અનેરું પ્રાયશ્ચિત – લીલાધર માણેક ગડા

[આ લેખ જેમાંથી સાભાર લેવામાં આવ્યો છે તે પુસ્તક વિશે તેમજ અન્ય વધુ વિગતો લેખના અંતે આપેલ તંત્રીનોંધમાં આપવામાં આવી છે. એ નોંધ જોતાં પહેલાં આ લેખ વાંચી લેવો વધુ અનુકૂળ રહેશે. – તંત્રી.]

વૈશ્વિકીકરણના યુગમાં ગરીબો ઉત્પાદનનાં સાધનો પર પકડ ગુમાવતા જાય છે. એમના પરંપરાગત આજીવિકાનાં સાધનો છીનવાઈ ગયાં છે. સામુદાયિક ઉપયોગની સંપત્તિ પર એકહથ્થુકરણનું આક્રમણ બેરોકટોક ચાલે છે. શેરબજારનો આંક (સેન્સેકસ) હજારોની સપાટી કુદાવતો જાય છે જ્યારે બીજી તરફ ખાલી પેટે રોટલા માટે રઝળપાટ કરતા લોકોની સંખ્યા સેન્સેક્સને પણ કુદાવી જાય છે. ઉત્પાદન અને આજીવિકાનાં સાધનોના અભાવમાં ગરીબો અને વંચિતો હવે જીવન જીવવાના અધિકારની લડાઈ લડે છે – વિના ખડગ અને હથિયારો.

વર્ષો અગાઉ ગામડાને આધારે જીવતા લોકો, વિચરતા અને વિમુક્ત સમુદાયના લોકો, જેની સંખ્યા આ દેશમાં આશરે બેથી અઢી કરોડની છે તેઓ આ દેશમાં રહેતા નથી, રઝળે છે. છેલ્લી સદીમાં ધીરે ધીરે હાંસિયામાં ધકેલાતા આ સમુદાયો કોણ હતા ? ક્યાં છે ? શું કરતા હતા અને શું કરે છે ? એનો તૂટક છૂટક અભ્યાસ થયો છે અને એ અંગે શોધનિબંધો પણ તૈયાર થયા છે. છતાં એનો તાદશ, વાસ્તવિક ચિતાર ભદ્ર સમાજ સમક્ષ નથી મુકાયો. એમની પરિસ્થિતિનો માત્ર અભ્યાસ કરવા માટે ઘણા તૈયાર થાય પણ તેમને સંગઠિત કરી, તેમના પ્રશ્નોને વાચા આપી, નિરાકરણ માટે કાર્ય કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય. આ સમુદાયોનો સંપર્ક કરવો પણ મુશ્કેલ, કારણ કે અમુક સમુદાયો પડાવો બદલતા રહે. આવું આકરું કામ પડકારરૂપ હતું જે માત્ર નિષ્ઠા ધરાવનાર, નિસબત રાખનાર, સમર્પિત વ્યક્તિ જ કરી શકે. અને આનું બીડું ઝડપ્યું મિત્તલબેન પટેલે, જેણે હજી ત્રીસી પણ વટાવી નથી.

સતત બે-ત્રણ વર્ષનું પરિભ્રમણ નહીં પણ રઝળપાટ, વાતો નહીં પણ સંવાદને પરિણામે મિત્તલ આ સમુદાયોની કથા-વ્યથા આપણા સુધી લઈ આવી. આ સમય દરમિયાન તે ઘણી વખત આ સમુદાયોના ગામડાના પડાવો કે વસાહતોમાં રહી છે, અડધું પડધું ભોજન લીધું છે, અડધી પડધી ઊંઘ લીધી છે, જાગરણભરી રાતો વિતાવી છે. આપણો સમાજ જેને જાકારો આપે છે, ગુનેગાર ગણે છે, તેવા આ લોકોએ શુભ્રાંત સમાજમાં તિરસ્કૃત ગણાતા વ્યવસાયો ન છૂટકે આજીવિકા માટે અપનાવ્યા છે. દારૂ ગાળવો, નાની મોટી ચોરીઓ કરવી, બહેનોનું દેહવ્યાપારમાં ધકેલાવું…. આ બધું કઈ મજબૂરી અને લાચારી એમને કરાવે છે તેની વાતો મિત્તલ કહે છે ત્યારે હૈયું વલોવાઈ જાય છે. એમની જીવનશૈલી, રૂઢિચુસ્તતા, સામાજિક વ્યવસ્થા, સામાજિક રિવાજોનું ફરજિયાત બંધન ઈત્યાદિની વાતો અંદાજે 200 પાનાંના અહેવાલ (ગુજરાતના વિચરતા-વિમુક્ત સમુદાયો)માં મિત્તલે સમાવી છે. ગુજરાત રાજ્યમાં વિચરતા અઠ્ઠાવીસ સમુદાયો અને વિમુક્ત બાર સમુદાયોની કથની આમાં આલેખાઈ છે.

મિત્તલનું કાર્ય અહેવાલ સાદર કરીને અટકી ગયું નહીં. એના અભ્યાસને કારણે મિત્તલ એ તારણ પર આવી કે અસ્થાયી રહેતા સમુદાયોને સ્થાયી સ્થાન, ઘર મળે તો એમના પ્રશ્નોના નિરાકરણની દિશામાં એક કદમ આગળ વધી શકાય. ઘર નથી એટલે સરનામું નથી, સરનામું નથી એટલે રેશનકાર્ડ બનતું નથી. રેશનકાર્ડ નથી એટલે ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ તરીકેનું પ્રમાણપત્ર (Below Poverty Line) નથી, BPL કાર્ડ નથી એટલે ગરીબોને મળતી છૂટછાટો મળતી નથી; સસ્તા દરે ઘઉં-અનાજ-કેરોસીન મળતાં નથી; સરકારી યોજનાનો લાભ નથી મળતો. અરે… મતદાર તરીકેનો અધિકાર પણ મળતો નથી. આ દેશમાં અઢી કરોડની વસ્તીને સરનામું નથી, એથી વધારે શરમજનક બીના કઈ હોઈ શકે ? અને તેથી મિત્તલનું ધ્યેય હતું કે ગુજરાતના આ ભટકતા સમુદાયોના 40 લાખ જેટલા લોકોમાંથી શક્ય તેટલાને ઘર અપાવવામાં અને સરનામું મેળવવામાં મદદ કરવાનું.

એક અપવાદરૂપ કિસ્સા તરીકે સ્થાઈ વસવાટ હોવા છતાં એક આખું ગામ કેવા દોઝખમાં સબડે છે તેની વાતો મિત્તલ પાસેથી સાંભળીને કંપારી છૂટે છે. આ વાડિયા ગામ અંગે કેટલાય સમાચારપત્રો-સામાયિકો ખાસ કવરસ્ટોરી બનાવીને લખતાં હોય છે પણ એનો પૂર્વ ઈતિહાસ જાણીએ ત્યારે એની મજબૂરી અને કરુણ કથનીનો ખ્યાલ આવે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકેથી બે કિ.મી. દૂર આવેલા બુઢણપુર ગામના અને હાલમાં વડગામડા-વાડિયામાં સરાણિયાના આશરે 150 પરિવારો વસે છે. સરાણિયાનો પરંપરાગત વ્યવસાય છરી ચપ્પાંની ધાર કાઢવાનો, બળદના સાટા-દોઢા કરવાનો. પોતાના વ્યવસાયના ભાગરૂપે આ પરિવારો ફરતા રહે. એક ગામથી બીજે અને ત્યાંથી ત્રીજે એમ સતત સ્થળાંતર કરે. જે ગામ સાથેનો તેમનો વ્યવહાર સારો હોય ત્યાં ચોમાસું ગુજારે. સરાણિયા મૂળ રાજસ્થાનના વતની. એવું કહેવાય છે કે મહારાણા પ્રતાપના સૈન્યમાં હથિયાર સજાવવાનું કામ સરાણિયા કરતા. અકબરે ચિત્તોડગઢ પર ચડાઈ કરી અને મહારાણા પ્રતાપે ચિત્તોડગઢ છોડ્યું અને ચિત્તોડગઢ પરત ના મળે ત્યાં સુધી ચિત્તોડગઢમાં પગ નહીં મૂકું તેવી ટેક લીધી. ત્યારે તેમની સાથે તેમના વફાદાર સૈન્ય તથા અન્ય લોકો નીકળી ગયા. રાણા પ્રતાપે નાની હલ્દીઘાટીમાં છુપાઈને અકબર સામે યુદ્ધની તૈયારી શરૂ કરી. તેમનું સૈન્ય એકત્રિત થવા લાગ્યું. હથિયાર સજાવનારા પણ તેમની સાથે હતા. પરંતુ મહારાણા હાર્યા અને તેમનું મૃત્યુ થયું. તેમનું સૈન્ય વિખેરાઈ ગયું. પરંતુ, રાણા પ્રતાપની સાથે લીધેલી ટેકના કારણે હથિયાર સજાવવાવાળા પરિવારો ચિત્તોડગઢ પરત ના ગયા અને ગામેગામ ફરી છરી-ચપ્પાં અને ખેતીનાં ઓજારોને સજાવવાનું શરૂ કર્યું. હથિયાર સજાવવા માટે વપરાતા સરાણ ઉપરથી આ સમુદાયનું નામ સરાણિયા પડ્યું.

સરાણિયા સમુદાયના કેટલાક પરિવારની બહેનો રાજા-રજવાડાંમાં નાચગાનની પ્રવૃત્તિ પણ કરતી. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સરાણિયા સરાણ પર હથિયાર સજાવવાનું કામ ધીમે ધીમે ઓછું કરતા ગયા અને કાળક્રમે તે બંધ જ થઈ ગયું. તેઓ ઝડપથી સ્થાઈ વસવાટ કરતા થયા. (જ્યારે સરાણ લઈ છરી-ચપ્પાંની ધાર કાઢવાવાળા આજે પણ સ્થાઈ થઈ શક્યા નથી.) પરંતુ સમાજ તેમને પોતાને ત્યાં વસાવવા તૈયાર નથી. થરાદ પાસેના બુઢણપુરમાં આવા સરાણિયા પરિવારો બસો ઉપરાંત વર્ષથી સ્થાઈ વસે છે. આ સિવાય રાજસ્થાનના સમદળી, ડુંગરપુર તથા કરનાવા ગામમાં પણ સરાણિયા સ્થાઈ થઈ વસે છે. ત્યાં તેમનાં પાકાં મકાનો પણ છે. સ્થાઈ વસાહતોમાં રહેતી સરાણિયા બહેનો રાજા-રજવાડાંમાં નાચ-ગાન માટે જતી. પાલનપુરના નવાબ કે થરાદ, વાવ અને દિયોદરના રજપૂતો પણ લગ્ન કે સારા પ્રસંગે સરાણિયાની બહેનોને નાચગાન માટે બોલાવતા. બુઢણપુરની સરાણિયા બહેનોથી રજવાડાં રજપૂતોની મહેફીલમાં રંગ આવતો. તે સમયે આ નર્તકીનું સમાજમાં આગવું સ્થાન હતું. તેમને કોઈ ધુત્કારતું નહીં. નાચગાનની પ્રવૃત્તિમાં તેમને રાજાઓ પાસેથી સારી બક્ષીસ પણ મળતી. પરિણામે તેઓએ ગામની કેટલીક જમીન ખરીદી ત્યાં ઘર પણ બંધાવ્યાં. અંગ્રેજો આવતાં રજવાડાંની સ્થિતિ દયામણી બની. તેમાંય આઝાદી પછી તો રાજા-રજવાડાંનો યુગ જ ખતમ થયો અને સાથે સાથે આ નાચગાન કરતી ઉપરોક્ત ચારેય વસાહતોની સરાણિયા બહેનોની આજીવિકા પણ બંધ થઈ. બાપદાદાની એવી કોઈ જમીન-જાગીર નહોતી જેના આધારે જીવન જીવી શકાય. બાપદાદાનો પરંપરાગત વ્યવસાય તેઓ ક્યારેય શીખ્યા નહોતાં. આમ તેમની સ્થિતિ કફોડી થઈ. પુરુષો તો પહેલેથી બહેનોના નાચગાન પર જ નિર્ભર હતા. તેમને મહેનત મજૂરી કરવું ગોઠે તેમ પણ નહોતું. બહેનો જ ઘરની તમામ જવાબદારી નિભાવતી. આમ, પરિવાર-જનોની ભૂખ ન જોવાતાં ન છૂટકે આ બહેનોએ દેહવ્યાપારનો વ્યવસાય અપનાવ્યો.

1950ના અરસામાં બુઢણપુરની ચાર બહેનો આ વ્યવસાય સાથે સંકળાઈ, જેનાથી બુઢણપુરના લોકો આ પરિવારોને ધુત્કારવા લાગ્યા. અવારનવાર અખબારમાં આ બહેનો વિષે છપાવા લાગ્યું. આ વાત મુંબઈના શ્રી જીજી મહેતા તથા વિમળાબહેનના ધ્યાને આવી. 1960ની આસપાસ તેમણે આ બહેનોની મુલાકાત લીધી ત્યારે 13 બહેનો આ વ્યવસાય સાથે સંકળાઈ હતી. જીજી મહેતા તથા વિમળાબહેન આ બહેનો સાથે એક વર્ષ રહ્યાં. આ બહેનોને તથા તેમના પરિવારને રોજગારી મળે તે માટે તેમણે સરકારમાં જમીનની માંગ કરી, પરંતુ સરકારે તેમની વાત કાને ન ધરતાં તેમણે થરાદમાં ઉપવાસ આદર્યા. પંદર દિવસના ઉપવાસ પછી સરકાર ઝૂકી. થરાદના ભીમસીંગ દરબારનું 208 એકરનું વીડ થરાદથી 15 કિ.મી. દૂર આવેલા વડગામડામાં હતું. સરકારે આ જમીન આ બહેનોને આપવાનું કહ્યું. દરબારે વાંધો લીધો પરંતુ રજવાડાનું ભારતમાં વિલીનીકરણ થઈ જતાં વીડ હવે સરકારનું થઈ ગયું છે તેવો જવાબ સરકાર દ્વારા આપવામાં આવ્યો અને દરબારે પણ તે પછી કોઈ વાંધો લીધો નહીં.

થરાદ સૂકો વિસ્તાર, સક્ષમ ખેડૂત પાતાળકૂવાની સિંચાઈ કરી ખેતી કરે. પરંતુ ગરીબોને તો વરસાદી ખેતી ઉપર જ આધાર રાખવાનો. વીડમાં વસાવેલા સરાણિયાના વિસ્તારને વડગામના વાડિયા તરીકે ઓળખાવાનું શરૂ થયું. 205 એકર જમીન ઉપર 100 પરિવાર નભી શકે તેમ નહોતું. વળી, ફાળવાયેલી કુલ જમીનમાંથી કેટલીક જમીન ઉપર આસપાસના વગ ધરાવતા લોકોનું દબાણ હતું જે આજે પણ છે. આમ ટૂંકી જમીનમાં આકાશી ખેતી ઉપર નભવું અઘરું હતું. આ વિસ્તારમાં ખેતમજૂરી પણ વર્ષમાં માંડ 10 દિવસ મળે. વળી, સરાણિયાની છાપ ખરાબ એટલે કોઈ મજૂરી માટે પણ ન બોલાવે. મજબૂરીથી સરણિયા બહેનોએ ફરીથી શરીર વેચવાનું શરૂ કર્યું. વાડિયાના સરણિયાનો જીવનસંઘર્ષ દિવસે-દિવસે વધુ ને વધુ કપરો થતો ગયો. દીકરી પંદર વર્ષની થાય એટલે માતાપિતા કે ભાઈ જ તેને લોહીના વ્યાપારમાં ધકેલી દે. (સરાણિયામાં છોકરા-છોકરી પાંચ-સાત વર્ષનાં થાય એટલે સગાઈ થઈ જાય. જે છોકરીની સગાઈ આ ઉંમરમાં ન થાય તે દેહ વ્યાપારમાં જોડાશે તેવું સૌ માની લે છે.) જે બહેન આ વ્યવસાય સાથે સંકળાય તેનાં લગ્ન થતાં નથી પરંતુ બાળકો થાય છે. શરૂઆતમાં આ બાળકો સાથે કોઈ લગ્ન કરતું નહોતું પણ સમય જતાં સામ-સાટે લગ્ન થવા લાગ્યાં. જે ભાઈને બહેન ન હોય તેનાં લગ્ન થવાં મુશ્કેલ છે. આ યુવાનો બીજી જ્ઞાતિની કન્યા તગડી રકમ વ્યાજે લાવી અમદાવાદ જેવાં શહેરોમાંથી કન્યાવિક્રય કરનારા દલાલો પાસેથી ખરીદે છે. જે આજે પણ ચાલુ છે. દેહ વ્યાપારમાં જોડાયેલી બહેન પરિવાર સાથે રહે છે. સમય જતાં તે પરિવારથી અલગ પોતાનું ઝૂંપડું ઊભું કરી રહેવાનું શરૂ કરે છે અને પોતાનું તથા બાળકોનું ભરણપોષણ કરે છે. બહેનની ઉંમર થતાં તેની દીકરીઓ તેનું ભરણપોષણ કરે છે. આમ આ વિષચક્ર ચાલ્યા કરે છે.

વાડિયામાં રાત-દિવસ ખાનગી વાહનો આવતાં. ઉપરાંત ઘણી બહેનો થરાદ, પાલનપુર, ડીસા, માઉન્ટ આબુ તથા સ્થાનિકમાં થરાદના દલાલો મારફત જતી, જે આજે પણ ચાલુ છે. જોકે વિચરતા સમુદાય સમર્થન મંચ સાથે કામ કરતાં શારદાબહેન ભાટી વાડિયામાં નિયમિત જાય છે. આમ, મિત્તલ અને અન્યોના સઘન સંપર્કથી વાડિયામાં આવતાં વાહનોની સંખ્યા ખૂબ ઓછી થઈ છે. ઘણી બહેનોએ આ વ્યવસાય છોડ્યો છે. 30 જેટલી બહેનો ફકત એક પુરુષ સાથે સંબંધ રાખતી થઈ છે છતાં આજે પણ ઘણી બહેનો આ વ્યવસાય સાથે જોડાયેલી છે તે હકીકત છે. તેઓમાંની ઘણી બહેનો આ વ્યવસાય છોડવા ઈચ્છે છે પરંતુ વૈકલ્પિક રોજગાર ન મળવાના કારણે મજબૂરીથી આ વ્યવસાયમાં જોડાઈ રહેવું પડે છે. વાડિયાનાં સુશ્રી ભીખીબહેન આ અંગે જણાવે છે કે, ‘આવી જિંદગી અમને પણ ગમતી નથી. આજુબાજુના ગામના લોકો અમને મજૂરી માટે બોલાવતા નથી, કોઈક બોલાવે તો મજૂરીએ જઈએ છીએ પણ લોકો ખરાબ નજરથી જુવે છે. ગામના યુવાનો થરાદ કે આસપાસના ગામમાં જાય તો બીજા ગામના પુરુષો ‘તારી બહેનનો ભાવ શું છે ?’ તેવું પૂછે છે. આથી કંટાળીને છોકરાઓએ બહાર જવાનું બંધ કરી દીધું.’ …..આવા વાડિયા ગામમાં મિત્તલ પહોંચી. ગામલોકોને અને એ બહેનોને મળી. સહાનુભૂતિ સાથે વાતચીત કરતી મિત્તલ પાસે બહેનો પોતાની કથની કહેતી જાય. ત્રીજા દિવસે એક પ્રૌઢા 13 વર્ષની છોકરીને લઈ આવી અને મિત્તલને એ છોકરીને પોતાને ઘેર લઈ જવા વિનંતી કરી. તેણે કહ્યું કે જો તેને આજે અહીંથી દૂર નહીં લઈ જવાય તો આવતી કાલે એનો બાપ એને પાલનપુર લઈ જશે અને એને નરકમાં ધકેલી દેશે. ભીરૂ કબૂતરની જેમ ફફડતી નિર્દોષ સોના મિત્તલને વળગી રહી અને અશ્રુભરી આંખે આર્જવી રહી હતી. લાગણીભર્યા લોચને મિત્તલ એને નીરખતી રહી, માથે માયાળુ હાથ ફેરવતી રહી અને એથી વિશેષ એ કશું કરી શકી નહીં. મિત્તલની મજબૂરી હતી કે સોનાને તે ક્યાં લઈ જાય ? ક્યાં સાચવે ? અને એને એ દોઝખમાંથી કેમ ઉગારે ?

મિત્તલ આંખો બંધ કરી વિચારતી હતી એટલામાં એનો બાપ આવ્યો અને સોનાને મિત્તલ પાસેથી છોડાવીને લઈ ગયો. ગાયને વાછડીથી દૂર લઈ જવાય ત્યારે ગભરૂ વાછડી ગાયને નીરખતી રહે એમ સોના મિત્તલને જોતી રહી અને વાછરા વછોયી ગાવડીની જેમ મિત્તલ પણ સોનાને જોતી રહી. 13-14 વર્ષની નિર્દોષ બાળકી માટે પોતે કશું કરી શકી નહીં તેવો અપરાધ ભાવ મિત્તલને ડંખતો રહ્યો. તે જાણતી હતી કે સોનાના બાપને સોનાની નથની ઉતારનાર કોઈ હીરાના વેપારીનો નબીરો તગડી રકમ આપશે. મિત્તલ રાત્રે વાડિયામાં જ રોકાઈ ગઈ. સવારે સોના ઘરે પાછી આવી ત્યારે એના દીદાર સાવ ફરી ગયા હતા. સોનાને જોઈ મિત્તલ મોટેથી રડી પડી. અને એ રૂદનમાંથી એના નિશ્ચયે નવો વળાંક લીધો. એણે મનોમન નક્કી કર્યું કે ગમે તેવી કસોટી થાય પણ વાડિયા ગામના થોડા પણ પરિવારોનું પુનર્વસન કરી સોનાને બચાવી ન શકી તેનું પ્રાયશ્ચિત કરીશ. અને ત્યારથી શરૂ થયો મિત્તલનો નવો સંઘર્ષ. સરકારી દફતરે, સંસ્થાઓના દરવાજે, સખીદાતાઓને ઉંબરે સો વખત ગઈ અને ઊતરી જેને પરિણામે દોઢ વર્ષ પછી… સરકારશ્રી દ્વારા ગામમાં પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત લોકોનાં પાકાં મકાન બનાવવા માટે વ્યક્તિ દીઠ રૂ. 40,000 મંજૂર થઈ ગયા. કુલ 100 લોકોએ મકાન માટે અરજી કરી હતી, પરંતુ અધિકારીને આ ગામમાં કોઈ કામ કરવાની ઈચ્છા નહીં. તેમણે શરૂઆતમાં 47 મકાનો માટે સહાય આપવાનું મંજૂર કરેલું પરંતુ બનાસકાંઠાના કલેકટર શ્રી હારિત શુકલના પ્રયાસથી 83ના આંકડા સુધી પહોંચી શક્યા.

મિત્તલે આખા ગામને કલેકટરશ્રીની મદદથી અંત્યોદય કાર્ડ અપાવ્યાં છે. છતાં ગામમાં કેટલાય પરિવારો એવા છે જેને બે ટંકનો રોટલો મળતો નથી. તેથી નાની દીકરીને પણ તેઓ આ વ્યવસાયમાં મજબૂરીના માર્યાં મૂકી દે છે. બે વર્ષના સઘન પ્રયત્ન પછી આજે ગામની બે દીકરીઓને અમદાવાદ પાસેની આશ્રમશાળામાં ભણવા માટે મૂકી છે. બીજી સાત દીકરીઓ પણ ભણવા માટે તૈયાર થઈ છે, જે આનંદદાયક વાત છે. આ ગામમાંથી નવી પેઢી પેઢી બહાર નીકળે, ભણતી થાય તો જ ગામમાં પરિવર્તન આવી શકે તેવું લાગે છે. આખા ગામમાંથી ચંદ્ર નામનો એક માત્ર છોકરો નવમા ધોરણમાં ભણે છે. સિદ્ધપુર યોગાંજલિ આશ્રમમાં તેને ભણવા મૂક્યો છે. ચાલુ સાલે 20 દીકરીઓનાં લગ્ન અથવા સગાઈ થયાં તે પણ ખૂબ આનંદની વાત છે…

આવા સંજોગોની વચ્ચે મિત્તલની મારી સાથે મુલાકાત થઈ. દિલ ખોલીને મિત્તલ વાતો કરતી ગઈ અને હું એની ઝિંદાદિલી, સંઘર્ષની તલપ અને કર્મઠતા પર ઓવારી ગયો. મેં એને આશ્વાસન આપ્યું કે તને હું શક્ય એટલી મદદ કરીશ. માત્ર આર્થિક રીતે નહીં પરંતુ આ પરિવારોના પુનર્વસનમાં તારી સાથે રહીને કામ કરવામાં મારું સદભાગ્ય માનીશ… અને મિત્તલે અમારી પાસેથી વિદાય લીધી.

[તંત્રીનોંધ : પ્રસ્તુત લેખ ‘પ્રાયશ્ચિતનું પ્રથમ પગલું’માંથી ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં મિત્તલબેનના કાર્યની શરૂઆત અને તેમના સંઘર્ષ વિશે અનેક પ્રસંગો સવિસ્તાર વર્ણવવામાં આવ્યા છે. આ પુસ્તક 2009માં પ્રકાશિત થયું છે પરંતુ તે પછી તેમણે આ ક્ષેત્રે પુષ્કળ કામ કર્યું છે, જેની વિગતો આપ આ લીન્ક ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો : (1) ગુજરાતના વિચરતા અને વિમુક્ત સમુદાયો અને (2) વિચરતા સમુદાય સમર્થન મંચ-વાર્ષિક અહેવાલ. અત્રે ઉલ્લેખનીય છે કે વિચરતી જાતિના કલ્યાણ માટે પૂ. મોરારિબાપુએ ચાલુ વર્ષે મિત્તલબેનને કથા આપી છે જે તા. 12મી માર્ચ, 2011થી વગડામાં વિચરતી જાતિઓના વસવાટ વચ્ચે એન્ડાલા ગામ (તા. માંડલ, જિ. અમદાવાદ) ખાતે શરૂ થશે. મિત્તલબેનના આ કાર્યની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. જેઓ કોઈ તેમને સહયોગ માટે પત્રપુષ્પ આપવા ઈચ્છતા હોય તેઓ મિત્તલબેનનો આ સરનામે vssmgujarat@gmail.com અથવા આ નંબર પર +91 9099936011 પર સંપર્ક કરી શકે છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દુર્બુદ્ધિ – અનુ. રમણલાલ સોની
બસ ચૂકી ગયા…. – ડૉ. પ્રદીપ પંડ્યા Next »   

23 પ્રતિભાવો : અનેરું પ્રાયશ્ચિત – લીલાધર માણેક ગડા

 1. વાંચી ને રુંવાટા ઉભા થઇ ગયા…..!

  મિત્તલબેન ને ધાન્યવાદ આપીએ એટલા ઓછા છે

 2. gopal says:

  ભગવાન મિત્તલબેનને ખૂબ શક્તિ આવા કામ કરવા માટેઆપે એ જ પ્રાર્થના

 3. trupti says:

  સોના નો કિસ્સો વાંચી ને રૂંવાટા ઊભા થઈ ગયા.
  સારુ કાર્ય કરવા બદલ મિત્તલ બહેન નો અભાર માનીયે તેટલો ઓછો અને ભગવાનને પ્રાથના કરીએ કે તેમને તેમના કાર્ય પાર પાડવા માટે તેમને શક્તિ આપે.

 4. Kinjal Thakkar says:

  I can’t stop my tears..
  we appreciate you mitalben!!!

 5. garvi gujrati says:

  I was thinking like GEETA from SWADES is just a movie character .

  But after reading this, i have no words to praise Mittal ben’s work.

  It is very much surprising that still in this terrible world few of great humans still alive and working for no personal benefits.

  But i can imagine the joy which is of highest quality with work satisfaction.

 6. અશોક જાની 'આનંદ' says:

  ખરેખર હ્રદયસ્પર્શી અહેવાલ, મિત્તલબેનનું અભિયાન ચોક્કસપણે કબિલ્-એ-દાદ્ છે, માત્ર દ્રઢ નિર્ધારથી જ આવાં અભિયાનોની નૈયા પાર ઉતરતી હોય છે. આપણા જેવાં સંવેદનશીલોએ આમાં જે રીતે ફાળો આપી શકાય તે રીતે આપવો જોઇએ..

 7. Jigisha says:

  Hats off to Mittal and her spirit…. In this fastly moving world where everybody is just working for him/her self and family…… Mittal is working only for the people who are left for miserable life by the rest of the world…….

  She has inspired us to think and to do something for such needy people….

  All the very Best to her…..

  Jigisha

 8. Ami Patel says:

  Speechless!!!

 9. shwetal says:

  I Can not stop tears from my eyes. very imotional. hats off to Mitalben……..heart touching!!!!

 10. Ami Thakkar says:

  very good work mittal ben..,
  may god help u to do more,,
  u r the inspiration of young generation,to do some ssocial work like this.
  thanks,
  Ami.

 11. Anila Amin says:

  શરૂઆતમા સરાણિયો શબ્દ વાચતા ‘સામ્રાટ અને સલાટ ‘ કાવ્ય યાદ આવી ગયુ પણ આગળ વાચતા તો હ્રુદય હચમચી ગયુ.

  સરાણિયાઓની દયાજનક અને કફોડી સ્થિતિ જોઈને કમ્પારિ છૂટીગઈ. શુ લખવુ એજ સમજ ના પડી. સરકારીનેતાઓ કુરશી માટે લડેછે

  પૈસાના ઠગલા બેન્કોમા ભેગા કરેછે એનાકરતા અવાલોકો માટે લડૅઅને કઈક કરે, ક્ન્યાવિક્રયજેવા દૂષણને દૂર કરવા કટીબદ્ધ

  થાયતે વધુ ઉચિત લેખાય. નહિતો તો પછી ઉમાશન્કર જોશીએ તેમના એક કાવ્યમા લખ્યુછેનેકે “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે,

  ખન્ડેરની ભસ્મ કણી ન લાધશે” એવુ ચોક્કસ બનશે. મિત્તલબેન તમારા પ્રયત્નને ખરેખર ધન્યવાદ અને તે માટે મસ્તક ઝુકાવવુજ

  રહ્યુ.

 12. Maharshi says:

  મિત્તલબેન, પ્રભુ તમને ખુબ શક્તિ આપે જેથી આપ આવો અદભુત યજ્ઞ કરી શકો…. પૂ. મોરારિબાપુના સહિયોગથી આપના કાર્યને જરુર બળ મળશે. સીતારામ..

 13. nayan panchal says:

  આ લેખ વાંચીને મારુ મસ્તક શરમથી ઝૂકી ગયું. વધુ કંઈ લખવુ નથી.

 14. Jagruti Vaghela U.S.A. says:

  મિત્તલબેન તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આ કાર્ય પૂરુ કરવા ભગવાન તમને યોગ્ય સાથ સહકાર અને શક્તિ આપે તેવી પ્રાર્થના.

 15. Sakhi says:

  I can’t stop my tears ,Mitalben Very Very good work you are doing I am so proud of you.

 16. Veena Dave. USA says:

  બેન મિત્તલ,
  સેલ્યુટ . કલ્પના પણ ના કરી શકાય એવા કાર્યને તમે સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારા અદભુત કાર્ય માટે ધન્યવાદ અને તે માટે તમને યોગ્ય સહકાર અને શક્તિ મળી રહે તેવી ઇશ્વરને પ્રાર્થના.

 17. Pravin Shah says:

  મિત્તલબેનના પ્રયત્નોને અભિનંદન

 18. Mittalben, Mittalben what can I,say? What an excellant and humanitarian task you have undertaken.

  These kind of work required inner feelings,encougements through financial support as well from others.

  In near future my fair share toward this worthy cause in your mail box. Wish others will do the like wise.

  Thank you very much and keep up the good work. Hatts off to you.

  Karasan G.Bhakta Texas USA

 19. KANUBHAI PATEL says:

  Mitalben

  Jay SHREE krishna

  Good Job

 20. જય પટેલ says:

  દ્રઢ મનોબળ અને સંકલ્પશક્તિથી અન્યના જીવનમાં ઉજાસ લાવવાનું ભગીરથ કાર્ય.

  સરકારીબાબુઓની બેરહમી અને અશક્યતાઓને શક્યતામાં સાકાર કરવાની ધીરજ દાદ માગી લે તેવી છે.
  ગુજરાતના પછાત વિસ્તારમાં અને ૪૫ ડિગ્રી ગરમીમાં સુખને ત્યજી વિચરતી જાતિ માટે કંઈક કરવાની ભાવના
  એ જ શિક્ષણ ઉજાળ્યું સાચા અર્થમાં કહેવાય.

  સુશ્રી મિત્તલ પટેલમાં પ્રજલ્લિત રહેલી ભાવનાને સલામ.

 21. કૌમુદી says:

  મિતલબહેનને મારી ઘણી સલામ્ – હૈયુ હચમચી જાય એવી વાત છે!
  હુ સાતમા ધોરણમા ભણતી હતી ત્યારે “વૈશાખી ભપોર” નામની કવિતા ભણવામા આવતી હતી –
  આ કવિતામા બપોરના સમયે એક છરિ ચપ્પુ સજાવવાવાળાનિ વાત હતિ
  ધોમધખતા તડકામા એ ભુખ્યો તરસ્યો કમાવા માટે ફરે છે – પણ ગ્રુહિણીઓ બારિ-બારણા ખોલીને બહાર જોતી પણ નથી.
  બહુ જ સુન્દર કવિતા અને હ્રદયદ્રાવક કવિતા હતી – તેના કવિનુ નામ યાદ નથી

 22. Jaydeep , Botswana says:

  પ્રવિન દાદા ખરે ખર મિતલબેન ના પ્રયત્ને ને અભિનદન

 23. Bhavana says:

  I will like to salute u Mitalben for doing that hardwork to bring a stable life for those peolpe who never thought..that it will happen some day,While reading a phase of sona…tears came in eyes ..God bless U.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.