વૃત્તિનું વિસર્જન – જયેન્દ્ર શાહ

[સર્વ વાચકમિત્રોને દીપાવલીના આ મંગલ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રકાશનું આ પર્વ આપણા સૌના જીવનને સાચા અર્થમાં પ્રકાશિત કરે તેવી પ્રભુપ્રાર્થના. આજના આ શુભ દિને ‘વૃત્તિનું વિસર્જન’ નામના પુસ્તકમાંથી કેટલાક પ્રાસંગિક લેખ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે જયેન્દ્રભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9324290422 અથવા આ સરનામે jayendra1234@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પ્રેમીને તો રોજ દિવાળી !

‘આ વર્ષે દિવાળી જેવું કંઈ લાગતું જ નથી’ એવું થોડા વર્ષોથી આપણે દર વર્ષે કહીએ છીએ ! દિવાળીના દિવસોમાં કોઈ સગા સંબંધી મળી જાય તો ઘરે આવવાનો વિવેક જરૂર કરીએ છીએ. સામેવાળી વ્યક્તિ કહેશે કે ચોક્કસ આવીશું, તમે પણ ઘેર આવો. પરંતુ બંનેને ખબર છે કે કોઈ એકબીજાને ઘેર આવવાનું કે જવાનું નથી ! દિવાળીનો ઉમંગ વરસે વરસે ઘટતો જાય છે.

ઘરની સાફસફાઈ, નવાં કપડાં, મીઠાઈ, રંગોળી, રોશની, હળવું-મળવું, ફટાકડા ફોડવા… આ બધી દિવાળીની પ્રવૃત્તિ છે જેમાં નાના-મોટા સ્વજનો, મિત્રો બધા જોડાયેલાં છે. તેથી આ તહેવારનો આનંદ વિશેષ છે. આ સઘળી પ્રવૃત્તિથી જે ઉત્પન્ન થાય છે તે છે ‘પ્રેમ’, જે સૌને નિર્દોષ આનંદ આપે છે. સાર્થક અને રસપ્રદ જીવનનું સૌથી મહત્વનું તત્વ હોય તો તે પ્રેમ છે. માતા-પિતા પ્રત્યે, ભાઈ-બહેન પ્રત્યે, આત્મજન પ્રત્યે, મિત્રો પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે જીવનની દરેક સ્થિતિમાં પ્રેમભાવ રાખે તે આજીવન શાશ્વત સુખનો અધિકારી બને છે. એક પ્રેમી જ્યાં જ્યાં જાય છે ત્યાં આનંદ કરાવે છે, ઉત્સાહ વધારે છે અને એક જે પ્રેમ કરી શકતા નથી તે પોતાની આસપાસ મનદુઃખ, ઉદ્વેગ, કલેશનું વાતાવરણ ઉભું કરે છે.

અઢી અક્ષરનાં આ શબ્દ ‘પ્રેમ’નો જાદુ અન્ય સત્તા, શક્તિ કે સમૃદ્ધિથી અનેક ગણો વધારે છે. અતિ સામાન્ય ઘરમાં જન્મવા છતાં અરસપરસનાં પ્રેમને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી જીવનપથ પર આગેકૂચ કરી જનારા ઘણા પરિવારો જોવા મળે છે. એનાથી વિપરીત, જન્મથી જ સુખ સમૃદ્ધિ હોવા છતાં અરસ પરસના પ્રેમના અભાવે ફકત પોતાનો સ્વાર્થ સાધવામાં ઘણાં કુટુંબો છિન્નભિન્ન થયાંના દાખલા પણ જોવા મળે છે. કોઈપણ પરિસ્થિતિમાં સુખી રહેવા માટે આપણી પાસે બીજું ન હોય પણ પ્રેમ હોય, તો ચાલી જાય છે. પણ આપણી પાસે બધું જ હોય અને જો પ્રેમ ન હોય, તો ત્યાં બધું ન હોવા બરાબર છે.

જીવ માત્ર પ્રેમનો તરસ્યો છે, પણ પ્રેમની પ્રાપ્તિ એ અરસપરસ આપલેની પ્રક્રિયા છે. પ્રેમની આ એક વિશિષ્ટતા છે. આપણે બીજાને પ્રેમ ન કરી શકીએ તો આપણે બીજા પાસેથી જાજો સમય પ્રેમ મેળવી પણ ન શકીએ ! પ્રેમની બીજી વિશેષતા છે ‘ત્યાગ’. જે બીજાને આપે છે, ઉપયોગી થાય છે, ફરજ બજાવે છે તે પ્રેમને પાત્ર બને છે. પ્રેમ સંપનો સાથી છે. કરૂણાનો મિત્ર છે, અહિંસાનો સગો છે. જ્યાં કરૂણા નથી, સદભાવના નથી, નમ્રતા નથી પરોપકારી વૃત્તિ નથી, ત્યાં પ્રેમ કદી રહેતો નથી. અને જ્યાં પ્રેમ નથી ત્યાં પરમાત્મા પણ ક્યાંથી હોય ? પૂ. બાપુ કહે છે કે ‘પ્રેમીને તો રોજ દિવાળી !’ દિવાળીમાં જે આનંદ મોંઘા ભાવના ફટાકડા ફોડીને ન મળે, મુંબઈની રેસ્ટારાંમાં ધર્માદાનું ખાવા જતાં હોય તેમ એક એક કલાક જગ્યા ખાલી થવાની રાહ જોવામાં ન મળે, મોંઘી ભેટ સોગાદોથી કે સમૃદ્ધિનું પ્રદર્શન કરવામાં ન મળે તે આનંદ એક પ્રેમીને રાત-દિવસ, બારે મહિના દરેક સ્થિતિમાં મળે છે !

પ્રેમ નામના આ અદ્દભૂત રસાયણનો ઉપયોગ કરી આપણે સુખી થઈએ અને બીજાને સુખી કરીએ એ જ પ્રાર્થના સાથે આપ સૌને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છા અને વંદન.

[2] શુભ સંકલ્પોનું દિવાળી સેલ !

નવું વર્ષ શરૂ થાય એટલે કેટલાંક લોકો નવા વર્ષના સંકલ્પો કરે છે. નવું વર્ષ શરૂ થાય કે જન્મ દિવસ આવે ત્યારે આનંદ ને ઉજવણી સાથે માણસે આત્મનિરિક્ષણ પણ કરવું જોઈએ. ઘરમાં દિવાળીની સાફસફાઈ કરીએ એમ ક્યારેક હૃદયમાં ભરાયેલા કચરાને સાફ કરવો જોઈએ. પૂ. બાપુએ કહ્યું છે, ‘કચરો ભેગો કર્યો છે બુદ્ધિના ડા’પણે રે, ખાલી કરો તો રે’વાનું મળે આપણે રે !’ વર્ષ દરમ્યાન પોતે જે વિચાર્યું, આચરણ કર્યું એનું શું પરિણામ આવ્યું ? શુભ કે અશુભ ? સુખાકારી કે દુઃખાકારી ? સામાન્ય જન-જીવન જોઈને, સમાચાર-પુસ્તકો વાંચીને કોઈ વાતનો બોધપાઠ લીધો ? અનુભવે સમજાય એ વાત સારી છે, પણ દરેક વાતનો જાત અનુભવ કરવા જેટલો સમય અને શક્તિ આપણી પાસે છે ખરી ? નથી જ. બીજાનું જોઈને, ઈતિહાસ સમજીને, શાસ્ત્રો અનુસરીને સાચા માર્ગે ચાલવું પડશે.

જીવનને સુખી અને સુગંધી બનાવવાનું તમારું લક્ષ્ય હોય તો, નવાં વર્ષે આટલા સંકલ્પો કરવા જેવા છે. સત્ય અને આત્મદર્શી બની ચાલવું. કોઈના પ્રત્યે રાગદ્વેષ ન રાખવા. દિલ સાફ રાખવું. સરળતા અને નમ્રતા હંમેશા રાખવા. બધા સાથે પ્રેમ ભાવ – મિત્રભાવ રાખવો. વિશ્વાસઘાત ક્યારેય ન કરવો. પરિવારમાં એક બીજાનું માન જાળવવું. તકલીફો સમજી સાથ નીભાવી, હળીમળીને આનંદ વધારવો. તન, મન કે ધનથી બીજાને નિઃસ્વાર્થ ભાવે ઉપયોગી થવા પ્રયાસ કરવો. જીવ માત્ર પ્રત્યે દયાભાવ – સમભાવ તેમજ ક્ષમાભાવ રાખવો. પૈસા મેળવવા પ્રયાસ જરૂર કરવો પણ અનીતિના ભોગે ક્યારેય નહીં. જરૂરીયાતો એટલી હદ સુધી તો ક્યારેય ન વધારવી કે પુરી કરવા મનની શાંતિ કે સ્વાભિમાન ગુમાવવા પડે. ખોટી હરીફાઈ ક્યારેય ન કરવી. દરેકને પુરુષાર્થ, નસીબ, સંજોગો પ્રમાણે મળે છે. સફળતા-નિષ્ફળતા, પ્રાપ્તિ, અલ્પ પ્રાપ્તિ એ બધું સંપૂર્ણ રીતે આપણા હાથમાં નથી. એટલે સ્વધર્મ અનુસાર કર્તવ્ય કાર્ય કરવું, અને ફળ બાબતે અનાસક્ત રહેવું. માણસનો એક માત્ર માપદંડ એની માણસાઈ છે. એટલે હરીફાઈ કરવી જ હોય તો માણસાઈની કરો ! અને માણસાઈ કેળવવી એ આપણા હાથની વાત છે. એટલે જીવનમાં ખરેખર મેળવવા અને કેળવવા જેવા છે તે સદગુણો ખીલવવા. એનાથી ફકીર પણ શહેનશાહ બની જાય છે. સંગ પણ સદગુણીનો કરો. માન પણ સદગુણીને આપો. તમારી સરળતા, ઉદારતા, દયાનો કોઈ ગેરલાભ લે તેનાથી તમારા સદગુણોનો દોષ ક્યારેય ન આપો. આવું કરનારા (ગેરલાભ લેનાર) અજ્ઞાની છે, જે અલ્પ લાભ માટે પોતાનો આત્મા વેચી દે છે. હા, ભૂલોમાંથી બોધપાઠ જરૂર લો. કુપાત્રથી દૂર રહો. ભગવાન સિવાય કોઈનાથી ન ડરો. અન્યાય, અસત્યને ક્યારેય પ્રોત્સાહન ન આપો.

જે ક્યારેય દગો દેતી નથી, ઉદ્દ્વેગ કરતી નથી, લાગણી દુભાવતી નથી અને જેના ખોળામાં સતત નિર્દોષ આનંદ અનુભવાય છે, એ કુદરત પ્રત્યે વધુ ને વધુ તાદાત્મ્ય કેળવો. તમારામાં હંમેશાં સચ્ચાઈ રણકે, તમારી હાજરીથી નાના મોટા દરેકને આનંદ થાય, તમારી વાતોથી હિંમત-ઉત્સાહ વધે, તમારા કાર્યોથી લોકોને પ્રેરણા લેવાનું મન થાય… આવું કંઈ થાય તો જીવન સાર્થક થાય. આ કોઈ નવી વાત કરી નથી. આજ વાતોનો અલગ અલગ રીતે આપણે સત્સંગમાં, સુવિચારોમાં સાંભળીએ છીએ અને વાંચીએ છીએ.

સોરી…. હકીકતમાં મારા ભલા માટે આવા સંકલ્પોની યાદી બનાવી વાગોળતો હતો. થયું કે ચાલો ને તમારી સાથે પણ શુભ વિચારની સંગત કરું ! શુભ સંકલ્પોના આ દિવાળી સેલમાંથી તમને કંઈ લેવા જેવું લાગે તો લેજો, નહીં તો ખાઓ, પીઓ, ધુમ મચાઓ… !!

[કુલ પાન : 120. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002. ફોન : +91 22 22017213.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘૂઘરા જેવો સ્વભાવ – કલ્પના દેસાઈ
માણસનું મન – જ્યોતિષ જાની Next »   

4 પ્રતિભાવો : વૃત્તિનું વિસર્જન – જયેન્દ્ર શાહ

 1. Verynice bhuj samajan ape che khub sarash

 2. Veena Dave. USA says:

  સરસ લેખ.

  સર્વેને નૂતનવર્ષાભિનંદન્.

 3. શુભ સંકલ્પોના આ સેલમાં છોડવા જેવું તો નથી..
  બાકી આવતું વરસ સહુ ને શુભશુભ નીવડે એજ પ્રાર્થના.
  વ્રજ દવે

 4. Dr Shah says:

  બહુ સરસ લખાન ચ્હે. જયેન્દ્દ ભઐ સારિ વાત કરિ ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.