- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ઘરસંસાર – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

[1] મૂડીનું વ્યાજ – જયંત ગ. જાગાણી

કહેવત છે કે ‘મૂળ કરતાં વ્યાજ વધુ મીઠું લાગે.’ ખરેખર દાદીઓને પોતાના પુત્ર કરતાં પૌત્ર-પૌત્રીઓ વધુ વ્હાલાં હોય છે. તેઓ પુત્રવધૂ સગર્ભા થાય ત્યારથી આવનાર બાળકની સંસારમાં આવવાની ચાતકની જેમ રાહ જોતાં હોય છે. સાથે સાથે પુત્રવધૂની વિશેષ કાળજી લેતાં, ઘરકામનો ભાર પોતા પર લઈ એને શક્ય એટલી રાહત થાય એવા પ્રયત્ન કરે છે.

બાળકના જન્મ પછી માતા કરતાંયે વિશેષ આનંદ દાદીને થતો હોય છે. બાળકના સ્વગૃહે આગમન પછી તો એમની જવાબદારી અને ચિંતા ઘણી વધી જાય છે. બાળકના સ્વાસ્થ્ય વિશે એની કાળજી જોવાજેવી હોય છે. બાળકનું આંખ માથું દુઃખે તો દાદીના જીવ ઉપર-તળે થઈ જાય. બાળકમાં સારા સંસ્કારો આવે, હોંશિયારી આવે એ માટે પોતાની આવડત પ્રમાણે સુંદર વાર્તાઓ-ગીતો દ્વારા એમને હસાવતાં-રમાડતાં સંસ્કારોનું સીંચન કરે છે. એની સાથે કાલું-કાલું બોલતાં પોતે પણ બાળપણમાં સરી જાય છે. સરવાળે બાળકના ઉછેરમાં દાદી-નાનીનું યોગદાન ઘણું ઘણું જ છે. પણ વિડંબના એ છે કે સમાજમાં આ બાબતે દાદીના યોગદાનની જોઈએ એવી કદર થતી નથી. બાળક જ્યારે મોટો થાય છે ત્યારે દાદીએ આપેલ ભોગ બદલ એને તો ખબર નથી હોતી, પણ એને જણાવવામાં પણ નથી આવતું.

સાહિત્યકારોએ, પ્રવચનકારોએ પણ માની મમતાની, માવજતની ઘણી-ઘણી પ્રશંસા કરી છે. કરતા હોય છે, પણ તેઓ દાદીના યોગદાનને વિસરી જાય છે. બાળકના માતા-પિતાની ફરજ છે કે બાળકો મોટા થાય ત્યારે દાદીએ આપેલ સ્નેહ એના ઉછેર માટે ભોગવેલ કષ્ટોની એમને વાતો જણાવે જેથી બાળકોમાં એમના માટેનો આદરભાવ જાગૃત થાય જેથી ક્યારેક વડીલોની થતી અવહેલના રોકવામાં એ સહાયભૂત થાય.

[2] દીકરી-સુગંધનું ઉપવન – રોહિતકુમાર ખીમચંદ કાપડિયા

જીવી-કરસન અને દીકરી સીતા આ ત્રણેનો ગુંજતો-કિલ્લોલતો પરિવાર જીવીના મૃત્યુથી ખામોશ થઈ ગયો. કરસનના માથે તો જાણે આભ તૂટી પડ્યું. એ ઉદાસ થઈ ગયો. નિરાશ થઈ ગયો. હતાશ થઈ ગયો. ખાવા માટે ભાણા પર બેસે, પણ કોળિયો ગળે ઊતરે નહીં. વારંવાર આંખમાંથી આંસુડાં નીકળી પડે. દુઃખનો ભાર વધી જાય તો ખૂણામાં જઈને બીડીના દમ ભરી આવે. જીવીના મૃત્યુને સાત દિવસ થઈ ગયા. એ દિવસે કંઈક વધુ ગમગીન હોવાથી આંસુઓ સારતાં સારતાં એક પછી એક બીડીના દમ ભરી રહ્યો હતો.

ત્યાં અચાનક જ એમની બાર વર્ષની દીકરી સીતા પાસે આવીને બોલી, ‘બાપુ, હું તમારા પગ દબાવી દઈશ, માથું દબાવી આપીશ, તમને ભાવે એવાં ભોજન બનાવી આપીશ. તમે ભોજન કરતા હશો ત્યારે વીંઝણો ઢાળીશ. તમારા સૂવા માટે ખાટલો તૈયાર કરી દઈશ. ‘બા’ની જેમ જ હું તમારો ખ્યાલ રાખીશ. તમને જરાય ‘બા’ની ખોટ સાલવા નહીં દઉં, પણ તમે રડો નહીં. મારાથી તમારાં આંસુડાં જોવાતાં નથી, પણ બાપુ, હું ‘બા’ની જેમ તમે બીડી પીતા હશો ત્યારે વઢી નહીં શકું. હું નાની છું ને !’ આ સાંભળતાં જ એણે બીડીને પગ તળે કચડી નાખતાં કાયમ માટે છોડી દેવાનું નક્કી કર્યું. બાર વર્ષની દીકરીને વહાલથી ગળે લગાડતાં ને માથે હાથ ફેરવતાં તેણે કહ્યું : ‘બેટી, નાનો તો હું છું. તું તો એકાએક મોટી થઈ ગઈ છે.’ કરસનની આંખનાં આંસુ ઓષ્ઠ સુધી આવીને સ્મિતમાં પલટાઈ ગયાં.

[3] વિકાસના પડછાયા – બિંદુ મહેતા

ઉચ્ચ શિક્ષણ લઈ આજે લોકો ઉચ્ચ સ્તરની નોકરી કે પ્રોફેશનમાં પાંચ થી છ આંકડામાં (મહિને) કમાય છે. પૈસા પ્રમાણે સ્ત્રી-પુરુષ બન્ને ગળાડૂબ કામમાં ડૂબેલા હોય છે. (સોમથી શુક્ર અને શનિ) માથું ઊંચું કરવાનો ટાઈમ ન હોય અને પછી આરામ માટે શનિ-રવિ કે રવિવારે મોંઘીદાટ જગ્યાએ ફરવાનું કે હોટલોમાં જવાનું અને તેથી પરિવારના સભ્યોને ખાસ વડીલોને સંતાનને કામની વાત પણ ફોન પર કરવી પડે છે. તેઓ તરફ જોવાનો પણ સમય કે ધ્યાન હોતું નથી. એક ઘરમાં હોવા છતાં ઘણા પૈસા મળતાં ઘરમાં સાધનો ને સેવકોની સગવડ પૂરી પાડી શકે છે, પણ ઘરમાં ઘરના સાથે રહેવાનો સમય મળતો નથી. ઘરમાં રહેતા લોકો એકલતામાં ફસાતા જાય છે અથવા ક્યારેક કામનો બોજો સાસુ કે ઘરમાં રહેતાં સ્ત્રી વર્ગને વધે છે. કમાતાઓનું ખાવા-પીવાનું અને અન્ય સગવડ પૂરી પાડવા માટે તહેનાતમાં રહેવું પડે છે.

સંતાનવાળા દંપતી કામને કારણે સંતાનોને નોકરો પાસે રાખે છે અને તેઓને વિવિધલક્ષી પ્રવૃત્તિમાં ગોઠવી દે છે, જેથી તેઓને પણ ભણવા સાથે ઈતર પ્રવૃત્તિમાં મા-બાપ જેવી જ વ્યસ્તતા કે ભાર અનુભવવાનો વારો આવે છે. માતા કે પિતા કે બન્ને જ્યારે સારું કમાતાં હોય ત્યારે વૈભવશાળી જિંદગી જીવવાનું પસંદ કરે છે. છે તો શું કામ ન વાપરવું ? તેમ માનીને બાળકમાં પણ નાનપણથી જ વૈભવશાળી જિંદગી જીવવાની આદત પાડી દે છે. યુવાનો માટે ઠીક છે પરંતુ બાળકો માટે તે ભવિષ્યમાં આવતા પડકારો ઝીલવા માટે તૈયાર નથી હોતા અને તેમના માટે આવતી મુશ્કેલી હાનિકારક પુરવાર થાય. તેઓ ગમેતેવી કે વિકટ પરિસ્થિતિમાં ઓછાથી ચલાવવું જોઈએ તેવી રીતે ટેવાયેલા હોતા નથી. તેઓને ખરાબ સમય સાથે સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે છે. જરા સામાન્ય વસ્તુ કે વ્યક્તિ સાથે તેમને ફાવતું નથી. આ બધા માટે પૈસા સર્વોપરી બાબત બની જાય છે.

કમાતા લોકોને એમ લાગે છે કે ઘરમાં મા-બાપને જોઈએ તેટલા પૈસા અમે આપીએ છીએ. મોટરગાડી, સેવકો, કપડાં-લત્તા, દાનધર્મ, તો હવે બીજું શું વધારે જોઈએ ? પરંતુ યુવાન કમાનારાઓને તે ખબર નથી હોતી કે સંતાનો ઘરમાં આવ્યા ન હોય ત્યાં સુધી મા-બાપને ઊંઘ આવતી નથી. તે આવે ત્યારે ‘તું આવી ગયો દીકરા !’ તે બે શબ્દો માટે તેઓ જાગતા પડ્યા રહે છે. બે વસ્તુ ઓછી હશે તો તેમને ચાલશે, પણ સંતાન તેમની પાસે બેસે, બે વાતચીત કરે, દિવસમાં શું કર્યું, કોણ મળ્યું, શું થયું વગેરે… વગેરે… પણ સંતાનોને સમય નથી. એમાં શું કહેવાનું અને શું સાંભળવાનું ? તેવું લાગે છે અને માતા-પિતા સંતાનો સાથે રહેતાં હોવા છતાં, ઘણી વાર લાગણીપણા હોવા છતાં, જીવનમાં જીવવાનો સંતોષ કે આનંદ મળતાં નથી. કમાનાર યુવાનોને પોતાનાં સંતાનો માટે પણ ઘણી વાર સમય મળતો નથી. અનેક ટ્યુશનો અને વર્ગો પોતાનાં બાળકોનો સર્વાંગી વિકાસ કરશે તેમ માને છે, પણ ત્યાં પણ કાંઈક ઘણું ખૂટે છે તે દેખાતું નથી. કદાચ ગરીબાઈની સમસ્યા કરતાં આ અમીરાઈની સમસ્યા ઓછી નથી. આજે તણાવનું મોજું વૃદ્ધોથી બાળકો સુધી પહોંચતું જોવા મળે છે. બાળકો પણ જે ખીલવાનો-મજા કરવાનો નિર્દોષ આનંદ મેળવવાનો સમય છે, તેની સાથે ભણવાનો સમય છે ત્યારે તણાવ અનુભવે છે.

પોતાના ગજાથી કે શક્તિ કરતાં વધારે પડતું ભણવાનું, જ્ઞાનની ચમક મોઢા પર ન લાવતાં ભણવાનો થાક, કંટાળો અને જુદા રહેતા હોય ત્યાં એકલતાનો અનુભવ કરાવે છે. તે દેખીતા વિકાસમાં અંદરખાને અધોગતિ અથવા ઝડપી દોડ પછીની હાંફ કે થાક અનુભવે છે. જે ઘણી વાર ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શકતા નથી અથવા અનેક માનસિક ગૂંચવાડામાં પડે છે. યુવાનો વડીલ તથા સંતાનોને જોડતી કડી બની શકતા નથી. સંતાનોને વૃદ્ધોની વાતોમાં રસ નથી કે સમય નથી. યુવાનોને પણ સમય નથી અને વૃદ્ધો સિનિયર સિટિઝન ગ્રુપમાં મંદિર, ગાર્ડન કે ઓટલા પર સમય પસાર કરતા હોય છે, કારણ કે ઘરમાં કોઈ હોતું નથી કે જેને વૃદ્ધોનાં ડહાપણ કે અનુભવની વાતો સાંભળવામાં રસ હોય કે સમય હોય. આ છે વિકાસના પડછાયા – ત્રણે પેઢીને સાંકળી લેતા, છતે પૈસે આનંદ ગુમાવતા અને જિંદગીને બોજરૂપ બનાવતા. આ પાશ્ચાત્ય જીવનનું અનુકરણ કરતી જીવનરીતિનો સાચો માર્ગ છે ખરો ? અમૂલ્ય એવા માનવમનથી જે સર્જન થાય છે તેનાથી ઘણો આનંદ થાય, પણ માનસિક શાંતિના ભોગે આ વિકાસ કેટલો ઉપયોગી બનશે અને લાંબા સમય સુધી માનવશક્તિને વિકસાવશે કે ટકાવી રાખશે તે એક પ્રશ્ન બનીને ઊભો રહ્યો છે. બહુ ઝડપી દોડ થકવી નાખશે નહીં ? લાંબા વિકાસ માટે હજી કાંઈ સમજની અને યોગ્ય આયોજનની જરૂર છે.