દુર્બુદ્ધિ – અનુ. રમણલાલ સોની

[ રવીન્દ્રનાથ ટાગોરની અનેક વાર્તાઓનો આપણા આદરણીય બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીને અનુવાદ અને ભાવાનુવાદ કર્યો છે. આ વાર્તાઓ એટલી સુંદર રીતે અનુવાદિત થઈ છે કે મૂળ ગુજરાતીમાં જ જાણે લખાઈ હોય તેમ લાગે ! મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્ત ધન’માંથી આજે એક અનુવાદિત વાર્તા માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામ રમણલાલ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ગામડાગામનો એક દેશી દાક્તર હતો. નામ રઘુનાથ.
પોલીસ થાણાની બરાબર સામે એનું ઘર હતું. દાકતર જેટલો જમરાજનો ગોઠિયો હતો એના કરતાં દારોગા સાહેબનો ઓછો નહોતો; પરિણામે, જેમ મણિથી કંકણની શોભા વધે છે અને કંકણથી મણિની શોભા વધે છે તેમ દાક્તરથી દારોગાની અને દારોગાથી દાક્તરની આર્થિક શ્રીવૃદ્ધિ થતી જતી હતી. દારોગા લલિતબાબુની સાથે દાક્તરને ખાસ દોસ્તી હતી. દાક્તર વિધુર હતા. તેમની સ્ત્રી એક દીકરીને મૂકી ગુજરી ગઈ હતી. દારોગા સાહેબને ત્યાં તેમના સગાની એક છોકરી ઊછરતી હતી, તેથી દારોગા સાહેબ ઘણી વાર દાક્તરને ફરી પરણવાનો આગ્રહ કરતા જેથી એ છોકરી ઠેકાણે પડે. પણ શશી દાક્તરની એકની એક દીકરી હતી, અને દાક્તર એ છોકરીને અપરમાના હાથમાં સોંપવા રાજી નહોતો.

આમ સમય જતો હતો.
શશીની ઉંમર બાર વરસની થઈ ગઈ હતી, તેરમું બેઠું હતું. પરંતુ સારા મોટા ઘરમાં પરણાવવી હોય તો ઠીકઠીક પૈસો જોઈએ. એવા એક કુટુંબમાં આ વિષે વાતચીત પણ થઈ ગઈ હતી. તે માટે જોઈતા રૂપિયા વિષે દાક્તર વિચાર કરતો બેઠો હતો, એવામાં એક માણસ આવીને દાક્તરના પગ પકડી રોવા લાગ્યો. એ હતો હરિનાથ મજૂમદાર. એને એક વિધવા દીકરી હતી અને તે રાતોરાત મરી ગઈ હતી. દારોગા સાહેબે હરિનાથને બોલાવી ધમકાવ્યો હતો કે ‘છોકરી એના મોતે નથી મરી, પણ એનું મોત નિપજાવવામાં તારો હાથ છે. હું શબની તપાસ કરાવું છું.’ હરિનાથને છોકરી મરી ગયાના દુઃખમાં આ બીજું દુઃખ આવી પડ્યું હતું. તેણે દાક્તરના પગમાં પડી રોતાં રોતાં કહ્યું : ‘દાક્તર સાહેબ, તમે દારોગા સાહેબના મિત્ર છો, ગમે તેમ કરી મને બચાવો !’

દાક્તરને થયું કે લક્ષ્મી આજે મારા પર પ્રસન્ન થઈ છે અને વગર બોલાવી આવીને હાજર થઈ છે. તેમણે ગંભીર મુખ કરી કહ્યું : ‘મામલો બહુ ગંભીર છે.’ આમ કહી એમણે એવા બે-ત્રણ દાખલા બનાવી કાઢીને કહ્યા કે વૃદ્ધ હરિનાથ ધ્રૂજતો ધ્રૂજતો બાળકની પેઠે રડવા લાગ્યો. વિસ્તારથી કહેવાની જરૂર નથી – દીકરીનો અગ્નિસંસ્કાર કરવાની રજા મેળવવા જતાં હરિનાથ ભિખારી થઈ ગયો. દાક્તરની દીકરી શશીએ દાક્તરને કરુણ સ્વરે પૂછ્યું :
‘બાપા, પેલો ડોસો તમારા પગ પકડીને કેમ આટલું રોતો હતો ?’
જવાબમાં દાક્તરે એને ધમકાવી કાઢી : ‘જા, તારું કામ કર ! તારે એ બધું જાણીને શું કામ છે ?’

હવે સત્પાત્ર શોધીને શશીને પરણાવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો. લગ્નનો દિવસ પણ નક્કી થઈ ગયો. એકની એક દીકરીનાં લગ્ન હતાં, તેથી દાક્તરે જમણવારની ભારે તૈયારીઓ કરાવી હતી. પડોશણો કામમાં મદદ કરવા આવી હતી. કૃતજ્ઞ હરિનાથ તો રાતદિવસ ટાંટિયાતોડ કરતો હતો. પણ અચાનક પીઠી ચોળવાને દિવસે રાતે ત્રણ વાગ્યે શશીને કોગળિયું (કોલેરા) થઈ આવ્યું. ઘણા ઈલાજો કર્યા, પણ કાંઈ વળ્યું નહિ, રોગ વધતો જ ગયો. એકાએક દાક્તરને થયું કે મારા જ પાપે મારી દીકરી મરે છે. દવાઓની શીશીઓ ફેંકી દઈ એ હરિનાથના પગમાં પડ્યો ને દીન સ્વરે કરગરવા લાગ્યો : ‘મને માફ કરો, ભાઈ ! મને પાપીને માફ કરો ! મારે સંતાનમાં જે કહો તે, આ એક દીકરી છે. એને બચાવો !’
હરિનાથ બેબાકળો થઈને બોલ્યો : ‘દાક્તર સાહેબ, આ શું કરો છો ? હું તો આપનો સદાનો ઓશિંગણ છું. કૃપા કરી મને પગે પડશો નહિ !’
‘વગર વાંકે મેં તમને હેરાન કર્યા છે ! તમારા પૈસા પડાવી તમારી પાયમાલી કરી છે ! એની જે સજા કરવી હોય તે ભગવાન મને કરે, પણ મારી શશીને બચાવે !’ આમ કહી હરિનાથનાં જૂતાં લઈ એણે પોતાના માથામાં મારવા માંડ્યાં. હરિનાથે ગભરાઈને દાક્તરના હાથમાંથી જૂતાં પડાવી લીધાં. બીજા દિવસે દશ વાગ્યે, શરીર ઉપર પીઠીનો પીળો રંગ લઈને શશી પરલોક ચાલી ગઈ.

બીજે જ દિવસે દારોગા સાહેબે દાક્તરને કહ્યું : ‘દાક્તર, હવે પરણી નાખો ! ઘરમાં કોઈ જોનારું-મૂકનારું તો જોઈશે ને ?’ છાતી ફાટી જાય એવા દુઃખ-શોકની પણ જરી મર્યાદા નહિ ! આજે દાક્તરને એનું ભાન થયું. હવે નવરાશના વખતે દાક્તર ઘરમાં એકલો બેઠો હોય ત્યારે કોઈ કોઈ વાર એને એની દીકરી યાદ આવે છે અને એનો પેલો કરુણ કંઠસ્વર સંભળાય છે : ‘બાપા, પેલો ડોસો તમારા પગ પકડીને કેમ આટલું રોતો હતો ?’ દાક્તરને એટલો બધો પસ્તાવો થતો હતો કે એણે ગરીબ હરિનાથનું જીર્ણ ઘર પોતાના ખર્ચે છાઈ દીધું, પોતાની દૂઝણી ગાય એને દઈ દીધી અને પોતે રૂપિયા ભરી હરિનાથની ગીરો મુકાયેલી જમીન શાહુકારના હાથમાંથી છૂટી કરાવી આપી. શોકની અસહ્ય વેદનામાં સાંજે એકલો બેઠો હોય ત્યારે કે રાતે ઊંઘ ન આવે ત્યારે એને થતું કે મારી કોમળ હૃદયની દીકરીને, પરલોકમાં પણ એના બાપનાં દુષ્કર્મોને લીધે શાંતિ મળતી નથી, અને દુઃખીદુઃખી થઈને એ જાણે મને પૂછ્યા કરે છે ‘બાપા, તમે કેમ આવું કર્યું ?’ – આની એવી અસર થઈ કે ગરીબની દવા કરીને દાક્તર હવે તેની પાસેથી પૈસા માગી શકતો નહિ. કોઈ નાની છોકરીને માંદી જુએ તો એને થતું કે એની શશી જ આ માંદી છોકરીની અંદર વસીને રોગનું દુઃખ ભોગવી રહી છે.

ચોમાસાનો દિવસ છે. વહેલી સવારનો મુશળધાર વરસાદ પડે છે. આખું ગામ વરસાદમાં જળબંબોળ છે. ધાનનાં ખેતરોમાં ને શેરીઓમાં હોડીઓ ચાલે છે. એવામાં જમીનદારની કચેરીથી દાક્તરને તેડું આવ્યું. આ પહેલાં આવા વરસાદમાં બહાર જવાનું થતું તો ઘરમાં એક માણસ એવું હતું જે દાક્તરની જૂની છત્રી ઉઘાડીને જોતું કે એમાં ક્યાંય કાણું તો નથી ને ! વળી ચિંતાતુર સ્વરે એ કહેતું કે ઠંડી હવાથી અને વરસાદની ઝાપટથી જરી સાચવીને ચાલજો ! પણ આજે ઘરમાંથી જૂની છત્રી દાક્તરે જાતે જ શોધી કાઢવી પડી. દીકરી યાદ આવી જતાં એ મનમાં બોલ્યો : ‘જે માણસ પારકાના દુઃખનો કદી કંઈ વિચાર જ કરતો નથી તેના ઘરમાં, તેનાં સુખસગવડ કાજે ભગવાન શા સારુ આટલી સ્નેહની જોગવાઈ કરતો હશે ?’ આવા વિચારમાં દીકરીના બંધ ઓરડા આગળથી પસાર થતાં એની છાતીમાં હાહાકાર વ્યાપી ગયો. એકદમ શોકને દબાવી એ બહાર નીકળી ગયો.

હોડીમાં બેસવા જતાં એણે જોયું તો ઘાટ પર એક તરાપો બાંધેલો હતો. તરાપાવાળો કેવળ લંગોટીભર હતો અને વરસાદમાં ભીંજાતો હતો.
દાક્તરે એને પૂછ્યું : ‘શું છે ?’
એણે કહ્યું : ‘કાલે રાતે મારી દીકરીને સાપ કરડ્યો છે, એટલે થાણામાં જાહેર કરવા માટે એને લઈને દૂરના ગામડામાંથી આવ્યો છું. છોકરીના શબને ઠેકાણે પાડવા દારોગા સાહેબની રજા માંગી છે.’ દાક્તરે જોયું તો એના શરીર પરનું એક માત્ર વસ્ત્ર ‘ઉતારીન’ તેણે શબને ઓઢાડ્યું હતું. જમીનદારના દરદીને જોઈને બપોરે દાક્તરે પાછા આવી જોયું તો હજી પણ પેલો માણસ છાતીમાં હાથપગ ઘાલીને ભીંજાતો બેઠો હતો. દારોગા સાહેબ હજી પધાર્યા નહોતા. દાક્તરે પોતાના ઘેરથી તેને ખાવાનું મોકલ્યું, પણ એને એ અડક્યો નહિ.

ઝટઝટ જમી-કરીને કચેરીના દરદીને જોવા માટે એમણે ફરીથી જવું પડ્યું. ત્યાંથી સાંજે પાછા આવ્યા ત્યારે જોયું તો હજી પણ પેલો માણસ બિલકુલ જડની પેઠે ત્યાં બેઠો છે. પૂછતાં એ જવાબ દઈ શકતો નથી, મોં સામે જોઈ રહે છે. હવે તેની નજરે આ ગામ, આ થાણું, આ જળ બંબોળ પૃથ્વી – બધું સ્વપ્ન જેવું છે. ઘણા પ્રશ્નો પૂછ્યા ત્યારે એટલું જાણવા મળ્યું કે એક વખત એક કોન્સ્ટેબલ આવી પૂછી ગયો હતો કે ગજવામાં કંઈ છે ખરું ? જવાબમાં એણે કહ્યું હતું કે હું સાવ ગરીબ છું, મારી પાસે કશું નથી. ‘તો, બેટા, બેસી રહે !’ કહી કોન્સ્ટેબલ ચાલી ગયો હતો. આવાં દશ્યો પહેલાંયે દાક્તરે ઘણાં જોયાં હતાં, પણ કદી એને કશું લાગ્યું નહોતું. પરંતુ આજે એનાથી કેમે સહન થયું નહિ. એની મૃત દીકરીના કરુણ કંઠસ્વરથી વર્ષાનું આખું આકાશ જાણે ભરાઈ ગયું હોય એવું તેને લાગતું હતું. તેથી દીકરીને ખોઈ બેઠેલા એ મૂક તરાપાવાળાના અપાર દુઃખથી આજે દાક્તરની છાતી જાણે ચિરાઈ જતી હતી.

દાક્તર એકદમ વંટોળિયાની પેઠે દારોગા સાહેબને ઘેર જઈ ઊભો. દારોગા સાહેબ નેતરના મૂડામાં બેસીને લહેરથી હુક્કો ગગડાવતા હતા, અને એમની પેલી પાલિત છોકરીનો બાપ હમણાં દેશમાંથી આવેલો હતો તેની સાથે દાક્તરને લક્ષમાં રાખીને વાતો કરતા હતા.
દાક્તરે એકદમ બૂમ પાડી : ‘તમે લોકો તે માણસ છો કે પિશાચ ?’
આમ કહી ગજવામાંથી કાઢી દારોગા સાહેબની સામે રૂપિયા ફેંકી કહ્યું : ‘રૂપિયા જોઈએ તો આ રૂપિયા લો ! મરો ત્યારે એ સાથે લઈ જજો ! પણ અત્યારે પેલા માણસને છોડો અને એની દીકરીના શબને ઠેકાણે પાડવા એને જવા દો !’

બસ, દારોગા સાહેબની સાથેનો દાક્તરનો વર્ષોનો પ્રેમસંબંધ આ વંટોળિયામાં ખતમ થઈ ગયો. દાક્તરની આવી દુર્બુદ્ધિ દારોગાસાહેબથી કેમ સહન થાય ? તેમની નજરથી બચવા દાક્તરે રાતોરાત ગામ છોડવું પડ્યું.

[કુલ પાન : 228. કિંમત રૂ. 120 (આવૃત્તિ : 1998 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : ડૉ. રેણુકા શ્રીરામ સોની. સુતરીઆ હાઉસ, ત્રીજો માળ, ભાઈકાકાભવન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26460225.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાછા વળવું – વીનેશ અંતાણી
અનેરું પ્રાયશ્ચિત – લીલાધર માણેક ગડા Next »   

17 પ્રતિભાવો : દુર્બુદ્ધિ – અનુ. રમણલાલ સોની

 1. Kinjal Thakkar says:

  અંતદ્રષ્ટી કરાવે તેવી વાર્તા…….
  આપને તો ક્યાંક કોઈવાર
  દારોગા કે દાકતર સાહેબ નથી બની જતા ને ???worth reading ….

 2. chogathking says:

  It is a hard reality of life.very good article.congratulation.

 3. ખુબ સુંદર…હ્રદય વેધક.

 4. Jigisha says:

  ઘણી જ સુન્દર વાર્તા………. આવી રીતે મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર ની અન્ય ક્રુતિઓ પણ વાંચવા મળે તેવી અપેક્ષા રાખુ છું .

  જિગિષા

 5. ખુબ જ હ્રદયદ્રાવક કથા છે. મજા આવી ગઈ.

  આજના જમાનામાં ઘણા દાક્તર જેવા માણસો પોતાના સ્વજ્નોની તકલીફ જોઈ સુધરી જતા હોય છે જ્યારે દારોગા જેવા માણસો હજી જડ હ્રદયના બની રહે છે.

 6. Pravin Shah says:

  આપણા દેશના ગરીબ લોકોની સ્થિતિ જો બધા સમજે તો આ દેશના ઘણા દુખ દુર થઈ જાય.

 7. Anila Amin says:

  આવી વાર્તા વાચીએ ત્યારે ‘ ગરીબી હટાવો ‘ સૂત્ર કેટલુ બેહૂદુ અને વાંમણુ લાગે છે. પ્રશ્ન થાયછે કે ગરીબી માટૅ જવાબદાર

  કોણ? સ્વાર્થી માણસોની આ દુનિયામા જરાય ખોટ નથી .ઠોકર વાગ્યા વગર માણસ સુધરે નહિ. અન્તરાત્મા ક્યારેક તો જાગેજ.

 8. Jagruti Vaghela U.S.A. says:

  ખૂબજ હ્રદયદ્રાવક વાર્તા. દારોગા જેવા માણસો સ્વાર્થમાં માનવધર્મ ભૂલી જાય છે.

 9. nayan panchal says:

  હ્રદયસ્પર્શી વાર્તા. દાક્તર ન બની શકીએ તો વાંધો નહીં, પરંતુ દરોગા તો ન જ બનીએ એવી પ્રભુપ્રાર્થના.
  આભાર,
  નયન

 10. Pravin Shah says:

  ખુબ સરસ વાર્તા છે.

 11. Veena Dave. USA says:

  આંખમાં આંસુ આવિ ગયા.
  ‘ભગવાન કોઇને લાકડીથી મારવા આવતો નથી’
  ભગવાન આપણને હંમેશા સદબુધ્ધિ આપે એવી પ્રાર્થના.

 12. Krish says:

  વાર્ત્તા સરસ છે
  પન મને આ નથિ સમજતુ કે doctor ના કર્મ નિ સજા એનિ daughter ને શુ કામ મલે?

  in every story there will be something like this that if we do something wrong then GOD will punish us. i bellive in GOD but its just not true.

 13. Narendra Parekh says:

  ઉતમ વાતા. હમેશા આવિજ ઉતમ વાતા આપતા રહેસો.

 14. dhruti says:

  સરસ વાર્તા…

 15. Vaishali Maheshwari says:

  Very nice story. Truly heart-touching.

 16. Vishal says:

  બવ જ સરસ મને ખુબ જ ગમિ આ વાર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.