વ્યક્તિત્વનો ખ્યાલ – ફાધર વાલેસ

[પુનઃપ્રકાશિત]

માનસશાસ્ત્રના એક પ્રમાણભૂત ગ્રંથમાં વ્યક્તિત્વની લગભગ ચારસો જુદી – જુદી વ્યાખ્યાઓ લેખકે ભેગી કરી છે. આટલી બધી છે માટે એક પણ સારી નહિ હોય એવું અનુમાન સહજ કાઢી શકાય. પણ વ્યક્તિત્વ શું છે એનો ખ્યાલ તો સૌ કોઇને હોય છે. વ્યક્તિત્વમાં એ રૂપ નથી, કે ‘મસ્ત શરીર’ નથી, કે લોકપ્રિયતા નથી, કે બુદ્ધિમત્તા નથી. વ્યક્તિત્વમાં માણસની તમામ શક્તિઓ – શરીર, બુદ્ધિ, આત્મબળ, લાગણીનો સમાવેશ થાય છે. પણ જેમ કોઇ ચિત્ર ફક્ત ચિત્રપટ અને અમુક રંગોથી બનેલું નથી, જેમ કોઇ ભવ્ય ઇમારત ઇંટોનો ઢગલો નથી, તેમ વ્યક્તિત્વ પણ હાથ- પગ- બુદ્ધિ – લાગણી નો સરવાળો નથી. એ શક્તિઓનો દરેક વ્યક્તિમાં વિશેષ સમન્વય થાય છે, વિશેષ લક્ષ તરફ તે દોડતી હોય છે, અને તેથી વિશેષ વર્તન પણ એમાંથી નીપજે છે. ‘વિશેષ’ શબ્દ પર ભાર મૂક્યો છે, કારણ કે એ ‘વિશેષપણું’ તે વ્યક્તિત્વનું મુખ્ય લક્ષણ હોય છે.

તમે મોટરકારનું કોઇ મોટું કારખાનું જોયું હશે. મોટર તૈયાર થઇને એક પછી એક ‘જોડાણ કતાર’ (એસેમ્બલી લાઇન) પર બહાર આવતી જાય છે. બધી જ સરખી ! એ જ એંજિન, એ જ પૈડાં, એ જ ચાંપ, એ જ બેઠક. રંગ જુદો હોય તો આટલો જ ફેર. પણ મનુષ્ય એ એવા કારખાનામાં તૈયાર થયેલો માલ નથી. એ એક અદ્દભુત શિલ્પનું સર્જન છે, જેના કલા નમૂના બેવડાતા નથી. જેમ બે માણસની અંગૂઠાની છાપ સરખી હોતી નથી, તેમ વ્યક્તિત્વ પણ સરખાં હોતાં નથી, આટલું સામ્ય હોવા છતાં – બે પગ ને આંખ, મન અને હ્રદય, ભય અને પ્રેમ, ભૂખ અને તરસ ….દરેક માણસ એક જુદી, અનોખી, અનન્ય વ્યક્તિ છે. એ તેનું મહત્વ સૂચવે છે : કારખાનાના માલમાં ને કલાકારના સર્જનમાં જેટલો ફેર !

તમારે તમારું પોતાનું વ્યક્તિત્વ છે એ જ તમારે વિકસાવવું જોઇએ. બીજાઓ પાસેથી તમને પ્રેરણા મળી શકે; ‘આનો આ ગુણ હું મારામાં લાવી શકું તો સારું’ એવા શુભ વિચારો તમને અનેક વખતે સૂઝશે ; અને મહાન સ્ત્રી – પુરુષોનાં જીવનચરિત્ર વાંચતાં ‘હુ એના જેવો થઇશ’ એવો સંકલ્પ તમારા હ્રદય માં જાગ્યા વિના રહેશે નહિ. એ પ્રેરણા સારી છે. પરંતુ યાદ રાખો કે તમારું વ્યક્તિત્વ તમારું જ છે અને બીજા કોઇથી જુદું પડે છે. અંધ અનુકરણ એ મરણ છે.’ હા, આખરે તમારે ‘તમે’ જ થવાનું છે. દરેક માણસ માટે દુનિયામાં પોતપોતાનું સ્થાન હોય છે, તમારે માટે પણ. અને તમારું સ્થાન તમે જ લઇ શકો. તમારી આગળ તમારું જીવનકાર્ય પડેલું છે. એ તમે હર્ષથી ઉપાડી લેશો તો તમારું જીવન સાર્થક થશે. એક વાર જો આ વાત સમજાશે તો ઓછું આણવા, લઘુગ્રંથી બાંધવા, કે બીજાઓની અદેખાઇ કરવા અવકાશ રહેશે નહિ. (અને એ ઓછાપણું, એ લઘુતાના લાગણીઓ અને એ ઇર્ષા કેટકેટલા જુવાનોનો માનસિક વિકાસ રૂંધાવા અને કેટકેટલા માણસોનું જીવન પાયમાલ કરવા બદલ જવાબદાર છે !)

તમારાં કરતાં બીજા હોશિયાર હશે, પૈસાદાર હશે, રૂપવાન હશે…….; એક એક વસ્તુ લઇને દરેકમાં તમારાં કરતાં કોઇ ચડિયાતું તો નીકળશે જ. (અને આ તો દરેકને લાગુ પડે ને !) પણ એ બધી વસ્તુઓનું જે મિશ્રણ થાય છે એ કંઇક વિશેષ સ્થાન અપાવશે. નાટકમાં જુદાંજુદાં પ્રાત્રો ભાગ લે છે, રાજા પણ હોય છે અને વિદૂષક પણ હોય છે. પણ ઇનામ હંમેશા રાજાને જ મળે એમ હોતું નથી. વિદૂષક પોતાની ભૂમિકા રાજા કરતાં સારી રીતે ભજવે તો એને જ ઇનામ મળવાનું. વ્યક્તિત્વનાં વિશેષપણાં ઉપરથી તમને આ એક અગત્ય નો પાઠ મળ્યો છે કે દુનિયામાં તમારું સ્થાન છે અને એ પ્રાપ્ત કરવા ઉત્સાહથી તમારા આ વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવાનો રહેશે. પણ સાથે સાથે એમાંથી તમારી પહેલી ફરજ પણ ઊભી થાય છે, અને એ તમારું એ વ્યક્તિત્વ , તમારો સ્વભાવ ને તમારો મિજાજ, તમારા સંસ્કાર ને તમારી ટેવ-કુટેવો, તમારાં સિદ્ધાંતો ને તમારાં આદર્શો, તમારી બુદ્ધિ ને તમારી લાગણીઓ બરાબર ઓળખી લેવાની છે. પ્રથમ જ્ઞાન એ આત્મજ્ઞાન. આ કોઇ સિદ્ધાત્માનો ગુરુમંત્ર નહિ, પણ વ્યક્તિત્વઘડતરનો પહેલો વ્યવહારુ નિયમ છે. ઘણાં માણસો – શિક્ષિત ને સંસ્કારી પણ – પોતાની જાતને બરાબર ઓળખતા નથી એ હકીકત છે. અને અનેક ભૂલો ને નિષ્ફળતાનું કારણ એ જ અજ્ઞાન છે.

કોલેજ માં વિજ્ઞાન કે વિનિયન – કે વળી વાણિજ્ય – પસંદ કરતી વખતે, અને તેની અંદર પણ અર્થશાસ્ત્ર કે સાહિત્ય, ઇજનેરી કે ડોક્ટરી પસંદ કરતી વખતે વિદ્યાર્થીની કેટલીયે ભૂલો શિક્ષકોએ ભારે હ્રદયે જોવી પડે છે. એ ભૂલોનાં અનેક કારણ હોય છે. પણ તેના મૂળમાં વિદ્યાર્થીનાં જ વલણ, સ્વભાવ અને આવડત વિષેનું ઘોર અજ્ઞાન હોય છે. સત્તર વર્ષની ઉંમર સુધી પ્રભાવશાળી જર્મન વિદ્યાર્થી કે.એફ. ગાઉસ નિર્ણય લઇ શક્યા ન હતાં કે હું ભાષાશાસ્ત્રી થાઉં કે ગણિતશાસ્ત્રી થાઉં. સદભાગ્યે તે જ અરસામાં એક રાત્રે એણે સમબાહુકોણ ની રચનાને લગતી એક મહત્વની શોધ કરી. અને એ શોધના આનંદમાં જ ગણિતનો રસ્તો લેવાનો નિર્ણય કર્યો. એ સમયસરના નિર્ણયથી તેનું ખરું જીવનકાર્ય તેને જડ્યું. તેનું આખું લાંબું જીવન ગણિતની ઉચ્ચ સેવાથી દીપી ઊઠ્યું અને ગણિતના ઇતિહાસનાં વહેણ બદલાયાં.

તમારો સ્વભાવ કેવો છે; કેવા પ્રકારના મિત્રોને તમે પસંદ કરો છો ; તમારાં વિષે બીજાં શું શું માને છે, ભવિષ્ય માટે તમારાં મનમાં કઇ કલ્પનાઓ રમ્યા જ કરે છે; શું કરવાથી તમારું જીવન સાર્થક થશે એ પ્રશ્ર્નનો દિલથી કેવો જવાબ આપશો ; ‘હું લાગણીપ્રધાન છું કે વિચારશીલ છું કે વ્યવહારકુશળ છું’ એ વિષે તમે વિશ્વાસપૂર્વક શું કહી શકો છો… તમારું નામ – ઠેકાણું કોઇ પૂછે તો ઝટ દઇને જવાબ આપો છો. તમારું વ્યક્તિત્વ કેવું છે એ જો કોઇ પૂછે તો તમારી પાસે જવાબ તૈયાર છે ખરો ? તપાસ આદરી લો. તમારી જાતને ઓળખતા થાઓ. તમારો પોતાનો પરિચય મેળવી લો. એમ કરવાથી તમારા વ્યક્તિત્વનું ચિત્ર તમારાં મનમાં આપોઆપ ઊભું થઇ જશે, પ્રેરણા મળશે, ઉત્સાહ જાગશે અને વ્યક્તિત્વ ઘડવાનો – તે દ્વારા જીવનકાર્ય સાધવાનો – સભાન પ્રયત્ન શરૂ થઇ જશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રસન્ન દામ્પત્યની મહેક – ડૉ. ચંદ્રકાન્ત મહેતા
માથેરાન – હર્ષદ કાપડિયા Next »   

11 પ્રતિભાવો : વ્યક્તિત્વનો ખ્યાલ – ફાધર વાલેસ

 1. Khub saras hamana 2 4 divas thi ava sarash lekh ave che ke je jivan ma kak ne kaik samaj aap tu jay che.thank you mrugesh bhai and father valesh.

 2. નમસ્કાર ફાધરવાલેસ ગુજરાત ના અનોખા સાહિત્યકાર ફાધર વાલેસ સવાયા ગુજરતિ કેતલુ પાર્દશક તેમનુ વ્યક્તિત્વ ? પોતાનિ જાતને ઓલખતા શિખો

 3. ખુબ જ સુંદર અને જીવન ઉપયોગી.

  કુન્દનિકાબેન કાપડિયાની જીવન-એક ખેલ ની એક વાત ટાંકુ છું…..”એક એવી જગ્યા છે જે માત્ર તમે જ ભરી શ્કો છો, તમાર સિવાય તે જગ્યા કોઇ નહિ ભરી શકે”

  આપણે આપણા રસના વિષયમાં આગળ વધીએ તો આપણે કોઇના જેવા બનવાની જરુર નહિ પડે. આપણે આપણે જ રહીને બધાથી જાત ને નોખા પાડી શકીશું

 4. અશોક જાની 'આનંદ' says:

  સુંદર પ્રેરણાદાયક લેખ, સાચું જ કહેવાયું છે કે જેણે જાત્ને જાણી તેણે જગતને જાણ્યું, આપણે આપ્ણી વિશેષતાઓ અને મર્યાદાઓને ઓળખી લઇએ તો તે પ્રમાણે આગોતરું આયોજન કરી દરેક કાર્યોમાં સફળતાનો ગ્રાફ ઉંચે ને ઉંચે લઇ જઇ શકીએ, આપણા રસના વિષયોને સમજી જે તે ક્ષેત્રે વિકાસ કરી શકીએ.

 5. dr.kishor bhatt says:

  KHUBAJ SARAS LEKH.MANAS NI SACHI OLAKH TANA VYAKATITAVE MATHI MALE CHHE.

 6. maharshi says:

  સુંદર પ્રેરણાદાયક લેખ!

 7. Anila Amin says:

  જેમ તુન્ડે તુન્ડૅ મતિર્ભિન્ના તેમ વ્યક્તિએ વ્યક્તિએ જુદુ વ્યક્તિત્વ. સર્વાન્ગી વિકાસ શક્ય બની શકે પણ સર્વસમાન્

  વ્યક્તિત્વ અશક્યછે વ્યક્તિત્વના વિકાસના ઘડતરમા સમય, સન્જોગો અને પરિસ્થિતિની સાથે સાથે આસપાસનુ વાતાવરણ્

  મોટો ભાગ ભજવી જાયછે.આપનો લેખ ઉત્તમ અને પ્રેરણા દાયક બની રહેશે.

 8. Rachana says:

  ખુબ સુંદર લેખ…સાવ સાચી વાત …આપણે આપણે જ બની રહેવાનુ …

 9. Jen says:

  વાહ્…!!! અદભુત્.. Isn’t it???

 10. maitri vayeda says:

  સુંદર લેખ…

 11. roopal says:

  Namskar, aapno lekh gamyo.aand thyo.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.