સ્વજનની તબિયતની ખબર પૂછવા જવા વિશે – રતિલાલ બોરીસાગર

[ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તરફથી પ્રતિવર્ષ ‘ગુજરાત’ સામાયિકનો દીપોત્સવી અંક પ્રકાશિત કરવામાં આવે છે જેની વાચકોને વર્ષભર પ્રતિક્ષા રહેતી હોય છે. ચાલુ વર્ષે આ અંક તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ દળદાર અંકમાં (કુલ પાન : 432. કિંમત રૂ. 40) સુપ્રસિદ્ધ સાહિત્યકારોની કલમે લખાયેલા 32 અભ્યાસલેખો, 23 નવલિકાઓ, 9 હાસ્ય-લેખો, 6 નાટકો અને 55 કાવ્યોનો સમાવેશ થાય છે. આ અંક આપ અખબાર વિતરક પાસેથી મેળવી શકો છો અથવા અહીંથી Click Here સંપૂર્ણ ડાઉનલોડ કરી શકો છો.  પ્રસ્તુત છે તેમાંથી હાસ્ય-લેખ સાભાર.]

કોઈ સ્વજનની માંદગીના સમાચાર મળે એટલે એમની તબિયતની ખબર પૂછવા જવું એ એક સામાન્ય શિષ્ટાચાર છે. નજીકનાં સગાં તો બહારગામથી પણ ખબર પૂછવા આવે છે. માંદા માણસને સ્વજનોની હૂંફ મળે, ‘આ જગતમાં હું એકલો નથી’ એવું આશ્વાસન મળે એવો સદાશય આ પ્રથા પાછળ રહેલો છે. પરંતુ સારી પ્રથા પણ સમય જતાં કેવી ઔપચારિક બની જાય છે એનું આનાથી સારું ઉદાહરણ જડવું મુશ્કેલ છે. આમ છતાં, આ ઔપચારિકતાય ન સચવાય તો, દીકરા કે દીકરીનાં લગ્નમાં અપેક્ષિત સ્વજનો ન આવ્યાં હોય તો માઠું લાગતું હોય છે, તેવું માઠું આમાં પણ લાગતું હોય છે. ‘આટલા નજીકના સગા છે, પણ ખબર પૂછવામાંથી ગયા’ – આવો અફસોસ પ્રગટ કરવામાં આવે છે. એટલે કોઈ સ્વજનની બીમારીના સમાચાર મળે છે ત્યારે સેન્સિટિવ સગાંઓનાં મન પર એમની ખબર પૂછવા જવાનું એક પ્રકારનું ટૅન્શન રહેતું હોય છે.

અમારા એક પરિચિત મુરબ્બી છે. માંદા સ્વજનની ખબર પૂછવા જવા અંગે તેઓ હંમેશાં સચિંત રહેતા હોય છે. એમનું પરિચય-વર્તુળ પણ ખાસ્સું મોટું છે ને દુર્ભાગ્યે એમાંથી મોટા ભાગનાં નબળા આરોગ્યવાળાં છે. એટલે એમની રજાના દિવસો સ્થાનિક સ્વજનોની ખબરઅંતર પૂછવામાં જ વીતે છે. અમદાવાદમાં ‘ફાવે ત્યાં ફરો’ એવી સીટીબસની યોજના છે. આ યોજનાનો અમારા આ સ્નેહીએ ભરપટ્ટે લાભ લીધો છે. દર રવિવારે એમને બસમાં આમથી તેમ અથડાતા-કૂટાતા જોઈ પહેલાં તો એ કામધંધા વગરના ને ઘરના દુઃખી હશે એવી છાપ બસકંડકટરો પર પડેલી પરંતુ દર રવિવારે આમ બસમાં ફર્યા કરવાને કારણે એમને ઘણા બસકંડકટરો જોડે પણ આત્મીય સંબંધ થઈ ગયો છે. એટલે માંદા બસકંડકટરની ખબર પૂછવા પણ એ જાય છે ! આ પછી એમના વિશેનો અભિપ્રાય સુધર્યો છે, પણ સ્વજનોની સંખ્યા વધતાં એમની હાલત વધુ બગડી છે. દર શનિવારે રાત્રે એ માંદા સ્વજનોનું લિસ્ટ બનાવે છે, વિસ્તાર પ્રમાણે એનું વિભાગીકરણ કરે છે અને પછી રવિવારે રવિ ઊગતાંથી માંડી રવિ આથમતાં સુધી ને કોઈ વાર તો રાત સુધી એ સૌની ખબર કાઢતા ફરે છે. બપોરે જમવાના સમયે એ કોઈને ત્યાં પહોંચ્યા હોય ને પેલા જમવા બેસી જવાનો વિવેક કરે તો એ પાછા ‘ના-ના હું તો જમીને આવ્યો છું’ એવું કહેવાનો વળતો વિવેક કરે છે. અમદાવાદમાં સામા માણસનાં અન્ય વચનોમાં ભલે વિશ્વાસ મૂકવામાં નથી આવતો પણ કોઈ ‘હું જમીને આવ્યો છું’, ‘હું ચા પીને આવ્યો છું’ એમ કહે તો એના વચનમાં તુરત વિશ્વાસ મૂકી દેવાનો રિવાજ છે ! એટલે અમારા આ સ્નેહી બપોરે પાછા ઘેર જમવા આવે કે ક્યાંક હોટેલમાં નાસ્તો કરી લે. એમનાં સ્વજનો પણ જુદાજુદા વિસ્તારમાં પથરાયેલાં છે. એક સ્વજન ઓઢવમાં બીમાર હોય તો એક બોપલમાં માંદગીની પથારી શોભાવતા હોય; કોઈ વાસણામાં માંદું હોય તો કોઈ ચાંદખેડામાં !

પરિણામે આમથી તેમ દોડાદોડી કરવાને કારણે ને બહારનું આચરકૂચર ખાવાને કારણે એ પોતે વારંવાર બીમાર પડી જાય છે. હું એમની ખબર પૂછવા જાઉં છું ત્યારે પોતે કેમ બીમાર પડ્યા એનું એ સવિસ્તર વર્ણન કરે છે. એમનું આ વર્ણન હિંદી ફિલ્મોની વાર્તાની જેમ મોટે ભાગે એકસરખું હોય છે : ‘પરમ દિવસે રજા હતી. એક સગા બાપુનગરમાં બીમાર હતા ને એક મિત્ર થલતેજમાં બીમાર હતા. સવારે અમારી ઑફિસના એક ભાઈનાં સાસુ ગુજરી ગયાં હતાં તે સ્મશાને ગયો હતો. બપોરે ખરા તડકામાં પહેલાં થલતેજ ગયો ને પછી બાપુનગર ગયો. બંને સંબંધીઓનાં ઘર બસસ્ટૅન્ડથી ખાસ્સાં દૂર છે એટલે તડકામાં ખૂબ ચાલવું પડ્યું. પરિણામે આપણે તો પટકાયા !’ – આમ છતાં એ સાજા થાય છે કે તરત જ ‘પુનશ્ચ હરિ ઓમ’ કરતા કોઈની ખબર પૂછવા જવા તૈયાર થઈ જાય છે !

અમારા એક વડીલ બીમાર પડે છે ત્યારે જે કોઈ એમની ખબર પૂછવા આવે છે તેમનાં નામોની યાદી રાખે છે. આ યાદી બનાવવાની જવાબદારી એમના ખરાબ અક્ષરવાળા પુત્રને એ સોંપે છે. આ પછી એમના પુત્રના અક્ષરમાં નજીવો સુધારો પણ નોંધાયો છે. પહેલાં એ પોતે પણ પોતાનું લખેલું વાંચી શકતો ન હતો. હવે એ થોડી મહેનત કર્યા પછી પોતાના અક્ષરો ઉકેલી શકે છે ખરો. માંદા માણસોને સમય કેમ પસાર કરવો એ એક પ્રશ્ન હોય છે. પરંતુ પુત્રરત્ને લખેલી યાદી ઉકેલવામાં અમારા વડીલનો સમય ક્યાં પસાર થઈ જાય છે તેની એમને ખબરેય પડતી નથી. પુત્રના અક્ષરો ઉકેલવામાં એમને કોયડા ઉકેલવા જેટલો આનંદ મળે છે. પુત્રને સમીપ બેસાડી, બેત્રણ દિવસની મહેનતને અંતે પોતે ઉકેલેલા અક્ષરોમાંથી કેટલા ખરા ને કેટલા ખોટા એનો હિસાબ કરે છે, ને પંચોતેર ટકા જેટલા અક્ષરો ઊકલ્યા હોય તો ઘરનાંને આઈસ્ક્રીમ ખવડાવે છે. એકવાર આ રીતે ખુશીમાં ને ખુશીમાં એમણે પણ થોડો આઈસ્ક્રીમ ખાધેલો તે ફલૂમાંથી ન્યુમોનિયા થઈ ગયેલો !

સ્વજનોની માંદગીના સમાચાર લોકગીતની પેઠે ફેલાતા રહે છે. પણ અમારા આ વડીલને એમની માંદગી દરમિયાનના ચિંતનના સુફળરૂપે એક ક્રાંતિકારી ઉપાય સૂઝ્યો છે. જેમ બેસણાના સમાચાર છાપામાં અપાય છે તેમ માંદગીના સમાચાર પણ છાપામાં આપવાનો રિવાજ ચાલુ થાય તો સ્નેહીઓના વિશાળ સમુદાય સુધી માંદગીના સમાચાર સરળતાથી પહોંચાડી શકાય એમ તેઓ માને છે. એમણે આવી જાહેરાતનો એક ડ્રાફટ પણ તૈયાર કર્યો છે : ‘અમારા પૂજ્ય પિતા શ્રી ભરતભાઈ રમેશચંદ્ર ભટ્ટ (એન્જિનિયર) છેલ્લા ચાર દિવસથી બીમાર છે. એમને ટાઈફોઈડ છે કે મલેરિયા તે બે દિવસમાં નક્કી થઈ જશે. ટાઈફોઈડ હશે તો એક મહિનો ને મલેરિયા હશે તો એક અઠવાડિયું તેઓ રજા પર રહેશે. એમના ખબરઅંતર પૂછવા ને એમના આરોગ્ય માટે શુભેચ્છા પાઠવવા મળવા આવવાનો સમય પુરુષો માટે સવારના 9 થી 12 ને સ્ત્રીઓ માટે બપોરના ચાર થી છ રાખ્યો છે.’ એકવાર હું એમની ખબર પૂછવા ગયો ત્યારે આ ડ્રાફટ એમણે મને બતાવ્યો હતો. એ પોતે શા માટે આવો રિવાજ પાડવાની પહેલ નથી કરતા એમ મેં એમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘હું પોતે વારંવાર માંદો પડું છું, તેથી મારા માટે આવી જાહેરાત આપવાનું ઉચિત ન લાગે પણ મારા પત્ની માંદાં પડે ત્યારે આવી જાહેરાત આપવાનું હું ગંભીરપણે વિચારી રહ્યો છું.’ આવો ક્રાંતિકારી રિવાજ સમાજના ભાગ્યમાં નહીં હોય એટલે એમનાં પત્ની એમના આ નિર્ણય પછી હજુ માંદાં પડ્યા નથી. આ આરોગ્યસંપન્ન નારીએ પોતાના પતિને દવાના ખર્ચમાંથી જ નહીં, આવી જાહેરાતના ખર્ચમાંથી પણ ઉગારી લીધા છે !

માંદા માણસની ખબર પૂછવા આવનારાંઓના વિવિધ પ્રકાર હોય છે. કેટલાક તદ્દન નિરુપદ્રવી, તટસ્થ ને કંઈક અંશે સ્થિતપ્રજ્ઞ હોય છે. જુલિયસ સીઝર વિશે એમ કહેવાય છે કે, ‘તે આવ્યો, તેણે જોયું ને તે જીત્યો.’ એમ આવા મુલાકાતીઓ આવે છે, માંદા માણસને જુએ છે ને પછી ફોટો પડાવતી વખતે જેવું સ્માઈલ આપવાનો ફોટો પડાવનારનો ધર્મ છે એવું સ્માઈલ આપી શાંતિથી વિદાય થાય છે. અમારા એક મિત્ર એમનાં પત્નીના એક દૂરના કાકાની ખબર પૂછવા ગયેલા. એ પાછા આવ્યા ત્યારે પત્નીએ પૂછ્યું કે, ‘કાકા શું માંદા છે ?’ અમારા મિત્ર તો ખબર પૂછવા આવનારાંઓની ભીડમાં દૂર શાંતિથી ઊભા રહેલા એટલે કાકાને શું થયું છે તેની તેમને ખબર જ પડી નહોતી. એટલે કાકાને શું થયું છે તે જાણવા બીજે દિવસે એમને ખબર પૂછવા ફરી જવું પડ્યું.

તબિયતના સમાચાર પૂછવા આવનારા કેટલાંક ભારે ઉત્સાહી હોય છે. આવા મુલાકાતીઓ માંદા માણસની ખબર કાઢે છે ને એની સેવા-શુશ્રુસા કરનારાની ખબર લઈ નાખે છે. કોઈ વાર તો માંદા માણસની પણ ખબર લઈ નાખે છે : ‘આમ આખો દિવસ તડકામાં દોડધામ કરો તે માંદા જ પડો ને ! હવે પડ્યા ને, ઠબલાઈને ! અમારા જેવાનું તો તમે સાંભળવાના જ નહિ !’
‘કોની દવા કરો છો ?…..અરે, એ તે કંઈ ડૉક્ટર છે ? ઊંટવૈદ છે ઊંટવૈદ ! આવા ધાણી ફૂટે એવા તાવમાં એને ભરોસે રહેવાય ? હું તો કહું છું ડૉક્ટર મહેતાને બતાવો. ના, ના, હવે મોડું નથી કરવું. હું કાલની જ એપોઈન્ટમેન્ટ લઈ લઉં છું.’
‘આવી રીતે પોતાં મુકાતાં હશે ? ન્યુમોનિયા કે મેનિંજાઈટિસ જ થઈ જાય કે કંઈ બીજું ? ને જુઓ દર્દીના માથા પાસે બેસી વાત ન કરવી.’
‘ને જુઓ, ઈંજેકશન મારી તાવ ઉતારવાની રીત જ ખોટી. પેટ પર કાળી માટી મૂકો, જુઓ, તાવ જાય છે કે નહિ ? તમે દવા લો છો તે ચાલુ રાખો, પણ હું આ ફાકી આપું છું તે લઈ લો. ના-ના કાલે નહિ આજે જ-અત્યારે જ-પાણી લાવો ને મારા દેખતાં જ પાઈ દો.’
‘આ પથારી બારી પાસે રાખી છે તે ન્યુમોનિયા કરી દેવો છે ? પથારી હમણાં ને હમણાં સામા ખૂણામાં લઈ લો-ને ઓઢી તો રાખવું જ જોઈએ-ગરમી થાય તો ભલે થાય-બફા સો નફા.’ વગેરે…. વગેરે…..વગેરે…

ઘરનાં મક્કમ મનનાં હોય તો આવા સલાહકાર સ્વજનોની સલાહોનું કેવળ શ્રવણ જ કરે છે ને સારવાર ડૉકટરની સલાહ મુજબ કરે છે. પરંતુ દર્દી અને/અથવા દર્દીનાં સ્વજનો નબળા મનનાં હોય ને ‘બિચારા લાગણીથી ઉપચારો ચીંધે ને આપણે ન કરીએ તે સારું કહેવાય ?’ આવા ખ્યાલમાં તણાયાં તો થઈ રહ્યું ! આવા એક અત્યુસાહી સ્નેહીની સલાહોનું પાલન કરવા જતાં અમારા એક સગાને મલેરિયામાંથી કમળો થઈ ગયેલો ને કમળામાંથી કમળી થઈ ત્યારે હોસ્પિટલમાં ખસેડવા પડેલા. પેલા ઉત્સાહી સ્નેહીએ તો હૉસ્પિટલમાં પણ સલાહોનો મારો ચલાવેલો, પરંતુ હૉસ્પિટલની શિસ્ત અમારા સગાની મદદે આવી, પરિણામે હૉસ્પિટલમાંથી સ્મશાને જવાને બદલે ઘેર પાછા આવી શકેલા !

માંદગીમાં ખબર કાઢવા જવાની પ્રથામાં કેટલાક સુધારા કરી શકાય, પરંતુ એ અંગે વળી કોઈ વાર વાત !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળપણની કેળવણી – મનુભાઈ પંચોળી ‘દર્શક’
‘સરવાણી’ : મુલાકાત – મૃગેશ શાહ Next »   

18 પ્રતિભાવો : સ્વજનની તબિયતની ખબર પૂછવા જવા વિશે – રતિલાલ બોરીસાગર

 1. 🙂

  અમે શાળામાં ભણતા હત ત્યારે એક પાઠ આવતો હતો …શિર્ષક તો યાદ નથી પણ તેમાં એક પાત્રને આંજણી થાય છે ને લોકો જુદા જુદા અખતરા બતાવે છે…

 2. જગત દવે says:

  મોટાભાગની માંદગી એ છુપાવવાની કે શરમાવાની બાબત ગણાવી જોઈએ . કા. કે. તે આપણી રેઢીયાળ જીવનશૈલી ની અને શરીર નામનાં મંદિર ની અવગણનાનું પરિણામ હોય છે.

  આત્માને પૂજતો સમાજ આત્મા જેમાં વસે છે તે મંદિર (શરીર) પ્રત્યે સાવ બેદરકાર રહે છે.

  આપણે આ મંદિરને…… વિવિધ ઊપવાસો અઠ્ઠાઈઓ દરમ્યાન અકારણ જ ભુખ્યા રહીને, વિવિધ પૌષ્ટિક અને આવરદાયક પદાર્થોનો માત્ર કહેવાતા ધાર્મિક કારણોસર ત્યાગ કરી ને અને વ્યસનો કરીને તેનાં પર અત્યાચાર કરીએ અને પછી જ્યારે તેનાં પરિણામો ભોગવવાનાં આવે ત્યારે નિર્દોષ હોવાનો ડોળ કરીએ અને લોકો માં માંદગીનો પ્રચાર કરીએ છીએ.

 3. nita patel says:

  મને આ લેખ પોતિકો લાગ્યો.

 4. kirit madlani says:

  I dont know how people find Mr Borisagar funny. his writtings do not generate any original laughter at all. it looks laboured all the time. May be dirth of humorous writers in gujarati !!

 5. ખુબ જ સરસ હાસ્યલેખ છે. માંદગી વિશેની જાહેરાત આપવાનો ઉપાય ખરેખર અજમાવવા જેવો ખરો!

 6. Rachana says:

  વાંચવાની મજા આવી….ખુબજ સરસ લેખ.

 7. ખુબ જ સરસ લેખ વાચવાની ખુબ મજા આવી

 8. Vipul says:

  મજા આવી ગઇ.

 9. nayan panchal says:

  મજાનો લેખ, ખડખડાટ હસવુ આવી ગયુ. ભરપૂર ચાબખાંઓ ને નિર્દોષ મનોરંજન.

  ખૂબ આભાર,
  નયન

 10. Harshit says:

  સરસ લેખ..

  Similar type of article….માંદગી મારી વહાલનો દરિયો – ડૉ. નલિની ગણાત્રા
  http://www.readgujarati.com/2010/09/30/mandagi-dariyo/

  Harshit

 11. ગુજરાતમાં વાંચેલ. તો પણ મજા આવી.

 12. Ashish Dave, Sunnyvale, California says:

  Hilarious as always…

  Ashish Dave

 13. Prerana says:

  ખુબજ ઉમ્દા લેખ રહ્યો. જિવનનિ ખરિ વાત સુન્દર રિતે કહિ ચે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.