુરાણકથાઓ. દા…ત ‘સત્યં વદ’, તો હરિશ્ચંદ્રનું ઉદાહરણ આવ્યું. એ પછી ચોથું સ્તર છે કર્મકાંડ. એ દરેક ધર્મમાં છે. ક્યાંક હોમ છે, ક્યાંક હવન છે, ક્યાંક પૂજન છે, ક્યાંક અર્ચન છે. તો પ્રશ્ન એ થાય કે શું આ કરવું જોઈએ ?….. મિત્રો, વિદ્વાનો કહે છે કે આ વિધિવિધાનો એ ધર્મનું જે તત્વ અને સાર છે એને રક્ષણ આપનાર છે. જેમ કેરી પર છાલ છે, અંદર ગોટલો છે. એ બંને ભેગા મળીને અંદર જે કેરીનો રસ છે એનું રક્ષણ કરે છે, એમ ધર્મના તત્વનું રક્ષણ આ ક્રિયાકાંડ કરે છે. હું એક મારું જ ઉદાહરણ આપું. મંદિરમાં મારા પૌત્રને લઈને જઉં છું ત્યારે હું પગે લાગું છું એટલે એ લાગે છે. એને કંઈ ખબર નથી. હું માથું નમાવું છું એટલે તે નમાવે છે. માણસ મંદિરમાં ગયો ત્યારે માથું નમાવતા શીખ્યો. હું રૂપિયો નાખું છું અને તરત એ કહે કે ‘દાદા, મને આપો.’ હું એને આપું છું ને એ નાખે છે. હવે જુઓ, બહુ અગત્યની વાત છે. સ્વેચ્છાપૂર્વક પોતાની વસ્તુ બીજાને આપી દેવી એ બાળક ત્યાં શીખે છે. બાકી ઘરમાં એ નાનકડી મોટર પણ કોઈને અડકવા દેતો નથી. સત્યનારાયણની કથા કરી તો એણે કહ્યું કે ‘લાવો દાદા, હું પ્રસાદ વહેંચું.’ બાકી એ પોતાની ચોકલેટ પણ કોઈને નથી આપતો. આ ક્રિયાકાંડો દ્વારા ધર્મના જે તત્વો છે દાન, પ્રેમ, નમ્રતા – આ બધા એમાંથી આવે છે. એટલે એની ઉપેક્ષા ન થાય. હા, ઉપનિષદે એમ જરૂર કહ્યું છે કે ‘अन्धेनैव नीयमाना’ એનાથી માણસ સ્વર્ગે જાય અને પાછા નીચે આવે છે માટે એનાથી દૂર રહેવું જોઈએ. ‘प्लवा ह्येते अदृढा यज्ञरूपा’ આ ઉપનિષદનું બહુ મોટું દર્શન છે. છેક વેદથી ચાલી આવતી પરંપરાની સામે આ વિરોધનો પહેલો સૂર હોય એવું લાગે. ઉપનિષદ કહે છે કે આ યજ્ઞ વગેરે કાચી નાવડી છે. કર્મ દ્વારા એ જ્ઞાન મળી ન શકે. તો પછી કરવું શું ? ઉપનિષદ કહે છે ‘परीक्ष्य लोकान् कर्मचितान्’ કર્મથી પ્રાપ્ત થતા લોકોનું પરીક્ષણ કરો. ‘ब्रह्मणो निर्वेदमायान्नास्त्यकृतः कृतेन’ વૈરાગ્ય થવો જોઈએ અને પછી કહે છે :

तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम्

આ મંત્રની ચર્ચા અગાઉ થઈ ચૂકી છે. ગુરુ જ શિવ છે અને શિવ જ ગુરુ છે. એની વચ્ચે કોઈ ભેદ નથી. ગુરુનો મહિમા અપાર છે. ઉપનિષદ કહે છે કે એ ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. ગમે તેને ગુરુ ન કરાય, ગમે તેની કંઠી ન બંધાય.

બીજા મુંડકમાં કહેવાયું છે ‘यथा सुदीप्तात् पावकाद्’ જેમ ભડભડતા અગ્નિમાંથી તેજના તણખાઓ બહાર પડે તેમ આ વિશ્વ અને આ ભાવો એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. એ પછી આગળના શ્લોકોમાં વિશ્વરૂપના વર્ણનની વાત આવે છે. એ પછી આગળ કહે છે કે ‘सदसदरेण्यं’ સદ-અસદથી પર જીવનમાં પસંદ કરવા જેવું એ તત્વ છે. એ આપણા વિજ્ઞાનથી વરિષ્ઠ છે. એ કેવું છે ? ‘वेधव्यं’ એટલે કે વિંધવા જેવું છે. ‘धनुर् गृहीत्वौपनिषदं महास्त्रं’ આ ઉપનિષદરૂપી ધનુષને ધારણ કરો. ઉપાસના દ્વારા તમારા બાણને તીક્ષ્ણ કરો. ભાવથી તદભાવ થઈને એ લક્ષ્યને વીંધો. ‘प्रणवो धनुः शारो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते’ પ્રણવ એ ધનુષ છે. ઓમને બધા જ ધર્મો માને છે. એ પછી ઉપનિષદ કહે છે ‘अन्या वाचो विमुञ्चथा’ એક આત્માને જાણો, બાકી બધું વ્યર્થ છે.

એક છોકરી હતી. યુવાન થઈ ગયેલી. એ પછી એની ભાભીને જઈને કહે કે ‘તમે કેટલા નસીબદાર છો !, તમારે નણંદ છે, તમારે જેઠ છે, તમારે જેઠાણી છે, સાસુ-સસરા છે, કાકાજી-મામાજી છે. મારે તો કંઈ જ નથી !’ ભાભી કહે છે કે ‘બેટા, એક કામ કર. એક વર લાવી દે, તો આ બધા જ આવી જશે.’ એક પરમતત્વ જીવનમાં આવી જાય પછી જીવનમાં કંઈ જ મેળવવાનું બાકી નથી રહેતું. એથી જ આ ઉપનિષદ કહે છે કે એ માત્ર આત્માને જાણો. ‘तमेवैकं जानथ आत्मानमन्या वाचो विमुञ्चथामृतस्यैष सेतुः’ આ અમૃતનો સેતુ છે. એ આનંદમય છે. મારા ગુરુદેવ કહેતા કે ‘જેટલા આનંદમાં એટલા ઈશ્વરને ખોળે, જેટલા શોક કે મોહમાં એટલા માયાને ખોળે. જ્યાં બેસવું હોય ત્યાં બેસો. પસંદગી પોતપોતાની…’ આ જાણવાથી પરિણામ શું આવશે ? ‘भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः’ એ તત્વને જોશો તો જીવનમાં રહેલી હૃદયની ગ્રંથીઓ તૂટી જશે. બધા સંશયો દૂર થશે. તમારા બધા કર્મોનો ક્ષય થઈ જશે. એ તત્વ કેવું છે ? ઉપનિષદ કહે છે : ‘न तत्र सूर्यो भाति न चन्द्रतारकं’ ત્યાં સુર્ય નથી દેખાતો, નથી ચંદ્ર દેખાતો કે નથી તારા દેખાતા. ત્યાં વિદ્યુત પણ નથી તો અગ્નિ તો ક્યાંથી હોય ? એના પ્રકાશથી બધુ પ્રકાશે છે. આ બહુ મોટી વાત છે. એ તત્વમાંથી બધું ઉત્પન્ન થાય છે. પાણી, પવન, પ્રકાશ – એણે આપણને શું શું નથી આપ્યું ? હોટલમાં વેઈટર પાણીનો ગ્લાસ મૂકે તો પણ આપણે ‘થેન્ક યૂ’ કહીએ છીએ. એ તત્વને આપણે કદી ‘થેન્ક યૂ’ કહ્યું છે ખરું ? એ બ્રહ્મ તત્વ ક્યાં છે ? તો ઉપનિષદ કહે છે કે એ અમૃતમય છે. એ સામે છે, પાછળેય છે. એ દક્ષિણે છે અને ઉત્તરે પણ છે. નીચે પણ છે અને ઉપર પણ છે. એ સર્વત્ર ફેલાયેલ છે. પૂજ્ય મોટાને સાક્ષાત્કાર થયો ત્યારે તેમણે એક શબ્દ સમાજને આપ્યો કે ‘હું સર્વત્ર વિદ્યમાન છું.’ આ અનુભૂતિ આપણે મેળવવાની છે.

એ પછીનો મુંડક એક સરસ વાત લઈને આવે છે. ‘द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते’ બે પક્ષી છે. એક પક્ષી આ સંસાર રૂપી વૃક્ષના ફળ ખાય છે. બીજું નથી ખાતું. જે ખાય છે તે પુણ્ય અને પાપથી બંધાય છે. શંકરાચાર્ય કહે છે કે ‘પાપ એ બંધન છે, પુણ્ય પણ બંધન છે.’ સત્કર્મને ભોગવવા માટે ફરી પાછા આવવું પડશે. મા આનંદમયી કહેતા કે ‘અહીંથી તમારે રિટર્ન ટિકિટ લઈને જવું છે ? જવાનું તો નક્કી જ છે.’ કામ, ક્રોધ, લોભ, મોહ એ બધી રિટર્ન ટિકિટો છે. કંઈ પણ વાસના રહી ગઈ, ફરી જન્મ લેવો જ પડશે. આ ઉપનિષદ પણ કહે છે કે પાપ-પુણ્યથી મુક્ત થવાનું છે. જો એમ થશે તો ‘परमं साम्यमुपैति’ એ પરમ તત્વ સાથે તમારું સામ્ય થશે. ‘विजानन् विद्वान् भवते नातिवादी’ કહે છે કે એને જે જાણી લે છે તે બહુ બોલતો નથી. નહીં જાણનારો જ બોલતો હોય છે. જે ખરેખર જાણે છે તે મૌન થઈ જાય છે. એક ગુરુ પાસે શિષ્ય જઈને કહે છે કે બ્રહ્મ વિશે કહો. ગુરુ કંઈ કહેતા નથી. બે-ત્રણ વાર પૂછે છતાં જવાબ આપતા નથી. પછી અકળાઈને કહે છે કે ‘હું ત્રણ-ત્રણ વાર સવાલ કરું છું ને તમે જવાબ નથી આપતા.’ ગુરુ કહે છે કે ‘મેં ત્રણ-ત્રણ વાર જવાબ આપ્યો, પરંતુ તું સમજ્યો જ નહિ.’ ઉપનિષદ કહે છે : ‘आत्मक्रीड आत्मरतिः क्रियावा नेष ब्रह्मविदां वरिष्ठः’ ઉપનિષદના ખૂબ ધ્યાનમાં રાખવા જેવા શબ્દો છે : ‘आत्मक्रीड, आत्मरति, आत्मवान’ મુશ્કેલી એ છે કે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. ઉપનિષદ આપણને વારંવાર ટકોરે છે. ઉપનિષદ આપણને એક જ વાત કહે છે કે તું તારી જોડે તો બેસ ! અને તું તારી જાતને તો ઓળખ ! મિત્રો, આપણે આપણો સ્વભાવ વિસરીને અભાવમાં ઘૂમી રહ્યા છીએ. આત્માનો સ્વભાવ પૂર્ણતાનો છે. એ પૂનમના ચંદ્ર જેવો પૂર્ણ છે. એને કંઈ જ જોઈતું નથી. એનામાં કંઈ જ ખૂટતું નથી. એ સ્વભાવ આપણે વીસરી ગયા અને મારે લાડી નથી, ગાડી નથી, વાડી નથી – એની પાછળ દોડાદોડ શરૂ કરી. જે દિવસે સ્વભાવ હાથમાં આવશે એ દિવસે અભાવ પાછળની દોડ આપોઆપ અટકી જશે. એ માટે જરૂર છે ‘आत्मरति’ થવાની અને ‘आत्मक्रीड’ થવાની. આ બંને થાય એને જ ઉપનિષદ ‘आत्मवान’ શબ્દ આપે છે. મકરન્દ દવે એમ કહેતા કે ઝાડ જેટલું અંદર ઊંડું જાય છે એટલું જ બહાર ખીલે છે. જરૂર છે આપણે ઊંડા ઊતરવાની, આપણે બહાર ખોવાઈ ગયા છીએ. પૂર્ણતા એ માનવીનું સ્વરૂપ છે અને આ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે જ આ ઉપનિષદો છે.

એ પછી ઉપનિષદ આગળ કહે છે : ‘सत्यमेव जयते नानृतं’ ખૂબ જાણીતું છે. સત્ય એટલે શું ? ગીતાએ કહ્યું છે કે અસતનું અસ્તિત્વ નથી અને સત છે એનો અભાવ નથી. સત્ય ત્રિકાલાબાધીત છે. એ કોઈ કાળમાં બદલાતું નથી. અંગ્રેજીમાં ભૂતકાળની વાત હોય તોય, જ્યારે એમાં સૂર્યની વાત આવે ત્યારે ‘Sun rises in the east’ જ લખાય. ત્યાં ભૂતકાળ ચાલતો નથી. શંકરાચાર્ય કહે છે ‘જે બાબતમાં તમારી બુદ્ધિમાં વ્યભિચાર એટલે કે પરિવર્તન આવે જ નહિ, કોઈ જ ફેર પડે નહિ, તો એ સત કહેવાય.’ જો ફેર પડે તો સમજવું કે અસત. જીવનમાં આ સતની જ ઉપાસના કરવાની છે. સત એ જ પરમતત્વ છે. ગાંધીબાપુ કહેતા જ હતાને કે સત્ય એ જ ઈશ્વર છે. એ સત્ય કેવું છે ? સુક્ષ્મથી સુક્ષ્મ છે, દૂરથી દૂર છે, આંખોથી જોઈ શકાય નહિ, વાણીથી કહી શકાય નહિ એવું. કારણ કે આ અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ હૃદયને થાય છે, હૃદયને વાણી નથી. વાણી જીભ પાસે છે પરંતુ જીભ પાસે એ અનુભૂતિ નથી. એટલે બોલી જ કેવી રીતે શકાય ? એ પછી આગળ ઉપનિષદ કહે છે :

नायमात्मा प्रवचनेन लभ्यो
न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्य-
स्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ॥

આ બહુ જાણીતો મંત્ર છે. વૈષ્ણવધર્મના વરણનો જે સિદ્ધાંત છે એનું મૂળ અહિંયા છે તેમ બધા કહે છે. પ્રભુ જેનું વરણ કરે છે તે પામે છે. કેટલીક વ્યક્તિઓને ઈશ્વર એનું અવતાર કાર્ય સોંપીને મોકલતા હોય છે. પ્રભુ દરેક વ્યક્તિને એના અવતાર કાર્ય સોંપીને જાય છે. ગાંધીજીનું અવતાર કાર્ય સ્વતંત્રતાનું હતું, એ પૂરું થયું. આગળ હિંદુ-મુસ્લિમ એકતા એ ન કરી શકયા. સરદારનું કાર્ય ભારતને એક કરવાનું હતું. મહાપુરુષો પોતાનું અવતાર કાર્ય લઈને આવતા હોય છે. મિત્રો, મંત્રની આ જ લીટીનો એક બીજો અર્થ પણ જાણી લેવો જોઈએ. શંકરાચાર્ય એમ કહે છે કે આ વિદ્વાન જે પરમાત્માને પસંદ કરે એ વરણથી તે તેને પામે છે, બીજા સાધનોથી નહીં. કારણકે એ તત્વ તો નિત્ય મળેલું જ છે, મેળવવાનું નથી. એ તો આપણે એને ભૂલી ગયા છીએ. ઉપનિષદ કહે છે ‘तत् परमं ब्रह्म वेद ब्रह्मैव भवति’ જે આ પરમ બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ બની જાય છે. પરંતુ આ માહિતી અને જ્ઞાનમાં અંતર છે. માહિતી જ્યારે જીવનની અનુભૂતિનો એક ભાગ બને ત્યારે જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે. નાનું બાળક અગ્નિને પકડે ત્યારે આપણે એને ટોકીએ છીએ, એક-બે વાર એ દાઝે છે પણ ખરો, પરંતુ એક વાર ખાત્રી થાય કે અગ્નિ બાળે છે એ પછી તે એને સ્પર્શતો નથી. That knowledge has become part of my personality. એ પછી દરેકમાં મારી એ અભિવ્યક્તિ હોય છે. એમ જે દિવસે આપણે બ્રહ્મને જાણીએ એ દિવસે બ્રહ્મ બની જઈએ – આટલું કહીને હું મારી વાત પૂરી કરું છું. नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः અસ્તુ.

સવારની સભા બરાબર બાર કલાકે સમાપ્ત થઈ હતી. એ પછી મધ્યાહ્ન ભોજન બાદ બપોરે ચાર કલાકે સંગોષ્ઠિ-4નો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી મનસુખ સાવલિયાએ કર્યું હતું. સંગોષ્ઠિના પ્રારંભમાં શ્રી બકુલ રાવળે ઐતરેયોપનિષદ વિશે વાત કરી હતી.

ઐતરેયોપનિષદ – બકુલ રાવળ

અહીં આ તમામ વિદ્વાન વક્તાઓને સાંભળ્યા પછી મારી હાલત અર્જુન જેવી છે ! તેનું ગાંડીવ સરકી જતું હતું, મને બોલવું કે નહીં એ સૂઝતું નથી. હું તો નવો નિશાળીયો છું. અહીં તો બધા સંસ્કૃતમાં ભાષણ કરી શકે એવી ક્ષમતાવાળા છે. મેં તો ફક્ત કૉલેજમાં સંસ્કૃત ભણાવ્યું છે. તેથી હું કોઈ વિદ્વાન હોવાનો દાવો નથી કરતો. હું વિદ્યાર્થી જેવો છું તેથી મારી કંઈક ક્ષતિ હોય તો આપ નિભાવી લેજો.

આપણે જાણીએ છીએ એમ ઉપનિષદો કોઈ સ્વતંત્ર ગ્રંથો નથી. ‘ઐતરેય બ્રાહ્મણ’ ઋગવેદનું પ્રસિદ્ધ બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણના ભાગરૂપે ‘ઐતરેય આરણ્યક’ છે. આ આરણ્યકના ભાગરૂપે આવતું એક પ્રકરણ ‘ઐતરેય ઉપનિષદ’ છે. ઉપનિષદ શબ્દનો ગૂઢ અર્થ ‘રહસ્ય-વિદ્યા’ એવો થાય છે. ઋગવેદના બ્રાહ્મણ વિભાગમાં ઐતરેય ઉપનિષદનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના છ વિભાગ છે. ભગવાન શંકરાચાર્ય એટલે જ એને આત્મશતક કહે છે. ઐતરેય ઉપનિષદના રચાયિતા જાણીતા છે. પરંતુ વાસ્તવમાં ઉપનિષદો પર કોઈએ પોતાની સહી કરી નથી. આમ છતાં ઉપનિષદના રચાયિતા યાજ્ઞવલક્ય, કઠોપનિષદના યમરાજા, પ્રશ્નોપનિષદના પિપ્પલાદ એવા નામ વાંચવા મળે છે ખરા.

આપણી રૂઢીગત માન્યતાનુસાર ઉપનિષદની રચના મહિદાસે કરી હતી. એ ઈતરાનો પુત્ર હતો. તેઓ બ્રાહ્મણ નહોતા. પાંચ વર્ષના થયા ત્યારે તેઓ એક દિવસ તેમના યજમાન તરીકે મહાકુંભમાં યજ્ઞ કરાવતા હતા. ત્યારે આ બાળકને પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. આપણે જાણીએ છીએ કે ધ્રુવને પણ આવી જ ઈચ્છા થઈ હતી. આ બાળક ઈતરાના કુખે જન્મયું હોવાથી પિતાના ખોળામાં બેસવાની એને અનુમતી ન મળી કારણ કે ‘ઈતરા’ એટલે પરસ્ત્રી. નિરાશ થયેલો બાળક ડૂસકાં ભરતો ભરતો મા પાસે જાય છે. કાલીઘેલી ભાષામાં આ બાબતની જાણ કરે છે. માતૃહૃદય ક્રોધિત થઈ ગયું અને નિર્દોષ બાળકના અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. એને પોતાની નબળાઈ પણ ધ્યાનમાં આવી એથી એ જમીન પર પડી અને પોતાની ઈષ્ટદેવી મા-ભોમને ભેટી પડી. ભક્તને આશીર્વાદ આપવા માટે મા-ભોમ સ્વયં પ્રગટ થઈ. ઈતરાની વિનંતીથી ધરતીના સેવક એવા મહિદાસને આપણી સંસ્કૃતિનું સનાતન રહસ્ય ધરાવવાની મા-ભોમે દીક્ષા આપી. આ બાળક પરિપૂર્ણ થઈને તરછોડાયેલા નિમ્નકક્ષાના સામાન્ય ગુલામ તરીકે જેને પોતાની ભાષામાં પરિપૂર્ણતાના આનંદ સિદ્ધાંતની ઘોષણા કરી તે આ બાળક. આ કથાનકથી એટલું સ્પષ્ટ થાય છે કે ઈતરાનો પુત્ર ઐતરેય બ્રાહ્મણ ન હતો. પરંતુ તેનું નામ મહિદાસ એટલે ભૂમિપુત્ર હતું. આપણી પેઢીના મનમાં તેની માટે વિશેષ અનુકંપા જાગવી જોઈએ. એની માતા એમ કહેવાય છે કે કુંભાર જાતિની હતી. આવું સ્વામી ચિન્મયાનંદે લખેલું છે. ઈતરા એટલે અન્ય. એ સંકેત પરથી જ સ્પષ્ટ થાય છે કે બ્રાહ્મણ ન હતી પરંતુ તે અન્ય હતી. આપણે ત્યાં તો કહેવાયું છે કે જન્મથી ભલે શુદ્ર જન્મ્યો હોય, પરંતુ માણસ સંસ્કારથી બ્રાહ્મણ બને છે. આથી આ ઉપનિષદમાં કુંભારના જીવનમાંથી લીધેલ ઉપમાઓ અને રૂપકો પણ આવે છે.

ઐતરેય ઉપનિષદ એ સામાન્ય માનવીનું શાસ્ત્ર છે. ચિન્મયાનંદજી તો એમ કહે છે કે ‘એ શ્રમજીવીનું બાઈબલ છે. ઈસ્લામનું કુરાન છે.’ ઝૂંપડપટ્ટીમાંથી ઉદભવેલ સંસ્કૃતિનું ગાન એ આપણા ઉપનિષદો છે. ઐતરેય ઉપનિષદના આરંભના શાંતિપાઠમાં જાણીતા શ્લોક નથી, પરંતુ તે ખૂબ સુંદર છે.

वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितमाविरावीर्म एधि
वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीरनेनाधीतेनाहोरात्रान् संदधाम्यृतं वदिष्यामि सत्यं वदिष्यामि
तन्मामवतु तद्वक्तारमवत्ववतु मामवतु वक्तारमवतु वक्तारम्

ॐ शान्तिः शान्तिः शान्तिः

આમાં આપણી આખી વૈશ્વિક ભાવના છે. ‘જે વક્તા છે એનું પણ રક્ષણ કરો અને મારું પણ રક્ષણ કરો’ એમ કહેવાયું છે. મારી વાણી મારા મનમાં પ્રસ્થાપિત થાઓ, મારું મન મારી વાણીમાં પ્રસ્થાપિત થાઓ. આ સમજવા જેવી વાત છે. મન અને વાણીનો સમન્વય એ આ ઉપનિષદનો મૂળભૂત હેતુ છે. એ પછી કહે છે કે ‘હે બ્રહ્મ તું મારી સમક્ષ પ્રગટ થા.’ ઉપનિષદનો ઋષિ બ્રહ્મને આદેશ આપી શકે છે. ‘હે મન-વાણી, વેદમાં નિર્દિષ્ટ સતની અનુભૂતિ કરવાની મને શક્તિ આપ. મેં જે કંઈ શ્રવણ કર્યું છે તે વિસરાય નહીં તેવા આશિષ આપ. મને અભ્યાસમાં રાત-દિવસ ગુંથાઈ જવા દે. હું સતનો જ વિચાર કરું અને સત્ય જ બોલું. આ સત મારું રક્ષણ કરો, મારા ગુરુનું રક્ષણ કરો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |’

ઉપનિષદના અભ્યાસનો આરંભ કરતા અગાઉ શિષ્યો ગુરુના ચરણે જઈને આશીર્વાદ પ્રાપ્ત કરતાં હતાં અને શાંતિપાઠનું સહપઠન કરતા હતા. આ શાંતિપાઠને ઉપનિષદકાળમાં દેખાતી બૌદ્ધિક પ્રામાણિકતાનું ઉમદા દષ્ટાંત કહ્યું છે. સ્વસ્થજીવન માણતા સાધકોના હૃદય અને બુદ્ધિમાં આવશ્યક ગુણવત્તાઓ આપોઆપ વિકસતી. ગુરુચરણે બેસીને શાસ્ત્રોનો અભ્યાસ બરાબર કરી શકે છે. તેના પરિણામે આત્મશ્રદ્ધા ઉદ્દભવે છે. એ પછી કહે છે કે ‘श्रुतं मे मा प्रहासी’ શ્રવણ મહત્વનું છે. નવધા ભક્તિમાં શ્રવણ પહેલું છે. જૈન ધર્મમાં જે શ્રવણ કરે છે એને ‘શ્રાવક’ કહે છે. શ્રવણ કરે છે તે સાચા અર્થમાં પામી શકે છે. વેદાંત એ જીવનનું સંપૂર્ણ અને પરિપૂર્ણ વિજ્ઞાન હોઈને પ્રત્યેક દિવસનો અભ્યાસ તે પછીના દિવસની ગુરુની દલીલો અને સમજૂતીથી સીધો સંબંધ ધરાવે છે. આજનો અભ્યાસ ગઈકાલના અભ્યાસના અનુસંધાનમાં આવે છે. એ પછી કહે છે કે ‘अनेनाधीतेनाहोरात्रान् संदधाम्यृतं’ ‘મારા અભ્યાસમાં મને રાત-દિવસ ખૂંપી જવા દો. હું માત્ર સતનો જ વિચાર કરું. સત્ય જ બોલું.’ બાળપણથી આપણને આ સંસ્કારો આપવામાં આવે છે. ‘કીડીને મારીએ તો પણ પાપ લાગે’, એવી વાતોથી નાનપણમાં સંસ્કારોનું બીજારોપણ થાય છે. એ પછી કહે છે કે જ્યારે મન, બુદ્ધિ અને વાણી આ ત્રણેનો સમન્વય થાય છે ત્યારે માણસ સજ્જ થતો હોય છે. આમ સાધક જ્યારે પોતાનું સમગ્ર જીવન પોતાની અંદરના પ્રભુને નિરંતર અર્પણ કરે છે ત્યારે તેનું પોતાનું અને તેના ગુરુનું રક્ષણ તેનો આત્મા કરે છે.

ઐતરેય ઉપનિષદના તેત્રીસ મંત્રો છે. જો હું ફક્ત મંત્રો જ બોલું તો પણ મારો સમય પૂરો થઈ જાય ! એના પહેલા પ્રકરણના પહેલા વિભાગનો મંત્ર આ પ્રમાણે છે : ‘ॐ आत्मा वा इदमेक एवाग्र आसीन्नान्यत्किंचन मिषत् | स ईक्षत लोकान्नु सृजा इति ||’ આરંભમાં આ વિશ્વ માત્ર આત્માના સ્વરૂપમાં જ હતું. અન્ય કશાનું ત્યારે અસ્તિત્વ હતું નહિ. સૃષ્ટિના અગાઉ આત્મા પર કોઈ તત્વ હોય તો તેનું સ્વરૂપ સીમિત અને નાશવંત થઈ જાય. આત્મા અનંત છે. ગીતામાં ભગવાને એ જ કહ્યું છે, જે આપણે સૌ જાણીએ છીએ. એ આત્માએ વિચાર્યું કે હું આ સૃષ્ટિનું સર્જન કરીશ. આ ઉપનિષદમાં બે વસ્તુ મહત્વની છે : એક છે સર્જન ક્રિયા અને બીજી છે પ્રજનન ક્રિયા. આ ઉપનિષદમાં પ્રજનનક્રિયાની પણ વાત આવે છે. તમામ દર્શનોએ સ્વીકાર્યું છે કે સૃષ્ટિના સર્જનનું વર્ણન આપણા સમયના સંદર્ભમાં કરતા હોઈએ તો એક રીતે સમયનું પણ સર્જન થાય છે. એ પછી કહેવાયું છે કે એ આત્માએ સૃષ્ટિનું સર્જન કરતા પહેલાં અમ્ભ, મરીચિ, મરમ અને આપઃ ની રચના કરી. સ્વર્ગથી પર ‘અમ્બ’ છે, સ્વર્ગ એનો આધાર છે. ‘મરીચિ’ વાયુમંડળનો પ્રદેશ છે. ‘મરમ’ એ પૃથ્વી છે અને પૃથ્વીના તળે છે ‘આપઃ’ એટલે કે જળ. પરમ ચૈતન્ય ક્રિયાન્વિત થઈને વાસનાઓ, સંકલ્પો અને કામનાઓનો સમુહ બનીને જીવ બને છે. એવા લોકોની રચના કરે છે જ્યાં તમામ વાસનાઓને તેમની પરીપૂર્તિ માટેનું ક્ષેત્ર મળી જાય.

બીજા મંત્રમાં ઋષિ જણાવે છે કે સર્જનહારે આ વિચાર્યું કે હું સૃષ્ટિનું સર્જન કરું, એ પછી એણે સર્જન કર્યું. સૃષ્ટિનું સર્જન કર્યા પછી એણે વિચાર્યું કે હવે લોકપાલનું સર્જન કરું. જળમાંથી પુરુષને પ્રગટાવ્યો. એ પછી જનેન્દ્રિયનો આવિર્ભાવ થયો. એમાંથી શુક્રાણુઓ જન્મ્યા અને શુક્રાણુઓમાંથી જળતત્વ ઉદભવ્યું. આ રીતે રચાયેલા દેવતાઓ ચંચળ એવા મહાસાગરમાં ઊતર્યા. તેમને ભુખ અને તરસથી રિબાવ્યા. ‘ता एता देवताः सृष्टा अस्मिन्महत्यर्णवे’ એટલે તેઓએ સર્જકને કહ્યું કે ‘અમારે માટે એવું સ્થાન રચો કે જ્યાં અમે સ્થાયી થઈને ભોજન કરીએ.’ સૃષ્ટિના સર્જકે ગાયની રચના કરી. આ જોઈને પેલાઓએ કહ્યું કે ‘અમને સંતોષ નથી થયો.’ પછી અશ્વની રચના કરી. તો પણ તેઓએ ના પાડી. એ પછી મનુષ્યની રચના કરી. દેવતાઓએ કહ્યું કે ‘પ્રભુ, આ રચના અમને ગમી.’ હવે તમે તમારા આગવા સ્થાનોમાં પ્રવેશો એમ સર્જકે દેવતાઓને કહ્યું. એ પછી અગ્નિ વાણીમાં પરિવર્તિત થઈને મુખમાં પ્રવેશ કર્યો. વાયુએ ધ્રાણ બનીને નાસિકામાં પ્રવેશ કર્યો. સૂર્ય દષ્ટિ સ્વરૂપ ધારણ કરીને ચક્ષુમાં પ્રવેશ કર્યો. દિશાઓ શ્રવણશક્તિ બનીને કર્ણમાં પ્રવેશી. ઔષધી અને વનસ્પતિ સ્વરૂપ દેવતાઓ વાળ બનીને ત્વચામાં પ્રવેશ્યા. ચંદ્ર મન બનીને હૃદયમાં પ્રવેશ્યું. મૃત્યુ સ્વરૂપ દેવતા અપાન બનીને નાભીમાં પ્રવેશ્યા. જળ દેવતા શુક્રાણુ બનીને જનેન્દ્રિયમાં પ્રવેશ્યા. આટલું થયા પછી અપાન વાયુની વાત આવે છે. આપણે જમતી વખતે જે બોલીએ છીએ કે ‘પ્રાણાય સ્વાહા…અપાનાય સ્વાહા…. વ્યાનાય સ્વાહા… ઉદાનાય સ્વાહા…. સમાનાય સ્વાહા….’ ક્ષુધા અને તૃષાએ સર્જનહારને કહ્યું કે અમારા બંને માટે પણ સ્થાન શોધી કાઢો. સર્જનહારે કહ્યું કે ‘હું તમને બંનેને આ દેવતાઓની સાથે જ રાખીને ભાગીદાર બનાવું છું.’ આથી ગમે તે દેવને અર્ધ્ય આપવામાં આવે ત્યારે ક્ષુધા અને તૃષા એમાં ભાગ પાડે છે. આ રીતે સર્જનહારના આદેશથી વિવિધ શક્તિઓએ શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે ભૂખ અને તરસ મૂંઝવણમાં મુકાઈ ગયા. ત્યારે તેમણે રહસ્યાત્મક અને કાવ્યાત્મક વાણીમાં સર્જનહારને પ્રશ્ન કર્યો કે ‘અમે ક્યાં જઈશું ? અમને પણ કોઈ સ્થાન આપો.’ સર્જનહાર કહે છે કે ‘તમામ કેન્દ્રો ગોઠવાઈ ગયા.’ ક્ષુધા અને તુષા માટે કોઈ આગવું કેન્દ્ર રચવાને બદલે તેમને કહ્યું કે ‘તમે બધા જ કેન્દ્રોમાં રહીને આનંદ કરો. એથી કોઈ પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતો સંતોષ તમારો સંતોષ બની રહે.’ આ બધી વાતોમાં આખું મનોવિજ્ઞાન છે. સ્વામી ચિન્મયનાન્દે એની આખી મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ સમજાવી છે.

હવે પહેલા પ્રકરણો ત્રીજો વિભાગ જોઈએ. ‘स ईक्षतेमे नु लोकाश्च लोकपालाश्चान्नमेभ्यः सृजा इति ।।’ સર્જનહારે જણાવ્યું કે ‘સૃષ્ટિ અને દેવતાઓની રચના થઈ ગઈ. હવે તેમને માટે હું અન્ન ઉત્પન્ન કરીશ.’ અન્ન ઉત્પન્ન કેવી રીતે કરવું ? સ્વાભાવિક છે કે એમાં જળની જરૂર તો રહે જ. જળમાંથી જે પદાર્થ ઉત્પન્ન થયો તે ‘અન્ન’ કહેવાયો. અહીં જળતત્વ જગતની રચના કરતા પંચમહાભૂતનું પ્રતીક છે. એ અન્નએ જ્યારે અદશ્ય થવાનો પ્રયત્ન કર્યો ત્યારે વાણીએ એને પકડવાનો પ્રયત્ન કર્યો. વાણીથી જો પકડાત તો અન્નની માત્ર વાતો કરીને જ આપણને સંતોષ થઈ જાત ! એ પછી અપાન વાયુ દ્વારા ગ્રહણ કરવાનો પ્રયત્ન થયો, તો જણાયું કે અપાન વાયુ જ અન્નને ગ્રહણ કરી શકે છે. અન્ન દ્વારા જીવન ટકાવી રાખવાનો યશ અપાન વાયુને જાય છે.

એ પછી સર્જનપ્રક્રિયા વિશે વાત કરતા ગુરુ એમ કહે છે કે ‘હવે હું પ્રજનનક્રિયાની વાત કરું છું તો જે સગર્ભા સ્ત્રીઓ હોય તે બહાર જતી રહે.’ એનો અર્થ એમ થયો કે એ સમયે આશ્રમોમાં સર્ગભા સ્ત્રીઓ પણ આવતી હતી. વિજ્ઞાન આજે એમ કહે છે કે સગર્ભા સ્ત્રી જે સાંભળે, જે જુએ, જે બોલે એની આવનારા બાળક પર અસર પડે છે. આપણે ત્યાં હજારો વર્ષ પહેલાં ગુરુએ આ વાત કરી. એ સંદર્ભમાં પુરાણોમાં વાત આવે છે કે મૂલ્યો વગરની એક આખી અધાર્મિક પેઢીને હિરણ્યકશ્યપુ નામનો રાક્ષસ ઉછેરી રહ્યો હતો. એ રાક્ષસના પંજામાંથી બાળકને ઉગારવા માટે સગર્ભા સ્ત્રીની સુવાવડ થતાં સમાજથી એને અલગ રાખવામાં આવતી. આજે પણ છોકરી ગર્ભવતી બને એટલે એને પિયર મોકલી દેવાનો રિવાજ છે. જ્યાં સુધી એની સુવાવડ ન થાય ત્યાં સુધી એ ત્યાં રહે અને પછી સાસરે આવે છે. ગુરુ કહે છે કે ‘શુક્રાણુ એ આપણું લઘુ સ્વરૂપ છે. જ્યારે તેને સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવાહિત કરવામાં આવે છે ત્યારે મનુષ્યનો જન્મ થાય છે. આ એનો પ્રથમ જન્મ છે. એ પછી એનો દ્વિતિય અને તૃતિય જન્મ થાય છે.’ પોતાના પિતાના આત્મા સમાન પુત્રને પાવનકારી કાર્યો કરવા માટે પિતાની અવેજીમાં મૂકવામાં આવે છે. પોતાના કર્તવ્યોનું પાલન કરી, પિતા વૃદ્ધ થઈ મૃત્યુને શરણે જાય છે. મૃત્યુ પછી તેનો પુનર્જન્મ થાય છે. આ તેનો ત્રીજો જન્મ છે.

ટૂંકમાં આ ઐતરેય ઉપનિષદ છે. અહીં મારી વાત હું પૂરી કરું છું. ઉપનિષદો ગહન છે તેથી મેં મારી રીતે આ વાત થોડી રમૂજપૂર્વક રજૂ કરી છે.

[વધુ આગળ વાંચો : ભાગ-3 [2]]