નયનકક્ષમાં – સ્નેહલ જોષી

વિચારો ન શોધો ન બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં,
હૃદયના અધૂરા બધા ભાવની
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.

ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !

ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
ન પામી શકું છું ન ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.

દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હળવા થઈએ – ડૉ. મોહનભાઈ પટેલ
ખુલ્લી રહેતી આંખ – પ્રફુલ્લ રાવલ Next »   

1 પ્રતિભાવ : નયનકક્ષમાં – સ્નેહલ જોષી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.