નવી રજાઈ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ ભાગ-17માંથી સાભાર.]

લોહી થીજાવી નાંખે એવી ઠંડીમાં ટ્રેનમાં મુસાફરી કરવી સહેલી નહોતી, પણ જમનામાસીની ગંભીર હાલતની ખબર મળતાં મારા માટે ન જવાનું સંભવ નહોતું. પત્ની તો માનતી નહોતી. આખરે જમનામાસી સાથે મારો એવો તો ક્યો સંબંધ હતો ? એટલો જ ને કે થોડાં વરસ એમની પડોશમાં રહીને હું ભણેલો. કોઈ સગાઈ પણ નહીં કે આવી કડકડતી ઠંડીમાં રાતે મુસાફરી કરીને આમ દોડી જવું પડે. પત્નીને હું કઈ રીતે સમજાવું કે કોઈ સગાઈ ન હોવા છતાં જમનામાસી મારા માટે શું હતી ! પત્નીની ના છતાં હું ચૂપચાપ જવાની તૈયારી કરતો રહ્યો. રાતની મુસાફરીમાં બિસ્તર લઈ લેવો જરૂરી હતો. હું બિસ્તરો બાંધવા લાગ્યો એટલે પત્નીએ માન્યું કે હું હવે રોક્યો નહીં રોકાઉં. તે પોતે પણ મને મદદ કરવા લાગી. તે સાવ નવીનકોર રજાઈ લઈ આવી. મેં કહ્યું, ‘કોઈક જૂની આપ ને, મુસાફરીમાં ગંદી થઈ જશે.’ પણ તેણે ન માન્યું. ‘આમાં રૂ સરસ છે. આવી ઠંડીમાં આ બહુ કામ આવશે.’

જમનામાસીના એકના એક દીકરા મનોહરનો સાંજે ફોન આવ્યો. વરસો બાદ પણ મેં તેનો અવાજ ઓળખી લીધો. ‘જો સાંભળ ! મા બહુ બીમાર છે. કદાચ હવે થોડા દિવસની મહેમાન છે. વચ્ચે વચ્ચે તને બહુ યાદ કરે છે. જેટલું જલદી આવી શકાય, આવી જા.’ અને હું તરત નીકળ્યો. ઠંડીને કારણે ગાડીમાં ભીડ નહોતી. સૂવાની જગ્યા મળી ગઈ. બિસ્તર છોડી રજાઈ ઓઢીને સૂઈ ગયો. ઠંડી તો વધતી જ જતી હતી. રજાઈ જરીક ખસી જતી તો તીરની જેમ ભોંકાતી. હું સૂતો ખરો, પણ ઊંઘ ન આવી. જમનામાસી જ સતત યાદ આવતાં રહ્યાં. કસ્બામાં દસ ચોપડી સુધી ભણ્યો પછી આગળ ભણવા શહેરમાં જવું પડ્યું. પિતાજીએ એક ભાડાની ઓરડી લીધી અને તેમાં બધું ગોઠવી દઈ મને ઢગલો સૂચનાઓ આપી એ તો ચાલ્યા ગયા. આવડા મોટા શહેરમાં હું એકલો, અને પહેલી વાર આવી રીતે ઘર છોડીને નીકળેલો. ત્યારે જમનામાસીએ જ મને માની જેમ સાચવ્યો.

જમનામાસી મારી બાજુની ઓરડીમાં રહે. પોતે, માસા, ત્રણ દીકરી અને એક દીકરો, એમ છ જણનો એમનો પરિવાર. સૌથી નાનો દીકરો મનોહર લગભગ મારી ઉંમરનો. બે-ત્રણ દિવસ મેં જુદું રાંધ્યું હશે. પણ પછી તો જમનામાસી આવીને કહે, ‘બેટા, તારે રાંધવાની ખટપટ નહીં કરવાની, મારે ઘરે જ બે ટંક ખાઈ લેવાનું. અમે છ ભેળો તું સાતમો. મારા માટે જેવો મનોહર તેવો તું.’ જમવાનો ખર્ચ લેવાનુંયે માનતાં નહોતાં. પણ મેં એ શરત સાથે જ એમને ત્યાં જમવાનું સ્વીકાર્યું. લગભગ એક વરસ મારે શહેરમાં રહેવાનું થયું, ત્યારે જમનામાસીના હાથનું જ મેં ખાધું. માસી અત્યંત સરળ સ્વભાવનાં અને બહુ પ્રેમાળ. માના હેતથી ખવડાવે. એમના હાથની રસોઈનો સ્વાદ હું આજેય ભૂલ્યો નથી. પરીક્ષા હોય અને હું રાતે વાંચતો હોઉં, ત્યારે માસી આવીને અચૂક મને ગરમ દૂધ પીવડાવી જાય. માસી સાક્ષાત અન્નપૂર્ણા હતાં. એમનું મોઢું કાયમ હસતું. વચ્ચે માસાની નોકરી છૂટી ગઈ હતી અને કુટુંબ ભારે આર્થિક ભીંસમાં આવી પડેલું. ત્યારે એક દિવસ માસી મારી ઓરડીમાં આવી કહે, ‘ચાલ, મારી સાથે બજારમાં. મારી આ બંગડી ગિરવે મૂકવી છે.’
મેં કહ્યું, ‘માસી, મને આવી કોઈ ગતાગમ નહીં. તમે માસા કે મનોહરને લઈ જાવ ને !’
‘ના, દીકરા ! ઘરમાં કોઈને જણાવવું નથી. હું રહી અભણ, હિસાબ-કિતાબ જાણું નહીં. એટલે તું ચાલ મારી સાથે.’ અને હું એમની સાથે ગયો. એક સાવકારને ત્યાં બંગડી ગિરવે મૂકી પૈસા લીધા. પછી તો બે-ત્રણ વાર આવું થયું. માસાને ફરી નોકરી મળી ત્યારે બધું થાળે પડ્યું.

એક વાર હું બીમાર પડ્યો, ત્યારે મા કરતાંયે વધારે કાળજી જમનામાસીએ રાખેલી. મારી પાસે બેસી સંકટ-મોચનનો જાપ કરતાં, પોતાની દુવાઓ આપી દવા પીવડાવતાં. મારા માટે એમણે માનતા પણ માનેલી. ત્યારે બીમારી વધતાં મારાં માતાપિતા આવેલાં અને પાંચ-સાત દિવસ રહેલાં. એમને પણ બહાર જમવા નહોતાં દીધાં, પોતાને ત્યાં જ જમાડેલાં. જતી વખતે મારી મા એમના હાથમાં પૈસા મૂકવા માંડી, તે પણ એમણે ધરાર ન લીધા. આવી માસીને છોડીને આગળ ભણવા જ્યારે મારે શહેર છોડી બીજે જવાનું થયું, ત્યારે હું એમના ખોળામાં માથું મૂકી ધ્રૂસકે-ધ્રૂસકે રોયેલો. ‘તમારું ઋણ હું ક્યારે ને કેવી રીતે ચૂકવીશ ?’ માસીની આંખો પણ ભરાઈ આવેલી. મારા માથે હાથ ફેરવતાં બોલેલાં, ‘બેટા, માનું ઋણ ન હોય !’ બસ, ત્યાર પછી માસીને ફરી મળવાનું નથી થયું. હું ભણવામાં અને પછી નોકરીમાં પડી ગયો. ઘણી વાર થતું કે જઈને માસીને મળી આવું, પણ તે ન બન્યું. હું મારા સંસારમાં પડી ગયો.

શરૂ-શરૂમાં મનોહરના પત્રો આવતા. માસી પોતે તો ક્યાં લખી શકતાં હતાં ? પણ મનોહર હંમેશાં લખતો કે માસીએ ઢગલો આશીર્વાદ લખાવ્યા છે અને ફરિયાદ કરી છે કે તું અમને સહુને ભૂલી ગયો ! જો કે સમય જતાં પત્ર-વ્યવહાર પણ ઓછો થઈ ગયો. વરસમાં એક-બે પત્રો માંડ આવતા. પરંતુ તેમાં મારા માટે માસીના આશીર્વાદ અચૂક રહેતા અને એમના કુટુંબના સમાચાર રહેતા. તેના પરથી મને જાણ થયેલી કે માસાનું એકાએક અવસાન થયું હતું. મનોહર ઝાઝું ભણ્યો નહીં. તે મામૂલી નોકરી કરતો, તેમાં ઘર ચાલતું. ત્રણેય બહેનો પરણી ગઈ હતી. હમણાં ઘણાં વખતથી મનોહરનો પત્ર પણ નહોતો. તેમાં સાંજે ફોન આવ્યો કે માસીની હાલત ગંભીર છે, અને હું રહી શક્યો નહીં. પત્નીની નારાજી છતાં નીકળી જ પડ્યો. અંદર ને અંદર એક અપરાધ-બોધ મને કોરી ખાતો હતો.

હું પહોંચ્યો, ત્યારે માસી ખાટલમાં પડ્યાં હતાં. હું એમને ઓળખી જ ન શક્યો. વાળ ધોળા, મોઢું કરમાયેલું, હાથે કરચલીઓ વળી ગયેલી. મેલી ગોદડીમાં એમનો દેહ પડ્યો હતો, રજાઈ ઓઢાડી હતી તે નવી લાગતી હતી. હું એમની પાસે બેઠો. ‘માસી, જુઓ હું આવી ગયો !’ પણ એ ભાનમાં નહોતાં. હું એમનો હાથ મારા હાથોમાં લઈને બેઠો રહ્યો. હું બીમાર પડેલો, ત્યારે માસી મારી પાસે બેસી સંકટ-મોચનનો જાપ કરતાં, તે મને યાદ આવ્યું. મારા હોઠ પણ અનાયાસ પ્રાર્થના કરવા લાગ્યા. હું બેસાય તેટલું માસી પાસે બેઠો રહ્યો. તે દિવસે રાતે પણ એમની પાસે જ પથારી કરીને સૂતો. માસીની હાલત કથળતી જતી હતી. એમનો શ્વાસ ભારે ચાલવા લાગ્યો. બાજુની ઓરડીમાં મનોહરની પત્ની કહેતી હતી, તે મારા કાને પડ્યું : ‘કહું છું, પેલી રજાઈ લઈ લો, નહીં તો નવી રજાઈ નકામી જશે.’ મનોહરે આવીને નવી રજાઈ ઉપાડી એક જૂની જીર્ણશીર્ણ ગોદડી માસીને ઓઢાડી દીધી.

હું હલબલી ઊઠ્યો. મનોહર અને તેની પત્નીને દોષ પણ શું દઉં ? ઘરની ગરીબી હું નજરે જોઈ રહ્યો હતો. મને થયું, હું શું કરું ? મેં મારો બિસ્તર ખોલ્યો અને મારી નવીનકોર રજાઈ કાઢીને માસીને ઓઢાડી દીધી. મનોમન મેં પ્રાર્થના કરી : ‘મારું આટલું સ્વીકારજો. માનું ઋણ ચૂકવવાનું ન હોય એ સાચું, માસી ! પણ પ્રેમનો તો પ્રતિસાદ હોય ને !’

થોડી વારમાં માસીએ અંતિમ શ્વાસ લીધા.

(ડૉ. રમાકાન્ત શર્માની હિંદી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમનો પગરવ – ડૉ. આઈ. કે. વીજળીવાળા
દિવાળીએ દિલમાં દીવા કરીએ ! – વિનોબા Next »   

20 પ્રતિભાવો : નવી રજાઈ – હરિશ્ચંદ્ર

 1. ખુબ જ સુંદર.જેણે એક વર્ષ હૂંફ આપી તેને જીવન ના અંતિમ સમયમાં રજાઇને પ્રેમ ની હૂંફ આપી શકાઇ.

 2. nayan panchal says:

  સુંદર વાર્તા.

  મોડો મોડો પણ અપરાધબોધ થયો ખરો. પ્રભુનો આભાર કે છેલ્લી વાર મળવાની તક આપી.

  માનું ઋણ ચૂકવવાનુ તો ભગવાન માટે પણ કદાચ શક્ય ન હશે.

  આભાર,
  નયન

 3. અશોક જાની 'આનંદ' says:

  પુરાણા ઋણ ને અદા કરતી સંવેદન્શીલ કથા..

 4. gopal says:

  લાગણી સભર વાર્તા

 5. Ruchita Shah says:

  ખુબ જ સુંદર વાર્તા. દુખ એક જ વાતનું છે કે આજના કળિયુગમાં જમનામાસી જેવા લોકો રહ્યા જ નથી. આજે તો કંઈક દેવાની બાબતમાં પણ લોકો પોતાનૉ નૈતિક સ્વાર્થ જોતા હોય છે. લોકોને દાન તો કરવું છે, પણ મહદ અંશેતો પોતાના આત્મસ્ંતોષ કે પછી બદલામાં ભગવાન પાસે કંઈક મેળવવાની પણ આશા રાખે છે.

 6. ખુબ જ સુંદર વાર્તા. ખરેખર

 7. Megha says:

  કોણ કહે છે કે અત્યારે કળયુગમાં જમના માસી જેવા વ્યક્તિ નથી મળતા. અમારા પાડોશમાં જનકબા કરીને ખાધેપીધે સુખી ઘરના માસી રહે છે. એમનો દિકરો ઑસ્ટ્રેલિયા છે અને અત્યારે મારો ભાઈ ઘરે એક્લો છે, તો એના જમવાનુ કરવાનુ ધ્યાન એ માસી જ રાખે છે. ભૂતકાળમાં પણ તેઓ હંમેશા અમારી પડખે ઉભા રહ્યા છે.

 8. Narendra I Jariwala says:

  ખુબજ અસરકારક વાર્તા, ઘણી ગમી

  નરેન્દ્ર જરિવાલા સુરત

 9. yogesh says:

  જે જમના માસી એ સગી મા થી પણ વધારે કાળ્જી લીધી, અને થાય ત્યા સુધી અન્તર થી અને પત્ર દ્વારા જેની ખબર લીધી, તે વ્યક્તિ, પોતાની દુનિયા મા મશ્ગુલ થઈ જાય છે કે, માસી ના છેલ્લા સ્વાસ સુધી ના મલી શકાય્ સ્વાર્થ વ્રુતિ નૈ તો બિજુ શુ?

 10. Hetal says:

  Yogeshbhai..
  Not each and every time person is thinking and behaving selfishly. Time and situations may not be favoring your desires all the time. Many times, you want to meet, contact the person from past and could not do it because of money, time, loss of contact#, address and such. It does not mean you forgot about them and do not appreciate what that person did for you in the past. I am glad to read such a wonderful story and that writer got to meet Jamnamasi for the last time even.

  • yogesh says:

   hetal,

   if u read the story, masi’s son use to write him letters, so sure there has to be an address on it. I dont disagree with your opinion but there r ways a person should reciprocate feelings, respect and show that he or she cares.
   “હું ભણવામાં અને પછી નોકરીમાં પડી ગયો. ઘણી વાર થતું કે જઈને માસીને મળી આવું, પણ તે ન બન્યું. હું મારા સંસારમાં પડી ગયો.”
   thats what the writer wrote, so i still belive what i said, yet agree with u.
   thanks
   yogesh.

 11. Veena Dave. USA says:

  સમય નથી એમ નહિ, ‘કોઈક’ માટે સમય ફાળવવો પડે નહિતર કોઇ વાર પસ્તાવનો વારો આવે.
  શ્રી યોગેશભાઈની બન્ને કોમેન્ટ સાથે સહમત્.

 12. Jagruti Vaghela USA says:

  સંવેદનશીલ વાર્તા. લેખકે જમનામાસીને મળવા જવામા બહુ જ મોડુ કરી દીધુ કહેવાય કારણકે જ્યારે મળવા ગયા ત્યારે જમનામાસી ભાનમા નહોતા. છેલ્લે મળવા જઈને ખાલી પોતે આત્મસંતોષ લીધો. પછી રજાઈ ઓઢાડવાનો શું અર્થ.

 13. જય પટેલ says:

  માનવીય સંવેદનાને અભિવ્યક્ત કરતી ભાવનાત્મક કૃતિ.

  વાર્તાનો નાયક સંસારમાં પડી જતાં માંથીય અધિક એવી જશોદાને ભૂલી ગયો.
  જમનામાસીએ પોતાના ભૂલકાંના મુખમાંથી કોળિયા કાઢી પારકા એવા પાડોશીની દેખભાળ રાખી.
  બિમારીમાં જતન એવું કર્યુ કે સગી મા પણ શરમાઈ ગઈ અને સગી માએ નિષ્કામ કર્મને
  નાણાંના ત્રાજવે તોળવાની નિષ્ફળ કોશીષ કરી.

  છેલ્લા શ્વાસની વેળાએ ત્વરિત ગતિએ આવી પહોંચી અભરાધભાવથી મુકત થવાની કોશીષ કરી પણ
  કુદરતને મંજૂર નહોતું. જ્યારે માણસની મથરાવટી મેલી હોય ત્યારે કુદરત પણ સાથ નથી આપતી.

  હરવિલાસબેનની કૃતિમાં હંમેશા કંઈક સંદેશ હોય છે.
  આભાર.

 14. Brijesh Trivedi says:

  સુદર વિચાર. આજના કળિયુગમાં જમનામાસી જેવા લોકો જ નથી.

 15. Ashish Dave, Sunnyvale, California says:

  Hearttouching…

  Ashish Dave

 16. sonali says:

  Very touchy….

 17. hardik says:

  ખુબ ખુબ હ્રદયસ્પર્શી …. અને અદભુત્………

 18. divya says:

  ખુબ સરસ, વાર્તા વાન્ચિ મારિ આન્ખ મા આશુ આવિ ગયા,ખરેખર આવો પ્રેમ ભુલિ ન સકાય.

 19. JyoTs says:

  સુન્દર્…વાર્તા…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.