વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] 10-10-10-10નું ડીંડવાણું – ડૉ. કેશુભાઈ દેસાઈ

હમણાં 10-10-10નું ડીંડક ચાલ્યું હતું. ખોટી ઉતાવળ કરી, જન્માવાયેલાં એ બાળકો સો વરસનાં થાય – ભગવાન એમને સુખી રાખે, પણ આવી અંધશ્રદ્ધા ક્યાં સુધી ચાલવા દઈશું ? એ વિચારી લેવું જોઈએ. આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, બારમી સદીમાં નહીં !

સમય અનંત છે. એ જન્મતો નથી તેમ મરતો નથી. સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ સમય તો હશે જ. સૂર્ય સાથે સાંકળીને એને વશ કરવાની માનવજાતની બાલિશ ચેષ્ટાથી સમયની પ્રતિષ્ઠા ઝંખવાતી નથી. એણે તો એવા કેટકેટલા સૂર્યો જોઈ નાખ્યા હશે ! આપણે આ અનંત કાળની ધસમસતી નદીમાં તણાતું તુચ્છ તણખલું છીએ. સમયને નિયંત્રિત કરવાની ચેષ્ટા કેટલી હાસ્યાસ્પદ છે ! આ ’10-10-10-10’ વાળા ડીંડકથી કેટલાક ડૉક્ટરો જરૂર ન્યાલ થઈ ગયા હશે. મુર્ખતાનું આવું વરવું પ્રદર્શન હજી 2010ની સાલમાં પણ શક્ય છે, એ જોઈ સમયદેવતા જરૂર મૂછમાં હસી પડ્યા હશે. મનોમન બબડ્યા હશે : ‘અરે ભાઈ, બિચારું બાળક એકાદ બે દિવસ વહેલુંમોડું જનમશે તો કશું ખાટું મોળું નથી થઈ જવાનું. એને નાહક વહેલું જન્માવીને માતાની ગર્ભકોથળીની કુદરતી સુરક્ષા શું કામ જોખમાવો છો ? દસ-દસ-દસ-દસ વાળો યોગ સાધી લેવાથી એ ઓબામા કે મનમોહનસિંહ નથી બની જવાનું. એને ઉલ્ટાની ગુંગળામણ થશે; એની મૂંગી ચીસોની ભાષા તમે ક્યાં સમજો છો ? એ જનમતાંવેંત પોતાને ખોટી રીતે ગર્ભનિષ્કાસિત કરવા બદલ એનાં માતાપિતાને અને પૈસાના પૂજારી એવા દાક્તરને શાપ જ આપશે. આવા અકુદરતી નુસખા અજમાવી કુદરતની કૃપા મેળવવાના કારસા પ્રત્યે નફરત ન કરીએ તોય છેવટે દયા તો ખાધે જ છૂટકો. ખુદ એવી અઘટીત માગણીને અનુકુળ થનાર તબીબોનેય આ મુદ્દે આત્મવંચના જેવું તો કંઈક ‘ફીલ’ થયું હશે – જો આત્માને પૈસા ખાતર ગીરો ન મૂકી દીધો હોય તો !

સમયને નાથવાની દરેક કોશિશ દરેક કાળે નિષ્ફળ નીવડી છે. સમય જ બળવાન છે, એ એક સ્વીકારવું ન ગમે છતાં સ્વીકારવું પડે એવું જગતસત્ય છે. સમયદેવતાને મન કોઈ પોતીકું નથી કે નથી કોઈ પારકું. એને તો તુચ્છ માનવી સામે જોવાનીય ફુરસદ નથી. એને બસ, સતત વહ્યા કરવાનું છે. તોડફોડ, સર્જન-વિસર્જન કશાનું એને મન કોઈ જ મહત્વ નથી. એ તો સહજયોગી છે. પણ એ સમયને અનુકૂળ કરવા માટે કાળા માથાનો માનવી કેવા કેવા નાદાનીભર્યા નુસખા અજમાવતો રહ્યો છે ! કાળી ચૌદશે જન્મેલું બાળક પણ સેલીબ્રિટી બની શકે; એને નિયતિએ એ કામ માટે પેદા કર્યું હોય તો એને અટકાવનાર આપણે કોણ ? આ દસ-દસ-દસ-દસના શુભ મુહૂર્તે જન્મેલાં બાળકો જ કંઈક બની જશે – એ ધારણા જ મૂળે ભૂલ ભરેલી છે. મુખ્યમંત્રી જેવા પ્રબુદ્ધ રાજનીતિજ્ઞ 10-10-10નું મુહૂર્ત સાધીને મતદાન કરે અને એ મુદ્દે પાછા નસીબવંતા હોવાનો હરખ પણ મીડિયા સમક્ષ વ્યક્ત કરવાનું ન ચૂકે ત્યારે આ વિજ્ઞાનયુગમાં આપણી પ્રજ્ઞાનું દેવાળું નીકળી ગયું હોવાની જ પ્રતીતિ થાય કે બીજું કંઈ ? સમયના નામે ચાલી રહેલી આવી વરવી આત્મવંચનાને સમય ક્યાં લગી જીરવી શકશે, તે તો સમય જ જાણે ! (‘નયામાર્ગ’ સામાયિકમાંથી ટૂંકાવીને)

[2] ભીનું લાકડું અને સૂકું લાકડું – રવીન્દ્રનાથ ટાગોર

એક હતું ભીનું લાકડું.
તે એક ખૂણામાં પડ્યું હતું. પડ્યું પડ્યું વિચાર કરતું હતું કે મારે દુનિયામાં કંઈ મોટું કામ કરવું છે ને યશસ્વી થવું છે. એક દિવસ એણે એક સૂકા લાકડાને સળગતું જોયું. લાકડું ભડભડ સળગતું હતું અને એનો પ્રકાશ ચારેકોર વેરાતો હતો. નાનાં બાળકો અને બુઢ્ઢાં બધાં એની આસપાસ બેઠાં હતાં, એની આગમાં હાથપગ શેકતાં હતાં અને બોલતાં હતાં : ‘વાહ, કેવું ફક્કડ તાપણું છે ! લાકડું કેવો ફક્કડ ગરમાવો આપે છે, કેવું ફક્કડ અજવાળું આપે છે !’

ખૂણામાં પડેલું ભીનું લાકડું આ સાંભળતું હતું, જોતું હતું. બળતા લાકડાનાં વખાણ સાંભળીને તેનો જીવ ઈર્ષ્યાથી બળી જતો હતો. તે કહે : ‘આ ઠોઠમાં આટલું બધું તેજ ? એનું આટલું માન ? એનું આટલું ગૌરવ ? એનામાં શું બળ્યું છે તે ! વજન તો મારું એના કરતાં વધારે છે.’
તેણે સૂકા લાકડાને પૂછ્યું ; ‘અલ્યા એ સૂકા, તારા કરતાં હું વધારે રૂપાળું છું, વધારે તાકાતવાળું છું, છતાં તને આટલો બધો યશ કેમ કરીને મળ્યો ? તારામાં આટલું બધું તેજ કેમ કરીને આવ્યું ? તેં એવું શું કરી વાળ્યું છે તે મને સમજાતું નથી. મને તો લાગે છે કે તને આ માન, આ યશ, આ તેજ બધું મફતમાં મળી ગયું છે. એની પાછળ તારી કઈ ચાલાકી છે તે મારે જાણવું છે.’
બળતા લાકડાએ કહ્યું : ‘ભાઈ ભીના, એમાં કશી ચાલાકી નથી. ચાલાકી તો તું કરે છે, કારણ કે તારે બધું મફતમાં મેળવવું છે. આ તેજ, આ માન, આ યશ કશું મને મફતમાં નથી મળ્યું. એ મેળવવા માટે તો મારે કેટલો ભોગ આપવો પડ્યો છે. તું ભોગ આપે તો તને પણ આવું તેજ, આવું માન, આવો યશ જરૂર મળે.’
‘ભોગ ? ભોગ વળી કેવો ?’ ભીના લાકડાએ કહ્યું.

સૂકા લાકડાએ કહ્યું : ‘ભોગ કેવો તે રાજીખુશીથી જાતે બળવાનો, સ્વાહા થવાનો, જાતે નામશેષ થવાનો ! આ તેજ, આ માન, આ યશ બધું જ્યારે હું બળી નામશેષ થાઉં છું ત્યારે મને મળે છે. માટે તારે જો એ મેળવવું હોય, જીવ્યું સાર્થક કરવું હોય તો આવ, મારી પેઠે બળ ! બીજાઓને ગરમાવો દેવા, હૂંફ દેવા, સુખી કરવા તું રોમેરોમે બળીને મર અને નામશેષ થઈ નામ પામ !’
આ સાંભળી ભીના લાકડાની આંખો કપાળે ચડી ગઈ. તેણે કહ્યું : ‘બાપ રે, બળી મરું ? ના, બાપા, ના ! મને એ ન પાલવે !’
બળતા લાકડાએ કહ્યું : ‘તો ત્યાં પડ્યું પડ્યું સડ !’ (‘ગુપ્તધન’ પુસ્તકમાંથી સાભાર.)

[3] બાળકનું દષ્ટિબિંદુ – ગિજુભાઈ બધેકા

‘અરે વિનુ ! આ ચાક કોણે બગાડ્યો ?’
વિનુ કહે : ‘એ તો ચાકના ચીતર કાઢ્યાં છે.’
બા પૂછે છે : ‘અલી વિજુ ! ત્યાં ઠામ કેમ પછાડે છે ?’
વિજુ કહે છે : ‘ઠામ નથી પછાડતી; એ તો અવાજ સાંભળું છું.’
‘કાં ભાઈ ! રમકડાં કાં ભાંગી નાખે છે ?’
‘એ તો અંદર શું છે, એ જોઉં છું.’
‘ત્યાં બેઠો બેઠો બગાસાં કાં મારે છે ?’
‘બગાસાં નથી મારતો; આ કીડીઓ દરમાં જાય છે એ જોઉં છું.’

માબાપો અને બાળકો વચ્ચે થતી વાતચીત આપણે કાન અને ધ્યાન દઈને સાંભળીશું તો આવા કેટલાયે સંવાદો જડશે. ઉપર અપાયા છે તેવા ચિત્રવિચિત્ર જવાબ જ્યારે બાળકો આપણને આપે છે ત્યારે કાં તો આપણે તે લક્ષમાં જ લેતાં નથી, કાં તો તેમાં બાળકની બાલિશતા જોઈ હસી કાઢીએ છીએ. ઘણી વાર એવા જવાબોથી આપણે ચિડાઈને બાળકને ધમકાવીએ છીએ, પરંતુ બાળકે એવો જવાબ શા માટે આપ્યો તેનો વિચાર આપણે ભાગ્યે જ કરીએ છીએ.

જરાક વિચાર કરશું તો આ બધી વાતો આપણને બતાવશે કે આપણી અને બાળકની દષ્ટિમાં ક્યાં અને કેવો ભેદ છે. પણ આપણને વિચાર કરવાની નવરાશ નથી કે પરવા નથી. એવી નમાલી બાબતો પર વિચાર કરવાનું પણ શું હોય ? આપણી ઉતાવળમાં અથવા મોટાઈમાં આપણે સાંભળ્યું, ન સાંભળ્યું કરીએ છીએ. ઘણી વાર બાળકના આશયને સમજવાને બદલે તેનામાં આપણે પોતાનો વિચાર આરોપીએ છીએ, ને આરોપેલ વિચાર માટે જ તેને ધમકાવીએ છીએ ! બાળક ચાક વાપરે છે તે આપણા મનને બગાડરૂપ છે. આપણી નજરે ચાકનો ઉપયોગ અમુક જ પ્રકારનો છે. બાળકે કાઢેલા ચાકના આડાઅવળા લીટા આપણી નજરે નિરર્થક છે જ્યારે બાળકને મન એ ચિત્રો છે; આપણી દષ્ટિએ ત્યાં વ્યય છે, બાળકની દષ્ટિએ કિંમતી ઉપયોગ છે. બાળકો જોડાથી રમે છે, તેને સરખા કરી મૂકે છે, તેમાં પગ નાખી ચાલે છે, કોઈકના જોડા પહેરી મલકાય છે, ત્યારે આપણને એમાં અસભ્યતા, ગંદાપણું, ખોટો ધંધો વગેરે લાગે છે. બાળકોની સામે જોડાઓ પદાર્થોની સરખામણી અને ભેદ જોવાનાં, માપ કાઢવાનાં અને સમતોલતા, અસમતોલતા જાણવાનાં સાધનો છે. બાળકો જોડાઓથી રમીને પણ નાનામોટા માપના ખ્યાલો લે છે. પગમાં નાખીને ચાલી જોવામાં પડવાની ને ચાલવાની ગમ્મત લે છે. રમતમાં શરીરના કાબૂનો અનુભવ મળે છે.

આમ બાળકની દષ્ટિએ તેમની નાની નજીવી પ્રવૃત્તિઓમાં પણ ઘણું છે, જ્યારે આપણી દષ્ટિએ કશું નથી. ખરી વાત આપણી નહિ, બાળકની દષ્ટિ હોવી જોઈએ. જેને પોતાની આંખ છે, તેને પોતાની દષ્ટિ હોવી જોઈએ. જેને પોતાની જીભ છે, તેને પોતાના સ્વાદની પરખ જોઈએ. જેને બુદ્ધિ છે તેને પોતાની જ બુદ્ધિના વપરાશની કિંમત છે. જેઓ બીજાને પોતાની આંખ આપી બીજાની આંખ બંધ કરે છે, જેઓ પોતાની બુદ્ધિનું આસ્તરણ પાથરી બીજાની બુદ્ધિને ઢાંકે છે તેઓ બીજાની ઉન્નતિના દ્રોહી છે. આપણું કર્તવ્ય બાળકની દષ્ટિ સમજવામાં છે. બાળકનો ઉદ્ધાર તેમાં જ છે. બાળકને પણ જગત અને જીવન પ્રત્યે અમુક ચોક્કસ દષ્ટિ છે અને તે હોવી જોઈએ, એમ જો સ્વીકારીએ, અને પછીથી એ દષ્ટિને આડે ન આવીએ પણ તે સહાનુભૂતિપૂર્વક સમજવા યત્ન કરી તેની પ્રવૃત્તિઓને થવા દઈએ, તો આપણે બાળકને તેની દષ્ટિથી સમજશું; તો બાળક આપણી દષ્ટિ પણ સમજશે. આ રીતે પરસ્પરની દષ્ટિઓ સમજાતાં વધારે વિશ્વાસ આવશે, અને પરિણામે વધારે નજીક પણ આવશે અને તેથી જ વધારે આગળ વધાશે. (‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)

[4] શ્રુતિ પરંપરા – અભિજિત વ્યાસ

ભારતીય અને પાશ્ચાત્ય સંગીતમાં કેટલોક પાયાનો ભેદ રહેલો છે તે આ બંને સંગીતને સાંભળતાં સમજવો રહ્યો. ભારતીય સંગીત પરંપરા મુજબ ચાલ્યું આવે છે. ગુરુ પોતાના શિષ્યને મૌખિક રીતે સમજાવીને કે વાદ્યને વગાડીને કે ગાઈને સમજાવે છે. ગુરુ જે શિખવાડે છે તે સંગીતના રાગોનું મૂળભુત સ્વરૂપ હોય છે. પછી તે પ્રણાલીગત એક શિષ્યથી બીજા શિષ્યો પાસે અને પટશિષ્યો પાસે શ્રુતિ પરંપરાથી આગળ વધે છે. આપણે ત્યાં તાનસેન જેવો મહાન સંગીતકાર થઈ ગયો તેવું ઈતિહાસમાં નોંધાયેલ છે. પણ તાનસેન કેવું સંગીત ગાતો હતો તેનો કોઈ આધાર આપણી પાસે નથી. તાનસેનની ગાયન શૈલી ધ્રુપદ-ધમારની હતી. આજે પણ ધ્રુપદ-ધમારની શૈલીએ ગાયનની રજૂઆત થાય છે પણ પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરંપરા લેખિત કે મુદ્રિત સ્વરૂપમાં ન હોઈ તેમાં સતત ફેરફાર થતા રહેતા હોવાથી પ્રત્યેક ગાયક કે વાદક દ્વારા તે નવતર થતું જતું રહે છે, કારણ કે આ શ્રુતિ પરંપરાથી શીખવાયેલું છે. છેલ્લી સદીમાં સંગીતને શાસ્ત્રબદ્ધ કરવાના અને લિપિબદ્ધ કરવાના કેટલાક પ્રયત્નો પછી હવે ભારતીય સંગીત લિપિબદ્ધ (નોટેશન) સ્વરૂપમાં અભ્યાસ કરવા માટે મળે છે. આ માટેનું મોટું શ્રેય પંડિત વિષ્ણુ દિગંબર ભાતખંડેને જાય છે. (‘પૂર્વના અને પશ્ચિમના સૂરસાધકો’ પુસ્તકમાંથી કેટલોક અંશ સાભાર.)

[5] ચાલો, ફાનસ લઈને માણસ શોધીએ…. – ડૉ. શીલા વ્યાસ

આપણા સમાજના ચિંતકો, કેળવણીકારો અને સામાજિક કાર્યકરોને આજે માણસ શોધવાની શા માટે જરૂર પડી ? સામાજિક પ્રાણી અને કાળા માથાના કહેવાતા માનવીમાંથી માણસાઈ કે માનસિકતા ક્યાં ગાયબ થઈ ગઈ ? આવા ઘણા પ્રશ્નો શીર્ષક વાંચતા સાથે જ કાંકરીચાળાના જવાબ સ્વરૂપે ઊઠે છે. શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર અને પ્રાપ્તિ પછી આપણો સમાજ વધુ અસામાજિક, અસભ્ય અને અમાનુષ બન્યો. પરિણામે સામુહિક સમસ્યાના ઉકેલો આવવાને બદલે તે અંગે ઉલજનો વધી.

ધર્મ-અર્થ-કામ-મોક્ષના ચતુષ્તંભ પર ડગમગતી ભારતીય સંસ્કૃતિમાં અધાર્મિકતા, અંધશ્રદ્ધા, આર્થિક અસમાનતા, વિકૃત કામુકતા તથા ભૌતિક જીવન પ્રત્યે મોહ-પાશના આઘાતજનક લક્ષણો ઉમેરાતા ગયા. માનવમૂલ્યોનો હ્રાસ થતો ચાલ્યો, સંયુક્ત-વિભક્ત કુટુંબ પ્રણાલિકા/વ્યવસ્થા તૂટવા લાગી, એકલતા, વિચ્છિન્નતા, સ્વચ્છંદતા પ્રવેશવા લાગી. તેમાંય સમૂહ માધ્યમોના મારાથી માણસ ખુદ મશીન બની ગયો. સંવેદનશીલતા તથા સહનશીલતા ઘટવા લાગી, જેથી આપોઆપ અન્ય પ્રત્યેની આત્મીયતા ઓગળી. નિષ્ઠા, ફરજ અને જવાબદારીમાં તોછડા બનેલા અસભ્ય નાગરિકે વધુ વસતિ, ભ્રષ્ટાચાર, આતંકવાદ, બેકારી, ગરીબીને નોંતરી. જીવન પ્રવૃત્તિમાંથી પરમાત્મા તરફની ગતિ કરવાને બદલે પરમેશ્વરના સ્થાને પૈસાને કેન્દ્રમાં સ્થાપ્યો. આમ, ઉર્ધ્વગતિ સાધવાને બદલે અધોગતિ તરફ પ્રયાણ કરતો થયો. તેને યોગ્ય દિશા-દર્શન આપી શકે તેવા માધ્યમો ઓછા પડ્યા. પુસ્તકો-ગ્રંથો, ચર્ચા, વ્યાખ્યાનો આકર્ષી શક્યા નથી. એટલે હવે ખરા અર્થમાં માણસને માનવ બનાવે તેવી આંતરિક સૂક્ષ્મ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. સમાજના કર્મશીલોએ આ બાબતે ચિંતા કરી શૈક્ષણિક યોગ્યતા વધારવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાને બદલે આપણા સામાજિક માળખામાં બંધ બેસે તેવા સાચા માનવ ઘડતરનું ભગીરથ કાર્ય હાથ ધરવું જોઈએ. વિદ્યા તપને બદલે વિચાર તપનો વિસ્તાર કરી સ્થાનિક, પ્રાદેશિક કે રાજકીય ક્ષેત્ર-સીમા પૂરતો માનવ નહીં પણ જેને વૈશ્વિક મનુષ્ય કહી શકાય તેવા ખ્યાલો વ્યકત કરવા મથામણ કરવી જોઈએ. તો જ માનવ-માનવ વચ્ચે અનુબંધની સાંકળ રચાશે. જે માનવ સંબંધની હશે. (‘વિચાર વલોણું’ સામાયિકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બસ ચૂકી ગયા…. – ડૉ. પ્રદીપ પંડ્યા
મળે – ધ્રુવ ભટ્ટ Next »   

6 પ્રતિભાવો : વાંચન વૈવિધ્ય – સંકલિત

 1. Oll of artical r nice to teache beter

 2. Ankit says:

  સુંદર સંકલન………………

 3. nayan panchal says:

  સુંદર સંકલન.

  આવુ જ ડીંડક છાપાવાળાઓ, કેટલાક ઘેલા વાલીઓ ૧૧-૧૧-૧૧ અને ૧૨-૧૨-૧૨ માટે પણ ચલાવશે.
  આભાર,
  નયન

 4. Anila Amin says:

  ફાનસ લઈને માણસ શોધવા જવા કરતા આવા સકલિત લેખો તથા સહિત્ય દ્વારાજ માનવી શોધી શકાય વધુ લોકો

  વાચતા થાયતોઃ આ માટે મ્રુગેશ ભાઈનુ કાર્ય ભગીરથ કહી શકાય. સરસ સ્ન્કલિત લેખો પ્રગટ કર્યાછે. ધન્યવાદ.

 5. Bhavesh Merja says:

  ડૉ૦ કેસુભાઈ દેસાઈએ 10-10-10ના ડીંડક વિશે ઉચિત જ લખ્યું છે. આપણા પુરાતન વૈદિક ગ્રન્થોમાં ક્યાંય ‘જન્મપત્રિકા’નો ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો નથી. આ નર્યું પાખંડ – અવિદ્યા જ છે. મધ્યયુગીન કેટલાક ચાલાક લોકોએ એ ઊભું કર્યું અને અણસમજુઓ તેના શિકાર બન્યા. આજકાલ તો ભણેલા પણ ભારે વહેમી બનતા જાય છે, જે આપના સમાજનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. અંધશ્રદ્ધા વધતી જ જાય છે. મોટા ભાગના ધર્મગુરુઓને જનતાને જગાડવામાં રસ નથી, તેમને તો માત્ર પોતાની પૂજા કરાવવામાં, પોતાના સમ્પ્રદાયનો વિસ્તાર કરવામાં, નિરર્થક કથા-વાર્તા કરવામાં, ધનસંચય કરવામાં, પોતાની પ્રસિદ્ધિ કરવામાં જ રસ છે. હિંદુઓનાં વાહનો જુઓ – મોટા ભાગના લોકો ‘માતાજી’ની ચૂંદળી સ્ટીયરીંગ કે હેન્ડલ પર બાંધી રાખે છે ! બીજું એ કે મોટા ભાગના લોકોએ કાંડામાં લાલ-પીળા દોરા-ધાગા, ‘રક્ષાપોટલી’ વગેરે કંઈકનું કંઈક બાંધી જ રાખ્યું છે ! આ જ બતાવે છે કે આપણે કેટલા ડરપોક, અંધવિશ્વાસુ, મતલબી, ભોળા છીએ – એક દૃષ્ટિએ કેટલા ‘અભણ’ છીએ ! આનો ઉપાય એ જ છે કે લોકોમાં સત્યનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે. પાખડો, અંધવિશ્વાસો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવે. સમાજને આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩) જેવા જ્યોતિર્ધરોની આવશ્યકતા છે. આજના પ્રાયઃ કથાકારો તથા સાંપ્રદાયિક ગુરુઓ-આચાર્યો પાખંડોનો એક પ્રકારે બચાવ જ કરે છે. તેને પડકારવાનું કપરું કામ તેઓ શા માટે કરે ?
  = ભાવેશ મેરજા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.