દિવાળીએ દિલમાં દીવા કરીએ ! – વિનોબા

[ થોડાં વર્ષો પહેલાં વિનોબાજીના પ્રવચનોમાંથી સંકલિત કરીને પ્રકાશિત થયેલો આ લેખ, તાજેતરના ભૂમિપુત્રમાં થોડા રૂપાંતરણ અને ઉમેરણ સાથે પુનઃપ્રકાશિત થયો છે. આ લેખ ભૂમિપુત્રમાંથી સાભાર અહીં પ્રસ્તુત છે.]

મારું બાળપણ કોંકણના ડુંગરાળ પ્રદેશમાં એક નાનકડા ગામમાં વીત્યું. મને યાદ છે કે તે ગામમાં અમે લોકો દિવાળીમાં દીવા કેવા પેટાવતા. તે માટે અમે જંગલમાં જઈને કોરાંટીનાં ગોળ ફળ વીણી લાવતા અને તેમને વચ્ચેથી કાપીને અંદરથી ગરભ કાઢી નાખતા, એટલે સુંદર દીવો બની જતો. તેમાં દીવેટ મૂકતા અને કોંકણનું શુદ્ધ સ્વદેશી નારિયેળનું તેલ ભરતા. કોંકણમાં રૂ દુર્લભ રહેતું એટલે દેવ-કપાસથી અમારું કામ ચાલતું. આ રીતે અમારા દીપક તૈયાર થઈ જતા. પછી એમને ત્રિકોણ, ચતુષ્કોણ ને વર્તુળાકાર સુંદર હારમાળામાં ગોઠવી દેતા. બસ, થઈ ગઈ અમારા લોકોની દિવાળી !

દિવાળી એટલે ચાર મહિનાના વાદળિયા ચોમાસા બાદ પહેલી નિરભ્ર અમાવસ્યા, પોતાના દિવ્ય વૈભવ સાથે પૂર્ણપણે પ્રગટ થયેલી રજનીદેવી ! ચંદ્રના સામ્રાજ્યને મિટાવીને, પરસ્પર સહકારથી સૌંદર્ય નિર્માણ કરવા સજાયેલી નાની-મોટી સ્વાયત્ત તારિકાઓ અને એમની એ આકૃતિઓ ! જો અમે લોકોએ અમારાં મન પણ એ દીપકોથી સજાવ્યાં હોત, તો તે અમાવાસ્યાનું સ્વરાજ્ય હજીયે વધુ રંગત લાવત. પણ એ કલ્પના તે વખતે ન સૂઝી, એટલે એટલી કમી રહી ગઈ.

એ પછી જ્યારે ભૂદાનયાત્રામાં દેશ આખામાં પગપાળા ફરવાનું થયું ત્યારે એક દિવાળીના દિવસે હું એક ગામમાં હતો. ગામમાં ફરતાં-ફરતાં એક ઝૂંપડીમાં ગયો. અંદર જઈને જોયું, તો મુઠ્ઠીભર ચોખા પણ ઘરમાં નહોતા. ઝૂંપડીમાં જે બહેન હતી, તેણે મને કહ્યું, ‘મારો આદમી મજૂરી કરવા ગયો છે. તે કાંઈક લાવશે, ત્યારે દિવાળી ઊજવાશે.’ આ પણ દિવાળીનું મારું એક હૃદય-વિદારક સ્મરણ છે. ફરી ભૂદાનયાત્રા દરમ્યાન દિવાળીના દિવસે જ હું એક શહેરમાં પહોંચ્યો. રાત થઈ ગઈ હતી. ચારે કોર દિવા અને વીજળીના ગોળા ચમકી રહ્યા હતા. ફટાકડા ફૂટી રહ્યા હતા. બધાં આનંદમાં મગ્ન હતાં. ક્યાંય દુઃખનું નામોનિશાન નહોતું. કેટલો બધો ફરક ! મને પેલી ઝૂંપડી અને પેલી બહેન યાદ આવી. માણસના સમાજમાં આવું કેમ ચાલે ? શરીરનું એક અંગ દુઃખી હોય, ત્યાં સુધી શરીર સુખચેનથી કેમ રહી શકે ? આનંદમાં રહેવું, એ સારી વાત છે. આપણે આનંદ-સ્વરૂપ છીએ; પરંતુ આનંદ એકલા-એકલા નહીં, સહુએ સાથે મળીને માણવાનો છે. માણસ જેવો માણસ તો એવી જ રીતે આનંદ માણી શકે. એક તરફ આટલું દુઃખ અને બીજી તરફ આટલો આનંદ, તે કાંઈ ઠીક ન કહેવાય.

દિવાળીમાં લક્ષ્મી-પૂજન કરવામાં આવે છે. પરંતુ લક્ષ્મીનું પૂજન રૂપિયાઓની પૂજા કરીને કરવું, એ તો હાસ્યાસ્પદ છે ! ખરું લક્ષ્મીનું પૂજન તો એ છે કે જેમની પાસે લક્ષ્મી નથી, તે દરિદ્રો પાસે લક્ષ્મી પહોંચાડવી. ત્યારે લક્ષ્મીનું પૂજન કર્યું કહેવાય. શું આપણે પાણીની પૂજા કરીશું કે તેને તરસ્યા પાસે પહોંચાડીશું ? આપણે જો પાણી ભરેલા ઘડાની પૂજા જ કરતા રહીશું અને તે પાણીને જો મન હશે અને તે બોલી શકતું હશે, તો તે હસીને આપણને કહેશે કે, ‘કેવો મૂરખ છે રે તું ! મારી પૂજા કરીશ કે મારો ઉપયોગ ? તરસ્યા પાસે મને પહોંચાડી દે ! તરસ્યાની તરસ છીપાવવી, તેમાં જ મારી સાર્થકતા છે.’ આમ, લક્ષ્મીને ગરીબો પાસે પહોંચાડીને જ સાચું લક્ષ્મી-પૂજન થઈ શકે, અને એ રીતે જ દિવાળીની સાચી ઊજવણી કરી કહેવાય.

એ ખરું છે કે દિવાળીનું પર્વ એટલે આનંદ-ઉત્સવનું પર્વ. ચોમાસું પૂરું થયું હોય. નવી-નવી ફસલ આવી હોય. શિયાળાની ખુશનુમા ઋતુ શરૂ થઈ હોય. એટલે લોકો આનંદ-ઉલ્લાસથી દિવાળીનું પર્વ ઊજવે. પરંતુ ઘણી વાર એવુંયે બને કે દેશના કેટલાક ભાગોમાં વરસાદ સારો ન થયો હોય, અને તેથી ફસલ સારી ન આવી હોય, એવા વિસ્તારમાં લોકોનાં મનમાં જોઈએ તેટલો આનંદ-ઉલ્લાસ ન હોય, દિવાળી ઊજવવાનો એટલો ઉત્સાહ ન હોય. ખાસ કરીને ગામડાઓમાં આવી અસર જોવા મળશે. શહેરોમાં ઝાઝી ખબર ન પડે. ગામડાઓ ખેતી ઉપર નિર્ભર છે, તેથી ફસલ સારી ન આવે, તો તેની તુરંત અસર ત્યાં વર્તાય. એવી જ રીતે બધાં ઘરોમાં એક સરખી સ્થિતિ ન હોય. અભાવગ્રસ્ત ઘરમાં દિવાળી ઊજવવાનો ઉત્સાહ મોળો હોય, તે સ્વાભાવિક છે. મારું કહેવું એમ છે કે સમાજ તો એક જીવંત શરીર જેવો હોવો ઘટે. શરીરમાં એકાદ અંગ પણ દુઃખી હોય, તો આખું શરીર તેનું દુઃખ અનુભવે છે. બાકીનાં બધાં જ અંગ ભલે ને સાજાં-નરવાં હોય, તોયે જો એક અંગ દુઃખી હોય તો આપણે આનંદ માણી શકતા નથી. આપણને ચિંતા પેલા દુઃખી અંગની થાય છે. આમ, શરીરનાં બધાં અંગોમાં પરસ્પર અનુકંપા ને સહાનુભૂતિ છે. તે જો ન હોય, તો આપણું શરીર ટકે જ નહીં, એવું શરીર જીવંત કહેવાય નહીં. આવું જ સમાજમાંયે થવું જોઈએ. જીવંત સમાજનું એ જ લક્ષણ છે. ખેડૂત દુઃખી રહે અને આપણે સુખચેનમાં રહીએ, આપણા ગામમાં ને શહેરમાં અમુક જણ દુઃખી જ રહે અને આપણે તેની પરવા કર્યા વિના સુખચેનમાં મગ્ન રહીએ, તો સમાજ-શરીર કેવી રીતે ટકે ? એવો સમાજ જીવંત સમાજ શી રીતે કહેવાય ?

ભગવાન બુદ્ધે કહ્યું છે કે ચારે કોર આગ લાગી હોય, તો કેવું સુખ અને કેવો આનંદ ? તેથી સ્તો તેઓ જીવનભર દુઃખ-નિવારણ માટે મથતા રહ્યા. આ એમની કરુણા હતી. પરંતુ કરુણાનો આ ગુણ કેવળ એમને માટે જ નહીં, આપણા સહુને માટે છે. દરેક માણસમાં કરુણાનો ગુણ હોવો જોઈએ. કરુણા કેવળ સાધુ પુરુષનો જ ગુણ નથી, સામાન્યમાં સામાન્ય માણસનોયે તે ગુણ છે. શું દરેક માણસને પોતાનાં બાળકો પ્રત્યે કરુણા નથી હોતી ? એટલે કરુણા દરેક માણસમાં હોય જ છે. એ જ કરુણાને હવે સમાજમાં વ્યાપક કરવાની વાત છે. એટલે કે આત્મદર્શન કે પરમેશ્વર-દર્શન જેવી અઘરી આ વાત નથી. આત્મ-દર્શન ભલે અમુક મહાપુરુષને સધાય. પરંતુ કરુણા એ મહાપુરુષોનું જ વિશેષ લક્ષણ નથી, એ તો સર્વસામાન્ય માણસોનો એક સર્વસામાન્ય ગુણ છે. આજે પણ તમે જોતા હશો કે આપણાથી કોઈનુંયે દુઃખ નજરોનજર જોયું જતું નથી. આપણે માટે તે સહન કરવું અઘરું થઈ પડે છે. હમણાં જ આ સભામાં જો કોઈને વીંછી કરડી જાય, તો તેની સારવાર માટે પોતીકા-પરાયાનો બધો ભાવ છોડી દઈ આપણે સહુ દોડી જઈશું. આપણી નજર સામે નદીમાં કોઈ ડૂબી રહ્યું હોય, ત્યારે પણ આપણે આવું જ કરીશું. આવી રીતે માણસ પોતાની નજર સામે કોઈનુંયે દુઃખ જુએ છે, તો તેનાથી રહેવાતું નથી, તેના મનમાં કરુણા પેદા થઈ જાય છે, અને તેનું દુઃખ નિવારવા એ ઝટ દોડી જાય છે. પ્રત્યક્ષ દુઃખ માણસથી જોયું જતું નથી, પણ નજર સામે ન દેખાતું હોય, તે વિશે માણસ બેફિકર રહી શકે છે. પરંતુ મારું એમ માનવું છે કે આપણે આપણી આંખ સામે ભલે ન જોતા હોઈએ, પણ દરેક માણસને માત્ર સ્થૂળ આંખો જ થોડી છે ? આપણને દરેકને માનસિક આંખ પણ છે, જેનાથી આપણે અન્યનું દુઃખ જોઈ શકીએ છીએ, તેની કલ્પના કરી શકીએ છીએ.

સંસ્કૃતમાં ‘પશુ’નો અર્થ છે, પશ્યતિ – પ્રત્યક્ષ જોવા ઉપર જ જેનો ભરોસો છે. જે વિચાર નથી કરતો, પણ પ્રયત્ક્ષ જે જુએ છે તે જ માને છે, તે પશુ છે. પ્રત્યક્ષ જોવાની જ તેના પર અસર થાય છે. પરંતુ માણસનું તો આવું નથી. તે મનન કરે છે, તે બુદ્ધિથી વિચારે છે, બુદ્ધિથી સમજે છે. વિચારની અને મનન-ચિંતનની અસર તેના પર થાય છે. મનુષ્યનું આ એક મુખ્ય લક્ષણ છે. ‘પશ્યતિ ઈતિ પશુઃ મન્યતે ઈતિ મનુઃ’. તેથી જ માનવ-સમાજમાં થવું તો એમ જોઈએ કે આપણી આસપાસ ક્યાંક પણ દુઃખ હોય, અભાવ હોય, દુકાળ હોય, ત્યારે તેના તરફ દુર્લક્ષ સેવીને આપણે દિવાળી જેવા ઉત્સવમાં ગરકાવ ન થઈ જઈએ પણ દુઃખિતોનાં દુઃખ નિવારવામાં લાગી જઈએ. દિવાળીનો દિવસ કરુણાનો દિવસ બની જવો જોઈએ. આપણી કરુણા પ્રગટ કરવાનો દિવસ બની જવો જોઈએ. આના વિના આપણે ગમે તેટલા દીવા પેટાવીશું, છતાં અંધકાર દૂર નહીં થાય. એટલા વાસ્તે દિવાળીના દિવસે દરેક જણે કરુણાનું વ્રત લેવું જોઈએ અને એવો નિશ્ચય કરવો જોઈએ કે સમાજને માટે, ગરીબોને માટે, દુઃખી-પીડિત જનોને માટે હું દરરોજ કાંઈ ને કાંઈ આપી છૂટીશ, કાંઈ ને કાંઈ કરી છૂટીશ, અને પછી જ ખાઈશ.

સંતોએ આપણને આ જ શીખવ્યું છે. સંતોની શિખામણ વ્યર્થ નથી જતી, લોકોના દિલમાં તે પડી છે. આપણે તેને જગાડવાની છે. હવે લોકોનાં દિલમાં સુષુપ્ત પડેલી કરુણાને જગાડવાનો, સમાજમાં વ્યાપક રીતે કરુણાના ઉદયનો જમાનો આવ્યો છે. કરુણા હવે કેવળ એક આધ્યાત્મિક આવશ્યકતા રૂપ જ નથી રહી, ભૌતિક તેમ જ સાંસારિક આવશ્યકતા પણ બની ગઈ છે. સમાજનું સુપેરે ધારણ-પોષણ કરુણા દ્વારા જ થઈ શકે તેમ છે. તેના વિના સમાજ ટકશે નહીં. માટે દિવાળી એટલે કારુણ્ય-વ્રત લેવાનો દિવસ બની જવો જોઈએ. દિવાળીએ દિલમાં દીવા કરીએ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવી રજાઈ – હરિશ્ચંદ્ર
મુંબઈથી મિલવોકી – શાહબુદ્દીન રાઠોડ Next »   

10 પ્રતિભાવો : દિવાળીએ દિલમાં દીવા કરીએ ! – વિનોબા

 1. Hiral says:

  વિનોબાજીના ઉચ્ચ વિચારોનો પરિચય રીડગુજરાતીના માધ્યમથી જ થયો છે. ખૂબ સુંદર સમજ, દિવાળીના તહેવાર નિમિત્તે.
  ખરેખર, ધનની પૂજા વિશે સરસ રીતે સમજાવ્યું છે. એક નવો જ દ્રષ્ટિકોણ. પ્રત્યક્ષ અને પરોક્ષ દુઃખ અનુભવવાની વાત પણ કેટલી સરસ રીતે સમજાવાઇ છે.

  બધા વાચકમિત્રો અને મૃગેશભાઇને, દિવાળીની શુભ કામના ઃ)

 2. nayan panchal says:

  ખરું લક્ષ્મીનું પૂજન તો એ છે કે જેમની પાસે લક્ષ્મી નથી, તે દરિદ્રો પાસે લક્ષ્મી પહોંચાડવી. ત્યારે લક્ષ્મીનું પૂજન કર્યું કહેવાય.

  કેટલી સાચી વાત. ખૂબ આભાર.
  નયન

 3. yogesh says:

  બીજુ કાઈ નઈ પરન્તુ આપ્ણે બધા દીવાળી નિમિત્તે, પ્રાર્થના તો જરુ ર થી કરી શકીયે કે ભગ્વાન્ દરેક ને જરુરીયાત પુરી પાડે અને ખાસ તો, દરેક ઘેર દીવા થાય અને કોઇ પણ બાળક મીઠાઈ થી વન્ચિત ના રહે.
  ઑન નમો શીવાય્.

  યોગેશ્.

 4. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.
  આવુ સુંદર વાંચવુ આપણને બધાને ગમશે પણ આ અમલ કરીએ ત્યારે વાંચેલુ સાર્થક . ભગવાન આપણા દિલમાં દિવા પ્રગટાવે.
  મિઠાઈની દુકાને મિઠાઈ ખરીદતા હોઇએ ત્યારે કોઇ ગરીબ હાથ લાંબો કરે ત્યારે તેને થોડિ મીઠાઈ લઈ આપીએ કે ફટાકડા ફોડતા હોઈને કોઇ ગરીબ બાળકો દુરથી જોતા હોય તો તેને થોડા ફટાકડા આપીએ એવી સદબુધ્ધિ પભુ આપણને આપે જેથી આપણા સંતાનો પણ સારુ શીખે .
  ભગવાન દરેકની જરુરિયાત પુરી પાડે એ તો ઉત્તમ.

  સર્વે ને દિવાળીની શુભકામના.

 5. Jagruti Vaghela USA says:

  ખરી રીતે લક્ષ્મીનુ પૂજન કરવાની સરસ વાત.

  સર્વેને દિવાળીની શુભકામના.

 6. જગત દવે says:

  આપણો ધર્મ આનંદમાં થી જન્મેલો છે તેથી વર્ષ દરમ્યાન તહેવારો,ઊત્સવ અને આનંદ છવાયેલા રહે છે. અને દરેક ઊત્સવનાં મૂળમાં સર્વ સમાજનાં ઊથ્થાનની ભાવના રહેલી છે.

  મૂળ વૈદિક સમય સુવર્ણ કાળ હતો તેથી વૈદિક મંત્રોમાં હદય અને વિશ્વ કલ્યાણનાં દર્શન થાય છે.

  ધર્મની સંકુચિતતા એ પાછળથી કપટી લોકો દ્વારા દાખલ કરાઈ છે.

  લોકો એ સમજે અને વિશ્વ કલ્યાણ ની ભાવના તરફ પાછા ફરે એ જ ઈશ્વરને પ્રાર્થના.

  સમસ્ત રીડ ગુજરાતી પરીવાર અને વાંચક વર્ગ નાં ધરમાં શ્રીલક્ષ્મી પધારે અને એ ક્યારેય કાળુ-ધન ન બને તેવી શુભેચ્છાઓ.

 7. જય પટેલ says:

  દિવાળી પર્વ પર લક્ષ્મી પૂજનનું મહત્વ અનોખી રીતે સમજાવતો સુંદર લેખ.

  ખરું લક્ષ્મીનું પૂજન તો એ છે કે જેમની પાસે લક્ષ્મી નથી, તે દરિદ્રો પાસે લક્ષ્મી પહોંચાડવી…કેટલી ઉંચી ભાવના..!!
  સંપત્તિની સમાન વ્હેંચણી કદાચ શક્ય નથી આમ છતાં દુખિયાનું દર્દ દૂર કરવા આપણે નિમીત્ત
  બનીએ તોય ઘણું.

 8. Rachana says:

  વિનોબા ભાવે અને રવીન્દ્રનાથ ટાગોર ના વિચારોમાં ઘણુ સામ્ય જોવા મળી રહે…ખુબ ગહન અને સાચી વાત…અને એ પણ સાવ સરળ શબ્દોમાં……આપણે તહેવારોને ભૌતિક વસ્તુઓ સાથે જોડી દીધા…એમાં એની સાચી ખુશી ખોવાય…અંતરનો આનંદ ખોવાયો….

 9. Aakash Shah says:

  આ લૅખ મ્ને બહુ જ પસદ્ આયો….આ site મે તમારા doordarshan પ્ર ના programme બાદ મે જોવાની ચાલુ કરી અનૅ મને આ બહુ જ પસ્દ આઈ…….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.