પાછા વળવું – વીનેશ અંતાણી

[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંક નવેમ્બર-2010માંથી સાભાર. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો.]

છેલ્લા અઠવાડિયાથી હવામાં ઉમસ વધી ગઈ હતી. પાછલી રાતે સુધાની આંખ ઊઘડી ગઈ હતી. પુષ્કળ ગરમી થતી હતી. એણે એ.સી. ચાલુ કર્યું, છતાં ઊંઘ ન આવી તે ન જ આવી. એ વહેલી ઊઠીને ચાલવા માટે બહાર નીકળી ગઈ હતી. સડકની ધાર પર વૃક્ષોની નીચે ચાલતી રહી હતી. ચારે કોર રવિવારની સવારની નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ હતી. એ એકાદ કલાક ચાલી હતી અને પછી ઘેર આવી ગઈ હતી.

હવે એ વરંડામાં બેઠી હતી.
લક્ષ્મી બહાર આવી. એના હાથમાં ભીનાં કપડાંની બાલદી હતી. એ વરંડામાં બાંધેલી દોરી પર કપડાં સૂકવવા લાગી. એક એક કપડું કાઢી, ઝાટકી અને પછી દોરી પર પહોળું કરતી હતી. બાલદી ખાલી થઈ ગઈ પછી એણે સુધા તરફ નજર કરી. સુધાની સામે ટિપાઈ પર ચાનો મગ પડ્યો હતો. લક્ષ્મી અંદર જતાં પહેલાં તે મગ ઉપાડવા નજીક આવી. એની નજરમાં ઠપકો આવી ગયો.
‘બેન, ચા ?’
‘હં ?’ સુધા ચોંકી ઊઠી હોય તેમ લક્ષ્મીને જોવા લાગી.
‘તમે ચા પીધી જ નંઈ ?’
સુધાએ જોયું, આખો મગ ભરેલો હતો. ચા ઠરી ગઈ હશે. ઉપર છારી ફરી વળી હતી. એણે લક્ષ્મી સામે જોયું. હસી પડી. મગ ઉપાડવા હાથ લંબાવ્યો.
‘લાવો, ગરમ કરી દઉં.’
‘ના…. ના… ચાલશે.’ એ બધી ચા એકશ્વાસે ગટગટાવી ગઈ.

લક્ષ્મી વરંડાની પાળ પર બેઠી. પાલવથી પરસેવો લૂછવા લાગી.
‘આ મૂઈ ગરમી !’ એ બબડવા લાગી.
સુધા એને જોતી રહી. વિચાર આવ્યો, લક્ષ્મી એની સાથે ન હોત તો એનો સમય કેવી રીતે પસાર થયો હોત. એને વરસો પહેલાં માએ કરી આપેલી વ્યવસ્થા યાદ આવી ગઈ. સુધાએ દિલ્હી આવવાનો નિર્ણય લીધો એ માને ગમ્યું ન હતું. માએ કહ્યું હતું : ‘દિલ્હી જેવું અજાણ્યું શહેર અને તું ત્યાં એકલી રહે તે વાત મને જચતી નથી.’
‘એકલી ક્યાં છું, મા ! અનુ તો છે મારી સાથે !’
મા તે વખતે દોઢ વરસની અનુને ખોળામાં લઈને બેઠાં હતાં, ‘આ તારી અંગૂઠા જેવડી છોરીને તું તારો સાથ માને છે ?’
સુધાના હોઠ પર મ્લાન સ્મિત આવી ગયું હતું. ‘હવે મારી સાથે એ જ છે ને, મા !’
માનો ઊંડો નિઃશ્વાસ સરી પડ્યો હતો. આંખો ભરાઈ આવી હતી.
‘સારું ન થયું, સુધા !’

સુધાએ માનો હાથ થપથપાવ્યો હતો, ‘તું ચિંતા ન કર, મા. જે થયું છે તે વેળાસર થયું છે. વધારે સમય નીકળ્યો હોત તો હું ઊંડા કળણમાં ખૂંપતી જાત અને કદાચ પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ રહ્યો ન હોત.’
‘પણ…..’ એ કશુંક કહેવા જતાં હતાં અને અટકી ગયાં હતાં. સુધાને ખબર હતી, એ શું કહેવા માગતાં હશે. ખમી ખાવું જોઈએ, દીકરી…. બાયડીજાત માટે આખી જિંદગી એકલી કાઢવી…. જેવું હતું, નભાવી લેવું જોઈતું હતું.
‘જે થયું એ થયું, પણ તું દિલ્હી જવાની હઠ છોડી દે, સુધા. મારું કહ્યું માન ને મારી કને જ રહી જા… તારા જોગ નોકરી અહીં પણ મળી રે’શે. તારે મુંબઈ રે’વાનું મન ન થાય એ વાત હું સમજી શકું છું, પણ દિલ્હી… છેક દિલ્હી ?’
‘મેં જ સામે ચાલીને દિલ્હી બદલી માગી છે, મા. મને ખબર છે, ત્યાં હું ખૂબ આગળ વધી શકીશ. તું તારી દીકરીને ઓળખતી નથી ?’
‘તને બહુ ઓળખું છું એની જ મોકાણ છે ને ! મને ખબર છે, તું મારી વાત માનવાની નથી… પણ તું ત્યાં એકલી રહે… વિચાર તો કર, તું નોકરીએ જશે ત્યારે તારી આ નાનકીને કોની પાસે રાખી જઈશ.’
‘હું આખા દિવસની કામવાળી રાખીશ.’
‘કામવાળી ?’ માની નજરમાં એક વિચાર ઝબક્યો હતો, ‘એક કામ કર, આપણી લક્ષ્મીને તારી સાથે લઈ જા. આમેય એ વિધવા થઈ પછી એનું કોઈ નથી. તારું ઘર સચવાશે અને તને અનુની પણ ચિંતા નહીં રહે. એને લીધે ઘરમાં વસતી જેવુંય લાગશે.’ તે દિવસથી લક્ષ્મી સુધાની સાથે છે. માની વાત સાચી હતી, લક્ષ્મી હતી તો સાચે જ વસતી લાગતી હતી.

‘બીજી ચા બનાવી દઉં ?’ લક્ષ્મી બોલી.
‘ના, મને જરૂર નથી…. હમણાં પીધી તે પણ બહુ ઠંડી નહોતી, સાચે !’
સુધા જાણે છે, લક્ષ્મી એની વાત સાચી માનવાની નથી. થોડી વાર બંને એમ ને એમ બેસી રહ્યાં. લક્ષ્મી વચ્ચેવચ્ચે સુધાને જોઈ લેતી હતી. સુધા એની સામે જોવાનું ટાળતી હોય તેમ આડુંઅવળું જોતી રહી હતી. છેવટે લક્ષ્મી પાળી પરથી ઊભી થઈ. અંદર જતી હતી, પણ બારણાં સુધી પહોંચીને ઊભી રહી.
‘કેટલા વાગે આવશે ?’
સુધા લક્ષ્મીના આકસ્મિક સવાલ સામે તાકી રહી.
‘અનુ ?’ લક્ષ્મીએ પ્રશ્ન પૂરો કર્યો.
તે સાથે જ સુધા જાણે વર્તમાનમાં પૂરેપૂરી મુકાઈ. આજે કયો દિવસ હતો અને આજે શું બનવાનું હતું… આજે એની દીકરી અનુ….
‘ટ્રેનનો સમય તો ચાર વાગ્યાનો છે. મોડી હોય તો મોડુંય થાય.’
‘રાતે શું બનાવું ? તમે અનુને પૂછી લીધું છે, એને શું ખાવું છે ?’
‘ના… એ તો પૂછવાનું રહી ગયું…. મને સૂઝ્યું જ નહીં !’
‘ઈમ કેમ થાય ? બિચારી ત્યાં હોસ્ટેલનું ખાઈ ખાઈને કંટાળી ગૈ હશે. હવે ઘેર આવે છે તો ઈને ભાવે ઈવું રાંધું તો સારુંને ?’
‘તને તો ખબર જ છે, લક્ષ્મી, અનુને શું ભાવે અને શું ન ભાવે ! તું જ નક્કી કરી લે ને ?’
લક્ષ્મીએ ‘ડચ’ કર્યું, માથું પણ ધુણાવ્યું. ‘ઈમ ન થાય. કેટલાં વરસે ઘેર આવે છે…બે વરસ થ્યાં ને ?’
‘ના, ત્રણ….’ સુધા ધીમેથી બોલી. એ જાણે પોતાની જાતને જ કશુંક યાદ અપાવી રહી હતી.
‘ત્રણ વરસ થૈ ગ્યાં ?’
‘તો !’
‘મને તો કાંય સમજાતું નથી… ઈવું તે કેવું ભણવાનું કે દીકરીને રજામાં પણ ઘેર આવવા ન દે !’ સુધાએ જવાબ આપ્યો નહીં.
*******

‘પણ મારે દિલ્હીમાં નથી ભણવું, મમ્મી !’
‘કેમ ?’
અનુએ જવાબ આપ્યો ન હતો.
‘આવી સારી સ્કૂલ છે, અનુ…. તને ખબર છે, એમાં એડમિશન મેળવવા માટે મારે કેટલી દોડાદોડી કરવી પડી હતી ! એ છોડીને છેક શિમલા…’
‘મેં બધી તપાસ કરી લીધી છે. મારી ફ્રેન્ડ પૂનમ પણ આ વર્ષથી ત્યાં ભણવાની છે. સરસ રેસિડેન્શિયલ સ્કૂલ છે. હોસ્ટેલ પણ ખૂબ સારી. મને કોઈ વાતે તકલીફ પડશે નહીં.’
‘પણ, અનુ…’
‘જસ્ટ ડોન્ટ વરી, મમ્મી !’ અનુનો અવાજ રુક્ષ હતો અને એમાં એણે લઈ લીધેલા નિર્ણયની જીદ પણ સંભળાઈ હતી. સુધા જાણતી હતી, એ નહીં માને, છતાં અનુને આવી મોંઘી સ્કૂલમાં મોકલવી એના માટે શક્ય ન હતું.
‘તું વિચાર તો ખરી, એ સ્કૂલની ફી હું કેવી રીતે….’
‘મેં કાલ રાતે મુંબઈ ફોન કરીને વાત કરી લીધી છે.’
‘મુંબઈ ? તેં કોને ફોન કર્યો હતો ?’
‘કોને એટલે ? મારે જેમને કરવો જોઈએ એમને !’

સુધા આહત થઈ તે કરતાં વધારે ઝંખવાણી પડી ગઈ હતી. એને લાગ્યું હતું જાણે અનુએ એને કશાકથી દૂર કરી લીધી હતી – એક જ ધક્કામાં, અને એ ખૂબ નીચે પટકાઈ હતી. એણે ધાર્યું ન હોય તેવું બની રહ્યું હતું. એ મુંબઈમાં બેઠો બેઠો બદલો લઈ રહ્યો હતો અને જે દીકરીને એણે પાળીપોષીને મોટી કરી એ પણ એની સાથે સામેલ થઈ ગઈ હતી. એ માત્ર સામેલ નહોતી થઈ, એણે જ બધું ઊભું કર્યું હતું, સામે ચાલીને… સુધાને લાગ્યું હતું કે એની સમજ, એની ભલમનસાઈનો ગેરલાભ લેવાયો હતો. સુધાએ એને અને અનુને મળવા દીધાં એ એની ભૂલ હતી.
‘ઓકે…. જો તેં શિમલામાં રહીને ભણવાનો નિર્ણય લઈ જ લીધો છે તો હું તને જવા દઈશ, પણ તારે કોઈ ત્રાહિત પાસે પૈસા લેવાની જરૂર નથી. યુ ઓલસો ડોન્ટ વરી…. હું તારો બધો ખર્ચ ઉપાડી શકીશ…. ઓકે ?’
અનુ પણ મમ્મીને જીતવા દેવા માગતી ન હતી. એ ધીમેથી બોલી હતી : ‘તું કોની પાસેથી પૈસા લઈશ, મમ્મી ? શ્યામઅંકલ પાસેથી ?’

તે સાથે જ સુધાની સામે બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું. એક થપ્પડ એની હથેળીમાં ઊઠી હતી, પરંતુ એણે એવું કશું કર્યું ન હતું. હારી ગયા પછી પણ એ પરાજિત થવા માગતી ન હતી. ત્યાર પછી અનુને શિમલા ભણવા મૂકવાનો નિર્ણય એનો પોતાનો જ હોય એમ સુધાએ એડમિશન વગેરેની બધી કાર્યવાહી પતાવી હતી. નવી ટર્મ શરૂ થઈ ત્યારે એ અનુની સાથે શિમલા ગઈ હતી અને એને હોસ્ટેલમાં બરાબર ગોઠવીને દિલ્હી પાછી આવી હતી. દિલ્હી આવી ગયા પછી એણે પહેલું કામ શ્યામને ફોન કરવાનું કર્યું હતું : ‘શ્યામ, હવેથી આપણે મળશું નહીં.’
******

ત્રણ વર્ષ વીતી ગયાં છે. આ ત્રણ વર્ષોમાં અનુ એક પણ વાર દિલ્હી આવી નથી. વેકેશનમાં એ નિયમિત રીતે મુંબઈ જતી અથવા એ મુંબઈથી શિમલા જતો. અનુને ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જતો. સમય મળતો ત્યારે વર્ષમાં એકાદ-બે વાર સુધા પણ શિમલા જઈ આવતી. હવે અનુ કોલેજમાં આવવાની હતી. એની હાઈ સ્કૂલની ફાઈનલ પરીક્ષા પૂરી થઈ પછી એ આ વખતે પહેલી વાર દિલ્હી આવી રહી હતી. આ વીતેલાં ત્રણ વર્ષોમાં એ અને શ્યામ પહેલાંની જેમ મળ્યાં ન હતાં. તેમ છતાં વચ્ચેવચ્ચે સંપર્ક થઈ જતો. કોઈ કાર્યક્રમમાં, કોઈ મિત્રને ત્યાં સામાજિક પ્રસંગે અથવા બસ-સ્ટોપ પર કે કોઈ એવી જગ્યાએ. ગયા વર્ષે શ્યામને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો ત્યારે તેના સમારંભનું કાર્ડ આવ્યું હતું. સુધા તે સમારંભમાં ગઈ હતી. શ્યામે એને દૂરથી જોઈ હતી અને હાથ હલાવ્યો હતો. તે દિવસ પછી તો ફોનથી પણ વાત થઈ ન હતી.
*******

એક વર્કશોપમાં જુદી જુદી ભાષાઓના વાર્તાકારો એમની વાર્તા વાંચવા ભેગા મળ્યા હતા. સુધા પણ ગઈ હતી. શ્યામે એની હિન્દી વાર્તા વાંચી હતી. સુધાને એ વાર્તા ખૂબ ગમી હતી. સુધાએ પણ એની ગુજરાતી વાર્તા વાંચી હતી. સાંજે બધાં છૂટાં પડતાં હતાં ત્યારે શ્યામે એને પૂછ્યું હતું : ‘કોફી પીવા જઈએ ?’
એ પહેલી મુલાકાત હતી. શ્યામ એક હિન્દી વાર્તા સામાયિકનો સંપાદક હતો. એણે સુધાની વાર્તા વિશે વાતો કરી હતી.
‘હું તમારી વાર્તા છાપવા માગું છું. એનો અનુવાદ કોણે કર્યો છે ?’ એણે પૂછ્યું હતું.
‘મેં જ કામચલાઉ અનુવાદ કર્યો છે. મને ખબર છે, મારું હિન્દી સારું નથી.’
‘હં…. એના પર થોડું કામ કરવું પડે તેમ છે.’
‘કોઈ છે, જેની પાસે ફરીથી અનુવાદ કરાવી શકાય ?’
શ્યામે સ્મિત કર્યું હતું : ‘તમને વાંધો ન હોય તો હું જ કરું ?’
‘તમે ?’ સુધાને નવાઈ લાગી હતી, શ્યામ જેવો પ્રખ્યાત વાર્તાકાર એની વાર્તાનો અનુવાદ કરી આપશે ?
‘કેમ ?’
‘પણ તમે….’
‘તમને ખબર છે, મને તમારી વાર્તામાં શું ગમ્યું છે ? એક એકલી સ્ત્રી જે રીતે…. અને એ જ રીતે નિરૂપાયું છે તે મને વિશેષ ગમ્યું છે. મને તો લાગ્યું હતું, જાણે તમે મારી માની વાર્તા લખી છે !’

એ પછીના રવિવારે શ્યામ પહેલી વાર સુધાને ઘેર આવ્યો હતો. લગભગ આખો દિવસ કામ કરીને બંનેએ સાથે મળી સુધાની વાર્તાનો અનુવાદ કર્યો હતો. શ્યામ ગયો પછી એ રાતે અનુએ પૂછ્યું હતું :
‘આ અંકલ કોણ હતા, મમ્મી ? બહુ બોર કરતા હતા !’
સુધા સમજી ગઈ હતી. એ આખું અઠવાડિયું આખો દિવસ બહાર હોય, માત્ર રવિવાર કે રજાના દિવસે જ એ અનુ સાથે રહી શકતી. એના એક રવિવારના સુખમાં બીજી કોઈ અજાણી વ્યક્તિએ ભાગ પડાવ્યો હતો એ વાત અનુને ગમી નહોતી. સુધાએ એને નજીક ખેંચી હતી અને કહ્યું હતું : ‘સોરી, અનુ !’

પછી સોરી જેવું પણ રહ્યું નહોતું. શ્યામને મળવાનું વધતું ગયું હતું. એ હિમાચલ પ્રદેશના ચંબા ગામનો હતો. દિલ્હીમાં એકલો રહેતો હતો. સુધાને શ્યામ સાથે કામ કરવું ગમતું હતું. એને લીધે એ દિલ્હીના સાહિત્યવર્તુળમાં ભળવા લાગી હતી. એક વાર શ્યામે એના સામાયિકનો ગુજરાતી સાહિત્ય વિશે આખો અંક તૈયાર કર્યો હતો. તે નિમિત્તે એ લગભગ પંદરેક દિવસો દર સાંજે સુધાને ઘેર આવતો રહ્યો હતો. મોડે સુધી કામ ચાલતું. અનુ લક્ષ્મી પાસે સૂઈ જતી. એ સવારે સ્કૂલ જવા નીકળે ત્યારે પણ સુધા ઊંઘતી હોય.

થોડા વર્ષો પહેલાં એક સ્ત્રી શ્યામના જીવનમાં આવી હતી અને પછી બહુ જલદી બહાર નીકળી ગઈ હતી. એક વાર શ્યામે કહ્યું હતું :
‘મને એનું સૌથી વધારે શું ગમતું, ખબર છે ?’
સુધા હસી પડી હતી, ‘મને ક્યાંથી ખબર હોય !’
‘એના વાળ બહુ લાંબા હતા. અને એ જ્યારે પણ મને મળવા આવતી, એના વાળ તાજા ધોયેલા હોય. હું એના વિશે ઘણુંબધું ભૂલવા લાગ્યો છું, માત્ર એના વાળની સુગંધ…..’
તે પછીના રવિવારે શ્યામ આવ્યો ત્યારે સુધાએ વાળ ધોયા હતા. ત્યાર પછી દર રવિવારે એ પહેલું કામ વાળ ધોવાનું કરતી. એક રવિવારે અનુએ સવારે ઊઠતાંવેંત પૂછ્યું હતું :
‘આજે પણ તું વાળ ધોવાની છે ?’
સુધાને પહેલી વાર પોતાની દીકરીનો ભય લાગ્યો હતો. એને ખબર પણ ન પડી અને એની દીકરી મોટી થઈ ગઈ હતી.
********

દશેરાના વેકેશનમાં અનુની સ્કૂલના વિદ્યાર્થીઓ હિમાચલ પ્રદેશના પ્રવાસે જવાના હતા. અનુને જવું હતું. સુધા એને એકલી મૂકવા તૈયાર નહોતી.
‘પણ શા માટે, મમ્મી ?’ અનુ નારાજ થઈ ઊઠી હતી.
‘બસ…. તું આટલા બધા દિવસો એકલી જાય તે મને ગમતું નથી.’
‘મારે જવું છે, મમ્મી ! અમારાં મેમે હિમાચલના પહાડોની કેટલી બધી વાતો કરી છે. મારે તે બધું જોવું છે.’
‘તે જશું ને ! આપણે જશું, બસ ? શ્યામઅંકલનું ગામ જ હિમાચલમાં છે… આપણે એમને કહેશું તો….’
‘હું સ્કૂલની ટ્રિપમાં જ જઈશ.’
વાત ટાળવા માટે સુધાએ કહ્યું હતું : ‘સારું…. સારું…. હું શ્યામઅંકલને પૂછી જોઈશ.’
સુધાએ શ્યામને પૂછ્યું હતું. શ્યામને અનુ સ્કૂલની ટ્રિપમાં જાય તેમાં કશું વાંધાજનક લાગ્યું નહોતું. સુધાને કઈ વાતનો ડર લાગતો હતો તે એને સમજાયું નહોતું. શ્યામે અનુને બોલાવી હતી.
‘તું ટ્રિપમાં જવા માગે છે ને, અનુ ?’
‘તમને કોણે કહ્યું ?’
‘તારી મમ્મીએ.’
‘એણે તમને શા માટે પૂછ્યું ?’
‘કેમ ? એ ડરે છે ! પણ તું તો હિંમતવાન છોકરી છે ! તું જજે, ઓકે ?’
અનુ થોડી વાર શ્યામ સામે જોતી રહી હતી, પછી બોલી હતી : ‘ના, મારે નથી જવું.’

પછી એક દિવસ અનુ શિમલા ચાલી ગઈ હતી. એણે એ નિર્ણય શા માટે લીધો હતો તે વિશે સુધાના મનમાં કોઈ સંશય નહોતો. એ શા માટે વેકેશનમાં પણ દિલ્હી આવતી નહોતી તે વિશે પણ સુધા સ્પષ્ટ હતી. ક્યારેક એ વિચારતી કે એ અનુ સાથે ખૂલીને વાતો કરે. અનુને જે સમજાતું હતું તે અને જે સમજાતું નહોતું તે બધાની વિગતે વાત કરે, છતાં કશુંક હતું, જે સુધાને રોકતું હતું.

ચારેક મહિના પહેલાં સુધાની ઓફિસમાં બે-ત્રણ રજાઓ સાથે આવી હતી. સુધા શિમલા ગઈ હતી. હોસ્ટેલની વોર્ડનની પરવાનગી લઈને એ અને અનુ શિમલાની હોટલમાં રહ્યાં હતાં. સુધાને ઘણા વખતે અનુ સાથે મજા આવી હતી. કદાચ અનુને પણ મજા આવી હતી. અનુનું હાઈ સ્કૂલનું છેલ્લું વર્ષ હતું. એ એની સ્કૂલ, ત્યાં બનેલી સખીઓ વિશે વાતો કરતી રહી હતી.
‘અનુ, હવે તો તું દિલ્હી પાછી આવી જશે. મને તારા વિના જરા પણ ગમતું નથી.’
‘હું મુંબઈ જવાની છું.’
‘કેમ ?’
‘મારી પપ્પા સાથે વાત થઈ છે, એ મને ત્યાંની સારામાં સારી કૉલેજમાં એડમિશન અપાવવાના છે.’
સુધા અનુ સામે જોતી બેસી રહી હતી.
‘તને ખબર છે, અનુ, તું શું કરી રહી છે ?’
‘કેમ, હું શું ખોટું કરી રહી છું ?’
‘અનુ, તું મારો તો વિચાર જ કરતી નથી.’
‘તારો વિચાર ?’ અનુ એવી રીતે બોલી હતી, જાણે સુધા કોઈ અજાણી ભાષામાં બોલતી હોય. સુધાએ હોઠ દાબ્યા હતા, પછી લાંબા સમયથી જે બાંધી રાખ્યું હતું તે અચાનક છૂટી ગયું હોય તેમ એ બોલી ઊઠી હતી :
‘તું ધારે છે એવું કશું નથી, અનુ !’
અનુનું મોઢું સપાટ હતું. ત્યાં કોઈ ભાવ, કોઈ આશ્ચર્ય કે કશાય વિશેનો પસ્તાવો દેખાયો નહોતો.
‘હું કશું પણ ધારતી નથી, મમ્મી !’
‘તને ખબર નથી….’
‘મને શું ખબર નથી, મમ્મી ? ખબર તો તને નથી કે તેં મારી સાથે શું કર્યું છે.’
‘અનુ !’ ઘાંટા જેવી એક શૂલ સુધાના ગળામાં અટકી ગઈ હતી, પરંતુ એ હોઠ દાબીને બેસી રહી હતી. એ રડી નહોતી. એ રડવા માગતી નહોતી. એ ક્ષણે એને લાગ્યું હતું કે હવે કશું પણ એના હાથમાં રહ્યું નથી. એ અનુ સાથે આ રીતે વાત કરવા માગતી નહોતી. એ અનુને કહેવા માગતી હતી કે એ દિલ્હી છોડીને શિમલા ચાલી આવી છે ત્યાર પછી એ શ્યામને મળી જ નથી.

એણે ધીરેધીરે એની તંગ થઈ ગયેલી મુઠ્ઠીઓ છોડી નાખી હતી.
‘હું તને મુંબઈ જવા નહીં દઉં, શિમલા સુધી બધું ચલાવી લીધું – પણ મુંબઈ ?’
‘કેમ ? હું ત્યાં મારા પપ્પા પાસે રહીશ એ કારણે ?’
‘હા, એ જ કારણે !’ પછી સુધા અનુના છૂટા વાળમાં હાથ ફેરવવા લાગી હતી. અચાનક આવી ગયેલી ખામોશીમાં કશુંક નજીક આવી રહ્યું હતું અને કશુંક દૂર ખસી રહ્યું હતું. સુધાને લાગ્યું હતું, એ છેલ્લી તક હતી.
‘તું જાણે છે, હું અને તારા પપ્પા શા માટે અલગ થયાં ?’
અનુએ સુધાનો હાથ ખસાવી દીધો હતો અને પલંગ પરથી ઊભી થઈને બારી પાસે ચાલી ગઈ હતી.
‘તને ખબર નથી, અનુ. હું કેટલી એકલી પડી ગઈ છું…..’ સુધાએ એના અવાજમાં રુદન ભળી ન જાય તેની કાળજી લીધી હતી. બારી બહાર જોઈ રહેલી અનુ અચાનક પાછળ વળી હતી. એના હોઠ ધ્રૂજતા હતા.
‘એકલી તું નથી, મમ્મી, એકલી તો હું પડી ગઈ હતી દિલ્હીમાં, તારા ઘરમાં રહેતાં !’
‘અનુ, પ્લીઝ !’
‘મને ઈમોશનલી બ્લેકમેઈલ કરવાનું બંધ કર, મમ્મી, પ્લીઝ…. ઈનફ ઈઝ ઈનફ !’ અનુ એ સાંજે સુધા પાસેથી એની હોસ્ટેલમાં ચાલી ગઈ હતી. ત્યાર પછીનો એક આખો દિવસ સુધા શિમલામાં એકલી ફરતી રહી હતી. એ અનુને મળવા માગતી હતી, બધી વાત નવેસરથી કરવા ઈચ્છતી રહી હતી, છતાં એ એવું કરી શકી નહોતી. એને લાગ્યું હતું કે એની આસપાસ માત્ર ખીણો જ આવેલી છે. એ બીજા દિવસે સવારે બસમાં બેસીને દિલ્હી ગઈ હતી. ત્યાર પછી એ અનુને આજે મળવાની હતી, એને સ્ટેશને લેવા જશે ત્યારે…
*******

સુધા ધીરેધીરે ઊભી થઈ. થોડી વાર વરંડાની પાળ પાસે ઊભી રહી, પછી પગથિયાં પરથી નીચે ઊતરી. થોડા આંટા માર્યા. ઊભા પગે બેસીને ફૂલછોડના ક્યારા સાફ કરવા લાગી. ત્યાં તો અચાનક શું થયું તે એ ઊભી થઈ. થોડી ક્ષણો ટટ્ટાર ઊભી રહી. આકાશ સામે જોયું. તડકો વિસ્તરી ગયો હતો. એ ઘરમાં આવી. મોબાઈલ ઉપાડ્યો. કોલ કર્યો. સામે રિંગ વાગતી હતી. થોડી ક્ષણો પછી અવાજ સંભળાયો :
‘હાં, સુધા !’
‘શ્યામ, આજે અનુ શિમલાથી આવે છે. તું મારી સાથે સ્ટેશન પર આવશે ?’

[સમાપ્ત]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત
દુર્બુદ્ધિ – અનુ. રમણલાલ સોની Next »   

19 પ્રતિભાવો : પાછા વળવું – વીનેશ અંતાણી

 1. Jagdish Patel says:

  A nice story, told in a straight forward manner. It’s not about society or traditions. This is a modern woman in India of today. A strong, and loving individual. The story depicts internal conflicts between self-need and responsibility as a mother. It’s a different and a better exampleof story telling.

 2. સુંદર વાર્તા.

  ઇચ્છાઓ, અપેક્ષાઓ, ધારણાઓ…દરેક સંબંધનો આધાર આ બધા પરિબળો પર છે.

 3. Kunal says:

  ખુબ જ પરિપક્વ અને જકડી રાખે એવું નિરૂપણ ..

 4. માનવિય સમ્બન્ધ રજુ કરતિ વાર્તા એક નારિ ના એકાન્ત નુ સુન્દર નિરુપન

 5. ખુબ જ સરસ વાર્તા છે. ખુબ જ ભાવનાત્મક વર્ણન છે. થોડીક લાંબી છે. આ પ્રકારના વિષયવાળી ઘણી વાર્તાઓ વાંચી છે.

 6. nayan panchal says:

  ઘણીવાર જીવન સંબંધોના આટાપાટામાં ગૂંચવાઈ જાય છે. આપણી અન્યો પ્રત્યેથી અપેક્ષાઓ, અન્યોની આપણી પાસેની અપેક્ષા; અપેક્ષાઓની પૂર્તિનો અભાવ આપેક્ષોમાં પરિણમે છે અને સંબંધોમાં કચાશ આવી જાય છે.

  વાર્તા સારી છે અને વિચારવા પ્રેરે છે.
  આભાર,
  નયન

 7. Anila Amin says:

  માનવજીવનની એકલતાની કરૂણતા એના રુદયને કોર ખાતી હોય અને એવા સમયમાજ જ્યારે અન્ગત સમ્બન્ધો પર કોઈ

  કુઠારાઘાત કરે ત્યારેહ્રુદય બળવો કરવા તૈયાર થાય એ કેટલુ સ્વાભાવિક છે. એ અનુ અને સુધાના પાત્રમા આબેહૂબ રીતે

  તરી આવેછે. ખૂબજ સરસ વાર્તા વિનેશભાઈ, સાલ મુબારક.

 8. Chintan says:

  ખુબજ સરસ વાર્તા છે. સુધાની મનઃસ્થિતીનુ સચોટ વર્ણન કર્યુ છે.

 9. Veena Dave. USA says:

  સરસ વારતા.

  .

 10. Jagruti Vaghela USA says:

  I did not like this story at all. Story doesn’t say why Sudhaa got separated from her husband. Her own mom says
  ‘તને બહુ ઓળખું છું એની જ મોકાણ છે ને ! મને ખબર છે, તું મારી વાત માનવાની નથી… ‘ that means she is also ‘ જિદ્દી’ .
  Instead of giving more time to her teen age daughter she involve with another man. Besides she does not like when her daughter keeps relation to her own father. If possible, she should compromise with her husband who really cares and loves her own daughter. Sudhaa should learn something from Lakskmi – the lady who spends her own life to serve others and has no time to even think for lonelyness.
  આવી કેટલીયે સુધાઓ એકલતાના બહાના હેઠળ પોતાના છોકરાવનું જિવન બગાડી નાખતી હશે.

  • Jagdish Patel says:

   I think the writer of this comment needs to distinguish between what makes a good story and what she (Jagruti) would do if she were Sudha or how she would prefer Sudha to live. A good author creates characters that are interesting (sometimes even not likeable) and presents them in a story that flows well. The author doesn’t have to tell everything about Sudha’s life or explain all the reasons why she lived her life in a particular way or end the story with a closure. In fact, this story is very good because Vinesh Antani doesn’t write in a traditional way. Leaving some stuff in a right way can lead to readers’ imigination and make them think.

   • Jagruti Vaghela USA says:

    હા ભાઈ, આ તો ઈન્ડિયાની Morden Woman ની Morden Story કહેવાય એટલે એમાં બધુ અધુરુ અને ન સમજાય એવુ જ બધુ હોય morden art ની જેમ, એ ખ્યાલ મને પછી આવ્યો. બાકી, વાર્તા કઈ રીતે સારી છે અને જો હું વાર્તાની નાયિકા હોઉ તો હું શું કરુ એ બે વસ્તુ વચ્ચેનો ભેદ ( મારા જેવી traditional વિચારો ધરાવતી વ્યક્તિ) પારખવાનો પ્રયત્ન કરે તો પણ તેને વાર્તા ય સારી ન લાગે અને વાર્તા ની નાયિકા બનવાની સ્થિતિ જ ઊભી ન થાય કારણકે પોતાની માતાએ સમજાવેલી વાત માનીને પતિનો સાથ છોડે નહી.

  • Anurag says:

   100% agree with Jagruti ben.
   We dont know why sudha was seperate from her husband.
   But its fact that for third party she is ready to leave her teen age daughter.
   If the end of the story is like that sudha calling her husband to Mumbai………………
   may be it was better.But here, selfish sudha.

 11. જય પટેલ says:

  પ્રસ્તુત વાર્તા ચરમસીમાએ પહોંચવામાં અસફળ રહી છે.

  એક દિકરીની મા એવી વાર્તાની નાયિકાનું લગ્નજીવન અહંકારના વાવાઝોડામાં ફસાઈ બરબાદ થયું.
  લેખકશ્રીએ કોઈ ખુલાસો કયો નથી પણ સુધાએ ક્યા કારણસર ” એ ” નો ત્યાગ કર્યો તેના તુક્કા અસ્થાને છે.
  અનુએ મુંબઈ જવાને બદલે અચાનક દિલ્હી આવવાનો નિર્ણય કર્યો તે પણ વાચકને અસમંજસમાં નાખે છે.

  વાર્તાનો વિષય અર્વાચીન છે પણ ગૂંથણી અતિશય નબળી છે…એકંદરે વાર્તા વાચકને નિરાશ કરે છે.

 12. trupti says:

  વાર્તા મા કાંઈ ખુટતુ હોય તેમ લાગ્યુ. નાયિકા શામાટે પતિ થી છુટી થઈ અને મા-દિકરી વચ્ચે એવુ તે શું થયુ કે બેવ ના મન ઊંચ્ચા થઈ ગયા. મારા મતે વાર્તા અધુરી અને કોઈ પણ મેસેજ વિના ની.

 13. Jay Gandhi says:

  the only thing that can be appreciated from the above story is that it evokes climax at every stage and the reader constantly remains in the imagination of the unsaid things. maybe one can learn this thing to create more fulfilling and purposeful stories.

 14. Vaishali Maheshwari says:

  Thank you Vineshji Antani for this nice story. Good one!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.