મુંબઈથી મિલવોકી – શાહબુદ્દીન રાઠોડ
[‘નવનીત સમર્પણ’ દેશ-પરદેશ ‘દીપોત્સવી’ વિશેષાંકમાંથી સાભાર.]
અમેરિકાના શિકાગો શહેર પાસે આવેલા મિલવોકી નામના ગામે 1980ની સાલમાં વિશ્વ લોકનૃત્ય મહોત્સવનું આયોજન થયું એમાં મુંબઈની એક સંસ્થા પસંદગી પામી. મુંબઈથી મિલવોકી સુધી જવા-આવવાના વિમાની પ્રવાસ, ઉતારો, ભોજન ઉપરાંત સાઈટસીઈંગનો પણ તેમાં સમાવેશ થતો હતો. સંસ્થાએ એમ વિચાર્યું કે આ પ્રવાસ દરમિયાન જો બે કાર્યક્રમ ન્યુ યોર્કમાં કરીએ અને બે લંડનમાં તો વધારાની આવક મેળવી શકાય. ન્યુ યોર્કના મારા મિત્ર જિતુભાઈ મહેતાએ સૂચવ્યું કે માત્ર લોકનૃત્યના કાર્યક્રમથી લોકો કંટાળશે, સાથે એક હાસ્ય કલાકારને લેતા આવો અને તેમણે મારા નામની ભલામણ કરી. મને હંસાબહેન રાજડા તરફથી આમંત્રણ મળ્યું. મેં સહર્ષ સ્વીકાર્યું. આમ વીસમાં એકવીસમો હું ભળ્યો.
થાનથી હું મુંબઈ રવાના થયો ત્યારે કોલાબામાં ડૉ. સી. ટી. ચુડગરસાહેબને ત્યાં સોહરાબ હાઉસમાં રહેતો. થાનથી નીકળતી વખતે મેં ફૂલછાબ, જયહિંદ, ગુજરાત સમાચાર, સંદેશ, મુંબઈ સમાચાર અને જન્મભૂમિમાં મારા ફોટા સાથે આ સમાચાર મોકલ્યા હતા કે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને કેનેડાના પ્રવાસે 4-11-1980ના રોજ રવાના થશે. થશે. બધા છાપાંમાં આ સમાચાર આવી ગયા. ભારતીય વિદ્યા ભવનમાં ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો. યુવાનો અને યુવતીઓના હરખનો કોઈ પાર નહોતો ત્યાં અચાનક ફેક્સ આવ્યો અને કારણ તો ગમે તે હોય પણ આ સંસ્થાનો કાર્યક્રમ જ કેન્સલ કરવામાં આવ્યો. સ્પર્ધકો માથે જાણે વીજળી તૂટી પડી, તરત ફોન અને ફેક્સનો દોર શરૂ થયો. મોડી રાત સુધી માથાકૂટ ચાલી પણ પરિણામ અપેક્ષા મુજબ ન જ આવ્યું.
આ બધા કરતાં વધુ મૂંઝવણ મને એ થઈ કે છાપાંમાં સમાચાર વિદેશપ્રવાસના આવ્યા પછી હવે ગામમાં પાછું કેમ જવું ? મને થયું, ‘વાળંદના વાંકા હોયને ત્યારે કોથળીમાંથી કરડે.’ હંસાબહેને મને ટી. ડબ્લ્યુ એ.ની મારી મુંબઈ-લંડન-ન્યુ યોર્ક અને ન્યુ યોર્ક-લંડન-મુંબઈની રિટર્ન ટિકિટ સુપરત કરી અને જણાવ્યું કે, ‘આ તમારી ટિકિટ. તમારે જવું હોય તો એકલા અમેરિકા જઈ શકો છો. ટિકિટના અઢાર હજાર રૂપિયા ત્યાં જિતુભાઈ મહેતાને સુપરત કરી દેજો. નહીંતર ટિકિટ કેન્સલ કરાવજો.’ મને થયું હવે શું કરવું ? વિઝિટ યુ.એસ.એ.નાં રૂપિયા પાંચ હજારનાં કૂપન તો હું ઉછીના લઈને ખરીદી ચૂક્યો હતો. પાંચ હજાર એ અને અઢાર હજાર આ મળી ત્રેવીસ હજારનું દેણું કરી મારે પ્રસ્થાન કરવાનું હતું.
મને બહુ મૂંઝવણ થઈ. મેં ડૉ. ચુડગરસાહેબને જણાવ્યું. તેમણે સોહરાબ હાઉસમાંથી જિતુભાઈને ન્યુ યોર્ક ફોન કર્યો અને જિતુભાઈએ કહ્યું, ‘જરા પણ ચિંતા કર્યા વગર વિમાનમાં બેસી જાઓ. તમને અહીં જોયા જેવું બતાવશું. કાર્યક્રમ યોજશું અને લહેર કરશું.’ ડૉ. ચુડગરસાહેબ ત્યારે જસલોક હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન હતા અને કલાકારોના અનન્ય ચાહક. તેમણે મને હિંમત આપી, ‘ભલા માણસ તમારી પાસે રિટર્ન ટિકિટ તો છે પછી શું ગભરાવ છો. અમસ્તો તમને રખડવાનો શોખ છે. ફરી આવો, જોવાય તેટલું જોઈ આવો.’ હું તૈયાર થઈ ગયો, માનવી જ્યાં સુધી દ્વિધામાં હોય છે ત્યાં સુધી શક્તિનો વ્યય થાય છે અને નિર્ણય થયા પછી આ વ્યય અટકી જાય છે. માર્ક ટ્વેઈનની ઉંમર અઠ્ઠાવન વર્ષની થઈ ત્યારે તેનું દેણું અઠ્ઠાવન હજાર ડૉલર હતું એ સાઠે પહોંચ્યા ત્યારે દેણું સાઠ હજાર ડૉલરની સપાટી વટાવી ગયું ત્યારે માર્ક ટ્વેઈને દેણું ભરવા વિશ્વપ્રવાસ શરૂ કર્યો. મેં આ વાંચ્યું ત્યારે મને નિરાશા થઈ કે, ‘અરેરે હું તે કક્ષાએ ક્યારે પહોંચીશ ?’
હું નાનો હાસ્ય કલાકાર હોવાથી મેં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાનું દેણું કરીને અમેરિકા જવાનું નક્કી કર્યું. ડૉ. ચુડગરસાહેબે મને ભેટીને વિદાય આપી. ડૉ. વીણાબહેને મીઠું મોઢું કરાવ્યું, નૂતનબહેને શુભેચ્છા આપી અને દસ ડૉલરની માતબર મૂડી સાથે મેં પ્રવાસનો પ્રારંભ કર્યો અને ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાઝ અને કેનેડા પાંચ દેશ ફરી આવ્યો. ત્રેવીસ હજારનું દેણું ભરી દીધું. ઉપરથી બોતેર હજાર રળી આવ્યો અને બે મહિના રખડી આવ્યો, જ્યાં જ્યાં મૂર્ખાઈ કરી, ભૂલો કરી તેની એક વીસીડી ‘વિદેશપ્રવાસ’ની તૈયાર કરી. આ પ્રસંગો રજૂ કરી લોકોને ખડખડાટ હસાવ્યા.
અમેરિકામાં હું જિતુભાઈ મહેતાને ત્યાં 105:67 Avenue માં રહેતો. હું પહોંચ્યો તેના બીજા જ દિવસે જિતુભાઈ અને મીતાબહેને મને તેમનું મકાન બતાવ્યું પછી કિચન બતાવ્યું, સ્ટવ કેમ ચાલુ કરવો અને બંધ કરવો તેની માહિતી આપી, પછી ફ્રિજ બતાવ્યું અને કહ્યું, ‘આમાં દૂધ છે, આ ચા-ખાંડના ડબ્બા, આ નાસ્તાના ડબ્બા. તમે ઊઠશો ત્યારે અમે ઘેર હોઈશું નહીં માટે ચા બનાવતાં શીખી લ્યો.’ હું ચા બનાવતાં ન્યુ યોર્કમાં જિતુભાઈને ત્યાં શીખ્યો. મારી મેળે ચા બનાવી નાસ્તા કરી એ ડિશો અને કપરકાબી પણ હું ધોઈને પાછાં વ્યવસ્થિત ગોઠવી દેતો. આ ટેવ આજે પણ મને છે.
એક વાર સવારમાં મેં જિતુભાઈને કહ્યું, ‘મારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા જવું છે.’ મેં આટલું કહ્યું ત્યાં જિતુભાઈએ કબાટમાંથી નકશો કાઢ્યો અને ટેબલ પર પાથર્યો. ત્યાર પછી મને સમજાવ્યું કે આપણે અહીંયાં છીએ 67 Avenueમાં. અહીંથી તમારે G ટ્રેનમાં બેસી જવાનું. ત્યાર પછી બ્રુકલીન., પ્લાઝા, રૂઝવેલ્ટ ઊતરી R ટ્રેનમાં બેસી જવું. એ સીધી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉતારશે. મને તેમણે જતાં અને આવતાંની વિગતવાર સૂચના આપી પણ મને બહુ સમજણ ન પડી, મેં કહ્યું, ‘આ અજાણ્યું શહેર છે. હું ભૂલો પડી જઈશ તો ?’
એમણે કહ્યું : ‘આ એટલું બધું સરળ છે કે તમે ધારો તો પણ ભૂલા નહીં પડી શકો.’
મને એમ થયું કે ભૂલા પડેલા પ્રવાસીને રેલવેવાળા ઘેર મૂકી જતા હશે. હું તો તૈયાર થઈને ઊપડ્યો. ટ્યુબટ્રેનના સ્ટેશને પહોંચી ટિકિટ લીધી અને મારો પ્રવાસ શરૂ થયો. મને જણાવેલ સ્ટેશને મારે ઊતરીને ટ્રેન બદલવાની હતી પણ એ સ્ટેશને આ ટ્રેન ઊભી જ ન રહી. હું મૂંઝાઈ ગયો. આગલું સ્ટેશન જે આવ્યું ત્યાં ઊતરી ગયો. પછી મને થયું હવે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા નથી જવું. જ્યાંથી આવ્યો ત્યાં પાછા જવું છે એટલે વળતાંની એક ટ્રેન આવી એમાં બેસી ગયો. એ ટ્રેન 67 Avenue જ્યાં મારે ઊતરવું હતું ત્યાંના સ્ટેશને ન ઊભી રહી, મને થયું હું સાંજ સુધી આમ ને આમ ફરીશ તો પણ મેળ નહીં પડે. છેવટે મેં એક અપ ટુ ડેટ અમેરિકન સજ્જનને અંગ્રેજીમાં સમજાવ્યું કે I want to go to 67 Aveanue, can you suggest the suitable train for me, મારે 67 એવન્યુ જવું છે, તમે મને યોગ્ય ટ્રેન સૂચવી શકશો ?
તેઓ મારી તરફ ફર્યા અને મને કહ્યું : ‘Sir, I am in confusion. I also lost my train.’ સાહેબ હું મૂંઝવણમાં છું. મેં પણ ટ્રેન ગુમાવી છે.
મને થયું આ તો હમસફર છે, પણ અમારા બંનેની વાત એક મેડમ સાંભળતાં હતાં. તેમણે અમને કહ્યું : ‘Please follow me.’ કૃપા કરી મને અનુસરો. એ સન્નારીએ મને મારી ટ્રેનમાં બેસાડ્યો, પેલા સજ્જનને એમની ટ્રેનમાં. અમે તેમનો આભાર માન્યો. જિતુભાઈ, મીતાબહેન અને બાળકો સાંજના વાળુના સમયે મળ્યાં ત્યારે જિતુભાઈએ પૂછ્યું ‘તમે જોઈ આવ્યા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ?’ અને મેં આ આપવીતી કહી સંભળાવી. સૌ ખડખડાટ હસી પડ્યાં. મેં કહ્યું : ‘નકશામાં જોયું ન કશા માં.’ બીજે દિવસે રતનશીભાઈ રાજડાનો સંગાથ મળી ગયો અને અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ આવ્યા.
Print This Article
·
Save this article As PDF
ખુબજ સરસ લેખ…
રાઠોડ સાહેબ નો આ લેખ વાંચીને પણ ઘણી રમુજ આવી
આવા સરસ લેખ રજુ કરવા બદલ ખુબ ખુબ આભાર્……..
Are vaha khub maza avi rathod shaheb ne namra vinati ke readgujrati ne hasya lekh apta rahe murgesh bhai tamne pan khas vinati ke te mate rathod shaheb ne malta rahe.
હાસ્ય લેખ પર આડવાત.
અમેરિકામા આ અનુભવ ઘણાને થયો હશે. જરુરના સમયે લોકો મદદ કરવા સામેથી આવે છે.
મારો અનુભવઃ હાથમા બે મોટી બેગ અને બેકપેક જોડે હુ સ્ટેશન પર હતો ત્યારે મને આટલા ભાર જોડે જોઇ બે છોકરીઓ આવી અને મને પૂછ્યુ કે શુ હુ સામાન લિફ્ટ સુધી લઇ જવામા મદદ કરુ?
અને આવા તો ઘણા નાના-મોટા સારા બનાવો હોઇ શકે.
થોડા કટુ અનુભવો (જોકે મને નથી થયા) પણ હોય. પણ મને લાગે છે કે સારા અનુભવ સામે કટુ અનુભવો નગણ્ય છે.
હવે હુ પ્રયાસ કરુ છુ કે આમ કોઇને મદદરુપ થઉ અને આમ થવામા એક ખુશી મળે છે.
અંગ્રેજીમા “Pass it on”. તમારા સારા અનુભવોને તમે આગળ વહેચતા રહો અને ખુશી ફેલાશે.
opening the door when some one coming from other side or keep door open till some one else comes is great custom….simply great idea of respect to everyone….when they reply by “appreciated”
પોતાની ખુલ્લા દીલ થી ઠેકઙી ઉડાવવી એ કોઈ શાહબુદ્દિનભાઈ થી શીખે.
હિંમતે મર્દા તો મદદે ખુદા…
યાહોમ કરીને નીકળી પડો…
શુભ દિપાવલી.
નયન
વાહ, સવાર સવારમા લેખ વાંચવાની મઝા આવિ ગઈ
હા, પહેલાના વખતમાં આમ નક્શામાંથી ડિરેક્શન જોતા હવે તો કારમાં જ ડિરેક્શન જોઈ શકાય્.
અમદાવાદમાં પણ કોઈ ચાર રસ્તે મુઝાઈને કોઈને ક્યા રસ્તે જવુ એ પુછીએ ત્યારે ગલોફામાં પાન્-મસાલો હોય એટ્લે બોલે નહિ પણ હાથ એ તરફ લાંબો કરીને રસ્તો બતાવી જરુર દે. (ગયા સપ્ટેમ્બરનો જાત અનુભવ).
સરસ મજા આવી. આતો “પાપળ પોલ” વારા છે ભઇ જી ક્યે ઇ સાચું જ માનવું! ! ! !
આ તો અમને થયેલો જ અનુભવ. ચારેક વર્ષ પહેલા મારા જેઠ-જેઠાણી ઈન્ડિયાથી ફરવા આવેલા. અમે તેમને ટ્રેનમાં ન્યુ યોર્ક ફરવા લઈ ગયા. ન્યુ યોર્કમાં ફરવા માટે કારમાં જઈએ તો એકતો પાર્કિંગની બહુ માથાકૂટ અને બધી સ્ટ્રીટ વન-વૅ હોય એટ્લે ગોથા ખાવા પડે તેથી ટ્રેનમાં જવુ ઈઝી પડે. અમારે ઉતરવાના સ્ટેશને મારા હસબન્ડ અને મારા જેઠજેઠાણી ઉતરી ગયા અને તરત ટ્રેનનું બારણું બંધ થઈ ગયું. હું અને મારો સન ના ઉતરી શક્યા. પછીના સ્ટેશને અમે ઉતર્યા. અમારી સાથે અમારા ડબામાથી થોડા પેસેન્જર્સ ઉતર્યા તેમાથી એક આફ્રિકન અમેરિકન ભાઈને ખ્યાલ આવી ગયો કે આ લોકોને શું પ્રોબ્લેમ થયો છે તેમણે તરત જ અમને કહ્યું કે હવે અમારે કઈ ટ્રેન લઈને પાછુ જવુ અને એ પ્રમાણે અમે પાછા ટ્રેનમાં જઈને જ્યાં ઉતરવાનું હતું ત્યાં ઉતર્યા ત્યારે ‘હાશ’ થઈ.
આવા સમયે અહિંયા માણસો તરત મદદ કરતા હોય છે.
લેખ સરસ છે. વાંચવાની મજા આવી.
હું મિલવૉકીમા જ છું.
અને લેખકશ્રીનો જ ડાયલૉગ યાદ આવી ગયો–“આવતી ફેરે અમારે તાં ચોક્કસ ને ચોક્કસ આવજો.”
હજુ વધુ અનુભવ આપ્ય હોત તો ઑર મજા આવી જાત.
અમે ઓમહાના લોકો એને મિલ્વૌકિ કહિયે.
લેખકશ્રી – ”આવતી ફેરે અમારે તાં ચોક્કસ ને ચોક્કસ આવજો.”
મારા ઘરે જો શાહબુદ્દીનભાઈને મેં આમંત્ર્યા હોય તો ચા બનાવવાથી માંડીને તમામ સ્થળો બતાવવાનું કામ હું પોતે કરું. આહી યજમાન એમને લિબર્ટીની પ્રતિમા બતાવવાનો કે ચા બનાવવાનો સમય પણ નથી ફાળવતા એ જાણીને ઘણી જ નિરાશા થઇ. કોઈ પણ પ્રકારની જોબમાં તમને એક દિવસ કોઈક સ્થળ બતાવવાની પણ ફુરસદ મળે નહિ એવું અમેરિકા કે ભારતમાં બનતું નથી. ત્યારે આવી વિરલ મહેમાનગતિ સંભાળીને અમેરિકાના ભારતીયો સંકુચિત મનોવૃત્તિ વાળા છે એવી ભ્રામક માન્યતાઓ ફેલાય છે.
ખુબ જ સરસ ચે …..
ખુબ જ સરસે ચે
બહુજ સરસ લેખ્ ધન્યવદ ……….