- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

માથેરાન – હર્ષદ કાપડિયા

[પુનઃપ્રકાશિત]

નેરળથી મિની ટ્રેનમાં માથેરાન સુધીનો પ્રવાસ મધુર કાવ્ય જેવો લાગે. કાવ્યની એક-એક પંકિત વાંચીએ ને એની સૃષ્ટિ ખૂલતી જાય એમ આગળ વધતી મિની ટ્રેન આપણી નજર સામે માથેરાનની નવી-નવી ક્ષિતિજ ઉઘાડતી જાય. એની ગતિ ગોકળગાયનાં બે સ્વરૂપની યાદ અપાવે. એક તો એ માથેરાનના પર્વતને ચોંટીને ઉપર ચડતી હોય અને બીજું એ કે એને માથેરાન સુધી પહોંચવાની કોઈ ઉતાવળ ન હોય. બસ, એ આખી દુનિયાથી, પોતાના પ્રવાસીઓથી, આસપાસની વનસૃષ્ટિથી અલિપ્ત રહીને આગળ વધતી રહે. એ હંમેશાં પોતાનામાં મશગૂલ હોય, એટલે એ નાની બાળકી જેમ રમતી-રમતી જતી હોય એવું લાગે. કોઈકે એને સંબોધીને કહ્યું હતું : દુનિયાનું સૌથી મોટું રોલર કોસ્ટર. પણ રોલર કોસ્ટર તો ઝડપી અને ધમાલિયું. એમાં બેઠેલા લોકોના શ્વાસ અધ્ધર કરી દે. જ્યારે આ મિની ટ્રેન તમને આકાશમાં તરતા હોવાનો અનુભવ કરાવે. એનો મંદ મંદ ધ્વનિ બાજુમાંથી વહેતા ધોધ સાથે છબછબિયાં કરતો રહે ને પ્રવાસીઓને ભીંજવ્યા કરે. પરીકથામાં હોય એવાં સ્ટેશનોએ ઊભી રહે. વૃક્ષોને તાળી આપે ને રૂમઝૂમ કરતી આગળ વધે. ખોબા જેવડા હિલ સ્ટેશન માટે આવી ટચૂકડી ટ્રેનને રમતી મૂકવાની જેણે કલ્પના કરી હશે એના પ્રત્યે અહોભાવ જાગે.

માથેરાનનું સ્ટેશન પણ કહે છે : હમ કિસી સે કમ નહીં. હરિદ્વારના ગંગાઘાટની યાદ અપાવે એવા પ્લેટફોર્મ પર પગ મૂકીએ ત્યારે ટ્રેનની હાંફમાં આરોહણ સિદ્ધિનો આનંદ સંભળાય. એની વિજય પતાકાં ફરકાવતાં વૃક્ષો લહેરાય. પ્રવાસીઓ લાલ માટી પર પગલાં પાડતા હોટલ તરફ આગળ વધતા હોય ત્યારે રમતિયાળ ટ્રેનનો પ્રવાસ એમની સ્મૃતિમાં કાયમ માટે અંકિત થઈ ગયો હોય. જુઓ ને, લગભગ વીસ વર્ષ પહેલાં આ ટ્રેનની આંગળી પકડીને માથેરાન ગયો હતો. છતાં એનું દરેક રૂમઝૂમ આજેય મારા મનમાં ધમાચકડી મચાવે છે.

ટ્રેનમાં કાવ્યમય અનુભવ મળે પણ કેટલાકને એ ધીમો લાગે. એ લોકો મોટરમાર્ગે દોટ મૂકે. મોટરમાં કર્જત પાસેથી લેફટ ટર્ન લઈએ ને જાણે મોટરરેલી શરૂ થાય. લીલી સૃષ્ટિના કેન્વાસ પર ભૂરો ગણવેશ પહેરેલાં બાળકો ઊપસી આવે. આપણે ફરવા નીકળ્યા હોઈએ ત્યારે જાંબુડી પુષ્પોની પંક્તિ જેવાં આ બાળકો થોડાંક અપ્રસ્તુત લાગે. કાર ઠેબાં ખાતી ખાતી આગળ વધે. માથેરાનના પર્વતો એને પોતાની તરફ ખેંચે. અને કાર ધરતીના નાના તખ્તા જેવા માથેરાન તરફનું આરોહણ શરૂ કરે. અમુક સ્થળે ‘વ્યવસાયી’ ડ્રાઈવર ઊભા હોય. તમારા માથાના ધોળા વાળ જોઈને પૂછે : ‘અંકલ, ગાડી ઉપર લે જાઉં ? પણ એને ખબર ન હોય કે અમુક વાળ ગાડી ચલાવતાં જ ધોળા થયા છે. કાર આગળ વધે. દરેક વળાંક, દરેક ઢાળ ચક્રવ્યૂહ જેવો લાગે. જ્યાં માર્ગની ધારણા રાખી હોય ત્યાં ખીણ આવે ને ડાબો વળાંક ધાર્યો હોય ત્યાં અચાનક જમણી તરફ સ્ટિયરિંગ ઘુમાવવાનું થાય. પ્રકૃતિ સ્તબ્ધ બનીને, કાર અને ડ્રાઈવર વચ્ચેનો સંવાદ સાંભળ્યા કરે.

તમને એક ઢાળ થોડોક સરળ લાગે. તમે સેકંડ ગિયરનો ઉપયોગ કરવા ધારો, પણ કાર ના પાડી દે. એ ઘડીએ તમારે ગિયર બદલવો પડે. કારને ફર્સ્ટ ગિયર આપવો પડે. એવા ફેરફાર વખતે તમે કે કાર એક પલકારાનોય વિલંબ કરો તે ન ચાલે, કારણ કે તમારી પાછળ ઊંડી ખીણ અજગરની જેમ મોં ફાડીને બેઠી હોય. તમે જરાક ચૂક્યા કે સ્વાહા. બસ, કારનો ફર્સ્ટ ગિયર, એંજિનનો અવાજ, કારમાં બેઠેલા સહપ્રવાસીઓના હૃદયના ધબકાર, અજગરની પ્રતિક્ષા, ઢાળ પર ડાબા વળાંકની પાછળ સંતાયેલો જમણો વળાંક, જમણા વળાંકના ઢાળ પાછળ બેઠેલો ડાબો નહીં પણ જમણો વળાંક, ટાયરને સ્કિડ કરાવતા કાંકરાનો ગડગડાટ, સામેથી આવતા વાહન માટે જગ્યા કરવાનો પ્રયાસ, કેસરિયા કરવા નીકળ્યા હોય એવા ડ્રાઈવરોનાં વાહનની ધડબડાટીથી ડહોળાઈ જતી પ્રકૃતિનો નિ:શ્વાસ, અચાનક આપણી પીઠ પાછળ આવીને વળગી પડતા બાળકની જેમ નવાઈ પમાડતા ધોધની વાછટનો સ્પર્શ, ક્યારેક ડોકિયું કરીને ઊંચાઈનું માપ જણાવતી ખીણનું દ્રશ્ય અને આખા રોમાંચક પ્રવાસને અનુરૂપ અંત જેવો લગભગ 45 અંશનો ઢાળ અને યુ-ટર્ન. તમારી કાર એક જ શ્વાસે એ ચક્રવ્યૂહ પાર કરે ત્યારે દસ્તુરીનું કાર પાર્કિંગ આવે. તમે કારને અભિનંદન આપીને, ડ્રાઈવિંગનો રોમાંચક (આ શબ્દનો સાચો અર્થ પામવા તમારે પ્રવાસ જ કરવો પડે.) અનુભવ લઈને માથેરાન તરફનું પ્રયાણ શરૂ કરો ત્યારે પણ તમારા શ્વાસમાં એંજિનના ધબકાર સંભળાતા હોય.

દસ્તુરી પાસે ઘોડાવાળા, ગધેડાવાલા, ચાવાળા, કોલાવાળા, હોટલવાળા, રિક્ષાવાળાનો મધપૂડો ગણગણતો હોય. માથા પર વાંદરાનાં તોફાન ઝળુંબતાં હોય. પતંગિયાની વાંકીચૂંકી ગતિ રંગબેરંગી લય અંકિત કરતી હોય. આ પતંગિયાની મૌન ગતિ જોઈને કાચના કૂંડામાં સરકતી માછલીઓની ગતિ યાદ આવે. પંખીઓ નીરવતા પર પોતાના પગરવ જેવા ટહુકા અંકિત કરતા હોય ત્યારે તમે લાલ માટી પર પગલાં પાડીને માથેરાન તરફ આગળ વધો છો. તમારી કેડી અને મિની ટ્રેનની કેડી એકરૂપ બની જાય છે. તેના પાટાનાં ટચૂકડા સ્લિપરરૂપી પગલામાં તમારું પગલું અટવાય છે અને તમને યાદ આવી જાય છે : પગલું પગલામાં અટવાયું.

ઘટાદાર વૃક્ષોની છાયા બુટ્ટાદાર છાપ રચે અને મિની ટ્રેનની સાંકડી રેલવે લાઈન પર છત્ર બનીને લહેરાયા કરે. આ રેલ્વે લાઈનને તમે વનમાં બિછાવેલી ગાડીની કેડી કહી શકો. આ કેડીની બંને બાજુએ માનવીએ કેડી ચાતરી છે. એની પર ચાલતા હોઈએ ત્યારે ચારેકોર જાતજાતના લીલા રંગની લીલા જોવા મળે. છાયડામાં લહેરાતા પાંદડાનો શ્યામ લીલો, તડકામાં નહાતા પાનનો ખુશમિજાજી લીલો, પવનથી ઝંકૃત થઈ ઊઠતા ઘાસનો લીલો, ઘેરા કથ્થઈ થડ પર બાઝેલી શેવાળનો મખમલી લીલો, વૃક્ષ પરથી અચાનક ટપકતો લીલો રંગ જોતાં જોતાં આગળ વધતા રહીએ. અને મન શહેરની લીલાને ભૂલીને આ લીલા રંગે રંગાવાનું શરૂ કરી દે.

ગાડીની કેડીએ ચાલતાં ચાલતાં બજાર સુધી પહોંચી જવાય. બંને બાજુએ ગોઠવાઈ ગયેલી દુકાનો વચ્ચેથી પસાર થતા હોઈએ ત્યારે બીજું એકેય હિલ સ્ટેશન એનાં જેટલું આત્મીય ન લાગે. લગભગ દોઢસો વર્ષ પહેલાં લોર્ડ યુઝ મેલટે, શહેરથી માંડ બે કલાકના અંતરે આવું અરણ્ય જેવું સ્થળ શોધ્યું ત્યારે એને કલ્પના પણ નહીં હોય કે એ માનસિક તાણ અને ઘોંઘાટના જમાનામાં રણદ્વિપ બની રહેશે. માંડ આઠસો મીટરની ઊંચાઈનું હિલ સ્ટેશન આમ તો ઠીંગુજી ગણાય છતાં એ વિરલ છે. અહીં વાહનને આવવાની મનાઈ એટલે ઘોંઘાટ તથા પ્રદૂષણ માટે પણ નો-ઍન્ટ્રી. બસ, ઘોડાના ટપ ટપ અવાજ અહીંના વાતાવરણમાં પરોવાતા રહે ને કોઈ પ્રાચીન સમયમાં વિહાર કરાવતા રહે. માથેરાન બંને પ્રકારના લોકોને ગમે. તમે અહીંના કોઈ સરસ રિસૉર્ટની કોઝી રૂમમાં બેઠાં બેઠાં પસાર થતા સમયના પગરવને સાંભળી શકો. શક્ય છે કે તમારા રૂમની બાલ્કનીમાં વાંદરાઓનું ઝૂંડ આવી ચઢે અને તમારી અંદર પુરાઈ રહેલા તમારા બાળપણને ઢંઢોળે. બાળપણ એન ઘેન દીવા ઘેન કરતું દોટ મૂકે ને તમને હળવા ફૂલ બનાવી દે. તમને વિસ્તરવાનું ગમતું હોય તો દૂરનાં પૉઈન્ટ તમને સાદ દઈને બોલાવતાં હોય. માર્ગમાં અનેક ઢાળ મળે, પંખીઓના કલરવ મળે, ધરતીનાં અવનવાં સ્વરૂપ જોવા મળે. તમારામાં આ બધું ઊતરતું જાય, તમને સમૃદ્ધ બનાવતું જાય.

દરેક પૉઈન્ટનું વ્યક્તિત્વ જુદું જુદું. હનીમૂન પૉઈન્ટ એકાંત પૂરું પાડે. વન ટ્રી પૉઈન્ટ એક વૃક્ષને ધજાની જેમ ફરકાવ્યા કરે. પેનોરમા પૉઈન્ટ પરથી આકાશ અને ધરતીનો વિશાળ ફલક જોવા મળે. એકો પૉઈન્ટ તમારી લાગણીઓનો પડધો પાડે. થોડાં વર્ષો પહેલાં લોકો ત્યં ઊભા રહેતા. બૂમ પાડતા. આપણો અવાજ આપણી પાસેથી વહી જાય ને એકાદ પળ પછી પાછો આપણને મળવા આવે. આપણે એને કાન દઈને સાંભળીએ. પછી એ હંમેશ માટે વિખરાઈ જાય. એની સાથે આપણો એકાદ અંશ પણ પ્રકૃતિમાં લીન બની જાય. એનો જરાક રંજ પણ થાય. આવી અનુભૂતિ મેળવવાને બદલે હવે લોકો પાશવી પ્રવૃત્તિમાં પડ્યા છે. ત્યાં જઈને ફટાકડા ફોડે છે. જડત્વનો આટલો બધો વિસ્ફોટ થશે એવી કલ્પના કોણે કરી હતી, ભલા ? શોલેટ સરોવરના પાણી પર પવન દોટ મૂકે છે. એનાં પગલાં તરંગ સ્વરૂપે દેખાય છે. પાણી આપણા પગ તળેથી વહીને ખીણમાં ધોધ બનીને ખાબકે છે. દૂરની તળેટીમાં કોઈ ધોધ જુએ છે ત્યારે એમાં આપણો પરમ આનંદ પણ વહેતો દેખાય છે. પરંતુ સરોવર કાંઠે જમા થયેલો કચરો અને પાણીની બાટલીઓ મનને ખિન્ન કરી મૂકે છે. એમ તો રિસોર્ટના સ્વિમિંગ પુલમાં આકાશનું પ્રતિબિંબ નહાયા કરે છે. એમ થાય કે ચાલો, આકાશના એ ટુકડાથી તરબોળ બની જઈએ. એવામાં માણસો આવી ચઢે છે. દારૂના ગ્લાસ લઈને પાણીમાં ઊભા રહે છે. તેમનો નશો ક્યારે ઊતરશે ?

વર્ષાઋતુનું આકાશ ડહોળાયેલું લાગે. આકાશમાં મેઘનો નશો છવાઈ જાય છે. આકાશ ખીણ સુધી નીચે ઊતરી આવે છે. ધરતીને આલિંગન કરતું રહે છે. વરસાદ પડે છે ત્યારે આખું માથેરાન નાના બાળકની જેમ આંખ બંધ કરીને ઊભું ઊભું ભીંજાતું રહે છે. દિવાળીની રાતે રિસૉર્ટમાંથી બહાર નીકળ્યા ને આકાશ જોયું તો મનમાંથી ઉદ્દગાર સરી પડ્યા. જાણે રૂપાળી રાત કાલી ઓઢણી ઓઢીને સામે બેઠી હતી. એની ઓઢણીમાં અગણિત ટીપકીઓ ટાંકેલી હતી. એમ લાગતું હતું કે કોઈ ઊંચા વૃક્ષ પર ચઢીને એકાદ ડાળી ફેરવશું તો અનેક તારા ખરી પડશે. જો કે હવે દર દિવાળીએ અનેક ફટાકડા રાતની ઓઢણી સુધી પહોંચી જાય છે અને એમાં અનેક કાણાં પાડે દે છે.

દિવસો પૂરા થાય છે. કારમાં બેસીને રાતના અંધારામાં ઘાટ ઊતરવાનો વખત આવે છે. કારની હેડલાઈટ રાતના અંધકારને ચીરતી નીચે ઊતરે છે. વૃક્ષોના પડછાયા અવગતિએ ગયેલા જીવની જેમ આમતેમ ગતિ કરતા રહે છે. ઢાળ, ચઢાણ, ઊતરાણ બધું એકાકાર બનીને પેલા પડછાયાઓ સાથે પેંતરો રચે છે. નીચે પહોંચશું કે ઉપર એની અટકળ ચાલુ રહે છે, પણ કાર તમને નીચે પહોંચાડે છે. વાશી પહોંચીએ ત્યાં સુધી મન પર માથેરાન છવાયેલું રહે છે. તમે મિની ટ્રેનમાં બેસીને નેરળ આવો ને અચાનક લોકલ ટ્રેનનો અવાજ સાંભળો તો માથેરાનનો કેફ ત્યાં ઊતરી જાય છે. જો કે માથેરાનની યાદ કાયમ માટે મનમાં જળવાઈ રહે છે.